Gazal Hu Sikhvu Tamne : Part-2 in Gujarati Magazine by Hemant Gohil books and stories PDF | Gazal Hu Sikhvu Tamne : Part-2

Featured Books
Categories
Share

Gazal Hu Sikhvu Tamne : Part-2

ગઝલ; હું શીખવું તમને....

[ભાગ-૨]

  • હેમંત ગોહિલ ‘મર્મર’
  • ગઝલ; હું શીખવું તમને ....[ભાગ-૨] માં આપનું સ્વાગત છે...

    ભાગ-૧માં આપણે અક્ષર અને અક્ષરના સ્વરભાર વિષે જાણ્યું.

    થોડું પુનરાવર્તન કરીશું. જેથી સળંગસૂત્રતા જળવાઈ રહે.

    આપણે એ જોયું કે જે અક્ષરોનો ઉચ્ચાર દીર્ઘ એટલે કે મોટો હોય છે એને ગુરુ ગણવો. જેમ કે ....આ,ઈ ,ઓ.ઔ ,ઊ ,...વગરે ....

    જે અક્ષરોનો ઉચ્ચાર લઘુ એટલે કે નાનો હોય છે એને લઘુ ગણવો. જેમ કે...અ,ઇ.ઉ ....વગરે...

    લઘુ ઉચ્ચારવાળા વર્ણ –ક.કિ,કુ

    દીર્ઘ ઉચ્ચારવાળા વર્ણ- કા,કી ,કે,કો,કૌ .કં,કૂ ...

    આપણે લગાત્મક રૂપથી પણ પરિચિત છીએ. જેની ચર્ચા આપણે ભા-૧ માં કરી ચૂક્યા છીએ,

    હું આશા રાખું છું કે આપ એ પ્રમાણે શબ્દ ગોઠવણી કરતા શીખી ગયા હશો.

    અહીં આપણે ગઝલના અંગો વિષે ઓળખ કેળવીશું.

    ગઝલના અંગો:

    [૧] મિસરો

    [૨] સાની મિસરો

    [૩] ઉલા મિસરો

    [૪] શેર

    [૫] કાફિયા

    [૬] રદીફ

    [૭] મત્લા

    [૮] મક્તા

    [૯] અંતિમ શેર

    હવે,આપણે એનો વિગતે પરિચય મેળવીએ ...

    પહેલા એક આખી ગઝલ જુઓ ..

    છાંયડાનો પ્લાન તોયે પાસ તો ક્યાં થાય છે

    ઝાડવાની એક ડાળી રોજ ધક્કા ખાય છે.

    છોકરો પેટાવતો’તો કોડિયામાં છોકરી ,

    ગામ આખું મસ્ત થઈને ધૂન-કીર્તન ગાય છે.

    કેમ,ક્યારે,કોનું,કેવું ઠેબું વાગ્યું પહાડને?

    આજની તારીખમાં પણ ત્યાં નદી ઢોળાય છે.

    શ્વાસની ડાળી હજીયે એટલે લીલી હતી,

    ફૂલ જેવા નામનો ત્યાં હિંચકો બંધાય છે.

    ખાતમુહૂર્ત એક વૃદ્ધાશ્રમનું આજે થયું,

    ઠીક પાછળ પ્લોટમાં શ્રવણકથા વંચાય છે.

    ઓઢણી ભીની હશે હા, એમની ચોક્કસપણે

    આ પવન કંઈ સાવ અમથો એ તરફ જઇ વાય છે ?

    જીવમાં ગોબા પડે છે અર્થ એનો એટલો

    કોક ભીતરમાં હજીયે શબ્દ થઇ પડઘાય છે.

  • - હેમંત ગોહિલ ‘મર્મર ‘
  • હવે ,આપણે ગઝલના આ અંગોનો વિગતવાર પરિચય મેળવીએ ....

    ઉપરની ગઝલના સંદર્ભે ઓળખ મેળવીએ ...

    [૧] છાંયડાનો પ્લાન તોયે પાસ તો ક્યાં થાય છે !—આ છે મિસરો .જેને ઉલા મિસરો કહેવામાં આવે છે.ટૂંકમાં શેરની પ્રથમ પંક્તિ એટલે ઉલા મિસરો કહેવાય.

    [૨] ઝાડવાની એક ડાળી રોજ ધક્કા ખાય છે .---આજે પણ છે મિસરો. જેને સાની મિસરો કહેવાય.

    ટૂંકમાં શેરની બીજી પંક્તિ એટલે સાની મિસરો કહેવાય.

    ઉલાનો અર્થ ઉર્દુકોશ પ્રમાણે “બુલંદી’ એવો થાય અને સાનીનો અર્થ દ્વિતીય ,ઉત્તમ થાય છે.

    આ બંને મિસરા ભેગા મળીને એક શેરની રચના કરે છે.

    આમ,ઉલા અને સાની મિસરામાં એક જ ભાવ વ્યક્ત કરવામાં આવે છે.શેરની પ્રથમ પંક્તિ [ઉલા મિસરો] ભાવને બુલંદી સુધી ,ઊંચાઈ સુધી લઇ જવાનો પ્રયત્ન કરે છે જ્યારે એના પછી આવતી બીજી પંક્તિ [સાની મિસરો] ભાવને ઉચ્ચતમ ભાવવિશ્વ સુધી લઇ જવાનું કામ કરે છે.

    આખી ગઝલના પ્રત્યેક શેરને આ બાબત લાગુ પડે છે.

    પ્રત્યેક શેરમાં અલગ અલગ ભાવ વર્ણવી શકાય છે. પ્રત્યેક શેર સ્વતંત્ર વિચાર કે વાત વર્ણવી શકે છે .[કદાચ એટલે જ સૌને ગઝલ લખવી સરળ લાગે છે .]

    પરંતુ આખી ગઝલમાં એક જ ભાવ વર્ણવીને પણ ગઝલ લખી શકાય છે. જેને મુસલસલ ગઝલ કહેવામાં આવે છે.જેમ કે કોઈ કવિ ‘મા’ વિષે ગઝલ લખે અને એના પ્રત્યેક શેરમાં “મા ‘વિષે જ વાત આવતી હોય તો એને મુસલસલ ગઝલ કહી શકાય.

    સાર :

    ગઝલના સંદર્ભમાં વાત કરીએતો શેરની પ્રથમ તુક [પહેલી લીટી ] એટલે ઉલા મિસરો અને શેરની બીજી તુક [બીજી લીટી ] એટલે સાની મિસરો.

    મિસરા શબ્દનો અરબી ભાષામાં એવો અર્થ થાય છે કે બારણાંના બે કમાડ પૈકી એક કમાડ.એનો સીધો અર્થ એવો નીકળે કે બંને કમાડ [મિસરા] યોગ્ય હોય તો જ ‘શેર’ નામનો દરવાજો યોગ્ય ગણાય .

    આ બંને ભેગા થાય એટલે એક શેર બને.

    ‘થાય છે ‘ એમાં ‘થાય ‘ અને ‘ ખાય છે ‘ એમાં ‘ખાય ’ એ પ્રાસયુક્ત શબ્દો છે .જેને કાફિયા કહેવામાં આવે છે. “છે “ બંને મિસરામાં આવે છે .જેને રદીફ કહેવામાં આવે છે.

    પ્રત્યેક શેરના સાની મિસરામાં એટલે કે શેરની બીજી પંક્તિમાં રદીફ –કાફિયા આવે છે. ટૂંકમાં ,કાફિયા એટલે શેરની બીજી પંક્તિમાં આવતા પ્રાસ વાળા શબ્દો અને રદીફ એટલે શેરની બીજી પંક્તિમાં આવતા એના એ જ શબ્દો .

    હજી વધુ એક ઉદાહરણ લઈએ ...

    ભીંતડાં ને દ્વાર વચ્ચે એક જણ જીવી ગયો,

    જીવવાના ભાર વચ્ચે એક જન જીવી ગયો.

  • હેમંત ગોહિલ ‘મર્મર ‘
  • આ શેરમાં “દ્વાર’ અને ‘ભાર’ એ શબ્દો કાફિયા છે જ્યારે ‘ એક જણ જીવી ગયો ‘ એ શબ્દ ઝૂમખું રદીફ છે.
  • એક બીજું ઉદાહરણ જોઈએ ...

    એક નક્કર વાત આવી જાણમાં

    કોક વસતું જીવના પોલાણમાં . – હેમંત ગોહિલ ‘મર્મર’

    આ શેરમાં ‘જાણ’ અને ‘લાણ’ એ શબ્દ ઝૂમખાં કાફિયા છે. અને ‘માં’ શબ્દ રદીફ છે.

    કાફિયા પુલ્લિંગ શબ્દ છે. જ્યારે રદીફ સ્ત્રીલિંગ શબ્દ છે.

    હવે ,મત્લા અને મક્તા વિષે જાણીએ

    મત્લા અને મક્તા:

    ગઝલનો પ્રથમ શેર કે જેના બંને મિસરામાં કાફિયા અને રદીફ હોય એને મત્લાનો શેર કહેવાય.

    જેમ કે ...

    [૧] છાંયડાનો પ્લાન તોયે પાસ તો ક્યાં થાય છે

    ઝાડવાની એક ડાળી રોજ ધક્કા ખાય છે .

    [૨] સમી સાંજે જ આવીને ફૂલોની વાત કાઢે છે

    કયા ભવની બગીચો આમ,જૂની દાઝ કાઢે છે . – હેમંત ગોહિલ ‘મર્મર’

    [૩] પૃષ્ઠ વચ્ચે એક પીંછું રોજ મૂકી રાખવાનું

    એમ પાનું ડાયરીનું દોસ્ત ! સુખી રાખવાનું . - હેમંત ગોહિલ ‘મર્મર’

    [૪] હજી એક જ્યોતિ જલે છે યથાવત

    હજી ગોંખલો ત્યાં હસે છે યથાવત . – હેમંત ગોહિલ ‘મર્મર’

    [૫] બીજમાંથી એક લીલો છોડ કરવા

    હું મથું વરસાદને અપલોડ કરવા . - - હેમંત ગોહિલ ‘મર્મર’

    તો,આ થયા મત્લાના શેર .....

    મત્લાનો અર્થ થાય છે દરવાજો . દ્વાર . એટલે કે મત્લા એ ગઝલનું પ્રવેશદ્વાર છે.

    આજકાલ મત્લા વગરની ગઝલ પણ લખાય છે.જેને બિનમત્લા ગઝલ કહી શકાય.

    મત્લાના શેરનો ઉલા મિસરો સુંદર લખાયો હોય તો ‘ સુંદર ઉપાડ ‘ એમ બોલવામાં આવે છે.મુશાયરાની ભાષામાં ..

    ઘણીવાર અમુક સર્જકો બધાજ શેર મત્લા ના શેર મુકીને આખી રચના બનાવે છે.જેને મત્લાગઝલ કહેવામાં આવે છે.

    મક્તા :

    જે શેરમાં કવિનું નામ કે ઉપનામ આવતું હોય તેવા શેરને મક્તા કહેવામાં આવે છે. સામાન્ય રીતે ગઝલના અંતમાં આ મક્તા આવતો હોય છે. પરંતુ છેલ્લા શેરમાં સર્જકનું નામ કે ઉપનામ ન આવતું હોય તો તેને મક્તા ન કહેવાય. તો એને અંતિમ શેર કહેવામાં આવે છે.

    યાદ રાખીએ : ‘ગઝલ; હું શીખવું તમને – [ભાગ-૧ ]માં આપણે ગઝલના સ્ટ્રક્ચર –બંધારણ વિષે શીખ્યા .બંધારણ પ્રમાણે કેવળ શબ્દો ગોઠવી દેવાથી ગઝલ નથી બની જતી. એમાં કાવ્યત્વ –ગઝલત્વ ઉમેરાય ત્યારે જ ઉત્તમ રચના બને છે. એ માટે ઉત્તમ રચનાકારોની રચનાનું અધ્ધ્યન કરવું ઘટે.

    ગઝલ; હું શીખવું તમને – [ભાગ-૨ ]માં આપણે ગઝલના વિવિધ અંગો વિષે પરિચય મેળવ્યો.

    “ ગઝલ; હું શીખવું તમને ...ભાગ-૩ માં આપણે ગઝલને સાચા અર્થમાં કેવી રીતે ગઝલ બનાવી શકીએ તેની વાત કરીશું .અને ગઝલના કેટલાક પારિભાષિક શબ્દોની ઓળખ મેળવીશું.

    હવે ,આપણે “ ગઝલ; હું શીખવું તમને ...ભાગ-૩” માં મળીશું.

    ત્યાં સુધી આપ સૌ ગઝલપ્રેમીને ગઝલપૂર્વક સુકામનાઓ ....