Ek American Ma ke Masi in Gujarati Short Stories by Vinod Patel books and stories PDF | એક અમેરિકન મા…. કે માસી

Featured Books
Categories
Share

એક અમેરિકન મા…. કે માસી

એક અમેરિકન મા…. કે માસી ! …… ( વાર્તા )….. લેખક- વિનોદ પટેલ

મારું નામ કેરોલીન છે. હું ૨૫ વર્ષની એક અમેરિકન યુવાન મા છું. મા હોવું એ સ્ત્રીઓ માટે અત્યંત આનંદ અને ખુશીનો અવસર હોય છે પણ મારે માટે તો એ એક કડવું સત્ય હતું.જ્યારે મને ખબર પડી કે હું મા બનવાની છું ત્યારે મને હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો .અમેરિકી જીવનના ફ્રી સેક્સ કલ્ચરનો ભોગ બની જુવાનીના જોશમાં આવી મારા જીવન માટેની એક મોટી ભૂલ કરીને હું એક કમનશીબ કુવારી મા બની બેઠી હતી !

મારા જીવનની આ મહાન ભૂલ પછીની સીલ સીલાબંધ કથની જ્યારે તમે વાંચશો ત્યારે એક કુવારી માતાના દિલની લાગણીઓ માટે તમને સહાનુભુતિ થશે.ચાલો તમને માંડીને જ બધી વાત કરી મારા હૃદયનો ઉભરો ઠાલવીને થોડી હળવી થાઉં .

હું કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારની આ વાત છે. એક દિવસે હું કોલેજની લાઇબ્રેરીમાં બેસી પુસ્તક વાંચી રહી હતી.એ જ વખતે મારી જ કોલેજમાં અભ્યાસ કરતો દેખાવમાં મુવી સ્ટાર જોવો દેખાતો એક સ્માર્ટ છોકરો મારી સામેની ખુરશીમાં બેસી વાંચવા માટે આવ્યો.પ્રથમ તો એના ઉપર મેં બહુ ધ્યાન ના આપ્યું .પરંતુ આ દેખાવડા વિદ્યાર્થીમાં એવું કૈક હતું કે હું એના તરફ જોયા વિના રહી ના શકી.બન્નેની આંખોનું તારામૈત્રક રચાતાં એ છોકરાએ એક આકર્ષક સ્મિતનું મિસાઈલ મારા તરફ ફેંક્યું .એના સ્મિતનો મેં પણ સ્મિતથી જવાબ આપ્યો. આ છોકરાએ એનું પુસ્તક એક બાજુ મૂકી હસીને મારી સાથે વાતચીત શરુ કરી. પછી તો રોજ લાઈબ્રેરીમાં અમે મળતાં .ત્યાંથી રેસ્ટોરંટમાં સાથે લંચ કે ડીનર માટે જવા લાગ્યાં.પ્રથમ પરિચય થયા પછી અમે પાક્કાં મિત્રો બની ગયાં .આ મિત્રનું નામ ડેવિડ હતું, એ પણ મારી માફક એક મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછરીને મોટો થયો હતો. એના અને મારા વિચારો ઘણી બાબતોમાં મળતા હતા.ધીમે ધીમે મિત્રતા ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ એની અમે બન્નેને ખબર પણ ના પડી.

અને એક દિવસે ડેવિડ મને એક મોટેલમાં લઇ ગયો. જુવાનીના આવેશમાં હું શું કરવા જઈ રહી હતી એનું હું ભાન ભૂલી ગઈ હતી . બે યુવાન હૈયાં એમની શારીરિક ભૂખનાં દોરવાયાં તેઓ વિદ્યાર્થી છે એ હકીકતને અવગણીને ઉતાવળમાં સાવચેતી રાખ્યા વિના જે પગલું ભરી બેઠાં એ ભૂલનો ભોગ એક સ્ત્રી હોવાને લીધે છેવટે મારે જ બનવું પડ્યું.

ડેવિડને મેં જ્યારે ખબર આપ્યા કે હું ગર્ભવતી બની છું અને મારા પેટમાં એનો અંશ આકાર લઇ રહ્યો છે ત્યારે એના મુખ ઉપર ગભરામણના ભાવ વાંચી શકાતા હતા કે “ આ શું થઇ ગયું.હવે શું કરીશું ?” મારે ડેવિડના મુખેથી એવું સાંભળવું હતું કે ચાલો હવે લગ્ન કરી લઈએ . પરંતુ એનું ખરું સ્વરૂપ ત્યારે પ્રગટ થયું જ્યારે આ માટી પગા ડેવિડે મને ડોક્ટરને મળીને ગર્ભપાત કરાવી નાખવાનું સૂચન કર્યું.ડેવિડ એક ડરપોક પ્રકૃતિનો પુરુષ હતો. મારી સાથે લગ્ન માટે એના કુટુંબીજનોને સમજાવવા કે એના ભાવી બાળકની જવાબદારી સ્વીકારવામાંથી એ છટકી ગયો. મને જ્યારે ભાન થયું કે એણે મારા પ્રેમી હોવાનું નાટક ખેલી મને એની હવસ પોષવાની જાળમાં ફસાવી હતી ત્યારે તો ઘણું માંડું થઇ ગયું હતું !

હું ડેવિડના જેવી ડરપોક સ્ત્રી ન હતી .મેં એક પાપ તો આચર્યું હતું પરંતુ ડેવિડના સૂચન પ્રમાણે ગર્ભપાત કરાવીને એક નિર્દોષ ભાવી બાળકનો જીવ લઇ લેવાનું બીજું પાપ કરવા માગતી ન હતી. સર્જાએલા વિપરીત સંજોગોમાંથી ભાગી છૂટવાને બદલે કોઈ પણ ભોગે ભાવી બાળકની મા તરીકેની જવાબદારી સ્વીકારી લેવાનું મેં મારું મન મક્કમ કરીને નક્કી કરી લીધું . મારાં માતા પિતા અને સ્નેહીજનોને આ બનાવની મેં જાણ કરી ત્યારે એમને ખુબ દુખ તો થયું પરંતુ હું બીજું કોઈ પગલું ભરી ના બેસું એમ સમજીને એમણે છેવટે મને સહકાર આપવાની તૈયારી બતાવી.ડેવિડ તો જાણે કશું બન્યું જ ના હોય એમ એના કોલેજના અભ્યાસમાં લાગી ગયો પણ મારે મારો અભ્યાસ મારી તબિયત બગડવાથી છોડવો પડ્યો .

જો હું પરણેલી હોત તો એક નશીબદાર મા કહેવાઈ હોત એવી એક ફૂલ જેવી જોતાં જ ગમી જાય એવી મધુર મુખાકૃતિ ધરાવતી તંદુરસ્ત બાળકી એલીસાને જન્મ આપ્યા પછી જ્યારે મેં એને હાથમાં લઈને એની સામે નજર કરી ત્યારે હું મારું બધું દુખ ભૂલી ગઈ. એક મા બન્યા પછી હું તો બસ એલીસામય જ બની ગઈ .

હવે મારી કમનશીબ કથામાં મારી મોટી બેન લ્યુસીનો પ્રવેશ થાય છે.લ્યુસીને લગ્ન કર્યે ઘણો સમય પસાર થયો હોવા છતાં એને સંતાન સુખ પ્રાપ્ત થઇ શક્યું ન હતું.લ્યુસીમાં સ્ત્રી સહજ માતૃત્વની ઝંખના વરસોથી ભંડારાઈને પડી હતી .લ્યુસીએ અમારાં માતા પિતાને સમજાવી મારી આગળ મારી દીકરી એલીસાને દત્તક લેવાની દરખાસ્ત મૂકી.માતા પિતા અને મોટીબેન લ્યુસીએ દલીલ કરી કે “ કેરોલીન ,તારે તારો અભ્યાસ ફરી શરુ કરવો જોઈએ .તારી આગળ હજુ આખી જિંદગી પડી છે . લગ્ન કરીને તું ફરી બાળકની મા બની શકીશ. મોટી બેનને લગ્ન પછી ઘણા વરસોથી બાળક નથી તો તું એને એલીસાને દત્તક આપવાની સંમતી આપ “.

બધાંના આગ્રહથી અને હું પણ આગળ અભ્યાસ ચાલુ રાખવા માગતી હતી એટલે મનમાં થોડી ના મરજી હોવા છતાં એલિસાને મેં મોટી બેનને દત્તક આપવાની સંમતી આપી દીધી .મારી સંમતી મળતાં મોટી બેન લ્યુસી તો ખુશીની મારી પાગલ જેવી થઇ ગઈ.અમે બધાં કુટુંબીજનોએ મળીને એડોપ્શન માટેની જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂરી કરી.જો કે એડોપ્શનની કેટલીક શરતો મને પસંદ ના પડી પણ છેવટે માતૃત્વની ભૂખી મોટી બેનની આરઝુ આગળ હું ઝુકી ગઈ.

મારી અને બેન લ્યુસી વચ્ચે થયેલ એડોપ્શન એગ્રીમેન્ટની એક શરત એવી રાખી રાખી હતી કે મારી બેનને દત્તક આપેલ બાળકી એલીસાની મા તરીકેના મારા બધા હક્ક મારી બેનની તરફેણમાં જતા કરું છું અને હું વર્ષમાં ફક્ત ચાર વખત જ એલીસાની મુલાકાત લઇ શકું એથી વધારે નહિ.લ્યુસીએ આ શરત એટલા માટે રખાવી હતી કે જો હું અવાર નવાર એલીસાની મુલાકાત લઈશ તો બાળકી સાથેની મારી મમતાથી કદાચ એલિસાના લ્યુસી પ્રત્યેના મા તરીકેના પ્રેમમાં રુકાવટ બનીશ .આવી એક અનોખી શરત રાખી લ્યુસી મારો એલીસા સાથેનો મા તરીકેનો પવિત્ર નાળ સંબંધ કાપી નાખવા માગતી હતી.

ખેર, મેં કપાતા દિલે મારા મા તરીકેના બધા કાયદાકીય હક્કો જતા કરી મારી કુખે જન્મેલ નાજુક એલીસાને મારી બહેનને દત્તક આપીને સોપી દીધી.ત્યારબાદ મેં ફરી કોલેજ જવાનું શરુ કર્યું અને મારા અભ્યાસમાં ધ્યાન પરોવવા લાગી ગઈ .મારી બેન લ્યુસી ઘણા વરસે એક બાળકીની મા બનતાં ઘણા દિવસોથી જેની ઝંખના એને હતી એ માતૃત્વ એનામાં છલકાઈ ઉઠ્યું. બાળકી એલીસાને એક સાચી માની જેમ ઉછેરવામાં એના દિવસો ખુબ આનંદ અને સંતોષથી વીતવા લાગ્યા.

એડોપ્શન પછી એગ્રીમેન્ટ પ્રમાણે મેં એલીસાની પ્રથમ બે મુલાકાત લીધી એના થોડા મહિનાઓ બાદ મને જાણવા મળ્યું કે મારી બેન લ્યુસીના પતિને હકીકતમાં બાળક દત્તક લેવાની ઈચ્છા ન હતી. એ તો એના પોતાના બાળક માટે વધુ પ્રયત્ન કરવા માગતો હતો પરંતુ એની પત્ની એટલે કે મારી બહેનની જલ્દી એક સંતાનની માતા બનવાની પ્રબળ ઇચ્છા આગળ એણે નમતું જોખ્યું હતું .લ્યુસી અને એના પતિ જ્હોનના સ્વભાવમાં આસમાન જમીનનો ફેર હતો.ઘરમાં એક બાળકના આગમન પછી એના પતિને માથે આવી પડેલી બાળકની સંભાળ અને ઉછેરવાની વધારાની જવાબદારીથી એના દૈનિક જીવનની ઘરેડમાં જે બદલાવ આવ્યો હતો એથી લ્યુસીનો પતિ જ્હોન આ નિર્દોષ બાળકીને મનથી ધિક્કારતો હતો.લ્યુસી એના પતિના આવા વર્તાવની અવગણના કરી બાળકીની એક ઉમદા મા તરીકેની ફરજો બખૂબી નિભાવી રહી હતી.

લ્યુસીના પતિની નામરજી અને એલીસા પ્રત્યેના એના બેહુદા વર્તાવની મને જ્યારે જાણ થઇ એ પછી હું અવઢવમાં પડી ગઈ. મારામાં રહેલી માનું હૃદય અંદરથી ડંખવા લાગ્યું કે મારી કુખે જન્મેલ એલીસાને બેનને દત્તક આપીને મેં મારા જીવનની એક બીજી મોટી ભૂલ તો નથી કરીને ! એલીસાના ભાવી માટે મને ચિંતા થવા લાગી.એલીસાની પાસે જવાની અને એને વારંવાર જોવાની અને એની સાથે વધુ સમય ગાળવાની ઈચ્છા પ્રબળ થવા લાગી. મારી વિનંતી છતાં મારી બેન લ્યુસી એડોપ્શન એગ્રીમેન્ટનો આશરો લઇ કોઈ પણ હિસાબે મને વર્ષમાં ચાર વખતથી વધુ વાર એલીસાને મળવા દેવા માગતી ન હતી.હું બાળકીને બહાર ફેરવવા માટે મારી સાથે લઇ જવા માટે જ્યારે આજીજી કરું ત્યારે લ્યુસી મને આપવા રાજી ન હતી.લ્યુસીને ડર હતો કે એલીસા મારી સાથે વધુ સમય રહેશે તો એને મા તરીકે નહી સ્વીકારે .લ્યુસી તો બધાંને કહેતી ફરતી હતી કે “કેરોલીન એલીસાની મા નથી પણ માસી “ Aunty” છે . કાયદાની દ્રષ્ટીએ હું જ એની માતા છું .”

મારામાં પડેલી મા બળવો પોકારતી હતી. હું ફરી કોર્ટમાં જઈ નામદાર જજને અરજ કરવા માગતી હતી કે એડોપ્શનની શરતો રદ કરી મારી એલીસા મને પાછી સોપી દો. પરંતુ મારા માતા પિતા અને નજીકનાં સગાંઓનું માનવું હતું કે આ મામલો જો કોર્ટે ચડશે તો કુટુંબમાં દુઃખનાં બી વવાશે અને સમાજમાં કુટુંબની આબરૂનો વધારે ધજાગરો થશે.કુટુંબીજનો મને સલાહ આપવા લાગ્યાં કે એલીસાને દત્તક આપવાનો નિર્ણય મારો હતો એટલે એના પરિણામો ભોગવવાની તૈયારી પણ મારે રાખવી જોઈએ.

આ સંજોગોમાં મારે શું કરવું એની મને ખબર પડતી નથી.મારો ન્યાય કરવા માટે કોઈ એવો સોલોમન રાજા મને દેખાતો નથી કે જેની આગળ જઈને મારી કેફિયત રજુ કરી સાચો ન્યાય મેળવી શકું.

મને જે સલાહ અપાઈ રહી છે એ મારે ગળે ઉતરતી નથી.મારું મન એ માનવા તૈયાર નથી કે જેને મેં જન્મ આપ્યો છે એ કાયદાની દ્રષ્ટીએ મા નહિ પણ માસી છે અને જે ખરેખર એક માસી છે એ મારી બેન લ્યુસી એડોપ્શન પછી કાયદાકીય રીતે એક મા તરીકેના બધા હક્કો ભોગવી રહી છે.મારું મન પોકારી પોકારીને કહી રહ્યું છે “ ભલે હું કુવારી મા રહી, પણ એક મા તો છું ને.” ભગવાને સ્ત્રીને મા બનાવીને પોતાના જણ્યા બાળક માટે જે પ્રેમ, મમતા અને લાગણીઓનું આરોપણ કરી જે કમાલ કરી છે એ પોતાને એક મા કહેવડાવતી મારી સગી બેન પણ સમજી શકતી નથી એ મારે મન એક મોટું આશ્ચર્ય છે ! ભગવાને સ્ત્રીઓમાં માતૃત્વની ની જે તડપ મૂકી છે એ તો જે સાચી મા હોય એ જ એની અનુભૂતિ કરી શકે .

કોઈ કોઈ વાર વિચારે ચડેલું મારું મન મને કહેતું હોય છે કે એલીસાની મા હોવાનો મારો દાવો જતો કરીને એની માસી તરીકેનો દરજ્જો હું સ્વીકારી લઉં તો લ્યુસી મારી ભાવનાઓની કદર કરીને મા હોવાનો દાવો કરતી બે આ બે બહેનોના પ્યાર વચ્ચે સેન્ડવીચ થયેલી નિર્દોષ એલીસા સાથે વધુ સમય ગાળવાની છૂટ કદાચ મને આપે પણ ખરી.

પરંતુ હાલ તો આ જો અને તો ની અનિશ્ચિતતાઓ વચ્ચે ભીતરના દુઃખને દબાવી આ કમનશીબ મા કે પછી એક માસી એના દિવસો હાલ વિતાવી રહી છે . જ્યારે હું રવિવારે ચર્ચમાં જાઉં છું ત્યારે બે હાથ જોડી પ્રાર્થના કરું છું :” હે પ્રભુ, મારા દિલના ટુકડા જેવી મારી એલીસાનું તું ધ્યાન રાખજે . એને જરા પણ દુખ પડવા ના દઈશ”