પોતાનું ઘર
ચેતન ગજ્જર
"કહું છું સાંભળો છો" કમળા બેન
"એલા... કહું છું સાંભળો છો? જરા જોરથી
"હા" રમણલાલ
"મોબાઈલની રીંગ વાગે છે, સંભળાતી નથી?"
"ઉઠાવું છું"
"ક્યારે આવતા જનમમાં"
રમણલાલ આળસ મરડી ઉભા થયા પણ ત્યાં સુધી રીંગ પૂરી થઇ ગઈ.
"હરામ હાડકાના છે" કમળાબેન બબડ્યા.
"કામ હશે તો ફરી કરશે"
"હવે ફોન જોડે લઈને બેસો"
"અને એ તો જુઓ કોનો ફોન હતો"
"છોડને કામ હશે તો ફરી કરશે"
રમણલાલ પાછા ટી.વી. સામે ગોઠવાઈ ગયા ફોન રણક્યો.
"હેલ્લો, પપ્પા મમ્મીને ફોન આપો"
"લે, ધીરજ નો ફોન છે"
"લાવો ને"
"હું નથી આવતો, લે લઇ જા"
કમળાબેન વાસણ પછાડતા ઉભા થયા "વાસણ ઘસતા ઘસતા પણ મારે ઊભું થવાનું" કમળાબેને છણકો કરી ફોન છીનવી લીધો. વાત પતાવી. "બસ, આખી જીંદગી આરામજ ફરમાવ્યો છે. આ બાજુવાળા મગનભાઈને જુઓ આપણી સાથે અમદાવાદ આવ્યા હતા. આજે એમની પાસે બે પોતાના ઘર છે. તમારા કરતા એક વર્ષ મોટા છે તોય તમારાથી બમણી મજુરી કરે છે. અને તમે જગ્યા પરથી ઉભા નથી થતા".
"ભગવાન આટલો આળસુ પતિ દુનિયાની કોઈ સ્ત્રીને ના આપે, મારા જીવનનું તો નખ્ખોદ વળી ગયું"
નિસાસો નાખતા કમળાબેન પાછા કામે વળગી ગયા પણ હજુ એમનો બબળાટ ચાલુ જ હતો. રમણલાલ ટેવાઈ ચુક્યા હતા. રમણલાલને કમળાબેનનો બબળાટ કાને ધરતા જ નહોતા.
કમળાબેન ઘણા વ્યવહારુ હતા પણ જિંદગીના સંઘર્ષ એમનો સ્વભાવ જરાક ખડબચતો બનાવી દીધો હતો. જયારે જયારે રમણલાલના સાથી કારીગરોની પત્નીઓને નવી સાડીમાં, નવા ઘરેણામાં કે કોઈ મોજ-શોખ કરતા જોતા ત્યારે તેમનું મન સળગી ઉઠતું, ઘણી વેદના હતી પણ કમળાબેને કદાપી ફરિયાદ નહોતી કરી. એમને એકજ ફરિયાદ હતી "પોતાનું ઘર".
કમળાબેન હંમેશા કહેતા "ધીરજના પપ્પા મારે કંઈજ નથી જોઈતું બસ મને પોતાનું ઘર લઇ દો"
રમણલાલનું વ્યક્તિત્વ જરાક અલગ હતું એવું નહોતું કે એ તદ્દન આળસુ માણસ હતા પણ જે કામમાં રૂચી ના હોય એ કામ કરવામાં હંમેશા આળસ જ આવે. રમણલાલને હીરા ઘસવામાં, પૈસા કમાવવામાં, ધંધો કરવામાં કે પછી આલીશાન જીંદગી જીવવામાં કોઈ રસ નહોતો, એટલે એ જીવન નિર્વાહ ચાલે એટલું કમાઈ આપતા. બાકીના સમયમાં ટી.વી. જોતા કે પછી ગલીના નાકે દેશ, દુનિયા, શહેર અને ગામની પંચાત કરતા. એમનામાં કઈક તો ખાસ હતું પણ કરોડો કમનસીબ લોકોની જેમ એમનું પણ ટેલેન્ટ મોટો પરિવાર, ગરીબી, જવાબદારીઓ નીચે દબાઈને મૃત્યુ પામ્યું. ધીરે ધીરે કઈક કરી છુટવાની ભાવના મરી પરવાઈ અને મહત્વાકાંક્ષાના અભાવે સીધી લીટીનું જીવન જીવવા મજબુર કરી દીધા.
"ધીરજ બેટા, આવી ગયો!!!"
"આજે કામ પર નથી ગયા ?"
"તબિયત જરા નાજુક છે"
"શું થયું?"
"કઈ નથી થયું, તાજા માજા છે, કામ કરવાની ઈચ્છા નહિ હોય, ઘરમાં ચૂલો સળગે કે નહિ, એમને તો ક્યાં ચિંતા છે"
"પ્લીઝ, પાછું ચાલુ ના કરશો" ધીરજ
"હું તો ટેવાઈ ગયો છું"
"પણ પપ્પા, તમે કેમ આવું કરો છો"
"જો દીકરા, તું તો મને સમજે છે મને આ કામ પસંદ જ નથી"
"હા જાણું છું પણ બે વર્ષ છે, પછી તમે નિરાંતે નિવૃત્તિ લઇ લેજો"
"હા આમેય હું હવે કંટાળ્યો છું"
"પપ્પા, ૫૦૦ રૂપિયા જોઈએ છે"
"ઘરમાં હવે એક રૂપિયો નથી" કમળાબેન
"તું ચિંતા ના કરીશ" રમણલાલ ધીરેથી.
ધીરજ હસતો હસતો નીકળી ગયો.
"ક્યાંથી લાવસો ૫૦૦ રૂપિયા, આ મહિને તમે દસ દિવસ રજા પાડી છે. એટલો પગાર ઓછો આવશે, ઘરમાં કરિયાણું પણ પતવા આવ્યું છે" કમળાબેનનો બબળાટ ચાલુ થયો એટલે રમણલાલ પણ બહાર નીકળી ગયા.
"આવ, પ્રવીણ, કેમ છે? બહુ દિવસે દેખાયો"
પ્રવીણભાઈ દસેક વર્ષ પહેલા રમણલાલના હાથ નીચે હીરા ઘસતા સીખેલા. ખંત, ધગસ અને ધંધાની આવડતે ટૂંક સમયમાં એમને સફળતાના શિખરે બેસાડી દીધા. પોતાનું હીરા ઘસવાનું કારખાનું નાખી દીધું પણ હજી રમણલાલને ભૂલ્યા નહોતા. રમણલાલ માણસજ એવા હતા.
"લો ભાભી પૈંડા ખાવ"
"શેના છે?"
"બાપુનગરમાં બંગલો લીધો"
"સરસ, કેટલામાં પડ્યો?"
"સિત્તેર લાખ"
કમળાબેનની આંખો પહોળી થઇ ગઈ. હજી કાલે તો સાયકલ લઈને ફરતો હતો અને સિત્તેર લાખનો બંગલો. કમળાબેનનું લોહી ઉકળવા લાગ્યું જયારે રમણલાલનું તો પેટનું પાણી પણ ના હલ્યું. પણ આવનારા તોફાનનો અણસાર આવી ગયો. એટલે પ્રવીણભાઈની સાથે રમણલાલ પણ બહાર નીકળી ગયા.
રમણલાલે જેવો ઘરમાં પગ મુક્યો. કમળાબેને કાલી સ્વરૂપ ધારણ કરી લીધું. "તમારા હાથ નીચે તૈયાર થયેલા આજે સિત્તેર લાખના બંગલા ખરીદવા મંડ્યા અને તમે 10 x 10 ની એક ઓરડી પણ નથી બનાવી શક્યા. ધિક્કાર છે"
"થઇ જશે"
"ક્યારે હું લાકડે જઈશ ત્યારે"
"છોડને યાર, રોજ એક ને એક લાવારી થી હું કંટાળી ગયો છું. એક મિનીટ પણ તું ઘરમાં શાંતિ નથી રહેવા દેતી"
લાગણીનો બાઝેલો હસકો ઊભરી આવ્યો. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ગુસ્સો પળવારમાં અલોપ થઇ ગયો.
"તમારી જોડે કંઈપણ આશા રાખવી નકામી છે"
"હું શું કરું, મારું મન નથી લાગતું"
"ધીરજ સામે જુઓ, બે વર્ષ પછી એ ભણી રહશે. એના લગ્ન માટેની તૈયારી કરવી પડશે. છોકરીવાળા પહેલા એ જોશે કે પોતાનું ઘર છે કે નહિ, તમે સમજતા કેમ નથી મને સિત્તેર લાખના બંગલાના અભરખા નથી મને પોતાનું કહી શકાય એવું એક નાનકડું ઘર જોઈએ છે."
વાત તદ્દન સાચી હતી. ધીરજને જેવી જોઈએ એવી છોકરી મેળવવા પોતાનું ઘર જરૂરી છે બાકી પછી સમાધાન કરવું હોય તો કંઈપણ ચાલે. "ના, મારા દીકરાને સમાધાન નહિ કરવા દઉં"
રમણલાલ જરા મૂંઝાયા, નિરાશ થયા ઊંડો નિસાસો નાખ્યો. જીંદગી વ્યર્થ થઇ ગઈ હોવાની ભાવના જાગી. પોતાની જાત પર ધિક્કાર પણ થયો. એમને સમજાયું કે એ અત્યાર સુધી સ્વાર્થી જીવન જીવી રહ્યા હતા. હવે તનતોડ મહેનત એમના ગજા બહારની હતી. ૫૦ વટાવી ચૂકેલા રમણલાલ માટે જિંદગીને પાટા પર લાવવી હવે લગભગ અશક્ય હતી. પણ કઈક તો કરવું પડશે એ ભાવના હજી જીવિત હતી.
"રમણ, કેમ કઈ બોલતો નથી? શું થયું?"
"ધીરજનો અભ્યાસ બે વર્ષમાં પૂરો થઇ જશે પછી બે એક વર્ષમાં એના લગ્ન ગોઠવવા પડશે"
"બરાબર છે, તો"
"મારી પાસે એકપણ પૈસાની બચત નથી અને સૌથી મોટી વાત પોતાનુઘર નથી"
"તો"
"ધીરજને જેવું જોઈએ છે એવી જીવનસાથી મળવામાં તકલીફ પડશે અને કદાચ સમાધાન પણ કરવું પડે"
"બરાબર છે, તે શું વિચાર્યું છે"
"કઈક તો કરવું પડશે"
"શું કરીશ?"
"ખબર નથી"
"ઉદાસ ના થઈશ, કઈક ને કઈક રસ્તો નીકળી આવશે"
"ઉદાસ નથી, ચિંતિત છું"
"ઉપરવાળા પર વિશ્વાસ રાખ, સૌ સારાવાલા થશે"
"તારા ઉપરવાળા પર મને કાલે પણ ભરોસો નહોતો અને આજે પણ નથી, મરેજ કઈક કરવું પડશે"
"કોઈ અવળો રસ્તો તો...."
"અરે ના ના એટલી મારામાં હિંમત ક્યાં ?"
"તો શું કરીશ"
"વિચાર્યું તો નથી"
"જે પણ કરે, ધીરજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરજે અને કરતા પહેલા મને જરૂર કહજે"
એક મહિના બાદ
"ધીરજભાઈ, શંકરભાઈ તમને મળવા માંગે છે વકિલ "
"કેમ ? એની એટલી હિંમત"
"સમાધાન કરવા માંગે છે"
"મારે નથી કરવું"
"જુઓ, ન્યાય માટેની લડત ખુબજ લાંબી ચાલે છે અને ખર્ચ પણ ખુબ થશે. આટલું કાર્ય બાદ પણ ન્યાય મળવાની કોઈ ગેરેંટી નથી"
"ધીરજ બેટા, જીદ છોડી દે, એમને આવવા તો દે, એ લોકો શું કહે છે સાંભળ, સમજ પછી તને જે ઠીક લાગે તે નિર્ણય લે જે" મોહનલાલ
ઘણી રકજક બાદ ધીરજ શંકરભાઇને મળવા રાજી થયો. મીટીંગ ઘરે રાખવામાં આવી.
"જે પણ થયું એમાં ભૂલ કોની હતી એ સાબિત કરવામાં વર્ષો વીતી જશે. કોર્ટ કચેરીના ધક્કા, પૈસાનું પાણી અને છેવટે ન્યાય માટે વલખા. શંકરભાઈ સમાધાન કરવા માંગે છે" વકિલ.
"કેવી રીતે ?" કમળાબેન
"એ તમે નક્કી કરો" વકિલ
"તમે મારા પપ્પાને પાછા લાવી શકશો"
"જો દિકરા તારી લાગણી હું સમજી શકું છું જે પણ ઘટના ઘટી એનું અમને પારાવાર દુખ છે એનું પ્રાયચ્છિત કરવાજ અમે આવ્યા છીએ. જેટલો તું તારા પિતાને પ્રેમ કરે છે એટલો જ હું મારા પુત્રને કરું છું" શંકરભાઈ ગળગળા થઇ ગયા.
"બેટા, તને એટલીજ આજીજી કરું છું કે મોટું મન રાખી મારા આકાશને માફ કરી દે"
"તમે મારી જગ્યાએ હોત તો શું કરત"
"માફ કરી દેત"
"બોલવું સહેલું છે, તમે તમારો દીકરો નથી ગુમાવ્યો મેં મારા પિતાજી ગુમાવ્યા છે."
"મોહનલાલે શંકરભાઈને ઈશારો કર્યો.
"ધીરજ બેટા, રમણ તો જતો રહ્યો. એમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. મોટું મન રાખીને માફ કરી દે."
"કાકા તમે પણ એમના તરફ બોલો છો"
"એવું નથી બેટા, હું તારા ભલા માટે કહું છું એમની વાત સાંભળી તો લે."
"જો બેટા હું અમદાવાદનો જાણીતો બિલ્ડર છું તારા પિતાને પાછા તો નથી લાવી શકતો પણ તારા માતા-પિતાના સપનાનું ઘર જરૂર આપી શકીશ"
ધીરજના કાન જરા અધ્ધર થયા. આંખોની ભીનાશ જરા સુકાઈ, લાગણીનો સમુદ્ર શાંત પડ્યો. દુઃખનું વંટોળ જરાક થંભી ગયું. ક્યાંક ન્યાય માટે મક્કમતા પોતાના ઘરની લાલચ સામે નમવા લાગી.
"રમણ ઈચ્છતો હતો કે તારા લગ્ન પોતાના ઘરમાં થાય. ન્યાય મેળવામાં વર્ષો વીતી જશે. આ ઘરને રમણના આશીર્વાદ સમજીને લઇ લે. એક જીંદગી તો ગઈ, બીજી જીંદગી ખરાબ થતા હવે તું જ રોકી શકીશ" મોહનલાલ
"બેટા અમદાવાદમાં મારી પાંચ સ્કીમમાંથી તું જે ઘર પર આંગળી મુકીશ એ તારું. વેચાઈ ગયું હશે તો ખરીદીને આપીશ બસ તું સમાધાન કરવા તૈયાર થઇ જા"
ધીરજ કંઈપણ જવાબ આપ્યા વગર ચાલી નીકળ્યો. બધા ભારે મુંજવણમાં મૂકાયા. બધાનું ધ્યાન હવે કમળાબેન તરફ કેન્દ્રિત થયું. કમળાબેને નિર્ણયનો ભાર ધીરજના યુવાન ખભા પર મૂકી દીધો. શંકરભાઇને વ્યાકુળતા વધવા લાગી હતી. મોહનલાલે ધીરજને સમજાવવાની બોહેઘટી આપી.
રમણલાલનું મૃત્યુ શંકરલાલ ના પુત્ર આકાશની ગાડી સાથે થયેલા અકસ્માતથી થયું હતું. આકાશ પાસે લાયસન્સ નહોતું અને આગળના અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કેસ લાંબો ચાલે તો આકાશ અમેરિકા ન જઈ શકે એટલે શંકરલાલ કોઈપણ કિંમતે સમાધાન કરવા માંગતા હતા પણ ધીરજ બધાને મુંજવણમાં મૂકી ચાલ્યો ગયો.
એક વર્ષ પછી
"વહુ બેટા, ધીરજને ફોન તો કર, મોહનકાકા આવ્યા છે તો જરા જલ્દી આવે. " કમળાબેન
"કમળાબેન, તબિયત કેવી છે?" મોહનલાલ
"સારી છે"
"તો ફાવી ગયું નવા ઘરમાં ?"
"પાંચ રૂમોવાળું ઘર ધીરજના પપ્પા વિના ખાવા દોડે છે. ઘણીવાર એ 10 X 10 ઓરડાની યાદ આવી જાય છે તો આંસુ સારી પડે છે"
"રમણ માણસ લાખ રૂપિયાનો હતો"
"આખી જીંદગી હું પોતાનું ઘર પોતાનું ઘર કરતી રહી અને એ મને પોતાનું ઘર અપાવીનેજ ગયા."
મોહનલાલ એક જ સત્ય જાણતા હતા કે રમણલાલે જાતે જ પોતાનો અકસ્માત કરાવ્યો હતો. તે જાણતા હતા કે આકાશ પાસે લાયસન્સ નથી અને તેના પિતા બિલ્ડર છે.
રમણલાલની જિંદગીની કિંમત હતી એ "પોતાનું ઘર"
Chetan Gajjar
A/502 - Shukan 6
Vemali, Vadodara
Mobile :- 9879585712
gajjarck@gmail.com