Ek tarafi in Gujarati Love Stories by Vipul Rathod books and stories PDF | એક તરફી !

Featured Books
Categories
Share

એક તરફી !

એક તરફી !

-વિપુલ રાઠોડ

બારેક વર્ષ થયા હશે પણ હજી ય ભૂમિ અને અમિતના લગ્નજીવનમાં પ્રેમનાં પવનની ગતિમાં કોઈ ઘટાડો થયો નથી. પરિવારે સામાજિક વ્યવસ્થા મુજબ ગોઠવી આપેલા લગ્નની સફળતાનો દાખલો બેસાડે તેવો પ્રેમ અને મિત્રતા બન્ને વચ્ચે પાંગરેલી, ખીલેલી અને અત્યારે તેનું જતન, જાળવણી પણ એટલા જ કાળજીથી થઈ રહ્યા છે. જો કે તેનું એક કારણ એ પણ હતું કે બન્નેની અસીમ નિકટતામાં પણ એક પ્રકારનું અકળ અંતર જળવાઈ રહ્યું. બન્ને જરૂર વગર એકબીજાની જીંદગીમાં દખલ કરતાં નહીં અને એ કારણે જ એકબીજા પ્રત્યેની પ્રમાણિકતા પણ તેની પરાકાષ્ઠાએ રહી. ભૂમિ એક ખાનગી શાળામાં શિક્ષિકા અને અમિત ફાર્મા કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર. બન્નેની સાધારણ કરતાં થોડી વધુ કમાણી એટલે પુત્રી સંસ્કૃતિ સહિત ત્રણેય જણનો પરિવાર સુખી જીવન ગાળી રહ્યો છે. જે પ્રકારે તેમનાં જીવનનો પ્રવાહ આગળ વધી રહ્યો હતો એ જોતા તેમાં કોઈ મોટી ઉથલ-પાથલની સંભાવના કે અવકાશ નથી.

અમિતનાં મમ્મીનું અવસાન થયા પછી ઘરનાં કામ અને જાળવણીની વ્યવસ્થા સાચવવા માટે એક કામવાળા બહેન બન્નેએ રાખેલા અને એ સવિતાબેન આજે તેમના પરિવારમાં એક સભ્ય સમાન બની ગયા છે. દિકરી સંસ્કૃતિને સાચવવાની કોઈપણ પ્રકારની ઉપાધી આ દંપતિને રહી નથી. બન્ને બેફિકર થઈને પોતપોતાની નોકરી ઉપર ધ્યાન આપી શકે છે. રોજ સવારે અગ્યારેક વાગ્યા આસપાસ બન્ને સાથે કારમાં નીકળતાં અને અમિત ભૂમિને તેની સ્કૂલે ઉતારીને પોતાની નોકરીએ જતો રહેતો, સાંજે વળતાં બન્ને સાથે જ ઘેર જતાં.

રોજની માફક આજે પણ બન્ને સાથે નોકરી ઉપર જવા માટે નીકળ્યા. રસ્તામાં હંમેશની માફક બન્ને વચ્ચે મજાક મસ્તીની વાતો ચાલતી હતી. ઉતાવળમાં આજે ભૂમિ બરાબર તૈયાર થઈ નથી એટલે અમિતને તેની ઠેકડી ઉડાડવાની તક મળી ગઈ. જે તેણે બરાબર ઝડપી લીધી.

'હવે તારામાં કોઈ કસ રહ્યો નથી... તારી ઉંમર દેખાવા લાગી છે. માસી થઈ ગઈ... માસી, હવે તું...' કાર ચલાવતા ચલાવતા સામાન્ય રીતે સ્ત્રીને નાપસંદ પડે તેવી આ મજાક ઉડાવતા અમિતે મોટેથી હંસવાનું ચાલું કર્યુ.

ભૂમિ પણ મોં વાકુ કરીને જરાય પાછી ન પડી, 'તો તારા સામે ય જોવા વાળું ક્યા કોઈ છે? તને યાદ છે ને હંમણા ગયા રવિવારે જ ગાર્ડનમાં તું જેની સામે જોતો હતો એ છોકરીએ જ તને અંકલ કહીને સમય પુછ્યો હતો.' કટાક્ષમાં ભૂમિ પણ એટલું જ મોટેથી હંસી. તે આગળ બોલી, 'આજ તો હું બરાબર રેડી નથી થઈ, બાકી હજી ય કોલેજમાં જઉ તો કોઈ કહે નહીં કે હું કોલેજીયન નથી. આજે ય ધારું તો લાઈન લાગે... આ તો મારી સારપ છે કે તારા સીવાય હું વિચારતી નથી. અધરવાઈઝ તારે દેવદાસ થવાનો વારો આવે...' ભૂમિની વાત ચાલતી હતી ત્યાં જ એક ટ્રાફિક સિગ્નલ આવ્યું અને અમિતને કાર થોભાવવી પડી. કાર ઉભી રહેતા બન્ને વચ્ચેની વાતને પણ થોડીવાર બ્રેક લાગી.

'યાર... ગજબ છે. રોજ રસ્તામાં આવતાં આ ચાર સિગ્નલ જો આપણને નડે નહીં તો કમસેકમ પંદર મિનિટ આપણે વહેલા પહોંચી શકીએ ઓફિસે. નહીં ?!' અમિતને રોજની જેમ આજે પણ સિગ્નલ ઉપર ઉભા રહેવાની અકળામણ થતી હતી. ભૂમિ પણ તેની સામે હકારમાં માથું હલાવીને આમ-તેમ નજર કરતી હતી. બન્ને થોડીવાર માટે મૌન થઈ ગયા એટલે કારમાં શાંતિ પ્રસરી ગઈ. કાચ બંધ હોવાના કારણે બહારનાં હોર્નનાં ઘોંઘાટ પણ મંદ-મંદ સંભળાતા હતાં. આ શાંતિ કાચ ઉપર એક જોરદાર ધડાકા સાથે ચીરાઈ ગઈ. ભૂમિ તો ભડકી જ ગઈ અને અમિત પણ બે ઘડી ઉશ્કેરાઈ ગયો.

એક લાંબા વિખરાયેલા ધૂળિયા વાળ, વિખરાયેલી લાંબી દાઢી, ઉંડી ઉતરી ગયેલી લાલ આંખો, કાળો અને નિસ્તેજ પડી ગયેલી ડાઘાવાળો ચહેરો અને ફાટેલા-તૂટેલા કપડામાં એક ભિખારી હથેળીથી કારનાં દરવાજે કાચ ઉપર ધબ્બા મારતો હતો. ઉશ્કેરાયેલી ભૂમિએ કાચ થોડો ઉતારતા મોટેથી બૂમ મારી... 'શું છે એય... આ કંઈ રીત છે માગવાની.' અમિતે પોતાનો ગુસ્સો દબાવતા પોતાના ઉપરનાં ખિસ્સામાંથી એક સિક્કો કાઢતા કહ્યું, 'આપી દે એને... શું તું પણ જેની તેની સાથે આમ જીભાજોડી કરવા લાગે છે?'

'હું કંઈ માગવા આવ્યો છું? મેં કંઈ માગ્યું? હી...હી...હી...' ગડબડીયા અવાજમાં આવેલા એ ભિખારીનાં આ શબ્દો સાંભળીને ભૂમિનો દિમાગ ફાટ્યો. 'તો ? આ કાચ ઉપર ધબ્બા શાને માર્યા... ચાલ ચાલતી પકડ નહીંતર બહાર ઉતરીને ફટકારીશ.' એ ભિખારી તેની સામે જોઈને ફરીથી હી...હી...હી... કરતાં હસ્યો. ખભ્ભે લટકાડેલા પોતાના ગંદા થેલામાંથી તેણે એક ગુલાબ કાઢ્યું અને કારનાં અડધા ઉતરેલા કાચમાંથી તે ફુલ અંદર સરકાવ્યું. ભૂમિએ અમિતના હાથમાંથી સિક્કો લેતા તેને આપવા હાથ લંબાવ્યો અને બોલી, 'આલે... અમારે ફુલ નથી લેવું. પૈસા લેતો જા.'

'હું કંઈ ફૂલ વેંચવા આવ્યો છું? કેવા માણસો છે ? માણસનો ઓળખવાની પણ ભાન નથી. હી...હી...હી...' ફરીથી આટલું બોલીને એ લઘરવઘર માણસ હસ્યો, અમિતે ભૂમિને ધીમેથી આંખનો ઈશારો કરતાં કહ્યું, 'ગાંડો લાગે છે...'

અમિતના શબ્દો સાંભળીને એ પાગલ ગુસ્સે ભરાયો, 'આ લે... આ ફૂલ લેતી જા. તને ગમશે? મને પાગલ કહે છે... હટ !' એ માણસ ફૂલ કારમાં ભૂમિના હાથમાં પકડાવીને ચાલતો થઈ ગયો. ભૂમિ અને અમિત થોડીવાર તેની સામે જ જોતા રહી ગયા. બન્નેનાં આશ્ચર્યનો ત્યારે પાર ન રહ્યો જ્યારે તેમની આગળની કારમાંથી આપવામાં આવેલી ભીખ તેણે હાથ લંબાવીને તરત જ લઈ લીધી.

'કેવા ગાંડા ભર્યા છે દુનિયામાં ? અહીં ફૂલ આપીને જતો રહ્યો અને આગલી કારમાંથી પૈસા લીધા. બોલ...' આટલું બકીને ભૂમિ હજી તેની સામે જ જોતી હતી. જો કે ભૂમિને ગુલાબનું ફુલ ખુબ જ ગમતું એટલે તે હાથમાં તેને ફેરવવા લાગી.

અમિતને એ પાગલ ગયા પછી ટીખળ સુજી અને બોલ્યો, 'સાચ્ચે... તું અને કોલેજીયન? તારો ક્લાસ જો... હવે તો ગાંડા હોય એ તારા પાછળ લટ્ટુ થાય. વાહ... ફુલ પણ આપે' અમિતના શબ્દો સાંભળીને છણકો કરતાં ભૂમિએ કહ્યું 'ચાલ હવે કાર ચલાવવામાં ધ્યાન આપ તો સારું....સાઈડ ખુલી ગઈ છે.' આવેલો એ પાગલ ભીડમાં ક્યાક અદ્રશ્ય બની ગયો હતો અને અમિતે કાર હંકારી દીધી.

આ ઘટના બન્યા પછી આશ્ચર્યજનક રીતે જાણે ક્રમ બની ગયો હોય તેમ એ સિગ્નલ ઉપર આવીને કાર અટકતી અને તે પાગલ સીધો તેમની પાસે દોડી આવતો. રોજેરોજ તે કાચ ખોલાવીને કંઈકને કંઈક બકબક કરી જતો અને એકાદી નાનકડી વસ્તુ ભૂમિને પકડાવી જતો રહેતો. ચોકલેટ, હેરપીન, બંગડી, ચાંદલાનું પેકેટ, લીપસ્ટીક, ગ્રીટિંગ કાર્ડ સહિતની ઘણી ચીજોથી હવે તો કારનાં ડેશબોર્ડનું ડ્રોઅર ભરાવા લાગ્યું હતું. અજાણતા જ ભૂમિએ તે પાગલ પાસેથી મળેલી એકેય વસ્તુ બહાર ફેંકી નહોતી. આસપાસની બધી જ કારમાંથી તે ભીખ માગતો પણ અમિત અને ભૂમિની કારમાંથી તેણે ક્યારેય એકેય પૈસો લીધો નહીં. હવે તો અમિત રોજ ભૂમિની ઠેકડી ઉડાવવા એ પાગલ આવતો એટલે કહેતો 'જો આવી ગયો તારો પ્રેમી' ભૂમિને અમિતની એ વાત જરાય ગમતી નહીં અને તે રોજ આવા શબ્દો સામે પોતાની નારાજગી હળવાશમાં વ્યક્ત કરી દેતી.

રોજના ક્રમ પછી એક અજ્ઞાત આત્મીયતા બન્નેને એ પાગલ સાથે બંધાવા લાગી. હવે દયાભાવથી અમિત અને ભૂમિ તે ગાંડાનું મન રાખવા માટે રોજ તે જે કંઈપણ વસ્તુ આપતા એ હંસતા ચહેરે સ્વીકારી લેવા લાગ્યા હતાં.

એક દિવસ ઓફિસનાં કામથી અમિત બહાર ગામ હતો. ભૂમિએ એકલીને ઓફિસ જવાનું હતું. એટલે તે કારને બદલે આજે સ્કૂટર લઈને નીકળી. રોજ જે સિગ્નલ પાસે પેલો ગાંડો મળતો હતો એ સિગ્નલ નજીક આવતાં ભૂમિને સળવળાટ અને રોમાંચ થવા લાગેલો. થોડો ભય પણ હતો કે આજે પોતે એકલી છે અને તે ગાંડો આજે ક્યાક તેની સાથે કંઈ અજૂગતી હરકત ન કરી નાખે. જો કે સિગ્નલ નજીક આવતાં જ ભૂમિને કંશુક અશુભ બન્યાનો ફફડાટ પેઠો. સિગ્નલ પાસે જ લોકો ટોળે વળ્યા હતાં. ટ્રાફિકજામમાં નાછૂટકે તેણે પોતાનુ સ્કુટર ઉભું રાખ્યું અને આસપાસનાં લોકોનાં ગણગણાટમાં તેને સંભળાઈ ગયું કે એક ભિખારીને ટક્કર મારીને કોઈ વાહનચાલક ત્યાંથી નાસી ગયો છે. વળી, કોઈએ એવું પણ કહેલું સંભળાયું કે એ ભીખારી તો મરી ગયો. ભૂમિથી રહેવાયું નહીં અને તે સ્કૂટરનું સ્ટેન્ડ ચડાવીને ફટાફટ ભીડ ચીરતી ટોળાની વચ્ચે પહોંચી. તેની આંખો પહોળી થઈ ગઈ. તેને રોજ કોઈને કોઈ ભેટ આપનાર એ પાગલની લોહીથી લથબથ લાશ પડી હતી. ભૂમિની સ્હેજ સૂગ ભરી નજર તેના મૃતદેહની આસપાસ ફરી વળી. એ પાગલનાં થેલામાંથી ઘણી બધી ચીજો ત્યાં વિખરાઈને ત્યાં પડી હતી. જેના ઉપર દ્રષ્ટિ પડતાં જ ભૂમિને ટોળાનાં દેકારા વચ્ચે પણ કાનમાં સૂનકાર છવાઈ ગયો. તેની આંખો ચકળવકળ થઈ. એક ફોટો જોઈને તે સ્તબ્ધ રહી ગઈ હતી. એ ફોટો ભૂમિનો પોતાનો અને તેના નાનપણનાં અંગત મિત્ર આકાશનો હતો. અપાર અચરજ સાથે ભૂમિ વ્યાકુળ બની અને ત્યાં પડેલી ચીજો તેણે એકઠી કરતાં એ પાગલનો થેલો ફંફોળ્યો. ભૂમિ અને તેના મિત્ર આકાશની અનેક યાદગીરીઓ તેમાંથી નીકળી. ભૂમિનું અચરજ હવે તેના પેટમાં ફાળ પાડી ગયું હતું. કેટલાંક જૂના કાગળીયા પણ તેમાં હતાં. એમાં ઉડતી નજર કરતાં જ ભૂમિને ખ્યાલ આવ્યો કે તેને સંબોધીને જ ઘણી બધી વાતો તેમાં લખાયેલી હતી. ભૂમિનું હૃદય દ્રવી ઉઠ્યું, વિચિત્ર ભાવોનાં ઘોડાપૂર વચ્ચે ઓચિંતા ઝબકારો પણ થયો કે આકાશ કદાચ એકતરફી પ્રેમમાં હતો. તે જેને ભૂલી ગઈ હતી એ આકાશનો ચહેરો યાદ કરવાનો પ્રયાસ કરવા લાગી અને સામે પડેલી લાશનાં ચહેરા ઉપર તેણે નજર કરી તો તેમાં આકાશના અણસાર તેને દેખાયા. ભૂમિની આંખમાં અજાણતા જ ઝળઝળીયા આવ્યા....