Law Pandit - Part-1 in Gujarati Women Focused by Shloka Pandit books and stories PDF | Law Pandit - Part-1

Featured Books
Categories
Share

Law Pandit - Part-1


લૉ પડિતઃ ભાગ – ૧
શ્ર્લોકા પડિતઃ shlokapandit@gmail.com

અનુક્રમણીકાઃ
૧ ‘મા’નું વસીયતનામું.
૨ શુધ્ધ ગંગા
૩ લગ્નભંગ પછી શું?
૪ અનામત અને લૉ
૫ ધ્વનિ દુષણ

પ્રસ્તાવનાઃ

આધૂનિક યુગમાં સાહિત્ય સર્જક અને વાંચકનો સમન્વય એન્ડ્રોઈડ ફોન કે આઈફોન દ્વારા થયો હોય એવી એપ્લીકેશન ‘ગુજરાતી પ્રાઈડ’ અને ‘માતૃભારતી’ થકી જોવા મળ્યો છે. એક મંચ જ્યાં શાબ્દિક વાચા અપાઈ છે ત્યાં સખીઓનાં માનીતા માસિક સામાયિક ‘હેલ્લો સખીરી’માં લખતાં લેખિકા શ્ર્લોકા પંડિતની નિયમિત કટારમાં આવરી લેવાયેલ લેખમાળા ‘લૉ પંડિત’ ભાગ – ૧ ઈબુક સ્વરુપે અહીં પ્રકાશિત કરતાં આનંદ થાય છે.

અહીં કાયદાકીય માહિતી ખૂબ જ સહજ રીતે સામાન્ય જીવન જીવનાર અને વધારે કાનૂની કાવાદાવાની જાણ ન હોય એવી સખીઓ પણ વિવિધ વિષયોની વિસ્તૃત છતાંય વાર્તા કે પ્રસંગ અનુરુપ વાંચન વહેણ જળવાય એવી લઢણથી લખેલ છે. જેનાં માટે લેખિકા શ્ર્લોકા પંડિત ધન્યવાદને પાત્ર છે.

  • કુંજલ પ્રદિપ છાયા
    સંપાદકઃ હેલ્લો સખીરી

  • ૧) ‘મા’નું વસિયતનામું

    નિશા વેકેશનમાં અમદાવાદથી તેના અરુણામાસીનાં ઘરે રોકાવા ગઈ. તેને અને માસીને ઘણાં સારા બહેનપણાં હતા. બંને એકબીજાને પોતપોતાની તકલીફો કહી શકતા. અરુણામાસીની તકલીફ એવી હતી કે તે ૬૦ વર્ષનાં થયા હતા. માસા હજુ ૨ વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા અને હવે તેમના બે દિકરાઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને અણબનાવ રહેતો હતો. તેણે પોતાની ભાણીને આ તકલીફ કહી. નિશાએ કહ્યું કે માસી આ તકલીફનો એક જ ઉપાય છે અને એ છે વસિયતનામું. તમે પોતે જ નક્કી કરો કે તમારે કોને શું આપવું છે, તમે બંને દીકરાઓને પણ આપી શકશો અને આ ઉપરાંત દિકરીને પણ તમારી ઈચ્છા પ્રમાણે તમારા મૃત્યુ બાદ મળશે જે તમે આપવા ઈચ્છો છો તે. માસી એક સ્ત્રી તરીકે હવે આપણે પણ આ બાબત પ્રત્યે જાગરુતતા રાખવી જરૂરી છે. અરુણામાસી કહે કે, “હે નિશા આં વસિયતનામું હું કેવી રીતે બનાવડાવી શકું?” નિશાએ માસીને સમજાવ્યા કે, “માસી વસિયતનામું કોઈ પણ વ્યક્તિ બનાવડાવી શકે અને એ ખુબ જ જરૂરી પણ છે. જુઓ હું તમને વસિયતનામું કેવી રીતે બનાવડાવી શકાય તેની સાદી સમજ આપું.”

    કોઈ વ્યક્તિએ મૃત્યુ પહેલાં જો કોઈ વસિયત લખી હોય તો મિલકતની વહેંચણી તેની ઈચ્છા પ્રમાણે કરવી પડે. જો કોઈ વ્યકિતએ વસિયતનામું ન કર્યું હોય તો તેની સંપતિની વહેચણી કાયદા અન્વયે થશે પણ દરેક વ્યક્તિએ પોતાનું વસિયતનામું જરૂર લખવું જોઈએ. વસિયતમાં ફેરફાર પણ કરી શકાય કે તથા તેને રદ્દ પણ કરી શકાય છે. અરૂણામાસી એ નિશાને પૂછ્યું કે, “વસીયાતાનામાના મહત્વનાં મુદ્દા શું?” એટલે નિશા એ કહ્યું કે જુઓ માસી વસિયત બનાવવાના માટેનાં મહત્વનાં મુદ્દા આ પ્રમાણે છે:

    ૧ જે વ્યક્તિ તંદુરસ્ત મગજની અને પુખ્ત એટલે કે 18 વર્ષથી વધુની હોય તે વસિયતનામું બનાવી શકે.

    ૨ વસિયતનામું લખવા માટે કોઈ પણ સ્ટેમ્પ પેપરની જરૂર હોતી નથી તથા વસિયતનામું સાદી ભાષા માં પણ લખાવી શકાય તે કાયદાકીય ભાષામાં હોવું જરૂરી નથી પરંતુ તેમાં ઈરાદો સ્પષ્ટ હોવો જોઇયે કે સંપતિની વહેચણી કેવી રીતે કરવી છે.

    ૩ તેની કાયદેસરતા માટે તેને રજિસ્ટર્ડ કરાવવાની પણ જરૂર હોતી નથી, તેમ છતાં રજીસ્ટ્રેશન કરાવવાથી ભવિષ્યમાં થતી તકલીફોને નિવારી શકાય છે.

    ૪ જે વ્યક્તિનું વસિયતનામું હોય તેણે તેના ઉપર હસ્તાક્ષર કરવાના હોય છે. જેમાં બે સાક્ષીની સહી કરાવાની હોય છે. તેનાથી એ નક્કી થાય છે કે વસીયાતાનામામાં કરવામાં આવેલા હસ્તાક્ષર વસિયતનામું કરનાર વ્યક્તિના છે.

    ૫ જો કોઈ સંપત્તિની બાબતે એકથી વધુ વખત વસિયતનામું લખ્યું હોય તો સૌથી છેલ્લે જે વસિયતનામું લખાયું હોય તેને માન્ય ગણાશે. જો વસિયતનામું કે તેનો કોઈ ભાગ જેમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું જણાય તો તેને નિરર્થક માની લેવાય છે.

    ૬ વસિયતનામું શરત સાથેનું પણ હોઈ શકે છે. જે વ્યક્તિના નામ પર વસિયત લખવામાં આવી છે, જો લખાનારા કરતાં પણ પહેલાં મૃત્યુ પામે છે તો વસિયતનામું રદ્દ થઈ જશે. આથી એવું માનવામાં આવે છે કે એકને બદલે બે વસિયતનામા કરવામાં આવે.

    ૭ વસિયતનામામાં કઈ વધારો ઘટાડો પણ કરી શકાય છે જેમાં કોડસિલ અથવા કોડ્પત્ર દ્વારા સુધારા વધારા કરી શકાય છે.

    ૮ બે કે બેથી વધુ લોકો પણ સંયુક્ત વસિયતનામું લખાવી શકે છે. જો વસિયતનામું સંયુક્ત છે અને જો લખનારા બંનેના મૃત્યુ બાદ અસરકારક થવાનું છે તો તેના પ્રમાણપત્રને કોઈ પણ એક સભ્યના જીવતા રહેવા સુધી સોંપી શકાય નહીં. બંનેમાંથી કોઈ એકે લખેલું વસિયતનામું રદ્દ કરી શકાતું નથી.

    ૯ વસિયતનામું લખાવનાર એક એક્ઝીક્યુટરની નિમણૂક કરી શકે છે તે પ્રમાણે વસીયાતાનામામાં લખેલા લેણા - દેણાનો વહીવટ પણ એક્ઝીક્યુટર / એડમિનિસ્ટ્રેટર કરશે. તથા વ્યક્તિનાં મૃત્યુ બાદની વહેચણી આ એક્ઝીક્યુટર દ્વારા કરવામાં આવશે. જો વસિયતમામાં એક્ઝીક્યુટરનું નામ ન હોય તો કોર્ટ દ્વારા એક્ઝીક્યુટર નીમવામાં આવશે.

    ૧૦ પ્રોબેટ (વસિયતનામાની સર્ટિફાઈડ કોપી) વસિયતનો પુરાવો હોય છે. પ્રોબેટની અરજી કોર્ટમાં કરવામાં આવે છે અને કોઈ પણ સંબંધીનો વાંધો હોય તો તે પ્રોબેટમાં વાંધા નાખીને પ્રોબેટને એક્ઝીક્યુટ કરતા અટકાવી શકે છે. વસિયતનામું લખાવનારાનું મૃત્યુ થતાં વસિયતનામાંનાં એક્ઝીક્યુટર કે કોઈ ઉત્તરાધિકારી પ્રોબેટની માગ કરી શકે છે. પ્રોબેટ વસિયનામાની પ્રામાણિક્તા સાબિત કરે છે. વસિયતનામું બનાવવામા ફક્ત એટલું જ ધ્યાન રાખવું પડે કે દરેક સંપતિ નો ઉલ્લેખ આવી જાય.

    આમ વસિયતનામાંથી વ્યક્તિ પોતાની મરજી હોય તે પ્રમાણે પોતાની સંપતિની વહેચણી કરી શકે છે માસી. નિશાની વાત સાંભળીને અરુણામાસી એ પણ નક્કી કર્યું કે વહેલી તકે વસિયતનામું બનાવડાવી લેવું અને તેનું રજીસ્ટ્રેશન કરાવડાવી લેવું જેથી તેમના મૃત્યુ બાદ તેમના સંતાનો વચ્ચે સંપતિ વિવાદનાં લીધે સંબંધ ન બગડે અને અરુણામાસીની તકલીફનો પણ અંત આવી ગયો.

    ૨) શુધ્ધ ગાંગાઃ

    બળબળતા ઉનાળાની સવારે દસ વાગ્યાની હરિદ્વારની ટ્રેનમાં સાધનાબેન અને સુરેશભાઈ અમદાવાદથી બેઠાં. હરીનાં દ્વાર એટલે કે હરિદ્વાર જવાનો ઉત્સાહ જ કઈક અનેરો હતો, વર્ષોથી બંનેનું સપનું હતું કે નિવૃતી બાદ સૌથી પહેલા હરિદ્વાર જવું અને મન-તન પવિત્ર કરવું.

    હરિદ્વાર પહોચતા જ બંનેનાં મનમાં વર્ષોનું મનોરથ પૂર્ણ થયાનો આનંદ દેખાતો હતો. નક્કી કર્યા મુજબ સૌ પ્રથમ સાંજની ગંગા આરતી માણવા ઘાટ પર પહોંચી ફૂલોની ટોકરી અને દિવડા બધા લેતા હતા એ પ્રમાણે લીધા અને આરતીને મન ભરીને માણી! ઝગમગતા દિવડા ગંગા નદીમાં તરતા જોઈ જાણે અલગ જ દુનિયામાં પહોચી ગયા. આગળ પગપાળા ચાલતાં ગંદકી જોઈને સાધનાબેનના ગુસ્સાનો પાર ન રહ્યો. અધૂરામાં પુરૂ જ્યાં જુઓ ત્યાં બધે જ ગંદકી, વેફર-બિસ્કિટનાં પેકેટ, સોડાની ખાલી બોટલો, ડિસ્પોઝેબલ ચાનાં કપ, ડીસ, વાટકી, ચમચી, ગ્લાસ આવી અનેક વસ્તુઓ વેરાયેલ જોઈને બંન્ને હેબતાઈ ગયા! જે જગ્યાએ પવિત્રતાનાં ગાણા ગવાય છે ત્યાં આવી ગંદકી? સાધનાબેન કે જે પોતે એન્વાયરમેન્ટ ડીપાર્ટમેનમાં ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે તેમણે ગંગા શુદ્ધિકરણ વિષેનાં અનેક પ્રોજેક્ટ વિષે વાચેલું પણ હાલત આટલી ખરાબ છે તેની તો કલ્પના પણ નહોતી તેમને!

    બીજા દિવસે રિષિકેશ તથા અન્ય જગ્યાઓ જોવા માટે ટેક્ષી કરીને નીકળ્યા. વચ્ચે અનેક સુંદર ઘાટ આવતા હતા. હરિદ્વાર-રિષિકેશની સુંદરતા વાતાવરણ પવિત્ર કરી રહી હતી. કઈંક અલગ મળી રહ્યું હતું કુદરત પાસેથી. ત્યાં જ એક ચોખ્ખો ઘાટ આવતા ટેક્ષી રોકીને ઉતર્યા, કેટલી નિર્મળતા, કેટલી ઠંડક હતી આ પાણીમાં! તનમન તરબતર થઈ રહ્યું હતું. બસ આ અલૌકિક જગ્યા છોડીને જવું જ નથી! આ આહ્લાદક વાતાવરણ સાથે જાણે પ્રેમ થઇ ગયો! બીજા સ્થળો પણ જોવાના હતા તેથી ટેક્ષીમાં બેસીને ફરીથી નીકળી પડ્યા. શહેરોની ગીચ વસ્તી અને વાહનોનાં શોરની સરખામણીએ બારી બહારનું દ્રશ્ય સૌમ્ય લાગતું હતું. સાધનાબેનનાં મનમાં ગંદકી અને પર્યાવરણના જતન વિષેનાં વિચારો શરુ થયા. સુરેશભાઈ સાથે તેમણે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી. સાધનાબેને સુરેશભાઈને કહ્યું, “નદીની પવિત્રતા વિષે આપણા શાસ્ત્રોએ ઘણુંબધું કહ્યું છે; એ પ્રમાણે માન્યતાઓને અનુસરીએ પણ ખરા. ઘરની ચોખ્ખાઈ રાખીએ છીએ તેમ પર્યાવરણની જાળવણી કરવી આપણી ફરજ નથી? જ્યાં જઈએ ત્યાં આપણો કચરો તો આપણે ઉપાડતા જ નથી. કાયદાનાં જાણકાર એવા સાધના બહેને ઉમેર્યું, “એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એકટ-૧૯૮૬ અંતર્ગત પર્યાવરણની જાણવણી માટે અનેક પ્રોજેક્ટ બહાર પડ્યા છે. ગંગા શુદ્ધિકરણ માટે ૧૯૮૬ થી પ્રોજેક્ટ ચાલે છે. ગંગા એક્શન પ્લાનથી શરૂઆત થઇ છે અને હાલમાં ‘નમામી ગંગે’ તથા ‘ગંગા મંથન’ પ્રોજેક્ટ ચાલે છે. વિશ્વમાં ગંગાને પ્રદુષિત નદીઓમાં છઠ્ઠો ક્રમ આપવામાં આવ્યો છે.”

    શાંતિથી સાંભળી રહેલા સુરેશભાઈએ પૂછ્યું, “આ પ્રદુષણ ફક્ત અહીં આવતા લોકો દ્વારા જ થતું હશે? સાધનાબેન એ જવાબ આપ્યો કે ના. અહીં આવતા લોકો, નદી કિનારે વસતા લોકો કે જેઓ પોતાનું રોજિંદુ કામ નદી દ્વારા જ કરે છે જેમ કે, નહાવું, વાસણ-કપડા ધોવા, પોતાના પ્રાણીઓને નવડાવવા. તેમ જ ગંગાનાં કિનારે આવેલી ફેકટરીઓના કેમિકલ વેસ્ટ દ્વારા પણ પ્રદુષણ વધતું રહે છે. સરકારે National Ganga River Basin Authority (NGRBA) દ્વારા ગંગાનાં શુદ્ધિકરણનો બીડું ઝડપ્યું છે અને તેનાં માટે ફંડ પણ એકઠું થઇ રહ્યું છે. સુરેશભાઈ વચ્ચે જ બોલ્યાઃ “હા. એના માટે તો આપણા પ્રધાનમંત્રીએ તેમનાં સુટની પણ હરાજી કરીને ફંડ એકઠું કર્યું જ ને!” સુરેશભાઈએ સાધનાબેનને પૂછ્યું, “આ તો કેવું કે સરકાર ગંદકી સાફ કરે અને આપણે બધા ગંદકી વધારતા રહીએ છીએ, તો એવું તો શું નક્કર કરી શકાય જેનાથી થોડી તો પર્યાવરણ ની જાળવણી થાય?” સાધનાબેને કહ્યું કે આપણે મોટા પાયે કશું જ ન કરી શકીએ તો પણ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને પણ આપણે પર્યાવરણની મદદ કરીને આપણી પોતાની મદદ કરી શકીએઃ

    બાળકો પાસે ઘરમાં કે બહાર કચરો હંમેશા કચરા ટોપલીમાં જ નાખવો અને મોટાઓએ પણ પાલન કરવું, બને ત્યાં સુધી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, નદી-તળાવમાં નહાતી વખતે સાબુ-શેમ્પુનો ઉપયોગ ટાળવો જેનાથી નદીનાં પાણીમાં કેમિકલ્સ ન જાય. સુરેશભાઈએ કહ્યું, “હા. એમ તો વિવિધ ફેક્ટરી ગામની બહાર ખુલ્લી અને મોટી જગ્યાઓમાં સ્થાપવી જોઈયે જેથી પ્રદુષણની અસર ઓછી થાય, ઈલેક્ટ્રીસીટી તથા પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જેથી પ્રદુષણ ઘટી શકે તથા દરેક વ્યક્તિએ વ્રુક્ષો તથા નાનામોટા છોડ ઉગાડવાનું પ્રમાણ વધારવું જોઈએ જેથી શુદ્ધ હવા મળે.”

    આપણા બંધારણનાં અનુચ્છેદ-૫૧-એ(જી)માં કહેવાયું છેઃ “પર્યાવરણની એટલે કે જંગલ, તળાવ, નદીઓ, વન્યજીવોની જાળવણી તથા સુધારણા કરવી દરેક નાગરિકની ફરજ છે”. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એકટ અંતર્ગત દરેક જાતનાં પ્રદુષણ સામે લડવાની રૂપરેખા આપવામાં આવી છે. એમ.સી.મેહતા વી. કમલનાથનાં કેસમાં સુપ્રીમકોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપીને નેચરલ રીસોર્સીસને નુકશાન પહોંચાડતી વ્યક્તિઓ માટે ‘POLLUTER PAYS PRINCIPAL’ આપ્યો અને મોટા પ્રમાણમાં દંડ કરીને એવું સ્થાપિત કર્યું કે પર્યાવરણને નુકશાન કરનારને ચુકવવું પડશે. નાની બાબતનાં ચિંતનથી આપણે પર્યાવરણની જાળવણી કરી શકીએ છીએ; જે આપણી ફરજ પણ છે. સાધનાબેન તથા સુરેશભાઈએ પર્યાવરણ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી અને જાણવણી અંગેનાં ઉપાયોની ચર્ચા કરતે સુખરુપ યાત્રા કરી.

    ***

    ૩) લગ્નભંગ પછી શું?

    ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં બારી પાસે એષા ગુમસૂમ બેઠી હતી, ઊંડી ઉતરી ગયેલી આંખો, વિખરાયેલા વાળ, શરીર પ્રત્યેની બેફિકરાઈથી તે ઉદાસ લાગતી હતી. તેની મમ્મી પાસે જ બેસેલી હતી તેમણે કહ્યું, “બેટા ચિંતા ન કર, જે થવાનું હતું તે થયું હવે તો સ્થિતિ સામે લડવું જ રહ્યું.”

    એષાનાં લગ્ન ૨ વર્ષ પહેલા મુંબઈ રહેતા રાહુલ સાથે થયા હતા, સારું કુટુંબ જોઈને પરણાવી હતી દિકરીને. સમય જતાં સાસરિયાંનો ત્રાસ વધવા લાગ્યો. અધૂરામાંપુરું રાહુલ પણ શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો એટલે એષાનાં માતા-પિતા તેને લઇ આવ્યાં પાછા અને પછી રાહુલે મુંબઈથી છૂટાછેડા મેળવવા કેસ કર્યો એટલે કાયદાનાં અજ્ઞાન તેવા મા-દિકરી જઈ રહ્યાં હતાં મુંબઈ.

    તે લોકોની વાતચીત સાંભળી રહેલા તેમની જ સામે બેસેલ એક બહેને તેમને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો હું તમારી હકીકત જાણી શકું? મારું નામ ઍડવોકેટ અલકા શાહ છે અને હું એક સ્ત્રી અને એક વકીલ તરીકે કાયદાની બાબતે તમારી મદદ કરી શકું તો મને ખુશી થશે.

    એષાએ તેની હકીકત કહી અને જણાવ્યું કે મેડમ આ બાબતે અમે એકદમ જ અજ્ઞાન છીએ. અલકાબેને કહ્યું કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ ૧૩-અ હેઠળ પતિ અથવા પત્ની બંન્નેમાંથી કોઈ પણ પક્ષકાર છૂટાછેડા મેળવવા અરજી કરી શકે. તે દાખલ કરવા માટેની જગ્યાઓમાં જ્યાં લગ્ન થયા હોય તે સ્થળ, અથવા બંને પક્ષકાર છેલ્લે જ્યાં સાથે રહ્યા હોય તે સ્થળ, અને જો કેસ દાખલ કરનાર પત્ની હોય તો તે જ્યાં રહેતી હોય તે સ્થળેથી દાખલ થઈ શકે.

    એષા એ પૂછ્યું, “મેડમ એવાં કયાં-કયાં કારણોસર છૂટાછેડા મળી શકે? વકિલ સાહેબાએ કહ્યું કે બંન્નેમાંથી કોઈપણ પક્ષકારે વ્યાજબી કારણ વગર પતિ અથવા પત્નીનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય, બંન્નેમાંથી કોઈપણ માનસિક અસ્થિર હોય અથવા કોઈ અસાધ્ય ગુપ્ત રોગથી પીડિત હોય, બંન્નેમાંથી કોઈપણ પક્ષકારને બીજા કોઈ સાથે લગ્નબાહ્ય સંબંધ હોય, કોઈને પણ શારીરિક, માનસિક, સામાજિક ત્રાસ હોય તો છૂટાછેડા મળી શકે. આ ઉપરાંત સ્ત્રીને કેસ ચાલતા દરમિયાન હિંદુ મેરેજ એક્ટની કલમ-૨૪ હેઠળ પતિની આવકનાં ૧/૩ સુધીનું વચગાળાનું ભરણપોષણ તથા કલમ-૧૨૫ પ્રમાણે પત્નીને તથા જો બાળક હોય તો તેને પણ ભરણપોષણ મળી શકે. જો પતિ ભરણપોષણનાં ભરવા માટે દંડ સ્વરૂપે જેલમાં પણ જાય તો પણ ભરણપોષણ તો ભરવું જ પડે, તેનાથી મુક્તિ ન જ મળે! જો સ્ત્રી બીજા શહેરમાં રહેતી હોય તો બિલ રજુ કરવાથી આવવા-જવાનો, રહેવા-જમવાનો ખર્ચ પણ મળી શકે.

    માહિતી જાણ્યા બાદ એષાએ કહ્યું, “પણ જેની આર્થિક સ્થિતિ સારી ન હોય તેનું શું? બીજું એ કે મારે રાહુલને છૂટાછેડા ન આપવા હોય તો?” અલકાબહેને કહ્યું કે તેના માટે જે તે કોર્ટમાં લીગલ એઇડમાં અરજી આપવાની એટલે કોર્ટ તરફથી જ વિનામૂલ્યે વકીલની સહાયતા મળે અને જો તારે છુટ્ટા ન થવું હોય તો આ જ કાયદાની કલમ-૯ હેઠળ લગ્ન જીવનનાં હક્કો પુરા કરવા તથા પુન:સ્થાપન માટે અરજી કરી શકે અને જો બંને પક્ષકારની સહમતિ હોય તો હિન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩-બી હેઠળ સહમતિથી છૂટાછેડાની અરજી કરી શકાય. સામાન્ય રીતે આવા કેસ સમાધાનથી જ પતે છે અને એ જ સમાજ માટે સારું છે!

    લડી-ઝઘડીને વર્ષો બગાડીને પણ જો છુટ્ટું જ પડવાનું હોય તો બેટર એ છે કે સહમતીથી અલગ થઇ જવું. જો બાળક હોય તો તે કોણ રાખે એ પણ બંને સહમતીથી નક્કી કરી શકે અથવા કોર્ટનાં ઓર્ડર પ્રમાણે થાય. સામાન્ય રીતે બાળક નાનું હોય તો તેને માતા પાસે જ રાખવાના ઓર્ડર થતા હોય છે. સિવાય કે બાળકને પિતા પાસે મોકલવા માતાની સહમતી હોય. આમ જો સમાધાન થતું હોય તો સૌથી સરસ અને જો ન થાય એમ હોય તો આપણા કાયદાઓ ઘણું સારું રક્ષણ પણ આપે છે. એટલે એષા તારે ચિંતા કરવાની જરૂર નથી.

    એષા અને તેની મમ્મીને ખુબ જ શાંતિ થઇ અને મન પરથી ભાર હળવો થઈ ગયો તેવું લાગ્યું. આમ, કાયદાથી ડરવાની જરૂર નથી. કાયદો હંમેશા ઢાલ નું કામ કરે છે.

    ***

    ૪) અનામત અને લૉઃ

    અનામત શબ્દ આજકાલ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. લોકો હવે પોતાના અધિકારોને લઇને જાગૃત થતા ગયા છે. પાનના ગલ્લે, દુકાનોમાં, ઓફિસોમાં, રેલ્વે સ્ટેશનોએ અને આવી દરેક જગ્યાએ ‘અનામત’ હોટ ટોપિક છે. ઘણા લોકો પોતાના અધૂરા જ્ઞાનને છલકાવી રહ્યા છે અને પોતાની રીતે પોતાના વિચારો પ્રગટ કરી રહ્યા છે. પણ ખરેખર અનામત એટલે શું? કોને મળી રહ્યું છે અને કોને મળી શકે? બંધારણીય જોગવાઈઓ શું છે?

    ઈ.સ. ૧૯૫૦માં બંધારણનાં ઘડવૈયાઓએ દલિત - આદિવાસીઓ માટેની અનામતની જોગવાઈને દસ વર્ષ માટે મંજુર કરી અને ડો.બાબાસાહેબ આંબેડકરએ સમયમર્યાદાનો આગ્રહ રાખીને કહેલું કે ભારતમાં દલિતો - આદિવાસીઓનો વિકાસ થતા ૨૫ વર્ષ જેવું થશે એટલે સમયાન્તરે જરૂર જણાય તો વધુ મુદત માટે પણ ઠરાવો કરવા. આમ અહીંથી અનામતની શરૂઆત થઇ. ઈ.સ. ૧૯૫૦માં દસ વર્ષની જોગવાઈ હતી તે ઈ.સ. ૧૯૬૦માં જવાહરલાલ નહેરુએ બીજાં 10 વર્ષ માટે લંબાવતો ઠરાવ મૂક્યો. ઈ.સ. ૧૯૭૦માં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ અને 1980માં જનતા પક્ષની સરકારે એ જ પ્રમાણે અમલને આગળ વધાર્યો.

    ભારતીય બંધારણનાં અનુચ્છેદ - ૧૪ તથા ૧૬ અંતર્ગત અનામતની જોગવાઈઓ નક્કી થઇ. બંધારણમાં ત્રણ વર્ગોને અનામતના લાભો મળ્યા છે. અનુસૂચિત જાતી(દલિતો)ને ભેદભાવના આધારે થતા અન્યાય સામે અનામત જ્યારે અનુસૂચિત જનજાતિ ( આદિવાસી)ને જંગલ-પર્વતોમાં વિકાસથી દૂર રહેવાના કારણે અનામત મળે છે. આ બંનેમાં કોઈ ફેરફાર નથી કરી શકતું. પરંતુ આ બે અનામત આપ્યા બાદ બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું કે આ બે પછાતપણા સિવાય અન્ય કોઈ સ્વરૂપનું પછાતપણું હોય તેવું રાજ્યને લાગે તો રાજ્ય તેમને માટે અલગ વ્યવસ્થા કરી શકે. આમાંથી અન્ય પછાત વર્ગનો ઉદભવ થયો અને આ પછાતોમાં સામાજિક-શૈક્ષણિક પછાતોનો સમાવેશ થયો. એક મહત્વનો મુદ્દો એ છે કે બંધારણ આર્થિક પાસાને આધારે સમાનતા આપવાની વાત નથી કરતું પણ સમાન તકોની વાત કરે છે. શરૂઆતમાં ઓ.બી.સી.માં ૮૨ જ્ઞાતિજૂથને સમાવવામાં આવ્યા અને સમયાંતરે આ સંખ્યા ૧૪૬ જ્ઞાતિજૂથ સુધી વિસ્તૃત થઇ છે.

    દરેક રાજ્ય પોતાની સ્થિતિ મુજબ સામાજિક - શૈક્ષણિક પછાતપણું નક્કી કરે પણ આ અનામતની ટકાવારી ૫૦%થી ન વધવી જોઈએ. જેમ કે ગુજરાતમાં એસ.સી.-૮%, એસ.ટી-૧૫% અને ઓ.બી.સી-૨૭% એમ કુલ ૫૦% અનામત ની જોગવાઈ છે. INDRA SAWHNEY ETC V/S UNION OF INDIA AND OTHERS, ETC એ અનામત બાબતે માઇલ્સ્ટોન જજમેન્ટ કહેવામાં આવે છે. જેમાં સુપ્રીમકોર્ટની લાર્જર બેંચ અનામત બાબતે લગભગ ૪૫૦થી પણ વધુ મુદ્દાઓમાં વિસ્તૃત રીતે જજમેન્ટ આપ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે અનામતની ટકાવારી કોઈપણ હિસાબે ૫૦%થી ન જ વધવી જોઈએ અને અમુક રાજ્યો એ આ ટકાવારી વધારવાનો પ્રયાસ કરેલો જે સુપ્રીમકોર્ટ દ્વારા અટકાવવામાં આવ્યું છે.

    આ ઉપરાંત ઓ.બી.સી અનામત માટે સરકાર જ પંચ નીમે, તેમના દ્વારા આકારણી થાય ત્યારબાદ પંચ પોતાનો અહેવાલ રજુ કરે અને યોગ્ય જણાય તો નવા જ્ઞાતીજુથને સમાવવામાં આવે.

    આમ આંદોલનોથી સરકાર ઉપર દબાણ લાવી શકાય પરંતુ કાયદાકીય રીતે તો ચાલવું જ પડે. આમ, ખરેખર અનામત જેણે મળવું જોઈએ તેણે પણ નથી મળતું હોતું, જે છેવાડાનાં વિસ્તારો છે જ્યાં સુખ સગવડો પહોચી નથી તેવા લોકોને અનામત મળવું જોઈએ પણ તે લોકોને નથી મળતું. આ ઉપરાંત બંધારણીય જોગવાઈઓમાં પણ સ્પષ્ટપણે જણાવેલું છે કે અનામત ધર્મ આધારિત ક્યારેય પણ ન મળે.

    ખરેખર તો એવી જોગવાઈ હોવી જોઈએ કે એક પછી એક સમુદાયો પછાતપણામાંથી બાદ થતા હોવા જોઈએ. તો જ દેશ માટે પણ સારું છે. તેથી જ બંધારણ તકોની સમાનતાની વાત કરે છે, પ્રાપ્તિની સમાનતાની નહિ.

    ***

    ૫) ધ્વનિ દુષણઃ

    આજનાં સમયમાં ધ્વની પ્રદુષણ એ એક સળગતો પ્રશ્ન છે. સામાન્ય પ્રજા આ પ્રદુષણનાં નકારાત્મક પરીણામો માટે જાગૃત નથી અથવા તો આંખ આડા કાન કરી રહી છે. સતત અવાજ વચ્ચે જીવવું તે જાણે કે આપણી સંસ્કૃતિ થઈ ગઈ છે. અને હોય જ ને આમ પણ આપણે તહેવાર પ્રેમી પ્રજા છીએ. તેમ છતાં ધ્વની પ્રદુષણ વિષેની મહત્વની વાતો જાણવી જરૂરી છે.

    આપણા માટે અવાજ એટલે શું? નાના બાળકનાં રુદનથી માંડીને ગણપતિ મહોત્સવ, દુર્ગા પૂજા,નવરાત્રી, અઝાન અથવા તો અતિશય ટ્રાફિકમાં વાહનોના દે ધનાધન વાગતા હોર્ન અથવા તો ધાર્મિક તહેવારોમાં વાગતા લાઉડ સ્પીકર અથવા લગ્ન પ્રસંગ, સંગીત ને લગતા પ્રોગ્રામ્સ કે રાજકીય રેલીઓ છે! આ દરેક માટે એક લીમીટ બાંધવામાં આવી છે.

    ધી નોઈઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ,૨૦૦૦માં આ વિષેની છણાવટ કરવામાં આવી છે કે કેટલા પ્રમાણમાં અવાજનું પ્રમાણ હોય તો તે પ્રદુષણમાં પરિવર્તિત નથી થતું અને આવા એરિયાને ચાર ભાગમાં વહેચવામાં આવ્યા છે.

    ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૭૦થી ૭૫ ડેસીબલ, કોમર્શિયલ એરિયામાં ૫૫થી ૬૫ ડેસીબલ, રેસિડેન્શિયલ એરિયામાં ૪૫થી ૫૫ ડેસીબલ તથા સાઈલન્સ ઝોનમાં ૪૦થી ૫૦ ડેસીબલનું પ્રમાણ હોય ત્યાં સુધી તે પ્રદુષણમાં પરિવર્તિત નથી થતું.

    જેમાં સવારનાં ૬ વાગ્યાથી રાતનાં ૧૦ વાગ્યા સુધી દિવસનો સમય અને રાતનાં ૧૦ થી સવારના૬ વાગ્યા સુધીનાં સમય ને રાતનો સમય ગણવામાં આવે છે. સાઈલન્સ ઝોનમાં હોસ્પિટલ, કોર્ટ તથા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટથી ૧૦૦ મીટરનાં વિસ્તારને સમાવવામાં આવે છે. દરેક વ્યક્તિ ધ્વની પ્રદુષણથી ત્રસ્ત છે પણ કદાચ થોડા પગલાં લેવાથી તેની વિપરિત અસરોથી બચી પણ શકાય છે. ધ્વની પ્રદુષણ શેનાથી થાય છે તે પણ જાણવું જરૂરી છે.

    ધ્વનિ પ્રદુષણ જો સૌથી વધારે થતું હોય તો લાઉડ સ્પીકરથી થાય છે, જેમાં લગ્ન પ્રસંગોમાં ડી.જે, ધાર્મિક તહેવારો, રાજકીય રેલીઓમાં મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે અને જો તે અમુક ડેસીબલ કરતા વધુ હોય તો તેની માનવીય શરીર પર ઘણી નકારાત્મક અસર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે પરમિશન લેવી અનિવાર્ય છે. આ ઉપરાંત ફટાકડાથી પણ આ પ્રદુષણ ફેલાય છે, વાહનોનાં હોર્ન તથા ખરાબ થયેલા એન્જિન, એરક્રાફ્ટ, ટ્રેનનો અવાજ, અનેક પ્રકારની ફેક્ટરીઓમાં થતો ભયંકર અવાજ આ બધા નોઈઝની કેટેગરીમાં આવે છે. તેની માનવીના શરીર ઉપર વિપરિત અસર થાય છે, જેમ કે, કાયમી બહેરાપણું, કાનમાં ધાક પડવી, સ્ટ્રેસ, અપૂરતી નિદ્રા જેવી અનેક બીમારીઓ ઘર કરી જાય છે.

    નોઈઝ પોલ્યુશન માટે અનેક સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે. જેમ કે, ભારતીય બંધારણનાં અનુચ્છેદ ૨૧ એટલે કે જીવવાનો અધિકાર, ૪૮-એ તથા ૫૧-એમાં પર્યાવરણ વિષે વાત છે. લો ઓફ ટોર્ટ્સ, ઈન્ડિયન પિનલ કોડ, ક્રિમીનલ પ્રોસીજર કોડ, પોલીસ એકટ ૧૮૬૧, મોટર વ્હીકલ એકટ, ફેક્ટરીઝ એકટ આવા ઘણા કાયદાઓમાં નોઈઝ પોલ્યુશન વિષેનાં સૂચનો, આપવામાં આવેલ છે પરંતુ નોઈઝ પોલ્યુશનને લગતો અલગ કાયદો એક પણ નથી. ભારત સિવાયનાં અનેક દેશમાં ધ્વની પ્રદુષણને ખુબ જ ગંભીર રીતે જોવામાં આવે છે અને તેનાં અલગ કાયદા પણ અસ્તિત્વમાં છે. ક્યાંય હદથી વધારે અવાજ લાગે તો તેના માટે પોલીસને ફરિયાદ પણ કરી શકાય.

    ધ્વની પ્રદુષણને લાગતું એક માઈલસ્ટોન જજમેન્ટ CHURCH OF GOD(FULL GOSPEL) IN INDIA V/S K K R M C WELFARE ASSOCNમાં આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મનાં નામે લાઉડ સ્પીકર, એમ્લીફાયર કે માઈકનો ઉપયોગ કરીને વૃધ્ધો, બાળકો કે વિદ્યાર્થીઓને પરેશાન ન કરી શકાય. ભારતીય બંધારણ પ્રમાણે આનંદ લેવાનું કાર્ય બીજાના આનંદમાં વિક્ષેપ પાડનાર ન હોવું જોઈએ.

    આમ, મોટા પાયે ફેરફારનાં થઇ શકે તો પણ નાનાનાના સુધારા લાવવાથી પણ પરીસ્થિતિમાં ફેરફાર આવી શકે છે. કારણ વગરનાં વાહનોનાં હોર્ન મારવા, લાઉડ સ્પીકરનો અતિશય ઉપયોગ, હેડફોનનો હદથી વધારે ઉપયોગ, ટી.વી ખુબજ ઉંચા અવાજે સાંભળવું, આવી આદતો સુધારી શકાય અને ધ્વની પ્રદુષણથી રાહત મેળવી શકાય.

    "ધીરે ધીરે બોલ કોઈ સુન નાં લે..” એ ગીતને જીવનમાં ઉતારવા જેવું ખરું.