કંદર્પ પટેલ
Patel.kandarp555@gmail.com
www.kparticleworld.wordpress.com
: સોક્રેટિસ :
એક વ્યક્તિ ઘણા સમયથી પોતાના કદરૂપ ચહેરાને અરીસામા નીરખ્યા કરતી હતી. ત્યાં જ એક બીજો માણસ આવ્યો અને તેને પૂછ્યું, “ચહેરો સુંદર હોય તો અરીસામાં જોઈએ એ સ્વાભાવિક છે. પરંતુ, કદરૂપ ચહેરો હોય તો અરીસામાં તેને નિહાળીને દુઃખી શા માટે થવું જોઈએ?”
જવાબ મળ્યો, “મને યાદ રહે કે મારે એવા કામો કરવાના છે જેથી લોકો ચહેરો ભૂલીને મારા કર્મોને યાદ કરે, વાગોળે અને જીવનમાં ઉતારે.”
આ વ્યક્તિ એટલે ગ્રીસનો મહાન તત્વચિંતક ફિલોસોફર સોક્રેટિસ.
Ancient Greece (પ્રાચીન યુનાન (ગ્રીસ)): અતિ ભવ્ય! ભવ્યાતિભવ્ય! સુવર્ણ કાળ. પ્રાચિનતમ ગ્રીસની સંસ્કૃતિની ખ્યાતિ વિશ્વની હવાઓમાં ચોમેર ફેલાયેલી હતી. ક્લાસિક એરા ઓફ ગ્રીસ. વિજ્ઞાન, સંસ્કૃતિ, કળા, સ્થાપત્યો, શિલ્પો, સાહિત્ય, સંગીત, વાસ્તુ, ધર્મ, સાંસ્કૃતિક વારસો! અપ્રતિમ. શહેરોની સુસ્થાપિત કૉલોનીઝ. અથેન્સ, એક્રોપોલિસમાં રહેલ એથેનાને સમર્પિત પર્થેનાનનું મંદિર. ‘આર્કિટેક સ્માઈલ’ આપતા ફ્રી-સ્ટેન્ડિંગ સ્થાપત્યો. પ્રાચીન ગ્રીસમાં રહેલ એથેન્સનું વિશાળ સ્ટેડીયમ, જ્યાં આજે પણ અનેકવિધ ઓલિમ્પિક રમતો રમાય છે. એપિડોરસ (Epidaurus)નું ખૂબ મોટું ઓપન થિએટર. વેસ્ટર્ન લિટરેચરને અનુસંધાનમાં રાખીને લખાયેલ કેટલીયે એપિક પોએમ્સ. પ્લેટો જેવા ફિલોસોફર વડે ફિલોસોફી લખાયેલ સ્વરૂપે પ્રવેશી. એરીસ્ટોફેન્સએ કોમિક સ્ટોરીઝ લખવાનું શરુ કર્યું. એરિસ્ટોટલ વડે ઘણી બધી વણઉકેલાયેલ તથ્યોને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરી. મ્યુઝિક (Music) શબ્દ પણ (Muses) અને તેના પિતા (Zeus) પરથી આવ્યો. ઈ.સ. પૂર્વે ૧૦૦-૧૫૦માં અવકાશમાં રહેલા દરેક ઓબ્જેક્ટની દિશા અને સ્થાનની ગણતરી કરવા માટે એનાલોગ કમ્પ્યુટર વડે એક મિકેનીઝમ બનાવી, જેમાં ડિફરન્શિયલ ગેઅરનો ઉપયોગ કર્યો હતો. પૃથ્વીનો પરિઘ માપવા માટે ઈરેટોસ્થેન્સ (Eratosthenes) એ સૂર્યના પ્રકાશ વડે પડતા શેડોઝ (પડછાયા)ના ખૂણાઓનો ઉપયોગ કર્યો હતો. ક્લાસિકલ ગ્રીસના સ્કલ્પચર (શિલ્પ) અને આર્કિટેક્ચરની છાપ રોમન એમ્પાયર, સેન્ટ્રલ એશિયા, વેસ્ટર્ન વર્લ્ડ અને ઇન્ડિયન કલ્ચર પર જોવા મળે છે. ગ્રીક માયથોલોજી (પૌરાણિક કથા) અનુસાર લોકો તેમના ૧૨ દેવતાઓને અનુસરતા હતા.
ફિલોસોફી બર્થ :
વેસ્ટર્ન ફિલોસોફી માટે જાણીતું નામ એટલે ક્લાસિકલ ગ્રીક (એથેનિયન) ફિલોસોફર સોક્રેટિસ. ઈ.સ.પૂર્વે (૪૭૦ – ૩૯૯) BC માં આ ફિલોસોફીએ પોતાનું જબરજસ્ત વર્ચસ્વ જન્માવ્યું, જગાવ્યું અને જણાવ્યું.
સોક્રેટિસનો જન્મ એલોપેક (Alopeke), ગ્રીસમાં ઈ.સ.પૂર્વે ૪૭૦/૪૬૯માં થયો. તેમના પિતા સોફ્રોનિસ્કસ (Sophroniscus) સ્ટોનમેસન (કડિયા)કામ કરતા હતા. શિલ્પો બનાવવામાં પણ તેમની મહારથ હતી. માતાનું નામ ફેનિરેટ (Phaenarete) હતું. નાનપણથી જ પિતા સાથે શિલ્પ કારીગરીમાં સોક્રેટિસ જોડાયા. મધ્યયુગની શરૂઆત પહેલાના સમયમાં વર્ણવ્યવસ્થાની પ્રથા હતી. પરંપરા મુજબા તેઓ પિતા જોડે શિલ્પ બનાવતા થયા. સોક્રેટિસે ઈશ્વરનો આભાર માનતા ત્રણ અદ્ભુત શિલ્પો (Three Graces) બનાવ્યા. જે એથેન્સના એક્રોપોલિસમાં રહેલ પર્થેનાનના મંદિરની આગળ ઈ.સ.પૂર્વે ૨જી સદી સુધી રહ્યું.
સોક્રેટિસના લગ્ન ઝેન્થિપી (Xanthippe) સાથે થયા. તેમને લોકો સોક્રેટિસ પ્રત્યેના તેના ખૂબ ખરાબ સ્વભાવને લીધે યાદ કરે છે. જે ખૂબ ઝઘડાળું અને કર્કશ હતી. સોક્રેટિસને તેના વડે ત્રણ સંતાનો થયા. લેમ્પ્રોક્લ્સ (Lamprocles), સોફ્રોનિસ્કસ (Sophroniscus)(સોક્રેટિસના પિતાના નામથી) અને મેનેક્ઝેનસ (Menexenus). પ્રાચીન ગ્રીસ ગરમાગરમ ચર્ચાઓ કરવામાં અને દલીલબાજીમાં વિશ્વમાં અગ્રેસર હતું. સોક્રેટિસનો ફાળો ગ્રીસ અને સમગ્ર વિશ્વ માટે ખૂબ મહત્વનો રહ્યો છે.
ઝેન્થિપી (સોક્રેટિસની કર્કશ પત્ની):
સોક્રેટિસ, પેરિકલીસ (એથેન્સનો રાજા, જે નવા એથેન્સનો નિર્માતા અને એથેન્સમાં લોકશાહીનો પુરસ્કર્તા) અને એસ્પેશિયા (એથેન્સની કલાવંતી, મીડિયાની માતા અને પેરિકલીસની પ્રેમીકા. જે પોતે અતિસુંદર અને મેધાવી છે), ત્રણે એસ્પેશિયાના નિવાસસ્થાને રાત્રે બેઠા હોય છે ત્યારનું આ દૃષ્ય છે :
પેરિકલીસ (સોક્રેટિસને ઉદ્દેશીને) : “તમને આજે રાતે જવા દેવાના નથી. ઝેન્થિપીને સંદેશો પહોંચાડીશું.”
સોક્રેટિસ કહે, “તમારો, એસ્પેશિયાનો નહીં.”
ત્રણે જણા હસી પડ્યાં. પેરિકલીસ ફરી મજાક કરતા કહે, “મોં પર લગામ વગરની આવી સ્ત્રીથી તમે છુટાછેડા કેમ નથી લેતા ?”
સોક્રેટિસ કહે, “એ મારું રહસ્ય છે. ગમે ત્યાં પ્રગટ ન થાય. પણ ઝેન્થિપીની બદનક્ષી ન થાય માટે મારે કહેવું જોઇએ કે જેણે અન્યનાં ઘોડાં કેળવવાં હોય તે પોતાને ત્યાં કેવું રાખે ?”
“વધારે તોફાની.”
“તો પેરિકલીસ, મારો ધંધો વાદવિવાદ કરવાનો છે. મારે ત્યાં વાદવિવાદમાં મને પણ ઘડીભર પજવી નાખે તેવી સ્ત્રી મેં સમજપૂર્વક રાખી છે. તે મને તાલીમ આપે છે.” સોક્રેટિસે કહ્યું.
એસ્પેશિયા કહે, “તમે તો બધાના ગુણો જ જોવાના. જતાં પહેલાં તમારા ગુણોની કોઇ કદર કરે તો સારું.”
સોક્રેટિસ, “હમણાં તો તમે પેરિકલીસની ચિંતા કરો તે વધારે જરૂરી છે. મારી ચિંતા તો આંખમાં એરંડિયું આંજીને ઝેન્થિપી કરે છે; બીજાને તે ચિંતા કરવા દે તેમ જ નથી.”
(ઝેન્થિપી માટે સ્વયં સોક્રેટિસે આપેલા આ શરપાવથી વધુ શું ગણવું!)
હિસ્ટ્રી ઓફ ફિલોસોફી :
સોક્રેટિસ પહેલા જે ફિલોસોફર થઇ ગયા તેઓ હંમેશા વિશ્વના ‘સુપરનેચરલ પાવર’ પર ચર્ચાઓ કર્યા કરતા. તેમની ચર્ચા અને દલીલબાજીના વિષયો હંમેશા અવકાશ, તારાઓ અને પૃથ્વી વિષે રહેતા.
‘કઈ રીતે વિશ્વનું નિર્માણ થયું?’ ‘દૈવી શક્તિઓ ભવિષ્યમાં શું અસર કરશે?’ ‘કુદરતના નિયમો શું છે?’ ‘દેવતાઓની નારાજગી અને પ્રેમ શાના પર નિર્ધારિત છે?’ આ પ્રકારના પ્રશ્નો તેમની ચર્ચાના વિષયો હતા. જેમાં મુખ્યત્વે ઈશ્વરની સાબિતી, કુદરત જોડે સંકળાયેલ કડી અને અવકાશ હતા. આ દરેક ફિલોસોફરને ‘નેચરલ ફિલોસોફર’ કહેવાય છે. જેનું કારણ તેમની ચર્ચાનો વિષય છે.
સોક્રેટિસ ફિલોસોફીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લઇ આવ્યા તેવું કહેવાય છે. કારણ કે, સામાન્ય મનુષ્યના પ્રશ્નો તેમના જીવન સાથે સંકળાયેલા હોય છે. જીવનમાં ઉદ્ભવતી સુખદુઃખની ઘટમાળને લીધે આવતી સમસ્યા પરની ચર્ચા અને તેના સોલ્યુશન હોવા જોઈએ તેવું સોક્રેટિસ સ્પષ્ટપણે માનતા હતા. આવી દરેક સમસ્યાઓનો ઉકેલ હોવો જોઈએ. સામાન્ય વ્યક્તિને અવકાશ અને ભૂગોળ જેવા પ્રશ્નોમાં કોઈ જ પ્રકારનો રસ નથી. જે લોકોની સમસ્યાનો ઉકેલ લાવે અને જીવનમાં તેનાથી શાંતિ પથરાય તે જ ખરી ફિલોસોફી કહેવાય. આ વાત સોક્રેટિસ સમજતા હતા.
રોજબરોજના જીવનમાં આવતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જીવન, આત્મા અને શરીર પર સમસ્યાઓનું કેન્દ્રિકરણ થયું. સોક્રેટિસ સમાજના લોકોની આવી સમસ્યાઓ પર ધ્યાન આપવા લાગ્યા. હ્યુમન નેચરને અનુસંધાનમાં રાખીને પ્રશ્નોનું નિરાકરણ આવા લાગ્યું. ચર્ચા અને ફિલોસોફીના કાલ્પનિક વિષયોને બદલે રાજકારણ (પોલિટિક્સ) અને સિદ્ધાંતો (એથિક્સ) પર ધ્યાન વધ્યું.
સોક્રેટિસ Vs સોફિસ્ટ:
સોફિસ્ટ (બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફિસ્ટ.) એ તે સમયે ગ્રીસમાં શાળાઓમાં શિક્ષણ આપતા હતા. સાથે-સાથે સમાજમાં પોતાની છબી ખુબ સારી દર્શાવવા અનેક કલ્પનાતીત વાતો લોકો સમક્ષ કરતા, જેનો કોઈ જ પુરાવો નહોતો.
સોક્રેટિસને લીધે આ દરેક સોફિસ્ટને ખૂબ મોટો ફટકો પડ્યો. તેમની નજરમાં સોક્રેટિસ અલ્ખામના બન્યા. ઉપરાંત, શિક્ષણ માટે તેઓ નાણા માંગતા હતા. જયારે, સોક્રેટિસ માત્ર ચર્ચાઓ અને વાતો કરીને સમાજને સારી વાતો તરફ વાળતા હતા.
કુદરત, અવકાશ અને તારાઓની પોકળ વાતો સમાજમાં કરીને સોફિસ્ટ એક મોટા વર્ગને ગુમરાહ કરી રહ્યા હતા. ત્યારે સોક્રેટિસ સામાન્ય ઘરેલું વાતો કરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરતા હતા.
સોફિસ્ટો એવું માનતા હતા કે, વિશ્વમાં કોઈ જ પ્રકારનું ઓબ્જેક્ટિવ સત્ય નથી. ત્યારે સોક્રેટિસ તેમને (સત્ય-અસત્ય)ની એક ત્રાજવા સાથે તુલના કરીને બંનેનું અસ્તિત્વ છે તેવી વાત મુકે છે. જે વાત સાથે દરેક સામાન્ય જન સહમત થાય છે. તેઓ લોકોને સત્યતા તરફ વાળવા માંગતા હતા.
જો સત્ય હશે તો જ જ્ઞાન વ્યવસ્થિત મળશે. જ્ઞાન સત્યતાથી મળેલું હશે તો ન્યાય પણ સાચો જ મળશે. આમ, (સત્ય – જ્ઞાન – ન્યાય)ને તેમણે સમાજ સમક્ષ મુક્યું.
આ ત્રણેયનો સંગમ આત્મા સાથે છે, તેમ કહીને સોફિસ્ટોની વિચારસરણીથી એકદમ અલગ પડ્યા. તેનું કારણ સોક્રેટિસના ઉદાહરણ સાથેના પુરાવાઓ હતા. તે કોઈ પણ વાતને હવામાં એમ જ ક્યારેય પણ ખુલ્લી નહોતા મૂકતા. સોક્રેટિસ પાસે હંમેશા દરેક હેતુગત વાતની સાબિતી હંમેશા તેની પાસે હોય જ, ભલે તે ગમે તેટલી નાની હોય.
સોક્રેટિક સ્કૂલ:
સોક્રેટિસ વિષે એવું કહેવાય છે કે, “He never wrote a single word. He never systematically. He never fined a school for lesson.”
“તેમણે કદી પણ એક પણ શબ્દ લખ્યો નથી. તેમણે કદી પદ્ધતિપૂર્વક વિચાર્યું નથી. તેમણે ભણવા માટે ક્યારેય પણ સ્કૂલ શોધી નથી.”
સોક્રેટિસ હંમેશા ફર્યા કરતા. તે ગ્રીસની એકમાત્ર ‘મોબાઈલ ફિલોસોફી’ (હરતી-ફરતી ફિલોસોફી) હતી. તેમણે કદી પણ શીખવ્યું નથી, ચર્ચ્યું છે. હંમેશા દરેક મુશ્કેલીનું ચર્ચા દ્વારા સમાધાન કર્યું છે. લોકો સાથે હરહંમેશ રહીને તેમને સંતોષકારક જવાબો આપ્યા છે.
તેઓ હંમેશા માનતા કે, “I know only one thing, that I don’t know anything.” – “હું એ જાણું છું, કે હું કશું જાણતો નથી.” તેઓ હંમેશા સમજાવતા કે, જેટલી વધુ સમસ્યાઓ હશે તેટલા જ વધુ પ્રશ્નો હશે. જયારે પ્રશ્નો વધશે ત્યારે જ તો તેના જવાબો મળશે ને!
સોક્રેટિસને વિદ્યાર્થીઓ નહિ, અનુયાયીઓ (ફોલોઅર્સ) હતા. કોઈ ખોટી ઈન્ટેલેકચ્યુઅલ (બુદ્ધિમત્તા) દર્શાવીને સમાજને ભરમાવવાનો ખોટો ડોળ ક્યારેય પણ કર્યો નહોતો.
મહાન હોવું તેનો મતલબ એવો નથી કે તે વ્યક્તિ હંમેશા પોતાના નિર્ણયો અથવા વ્યક્તિવની દૃષ્ટિએ સાચો હોય. આ સોક્રેટિસનું સ્પષ્ટપણે માનવું હતું.
Socratic irony (Pretend) & Socratic Maieutic:
સોક્રેટિસ દરેક એથેનિયનને પ્રશ્ન પૂછતાં, “સમાજ પરત્વે આપ દરેકનું કર્તવ્ય શું છે? સદાચાર શું છે?” જો સામે છેડેથી કોઈ જવાબ ન મળે અને લોકો ચુપચાપ બેસી રહે તો સોક્રેટિસ ખોટો જવાબ બોલતા. અને તરત જ, જેના મનમાં જરા પણ અંદાજ હોય તે પ્રશ્નના જવાબ વિશેનો તે વ્યક્તિ સોક્રેટિસ સામે ઉભો થઈને સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરતો. આમ સામેની વ્યક્તિ પાસેથી જ મુશ્કેલીનું સમાધાન કરવાની તેની આ રીત ‘સોક્રેટિક આઈરની’ – Socratic irony તરીકે ઓળખાય છે.
જયારે સોક્રેટિસ કોઈની સમસ્યાનું સમાધાન કરતા હોય ત્યારે ઘણી વખત એવું બનતું કે, પ્રશ્નનું નિવારણ એ વ્યક્તિ પાસે અમુક અંશે હોય જ. પરંતુ, કોઈ જગ્યાએ તે મુશ્કેલી અનુભવતો હોય. ત્યારે અર્ધ-સત્ય સોક્રેટિસ બોલે અને બાકીનું તે વ્યક્તિ પોતે જ બોલે. આવી રીતે વ્યક્તિને પણ પૂર્ણ સમાધાન મળતું. તેને Socratic Maieutic કહેવાય છે.
સોક્રેટિક સોલ (Socratic Soul):
“To harm oneself, than to harm another. No matter what they have done to you.”
જયારે આપણે કોઈને નુકશાન કે દુઃખ પહોચાડીએ છીએ ત્યારે આપણે પોતે જ નથી જાણતા કે આપણે શું કરી રહ્યા છીએ? તે સારું છે? કે ખરાબ છે? યોગ્ય છે કે યોગ્ય?
સોક્રેટિસ હંમેશા ખરાબ શું છે? તે સમજાવતા. આપણે હંમેશા ભૂલો કરીએ છીએ અને ત્યારબાદ અંદરથી જ પોતે તે ઘટના વિષે ખરાબ અનુભવીએ છીએ. હંમેશા જિંદગી દુઃખભરી છે તેવું જ કહીએ છીએ. પરંતુ, જયારે પોતાની જ જિંદગી તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે ત્યારે જ આત્મા તરફ ઈજ્જત થશે.
સોક્રેટિસે કોઈ પણ રાજકારણીને છોડ્યો નહોતો. તેઓ હંમેશા પોલિટીકલ વ્યક્તિની વાતોને ખોટી ગણાવીને લોકો સમક્ષ પ્રસ્તુત કરતા. તેના લીધે તેઓ દરેક જૂઠ્ઠા લોકોની નજરમાં ખટકવા લાગ્યા. તેઓની દરેક ખોટી બાબતોને ચર્ચાત્મક સ્વરૂપે સમાજની વચ્ચે લાવીને મૂકતા હતા.
સોક્રેટિસના સમયમાં લોકશાહીના હોદ્દેદારોને ભથ્થાં આપવાનો રિવાજ શરૂ કરવામાં આવ્યો. તેની સામે પણ સોક્રેટિસનો વિરોધ હતો. સોક્રેટિસે કહ્યું હતું ‘તમે ૭૦૦ જણને બેસાડો એમાં ૬૫૦ તો ભથ્થું જ લેવા આવે.’ સોક્રેટિસે લોકશાહી અને ટોળાશાહી વચ્ચેનો સ્પષ્ટ ભેદ પાડ્યો છે. ટોળાશાહીના નામે લોકશાહીને ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે તે લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે, એવું પણ તે માને છે.
ટોળાશાહીના નામે લોકશાહીને ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે તે લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે, એવું પણ તે માને છે. સ્વસ્થ લોકશાહીનો મોટો મદાર મતદારો પર હોય છે. બિનકેળવાયેલા મતદારો લોકશાહીની ક્ષમતાનો પૂરો કસ કાઢી શકતા નથી અને તેને ટોળાશાહીમાં ફેરવાતી અટકાવી શકતા નથી. એટલે જ, સોક્રેટિસે લોકકેળવણીનું અને અણગમતા-અકળાવતા સવાલો પૂછવાનું ચાલુ રાખ્યું.
‘લાસ્ટ સીન’ ઓફ સોક્રેટિસ:
સોક્રેટિસ વિરુદ્ધ પ્રચાર શરુ કરવામાં આવ્યો. તેમની ચર્ચાઓનો ભંગ કરવામાં આવ્યો. તેમને ખૂબ પરેશાન કરવાનું શરુ થયું. અંતે, મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી.
સોક્રેટિસને કહેવામાં આવ્યું કે તમે લોકોને સવાલો નહીં પૂછવાની બાંહેધરી આપો તો તમને છોડી મૂકીએ. મૃત્યુદંડ માફ. કેટલી સહેલી શરત. પણ સોક્રેટિસને એ મંજૂર ન હતી.
તેમણે કહ્યું, ‘તમે મને એક વાર મારો કે સો વાર, પણ હું બધાને પ્રશ્નો પૂછતો અટકવાનો નથી...હું બધાને કહીશ કે સમૃદ્ધિમાંથી શીલ આવતું નથી. શીલમાંથી જ બધી સમૃદ્ધિ આવે છે અને આત્મચિકિત્સા--જાતતપાસ વિનાનું જીવન નિરર્થક છે.’
“…for the dead there is a future, and that future is better for the good, than for the bad…”
તે દિવસથી ફિલોસોફીના એક કાળનો અંત થયો. જીવન જીવવા માટેનું એક મોડેલ છોડીને ગયો. તેનું સમગ્ર જીવન જ ફિલોસોફી હતું, કે પછી ફિલોસોફીનું બીજું નામ ‘સોક્રેટિસ’ હતું?
સોક્રેટિસની ફિલોસોફીને વિશ્વ સમક્ષ લાવવા માટે તેમના અનુયાયીઓ પ્લેટો, ઝેનોફોન અને એરીસ્ટોટલનો મહત્વનો ફાળો હતો.
“The unexamined life is not worth living.”- સોક્રેટિસ