ટ્રેનના ડબ્બાના દરવાજે એ સ્ટેશનની રાહ જોતા ઉભો હતો. ગઈકાલે એણે ઇન્શર્ટ કરીને પહેરેલો ઈસ્ત્રીવાળો શર્ટ અને પેન્ટ બંને અત્યારે ચોળાઈ ગયા હતાં. વાળના પણ ઠેકાણા નહોતા. પણ હવે એને શરીફ દેખાવાની કંઈ પડી નહોતી. પોતે ફૂંકેલી બીડીના ધુમાડાને બહારના અંધારામાં ઓગળતા જોવાની એને મજા આવતી હતી.
સવારના ચાર વાગવા આવ્યા હશે. નવેમ્બર મહિનો ચાલુ થઇ ગયો હોવાથી સવારમાં થોડીક ઠંડક વર્તાતી. એ જ્યાં ઉભો હતો તે થર્ડ એસી ડબ્બાના બધા મુસાફરો હજી ગાઢ નિંદરમાં પોઢી રહ્યા હતા. અને એના આગળના ડબ્બાના પણ! "બસ... અહીં ઊતરી ગયા પછી કોઈ ચિંતા નહિ." એણે પોતાના ફફડતા મનને સમજાવતા કહ્યું. અજમેર જંકશન નજીક આવતા એણે બીડીને છેલ્લો કશ મારી ફેંકી દીધી. અને પછી પોતાની ટ્રોલીબેગ લઇ ઉતરી ગયો. ઉતરીને એની આગળ વાળી બોગી જેમાં પેલા કાકા બેઠા હતા ત્યાંથી પસાર થયો ત્યારે એણે જોયું કે હજી તો બધા ઊંઘતા હતા. થેલો ગુમ થયાની કાકાને ખબર પડશે એ પહેલા તો પોતે ક્યાંય દૂર નીકળી ગયો હશે એમ વિચારી મનમાંને મનમાં મુસ્કુરાતો એ પ્લેટફોર્મની બહાર નીકળી ગયો. મુંબઈથી દિલ્હી જતા ગરીબરથ એક્સપ્રેસની ટિકિટ લઇ એ બહારની તરફ ચાલતો થયો. ગરીબરથ એક્સપ્રેસ પોણા પાંચે અજમેર આવતી, હજી તો પોણા કલાકની વાર હતી. એને કકડીને ભૂખ લાગી હતી. રાતનું કંઈ ખાધું નહોતું. જયારે પણ એ કોઈ કામ પર નીકળતો ખાવા-પીવાનું બંધ કરી દેતો. કામ પતાવીને જ એને ખાવાની મજા આવતી. સવારે ચાર વાગ્યામાં અજમેર સ્ટેશનની સામેની એક નાનકડી હોટલ ખુલી ગઈ હતી ત્યાં જઈ એણે ચા અને આમલેટનો ઓર્ડર આપ્યો. એને બેગની અંદર પડેલો પેલો થેલો ખોલીને જોવાની અતિશય લાલચ થઇ આવી પણ હવે ટ્રેનમાં બેસીને શાંતિથી જોઇશ એમ વિચારતા એણે ચા-નાસ્તાને ન્યાય આપ્યો. બીલ ચૂકવી એ પ્લેટફોર્મ પર આવીને ઉભો રહ્યો. ટ્રેન આવી ગઈ હતી. સ્લીપર ક્લાસના એક ડબ્બામાં એ ચઢી ગયો. થોડા ઘણા પ્રવાસીઓની અવર-જવર ચાલુ થઇ ગઈ હતી એટલે અત્યારે પણ થેલો ખોલાય એમ નહોતું. "કઈ નહિ દિલ્હી પહોંચીને વાત" પોતાની જાતને એણે આશ્વાસન આપ્યું. એક ઉપરની ખાલી સીટ ઉપર ચઢી જઈ એણે લંબાવ્યું. અને તરત એને ઊંઘ આવી ગઈ.
***
બાપાની બૂમ સંભળાતા જ એ ધ્રુજી ઉઠ્યો. પરીક્ષામાં ચોરી કરતા એ પકડાઈ ગયેલો એટલે એનું પેપર લઇ એને ચાલુ પરીક્ષાએ બહાર કાઢી મુકવામાં આવેલો. પણ એ ઓછું હોય એમ વલ્લભભાઈ માસ્તર એની ફરિયાદ લઈને બાપા પાસે આવેલા. માસ્તરને આવતા જોઈ એ દોડીને ઓરડીમાં ભરાઈ ગયો. માસ્તરે આવીને એના બાપાની સામે ફરિયાદોનું પોટલું ખોલી દીધું, દરેક વાત પર મીઠું-મરચું ચોપડીને બાપા સામે રજૂ કરતા માસ્તર પર એને બહુ ચીઢ ચઢી. એટલામાં બાપાની બૂમ સંભળાઈ. એ બાપા પાસે જઈને મુંડી નીચી .રાખીને પગના અંગૂઠા વડે જમીન ખોતરતો ઉભો રહ્યો. બે મિનિટ તો બાપા એની સામે જોઈ જ રહ્યા. "સા,,લા.. નાલાયક!" અચાનક બાપાની ત્રાડ સંભળાઇ અને એમનો હાથ ધોલ મારવા ઉંચે ઊંચકાયો ... અને એની આંખ ઉઘડી ગઈ. પોતે ટ્રેનમાં બેઠો છે એનું એને ભાન થયું. મોઢે વળેલો પરસેવો લુછી એ બેઠો થયો. બાળપણમાં ઘટી ગયેલી આ ઘટના એના મન પર એવી છાપ છોડી ગઈ હતી કે એને આજે ચાલીસ વર્ષેય એના સપના આવતા. નીચે ઉતરી એ ડબ્બાના બારણા પાસે આવીને ઉભો. ચહેરા ઉપર થતા શીતલ હવાનાં સ્પર્શથી એને સારું લાગ્યું.
પણ એનું અવળચંડું મન આજે એનો પીછો નહોતું છોડવાનું. એના મને ફરી ભૂતકાળ વાગોળવાનું શરૂ કર્યું. એને ફરી વિચાર આવ્યો કે જો એના કર્મકાંડી બાપાને આજે એવી ખબર પડે કે એ "આ" લાઈનમાં આવી પડ્યો છે તો શું થાય? એને ફરી ગભરામણ થઇ આવી. "ના એમાં મારો કોઈ વાંક નહોતો. એ જ કશું ભેગું નહોતા કરી શક્યા. આખો દિવસ બસ શિવ..શિવ.. કરે રાખવાથી પેટ થોડું ભરાય છે? એમણે પોતાનો તો ઠીક પણ મારા ભવિષ્યનોય વિચાર ના કર્યો!" એણે મનોમન કેસ ચલાવી બાપાને ગુનેગાર સાબિત કરવા માંડ્યા. એના બાપા હરદ્વારમાં કર્મકાંડ કરાવતા. પણ એની આવકથી માંડમાંડ એ બંનેનું પૂરું થતું. એમાય બાપા જયારે ભલમનસાઈ દેખાડી કોઈ ગરીબ યાત્રાળુનાં પૈસા લેવાનું માંડી વાળતા ત્યારે એને બાપા પર બહુ ખીજ ચઢતી.
બીજી બાજુ પોતાના સંસ્કારોનો પડછાયો પોતાના દીકરામાં ન જોતા બાપાઽય ખૂબ ગુસ્સે ભરાતા. એના માનસને સમજવાનો બાપા પાસે સમય ક્યાં હતો? એટલે એ ધાક-ધમકીથી દીકરા પાસે ધાર્યું કરાવતા. એમાં એને ઘણી વાર માર પણ પડતો. આ બધા કારણોસર એને એના બાપા નહોતા ગમતા. બાપા મરી ગયા ત્યારે એ પંદર વર્ષનો હતો. દબાઈ રાખેલી સ્પ્રિંગ વધારે ઉછળે એ રીતે એણે પોતાની જિંદગીનો દોર પોતાના હાથમાં લીધો હતો! એમાં બધા સરળ પણ દુનિયાની નજરે અવળા ધંધાઓમાં એ પારંગત થતો ચાલ્યો. એને જાણે એના બાપા સામે વેર લેવું હતું. એટલે તો એ ઘરમાં રાખેલા ભગવાનના ફોટા, મૂર્તિઓ બધું એ પીપળે જઈ મૂકી આવેલો..
***
એ એની સીટ પર પાછો આવીને બેઠો.એના જ કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા પતિ-પત્નીની વાતો એના કાને પડી. એને કંઈક સારું લાગ્યું. એને એની મીનાની યાદ આવી. એ ઘરેથી નીકળ્યો ત્યારે "દિવાળી સુધરી જાય એવું કંઈક કરજો." એવી મીઠી ટકોર મીનાએ કરેલી. માથા નીચે મુકેલી બેગમાં પડેલો થેલો એની દિવાળી સુધારી જ દેવાનો હતો ને! ગઈ કાલે જે રીતે એ કાકા થેલો સાચવી સાચવીને ફરતા એનાથી તો એમ જ લાગતું હતું! એને જાગતી આંખે મીનાના ખુશખુશાલ ચહેરાના સપના જોઈ રહ્યો.
***
ગઈકાલે બપોરે એ હરદ્રાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સ્ટેશન પર ખાસ ભીડ નહોતી. સ્કૂલોમાં દિવાળી વેકેશન પડવાને વાર હતી. ઉનાળામાં, દિવાળીમાં અને શ્રાવણ-અધિક જેવા મહિનાઓમાં હરદ્વારમાં બહુ વસ્તી રહેતી. એ બધા એની સીઝનના મહિનાઓ હતા. એના હિસાબે અત્યારે ઘણા ઓછા યાત્રાળુઓ હતા. ખભે થેલો લટકાયેલા મોટાભાગના પેસેન્જર તો અપડાઉન કરનારા હતા જે એના કોઈ ખાસ કામના નહોતા. એને તો શોધ હતી દૂર-દૂરના રાજ્યોમાંથી ધાર્મિક યાત્રાએ આવનારા યાત્રાળુઓની. એની નજર ચારેય દિશામાં ફરી વળી અને પછી ખભે થેલો લટકાવીને ઉભેલા એક કાકા પર સ્થિર થઇ. કાકાની નજર ચાતકની જેમ ટ્રેઇનની રાહ જોઈ રહી હતી અને એમના બંને હાથે ખભા પર ક્રોસ લટકેલા નાના બગલથેલાને ઉંચકેલો હતો. ઘડીભર પણ કાકાના હાથ પેલા પરથી ખસતા નહિ. એને થેલામાં રસ પડયો. થેલો આરામથી એની ટ્રોલીબેગમાં આવી જાય એટલો હતો. એ કાકાની વાતો સંભળાય એમ એમની નજીક જઈ જાણે પોતેય ટ્રેનની રાહ જોતો હોય એમ ઉભો રહી ગયો. કાકાની જોડે એમની પત્ની અને એમનો દીકરો હતા. એમની વાતો પરથી એ ખબર પડી કે એ ગુજરાતી છે એટલે સવાર પહેલા તો ઉતરવાના નહોતા એ નક્કી થઇ ગયું. અને સવાર પહેલા તો એ એ થેલાનું કામ પતાવી દેવાનો હતો. એ જઈને યોગા એક્સપ્રેસની ટીકીટ લઇ આવ્યો.
થોડી વારમાં ગાડી મૂકાઈ. કાકા કયા ડબ્બામાં ચઢ્યા, કઈ સીટ પર બેઠા એ બધું બહારથી જોયા પછી તે કાકાની પછીના ડબ્બામાં ચઢ્યો. ટ્રેન ઉપડી એના કલાકેક પછી ટી.સી. આવ્યો . એની જોડે ગોઠવણ કરી એણે એને માફક આવે એવી ઉપરની બર્થ લઇ લીધી. ઉપર ચઢી પોતાની બેગનું જ ઓશીકું બનાવી એણે લંબાવ્યું. રાતે પોતાનું કામ ચાલુ થાય એ પહેલા આરામ કરી લેવો જરૂરી હતો. દિલ્હી આવ્યું ત્યારે સ્ટેશન પરના શોર-બકોરથી એની આંખ ઉઘડી ગઈ. એ ઉભો થઇ કાકાના ખબર જોવા એમના ડબ્બા બાજુ ગયો. થેલો હજુયે કાકાના ખોળામાં પોતાનો અડ્ડો જમાવીને બેઠો હતો. અને કાકાના હાથ થેલા ઉપરથી હજી પણ જરાય ખસ્યા નહોતા. નક્કી થેલામાં સારો એવો માલ હશે એમ વિચારતો એ પોતાની સીટ પર આવીને બેઠો. થોડી વારમાં એને ફરી ઊંઘ પણ આવી ગઈ.
રાતે એક વાગ્યાની આસપાસ એની ઊંઘ ઉડી ગઈ. એ એકવાર કાકાના ડબ્બામાં જઈ નજર નાખી આવ્યો. બધા પ્રવાસીઓ ઘસઘસાટ ઊંઘતા હતા. કાકા સાઈડ લોઅર બર્થ પર સુતા હતા, એમના મીસીસ એમની સામેની નીચલી બર્થ પર મોઢું ઢાંકીને સુતા હતા અને કાકાનો દીકરો સૌથી ઉપલી બર્થ પર નસકોરા બોલાવતો હતો. કાકાનો થેલો એમના માથા પાસે જ હતો. એને આજે પોતાનું નસીબ જોર કરતું હોય એમ લાગ્યું. એ થેલો લેવા જ જતો હતો અને એને કોઈકના સળવળવાનો અવાજ સંભળાયો. તે તરત ત્યાંથી નીકળી બાથરૂમમાં ઘુસી ગયો. અઢી વાગ્યાની આસપાસ એણે ફરી એ બાજુ લટાર મારી. આ વખતે બધા ગાઢ નિંદરમાં પોઢી ગયેલા. બિલકુલ અવાજ ના થાય એ રીતે ધીરે રહીને થેલો સેરવી લઇ એ પોતાની જગ્યાએ પાછો આવ્યો. બેગમાં થેલો મૂકી એણે લંબાવ્યું. પછી ઊંઘ ના આવતા દરવાજા પાસે આવીને એણે બીડી જલાવી.
**********
બપોરે બાર વાગે પાછા દિલ્હી પહોંચીને એણે પાટે-પાટે ચાલવા માંડ્યું. હવે એને થેલાનો માલ જોઈ લેવો હતો. અને જો રોકડ માલને બદલે કંઈક કિંમતી ચીજ હોય તો એ દિલ્હીના બજારમાં જ વેચી એના પૈસા ઉપજાવી લેવાની એની ગણતરી હતી. "મીના માટેય અહીંથી જ એકાદ સાડી લઇ લઈશ. એ ખુશ થઇ જશે." ચાલતા-ચાલતા એણે વિચાર્યુ. વસ્તી સાવ દેખાતી બંધ થઇ ગઈ ત્યારે એણે ઉભા પગે બેસી જમીન પર ધૂળમાં એની બેગ મૂકી. પછી આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરી લઇ થેલો બહાર કાઢ્યો. "કાકો તો અત્યારે થેલાને યાદ કરી રોતો હશે!" એવું વિચારતા એના મો પર સ્મિત આવી ગયું. એણે ચેન ખોલીને જોયું તો અંદર થોડાંક ધાર્મિક પુસ્તકો, સફેદ પ્લાસ્ટીકનો ગોળ ડબ્બો અને બે ચશ્માના બોક્ષ હતા. એણે પ્લાસ્ટીકનો ડબ્બો ખોલ્યો તો અંદરથી પત્થરનું શિવલિંગ, ગણપતિનો નાની પંચધાતુની મૂર્તિ અને એક તાંબાનું નાનું શ્રીયંત્ર નીકળ્યું. એને નિરાશા ઘેરી વળી! ચશ્માના બંને બોક્ષ ખોલીને એણે જોઈ લીધું પણ એમાથી જૂના ચશ્માં સિવાય કંઈ ન મળ્યું. એણે પુસ્તકોના પાનાંઽય ઉથલાવી જોયા. એમાંથી થોડાક બીલીપત્ર ખરીને જમીન પર પડ્યા. એની બધી મહેનત ખાળે ગઈ હતી. દિવાળી પાસે હતી અને આ ફેરો ખાલી જવાથી એની દિવાળી લગભગ કોરી જ જવાની હતી. જીવની જેમ થેલો સાચવી-સાચવીને ફરતા કાકા પાસે પોતે "છેતરાઈ ગયો" હોય એવી લાગણી એને થઇ આવી. એને કાકા પર અતિશય ચીઢ ચઢી. અને એ ચીઢ કાકા પર ઉતરતો હોય એમ એણે થેલાનો છુટ્ટો ઘા કર્યો. અને પછી ધબ્બ કરતો જમીન પર બેસી પડ્યો.
થોડીવાર એ બે પગ વચ્ચે માથું ઘાલી એમને એમ બેસી રહ્યો. બંધ આંખે એને પેલા કાકાના ચહેરામાં બાપાનો ચહેરો ભળી જતો લાગ્યો. અને એણે ઉભા થઇ, થેલો લઇ હરદ્રારના બસસ્ટેન્ડ તરફ ચાલવા માંડ્યું.