નિષ્ટિ
૪. હોમ અગેઇન
એ...એ.....એ.....એ.....એ.... મિસ્ટર?..... જરા સંભલ કે........ નિશીથે વિચારો પર બ્રેક મારી... મીણનું પુતળું હતું સામે. જો બંનેએ સમયસર બ્રેક ના મારી હોત તો એક્સીડન્ટ જ થઇ જાત. બ્રેક માર્યા પછી નિશીથ જમણી બાજુ વળ્યો તો મીણનું પૂતળું પણ એ જ બાજુ વળ્યું... નિશીથ ડાબી બાજુ વળ્યો તો સામે છેડે પણ એમ જ થયું... આવું બે ત્રણ વાર થયા પછી મીણના પૂતળાએ હાથના ઈશારે નિશીથને થોભવા જણાવ્યું અને એ પોતે એક બાજુથી સરકી ગઈ. નિશીથ પણ હવે માર્ગ મોકળો થતાં ઓફિસના એક્ઝીટ ડોર તરફ પ્રયાણ કરી ગયો. મીણના પૂતળાએ લીલી તરફ જોઈ જમણા હાથની પાંચેય આંગળીઓ એકજૂથ કરી કપાળ પર ટેકવી પછી ત્યાંથી દૂર કરતી વેળા કમળનું ફૂલ ખીલતું હોય તેમ પ્રસારી... જેનો એક જ અર્થ થતો હતો... ‘બુદ્ધુરામ”.... એ મીણનું પૂતળું એટલે મિષ્ટી..... નિશીથને ‘બુદ્ધુરામ’નું સર્ટીફીકેટ આપી એ પોતાના ટેબલ તરફ ગઈ... નિશીથ પણ ઓફિસની બહાર નીકળતી વેળાએ મિષ્ટીની આ ચેષ્ટા નિહાળી મનોમન હસી રહ્યો. જોકે ખરા અર્થમાં મિષ્ટી અત્યારે એના માટે એક અનામિકા જ હતી કેમકે હજુ એ એના નામ વિષે અજાણ હતો.
ઓફિસની બહાર નીકળી નિશીથે એક વ્યવસ્થિત દેખાતા ઠેલા પરથી મુંબઈના સુવિખ્યાત વડાપાઉંની લિજ્જત માણી. પછી એક મિનરલ વોટર... સોરી... પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટરની બોટલ ખરીદીને એક રીક્ષામાં બેસી ત્યાંથી રવાના થઇ ગયો.
‘કહાં લે ચલું સા’બ?’
‘બોરીવલી.... નેશનલ પાર્ક... કોઈ સારું ગીત મુકોને ઓડિયો પ્લેયર પર..’
‘મુઝે આ ગયા યકીન સા કિ યહી મેરી મંઝીલ....’
આ ગીત નિશીથ કદાચ પહેલી વખત સાંભળી રહ્યો હતો .. ગીતના મુખડા સિવાય અંતરા સાથે નિશીથને કોઈ લેવા દેવા નહોતી પણ એટલું ચોક્કસ હતું કે ગીતનું મુખડું પ્રવર્તમાન સ્થિતિમાં એના માટે ઘણું જ સૂચક હતું એટલે નિશીથને પણ ગીત સંભાળવામાં મજા આવવા લાગી.‘
ટ્રેનની રીટર્ન ટીકીટ લીધી નહોતી એટલે બસમાં પાછા અમદાવાદ જવાનું ઠેરવી નિશીથ રીક્ષા લઈને નેશનલ પાર્ક પહોંચ્યો. અમદાવાદ જવા માટે વોલ્વો બસની ટીકીટ મળી ગઈ... બસ ઉપડવાને હજુ બે કલાકની વાર હતી એટલે નિશીથ સમય પસાર કરવા માટે બોરીવલી વેસ્ટમાં એના મન પસંદ સોડા પબના સોડા પી પછી ઘર માટે મુંબઈના પ્રખ્યાત હલવાનું બોક્સ ખરીદી ફરી પાછો નેશનલ પાર્ક પહોંચ્યો. બસનો સમય થઇ ગયો હતો પણ હજુ સુધી બસ આવી નહોતી. નિશીથે ટ્રાવેલ એજન્ટને પૂછપરછ કરીને જાણી લીધું કે બસ ઓલરેડી દહિસરથી ઉપડી ચૂકી છે એટલે થોડી વારમાં આવી પહોચશે. થોડી વારના ઇન્તજાર પછી બસ આવી પણ ગઈ. બસ ઉપડી એટલે બેગમાં રાખેલ ઘરનો બનાવેલ નાસ્તો કરી આખા દિવસનો થાકેલો નિશીથ ઘસઘસાટ ઊંઘી ગયો. હાઇવે હોટલ પર બસ ઉભી રહી ત્યારે બસના કંડક્ટરના ‘૨૦ મિનીટ ડીનર માટેના બ્રેક’ની જાહેરાતથી તેની ઊંઘમાં ખલેલ પડી. આમ પણ નિશીથ હાઇવે હોટેલ પરનું જમવાનું પસંદ નહોતો કરતો એટલે થોડો હળવો થઇ બ્રાન્ડેડ આઈસ્ક્રીમની જયાફત માણી એ ફરી પાછો પોતાની સીટ પર આવી સૂઈ ગયો.
દસ કલાકની ઊંઘ પૂરી થતાં હવે નિશીથની ઊંઘ ઊડી ગઈ હતી. આંખ ખોલી જોયું તો બસ બરોડા-અમદાવાદ એક્ષ્પ્રેસ હાઇવે પર પૂરપાટ દોડી રહી હતી. અમદ્દાવાદ આવ્યું ત્યાં સુધી તે બસની બારીમાંથી શહેર મધ્યે દુર્લભ એવી સવારની સુંદરતાને માણતો રહ્યો. તેણે અનુભવ્યું કે પ્રકૃતિમાં જે ઊંડાણ છે તેને માપવા માટે ન તો કોઈ મેઝર ટેપ બની છે કે ના એની સુંદરતા માપી શકે એવું કોઈ સાધન બન્યું છે.
બસ સીટીએમ પહોચી એટલે નિશીથ બસમાંથી ઊતરી રીક્ષા પકડી મણિનગર પહોંચ્યો. ઘેર પહોંચી ફટાફટ ન્હાઈ ધોઈ તૈયાર થઇ નાસ્તો પતાવ્યા પછી તે ટીફીન લઇ ફેક્ટરી જવા રવાના થઇ ગયો. ગઈકાલના ઘટનાક્રમને મગજમાંથી ડીલીટ કરી નિશીથ પાછો પોતાના કામમાં ઓતપ્રોત થઇ ગયો. ગઈકાલે એ કંપનીમાં હાજર નહોતો એટલે એણે પોતાના આસિસ્ટન્ટ જોડેથી આખા દિવસનો રીપોર્ટ મેળવી લીધો. સદનસીબે કોઈ મેજર પ્રોબ્લેમ નહોતો થયો એટલે નિશીથે નિરાંતનો શ્વાસ લીધો.
એટલામાં કંપનીમાં નિશીથનો ખાસ દોસ્ત અને કંપનીનો એકાઉન્ટન્ટ રાજેશ જોશી ત્યાં આવી ચડ્યો. રાજેશ એટલે નિશીથની રગે રગથી વાકેફ વ્યક્તિ. કંપનીમાં રાજેશ જ એક એવો વ્યક્તિ હતો જેની સાથે નિશીથ કામ સિવાયની વાતો પણ કરી લેતો. સામાન્ય રીતે ખપ પૂરતી જ વાત કરતો નિશીથ રાજેશની આગળ પૂરી રીતે ખીલી ઉઠતો.
‘શું બોસ... મુંબઈની મજા માણી આવ્યા?’
‘એમાં શું મજા?’ નિશીથ ખાસ કંઇ ઉત્સાહ બતાવ્યા વગર બોલ્યો.
‘પાર્ટી ક્યારે આપો છો?
‘શાની પાર્ટી?’
‘બસ.... એમ જ ને? ખાસ દોસ્તથી પણ છુપાવવાનું?’
‘અરે ના યાર... એવું કંઇ નથી’
‘તો પછી?’
‘જે હશે તે થોડા દિવસોમાં ખબર પડશે’
‘ઓકે.. ઓકે... ઓલ ધ બેસ્ટ’
‘હં....’
‘થેન્ક્સ પણ નહિ કહે?’
‘અરે તને ખબર તો છે.... આ સોરી અને થેન્ક્સ મારા શબ્દકોષમાં નથી... ખાસ કરીને મારા દોસ્ત લોકો માટે... મને એવી ઔપચારિકતા નથી ફાવતી’’
‘હા ભાઈ ખબર છે ખબર છે... ખબર નહિ હવે કેટલા સમય માટે સાથે છીએ.
‘પાસે નહિ હોઈએ તો પણ સાથે તો હોઈશું જ ને?’
‘હા.. હા.... ઠીક છે ઠીક છે..’
‘સારું સારું..... કામે વળગ હવે..’
‘અરે નિશીથભાઈ.... તમે નહોતા ત્યરે મને જોરદાર આઈડિયા આવેલો.. આમેય તમારી જોડે આટલા વખતથી રહું છું એટલે એટલું તો મગજ દોડતું થાય જ ને? જસ્ટ ઈમેજીન.... આપણા બંને ડાઇરેકટર સહેબો એમની કેબીનમાં બેઠા છે.... ખુરશી પર નહિ પણ ટેબલ પર બેઠા છે... એ પણ શું પહેરીને ખબર છે?.... માત્ર ડાઇપર અને લાળીયું..... અને એ જ વખતે ઓફિસબોય એક કવર એમના સુધી પહોચાડે છે... કવર ખોલીને જુએ છે તો શું નીકળે છે?........ અત્યાર સુધી કંપનીએ મેળવેલ સૌથી મોટો ઓર્ડર!!!!!!! બંને જણ ખુશ થઈને તાળી પડતાં પડતાં નાચવા લાગે છે.... ઓર્ડર આવ્યો...... ઓર્ડર આવ્યો..... ઈમેજીન .......... જસ્ટ ઈમેજીન...!!!’
થોડી વાર તો નિશીથ વિચારે છે કે આ રાજેશ શું જે મનમાં આવે એ બકે જાય છે.. પણ જયારે એ એક ક્ષણ માટે રાજેશે વર્ણવ્યા મુજબની કલ્પના કરે છે તો એની હસી નીકળી જાય છે. એ એટલું ખડખડાટ હસે છે કે લાખ પ્રયત્ન છતાં હસવું ખાળી શકતો નથી. રાજેશ પણ હસવામાં એનો સાથ પૂરાવે છે. સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં જોવા ટેવાયેલ ઓફીસના સહકર્મચારીઓ નિશીથને આમ બેકાબુ બનીને હસતો જોઈ ડઘાઈ ગયા.
એટલામાં રાજેશને જેની જોડે ૩૬નો આંકડો છે એવા એકસાઈઝ ઓફિસર ગોવિંદ મિસ્ત્રી રાજેશને બોલાવે છે.
‘રાજેશભાઈ..... જરા મારી કેબીનમાં આવો તો...’ રાજેશ નિશીથને થોડી વાર થોભવાનો ઈશારો કરી મિસ્ત્રી સાહેબની કેબીનમાં જાય છે. નિશીથ હવે પોતાના પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ શિડયુલ પ્રમાણે ચાલુ માસ દરમ્યાનના પ્રોગ્રામ્સ પર નજર નાખી લે છે જેથી કરીને કંપનીના પ્રોસેસ ફલોમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ના થાય.
‘હા બોલો મિસ્ત્રી... સાહેબ...’ મિસ્ત્રી સાહેબની કેબીનમાં પ્રવેશતાં રાજેશ એમને પૂછે છે.
‘ગઈકાલે હું એકસાઈઝ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં ગયો હતો. સુપ્રિટેન્ડેન્ટસાહેબને તમારું કામ હતું એટલે તમને ફોન કર્યો હતો.’
‘ના.. મને કઈ ખબર નથી..’
‘ઓહ.. અચ્છા... તો એમ વાત છે.. તમને નથી ખબર.... એ તો સુપ્રિટેન્ડેન્ટ સાહેબે તમારા માટે જે કહ્યું છે તે શ્રોફ સાહેબને વાત કરીશ એટલે ખબર પડશે...... બરાબરની ‘
‘ના પણ મારા પર એમનો કોઈ ફોન આવ્યો જ નથી’
‘ખરેખર? જરા યાદ કરી જુઓ.....’
‘સાચું કહું છું.... મારા પર કોઈ ફોન નથી આવ્યો’
‘હા તમે કહો છો તો માની લઉં છું... તમે તો કદી ખોટું ના જ બોલોને!!!!!’ પછી તે ફોન પર વાત કરતા હોય એવી અદા માં બોલે છે..
‘હેલો.....હેલો.... કોણ બોલો છો...... હેલો.....હલો.... હલો.....હલો.... હલો.....હલો........... સારું.... ના હલવું હોય તો આ મૂક્યો ફોન...’ એમ બોલીને તે ફોનનું રીસીવર મુકવાની એક્શન કરે છે.’
‘ઓહ નો..... એ સુપ્રિટેન્ડેન્ટસાહેબનો ફોન હતો? મેં ફોન રીસીવ કર્યો પણ સામે છેડેથી કોઈ અવાજ જ નહોતો આવતો... ઓહ શીટ... શીટ... શીટ...’ રાજેશ એકદમ નર્વસ થઇ ગયો.
‘હા ... અને સાહેબે ફોન સ્પીકર મોડ પર રાખ્યો હતો એટલે મેં.... આ મારા સગ્ગા કાને બધું સાંભળ્યું છે.... બોલો હવે કંઈ કહેવું છે તમારે?’
‘ઓહ..... પછી શું કહ્યું સુપ્રિટેન્ડેન્ટસાહેબે?’
‘એ તો હું શ્રોફ સાહેબને જ કહીશ. તમને શું કામ કહું?’
‘પ્લીઝ કહોને... આવું શું કરો છો?’
‘સુપ્રિટેન્ડેન્ટસાહેબે શ્રોફ સાહેબને જ કહેવાનું કહ્યું છે... એટલે હું તમને કંઈ ના કહી શકું.’
હવે રાજેશનો ચહેરો તણાવગ્રસ્ત થઇ ગયો. નક્કી આજે હોટ ચેમ્બરમાં રિમાન્ડ લેવાશે... શ્રોફ સાહેબનો ગરમ મિજાજ અને કોઈનો વાંક હોય તો પોતાની કેબીનમાં બોલાવીને ખખડાવી નાખવાની આદતને લીધે રાજેશ અને નિશીથ એમની કેબીનને હોટ ચેમ્બર કહીને નવાજતા. તેણે ફરી એક વખત ગોવિંદ ભાઈને વિનંતી કરી જોઈ.
‘કહોને મને..... શું કહ્યું છે સુપ્રિટેન્ડેન્ટ સાહેબે?
ગોવિંદ મિસ્ત્રીને લાગ્યું કે હવે જો નહિ કહે તો રાજેશ કદાચ રડી પડશે... એટલે એમણે ધીરે રહીને કહ્યું...
‘સુપ્રિટેન્ડેન્ટ સાહેબે કહ્યું છે કે શ્રોફ સાહેબને કહેજો કે.... સુપ્રિટેન્ડેન્ટસાહેબે કહ્યું છે કે તમારી ઓફિસમાં જે રાજેશ જોશી છે તે એકદમ.....’
‘શું એકદમ?...’
‘હા... તમારી ઓફિસમાં જે રાજેશ જોશી છે તે એકદમ..... મજાકિયા સ્વભાવના છે’ એમ બોલીને ગોવિંદ મિસ્ત્રી ખડખડાટ હસવા લાગ્યા.... રાજેશના જીવમાં પણ હવે જીવ આવ્યો...
‘હું તો મજાક કરતો હતો રાજેશભાઈ.... જાઓ હવે તમે જઈ શકો છો.’
રાજેશ હળવાશ અનુભવતો પોતાના ટેબલ પર પહોંચે છે. પટાવાળાને કડક ચા લાવવાનું કહી કોમ્પુટર સ્ટાર્ટ કરે છે. હવે ઓફિસનું રોજિંદુ કામકાજ ધીરે ધીરે ગતિ પકડે છે.
સાંજના સાત વાગ્યાનો સમય છે. સ્ટાફના બધા લોકો ઘેર જવા નીકળી ચૂક્યા છે. નિશીથ પણ પોતાની નિગરાનીમાં આવતા બધા મશીનોના ખબરઅંતર પૂછીને પાર્કિંગ એરિયામાં પહોંચે છે. જુએ છે તો બાઈકને પંચર પડેલ છે તે થોડો ગુસ્સે થઈને ટાયર પર લાત મારીને કંપનીના મેઈન ગેટની બહાર નીકળી જાય છે...
બસ હવે બસમાં જ ઘેર જવું પડશે એમ વિચારીને તે ટહેલતો ટહેલતો બસ સ્ટોપ સુધી પહોંચે છે. બસ સ્ટોપ પર લગભગ અડધો કલાક રાહ જોવડાવ્યા પછી બસ આવી પહોંચે છે. જુએ છે તો બસમાં બહુ ભીડ છે એટલે આટલી અસહ્ય ગરમીમાં આ ભીડભાડવાળી બસમાં મુસાફરી કરવી ખુબ મુશ્કેલ પડશે એમ વિચારી એ બસ જવા દેવાનું નક્કી કરે છે. દસ પંદર મિનીટ વધુ રાહ જોયા પછી બીજી બસ આવી પહોંચે છે.. હવે બસમાં ભીડ ઓછી છે પણ એ જ્યાં ઊભો છે એ બસ સ્ટોપ પરથી બસમાં ચઢવા વાળાની સંખ્યા વધી ગઈ છે. ‘હવે તો આ બસમાં ગમે તેમ કરીને જવું જ પડશે’ એમ મનોમન વિચારીને તે બસના બારણા તરફ દોટ મૂકે છે. પણ જેવો એ બસના પગથીયા પર પગ માંડે છે તો એના પેન્ટના ચોર ખિસ્સામાં કૈંક હલચલ અનુભવે છે. નિશીથને લાગે છે કે કોઈ એના ખિસ્સામાં હાથ નાખીને તેમાં રાખેલ રૂપિયા કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે. નિશીથ તરત જ એ માણસનો કાંડેથી હાથ પકડે છે તો એ માણસ ચોર ખિસ્સામાંથી પોતાનો હાથ બહાર કાઢી લે છે. નિશીથ પણ તરત જ એ માણસનો હાથ એમ વિચારીને છોડી દે છે કે જો લોકોને ખબર પડશે તો એક ગરીબ માણસ નાહકનો ધીબાઈ જશે. પણ આ શું???? નિશીથના આશ્ચર્ય વચ્ચે એ માણસ ફરીથી ચોર ખિસ્સામાં હાથ નાખે છે...........
ક્રમશ: