Tran Hath no Prem - 3 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Tran Hath no Prem Part-3

Featured Books
Categories
Share

Tran Hath no Prem Part-3

ત્રણ હાથ

નો

પ્રેમ

પ્રકરણ – 3

લેખકઃ શૈલેશ વ્યાસ

Email:- saileshkvyas@gmail.com

Mobile:- 9825011562

સ્વદેશ સીડી ઉપર રીતસર ફલાંગો મારતો બીજે માળે પહોંચી ગયો દૂરથી તેણે જોયુ તો ડોક્ટર અને એક નર્સ રાજમોહન જોડે ઉભા હતા અને ધીમા અવાજે તેમને કાંઈક કરી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી, એક દર્દીના સ્વાસ્થ્યની ચિંતા અને ઉચાટ.

ઘણા ડોક્ટરો દર્દીની પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કે જીવલેણ હોય તો પણ નિર્લેપ રહી શકે છે. તેઓ આને વ્યવસાયીક કાર્ય અંતર્ગત ઘટના ગણતા હોય છે. અને અમારે તો આવુ રોજનું થયુ સમજીને તેની કોઈ અસર પોતાના ઉપર થવા દેતા નથી.

જયારે ઘણા ડોક્ટરો દર્દીને પોતાના સ્વજન જેવા જ ગણીને તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. દર્દીની સાથે સાથે તેમના પરિજનોની તકલીફો પણ તેઓ સમજે છે અને તેમની ચિંતા કે ઉચાટમાં ભાગીદાર બને છે.

ડો.રૂપાલા આવાજ એક ડોક્ટર હતા અને અત્યારે સુદર્શનાની પરિસ્થિતીની સૌથી વધારે જાણકારી તેમની પાસે હોઈ તેઓ ગંભીર થઈ ગયા હતા.

સ્વદેશ ઝડપથી તેમની પાસે પહોંચ્યો “સુદર્શના ને કેવુ છે?” ડોક્ટરની તેમની સામે તાકી રહ્યા. રાજમોહને ફોડ પાડયો. “આ સ્વદેશ છે. સુદર્શનાના ભાવિ પતિ” સબંધની જાણ થતા ડોક્ટરે ખુલાસો કર્યો “સુદર્શનાની સ્થિતી અત્યારે ગંભીર છે. તેને ઘણી બધી ઈજાઓ થઈ છે. માથામાં વાગવાથી તે બેહોશ થઈ ગઈ છે. જમણા હાથમાં અને પગમાં ફેક્ચર છે. પીઠ ઉપર તથા અન્ય ભાગો ઉપર પણ ખાસ્સુ વાગ્યુ છે. લોહી પણ ખૂબ જ નિકળ્યુ છે. અમારે તાત્કાલિક ઓપરેશન કરવુ પડશે. તમે ફોર્મ ભરીને સહી કરી આપો ત્યાં રીસેપ્શનમાં. મે સૂચના આપી દીધી છે. રાજમોહન તાત્કાલિક ફોર્મ ભરવા ગયા. ”

સ્વદેશ બીજુ કાંઈ ડોક્ટરને પૂછે તે પહેલા એક નર્સ આવી સર, તાત્કાલીક લોહીની જરૂરત પડશે. દર્દીએ ઘણુ લોહી ગુમાવી દીધુ છે.

ડોક્ટરે તાત્કાલીક આદેશ આપ્યો. “તુરત જ લોહીનો બંદોબસ્ત કરો, આપણે ત્યાં હોસ્પીટલમાં લોહીની વ્યવસ્થા છે જ. જલ્દી કરો.”

નર્સ જવાબ દેતા અચકાઈ, ડોક્ટરે આ જોયુ. “શું છે.? કોઈ પ્રોબ્લેમ?”

“સર વાત એમ છે કે......”

“સિસ્ટર, જે હોય તે ચોખ્ખુ કહો. સમય ના બગાડો”

“સર અત્યારે આપણી પાસે દર્દીના બ્લડ ગ્રુપ નું લોહી નથી.”

“દર્દીનું ક્યુ ગ્રૂપ છે?” ડોક્ટરે પૂછયું.

“સર સુદર્શનાનું ‘O’ ગૂપ છે અને મારૂ પણ “ઓ” ગ્રુપ જ છે. હું લોહી આપવા તૈયાર છું.”

“ગુડ” નર્સ એમનું લોહી ચેક કરો અને બ્લડગ્રુપ મળતુ આવે એમ હોય તો બ્લડ લેવાની તૈયારી કરો.

નર્સે સ્વદેશને સામે રહેલી કેબીન તરફ ઈશારો કર્યો. “પાંચ મિનીટમાં તમે ત્યાં આવો ત્યાં સુધીમાં હું તૈયારી કરૂ છુ. નર્સ તુરત જ ત્યાંથી નિકળીને કેબીન તરફ ગઈ.”

સ્વદેશ ડોક્ટર સામે ફર્યો.

“સર આપને એક વાત પુછું?”

ડોક્ટર સ્વદેશમાં મનમાં થતી ગડમથલ સમજી ગયા હતા.

“ચોક્કસ પૂછો”

“સર, મને એકદમ ચોખ્ખુ કહો, શું પરિસ્થિતી છે?” સુદર્શના કેવી છે? ”

ડોક્ટર થોડી વાર સ્વદેશ સામે તાકી રહ્યા પછી ગંભીર ભાવે કહ્યુ. “તમારી સ્વસ્થતા કેવી છે.?”

“કેમ ડોક્ટર?” સ્વદેશે ચિંતીત સ્વરે પૂછયું.

“જૂવો અત્યારે અંદર ત્રણ ડોકટરો તમારી ભાવી પત્નિનું ઓપરેશન કરી રહ્યા છે. ઈમરજન્સી ઓપરેશન છે. તેના શરિરમાં હાથે, પગે અને પાંસળીઓમાં ફ્રેક્ચર છે. માથામાં પણ વાગ્યુ છે. કદાચ આંતરીક રક્તસ્ત્રાવ થયો હોઈ શકે જો કલોટ એટલે કે લોહીનો ગઠ્ઠો થઈ ગયો હશે તો તે પણ ઓપરેશનકરીને કાઢવો પડશે. ચારે બાજૂ મુઢ માર વાગેલ છે. લોહી ખૂબ જ વહી ગયુ છે.”

“પણ ડોક્ટર..... ” સ્વદેશે ડોક્ટરની વાત કાપતા કહ્યુ.

“હા બોલો”

“અત્યાર સુધી તમે જે કહ્યુ તેમા તો ફ્રેક્ચર જ થયા છે. માથામા પણ તમે કહો છો કે ઈન્ટરનલ હેમરેજ હોઈ શકે છે. તો આ બધા તો ઉપરના માર છે. તો આટલુ બધુ લોહી ક્યાંથી વહી ગયુ છે. કે તમારે તાત્કાલીક લોહીની જરૂર પડી છે? સાચુ કહેજો સાહેબ, ઓપરેશન માટે લોહીની જરૂર છે કે કારણ કાંઈક બીજુ છે.? ”

ડોક્ટરની આંખમાં આવા ગંભિર સમયે પણ પ્રસંશાના ભાવ આવ્યા “સ્વદેશભાઈ તમારૂ નિરક્ષણ સાચુ છે. ઓપરેશન માટે તો લોહી જોઈએ જ છે પણ ખરૂ કારણ ખૂબ જ લોહી જે વહી ગયુ છે તેની પૂર્તી કરવાનું છે.”

“પણ લોહી વહેવાનું કારણ શું?” “કારણ?” ડોક્ટરે કારણ કહેતા પહેલા પોતાની જાતને તૈયાર કરી. કારણ કે તેમના જવાબથી સામેની વ્યક્તિ પર કેવી વિજળી પડવાની છે તેની જાણ તેમને હતી.

“મે તમને પહેલા પૂછયુ. હતુ કે તમારી સ્વસ્થતા જાળવવાની ક્ષમતા કેટલી છે?” ડોક્ટરે ધીરે ધીરે વાતની શરૂઆત કરી.”

“છે સાહેબ મારામાં સ્વસ્થતા જાળવવાની શક્તિ છે.”

“જૂઓ, મે અત્યાર સુધી જે શારિરીક તકલીફો સુદર્શનાની તમને જણાવી એ તમને કદાચ ખૂબજ ગંભીર લાગતી હશે. ગંભીર છે જ. પણ એક બીજી ઈજા તેને થઈ છે જે સૌથી વધારે ગંભીર છે.”

સ્વદેશનો શ્વાસ જાણે અટકી ગયો. “શું સાહેબ?”

“જૂઓ ડોક્ટર તરીકે ની મારી ફરજ પ્રમાણે હું તમને કહી રહ્યો છુ પણ તમારે તમારી જાત ઉપર કાબુ રાખવો પડશે.”

કોઈ અનિષ્ટ ની શંકા થી સ્વદેશનો જીવ તાળવે ચોટી ગયો. તેની જીભ કોઈ શબ્દો ઉચ્ચારી શકી નહી. માત્ર આંખોથી જ તે ડોક્ટર સામે જોઈ રહ્યો.

“જૂવો અમે અમારી રીતે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ” ડોક્ટર વાતને ધીમે ધીમે મૂળ મુદ્દા ઉપર લાવી રહ્યા હતા જેથી દર્દીના સ્નેહીને આંચકો ન લાગે.

“અમારી સામે અત્યારે સૌથી મોટો પડકાર સુદર્શનાના ડાબા હાથનો છે.” ડોક્ટર અટક્યા પણ સ્વદેશ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા તેમણે આગળ કહ્યુ.

“ગાડીનો જ્યારે અકસ્માત થયો ત્યારે સુદર્શનાનો ડાબો હાથ ગાડીના કોઈ ભાગ નીચે દબાઈને કચડાઈ ગયો છે અને કોઈ ધારદાર તુટેલા પતરા કે ધાતુને કારણે કોણીથી પોણા ભાગનો હાથ કપાઈ ને અલગ થઈ ગયો છે. માત્ર કોણીના છેવાડાના ભાગે થી શરિર સાથે જોડાઈને લટકી રહ્યો છે. થોડુ વધારે દબાણ આવ્યુ હોય તો કોણી થી નીચેનો હાથ કપાઈને છુટ્ટો જ પડી ગયો હોત.”

ડોક્ટરે અટકીને સ્વદેશ સામે જોયુ. સ્વદેશનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો હતો. હોઠ કશુંક બોલવાનો પ્રયત્ન કરતા ફફડતા હતા. પણ ગળામાંથી કોઈ જ અવાજ નહોતો નિકળતો આંખો ખેંચાઈ ગઈ હતી. કપાળમાં અનર્થની સળવટો પડી ગઈ હતી.

કોઈ આસુરી શક્તિની માયાવી શક્તિથી કોઈ રાજકુમાર પથ્થરની મુર્તિમાં પરિવર્તિત થઈ જાય તેમ તે સ્થિર અને સ્તબ્ધ થઈ ગચો હતો. એકાદ ક્ષણ માટે તેની બોલવાની સમજવવાની કે કોઈ ક્રિયા કરવાની શક્તિ જાણે લુપ્ત થઈ ગઈ હતી.

ડોક્ટરે તેના ખભા ઉપર હાથ મૂકી ઢંઢોળ્યો “સ્વદેશભાઈ” અચાનક જ જાણે કોઈ મૃત શરિરમાં જીવ આવ્યો હોય કે ઉંધમાંથી સફાળો જાગ્યો હોય તેવા ભાવો તેના ચહેરા ઉપર ઉપસ્યા.

“તો તમે શુ કરી રહ્યા છો?” તેણે તીક્ષ્ણ અવાજે અને ધારદાર નજરે જોતા પુછયું.

ડોક્ટર ફરી પ્રસંશા થી સ્વદેશને જોઈ રહ્યા. આવા વજ્રાઘાત પછી આટલી ત્વરતાથી સ્વસ્થતા પાછી મેળવતા તેમણે જૂજ સ્વજનો જોયા હતા.

“અમારી ટીમ અત્યારે તેનો હાથ ફરી જોડવાની કામગીરીમાં લાગેલી છે. અમારી પ્રાથમિકતા અત્યારે વહી ગયેલા લોહીની ભરપાઈ કરવાની છે. હાથ લગભગ કપાઈ જવાથી ખૂબજ લોહી વહી ગયુ છે. અને એવી જ પ્રાથમિકતા એના કયાપેલા હાથના ભાગને કોણી સાથે સાંધવાની છે.”

“મેડીકલી કેટલી શક્યતા છે?” સ્વદેશે પોતાના ઉપર લગભગ કાબુ મેળવી લીધો હતો.

“આજના તબિબી વિશ્વમાં કશું અશક્ય નથી. પણ તેનો દારોમદાર શરિરની પરિસ્થિતી ઉપર છે. હાથ લગભગ છુટ્ટો તો પડી જ ગયો છે પણ સાથે સાથે ભયંકર દબાણમાં આવવાથી માંસપેશીઓ, નાની મોટી નસો, ઝીણી ધમનીઓ વિ. કા તો છુંદાઈ ગઈ છે કે કપાઈ ગઈ છે.”

“અમારા બધા પ્રયત્નો ચાલુ છે ત્રણે ડોક્ટરો ઓપરેશન કરી રહ્યા છે તેઓ પોતાના ક્ષેત્રના બાહોશ સર્જનો છે. પણ ક્યારેક કુદરત સામે આપણે લાચાર થઈ જઈએ છીએ.”

“સાહેબ હાથ ફરી ન જોડાય તો શું થાય?” સ્વદેશે અનિષ્ટતા વિશે સવાલ પુછયો.

ડોક્ટર જવાબ આપતા પહેલા થોડા અટક્યા.

“સાહેબ જે હોય તે મને ચોખ્ખુ કહેજો, કશું છુપાવશો નહી”

“જો કોઈ કારણસર હાથ સાંધવાનું શક્ય ન બને તો........અહિં ડોક્ટર ફરી અટક્યા પણ સ્વદેશના ચહેરા ઉપર ચિંતા ઉદ્વેગના ભાવ જોઈ તેમણે પુરૂ કર્યુ.” તો ના છુટકે કોણી નીચેનો હાથ કાપી નાખવો પડે અમારે”

આટલી ચિંતા ઉચાટ અને ઉદ્વવેગ ની સામે સ્વસ્થતા જાળવી રાખનાર સ્વદેશ પણ આ વજ્રાઘાત થી હલબલી ગયો, એક ક્ષણ માટે તો આખી પૃથ્વી ફરતી હોય તેવુ તેને લાગ્યુ, પગ અસ્થિર થઈ ગયા અને આખા શરિરમાં ભયનું લખલખું આવી ગયું.

પણ તુરત જ તેણે પોતાના મન ઉપર કાબુ મેળવી લીધો.

“પણ ના કાપીએ તો?”

“તો દર્દીને ગેંગરીન નું જોખમ થઈ જાય જે અંતે જીવલેણ સાબિત થાય.”

“રાજમોહન કાકાને જાણ છે?”

“હા અમારે વાત થઈ ગઈ છે તેમણે સુદર્શનાનો જીવ બચાવવા સંમતી આપી દીધી છે પણ એમણે વિનંતી કરી હતી કે આ વાતની જાણ તમને પણ કરવી. કારણ કે એ તમારી ભાવિ વાગ્દતા છે.”

“ડોક્ટર સાહેબ, સુદર્શનાના હિતમાં તમને જે નિર્ણય યોગ્ય લાગે તે લઈ લો મને પૂછવાની જરૂર નથી.”

ત્યાંજ નર્સ આવી “ચાલો, તૈયારી થઈ ગઈ છે તમારૂ લોહી લઈ લઈએ”

ત્વરીત પગલે સ્વદેશ નર્સની પાછળ કેબીનમાં ગયો અને તૈયાર કરેલી પથારી ઉપર લાંબો થઈ સૂઈ ગયો નર્સ તેની નસમાં લોહી લેવાની સોઈ નાખી અને લોહી લેવાનું ચાલુ કરી દીધુ.

સ્વદેશે આંખો મીંચી મનને હળવુ કરવાના પ્રયાસ ચાલુ કર્યા તેણે ધીરે ધીરે મનને શાંત થવા દીધુ તેના તણાયેલ સ્નાયુઓ ક્રમશઃ હળવાશ અનુભવવા લાગ્યા, મન સ્થિર થવા લાગ્યુ આંખો સહેજ ઘેરાવા લાગી. લોહી લેવાની પ્રક્રિયા ચાલતી હતી.

અચાનક જ સ્વદેશનું મન કલ્પનાલોકમાં ચાલી ગયુ. ભૂતકાળની મધુર મધુર સ્મૃતિઓ રંગીન પતંગીઓની જેમ તેના માનસમાં ઉડાઉડ કરવા લાગી. રંગીન સમય, રંગીન ફુલો, રંગીન પતંગીઆઓ, રંગબેરંગી મેઘધનુષ્ય, રંગીનજીવનના દ્રશ્યો તેના અંતરમનની આંખો સામે પસાર થવા લાગ્યા.

તેની યાદો સુમધુર ભૂતકાળમાં સરી ગઈ.

સ્વદેશે જે કોલેજમાં એડમિશન લીધુ હતુ એ જ કોલેજ માં સુદર્શનાએ પણ એડમીશન લીધુ હતુ. પ્રથમ વર્ષ તો બંને વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી. નવા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવા આવવાની ખુશીમાં વધારે ધ્યાન ભણવામાં નવા વાતાવરણમાં ગોઠવાઈ જવામાં કે નવા મિત્રો બનાવવામાં પડયા હતા. રવિ, શેફાલી, અમન વિ. સાથે તેને સારી મિત્રતા થઈ ગઈ હતી. તેના મિત્રો પણ તેના જેવાજ સારા તથા સંસ્કારી ઘરોમાંથી આવતા હતા.

સુદર્શનાને તેણે અલપઝલપ એક બે વાર તેની સહેલીઓ સાથે જોઈ હતી. સુદર્શના અદભૂત રૂપની સ્વામિની હતી એટલે કોઈ જયારે તેને જૂએ ત્યારે તેની નજર તેના ઉપર સ્થિર જ થઈ જાય અને હટે જ નહીં.

સુદર્શના નો ગૌર વર્ણ, લાંબા વાળ, સહેજ લાંબો ચહેરો, હરણી જેવી આંખો, સપ્રમાણ દેહયષ્ટિ અને શોભી ઉઠે એવા પોશાક તેને કોઈ અપ્સરા કે યક્ષકન્યા જેવી ઉપમા અપાવી દે તેવી હતી.

આખા કોલેજમાં તેના જેવી સૌંદર્યવતી બીજી કોઈ વિદ્યાર્થીની ન હતી એટલે ઈશ્કમિજાજ યુવકો નું ટોળુ તેની આગળપાછળ રહીને મિત્રતા કેળવવાના પ્રયાસો કરતા હતા પણ સુદર્શના કોઈને નજદીક આવવાજ દેતી ન હતી.

તેની સહેલીઓ તેને “મિસ ઈન્ડિયા” કે “મિસ વર્લ્ડ”ના નામે ક્યારે ટિખળ કરતી હતી. એક બે સહેલીઓએ તેને આવી પ્રતિયોગીતામાં ભાગ લેવા પણ આગ્રહ કર્યો હતો.

“ના, બાબા એ મારુ કામ નહિ હું છું એવી જ ભારતીય જ સારી છું” કહીને તેણે વાત ઉડાવી દીધી હતી.

આટલી રૂપરમણી આટલી સીધી સાદી છે એટલે તેની જોડે જોઈએ એટલી છુટ લઈશુ તો કોઈ પ્રતિકાર નહી કરે એવી ભૂલભરેલી સમજથી એક બે દિલફેંક વિદ્યાર્થીઓએ બધાની વચ્ચે તેની મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં આ સંસ્કારી, ઘરેલુ, રૂપયૌવનાએ ચંડીકારૂપ ધારણ કરીને તેમને પોતાના હીલ વાળા સેંડલથી ફટકાર્યા હતા. જે જોઈને આખી કોલેજમાં સોપો પડી ગયો હતો. ત્યાર પછી કોઈએ તેની સાથે ગેરવર્તણુક કરવાની હિંમત કરી નહોતી.

સ્વદેશ પોતાના અભ્યાસમાં, ક્રિકેટમાં, ટેનિસમાં તથા ડીબેટીંગ સોસાયટીના કાર્યક્રમોમાં અવાર નવાર ભાગ લેતો હતો. સુદર્શના જેવી બે ચાર બીજી સુંદર છોકરીઓ જોડે ક્યારેક ક્યારેક વાર્તાલાપ થઈ હતો પણ તે બધાની સાથે સ્વાભાવિક અંતર રાખતો હતો અને કોઈને સાથે નિકટતા કેળવતો નહોતો. મિત્રો સૌ, પણ અંગત કોઈ નહી.

આવા જ વાતાવરણમાં અને આવીજ રીતે પહેલુ વર્ષ તો પસાર થઈ ગયુ. મિત્રતા ગાઢી થતી ગઈ, પ્રવૃતિઓ વધી ગઈ, ભણતર વધતુ ગયું અને જીવન ખરેખર કોલેજમય થઈ ગયુ હતુ.

બીજા વર્ષની શરૂઆતમાં કોલેજ ની ડીબેટીંગ સોસાયટીએ એક કાર્યક્રમ રાખ્યો હતો. “કર્ણઃ અદભૂત કે અધમ” આ વિષય ઉપર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ વચ્ચે પ્રતિયોગીતા રખાઈ હતી. વિદ્યાર્થી તરફથી વક્તા તરીકે સ્વદેશને પસંદ કરવામાં આવ્યો હતો જયારે વિદ્યાર્થીનીઓ તરફથી પસંદગી હતી સુદર્શના.

કોલેજ નો હોલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓથી ખચોખચ ભરેલો હતો. આગલી હરોળમાં મુખ્ય અતિથી, પ્રિન્સિપાલ, કોલેજના પ્રોફેસરો તથા અન્ય ગણમાન્ય વ્યક્તિઓ બેઠેલા હતા. સ્વદેશ કર્ણની અદભૂત બાજુઓ વર્ણવી રહ્યો હતો. તેનો સુર્યમંત્ર થી જન્મ, કુંવારી માતા કુંતી દ્વારા ત્યાગ, સારથીની પત્નિ રાધા દ્વારા ઉછેર, વારંવાર અપમાનિત થવુ, ક્ષત્રિય કુળ હોવા છતા શુદ્રવંશનું કલંક, ગુરૂદ્રોણ દ્વારા વિદ્યા આપવાની ના, ગુરૂ ભગવાન પરશુરામ પાસેથી છદમ વેશે શિક્ષા ગ્રહણ કરવી તથા શ્રાપ પામવો. અર્જુન સામે હરિફાઈ કરવી. અંગ દેશનો રાજા બનવુ. દાનેશ્વરી બનવુ. મહાભારતના યુધ્ધ વખતેપાંડવ છું એવી જાણ થવી છતા કર્તવ્ય અને મિત્રભાવના થી દુર્યોધનનો સાથ ન છોડવો. અર્જૂન માટે સાચવી રાખેલી શક્તિનો ઘટોત્કચ ઉપર ઈચ્છાવિરુધ્ધ મૈત્રી માટે ઉપયોગ કરવો. પોતાના કવચકુંડળ ઉતારી આપવા, મૃત્યુ સમયે ભગવાન કૃષ્ણને સોનાના દાંતનું દાન આપવુ વિ.ની છણાવટ એવી અદભૂત રીતે કરી કે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો.

ત્યારબાદ વ્યક્તવ્ય આપવા ઉભી થયેલ સુદર્શનાએ કર્ણની અધમતા વિશે બોલતા કહ્યુ કે “કુંતીનો વાંક કાઢવો અનુચિત છે. આજના યુગમાં પણ કુંવારી માતાને સમાજ તિરસ્કાર થી જુવે છે તો 5000 વર્ષ પહેલાની પરિસ્થિતીમાં કુંવારી માતા પાસે પુત્ર ત્યાગ સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. કર્ણને અન્યાય થયો હોય તેમ માની શકિયે પણ દરેક મનૂષ્ય અન્યાય થાય તો અધર્મનો સાથ આપે તો પૃથ્વિનો વિનાશ થઈ જાય, દુર્યોધન, શકુનિ કે દુઃશાસનને તેમની કુટિલતા માટે માફ કરી શકાય કારણ કે તે તેમનો જન્મજાત સ્વભાવ હતો. પણ કર્ણે તો માત્ર ઈર્ષ્યા, વૈર કે અર્થ માટે અધર્મ અને કુટિલતાનો સાથ આપ્યો હતો. અર્જુન સામેની ઈર્ષ્યા અને અંગદેશના રાજ્યની લાલસાએ તે કુમાર્ગે જાણતો હતો છતા ગયો હતો. દ્રૌપદીને વૈશ્યા કહેવી, અભિમન્યુનો નિતીવિરૂધ્ધ વધ કરવો વિ. અધર્મી અને કુટિલ કાર્યોમાં તે સહાયક હતો. તિરસ્કાર અને અપમાન ના ઓઠા હેઠળ તેણે દરેક જાતના કૃત્યોમાં જાણી જોઈને સાથ આપ્યો હતો. તેને દાનેશ્વરી પણ ખરા અર્થમાં ન કહી શકાય કારણ કે દાનેશ્વરી તેને જ કહેવાય કે જે પોતે અર્જીત કરેલ મૂડીનું દાન કરે. કર્ણનું તો અર્થઉપાજન પણ અન્યનું હતુ અંગદેશની સંપતિ તેને પોતાને જ દાનમાં મળી હતી એટલે તેનુ આપેલુ દાન ખરેખ તો દાન જ ન કહેવાય. કવચકુંડળ આપ્યા તે સામે શક્તિ લીધી, આને દાન નહિ સોદાબાજી કહેવાય. મૃત્યુ વખતે પણ છલ કરી ભગવાન પાસે કુંવારી ધરતી ઉપર અગ્નિદાહની માંગણી કરી. આમ આખું જીવન ઈર્ષ્યા, વેર, બદલો, અસત્ય, અધર્મ અને છળનો સાથ લેનારને અધમ જ કહેવાચ અદભૂત નહી.”

આમ જયારે સુદર્શનાએ પોતાનું વ્યક્તવ્ય પૂર્ણ કર્યુ ત્યારે ફરી એકવાર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. વિદ્યાર્થીનીઓ ચિચિયારીઓ પાડવા લાગી. હોલમાંની દરેક વ્યક્તિએ પોતાની બેઠક ઉપરથી ઉભા થઈ “સ્ટેન્ડીંગ ઓવેશન” થી તેની શૈલીને બિરદાવી. સ્વદેશ પણ પોતાના હાથોને તાળીઓ પાડતા ન રોકી શક્યો. સુદર્શના નતમસ્તકે સૌ ને પ્રણમી રહી.

થોડી વાર પછી જ્યુરીના સભ્યોએ પોતાનો નિર્ણય જાહેર કરતા કહ્યુ “આજની આ ચર્ચાનો નિર્ણય કરવો અમારા માટે એક જટિલ સમસ્યા બની ગઈ હતી. બંને સહભાગીઓએ એવુ અદભૂત વ્યક્તવ્ય આપ્યુ છે કે કોણ ઉત્તમ એ કહેવુ અમારે માટે અઘરૂ થઈ ગયુ હતુ અમે એટલે વચગાળાનો રસ્તો કાઢયો છે.” એક ક્ષણ અટકી ને તેમણે હોલ ઉપર નજર નાખી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના સમૂહમાં ઈંતેજારી હતી. તેમણે આગળ વધતા જણાવ્યુ.” અમે સૌ એ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે બંને પ્રતિસ્પર્ધિઓ પ્રબળ વક્તા છે. તેમની દલીલો, ધારદાર છે અને વિચારો આપણને વિચારતા કરી મૂકે તેવા છે. બંને જણા સમકક્ષ છે અને કોઈ એકબીજાથી ઉતરતુ નથી. એટલે અમે બંને પ્રતિસ્પર્ધિઓને સંયુક્ત વિજેતા જાહેર કરીએ છીએ અને આ કપ બંનેને સંયુક્ત રીતે અર્પિત કરીએ છીએ આવો, તમે બંને અહિ આવો ને મુખ્ય અતિથી પાસેથી કપ ગ્રહણ કરો. સ્વદેશ અને સુદર્શના બંને મુખ્ય અતિથી પાસે આવ્યા અને મુખ્યઅતિથના હસ્તે કપ ગ્રહણ કર્યા પછી પ્રેક્ષકો તરફ ફરી બંનેએ કપને બંને બાજુએ ઉભા રહી પકડી રાખી ઉંચો કર્યો વિદ્યાર્થી સમૂહે ગગનભેદી ચિચીયારીઓ કરી બંને જણને ઉત્સાહિત કરી વધાવી લીધા.

ધીમે ધીમે તેઓ સ્ટેજ ઉપરથી નીચે આવ્યા મિત્રવર્તુળે તથા સમર્થકો તેમને ઘેરી વળ્યા અને અભિનંદનોના વરસાદથી ભીંજવી નાખ્યા. સુદર્શનાની એક ચિબાવલી સહેલીએ પૂછયુ “કપ મળ્યો તો સંયુક્ત રીતે રાખશે કોણ”

સુદર્શના કાંઈ જવાબ આપે તે પહેલા જ સ્વદેશે સુદર્શના સામે જોઈ કહ્યુ “આપ જ રાખો આપની પાસે, એજ વધારે યોગ્ય કહેવાશે. ખરેખરતો તમે જ આ કપના હક્દાર છો. તમે જે વિચારો વ્યક્ત કર્યા તે અદભૂત હતા અને આજ પહેલા કોઈએ વિચાર્યા જ ન હતા. હું જો નિર્ણાયક હોત તો આ કપ માટે આપને જ વિજેતા જાહેર કરત”

સુદર્શના આ મોહક વ્યક્તિત્વ વાળા યુવકેને પોતાની પ્રસંશા કરતા મુગ્ધ અને શરમાળ ભાવે નિહાળી રહી આટલો મધુરભાષિ, આવો વિચારશીલ, આવો તેજસ્વી અને સુદર્શન યુવાન તેને કેમ પહેલા લક્ષમાં નહોતો આવ્યો?

સુદર્શના આ યુવકને અપલક તાકી રહી હતી. અચાનક જ એના હૃદયમાં કુણા સ્પંદનો શરૂ થઈ ગયા. તેણે સ્વદેશને સ્ટેજ ઉપર દુરથી જોયો હતો. કપ લેતી વખતે નજદીક જ હતો. પણ તેણે ખાસ ધ્યાન આપ્યુ ન હતુ પણ અત્યારે તે મનમુગ્ધ થઈ તેને નિહાળી રહી હતી. આજુબાજુ નુ વિશ્વ તેને માટે અદ્રશ્ય થઈ ગયુ હતુ.

“અરે, તું ક્યા ખોવાઈ ગઈ?” ચિબાવલી સહેલીના અવાજ થી જાણે તે સ્વર્ગના સ્વપ્ન લોકમાંથી જાગી ઉઠી. અણજાણતા તેના ગૌરમુખ ઉપર લજ્જાના રતુંમડા શેરડા પડયા.

“આપને ખૂબ ખૂબ અભિનંદન” સ્વદેશનો સૂરિલો સૂર આવ્યો.

સુદર્શના એ માંડ માંડ ઉંચે જોયુ.

“થેંક યું” પછી તરત જ ખ્યાલ આવ્યો કે સ્વદેશે હસ્તધૂનન કરવા હાથ લાંબો કર્યો હતો. સુદર્શનાએ વિવેક અને સૌજન્ય દાખવતા પોતાનો હાથ સ્વદેશના હાથમાં મૂક્યો. “તમને પણ અભિનંદન”

પણ આ શબ્દો બોલતા બોલતા તો હસ્પ સ્પર્શે ઉપજાવેલ વિદ્યુત તરંગો એની સુંદર દેહયષ્ઠિમાં પ્રસરી ગયા. એક અદભૂત અને મનોહરી ભાવથી એનુ મન પ્રસન્ન થઈ ગયુ. તેના આખા શરિરમાં લજ્જાની ધ્રુજારી પ્રસરી ગઈ.

અચાનક જ તેને ભાન થયુ કે તેણે સ્વદેશનો હાથ પકડી જ રાખ્યો હતો. સ્વદેશ હોઠ ઉપર સ્મિત અને આંખમાં સ્નેહ સાથે તેને નિરખી રહ્યો હતો. તેણે શરમાઈ ને પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પણ આંખોએ તો સ્વદેશના ચહેરાને જોવાની તક ન ગુમાવી.

“બાય”

“બાય” સ્વદેશે કહ્યુ.

સ્વદેશને પણ ન સમજાયુ કે તેને શું થઈ ગયુ હતું. આજસુધી કોઈ વિજાતીય વ્યકિત માટે તેને આવુ આકર્ષણ થયુ ન હતુ. કદાય આકર્ષણ થી વધારે કોઈ અજબ મનોભાવ હતો. કોઈ કોમળ, મુલાયમ, સ્નિગ્ધ ભાવ તેના મનમાં પ્રસરી રહ્યા હતા. ખૂબ જ આનંદ અને પ્રફુલ્લીત ભાવ સાથે તે પાછો ફર્યો. તેના મિત્રો તેને ઘેરી વળ્યા હતા. રાત્રે ઘરે પાછા ફર્યા પછી રાત્રે સૂતાસૂતા તેની આંખ સામે માત્ર સુદર્શનાનો લજ્જાયુક્ત ચહેરો જ રમી રહ્યો હતો. તેને ક્યારે ઉંધ આવી ગઈ તેની પણ તેને ખબર ના પડી.

વહેલી સવારે તેની ઉંધ ઉડી ગઈ. પૂર્વમાં સૂર્યોદય થઈ ચૂક્યો હતો. આકાશમાં શુભ્ર લાલીમાં છાઈ ગઈ હતી. પક્ષીઓનો મીઠો કલરવ ગુંજી રહ્યો હતો, શિતળ પવન ધીમે ધીમે વહી રહ્યો હતો.

સ્વદેશની આંખોમાં હજી સુદર્શાની સુરમ્ય છબી ભરાયેલી હતી. તેની યાદોમાં એની સુંગધ હતી. કાનોમાં એનો કર્ણમંજુલ અવાજ સંભળાઈ રહ્યો હતો તેની આંખો હજુ બંધ હતી પણ ચહેરા પણ મલકાટ અને હોઠ ઉપર મધૂર સ્મિત હતુ.

તેણે ઉંડો શ્વાસ લીધો અને તેને એવુ લાગ્યુ એના શ્વાસોશ્વાસ દ્વારા સુદર્શના તેના અંતરમન અને હૃદયમાં પ્રસરી ગઈ છે.

તેનુ અંતર અને જીવ્હા બંને એક સાથે બોલી ઉઠયા “સ્વદેશ યુ આર ઈન લવ તને સુદર્શના સાથે પ્રેમ થઈ ગયો છે.”