મોટા માણસોના સફળ થવાના રસ્તા
સફળતા એ સાપેક્ષ બાબત છે. તમે જેને સફળ ગણતા હો તે પોતાને સફળ ન પણ ગણતો હોય તેવું બને. એક રીતે સફળતા એ સુખ જેવી બાબત ખરી, પણ સુખ અને સફળતા વચ્ચે અંતર છે. સફળ માણસ સુખી હોય તેવું જરૂરી નથી. સુખી માણસ સફળ હોય તે જરૂરી નથી. પણ હા, સુખી માણસ સફળ હોઈ શકે અને તે જ રીતે સફળ માણસ સુખી હોઈ શકે. સમાજ માટે સફળતાની વ્યાખ્યા શું છે? સત્તા? પૈસો? સુંદર જીવનસાથી અને ભરપૂર પરિવાર? અઢળક મિલકત? દરેક વ્યક્તિને દરેક વસ્તુ નથી મળતી હોતી. દુનિયા જેને સફળતમ માનવી ગણતી હોય તે પણ પોતે કોઈક બાબતે નિષ્ફળ ગયાના વસવસાથી પીડાતી હોઈ શકે.
અમિતાભ બચ્ચનની આકાશવાણી પર નિષ્ફળ ગયાની કે શરૂઆતમાં ૧૧ કે ૧૩ ફિલ્મો ફ્લોપ ગયાની વાત નથી કરવી, પરંતુ એ અમિતાભ બચ્ચનેય તે રાજકારણમાં, એબીસીએલમાં કે સિરિયલમાં (યુધ) નિષ્ફળ ગયો જ છે ને. જિતેન્દ્ર ભલે કલાકાર તરીકે સફળ પણ નિર્માતા તરીકે ન ચાલ્યા. દિલીપકુમાર સારા દિગ્દર્શક ન બની શક્યા. રાજ કપૂરે જ્યારે નરગીસને ગુમાવી હશે ત્યારે નિષ્ફળ ગયાની વેદના જરૂર થઈ હશે. સચીન તેંડુલકર. ક્રિકેટની દુનિયામાં બૅટ્સમેનોની વાત નીકળે ત્યારે ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે મૂકાતું નામ. એ કપ્તાન તરીકે ક્યાં ચાલ્યો? કપ્તાન તરીકે ચાલ્યો હોત તો કદાચ તે બૅટ્સમેન તરીકે આટલો મહાન ન થઈ શક્યો હોત. કપ્તાનપદાનો બોજ તેના માથે આવ્યો ત્યારે તેની બેટિંગ પર અસર પડવા લાગી હતી. આખી દુનિયાનું જગત જમાદાર અમેરિકા. અમેરિકા અને અમેરિકા જ નહીં, એક સમયની સમાંતર મહાસત્તા સોવિયેત સંઘ પણ અફઘાનિસ્તાનમાં નિષ્ફળ ગયા હતા. સલમાન ખાનનો સિક્કો આજે પણ ચાલે છે પરંતુ એ અભિનયના ક્ષેત્રે. પ્રેમમાં તો તે નિષ્ફળ છે. લિએન્ડર પેસે ડબલ્સમાં કેટલી સફળતા મેળવી, પરંતુ સિંગલ્સમાં? દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ક્ષેત્રે અવ્વલ આ ટીમ જોરદાર દેખાવ કરીને દર વિશ્વ કપમાં સેમી ફાઇનલમાં પહોંચે અને વરસાદ વિલન બનીને આવે. સિકંદર ઉર્ફે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ વિશ્વવિજયી નિવડ્યો પણ પંજાબમાં પોરસ સામે કારી ન ફાવી. અલબત્ત, તેની સામે કંઈ હાર્યો નહોતો, પરંતુ પોરસે તેને હંફાવી જરૂર દીધો હતો અને તે પછી તેનું વિશ્વવિજયનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું.
દરેક સફળ માનવીની જિંદગીમાં નિષ્ફળતા અતૂટ હિસ્સો છે? નિષ્ફળતા મેળવીને જ સફળ થવાય છે? કે પછી જે વ્યક્તિ સફળ ગણાવા લાગે એટલે તે તેની જિંદગીમાં સંઘર્ષ, ગરીબી અને નિષ્ફળતાની વાર્તા ઘડી કાઢે છે? બહુ ઓછા માણસો હશે જે કહેશે કે હા, અમારે ક્યાંય સંઘર્ષ નથી કરવો પડ્યો, અમને ક્યાંય નિષ્ફળતા નથી નડી અથવા મળી. સફળતાની વ્યાખ્યા શું છે? તમે જે કંઈ ધ્યેય કે હેતુ નક્કી કર્યો હોય તેને તમે પ્રાપ્ત કરો તે સફળતા. પરંતુ સફળતા કાયમી નથી. સફળતા એ એક જાતના વ્યસન જેવી છે. તમે દસમું ધોરણ, ધારેલા ૮૦ ટકા સાથે પાસ કરી નાખો ત્યાં ૧૧-૧૨ ધોરણ (હવે તો સંયુક્ત રીતે ટકા ગણાય છે ને) સામે આવી જાય છે. તેમાં સફળતા પ્રાપ્ત કરો એટલે તમારે જે શાખામાં પ્રવેશ જોઈતો હોય તેનું ધ્યેય સામે આવી જાય છે. આ બધાને તમે પેટા ધ્યેય કહી શકો. તમારું મુખ્ય ધ્યેય એક હોઈ શકે. જેમ કે કોઈ વ્યક્તિને એન્જિનિયર થવું છે. તો એન્જિનિયર થવું તે તેનું મુખ્ય ધ્યેય થયું, પરંતુ તે માટે ૧૦મું સારા માર્ક સાથે પાસ કરવું, ૧૧-૧૨મામાં સારા માર્ક લાવવા, જેઈઈની પરીક્ષામાં સારા માર્ક લાવવા અને તે પછી એન્જિનિયરિંગની મનવાંચ્છિત સ્ટ્રીમમાં ઍડ્મિશન મેળવવું અને ત્યાર બાદ તેનાં સેમેસ્ટરોમાં સારા માર્ક લાવવા. આમ આ બધાં પેટા ધ્યેયો પાર પડે ત્યારે મુખ્ય ધ્યેય હાંસલ થતું હોય છે. પણ એન્જિનિયર થઈ જાય એટલે સફળતા મળી ગઈ? ના. એ પછી સારી નોકરી મળવી જરૂરી છે.
સફળતાની વ્યાખ્યા જાણી લીધી પછી સફળતાના ફંડા જાણીએ. નાનામોટા, કહેવાતા સફળ લોકો, કઈ બાબતને અનુસરીને સફળ થયા તે જો આપણે જાણીશું તો સફળ થવાની ચાવી મળી જશે. આમ તો દરેક સફળ વ્યક્તિમાંથી સફળ થવાની અનેક ટિપ્સ મળી શકે, પરંતુ આપણે એક કિસ્સામાંથી એક જ ટિપ્સ તારવી છે.
સંજીવ મહેતા: દરેક પળે શીખતા રહો
સંજીવ મહેતા. આ ગુજરાતી ભાઈ યુનિયન કાર્બાઇડથી માંડીને હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીઓમાં ટોચની પોસ્ટે પહોંચ્યો છે. તેમની સફળતાનું એક રહસ્ય એટલે દરેક પળે શીખતા રહેવું. ક્યારે શું કામ લાગશે તે કહેવાય નહીં. તેમના પિતા એસ. પી. મહેતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા હતા. જ્યારે સમગ્ર પરિવાર એક સાથે ભોજન લેતું હોય ત્યારે તેઓ તેમનાં બાળકોને તેમના અનુભવો કહેતા. આ અનુભવ સ્વાભાવિક જ બિઝનેસને લગતા કિસ્સાઓનો હોય જેમાં બિઝનેસમેનની સફળતા-નિષ્ફળતાની વાત આવતી. આમાંથી સંજીવ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પાઠ ભણ્યા. આમ, તમારી સાથે કોઈ વાત કરતું હોય તો પણ તેને નકામી ન માનો. શી ખબર કે ભવિષ્યમાં તમને સફળ બનાવવાની કોઈ ચાવી તેમાં રહી ગઈ હોય!
અમાયરા દસ્તૂર: કેડો ન છોડો
હમણાં ઈમરાન હાશ્મી સાથે ‘મિસ્ટર એક્સ’ ફિલ્મમાં ચમકી ગયેલી આ રૂપકડી હિરોઇન ૧૬ વર્ષે મોડલ બની ગઈ હતી. તે પછી તેને હિન્દી ફિલ્મમાં ચમકવું હતું. પરંતુ પારસી કુટુંબની હોવાથી અંગ્રેજી અને ગુજરાતી બે જ ભાષા વધુ ફાવે. હિન્દીમાં ફાંફા થાય. આના કારણે તે અનેક ઑડિશનમાં નિષ્ફળ ગઈ. સ્વભાવે પાછી શરમાળ અને અંતર્મુખી. છેવટે પહેલી ફિલ્મ મળી તે રાજ બબ્બર અને સ્મિતા પાટીલના દીકરા પ્રતીક સામેની ‘ઇસક’. આ ફિલ્મ પીટાઈ ગઈ. આ ફિલ્મ વખતે તેણે રવિવારની રજામાં પણ હિન્દી શીખવા કાર્યશાળામાં ભાગ લીધો. હિન્દી સુધાર્યું. તે પછી તમિલ ફિલ્મ ‘અનેગન’ મળી. ત્યાર બાદ મહેશ ભટ્ટ – વિક્રમ ભટ્ટે તેને ‘મિસ્ટર એક્સ’માં લીધી, પરંતુ તેના સંવાદો ડબ થયા. અમાયરાનો સફળતા માટેનો સંઘર્ષ ચાલુ જ છે, પરંતુ વિચારો, તેણે મોડેલિંગ પછી ઑડિશનમાં નિષ્ફળતાના કારણે હિન્દી ફિલ્મનો કેડો જ છોડી દીધો હોત તો?
સ્મૃતિ ઈરાની: વિકલ્પ વિચારો
આજે માનવ સંસાધન પ્રધાન તરીકે સૌથી યુવા મહિલા પ્રધાનનું બિરુદ મેળવી ચુકેલાં સ્મૃતિ ઈરાનીનું ભવિષ્ય અંધકારમય ભાખવામાં આવ્યું હતું! એક જ્યોતિષીએ તેની બે બહેનોનું ભવિષ્ય સારું કહ્યું હતું પરંતુ સ્મૃતિ ઈરાનીનું ભવિષ્ય સારું નથી તેમ કહ્યું હતું. તેમને બનવું હતું પત્રકાર કે આઈએએસ અધિકારી. તેના પિતાને લાગ્યું કે આ પૈકી એકેય વ્યવસાય તેમને માફક નહીં આવે. તેમણે આ પસંદગીને પકડી રહેવાના બદલે નવો વિકલ્પ વિચાર્યો.
તેઓ બિસ્તરાં-પોટલાં બાંધીને મુંબઈ આવતા રહ્યાં. અહીં તેમણે ટીવી માટે અનેક ઑડિશનો આપ્યાં. તેમનો અસ્વીકાર જ થતો. દરમિયાનમાં તેમણે તેમના પિતા પાસેથી પૈસા લોન તરીકે લેવા પડ્યા હતા. આથી તેમણે મેકડોનાલ્ડ્સમાં ટેબલ અને ભોંયતળિયું સાફ કરવા જેવું કામ સ્વીકારી લીધું! એક વાર ‘ઉલાલા’ પ્રોગ્રામમાં એકતા કપૂરની માતા અને જિતેન્દ્રની પત્ની શોભા કપૂરની નજર તેમના પર પડી અને આમ, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ મળી. રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
શિવ ખેરા: પરિસ્થિતિ સાથે બદલાવ
શિવ ખેરા આજે પ્રેરણાદાયક વિચારોના વક્તા અને આવાં અનેક પુસ્તકોના લેખક છે, પણ પહેલાં તેમનો પરિવાર બિહારના ધનબાદમાં કોલસાની ખાણોનો માલિક હતો. ખાણોનું રાષ્ટ્રીયકરણ થયું ને તેમનો પરિવાર શેરીઓ પર આવી ગયો. દિલ્હીમાં મોડર્ન સ્કૂલમાં ભણતા હતા ત્યારે પાછળના બાંકડે બેસતા. નવમા ધોરણમાં હતા ત્યારે વિજ્ઞાન પસંદ નહોતું તો પણ બળજબરીથી આ વિષય લેવડાવ્યો. પરિણામે નાપાસ થયા. ૧૧મા ધોરણમાં આવ્યા ત્યારે માતા-પિતાને વિનંતી કરી કે મને આર્ટ્સ લેવા દો. શિક્ષકે કહેલું કે તું નાપાસ થઈશ. પરંતુ તેમને ફર્સ્ટ ડિવિઝન મળ્યું. બહેને ટિકિટ સ્પોન્સર કરી ટોરન્ટો બોલાવી લીધા તો દિવસે કાર ધોતા અને વેક્યુમ ક્લિનરનો ડેમો દેખાડવા જતા. એક દિવસ ‘ધ પાવર ઑફ પોઝિટિવ થિંકિંગ’ના લેખક નોર્મન વિન્સેન્ટ પીલેની જાહેરખબર જોઈ, તેની ટિકિટ ખરીદવાના પૈસા તો નહોતા, પણ તે દિવસથી પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું. નાનપણમાં શ્રીમંત હતા તે જ પરિસ્થિતિને યાદ કરીને રડ્યા રાખ્યું હોત તો? વિજ્ઞાન બળજબરીથી લેવડાવ્યું તે પછી ૧૧મામાં આર્ટ્સ ન રાખ્યું હોત તો? આમ, પરિસ્થિતિ સાથે બદલાવું જરૂરી છે.
શિવ ખેરાએ તો પુસ્તક લખવાનું શરૂ કર્યું પછી પણ તેમને સંઘર્ષ થયો હતો. તેમનું પુસ્તક ‘ફ્રીડમ ઇઝ નોટ ફ્રી’નું વિમોચન થયા પછી એક નિવૃત્ત સરકારી અધિકારી અમૃત લાલે તેમના પર ઉઠાંતરીનો આક્ષેપ કર્યો હતો અને વાત અદાલત સુધી પણ પહોંચી હતી. અંતે કોર્ટ બહાર સમાધાન થયું. શિવ ખેરાએ લખવાનું ચાલુ જ રાખ્યું.
સંગીતા ભાટિયા: મજબૂત ઈરાદો હોય તો નકારને પડકારો
શિવ ખેરાના ઉદાહરણમાં કહ્યું કે પરિસ્થિતિ સાથે બદલાવ. સ્મૃતિ ઈરાનીના કિસ્સામાં પણ આપણે જોયું કે બે વિકલ્પ ન ચાલે તો ત્રીજો વિકલ્પ અપનાવો, પરંતુ ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક સંગીતા ભાટિયાની વાત વાંચીશું તો ખબર પડશે કે મજબૂત ઈરાદો હોય તો નકારને પડકારી શકાય છે. સંગીતા ભાટિયાને હમણાં ૨.૫ લાખ ડોલરનો હેન્ઝ એવોર્ડ માઇક્રોલિવર વિકસાવવા માટે મળ્યો. તેમને એક સમયે હાર્વર્ડ-એમઆઈટીના આરોગ્ય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી (એચએસટી) વિભાગમાં એમ. ડી.- પીએચ.ડી. કરવું હતું. પરંતુ તેમને નકારી દેવામાં આવ્યાં હતાં. થોડા સમય પછી એ જ વિભાગમાં તેમને એમ.ડી. – પીએચ. ડી.માં પ્રવેશ મળી ગયો. આજે તેમની માઇક્રોલિવરની શોધ કેન્સર માટે મહત્ત્વની મનાય છે.
સોનુ નિગમ: ક્યારેક અપમાન પણ ગળી જવું પડે
સોનુ નિગમ જ્યારે દિલ્હીથી મુંબઈ ગાયક થવા આવ્યો ત્યારે મ્યૂઝિક ડિરેક્ટરોની ઑફિસ બહાર સાત-આઠ કલાક ઊભા રહેવું પડતું. અપમાન પણ થતું. તે વખતે ઉંમર માત્ર ૧૮. દેખાવમાં સૂકલકડી, લાંબા વાળ. ટુ વ્હીલર પર આવતો. રાજેશ રોશનને અવાજ ગમી ગયો અને તેમણે મળવા બોલાવ્યો. પિતા અગમકુમાર નિગમ સાથે મળવા ગયો તો તેની ઑફિસમાંથી ચિત્રેશસિંહ નામના ‘ચા કરતાં કીટલી ગરમ’ જેવી વ્યક્તિએ પિતા-પુત્રને કૂતરાની જેમ હડ કરીને કાઢી મૂક્યા હતા.
અમિતાભ: કામ માગવામાં શરમ ન રાખો
અમિતાભે ‘ખુદાગવાહ’ ફિલ્મ પછી નિવૃત્તિ જાહેર કરી હતી. તે પછી તેણે એબીસીએલ કંપની શરૂ કરી અને તેમાં તેઓ ભારે નિષ્ફળ ગયા અને દેવું ખૂબ વધી ગયું. આવા વખતે તેમણે અહંકાર ન રાખ્યો કે હું તો સુપરસ્ટાર. મને સામેથી કામ મળવું જોઈએ. તેમણે પોતે કબૂલ્યું છે તેમ એક દિવસ તેઓ યશ ચોપરા પાસે ગયા અને તેમની પાસે વાત કરી, કામ માગ્યું. પરિણામે તેમને ‘મોહબ્બતેં’ મળી. અને તે હતું તેમનું બીજું સફળ પુનરાગમન.