NO WELL: Chapter - 14 in Gujarati Moral Stories by Darshan Nasit books and stories PDF | NO WELL: Chapter-14

Featured Books
Categories
Share

NO WELL: Chapter-14

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ - ૧૪ )

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે શ્યામ અને ઝરીન પ્રેમમાં ખુબ આગળ વધી ગયા છે અને બીજી તરફ રાકેશે ઝરીનના ભાઈ ફૈઝલ સાથે રાજકારણ રમ્યું છે અને હવે આગળ...

પ્રકરણ- ૧૪

‘શ્યામ, હવે કેટલી વાર લાગશે?’ પ્રિયંકે ઘરના દરવાજાને ખખડાવતા બુમ પાડી.

‘બસ, હવે પાંચ જ મિનિટ. નાસ્તો કરી લઉ.’ આટલું બોલીને તે રકાબીમાં ગરમાગરમ ચા લઈને ચૂસકી લેવા લાગ્યો.

શ્યામે ઘડિયાળ તરફ નજર કરી. હજું તો સાત વાગવામાં દસ મીનીટ બાકી હતી અને ટ્રેનનો સમય સવા સાતનો હતો. રાકેશ નાસ્તો કરીને સૌની સાથે ઘરેથી નીકળવાની રાહ જોતો હતો.

‘શ્યામ, ઝડપ કર. તારા સિવાય બધાય નવરા થઇ ગયા છે.’ રાકેશે ફરીવાર યાદ અપાવ્યું કે તેમને સતાધાર જવાનું છે.

‘હા, હવે બેજ મિનિટ.’ શ્યામે ઊભા થતા કહ્યું.

સવારના પહોરમાં બંને ભાઈઓના કોમનરૂમની બધી વસ્તુઓ એવી અવ્યવસ્થિત જગ્યાએ પડી હોય કે શોધવી મુશ્કેલ બની જાય એમાંય તે ભાઈબીજના દિવસે ઘરે મેહમાનોનું ટોળું ઉમટી પડેલું. મામા અને મામી તેના સહકુટુંબ સાથે આવી ગયા હોવાથી તેના લાડકા દીકરા ચિરાગનો થોડો વધારે ત્રાસ હતો. તેમને બધા સાથે સતાધાર આવવાની એટલી ઉતાવળ હતી કે તે તો મામા અને મામીની સાથે ક્યારનો તૈયાર થઈને બેસી ગયો હતો.

શ્યામે દરવાજો જોરથી ખેચીને બંધ કરતા કરતા મુસાફરોની સંખ્યા ગણી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ...

રામમંદિરના દરવાજા ખુલવામાં થોડી વાર હતી અને વળાંક વળતા રાકેશે શિવલિંગને અર્પણ કરેલા પાણીને માથા પર ચડાવ્યું. સવારના પહોરમાં સંજના અને પ્રિયંક બંને મૂંગેમૂંગા ચાલ્યા આવતા જોઇને હસાવવા શ્યામે રાકેશની ભક્તિ જોઇને ટુચકો સંભળાવતા કહ્યું. ’એક નાનકડા છોકરાએ રાતે ભગવાનને સવિનય પ્રાર્થના કરી કે પ્લીઝ તમે મને મારા ફ્રેન્ડસ પાસે છે તેના કરતા મસ્ત એવી બ્લ્યુ કલરની સાઇકલ આપો. આટલું માંગીને તે સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠીને તેણે ચોતરફ તપાસ કરી ત્યારે ભગવાન પાસે આગલા દિવસે માગેલી સાઇકલ ના મળતા તેણે મંદિરમાં રાખેલી મૂર્તિ ગણેશજીની શંકર ભગવાનને બતાવીને ધમકીભર્યા અવાજે કહ્યું: જો છોકરો સહી સલામત જોઈતો હોય તો સાંજે છ વાગ્યા પહેલા ઘરની બહાર સાઇકલ પહોચી જવી જોઈએ.’ થોડી પળો માટે ત્યાં ખુશીની લહેરો છવાઈ ગઈ.

સાત વાગ્યે સામાન્ય દિવસોમાં જોવા મળતી શાકમાર્કેટમાં બૈરાઓની ભીડ તહેવારના દિવસોમાં વધુ દેખાતી હતી. લાલ, લીલા, પીળા ચટાકેદાર ફળોની મીઠી સુવાસ આવતા ચિરાગ તરફ આંગળી ચીંધે તે પહેલા મામાએ યાદ અપાવ્યું. ‘નીશા, ફ્રુટ લેવાનું હોય તો લઇ લેજે.’

‘મને યાદ છે.’

‘ના પણ તને યાદ કરાવવું એ મારી ફરજ છે.’ દિનેશમામાએ મામીને આજ્ઞાકારી પતિની જેમ વર્તવાની સાથે ચિરાગે દિનેશમામાની આંગળી પકડીને સૌની સાથે ઝડપથી ચાલવાનું ચાલુ રાખ્યું.

‘આપણે સમયસર પહોચી ગયા, હવે કઈ વાંધો નથી.’

‘હું હોય ત્યાં વાંધો પણ શું હોય? બસ હવે શાંતિને? ક્યારના ઉતાવળા થતા હતા’

‘તું હોય ત્યાં જ પ્રોબ્લેમ...’

સંજનાએ એમની વચ્ચે ચાલી રહેલી ખટ-મીઠી લડાઈ અટકાવવા એક સવાલ દાખલ કર્યો. ’આટલી બધી પબ્લીક છે તો શું બેસવાની જગ્યા મળી જશે? અને મળે તો મને બેસવા દેજો.’

દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા વ્યક્તિઓં કરતા આ સમયગાળામાં અને ખાસ કરીને ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. આ તહેવારના પાંચ દિવસોમાં સતાધાર, સાસણગીર તુલસીશ્યામ અને ગળધરા જવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી જ પડ્યા હોય.

સતાધાર, સાસણગીર, તુલસીશ્યામ અને ગળધરા જેવા સ્થળોએ લોકો ફરવાના બહાને જતા હોય તો કેટલાક સ્કૂલ-કોલેજમાંથી માંડમાંડ મળેલા વેકેશનને ઉજવવા.

બિંદુવત દેખાઈ રહેલો ટ્રેનના એન્જીનની આગળનો ભાગ પાટાની સાથે મોટો થઇ નજીક આવીને સ્ટેશન નજીક આવીને ઉભો રહી ગયો. બન્ને તરફથી મુસાફરો ચડવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. વળી કેટલાક તો ડબ્બાની ઉપર ચડીને બેસવા માટે પ્રયત્નો કરતા હતા. મહામુશ્કેલીથી ત્રણ ખાલી જગ્યા મળી ગઈ. મામા-મામી ચીરાગને ખોળામાં લઈને બેસી ગયા. બાકીના લોકો આડીઅવળી જગ્યા પર ઊભા રહીને ફીટ થઇ ગયા. રાકેશ, સંજના અને શ્યામ બારી પાસે ઊભા રહીને ભૂતકાળની વાતોને ઉખેળીને સમય પસાર કરવાના પ્રયત્નો કરતા હતા. અચાનક શ્યામની સામે શરમથી અલગ પ્રકારનું મલકાઈને સંજના બારીની બહાર ઉતાવળી નદી અને કાળા-ડીબાંગ પથ્થરો વચ્ચેથી પસાર થતી વખતના નયનરમ્ય દ્રશ્યો નિહાળવા લાગી. તેના શરમથી ફેરવાયેલા ચહેરાને જોઇને આગળના દિવસોમાં થયેલી ઝરીન સાથેની મુલાકાત તાજી થઈ ગઈ.

₪ ₪ ₪

‘દસ રૂપિયા જ હોય, આનાથી વધારે કઇ ના હોય. સમાધિની જગ્યા રેલ્વે સ્ટેશનથી કઇ દૂર નથી.’

‘તમારે આવવાનું હોય તો બોલો.’ રિક્ષાવાળાએ ટ્રેનમાંથી મોટા જથ્થામાં ઊતરતા યાત્રીઓને સંધ જોઇને ગરજ બતાવતા કહ્યું.

થોડીવાર સુધી રિક્ષાવાળા સાથે માથાકૂટ કરવાથી તે અંતે મોટા વ્યક્તિદીઠ પંદર અને બાળકોના દસ રૂપિયામાં લઇ જવા માન્યો. એ વખતે આરતીનો સમય હતો તેથી યાત્રીઓ આરતીનો લાભ લેવા માટે ગમે તે ભાવ દેવા તૈયાર થઈ જતા બાકી જો કલાક જેટલો સમય હોય તો ચાલીને જવાનો વધુ સમય લઈને કુદરત નિહાળતા જવાનો બીજો રસ્તો તેમની પાસે પણ હોય છે.

તેઓ દસની સાથે બાકીના ત્રણને પણ બેસાડ્યા. રિક્ષાવાળાએ દોરડું ખેચી તેની ભડભડિયા જેવી રિક્ષા શરુ કરી. રિક્ષામાં શ્યામની એક તરફ પ્રિયંક અને બીજી તરફ સંજના, બંને તરફથી બંનેએ તેને ફીટ કરી દીધો હતો. સામે લોખંડનો પાઈપ પકડીને રાખેલો હાથ સંજનાના હાથને અનપેક્ષિતપણે સ્પર્શતો હતો. શ્યામે સંજના તરફ નજર કરી, સંજના અલગ દેખાતી હતી. તેનું આ સુંદર ચહેરાને પહેલી વખત જોઈ રહ્યો હોય તેવું લાગતું હતું, પણ તેને એ ખબર ના હતી કે એ સુંદર ચહેરા પાછળ છુપાયેલા કેટલાક ગાઢ રહસ્યો આજે તેની સામે ખુલવાના હતા. પ્રિયંકને શ્યામ-સંજના સાથે હોય તેનાથી કઇ વાંધો નહોતો કારણ કે તે બંનેને સારા એવા ફ્રેન્ડ માનતો હતો.

પાડાપીરની સમાધિ અને આપાગીગાના મંદિરનો દરવાજો જોઇને મામીએ શ્રધ્ધાથી આપાગીગાની જય બોલાવવાનું શરુ કર્યું.

બપોરના પોણો થયો હતો. બધા ઝડપથી દર્શન કરીને પ્રસાદ લેવા ગયા કારણકે ચિરાગ અને શ્રેયા બંને ભૂખ્યા થઈ ગયા હતા. જમીને મંદિરની પાછળ આવેલા કુંડમાં સ્નાન કર્યું. પ્રસાદ લીધો હોવા છતા પેટનો ખાડો હજુપણ ઉણો જ હતો.

‘સામે જવું છે.’ ચિરાગે સ્ટોલ તરફ આંગળી ચીંધતા કહ્યું.

‘સતાધાર નાસ્તા ગૃહ, જમવાનું તૈયાર છે.’ બોર્ડ દુરથી દેખાવમાં તો સારું લાગતું હતું. જમવામાં કઇ ખાસ સારું નહિ હોય તેમ વિચારી ત્યાં જમવાના બદલે સૌએ નાસ્તો કરવાનું વધુ પસંદ કર્યું.

ચિરાગ નાસ્તાની દુકાનથી થોડા અંતરે આવેલી રમકડાની દુકાન પાસે જઈને ઊભો રહીને ત્યાંથી બુમ પાડવા લાગ્યો. ‘પપ્પા તલવાર લેવી છે.’

‘બેટા એ ના લેવાય, વાગી જાય.’

‘પપ્પા ઘોડો લેવો છે.’ તલવાર પછી ચિરાગે ઘોડો હાથમાં લેતા કહ્યું.

‘હું તને ઘરે જઈને સાચા ઘોડા પર બેસાડીશ. ફઇના ઘરની પાછળની શેરીમાં મસ્ત સફેદ ઘોડો છે. છે ને શ્રેયા?’ મામા શ્રેયા તરફ ફર્યા.

શ્રેયાને પપ્પાના દરેક પ્રશ્નનો ખબર ના હોય તો પણ હકારમાં માથું હલાવીને પરાણે જવાબ દેવાની ટેવ પડી ગઈ હતી કારણ કે ચીરાગને તેના માતાપિતા કરતા બહેન પર વધુ હેત હતું તેથી મામા-મામી તેને સમજાવવા શ્રેયાનો સહારો લેતા.

‘પપ્પા, ઢીંગલી...’

‘હજુ તારે ઘણી વાર છે. તું મોટો થઈશ એટલે તારા માટે આપણે મસ્ત ઢીંગલી લાવીશું. તારી સાથે રમે, ફરે અને તારું બધું કામ કરી આપે એવી..’

‘પણ અત્યારે તો લઇ આપો.’

‘જો અત્યારે હું ઢીંગલી લઇ દઈશ તો પછી તું મોટો થઈશ ત્યારે તને કોઈ ઢીંગલી નહિ આપે. સાચુંને શ્રેયા?’ શ્રેયા પોતે વિચારોની વિસામણમાં ફસડાઈ પડી, તેણે તો આજ સુધી કેટલા બધા ઢીંગલા-ઢીંગલી ભેગા કર્યા છે તો તેના શું હાલ થશે? છતાંય તેણે ચીરાગને પપ્પા સાચું કહે તેમ ઇશારાથી કહેવા ડોક ઉચીનીચી કરી.

દરેક વસ્તુમાં નવા નવા બહાના કાઢ્યા પણ ચિરાગે તેની જીદ ના છોડી જેના પરિણામે અંતમાં તેણે લાકડાનું બેટ મેળવ્યું જે તેના બાકીના બે પ્લાસ્ટીકના બેટ સહિત ત્રીજું બેટ હતું. શ્રેયા આ બાબતથી ચિરાગ કરતા એક કદમ આગળ હતી. તેને કોઈ વસ્તુની ખોટી જીદ કરવાની આદત ના હતી અને જયારે કરતી ત્યારે તે જીદ પણ સાચી વસ્તુ માટે હોય કારણકે હવે શ્રેયા પાંચ વર્ષના તોફાની ચિરાગના બદલે અગિયાર વર્ષની સમજુ દીકરી થઈ ગઈ હતી.

પાછા જવા માટેની ટ્રેનને હજુ બે કલાકની વાર હતી તેથી પાછા ફરતા યાત્રીઓએ રેલ્વે સ્ટેશન પર ચાલતા જવાનું ગોઠવ્યું.

મામાનું કુટુંબ સૌથી આગળ, પછી રાકેશ, પ્રિયંક અને સંજનાની ખાસ બહેનપણીમાની એક અને પ્રિયંકની સખી પરિતા, તેની નાની બહેન ઋષિતા અને સૌથી પાછળ શ્યામ અને સંજના બંને હાથમાં કેન્ડી ખાવાની સાથે વાતો શેરીંગ કરતા કરતા રેલ્વેસ્ટેશન તરફ ધપતા હતા.

સંજનાએ શ્યામનો હાથ પકડીને તેની સામે જોઇને નિસ્વાર્થપણે પ્રેમનો એકરાર કરતા કહ્યું. ’આઈ લાઇક એન્ડ લવ યુ.’ તે હાથ હલાવતાની સાથે ચોકી ગયો કારણ કે આજ સુધી તેણે આ સંબંધને મિત્રતાથી વધુ વિચાર્યું પણ ન હતું.

‘આઈ એમ સોરી.’ તેના હાથમાંથી કેન્ડી છુટીને નીચે પડી ગઈ.

‘આજે હું મજાક નથી કરતી, હું સીરીયસ છું.’

‘હું પણ સીરીયસ છું.’ આજસુધી શ્યામે ક્યારેય આંસુ આવવા નહોતા દીધા. તેનો જવાબ સાંભળીને સંજનાની આંખો લાગણીભર્યા પાણીથી ભીની થઈ ગઈ. સંજનાની આખોમાં તેણે તેની બધી લાગણીઓ કાબુમાં રાખી અને શ્યામે પણ...

તે થોડીવાર માટે ગુમસુમ થઈ ગઈ. તે સમયે શ્યામ પાસે ચુપ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો ના હતો સાથે ચાલવા માટેનો રસ્તો પણ પૂરો થવા આવ્યો હતો. અડધા કિલોમીટરનો રસ્તો બંને માટે હજારો કિલોમીટરમાં ફરી ગયો હોય તેવું અનુભવતા શ્યામ, સંજનાનો હાથ છોડીને ઝરીનને યાદ કરતો ગુમસુમ ચાલવા લાગ્યો.

ટ્રેનમાં બેસી ગયા ત્યાં સુધી કોઈ એ સંજનાની ખામોશીને ધ્યાનમાં ના લીધી. સૌ ડબ્બાની અંદર ડાયરો જમાવીને બેઠા હતા. ધારીના સ્ટેશન પર પાંચથી છ યાત્રીઓ ઉતર્યા, ડબ્બાની અંદર ફક્ત ત્રણ ફેમેલી હતા. એક રાકેશનું અને આગળના ભાગમાં બાકીના બે.

મુસાફરોના ઉતર્યા બાદ શ્યામ-સંજના ટ્રેનની અંદર-બહાર આવ-જા કરવા માટેના દરવાજા પર બંને આંખમાં આંખ મિલાવીને ઊભા હતા. શિયાળાની શરૂઆતમાં હોય તેવી ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો. રાતના અંધારામાં રેલવેના પાટાની બાજુમાં દિવસે દેખાતી જમીનમાંથી છૂટી નીકળતી પાણીની સરવેણી માત્ર ખળખળ અવાજથી ઓળખાતી હતી, અને પથરાળ ડુંગરોના આવતો અલગ અવાજ કાનમાં ફેકાતો હતો તેનાથી વધુ ફેકાતો શ્યામની અંદરનો અવાજ અને તેની સાથે મળેલી નજરવાળી આખોમાંથી નીસ્વાર્થ પ્રેમના આંસુઓ છલકાતો પ્રવાહ. ’સંજના, બેસવું હોય તો અંદર આવી જા.’ પ્રિયંકે ડબ્બામાં અંદર બેસવા માટે બોલાવી પણ તેઓ બંનેને સાથે ઊભેલા જોઇને પ્રિયંક કઈ જવાબ લીધા વગર અંદર પરિતા પાસે જઈને ફરી ડાયરાની જમાવટમાં ભળી ગયો.

શ્યામે સંજનાને તેના તરફથી થયેલા એકતરફી પ્રેમ માટેનું કારણ પૂછ્યું ત્યાંરે તેને આપેલા જવાબોએ તેને થોડી પળો માટે ભૂતકાળની ભીતર ધકેલી દીધો. ’શ્યામ, આપણે જયારે ઘર-ઘર રમતા ત્યારે મને તારી પત્નીનું પાત્ર કરવામાં બહુ મજા આવતી. ત્યારે મને ફક્ત રમતમાં આનંદ આવતો, મનમાં તારા માટે એવો કોઈ વિચાર પણ ન હતા કે રમત-રમતમાં એ પાત્ર ભજવવાને બદલે નિભાવવાની ઈચ્છા વધુ પ્રબળ થઇ જશે. પાછળથી મને સમજાયું કે હું તને મારૂ બધું વારી ચુકી છું.’

લગ્નની વાત આવતા તેને પહેલા તો થયું કે સંજના બાળપણના ક્યાં લગ્નની વાત કરે છે? પછી મગજને થોડો ભાર આપ્યો ત્યારે યાદ આવ્યું કે તેના ઘરની અગાસી ઉપર તેણે સંજનાની સાથે સાથિયાની છબીને વચ્ચે સાક્ષી રાખીને એની ફરતે એક પછી એક ફેર ફરવાનું શરુ કર્યું. ત્રણ ફેરા પુરા થયા અને ચોથો શરુ થાય ત્યાં મમ્મીએ દરવાજો ખોલીને શ્યામને બોલાવ્યો, ‘શ્યામ’ તેમનું ધ્યાન મમ્મીના અવાજ તરફ ગયું.

‘શું?’ શ્યામે જવાબ આપ્યો.

‘શું કરે છે?’

‘હું અને સંજુ રમીએ છીએ.’

‘રમો, પણ તોફાન કરતા નહી.’ આટલું બોલીને મમ્મીના રૂમ તરફથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. મમ્મીના એક અવાજના લીધે બાળલગ્નવિધિ અટકી ગઈ અને પછી બીજી ગેમ રમવા લાગ્યા.

ત્રણ ફેરાવાળા અધૂરા લગ્નની વાત શ્યામને ક્યારેય યાદ પણ નહોતી આવી, જયારે સંજનાએ તેના મનમાં જન્મોજન્મની છેડાછેડીની ગાંઠની માફક બાંધી લીધી.

‘મેં તારાથી એક વાત છુપાવી હતી કે હું ઝરીનને પ્રેમ કરું છું અને એ મને. ’શ્યામે તેના પ્રેમનો અસ્વીકાર કરવા માટેનું મુખ્ય કારણ બતાવ્યું.

‘ઝરીન?’ બંનેના ધર્મ અલગ હોવાથી તેના મોઢે ઝરીનનું નામ તો બોલાઈ ગયું.

‘હમમમ...’ શ્યામ સંજનાના તેની તરફ વધતા નાદાનીભર્યા પ્રેમનો ગુનેગાર તો હતો.

‘પણ, ક્યારથી?’

‘બાબાપુરમાં જયારે તેને જોઈ ત્યારથી એકતરફી પ્રેમ થઈ ગયો. કોલેજમાં ફરીથી તેની સાથેની દરેક મુલાકાત મને વારંવાર તેના પ્રેમમાં પાડી દેતી અને મુલાકાત અંતે અમારા પ્રેમમાં પરિણમી.’

‘તું ઝરીનને ખરેખર પ્રેમ કરે છે?’ સંજના હવે આગળ કઈ પણ બોલવા માગતી ન હતી કારણ કે તે તેના એકતરફી પ્રેમ કે બેસ્ટ ફ્રેન્ડ બેમાંથી કોઈ સાથે સહેજ પણ આંચ આવે એવું ઈચ્છતી ના હતી.

શ્યામે માથું ધુણાવીને ઈશારાની સાથે હા પાડી અને આગળ કઈ પણ બોલે એ પહેલા તેણે તેના પ્રેમનું પ્રમાણ રજૂ કરવા એક વાક્ય બોલી, ‘પ્રેમ કરીએ એટલે તેને પામવો એ જરૂરી નથી પણ પ્રેમી ખુશ રહે તેવા પ્રયત્નો કરવા એ સાચો પ્રેમ છે. પ્રેમનું બીજું નામ જ કુરબાની છે.’

ચારે તરફ આનંદ, ઉલ્લાસને જાળવી રાખતી સંજના આજે ગુમસુમ થઈને ઉભી હતી. શ્યામ તેના દુઃખનો ભાગીદાર પણ બની શકે તેમ ન હતો. છતાંપણ તેણે તેનાથી બનતા પ્રયત્નો કરી તેને પોતાના તરફના પ્રેમના કારણો પૂછીને તેના અંદર રહેલી બધી જૂની યાદોને બહાર કઢાવીને હૃદયના ભારને હળવો કરવા પ્રયત્નો કર્યા.

કોઈ પણ છોકરી પ્રેમની બાબતમાં કેટલી ગંભીર હોય છે, તે તો જયારે તેને તેના માથા પર નાખેલો હોળીના દિવસના ગુલાલને અરીસામાં જઈને સિંદુરની નજરે જોયો તે પરથી માલુમ પડી ગયુ.

તેઓ હજુ પણ રેલ્વે ડબ્બાના દરવાજા પર ઊભા હતા. શ્યામનો હાથ સંજનાએ પહેરેલા ગુલાબી ડ્રેસ પરના ખભા ઉપરના દુપટ્ટા પર હતો. કદાચ બાળપણથી આજદિન સુધીની આવી કેટલીક અડચણોને સંજનાએ પ્રેમની વ્યાખ્યા આપી દીધી હોય?

બંને વચ્ચેનું અડધા ફૂટનું અંતર તેના દિલની વાતો કરીને હજારો માઈલના અંતરને કાપીને ફરી નજીક આવી ગયું. તેની આંખમાંથી બહાર આવતા આંસુઓ ચિરાગના તોફાનની માફક સુકાઈ ગયા. શ્યામને અંદરથી બે વાતનો ડર લાગતો હતો કે ક્યાંક તે સંજનાને એક ખાસ મિત્ર તરીકે ખોઈના બેસે અને સંજના ઝરીન વચ્ચેની મિત્રતાને તેના લીધે કોઈ આંચ ન આવે.

તમે શું વિચારો છો, પ્રેમ અને રાજકારણની આ હરીફાઈમાં કોણ જીતશે? પ્રેમ કે રાજકારણ?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com