3 Hradaysparshi Laghukathao in Gujarati Short Stories by Arti Jani books and stories PDF | ૩ Hradaysparshi Laghukathao

Featured Books
Categories
Share

૩ Hradaysparshi Laghukathao

લેખિકા : આરતી જાની

સરનામું : ૧/૧૦, ઇન્દ્રવિલા, નવાવાસ,

માધાપર,તા.ભુજ-કચ્છ.

ઈ બુકનું નામ : ૩ હૃદયસ્પર્શી લઘુકથાઓ

ઈ-મેઈલ : jani.arti90@gmail.com


૩ હૃદયસ્પર્શી લઘુકથાઓ.

અનુક્રમણિકા

૧. વડલામાંનો ખજાનો

૨. સાત લાખના સિંગભજીયા

૩. નવું ઘર


૧. વડલામાંનો ખજાનો

માતા-પિતાની આંખો આંસુઓથી છલકાતી રહી. પોતાના પુત્રનું આવું ઓરમાયું વર્તન જોઈ એ તો ડઘાઈ જ ગયા. વિદેશમાં ભણવા માટે મોકલ્યો એ એમની મોટામાં મોટી ભૂલ હતી તેનો અહેસાસ આજે તેઓને થયો. એ જ વડલાના છાંયડે બેસીને વિચારતા રહ્યા કે આપણે આપેલ સંસ્કારોનું કઈ જ મુલ્ય નહિ ! ઘર જેવું ઘર વેચી માર્યું એ પણ પેલી વિદેશી ઘરવાળી માટે ! આ ઉમરે રસ્તે રઝળતા કરી મુક્યા !!!

પણ હવે બીજો કોઈ જ ઉપાય નથી. આ ઘર તો છોડવું જ રહ્યું. હવે તો ગામડાનું એ નાનું ઘર જ આપણું આશ્રયી થશે. એવા નિ:શ્વાસ સાથે રસિકલાલ તેની પત્ની સરસ્વતીદેવીને કહી રહ્યા. સરસ્વતીદેવીએ સ્વસ્થ થઇ થોડી હિમત કરી તેના દીકરા સામે એક રજૂઆત મૂકી, “બસ થોડો સમય આ ફળિયાના તારા ફેવરીટ વડલા પાસે તું બેસી રહે. એની બખોલ કે જે તે ખાસ પપ્પા પાસે કોતરાવીને બનાવડાવીતી. એમાં સંઘરેલા તારા ખજાનાને એક વાર જોઈને તેને ફેંકી દે એટલે આ વડલા પરથી તેનો બોજ ઓછો થાય.”

નિકેતે તૈયારી બતાવી. આ એ જ એના ઘર પાસેનો વડલો જેની વડવાઈના ઝૂલા ખાઈને એ મોટો થયેલો. તે નાનો હતો ત્યારે તેમાં બનાવેલી મોટી બખોલને પોતાના ખાના તરીકે ઉપયોગ કરતો. ત્યારે માં એ કહેલું કે તને આજે જે કાંઈ ગમ્યું હોય, સારું લાગ્યું હોય એ એક કાગળમાં લખી આ બખોલમાં રાખતો આવ. આ તારો ખજાનો છે. ત્યારથી નિકેત એમ કરતો. અને બખોલની નીચે “મારો ખજાનો” એવું લખી દીધું.

એ એકલો વડલા નીચે બેસી રહ્યો. વડલાની છાયામાં બેસતા સાથે જ તેને એક અજબ શાંતિનો અનુભવ થયો. તેના ઉકાળેલા હૃદયને ટાઢક વળી. આસપાસ કોઈ જ ન હોવાથી એ ખુલ્લા દિલથી પોતાનું બચપણ યાદ કરવા લાગ્યો. અને બખોલમાંથી એક કાગળ કાઢ્યો ને તે વાંચવાનું શરૂ કર્યો, “મારી મમ્મી, મારા માટે ગમતી વિડીયો ગેમ લઇ આવી, મજા આવી.” વાંચીને નિકેત હસી પડ્યો. હવે તો એક પછી એક કાગળ વાંચવા માંડ્યા, “મમ્મી, તું તો મામના લગ્ન માટે તારા માટે સાડી લેવા ગઈ’તી ને, ને એને બદલે મારું ગમતું આટલું મોંઘુ જેકેટ લઇ આવી !! ખમ મને મોટો થવા દે, મારી પેલી કમાણીમાંથી તને તે ક્યારેય ન પહેરી હોય એવી મસ્ત સાડી લઇ દઈશ” બીજો કાગળ, “પપ્પા, હું તો પહેલા નંબરની શરત જીત્યો એટલે તમે તમારું સ્કુટર વેચી મને મારી ગમતી સાઈકલ અપાવી ! હું આ દિવસ ક્યારેય નહિ ભૂલું. હું મોટો થઈને તમને સ્કુટર નઈ પણ લેટેસ્ટ હોન્ડા લઇ દઈશ.”. “પપ્પા, તમે કાં મારી આવડી જીદ પૂરી કરો છો, મને નતી ખબર કે તમે કાકા પાસેથી ઉધાર લઈને મારી નવી ઈંગ્લીશ મીડિયામ સ્કુલની ફી ભરવી પડી હશે....” એ વિદેશ ભણવા ગયો ત્યાં સુધીની તમામ યાદગાર પળો આટલા વર્ષો બાદ આજે અચાનક સામે આવી. પણ આ સમયે તેની આંખો આંસુઓથી તરબતર હતી. આજે તેને અહેસાસ થયો કે તેના ઉછેર પાછળ માતા-પિતાએ કેવા ભોગ આપેલ છે! ખુદ કેવા દુ:ખ સહન કરીને પણ તેને એકેય વસ્તુઓની કમી મહેસુસ થવા નથી દીધી. નાના બાળકની જેમ હવે તે માતા-પિતા પાસે દોડી ગયો. શું કહેવું તે માટે તેના પાસે કોઈ શબ્દો ન હતા. બસ પિતાને ભેટીને રડવા લાગ્યો.

પિતાએ તેને શાંત પાડતા કહ્યું, “આજે આ ક્રમ પાછો દોહરાવ, આજનો પત્ર પણ એ બખોલમાં નાખ”. સાંભળી બધા હસી પડ્યા અને નિકેતે ખાતરી આપી કે હવે આ અમુલ્ય ખજાનો ફરી આમ જ વધતો રહેશે.


૨. સાત લાખના સીંગભજીયા

કેટલાય રિપોર્ટ્સ કરાવ્યા પછી આજે અમદાવાદની એ હોસ્પિટલમાં આખરી નિદાન નીકળ્યું કે શીલાના પતિ યોગેશને વાલ્વમા કાણું છે જેને કારણે તેને આ તકલીફો થઇ રહી છે. ડોક્ટરે જણાવ્યું કે બને તેટલું જલ્દી આ ઓપરેશન કરાવવું પડશે. જેના માટે અમેરિકાથી ડોક્ટર બોલાવવાના થશે. અને ઓપરેશનનો ખર્ચ થશે સાત લાખ રૂપિયા !!!

શીલા અને યોગેશ બંને હેબતાઈ ગયા. આટલા સામાન્ય પગારમાંથી આવડી મોટી રકમ ભેગી કેમ થાય? આજ વિચારોમાં તેના દિવસ-રાત જવા લાગ્યા. આમ ને આમ એક મહિનો પસાર થઇ ગયો. પણ હજુ પણ રૂપિયાનો મેળ થઇ શકેલ ન હતો.

આજે તો યોગેશ તેની ઓફિસમાં જ બેભાન થઇ ઢળી પડ્યો. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ડોક્ટરે કહી દીધું કે તાત્કાલિક રૂપિયા ભરવો એટલે ઓપરેશન શરૂ થઇ શકે ને અમેરિકાના ડોક્ટર રાવ પણ અહીં જ હાજર છે. શીલાએ ખુબ જ કાકલુદી કરી કે તમે ઓપરેશન ચાલુ કરો હું કઈ પણ કરીને રૂપિયા ભરી આપીશ. પણ ડોક્ટર એને ક્યાં સાંભળવા તૈયાર હતા, તેને તો પોતાના નિયમોના પાઠ ભણવાના શરૂ કરી દીધા. શીલા બેબાકરી બની ગઈ. ત્યાં જ ડોક્ટરને એક ફોન આવ્યો ને એ ડોક્ટર ઓપરેશન થીયેટરમાં ચાલ્યા ગયા ને ઓપરેશન થીયેટરની લાઈટ ચાલુ થતા જોઈને શીલાને ખુબ જ નવાઈ લાગી. પણ હમણાં તો યોગેશ બચી જાય એ જ એના માટે ઘણું હતું.

અઢી કલાક ચાલેલા ઓપરેશન બાદ થીયેટરની લાઈટ બંધ થઇ ને ડોક્ટરની વાત સંભાળીને શીલાને હાશ થઇ કે “ઓપરેશન સંપૂર્ણ સફળ રહ્યું છે. ને આમેય અમેરિકાના એ ડોક્ટર રાવના બધા જ ઓપરેશન સફળ જ રહ્યા છે.” શીલાની ખુશીનો પાર ન હતો. ને અચાનક બિલનો વિચાર આવતા તેના મનમાં ફરી વિચારોનું યુદ્ધ ચાલુ થઇ ગયું. ક્યાંથી લાવશે એ એટલા બધા પૈસા?

ત્યાં જ એક નર્સે તેના હાથમાં કાગળ આપ્યો અને તેને ડોક્ટરની ચેમ્બરમાં જવાનો સંદેશો આપ્યો. શીલાએ ધ્રુજતા હાથે એ કાગળ ખોલી વાંચવા માંડ્યો, “જેનામાં લખ્યું હતું ઓપરેશનની કિંમત વર્ષો પહેલાં ચૂકવાઈ ગયેલ છે. સીંગ ભજીયા રૂપે.

આ વાંચી શીલા ડોક્ટરની ઓફીસ તરફ દોડી ગઈ ને શિલ્પને ડોક્ટરના વેશમાં જોઈ જ રહી કે આ જ હતા એ અમેરિકાના મશહુર ડોક્ટર રાવ !!!

શીલા કઈ બોલવા ગઈ ત્યાં જ શિલ્પે કહ્યું, “ આજે હું તે મને કરેલ પ્રેમ બદલ તને તારી જિંદગી, તારો પતિ, તારો પ્રેમ પાછો આપી રહ્યો છું. તું જે કોલેજના ગાર્ડનમાં મને શિંગભજીયા ખવડાવતી તેની કિંમત ચૂકવું છું. મે કરેલ અન્યાયનું પ્રાયશ્ચિત આ સ્વરૂપે કરી રહ્યો છું. હું જે નિભાવવામાં નિષ્ફળ રહ્યો તે જેને નિભાવ્યું એવા યોગેશને તારા જીવનભર સાથ આપવા તારી પાસે મુકતો જાઉં છું. અને મારી એક મિત્ર તરીકે ગીફ્ટ સમજીને સ્વીકાર કર. આજ મને સમજાઈ ગયું કે મે બધું જ મેળવીને કઈ જ નથી મેળવ્યું અને આ યોગેશે તને મેળવી બધું જ મેળવી લીધું છે. કારકિર્દી ઘડવામાં પાગલ બનેલા મે એક વાર પણ વળીને નહોતું જોયું ને !!! મને માફ કરી દે. આટલું કહી રાકેશ બહાર નીકળી ગયો ને શીલા તેને જોતી જ રહી.


૩. નવું ઘર

ઘણું વિચાર્યા બાદ આખરે રાકેશે સરિતાને પૂછ્યું, “તું આખરે શું ઈચ્છે છે?” જવાબ મળ્યો, “છૂટાછેડા”. સરિતાના બેજવાબદાર વર્તનથી કંટાળેલ રાકેશને ફરી આઘાત લાગ્યો. તે કઈ જ બોલ્યા વગર રૂમમાં ચાલ્યો ગયો.

સરિતા રાકેશને આટલો શાંત જોઈને મનોમન તેના વખાણ કરવા લાગી. પણ તેને તો આ બંધનમાથી મુક્ત થઇ પડોશના એ ભાવિક સાથે નવું ઘર વસાવવાનો નિર્ણય કરી જ લીધો હતો.

ભાવિક તેનાથી 3 વર્ષ નાનો ધનાઢ્ય પરિવારનો નબીરો હતો. પણ છેલ્લા ૬ મહિનાથી બંનેને એકબીજાનું કઈ વિશેષ જ આકર્ષણ હતું. આખો દિવસ રાકેશ નોકરીએ જાય ત્યારે ભાભી ભાભી કરતો ભાવિક ઘરે આવે અને પોતાના મનની બધી જ વાત સરિતાને કરતો. અને કહે “તમે મને જેટલું સારી રીતે સમજી શકો છો તેટલું તો બીજી કોઈ જ નથી સમજાતી” આ હતું એના પ્રેમની શરૂઆતનું પ્રથમ વાક્ય.અને આજે તેને અંજામ સુધી પહોચવા માટે સરિતાએ રાકેશ પાસે છૂટાછેડા પણ માગી લીધા.

રાકેશ ખુબ જ સમજદાર અને શાંત વ્યક્તિ હતો. તેને આ સમયે ગુસ્સો કરવાને બદલે આ પાછળ રહેલ કારણ શોધવાનો પ્રયત્ન કર્યો. અને થોડા જ દિવસમાં તેને બધુ જ જાણી લીધું. તે કોઈ પણ સંજોગોમાં સરિતાને ખોવા માગતો ન હતો. આથી તેને એક છટકું ગોઠવ્યું.

એક દિવસ સરિતા બજારથી આવતા તેને એક મોડર્ન છોકરીને ભાવિકના ઘરમાં પાછળના દરવાજેથી જતા જોઈ. સરિતા પણ તેની પાછળ ગઈ. એ છોકરી છેક ભાવિકના રૂમમાં પહોચી ગઈ.ત્યાં જઈને તો સરિતાના હોશ ઉડી ગયા. ભાવિક અને પેલી છોકરીને એકબીજાને પ્રેમ કરતાં જોઈ તેનાથી ચીસ પડાઈ ગઈ, “ભાવિક... શું છે આ બધું?” ભાવિક હેબતાઈ ગયો. થોડી જ વારમાં ભાવિક અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને સરિતાને કહેવા લાગ્યો,”મુર્ખી છે તું સાવ જ મુર્ખી અને હું આ જ છુ જે તું જુએ છે” સાંભળી સરિતાએ તેને ત્રણ-ચાર તમાચા જડી દીધા. અને રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. હવે તેને પોતાની ભૂલનો પારાવાર અફસોસ થવા લાગ્યો. એક આવા લંપટ પુરુષ માટે તેને પોતાના દેવ સમાન પતિને દગો દીધો એને છોડવાનો નિર્ણય પણ કરી લીધો !” એ દિવસ તે સતત રડી અને આખરે રાકેશને પોતાના આડા સંબંધ વિષે બધું જ જણાવી દેવાનો નિર્ણય કર્યો .

સાંજે રાકેશ ઘરે આવ્યો. આજે પણ રાકેશ રોજ જેમ જ ખુબ જ શાંત લાગતો હતો પણ સરિતાનું મન પસ્તાવાથી અને કેમ વાત કરવી એ અવઢવથી વ્યાકુળ હતું. આખરે હિમત કારી સરિતા બોલી, “હું તમને કઈ કહેવા માગું છુ”. રાકેશે સરિતાના હાથમાં બે કાગળ ધરી દીધા અને કહ્યું આમાંનો એક કાગળ મારા તરફથી તને ભેટ સ્વરૂપે મીક્લત છે. બીજા કાગળમાં સહી કરી આપ એટલે હવે તું આ મકાનમાં નહિ રહે તું સ્વતંત્ર છે.

સાંભળી સરિતા ડૂસકે ડૂસકે રડવા લાગી. પોતે કરેલ ભૂલ માટે તેને અનહદ પસ્તાવો થતો હતો. તેને રડતા રડતા જ પોતાની બધી જ વાત રાકેશને જણાવી. અને કહ્યું મેં મોટો ગુનો કર્યો છે. હું તમારે લાયક નથી.”

આ બોલતા સાથે રાકેશના ચહેરા પર આછું આછું હાસ્ય જોઈ સરિતા અબુધ બની ગઈ. ત્યારે રાકેશે કહ્યું હું બધું જ જાણું છું અલબત જાણતો હતો. અને આ માટે પેલી છોકરીએ જ મને મદદ કરી જેને તે ભાવિક સાથે જોઈ હતી તે મારી કોલેજની ખાસ મિત્ર વૈદેહી હતી. હવે ચાલો સમાન પેક કરો.”

સરિતાને ગજબનું આશ્ચર્ય થયું કે મારો ભોળો લાગતો પતિ આવું પણ કરી શકે છે! પછી કહ્યું, “મને આટલી મોટી સજા ન કરો” રાકેશે વળતો જવાબ આપ્યો, ”હું જે કરું છું તે સમજી-વિચારીને જ કરું છું. તે જે માગ્યું છે એ મેં તને આપ્યું છે અને આપતો રહીશ”.

આટલું કહી રાકેશ પોતાના કપડા એક બેગમાં ભરવા માંડ્યો. આ જોઈ સરિતાને વળી નવી લાગી “તમે આ શું કરો છો?” રાકેશે બોલ્યો, “તારા હાથમાં જે કાગળ છે તેના પર સહી કર” સરિતાએ કાગળ હાથમાં જ કચડ્યો. રાકેશે તેના પર એક નજર નાખવા કહ્યું. જોઈને સરિતાના આશ્ચર્યનો પર ન રહ્યો. આ તો તેના છૂટાછેડાના કાગળ ન હતા. પણ તેમનો એક કાગળ હતો તે આ મકાન વેચવાનો અને બીજો નવું ઘર ખરીદવા અંગેનો. સરિતાના પ્રશ્નાર્થચિહ્ન ભર્યા ચહેરાને જોઈ રાકેશ બોલ્યો, “ હા મેં તને માફ કરી દીધી છે અને હવે તારું નવું ઘર ‘સરિતા સદન’ તારી ઈચ્છા મુજબનું જ અને એવા જ પોશ એરિયામાં છે જે તું ઈચ્છતી હતી. મને આ તારા નવા ઘરમાં રહેવા દઈશ ને તો સમાન પેક કરું ...” બસ સરિતા તેના પતિના ઉદાર વર્તનને એકીટશે જોઈ જ રહી.

  • આરતી જાની