અંતે બાપા ગયા .....
નનામી સાથે મુશ્કેટાટ બાંધેલા સેવંતીલાલની અર્ધખુલ્લા મોઢાવાળી લાશ ઘરના મેઈનહોલની વચ્ચોવચ પડી હતી. આમપણ જોનીના ઘરમાં મરણનો આ પહેલો પ્રસંગ હતો. જોની એટલે જનાર્દનરામ પણ એમ ની પત્ની સેવી એને લાડમાં જોની જ કહે. હવે આ સેવી એટલે સવિતા. પણ USની એકમાત્ર ટ્રીપે જનાર્દનનું જોની અને સવિતાનું સેવી કરી નાખેલું.
ઘરમાં બાઘાની જેમ આંટાફેરા મારતા જોનીને નેકસ્ટ ઈઝ વોટ? વાળી ફિલિંગ ઘડીએઘડીએ ઉભરાઈ આવતી હતી. ત્યાં લાશની આજુબાજુ ટોળે વળેલા વડીલોમાંથી એક શાણા અનુભવી વડીલે કહ્યું કે સેવંતીલાલના મોઢામાં ‘તુલસી’ મુકો. અબઘડીએ લઇ આવું કહીને જોનીએ ઘરની બહાર રીતસરની દોટ મૂકી. થોડીવાર પછી પાછા આવેલા જોનીએ હાંફતા હાંફતા ઘરમાં આવી સીધાજ લાશના મોઢામાં એક નાના પાઉચને તોડીને કશુક પધરાવી દીધું. અનુભવી વડીલે પૂછ્યું કે આ શું? જોનીએ કીધું કે તુલસી ના મળી એટલે બાપુજીને ‘માણેકચંદ’ ખવડાવી. અને આમપણ બાપુજી ઉંચે લોગ ઉંચી પસંદની ફિલોસોફીના માણસ હતા. વડીલે કપાળ કુટી ઘરના કમ્પાઉન્ડમાં આશરો લીધો.
લાશને ઘરની બહાર કાઢી હળવેકથી રામધુન સાથેના શાંતીરથમાં ગોઠવી સૌએ સ્મશાન તરફ પ્રયાણ કર્યું.સ્મશાનમાં ચિતા પર લાકડા ગોઠવાઈ ગયા અને બીજી બાજુ આવેલા ડાઘુઓએ પોતપોતાની અનુકુળતા મુજબના માણસો સાથે ખૂણે ખૂણે ગોઠવાઈ ગયા, લાશને અગ્નિદાહ દઈ જોની પણ પોતાના ઓળખીતાઓ સાથે સ્મશાનના એક ખુણામાં વર્તુળ રચી બેસી ગયો. ઘણા મોબાઈલમાં કેન્ડીક્રશ તો ઘણા સોશીઅલ મીડિયામાં સેલ્ફી વિથ ડેડબોડી અપલોડ કરવામાં વ્યસ્ત થઇ ગયા. ડાઘુઓના વર્તુળમાં ભારતે જાણે પોતાનો પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ લોન્ચ કર્યો હોય એમ જોનીએ અચાનક પોતાની દીકરી કેવીના કેનેડા ત્થિત મંગેતર અને પોતાના ભાવી જમાઈને વર્તુળની વચ્ચોવચ લોન્ચ કર્યો! ભાવી જમાઈએ પણ વર્તુળના પરિઘમાં પ્રવેશી પોતાનો કામકાજી વિસ્તૃત અહેવાલ આપી ડાઘુઓ સાથેના નાનકડા ગેટટુગેધરના અંતે વર્તુળનો વ્યાસ વધારતી પોતાની બેઠક લીધી.
આ બાજુ મંથર ગતીએ ચિતામાં બળી રહેલા બાપાનો ઝટ નિવેડો આવે ણે ઘરભેગા થઈએ એવી લાગણીમાં આકુળવ્યાકુળ થતા ભૂખ્યા ડાઘુઓ આખા સ્મશાનમાં આંટાફેરા ને આશીર્વાદ કરી રહ્યા હતા.
લાંબા સમયની બીમારી, વધુ પડતી દવા અને ‘દારૂ’ના કારણે દેદબોડીમાં પાણીનો ભરવો વધુ થઇ ગયો હતો. જેના કારણે લાશ ધીમી ગતિએ બળી રહી હતી. એવામાં મોદીસાહેબની વિદેશયાત્રાઓ કરતા પણ વધારે સ્મશાનયાત્રાઓમાં પાર્ટીશીપેટ કરી ચુકેલા એક અનુભવી વડીલ ડાઘુએ જોનીને લાશને ઝટ બાળવાના ઉપાયરૂપે ‘ખાંડ નાખવાની સલાહ આપી’. જોની પ્રયોગ માટે તૈયાર તો થઇ ગયો પણ એને અચાનક યાદ આવ્યું કે બાપાને તો ડાયાબીટીસ હતો એટલે એનું મન થોડ્ડું કચવાણું તો બાજુમાં ઉભેલા એક યુવાન ડાઘુએ ‘સુગરફ્રી ટેબ્લેટસ’નો ઓપ્શન પણ રજુ કર્યો. વારંવાર જેલયાત્રાઓ કરી ચુકેલા એક તોફાની તત્વ જેવા ડાઘુએ ચિતામાં સાયકલ કે સ્કુટરનું ટાયર નાખી જોવાની વાત કહી વચ્ચે મમરો મુક્યો. જોનીને એ આઈડિયા પસંદ આવ્યો ને બાપની ચિતામાં સાયકલના ટાયરની પધરામણી થઇ પણ બાપના જીદ્દી સ્વભાવના કારણે એ આઈડિયા કોંગ્રેસની જેમ ધોવાઇ ગયો. આ બધી કડાકૂટના અંતે ખાસા એવા સમય બાદ પોણા ભાગના બાપા બળી ચુક્યા હતા અને જે થોડાઘણા અવશેષો બળવાના બાકી હતા એને એક પૂર્વ પોલીસ અધિકારી અને લાઠીચાર્જ નિષ્ણાત ડાઘુએ એક લાંબા ડંડાના સહારે બાપના અવશેષોને ચિતામાં ઠુસી ઠુસીને બળવા માટે મજબુર કર્યા.
સાડા ચાર પાંચ કલાકની જહેમત, કેન્ડીક્રશના કેટલાય લેવલો, ફેસબુક ટ્વીટરની અસંખ્ય પોસ્ટ્સ, વોટ્સ એપ-ઈન્સ્ટાગ્રામના અસહ્ય અપલોડસ અને સેક્સથી માંડી સેનસેક્સ સુધીની ચર્ચાઓનો અંત આણી બાપની અસ્થીઓ લઇ આગળ જોની અને પાછળ ડાઘુઓનો કાફલો ઘર તરફ રવાના થયો.
..........ને અંતે બાપા ગયા.........
-કૃણાલ દરજી.