Rekhli Nu Man in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | રેખલીનું મન

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

રેખલીનું મન

રેખલીનું મન

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧. રેખલીનું મન

એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી; ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય.

સંસ્થાનું મકાન કાંઈ નાનું નહોતું. ચાર નાના, મોટા ઓરડા, બે મોટી પરસાળવાળા વિશાળ મકાનમાં ત્યારે માત્ર બે વ્યક્તિઓ હતી. એક તો તે અને બીજો સામંત.

એક પળ માટે, ખુદ રેખાને આ સ્થિતિ વિચિત્ર લાગી હતી; થયું હતું કે તે દોડતીક પેલા ટોળામાં ભળી જાય ! બહુ બહુ તો એને કુંદનકાકી ઠપકો આપીને કહે - ‘એલી રેખલી, કેવી વેંતાબળી છે તું ? ટે’મનો ય ખ્યાલ નો રીયો ?’

પણ એ એમ કરી શકી નહીં જ. પગ અને મન, ચોંટી જ રહ્યાં જડબેસલાક. અને મનમાં તો આગલા ખંડમાં બેઠેલા પુરુષ સામંતનો પ્રવેશ પણ થઈ ચૂક્યો હતો.

હા, સામંતે જ એને કહેવરાવ્યું હતું - ‘મળી જાજે સાંજે, બધાંય જાય પછી.’

એ બારી-બારણાં વાસવાનું પતાવીને, સાડીનો છેડો સમો કરીને બારણાની આડશે ઊભી ત્યારે હૈયું ધકધક થતું હતું. એ દરમ્યાન જ વિચારી લીધું હતું.

ભલેને, બેચાર મિનિટ પસાર થઈ જાય - એમ જ. કદાચ એકાદી પાછીય ફરે - ટોળામાંથી, કશાક કામસર. કોઈ કદાચ કશું ભૂલી પણ ગઈ હોય !

હૈયાનો ફફડાટ શમ્યો નહીં પણ વધ્યો ઊલટાનો.

એણે આડશમાંથી અંદર દૃષ્ટિ ફેંકી - સામંત સામે જ એ તો ખુરશી પર હાથ ફેલાવને બેઠો હતો. ટેબલ પર પડેલી ફાઈલો વ્યવસ્થિત હતી. એને એ સમયે કશું બીજું કામ જ નહોતું એવું જણાયું રેખાને. એ મલકી કદાચ પહેલી વાર. સ્વસ્થ બની રહી હતી. એની નિશાની હતી.

રેખા એક ડગ આગળ વધી ને બારણું ખખડ્યું હતું. રેખાનો એક હાથ આગળ આવ્યો હતો, એની દૃષ્ટિ મર્યાદામાં.

ખુદ સામંત જ બોલ્યો હતો - ‘કોણ, રેખલી ?’

બરાબર આવી જ સ્થિતિ હતી રેખાની - બે વરસ અગાઉ એ નવીનવી પરણીને દેવલાના ઘરમાં આવી હતી. નવું ઘર, નવું ગામ, અને નવી વ્યક્તિઓ ! દેવલાને ક્યાં ઓળકતી હતી - નખશિખ ? એક બે વાર અલપઝલપ જોયેલો, દૂરથી.

માએ કહેલું - ‘જો... આ તારો વર. જોઈ લે ધરાઈને.’

મૂળમાં માની હતી જ માંડ. એને ક્યાં પરણવું હતું ? એ તો પાધરો ઉલાળિયો જ કરતી - ‘તારે જેને પરણાવવી હોય એને પરણાવ. પરણે મારી બલા ! તને છોડીને ક્યાંય નથી જાવું !’

પછી વિધવા માએ કળથી કામ લીધું હતું.

‘જો, હું તને બગસરાવાળા પાટલા આપીશ, પણ એ લોકો તો તને ગળાનો હાર, નાકની ચૂંક અને પગની ઝાંઝરી... કરવાના છે.’

અને રેખલી ઊછળી પડી હતી, હરખથી.

‘માડી, પટાવતી તો નથી ને ?’ એણે ભૂતકાળના અનુભવો પરથી માને ચકાસી હતી.

એને ઝાંઝરા કેટલાં પ્રિય હતાં - છેક બાળપણથી ? ઝાંઝરાનું નામ પડે ને ગાંડીઘેલી થઈ જાય.

થઈ ગઈ તૈયાર, દેવલાને પરણવા. આમ તો એ કાંઈ જચ્યો નહોતો રેખલીને.

‘ચાલ, પરણીશ એને. પણ ઝાંઝરાનું તો પાકું ને ?’

છેક પરણવા બેઠી ત્યાર જ જાણ થઈ હતી કે દેવલો ડ્રાઇવર હતો. એના કપડાંમાંથી ગંધ આવતી હતી - પેટ્રોલની.

બેનપણીએ વિનોદ કર્યો હતો - ‘એય જાજે, એના ભેગી ટ્રકમાં. લઈ જાશે - મુંબઈ લગી !’

સાસરીનું ઘર તો ગમી ગયું. ઓરડો, રસોડું, અલગ ઓરડી ના’વાની. એય લે’રથી નવાય. રેખાએ વિચારી લીધું - તરત જ.

એ રાતે બેચાર મે’માનો હતાં એય આઘાપાછા થઈ ગયાં હતાં. જડીએ એનો ખાટલો ખુલ્લામાં રાખ્યો હતો.

પછી રેખલી સમજી જ જાય ને કે ઓરડામાં કોણ સુવાનું હતું ? એ ઝાંઝરી રણઝણાવતી ઓરડામાં ઘૂસી હતી. કપડાંય લગનનાં. કેવી નવી નવી લાગતી હતી ? ને મનમાંય કશી રણઝણ થતી હતી - દેવલાની જ સ્તો ! શું કરશે દેવલો ? હજીયે પેટ્રોલની ગંધ તો... અનુભવાતી જ હતી.

અને ‘મારી રાણી, મારી વા’લી’ કરતો દેવલો ભીતર આવ્યો હતો. બસ ત્યાં યે રેખલીએ ડહાપણનું પ્રદર્શન કર્યું હતું.

એણે તરત જ ભીંત પરની અંબામાની છબી ઊંધી કરી નાખી હતી.

‘માતાજીની આમન્યા તો રાખવી જોવેને !’ એ બોલી હતી વટથી. અને દેવલો ખુશ થઈ ગયો હતો. ‘માળી, હુંશિયાર તો ખરી. મને કેમ નો સૂઝ્‌યું ?’

પછી તો રોજ રાતે નવી ગમ્મત, નવી વાતો. રેખલીના ઝાંઝર રણઝણ્યા કરે, આખો દિવસ. રાતે એ, કાઢીને પાંગત નીચે મૂકી દે. કહે પણ ખરી - ‘બા સાંભળે તો કેવું લાગે ? રાતની શાંતિમાં તો બધુંય કાને પડે !’

અને દેવલો ખડખડ હસી પડે. ‘માડીને કાન હોય તો ને ? તું તારે લે’ર કર !’ ખુલ્લી ઓસરીમાં પડી પડી જડી તો વાળી નવી દુનિયામાં જીવતી હોય. ‘આ સારાં પગલાંની. સાવ સીધો થઈ ગયો આ અટકચાળો ! રોજ જાય છે નોકરીએ, તિયાર થૈ ને. રેખલી રાહ જોતી હોય ને ટે’મસર પાછોય આવી જાય છે. નૈ તો આવું ક્યાં હતું ? લગભગ તો નોકરીએ જાતો જ નૈ. આ લાલચ આપી વહુની ને લે’નસર થૈ ગયો.’

અને રેખલીના માન વધી ગયાં. જડીને તો કામમાં યે રાહત થઈ હતી. ફુદરડીની જેમ ફરી વળતી હતી. ઓરડી ચોખ્ખી ચણાક. ખાટલોય વ્યવસ્થિત. ઓછાડની ઘડી સરખી કરી નાખે. બેય જણાં સૂતાં હોય એવું લાગે જ નહીં ને ! સાવરણી ફરી જાય, સવારના પોરમાં, છેક ડેલી સુધી. પાછી નાહી ધોઈને અરીસા સામે ઊભી રહી જાય - વાળ ઝાટકતી.

જડીને ભાગે તો કશુંય નહોતું રહ્યું.

‘લો... ફેરવો માળા. બવ કામ કયરું તમે.’ એવું રેખલી બોલે. ને પેલો ઓટીવાળ નોકરી કરે બરાબર. આવે ત્યારે જડીના હાથમાં પૈસાય મૂકે.

ભયો ભયો થઈ ગયું જડીનું. આવું સુખ તો આખા આયખામાં મળ્યું નહોતું. તે કેવડી થઈ ? મનમાં વસી ગયું કે રેખલી સારાં પગલાંની. નહીં તો એમણે તેને આપ્યું’તું પણ શું ? વાત ઘણી કરી હતી પણ આપ્યાં’તાં તો ખાલી - બાપાવારીના ઝાંઝરાં જ, જે જડીનેય એની સાસુએ... ચડાવ્યાં હતાં.

કેવી શોખથી ફરતી હતી - આખા ઘરમાં ? જડીને ક્યારેક લાગતું હતું કે જાણે એ જ ફરી રહી હતી ! બધું યાદ તો આવે જ ને ?

વરસ વીત્યું. ચોમાસાામં આપદાય પડી જડી ને. તો પણ પડી રહી રસોડાાં. ઘરમાં તો સરસ ચાલતું હતું. પેલો પૈસાય આપતો હતો. પણ... સાંભળવા ઇચ્છતાં હતાં એ સમાચાર મળતાં નહોતાં. ઘર ક્યાં નાનું હતું ? અને ઘોડિયાની દોરી ખેંચવા એ તૈયાર પણ હતાં. અરે, આતુર હતાં ! પણ કેમ કશું...? જડીની એક પીડા હતી. નવરી પડે ને રેખલીના પેટ પર જ નજર જાય.

‘બા... આજે તમે ચૂલો સંભાળજો.’ રેખલી તો સાવ સહજ જ કહે પણ જડી વલોવાઈ જાય. આને કાંઈ થતું નૈ હોય ? એવો વિચાર પણ આવે. પણ રેખલીને તો કાંઈ જ નહીં. ખડખડ હસ્યાં કરે - ફળીમાં બેઠી બેઠી ઝાંઝરી ખખડાવ્યા કરે.

એક વિચાર તો એનેય કનડે, ‘હવે દેવલાના કપડાંમાંથી પેટ્રોલની ગંધ કેમ નો’તી આવતી ? બાકી તો, એય આખી પથારી આખી પેટ્રોલ પેટ્રોલ થઈ ગઈ હોય !’

રેખલી તો કહેતી - ‘મને હવે તો આ ગંધ ગમવા લાગી છે. આ ગંધ હોય તો જ જામે.’

અને દેવલો ખડખડ હસી પડે. પણ હવે કેમ... એ ગંધ અનુભવાતી નહોતી - નાક ખોસી દે તોપણ ?

દેવલાની ભાષાય બદલાઈ ગઈ હતી. રાતે મોડે મોડે ઘેર આવતો ને તરત જ વળગતો રેખલીને.

રેખલી બીજું વળી કેટલુંક વિચારે ? હવે તો એના હાથણાં પૈસાયે દેતો. દશ દશની નોટો, એના માથા પરથી ઉતારીને... લે, મારી રાણી કહીને... રેખાને આપે. રેખા તો ખુશ ખુશ. બસ, આ જ સુખનું સરનામું. દિવસે ઝાંઝર અને રાતે દેવલા સાથેની મસ્તી.

જડીની અકળામણ એને ક્યાંથી સ્પર્શે ? જડી વિચારેને સૂનમૂન થઈ જાય. ઈશ્વરને સંભારે ને ભાવમય થઈ જાય.

‘મારા નાથ... કાં સંભાળ કે દોરી ખેંચી લે. નતે સોંપ્યું !’

ક્યારેક થતું કે રેખલીને સાચી વાત કરી દે ! પણ મન માનતું નહોતું. એ અવળું લે તો ? એ ડર વળગતો ને શાન્ત થઈ જતી.

અને એક સવારે દેવલાએ ઝપટ બોલાવી. કહ્યું પત્નીને, ‘લાવ તારા ઝાંઝરાં. ઉજળાવી નાખું. કેવી ઝાંખપ લાગી છે ?’

એ ગયો, ઝાંઝરાં લઈને. આજ ઘડી ને કાલનો દી.

એક દિવસ, બે દિવસ...! બસ, પાછો ન જ આવ્યો.

હેબત ખાઈ ગઈ રેખલી. જડી તો થીજી જ ગઈ ! ઓહ મૂવો ઝાંઝરી લઈને...! કપાળ ફૂટ્યું એણે.

પ્રતીક્ષાની હદ ઓળંગાઈ ગઈ. ઑફિસે તપાસ કરી તો થોડું સત્ય બહાર આવ્યું હતું. ઑફિસે ક્યાં જતો હતો, છેલ્લાં બે માસથી ? પછી તો એ સ્થળ પકડાયું. પહેલાં પણ ત્યાં જ જતો હતો, જુગાર રમવા. થયું - ભેદ ઉકેલાઈ ગયો, પેટ્રોલની ગંધ નહોતી આવતી એનો ! રેખલી સ્તબ્ધ થઈ ગઈ. આ એનો પતિ-પુરુષ ! બસ, ચાલ્યો ગયો ? કશું કહ્યા વિના જ ? આ તો છલના જ કે’વાયને ! કોના ભરોસે મૂકી ગયો, ડોસીને ?

અને છતાંય એનો સાથ તો યાદ આવી જતો હતો. કેવી મસ્તી કરતો હતો, શું કહેતો હતો એને - મારી રાણી, મારી વાલી ?

પછી તપાસ શરૂ થઈ ગઈ. દાણા જોવરાવ્યા. માનતા-બાધા-આખડીઓ !

‘બાવો તો નહીં થયો હોયને - એના બાપની જેમ ?’ જડીને ફાળ પડી હતી.

જડીને તો બીજી ફડક પણ પેસી હતી; આવડી આ તો કંટાળીને હાલતી નૈ થઈ જાય ને ? આમ તો સારી જ છે પણ ધણી વિના શું કરે અહીં ? જુવાની તો અલ્લડ ગણાય. અને ફોસલાવવાવાળાં પણ નીકળે જ ને ?

આ દેવલાનો બાપ ભાગી ગયો ત્યારે જડીનેય એવાં વિચાર તો આવ્યા જ હતાં કે એ ભાગી જાય કોઈ જુવાનિયા સાથે ! મન એવું ઉલળ્યું’તું કે ભાગી જ જાત ! પણ પછી દેવલો યાદ આવ્યો હતો - કારણરૂપ.

અને આ તો સાવ છડી જ હતી - છોકરાં વિનાની ! જડી ડામાડોળ થઈ ગઈ હતી.

પણ ત્યાં જ એક દિશા ફંટાઈ હતી. ઊંડી શેરીવાળી કુંદને રેખલીને ફૂંક મારી હતી - ‘એ તો આવશે પાછો. એની ચિંતા ન રાખ. કોણ સંઘરવાનું હતું એને ? હાલ મારી હારે પાપડ વણવા પૈસાય મળશે - ખોબો ભરીને. મજાય પડશે ટોળામાં. આમ ડોસીને ઝાલીને ઘરમાં ક્યાં લગી બેસીશ ?’

ડોસી તો રાજી જ થાય ને ? એ તો આ ટકશે જ નૈ એમ માનીને બેઠી’તી ! એ શું ધારતી’તી ને શું બનતું’તું ! જડીએ ઉપરના ભગવાનનો પાડ માની લીધો.

રેખલી થઈ ગઈ તૈયાર.

ઝાંપામાં પ્રવેશી ત્યાં એક નવી ગંધે ઘેરી હતી. દેવલોય યાદ આવી ગયો. કેવો પેટ્રોલ પેટ્રોલ... થતો હતો ? એય એવી જ થઈ જતી હતી !

એણે ટેકો લેવા કુંદનના ખભા પર હાથ મૂક્યો હતો. ‘ગભરાતી નૈ. હું છું ને, સાથે. અને સામંત કંઈ વાઘ-દીપડો નથી !’ કુંદને એને હિંમત આપી હતી.

‘સામંત ?’ એ પ્રશ્ન હોઠ પર જ રહી ગયો હતો.

આગળનો ખંડ ઑફિસ તરીકે વપરાતો હતો. ખુરસી, ટેબલ, ઉપર ફરતો પંખો અને સામંત ! ચાલીસેક વરસનો સામંત. જરા કરડી મુખાકૃતિ. ખાસ્સો પ્રભાવ લાગ્યો રેખલીને. હજી હમણાં જ એનું નામ લીધું હતું કુંદને.

એ ભીતરથી જરા થથરી હતી. કુંદને હસીને કહ્યું હતું એ સામંતને. ‘સામંતભ’ઈ... લખી લો, આ રેખલીનું નામ. મારી જાણીતી છે. વર દેવલો ઓટીવાળ નીકળ્યો. બચાડીની ઝાંઝરીયે લઈને ભાગી ગ્યો. થ્યું કે લેતી આવું પાપડ વણવા. કામમાં જીવ પરોવાય ને બે પૈસા મળે !’

સામંતે એક અલપઝલપ દૃષ્ટિપાત કરી લીધો, રેખા પર. પછી તરત જ બોલ્યો - ‘હં નખાવો પૂરું નામ, સરનામું.’ ને કુંદન હરખાઈ ગઈ. સાવ સરળતાથી પતી ગયું હતું. નહીં તો એ કેટલી લપ કરે - કામમાં લેતાં પહેલાં ? છેલ્લે એમ પણ કહે - બરોબર કામ કરજે નહીં તો...!

પછી આખો ખેલ ભર્યા નારિયેર જેવો જ બની જતો.

કુંદન મનોમન વિચારતી હતી કે આમાં એનો જાદુ હતો કે આ રેખલી રૂપાળી હતી એ કારણભૂત ! ગમે તેમ પણ લેવાઈ તો ગઈ જ.

અંદર પણ અચરજ જ હતાં.

એક ખૂણામાં લોટ ટૂંપાતો હતો. બેત્રણ સ્ત્રીઓ હાથોથી મસળતી હતી. ચકચકિત શરીરો અને ચકચકતાં લોટના પિંડાઓ.

એક મીઠી ગંધ આખા ઓરડામાં હતી. બીજી તરફ ટૂવા થતાં હતાં - માપસરના.

અને ટોળી મળીને... પંદર-વીસ, બધી જ વયની સ્ત્રીઓ પાપડ વણતી હતી. એક સામટી બધી જ નજરોએ રેખાને ઘેરી લીધી.

કુંદનકાકીએ કામની સમજ પાડી.

‘જો શરૂમાં એકાદ બગડેય ખરો. મૂંઝાતી નૈ. આપણને બૈરાવને તો આ તરત જ ફાવી જાય.’

અને એણે પ્રારંભ કર્યો કામનો. ચીવટપૂર્વક, વેલણને ચલાવ્યું. મૂળ તો પાતળો વણાવો જોઈએ, એક સરખો ને ગોળ. થોડો વધુ સમય લાગ્યો ને ફાવી પણ ગયું.

‘હં... બરોબર.’ કુંદનકાકીએ સરસ હોંકારો આપ્યો. પાસેની સ્ત્રીએ તરત જ હસીને પૂછી લીધું - ‘શું તારું નામ ? મારું નામ ગુલસન.’

બેચાર દિવસોમાં તો આખઆ ટોળાનો પરિચય થઈ ગયો હતો; અરે હિસ્સો જ બની ગઈ ! ઝુબેદા, ગોમતી, ગંગા, ગોદાવરી, હીરી, સંતોક, રેવા - આમ બધું કોઠે ચડવા લાગ્યું.

પાપડ તો વણાય ને વાતો પણ વણાય - સાથે સાથે અને એમાં એ લોકોની અલગ અલગ જિંદગીઓ પણ ખરી. ક્યારેક મજાક તો ક્યારેક ગંભીર વાત. સુખની ચમક દેખાય અન ેદુઃખની વેદના પણ સપાટી પર આવે.

રેખલી કશું બોલે નહીં, એ સહુના સુખ દુઃખ સાથે પોતાની જિંદગીને સંભાર્યા કરે, મન સાથે તડજોડ કરતી રહે.

આ સુખ જ હતું ને ? દર શનિવારે કેટલાં પૈસા હાથમાં આવતાં હતાં ? અંગૂઠો પાડીને ટપ દઈને સામંત પાસેથી કવર લઈ લેતી હતી. એણેય ગણ્યાં, ડોસીએય ઘણ્યાં, પહેલી વાર તો. રેખલી કેટલી ખુશ હતી ? એ પોતે કમાઈને લાવી હતી !

‘વઉવ... પિટ્યાવ ઘણાંય પૈસા આલે છે.’ ડોસીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કામના પૈસા તરત જ.

અને ડોસીએ રેખલીને વખાણી પણ ખરી. ઘરમાં ડોસીને પડખે સૂતી હોય ત્યારે પાપડ સાંભરે, કુંદનકાકી સાંભરે, પેલી સ્ત્રીઓ પણ. ક્યારેક ક્યારેક દેવલોય સાંભરે. પણ થાક હોય ને દિવસભરનો, એટલે ઊંઘેય ટપ દઈને આવી જાય !

ક્યારેક ક્યારેક સપનામાં સામંત દેખાય. સવારે હસી પડે. કુંદનકાકીએ સૂચના આપી હતી કે પૈસાનું કવર બરોબર ગણી લેવું, ક્યારેક કવરમાં એકબે નોટ વધુ પણ નીકળતી.

‘કેમ એમ ?’ રેખલીનો ચહેરો જ પ્રશ્ન થઈ ગયો હતો. સાવ અવળું ! ‘હા... પિટ્યો સામંત ક્યારેક વધારેય... આલે. પૂછીએ તો કહે કે... કામ સારું છે ને એનું ઇનામ.’ કુંદને સ્પષ્ટતા કરી હતી.

પણ ગોમતીએ જુદી વાત કરી હતી.

‘રેખલી... સામંત પુરુષ તો ખરો ને ! આપણે બધીયું પુરુષને તો જાણીએ જ ને. જરા ચેતતા રે’વું. મૂવો... પાછો બૈરી વિનાનો છે. ગયા વરસે જ... મરી ગઈ બૈરી. પછી બીજું નથી કયરું. પછી તો... ઊંચોનીચો થાય જ ને, પુરુષ ?’

હા... આખા મકાનમાં એ એકલો જ મરદ હતો ! રેખલીનું ધ્યાન ગયું. બીજો ચોકીદાર તો છેક ઝાંપે જ ઝોલાં ખાતો હોય ! આટલી બધી ટોળો એક સ્ત્રી ને એક સામંત જ...!

રેખલીનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. વળી મન કાઠું થઈ ગયું હતું.

અને એ સામંતના જ વિચારો કરતી જાત પર આવી જતી. એને અભાવ છે એવો અભાવ તો એનેય હતો જ ને ? બાકીની બધીયું તો વરવાળી હતી. કેવી ઉઘાડી વાતો કરતી - ખી ખી કરતી ?

‘ભલે ને, આપણે પાપડ પાપડ ગંધાતા હોઈએ, ઓલ્યાવ તો, તોયે દોડ્યાં આવવાના પથારીમાં ! સાચું કે’જો. હાલે છે આપણા વગર ?’ એક પથરો મૂકતી ને તરત જ ખી ખી થઈ જતું ટોળામાં. વેલણાં તો ચાલતા જ હોય, બંગડીઓ ખનખનતી હોય અને વણેલાં પાપડો બીજી જગ્યાએ સૂકાતા હોય.

વચ્ચે વચ્ચે સામંતનો ખોંખારો સંભળાય ને એ બધું બે ઘડી અટકી જાય.

‘પરણતોય નથી પિટ્યો. થોડી શાંતિ થાય એને.’ કોઈ ધીમા અવાજે સિસ્કારતી. પછી મોં આછાં આછાં મલકી ઊઠતાં ત્યાં કોઈ કુંદન જેવી ટપારે - ‘હાથ હલાવો... બાઈઓ. મારા લગનમાં નથી આવી તમે ?’

પણ આવતી મજા રેખલીને. વાતાવરણ ભર્યું ભર્યું લાગતું. એ ભાગ્યે જ કશું બોલતી. બસ, બરાબર કાન દઈને સાંભળે. ગલગલિયાં થાય એવી વાત હોય તો છાનું મલકી લે.

ઘરે જાય ને રાતે સામંતના વિચારો આવે. નાહકની વાતો કરે છે આ બધી ! કશુંય કરે છે એ ? ને કામ તો જોવું જ પડે. નહીં તો આ બધી દાધારીંગી જ થઈ જાય !

ત્યાં વળી સામંતે જ એના કામની પ્રશંસા કરી, કુંદન પાસે. ‘ભૈ... રેખાનું કામ તો સરસ છે.’ અને એના કવરમાં એક નોટ વધુય નીકળી - એ શનિવારે. ખુશીથી તરબોળ થઈ ગઈ એ. વાહ... સામંત !

ઝુબેદાએ શું કહ્યું હતું - એને કોઈ ગમી જાય તો... એ મૂકે એવો નથી ! કોઈ પણ રીતે... એ આગળ વધે.

શું એવો હશે ? ને એવો હોય તોય શું ? એને શું ? અને આમ તો એનેય શો વાંધો હોય ? એ પણ, એ જ સ્થિતિમાં હતી ને ? એનેય થતું જ હતું કે કોઈ પુરુષ મળે તો...! અરે, સ્વપ્નું આવે તોય ? શું એને હું ગમી જાઉં તો ? ગમું એવી જ છું ને ? દેવલો હોત તો એય લેરખા લેતી હોત !

મૃત ઇચ્છાઓ ઝણઝણી ઊઠી હતી, એની વેરાન જિંદગીમાં.

પછી તો રીતસર, એ સામંતમય જ બની ગઈ હતી. જડી નસકોરાં બોલાવતી હોય ને રેખા એના વિચારે ચડી હોય. એક નવી દિશા ખૂલી ગઈ. અને જાણે બીજાં બારણાંઓ બંધ જ થઈ ગયાં ! સાવ આંધળી ભીંત થઈ ગઈ. અને ઉંમર પણ એવી જ હતી ને, ને એક દિવસ સામંતનો સંદેશો આવ્યો.

મળ આજે સાંજે - બધી જાય પછી. સૂકી વાવમાં જળની આવ આવી જાણે કે !

તે ઊભી રહી ગઈ - ઉંબરા વચ્ચે.

‘આવી તું... !’ સામંત બોલ્ય પણ ખરો. છાતીમાં ધબધબ થવા લાગ્યું હતું. જોવાઈ ગયું આસપાસ. ના કોઈ જ નહોતું. છજામાં પારેવા પાખો ફફડાવતાં હતાં.

‘બોલાવો તો આવવું જ પડે ને.’ એની જીભેય ખૂલી ગઈ. સામંતે ટેબલનું ખાનું ખોલ્યું ત્યાં એ ટેબલ પાસે આવી ગઈ હતી.

સામંતે હસીને ખાનામાંથી ડબી ને ડબીમાંથી ઝાંઝરીની જોડ કાઢીને ટેબલ પર મૂકી.

ટેબલનો એ હિસ્સો ઉજાસથી છલછલી ઊઠ્યો. ‘લે આ ઝાંઝરી. તારી જ છે ને ? એ દિવસે દેવલો લઈ ગયો હતો. ઉજળાવવા માટે.’

હા, એની જ ઝાંઝરી ! જરા ચકિત થઈ ગઈ. સામંતે આગળ ચલાવ્યું - ‘દેવલો મને જ આપી ગયો હતો - પચાસ રૂપિયામાં. મને શું ખબર...’

સામંત શ્વાસ લેવા રોકાયો. એના ચહેરા પર ખુશી તગતગતી હતી, ઝાંઝરીના તેજ જેવી જ.

‘તું આવી ત્યારે જ તને ઓળખી કે એ તું. મારી ઘરવાળીએ મરતી વખતે વચન લીધું’તું કે ઝાંઝર પેરનારીને આપી દેજો. ના ખપે - એનું. લે આ. ખુશ થઈ ને ? ઉજળાવી છે. એને !’

હેબતાઈ ગઈ રેખલી, પળ, બે પળ માટે. તે તો સાવ છેલ્લે પગથિયે ઊભી હતી, ઇચ્છાના.

હવે મન પાછું વળે એમ નહોતું. જાણે કશું જ ના બન્યું હોય એમ એ બોલી - ‘હં... પછી શું કામ હતું મારું ?’

ટેબલની એક કોર પર ઝાંઝરી પડી હતી - સાવ નોધારી !

(સ્પર્ધા ઇનામપાત્ર)