Kaarelu in Gujarati Short Stories by Aniruddhbhai Trivedi books and stories PDF | Kaarelu

Featured Books
Categories
Share

Kaarelu

કારેલુ

આપણે આપણા કર્મોને બે રીતે જોઈએ છીએ “પાપ અને પૂણ્ય”, આવું નહિ કરો પાપ લાગશે, આવો કરો તો પૂણ્ય થશે, પણ ખરેખર આપણને ખબરજ નથી કે શું કરવાથી શું થશે. બસ મતલબની કે ફાયદાની વાત હોઈ તો કોઈ પણ હદ વટાવી નાખીએ છીએ પછી પાપ અને પૂણ્યનું જોવાય જાશે. ખરેખર તો આપણી જરૂરિયાત ભૌતિક અને શારીરિક એ આ આપણા કર્મો નક્કી કરે છે. તો ચાલો થોડું આ ચક્કરને સમજવાની કોશિશ કરીએ.

કેવું છે નહીં? એવું કહેવાય કે ગંગામાં નાહિ લ્યો તો તમારા બધા પાપ ધોવાય જાય. દાનપૂણ્ય કરોતો પાપ ધોવાય જાય. કોઈકની મદદ કરો તો, તમે કરેલું બધું માફ થઈ જાય. ભાઈજો આવુંજ હોઈતો બધા લોકો ખોટું કરે અને ગાયને ઘાસ ખવડાવીદે તો બધું વસૂલ.

આમાં કર્મોનો સિદ્ધાંત કઈ રીતે કામ કરે? આ તો ખુબ સહેલું નહિ? ભગવાનને લાખો કરોડોના ઘરેણાં ચડાવો એનો મતલબ એ કે તમે પૂણ્યનું કામ કર્યું. હવે મને એમ વિચાર આવે કે પૂણ્ય નું કામ કરવાની શું જરૂર પડે? શું મનુષ્ય પોતે પાપ પૂણ્યનું બેલેન્સ કરી શકે? શું આ બધું મનુષ્યના હાથમાં છે? કે ખરેખર કોઈ સુપર પાવર છે જે આ બધી વાતો નું કેલ્ક્યુલેશન કરે છે? કઈ ખબર છે? નહિ છતાં મનુષ્ય પૂણ્યની શોધમાં ઘણાય ખર્ચા કરી નાખે છે. જયારે હું એવું સાંભળું કે કોઈ એ ફલાણા મંદિરમાં કરોડોનું દાન કર્યું, ભગવાન પાછળ અબજો રૂપિયાનો ખર્ચો. વિચાર કરો જો આ પૈસા સારી જગ્યાએ જરૂરતમંદો પાછળ વાપરવામાં આવે તો? ખરેખરી સેવા તો જન સેવાજ છે ને.

અમુક લોકો તો પાપ અને પૂણ્યનો હિસાબ જાતેજ માંડે છે, કે આપણે આટલું ખોટું કર્યું છે, હવે એટલું પૂણ્ય કરી લઈશું, બધું સરભર થઇ જશે. પછી ભલે તે ધંધામાં હોઈ કે કોઈના જીવનમાં. એ કેટલું યોગ્ય છે. અમુક લોકો આ પળોજણમાં પડતાજ નથી અને પોતાને કરવું હોઈ એમ કરે છે. હવે આ પાપ અને પૂણ્યનું જોયું જાશે કોને જોયું છે. મરીશું પછી જોયું જશે. કોન પડે આવી માથાકૂટમાં

આ વાર્તા પણ અગરવાલ પરિવારની છે, મુંબઈ શહેરના બિઝનેસ ટાઈકૂન ભાઈઓ. જીવનમાં સંઘર્ષથી શરૂઆત કરેલી. બાપ-દાદા નાનકડા ગામડામાં રહેતા, પણ બંને ભાઈઓને નાનપણથીજ એવું હજું કે આપણે આવી રીતે જીવન પસાર નથી કરવું. બંનેએ એક દિવસ ગામ છોડી દીધું અને શહેરમાં ભાગી આવ્યા, બંને એ નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં પૈસા આવવા જોઈએ. અને એના માટે બંને કોઈ પણ હદ પાર કરવા તૈયાર હતા. બંનેને ખબર હતી કે મોટા શહેરમાં સીધી રીતે પૈસા કમાવા ખુબ અઘરા છે. એટલે શામ દામ દંડ ભેદ વાપરીને શરૂઆત કરી. સફળ થયા. જીવનમાં ખુબ પૈસા આવ્યા. ઘણું ખોટું પણ કર્યું. પણ હવે એ લોકો મોટા માણસો બની ગયા હતા, એટલે મોટા માણસો કઈ ખોટું કરે તો એને બિઝનેસ પ્લાન કહેવાય, નાના માણસો આવું કરે તો એને ગુનો કહેવાય.

સુખી સંસારમાં આવી ગયા બંને એવી લાહ્યમાં હતા કે પૈસા આવે એટલે સંસાર સુખી. સમય રહેતા લગ્ન થયા. સંતાનો મોટા થયા. પણ કહેવાયને કે કરેલા કર્મો કોઈને કોઈ રીતે સામે આવેજ છે. બંનેના છોકરાઓ મોટા થયા. પણ એકદમ નબીરા ટાઈપ બન્યા. કોઈના કહ્યામાંની, અગર્વાલોએ કરેલી કામની બંને હાથોથી ઉડાડવા લાગ્યા.

પણ એ દિવસે તો હદ થઇ અડધી રાતે અગરવાલના મોબાઈલ પર ફોન આવે છે. સામેથી અવાજ આવે છે, “ હેલ્લો, યે સિદ્ધાર્થ અગરવાલ કા નમ્બર હૈ?, મેઈન થાને પોલીસ સ્ટેશન સે કોન્સ્ટેબલ સાલુંકે બોલ રહા હૂ, તેરે બેટો ને દારૂ પીકે એક આદમી પે ગાડી ચડાઈ હૈ, વો માર ગયેલા હૈ, અભી પુલીસ સ્ટેશન આજે, લવકરા”

અગરવાલના પગ નીચેથી જમીન સરકી ગઈ, એ તેના મોટા ભાઈને ઉઠાડે છે, પૈસા ખવડાવી આ મામલો પતાવે છે. બંને ભાઈઓ વિચારમાં પડી જાય છે કે સાલું જીવનમાં આ શું થઇ રહ્યું છે? ત્યારે બંનેને ને યાદ આવે છે, ગુરુજી. આપણે અહિયા સુધી પહોંચવામાં ઘણા પાપ કર્યા છે, લાગે છે આ બધો એનોજ બદલો આપણને મળી રહ્યો છે, હવે આમાંથી બહાર નીકળવા ગુરુજીજ આપણી મદદ કરી શકે છે.

એમના ગુરુજી. તેમના જીવનમાં ઓછા પૈસા હતા ત્યાં સુધી એક એક વાત ગુરુજીને પૂછીને કરતા હતા, પણ જ્યારથી પૈસા આવ્યા એ ગુરુજીને ભૂલી ગયા હતા. મન મક્કમ કરીને ગુરુજી પાસે જવાનું નક્કી કર્યું, ગુરુજી તો સંત છે, એ થોડો આપણો ધોખો કરે, એ કંઇક માર્ગ દર્શન જરૂર આપશે. આપણે આપણા પાપ ધોઈ નાખીશું, પૂણ્યના કામ કરીશું, પછી તો બધું સારું થઇ જશે ને?

બંને ભાઈઓ ગુરુજી પાસે ગયા. ગુરુજીએ બંનેને જોઈને સ્મિત કર્યું. ઓહ્હ બોવ જલ્દી આવ્યા તમે માત્ર ૮ વર્ષ થયા હજુ તો એટલું જલ્દી કેમ પરત આવ્યા. બંને ભાઈઓએ ગુરુજીને આખી વાત કરી, રડી પડ્યા, અને ગુરુજીને માર્ગ દર્શન કરવા કહ્યું. ગુરુજી એ કહ્યું આજે તમે થાકી ગયા હશો, સુઈ જાવ કાલે વાત કરીશું.

બંને ભાઈઓને આખી રાત ઊંઘના આવી, સવારે ગુરુજી આવે એ પહેલા બંને એમના કક્ષમાં રાહ જોવા લાગ્યા, એક એક ક્ષણ વર્ષો જેવો લાગતાં હતાં. ગુરુજી શું માર્ગ દર્શન આપશે શું રસ્તો બતાવશે? બંને વાતો કરી રહ્યા હતા ત્યાં ગુરુજી આવી પહોંચ્યા. બંને ગુરુજી પાસે કાલાવાલા કરવા લાગ્યા. ગુરુજી પણ માથાના એમ કઈ માર્ગદર્શન આપે એમ ના હતા.

ગુરુજીએ પૂછ્યું, તમે બંને કઈ રીતે પાપ ધોશો એ નક્કી કરી લો હું તમને માર્ગ દર્શન આપીશ, હા પણ તમારી પ્રકૃતિ વિરુદ્ધ કઈ કરવાની જરૂર નથી. બંને ભાઈઓ વિચારવા લાગ્યા શું કરવું જોઈએ? અને એવું નક્કી કર્યું કે આપણે દાન પૂણ્ય કરીએ પૂજા પાઠ કરીએ ભારત આખાના બધા મોટા મોટા મંદિર ફરીએ અને દાન કરીએ.

બંને ગુરુજી પાસે ગયા અને પોતે શું કરવા માંગે છે એ પ્રસ્તાવ મુક્યો, ગુરુજીએ એમની સામે જોઈ સ્મિત કર્યું, “ઠીક છે તમે નક્કી કર્યું છે તો કૈક વિચારીનેજ કર્યું હશે, તમે લોકો આજેજ પ્રયાણ કરો, પણ હા હું એક વસ્તુ આપું છું બધી જગ્યા એ જાવ ત્યારે એને સાથે રાખજો દરેક મંદિરમાં એને પણ દર્શન કરાવજો અને હેમખેમ પાછું લાવશો.

બંને ભાઈઓ વિચારવા લાગ્યા ગુરુજી એવું તો શું આપશે? દ્વિઘા છે ગુરુજી રસોઈ ઘરમાંથી એક કારેલુ લઈને આવે છે. આલો આ કારેલુ. સાથે રાખજો અને હેમખેમ પાછુ લઇ આવજો. બંને ભાઈઓ નીકળી પડ્યા, એક અવઢવ સાથે કે ગુરુજીએ બીજું કઈ નહિ પણ આ કારેલાને સાથે રાખવા શું કામ કહ્યું હશે? બંને નીકળી પડ્યા પૂણ્યની શોધમાં. એક પછી એક બધા મંદિરએ જઈને દાન પૂણ્ય કરવા લાગ્યા. બધી જગ્યા એ ગુરુજીએ આપેલા કારેલાને સાથે રાખ્યું ખુબ મન મૂકી ને આખી યાત્રા કરી, એજ આશા અને વિશ્વાસ સાથે કે હવે અમારા કરેલ પાપ ધોવાઈ જાશે. બધું પૂણ્ય પૂણ્ય થઇ જશે. અને પછી બેય ભાઈઓ નવેસરથી શરૂઆત કરીશું. બે મહિનાની કઠોરે તપસ્યા જેવી મુસાફરી બાદ બંને ભાઈઓ પાછા ફરે છે. ગુરુજીના આશ્રમ પહોંચે છે. ખુબ હરખમાં જાણે ભાગવાનને ગણિત સમજાવીને આવી ગયા અને ભગવાન હવે એમની સાથે બધુ સારુજ કરશે એવી આશાઓ મનમાં.

બંનેને એમ હતું કે ગુરુજી તેમની આ યાત્રા પછી એમને વધાવશે, માન સન્માન આપશે પરંતુ એવું કશું ના થયું, ગુરુજીએ તરત જ પેલા કારેલા વિષે પૂછ્યું. કારેલુ કેમ છે બરાબર તો છે ને, બંનેને ખુબ દુખ થયું કે અમે આટલી મોટી યાત્રા ખેડીને આવ્યા છીએ, ગુરુજી અમને કેમ છો? યાત્રા કેવી રહી પૂછવાને બદલે એ કારેલા પાછળ પડ્યા છે. શું છે એવું એ કારેલામાં. ગુરુજી એમની મનની વાત સમજી ગયા, બંનેના મનને શાંત કરવા કહ્યું, તમે હાથ પગ ધોઈને ફ્રેશ થઇ જાવ આ કારેલાનું એટલું બધું મહત્વ શું કામ છે એ હું તમને સમજાવીશ. બંને ભાઈઓ યાત્રામાં શું થયું એ બધું ભૂલી ગયા અને મનમાં કારેલુ અટવાય પડ્યું. હવે આ કારેલનું રહસ્ય તો જાણવુંજ રહ્યું.

સાંજ પડી ગુરુજીએ બંનેને બોલાવ્યા, કારેલાને વચ્ચે રાખેલું હતું. તમારે આ કારેલાનું મહત્વ જાણવું છે ને?, તો સાંભળો મેં તમને બંનેને મોકલેલા ત્યારે કહેલું કે આ કારેલાને સાંભળીને પરત લેતા આવજો, તમે જેટલું સહન કર્યું આ કારેલા એ પણ એટલુંજ સહન કર્યું. અને બંનેને કારેલુ કાપીને આપ્યું, “લો આ કારેલાને પ્રસાદ રૂપે આરોગો” બંને ભાઈઓએ કરેલું ખાઈને તરતજ થુંકી નાખ્યું... થું થું આ તો ખુબ કડવું છે. “લે કડવું લાગ્યું?, ફરી એક વાર લો”, એમ કહીને ગુરુજી ફરી એકવાર કારેલુ આપ્યું, બંને એ ફરી થુંકી નાખ્યું, ગુરુજી આ શું કરો છો આ હજુ એટલુંજ કડવું છે. એમ કરી કરીને ગુરુજી એ આખું કરેલું ખવડાવી દીધું. ના ના ગુરુજી આ છેલ્લો કટકો પણ કડવોજ છે, આ તમે સુહ કરો છો અમારી સાથે? બંને ભાઈઓ ગુસ્સે ભરાયા.

ગુરુજી આશ્ચર્ય ચકિત થઇ બોલવા લાગ્યા, “અરે બોવ કરી આટલી બધી જાત્રાઓ કરી, એટલું દાન પૂણ્ય કર્યું છતાંયે કરેલું કડવું ને કડવું કેમ રહ્યું” બંને ભાઈઓને ગુરુજી શું કહેવા માંગતા હતા એ સમજી ગયા. અને ગુરુજીના આશીર્વાદ લઈને ચાલ્યા ગયા.

આ કારેલાની વાત છે તો સાવ નાની પણ ઊંડાણ પૂર્વક સમજવા જેવી ખરી નહિ?