maru letterbox in Gujarati Motivational Stories by Jigna Patel books and stories PDF | maru letterbox

Featured Books
Categories
Share

maru letterbox

મારું લેટરબોક્ષ

પટેલ જીજ્ઞા


અર્પણ;-

મારું દરેક સર્જન હું પેહલા માં સરસ્વતીના ચરણે ધરું છું.તેમના આશીર્વાદના પ્રભાવે જ તો આજે તમારી સામે ઉપસ્થિત થાવ છું.પછી મારા સ્વર્ગસ્થ દાદા, જે મારા જીવનપથના ભોમિયા બનીને રહ્યા છે, અને મારા માટે તો ભીષ્મ પિતામહ સમાન જ છે.ત્યાર પછી જન્મદાતા મારા માતા પિતા, જેણે મને જીવનના દરેક મોડ પર સાથ આપ્યો છે.મારા જીવનના નિર્ણયો લેવામાં મને પૂરી સ્વતંત્રતા ની સાથે-સાથે મસ્વરા પણ આપી છે. આપી છે.મારી બહેનો અને મારો વહાલો ભાઈ કે જેઓના પ્રેરણાબળથી મને એક નવી જ ચેતના મળતી રહે છે.મારા મિત્રો,સગા સંબંધીઓ,matrubharti અને પ્રિય વાંચકો દરેકને અર્પણ કરું છું.

મારું લેટરબોક્ષ

પ્રસ્તાવના:-

પત્રની દુનિયા કેટલી અજાયબ હોઈ છે.જેમાં લખનાર પોતાની લાગણીને પન્ના પર આબેહુબ ચીતરતા હોઈ છે.પોતાના અંતર મનના ભાવને એક શબ્દ દેહ મળતો હોઈ છે, જેને વાંચનારના દિલ સુધી પોહ્ચાડવાનો હોઈ છે. અને જે કાગળ પર લખાણ થયું હોઈ તેની કિંમત તો આપો આપ જ વધી જતી હોઈ છે.

આજે મેસેજની દુનિયામાં એ લાગણીસભર પત્ર વ્યવહારને આપણે સાવ ભૂલી જ ગયા.કોઈ પ્રિય પાત્રને લખેલા પત્રને જીવ ની જેમ જતન કરીને પોસ્ટ ઓફીસ સુધી પોહ્ચાડતા.કેટલા દિવસમાં લખનારને પત્ર મળી જશે તેની ગણતરી પણ કરી રાખી હોઈ.અને એમના વળતા પત્ર ની કાગા ડોળે રાહ જોવાનો જે આનંદ હતો એ સેકન્ડના છઠા ભાગમાં ફોરવર્ડ થઇ જતા મેસેજ માં નથી. ભલે મેસેજમાં સમયનો બચાવ જરૂર થાય છે પણ ભાવ નિર્માણ નથી જોવા મળતું. જેટલી ઝડપથી મેસેજ પહોંચે છે તેને ડીલીટ થતા પણ એટલી જ વાર લાગે છે.બસ એક કૃત્રિમતા, એક ફોર્માલીટી અને એકબીજાના કોન્ટેક્ટમાં છે તેવી અનુભૂતિ. પણ પત્રમાં એક પ્રકારનું ભાવાત્મક નિર્માણ થાય છે.એક બીજાની લાગણીને વાચા મળે છે.લાગણીઓને એક શબ્દ દેહ મળે છે.ક્યારેક કોઈ ટેબલના ખાનામાં તો ક્યારેક કોઈ ડ્રોવેરમાં સંઘરી રાખેલા પત્રો વાંચતાની સાથે જ વીતેલી ક્ષણોની યાદ તાજી કરાવી દેતા હોઈ છે.

પત્રમાં તાકાત છે મિત્રો.કાગળ ઉપર કંડારાયેલી આપની મનોદશા ક્યારેક આપના સ્નેહીજનોને આંખમાં આશુ લાવવા સુધી સક્ષમ છે.કેમ કે શબ્દો જયારે લાગણીના તાંતણે બંધાઈ ત્યારે તે અમૂલ્ય થઇ જતા હોઈ છે. પત્રો એક ‘કેથાર્શીસ’ નું કામ કરે છે. દરેકે પોતાના સ્નેહીજનોને પત્ર લખવા જોઈએ કેમકે સાચા હ્રદયે લખાયેલા પત્રો ધ્યાનસ્થ થવાની ક્રિયા સમાન છે.

અહી મેં જીવંત તત્વોની સાથે-સાથે કુદરતના અબોલ તત્વને પણ વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે.જો કદાચ આપણી જેમ તેને પણ વાચા મળી હોત તો તેની લાગણીઓ કેવી હોઈ શકે એવી મારી કલ્પનાને મેં અહી પત્ર દ્વારા પ્રગટ કરી છે.

અનુક્રમણિકા

  • પ્રભુનો પત્ર
  • એક પ્રેમ પત્ર
  • એક પત્ર ઈશુ ને
  • એક પત્નીનો પત્ર
  • એક વ્રુક્ષનો પત્ર
  • પ્રભુનો પત્ર
  • હે મારું પ્રિય અને મારું વાહલું સર્જન માનવ,

    તને આજે એક સુંદર વાત કેહવી છે.કંઈ સમજાવવું નથી કેમ કે તને સમજુને શું સમજવું.બસ મારા સંતાન સાથે થોડી અંગત વાત કરવી છે.

    તને મેં મારા જેવો જ બનાવ્યો.બીજા બધાથી શ્રેષ્ઠ.વાણી અને વિચાર શક્તિ આપી.અને વળી બધું ફ્રીમાં. કોઈ પણ જાતના ચાર્જ વગર ઘણી ફેસેલીટી પણ આપી.જયારે મારો જન્મ થયો હતો ત્યારે મને ઓઢાંડવા માટે એક કપડું પણ ન’તુ.તેની જગ્યાએ આજ તને જન્મતાની સાથે જ કેટલી મોંઘી વસ્તુ મળે છે.પાસે રાજ-પાઠ હોવા છતાં ક્યારેક વનમાં જઈને રહ્યો ,તો ક્યારેક કોઈનો સારથી બનીને જેમ આદેશ આપે તેમ કામ કરી આપ્યું.ક્યારેક તો ઝેરના પ્યાલા પણ પીધા અને વળી ક્યારેક કોઈનું એઠું પણ ખાઈ લીધું.જે એક સામાન્ય માણસ કરે એ બધું જ કર્યું.

    પણ મેં ક્યારેય મારા માં-બાપને ઘરમાંથી જાકારો નથી આપ્યો.હજારો ગોપીઓની સાથે રહીને પણ બ્રહ્મચારી થઇ ને રહ્યો છું.સ્ત્રીઓને હમેશા માનની દ્રષ્ટીએ જોઈ છે.મેં ક્યાંય મારું ભગવાનપણું નથી બતાવ્યું.મારી પાસે બધી જ શક્તિ હોવા છતાં હું ભક્તિનો જ યાચક રહ્યો છું.તો હે મારા આત્મજ ! તું કેમ સતા,ધન,વૈભવ,વિલાસ,માન,પ્રતિષ્ઠા,મોહ,માયા પાછળ કેમ ઘેલો ફરે છે.આ બધું તારે એક દિવસ છોડવાનું જ છે.જે છોડવાનું જ છે તેની પાછળ શું દોડવાનું?!

    એવું પણ ના સમજ કે તારી ભૂલની હું ક્રૂર બનીને તને સજા કરીશ. જયારે એક નાનું બાળક કોઈ ભૂલ કરે પછી જેમ ગભરાઈને પોતાના પિતાના ખોળામાં લપાઈને બેસી જાય. પછી બધી ફિકર પિતા પર છોડીને જેમ નિશ્ચિંત બની જાય તેમ તું પણ બધા વિચારો છોડીને આવીજા મારા ખોળામાં.ભૂલી જા તારા ભૂતકાળને.દઈ દે તારો હાથ ,અને પકડીલે મારો હાથ.પછી જો, દુનિયાના બધા જ વૈભવ તને ફિક્કા લાગશે.દીકરા માવતર ક્યારેય કમાવતર ના થઇ શકે.

    મેં બે હાથ એટલે જ રાખ્યા છે,એક હાથથી હું કીચડમાં ફસાયેલ મારા બાળકને કાઢી શકું અને બીજા હાથે મારા એ જ વાહલા બાળકને મોં માં કોળિયો મૂકી શકું.મારે પૈસા, નારીયેલ, ફૂલ, દૂધ,ઘી..કંઈ જ નથી જોઈતું. બસ બધા પ્રત્યે પ્રેમ,દયા,કરુણા રાખ.માનવતાનો તારો સાચો ધર્મ છે એને તું જાળવી રાખ.

    તને ખબર છે મને કેવા લોકો ગમે છે? જે પોતા સાથે થયેલ અન્યાયનો બદલો લેવો જાણે છે,જે વેરની વસુલાત કરવી સમજે છે પણ આવી હલકી વાતોમાં ના પડીને કોઈને ક્ષમા કરી દે.જેને માન મર્તબા કરતા માનવતા મોટી લગતી હોઈ.અને જે દુનિયાને પ્રેમની મીઠી મહેકથી મઘમઘતી બનાવી દે.આવા લોકો મને પ્રિય છે.

    તો ચલ તું પણ આવો થા ને.મારો પ્રિય,મારો વહલો બન ને.જેમ હું તારા પર પ્રેમ વરસાવતો રહું છું એમ તું પણ તારા ભાઈ-ભાંડું પર વરસાવને.મને પણ આવું રૂડું માનવ સર્જન કર્યાનું ગર્વ થઇ આવે તેવું કંઇક કર ને.એક પિતાની વાત તેનું બાળક નહિ ઉથાપે એ મને વિશ્વાસ છે.

    બસ આટલી જ યાચના તારા પ્રેમાળ પિતાની.

  • એક પ્રેમ પત્ર
  • મારા શરીરને ચેતના આપનાર તને હું શું કહીને સંબોધું !!

    જ્યારથી મને તમારો સાથ-સંગાથ મળ્યો, ત્યારથી મને જીવન જીવવાની પ્રેરણા મળતી રહી છે.તમારું મારા જીવનમાં આગમન જાણે મારા જીવનમાં પ્રભુએ ચાર ચંદ લગાવ્યા જેવું છે.તમારી સાથે હોવાના એક એહસાસ માત્રથી હું ખીલી ઉઠું છું.એક નવી ચેતના મને મળે છે.

    દુનિયામાં પવિત્ર પ્રેમથી વિશુદ્ધ બીજું કંઇજ નથી.મને તમારા સાથમાં રહીને આવી વિશુદ્ધતા પામવા મળી.જીવન જીવવાનો એક લાહવો મળ્યો.જાણે કોઈ ફર્શ પર તૂટેલા કાચના વેરવિખેર કેટલાક ટુકડાઓને ભેગા કરીને મને જોડી દીધી. ખુશનશીબોને જ પ્રેમ સાંપડતો હોઈ છે અને હું એ ખુશનશીબની યાદીમાં આવી ગઈ.પ્રેમ તો ઈશ્વરનો જાણે અવતાર છે અને એ અવતરની મને ઝાંખી કરાવી છે.

    હું જયારે-જયારે તમને યાદ કરું છું ત્યારે તમારી મોજુદગીને અનુભવું છું.અને તમારી હાજરીથી મારી એકલતા દુર થાય છે.તમને હું સદેવ મારી આસ-પાસ જોવ છું.તમારી વાતો,તમારી યાદો, તમારી આંખો, અને એ આંખોમાં મારા માટેનો પ્રેમ,એકબીજાને કરેલા વાયદાઓ,સાથે જોયેલા સપનાઓ બધું મેં મારી યાદોમાં કેદ કરીને રાખ્યું છે.ક્યારેક મારી ઉદાશીને,મારા મૌનને તમે સમજી જતા.મને દરેક નિર્ણયમાં,દરેક મોડ પર તમારો સાથ એક હિંમત આપતો રહ્યો છે.મને સદા હસતી રાખવા માટેના તમારા પ્રયત્નો બહુ જ પસંદ છે.

    પણ એક બીજી વાત કે પ્રેમમાં એકબીજાને પામી લેવું જરૂરી નથી.પણ હા, પ્રેમમાં એકબીજાના મનનું મિલન જરૂરી હોઈ છે.અને મારું મન તો સદેવ તમારામાં જોડાયેલું જ રહે છે.જેમ રાધા એના કાન્હાને મળી ના શકી પણ તેનું નામ હમેશા તેના પ્રિય સાથે જોડાયેલું જ રહ્યું. તેમ કદાચ સદેહે હું તમને ના મળી શકું પણ પ્રેમ રંગથી રંગાયેલી હું બીજા કોઈ રંગમાં હવે નહિ રંગાઉ.

    આપણા સંબંધને શું નામ આપવું એ તો નક્કી નથી કરી શકી પણ હા, આપણા સંબંધની ઉચ્ચાઈઓ, ઊંડાઈ,અને પવિત્રતા મેં જોઈ છે.પણ દરેક સંબંધને નામ નથી હોતું અને દરેક સંબંધ કોઈ નામ ના મોહતાજ નથી હોતા. દિલના સંબંધોને નામ ની જરૂર નથી હોતી.માત્ર નામના સંબંધ કરતા નામ વગરના સંબંધ સારા હોઈ છે.

    મારું સરનામું હમેશા તમારું હૃદય રેહશે અને તેમાં કાયમી મારું રેહઠાણ રેહશે.ત્યાંથી મને કોઈ નહિ હટાવી શકે. જેને મારા સુધી પહોચવું હશે તેને તમારા દિલમાં ઉતરવું પડશે.તમારો હાથ ઝાલીને હું ક્યારે આટલે આગળ સુધી પોહચી ગઈ તેનો મને ખ્યાલ જ ના રહ્યો.પણ બસ તમારા ગાયેલા ગીતોની શરગમમાં મેં કેટકેટલા સ્વરૂપે જીવી લીધું. હવે જીવનભર તમારી પ્રેમિકા બનીને રહું છું.રૂબરૂ નહિ તો કંઈ નહિ મારી યાદોમાં,મારા સ્મરણમાં,સપનામાં કાયમ મળતા જ રહીશું.તમારા માટે ભેગી કરેલી કેટલીક કવિતાઓ જેને રોજ ગુનગુનાવું છું જેમની એક તમને મોકલવું છું.

    “ મન વિનાના અવસર જીવણ,

    જળ વિનાના જીવતર જીવણ,

    ભાગ્ય એટલે કોઈ હોઠના,

    અદ્ય બોલેલા અક્ષર જીવણ,

    હવે દેહ ને મનની વચ્ચે,

    આપણ જેવા અંતર જીવણ,

    એક જ ખટકો રહ્યો જીવને,

    હોત મળાયું પલભર જીવણ,

    શોધી-શોધી થાકું તમને,તમે મલકાતા અંદર જીવણ. ”

    તમારી પ્રેમિકા.....

    ૩) એક બાળકનો પ્રભુને પત્ર

    હે ભગવાન!

    તમે ક્યાં છો? તમારા કોઈ કોન્ટેકટ નંબર પણ નથી.મારે તમને ઘણી વાતો કેહવી છે.લોકો તો અહી એમ કહે છે કે બાળક એ ભગવાનનું રૂપ છે અને એ બાળકો પાસે તો મજુરી કરાવે છે.પણ ભગવાન તમારી પાસે થોડું કંઈ કામ કરાવાય?

    હું કાર્ટુનની સીરીયલમાં જોવ છું ત્યારે તમે તો તેમાં ખુબ તોફાનો કરો છો.તો પણ બધા તમને હાથ જોડીને વંદન કરે છે અને મને તોફાન કરવાની ના પડે છે.તમને તો સારું-સારું માખણ મળતું અને અમે તો પેકિંગની કોથળીનું દૂધ પીએ છે, અને એટલે જ તમે એક આંગળી પર પર્વત ઊંચકી લેતા અને મારાથી તો ભારે દફતર પણ નથી ઉપડતું.

    અને હા, મેં જેટલી પણ સીરીયલ જોઈ તેમાં તમે ક્યાંય ટ્યુશનમાં નથી જતા કે ના તો સ્કુલમાં તમારો નંબર આવ્યો છે.અને કોઈ ટીચરનો માર પણ નથી ખાધો ,તો પણ પપ્પા તો મને હંમેશા કહે છે કે ‘તારે ભગવાન જેવું બુદ્ધિશાળી અને હોશિયાર બનવાનું છે’.તો શું ભગવાન શાળાએ ગયા વગર પણ બુદ્ધિશાળી બની શકાય?

    ભગવાન તમે અહીં આવો ને મારી સાથે રમવા.મારી સાથે કોઈ નથી રમતું, અમારી શેરી ના બધા છોકરાઓ તો આખો દિવસ હોમવર્કમાં જ વ્યસ્ત રહે છે. ભગવાન તમે જયારે રમવા આવશો ને ત્યારે આપણે ખુબ મસ્તી કરીશું, સાથે સેલ્ફી પાડીશું, ગેમ રમીશું. પણ હા, તમે ગોપીઓની શાથે જેમ રાસ રમતા તેમ અહીં ના કરતા હો નહિ તો આપણા બંનેની સર્વિસ થઇ જશે..અને હાં, તમારી તો કિટા જ કરી નાખવી છે.તમે મારા દાદાને તમારી પાસે બોલાવી લીધા ને. હવે મમ્મી - પપ્પા મને ખીજાય ત્યારે કોઈ મારો પક્ષ લેતું નથી.

    મારા દાદી કહે છે કે હવે ઘોર કળીયુગ આવી ગયો છે એટલે ભગવાન જરૂર આવશે તો તમે ક્યારે આવશો એ મને જાણ કરી દેજો.હવે મારે ઘણું હોમવર્ક બાકી છે એ પૂરું કરવા જાવ છું.

    થેંક યુ માય ડીયર ગોડ.

    તમારો વહલો ....

  • એક પત્નીનો પત્ર
  • મારા પ્રિય

    આમ તો, આપની વચ્ચે કઈ છાનું-છૂપું છે જ નહિ.મારા હૃદયના દરેક ધબકારની તમને જાણ છે અને તમારા મનથી હું જ્ઞાત છું.પણ આજે લગ્નના ૮ વર્ષ પછી મને કંઇક કેહવું છે. જે મારા મનમાં ઘૂંટાઈ રહ્યું છે તેને તમારી સામે રજુ કરવા માટે મારા હાથ આ કોરા કાગળ પર આપમેળે જ કૈક સળવળાટ કરવા લાગ્યા છે.

    લગ્ન કરીને જયારે હું આ ઘરમાં આવી ત્યારથી જ મને તમારો હુંફાળો સાથ-સંગાથ મળતો રહ્યો છે.એ દરેક હક મળ્યા છે જેની હું હકદાર છું.અને મારા પક્ષે વાત કરું તો મેં પણ મારી ફરજ નિષ્ઠાથી અદા કરી છે.એક વહુ તરીકે,એક પત્ની અને એક માં તરીકે એમ બધા જ કિરદાર મારી આવડત પ્રમાણે નિભાવ્યા છે.

    હા..ક્યારેક આપની વચ્ચે મતભેદ થયા છે, પણ એ મતભેદ જ હતા મનભેદ નહિ.આપણા વૈવાહિક જીવન દરમિયાન આપને ‘આઈ લવ યુ’ શબ્દનો પણ બહુ ઓછો ઉપયોગ કર્યો હશે કે હાથમાં હાથ લઈને બહુ ઓછા ડગલા ચાલ્યા હશું,પણ કોઈ દંભ ડોળ વગરનું આપણું લગ્નજીવન મને હંમેશા કોઈ અતુટ બંધનથી જોડાયા હોવાનો એહ્શાશ કરાવે છે.

    કોઈ-કોઈ વાર થતી રક-જકમાં પણ મને તમારા છુપા પ્રેમના દર્શન થયા છે.નાની-નાની વાતોમાં કાળજી લેવાની ટેવ ,મારા ગમા-અણગમાની બાતમી,દિનચર્યા પૂછવાની આદત અને મારી ખામીઓને ખુબીમાં પલટાવવાની નેમ...આવું તો ઘણું લાંબુ લીસ્ટ છે પણ આવી નાની નાની વાતોથી જ પ્રેમ કાયમ નવપલ્લવિત થતો હોઈ છે.

    આટલા સમયથી સાથે હોવા છતાં પણ હજુ એકબીજાને સમજવા મથતા રહીએ છે.અને કદાચ એ જિજીવિષા તો આજીવન રેહશે.પતિ-પત્ની કરતા બે મિત્ર બનીને રહ્યા છે.એટલે જ તો આજે મને ના ભાવતું શાક પણ તમારી સાથે થાળીમાં જમતા-જમતા ભાવવા લાગ્યું.અને મને ગમતી જગ્યાએ જવું તમને પસંદ છે.આજ તો છે મિત્રતા જ્યા ગમા-અણગમા વિસરાય જાય છે અને વધે છે ફક્ત એક જ કેડી પર ચાલીને શેરીંગ,કેરીંગ,ફર્ગીવીગ અને ફર્ગેટીગ.

    આ બધું લખતા-લખતા તો બૂક ભરાઈ જાય પણ આ કલમ આજે કોણ જાણે કેમ દોડ્યે જ જાય છે.મેં તો હાથમાં પકડી છે અને વેરાય છે શબ્દ પુષ્પોની ફોરમ.મને સપ્તપદીના સાત ફેરાની વાતો યાદ નથી અને હવે મને લાગે છે કે મારે યાદ કરવાની જરૂર પણ નથી કેમકે,સબંધમાં શરતો નથી હોતી, હોઈ છે માત્ર સ્નેહ,અને વિશ્વાસ.

    તમારી અર્ધાંગીની...........

    5) એક વ્રુક્ષનો પત્ર

    પ્રિય માનવજાત ,

    હું, એક વનસ્પતિ કે જેને પ્રભુએ ડાળીઓ,ફળ અને ફુલ એક વાચા રૂપે આપ્યા છે.અને કહ્યું કે બસ તમારી વાચાથી સૃષ્ટિને રળિયામણી,લીલુડી અને રૂડી-રૂપાળી બનાવી દો.અને અમે ઈશુના કહ્યાગરા સંતાનો એટલે કોઈ આડા તો કોઈ ઉભા,કોઈ જાડા ને કોઈ વળી પાતળા,ઊંચા,નીચા,કંટાળા ને કોઈ રંગબેરંગી ફૂલોથી મઘમઘતા.જેવું રૂપ મળ્યું તે લઈને લાગી પડ્યા ધરતીની શોભા વધારવામાં.અમારાથી બની શકે તે મદદ કરવા માટે સતત ખડા રહીએ છીએ.

    એક વાત મને સમગ્ર માનવજાતને કેહવા જેવી લાગે છે.....

    “એક વખત એક માણસ એક ઋષિ પાસે જઈને કહે છે , ‘હે ઋષિવર! મને જીવન કેમ સારી રીતે જીવાય તે શીખવું છે’

    ઋષિ ધ્યાનસ્થ હતા, પણ એ માણસને થોડી વાર આજુ-બાજુમાં રહેલા વ્રુક્ષો નિહાળવાનો ઈશારો કર્યો.થોડીવાર એ માણસ મૌન રહ્યો....પણ થીડી વાર પછી બોલ્યો કે ‘એમાં વળી શું જોવાનું છે?, એ શું મને ઝીંદગી જીવતા શીખવી દેવાના છે કઈ!’

    ત્યારે ઋષિનો જવાબ હૃદયને સ્પર્શી જાય તેવો હતો, ‘હું વર્ષોથી આ જંગલમાં રહું છું, આ વ્રુક્ષોનિ વચ્ચે, જેમાં કેટલાક નાના તો કોઈ મોટા એમ ભાત-ભાતના છે. તો વળી કોઈ વેલી રૂપે બીજાના સહારે આગળ વધતા જોયા છે.પણ મને ગમતી વાત એ છે કે મેં એને ક્યારેય આપસમાં લડતા-ઝઘડતા,એકબીજાની ઈર્ષા કરતા કે કોઈ ટીકા-ટીપ્પણી કરતા નથી જોયા. વળી અભીમાનતો તેને ક્યારેય નથી આવતું.તો તને નથી લાગતું કે આનાથી ઉત્તમ જીવન જીવતા તને બીજા કોની પાસેથી શીખવા મળશે!આપણું આચરણ એ જ ઉપદેશ છે.”

    શું આ ઋષિની વાત તમને પણ સાચી નથી લગતી? નિસ્વાર્થ અને નિરપેક્ષ ભાવથી અમે સદા ઉભા રહીએ છે, બસ તમારા માટે.

    તમારી જેમ અમારી પણ એક અલગ દુનિયા છે.અમે પણ તમારી જેમ સંવેદના અનુભવીએ છે.જયારે તમે આનંદમાં હોવ ત્યારે અમારું પણ અંગેઅંગ જુમી ઉઠે છે.તમને કદાચ અમારા હરખના ગીતો નહિ સંભળાતા હોઈ પણ તમારી સાથોસાથ અમે પણ આનંદના સુર પુરાવતા હોઈએ છે.જયારે કોઈ દીકરી સંતાકૂકડી રમતી હોઈ ત્યારે અમારી ઓથે સંતાય છે કે વળી, અમારે છાયડે બેસીને પાંચીકે રમે છે, ત્યારે તેને આલિંગન આપવાનું મન થઇ જાય છે.એક સંતાનને જેમ માં-બાપ વહાલ કરે તેટલો હરખ અમને પણ હૈયામાં ઉભરાય છે.અને જયારે એ જ દીકરી પરણીને અમારી પાસે થી પસાર થઈને વિદાય લે છે ત્યારે ક્યારેય ના અનુભવેલો ખાલીપો સતાવે છે.

    તમારો અમારો નાતો તો પેઢીઓ સુધીનો છે.ઘરમાં થતી નવી પેઢીનું આગમન અને જૂની પેઢીનો અસ્ત અમે આંખો સામે જ નિહાળ્યા છે,બંને પેઢીના સેતુ સમાન અમે અહી તમારા રખોપા કરવા જ તો ઉભા છીએ.કોઈ વડીલની અંતિમયાત્રામાં દુઃખમાં ભાગ લેવા અમે અમારો એક હાથ પણ સાથે લેતા જવા રાજી થઇ જૈયે છે.

    ક્યારેક ચિંતાતુર અમારી નીચે આવી બેસેલા દરેકને ઠંડી લહેરખી સાથે આશ્વાસનના બે બોલ પણ કહીએ છે કે ‘ચિંતા છોડો અને બનો અમારા જેવા અડગ અને અડીખમ. જેને કોઈ ચલિત નથી કરી શકતા,જે દરેક તુફાન સામે લડવાનું જાણે છે.હા,પાનખર તો અમારે પણ આવતી હોઈ છે, પણ એથી શું હારી જવાનું.જો ભીતરમાં ભીનાશ કાયમ હશે તો ફરી વસંત આવતા પણ વાર નહિ લાગે. માટે ઉભા થાઓ”.

    આટલું હેત અમને તમારા પર થાય છે છતાં અમારા માંહેના કેટલાકની ક્રૂર હત્યા થતી મેં જોઈ છે.વાંક વગર દંડ મળે છે અને અમારી નમ્રતાને અમારી નબળાઈ સમજીને આડેધડ વેરી નાખે છે ત્યારે અંતરમાં એક વેદના થાય છે.એક ડર સદા સતાવે છે કે અમારા ભાઈ-ભાંડુંને જો આમ વેરતા જ રેહશો તો એક દિવસ અમારું અસ્તિત્વ જ નહિ રહે.પણ છતાં પ્રભુએ સોપેલું કામ અમે કરતા રહીએ છે.બસ એક નિસ્વાર્થ અને પ્રભુ ના નેક બંદા બનીને.

    તમારા હિતેચ્છું અને તમારા જ જેવો એક સજીવ ........