આડું કોણ? સીધું કોણ?
લેખક: યશવંત ઠક્કર
‘ખબરદાર જો મારા સિવાય બીજા કોઈને મત આપ્યો છે તો જોવા જેવી થશે. ગામમાં રહેવું ભારે પડશે.’ સરપંચની ચૂંટણી પહેલાં જ દાદભાઈએ ગામલોકોને ચેતવણી આપવાનું શરૂ કરી દીધું.
ગામલોકોમાંથી કોઈએ પણ એમનો વિરોધ કર્યો નહિ. ચૂંટણીમાં ઊભા રહેલા બીજા ઉમેદવારોએ પણ ચૂપ રહેવામાં જ પોતાની સલામતી માની. પરંતુ ગામના શિક્ષક રાધેશ્યામથી ચૂપ ન રહેવાયું. ‘દાદભાઈ, આ ખોટી વાત છે. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જેને મત આપવો હોય એને આપવાનો અધિકાર છે. એમાં જોરજુલમ ઠીક નથી.’ એમણે એક વખત દાદભાઈને મોઢામોઢ કહી દીધું.
‘માસ્તર, તમારું ડહાપણ તમારી પાંહે જ રહેવા દ્યો. ગામના મામલામાં માથું ન મારો. તમારું કામ છોકરાંને ભણાવવાનું છે. અમને ભણાવવું રહેવા દ્યો.’ દાદભાઈથી રાધેશ્યામની દખલગીરી સહન ન થઈ.
‘હું જે જાણું છે તે કહેવાની મારી ફરજ છે. હું કોઈનો વિરોધ નથી કરતો કે નથી કોઈની તરફેણ કરતો. હું તો એટલું જ કહું છું કે દરેકે પોતાની મરજી મુજબ મતદાન કરવું જોઈએ. કોઈની શેહશરમમાં આવીને કે કોઈનાથી ડરીને નહિ.’ રાધેશ્યામે વળતો જવાબ આપ્યો.
‘માસ્તર..’ દાદભાઈની આંખો પહોળી થઈ ગઈ. ‘ગામમાં રહેવું છે કે નહિ.?’
‘રહેવું છે. પણ કોઈનાથી દબાઈને નહિ. દાદભાઈ હું તમારો દુશ્મન નથી. જે કહીશ એ મિત્રભાવે જ કહીશ. નિરાંતે બેસીને વિચાર કરજો. મારી વાત સાચી લાગશે. ગામલોકોને ડરાવીને તમે એમના મત મેળવી શકશો પણ એમનો પ્રેમ નહિ મેળવી શકો.’
પોતાની વાત મક્કમતાથી કહીને રાધેશ્યામ તો ચાલ્યા ગયા પણ દાદભાઈના મનમાં તોફાન મૂકી ગયા. એ તોફાનનું પરિણામ એ આવ્યું કે એમણે બીજે જ દિવસે ગામલોકોને ભેગા કર્યા. બધા ઉમેદવારોને અને રાધેશ્યામને પણ ખાસ બોલાવ્યા. બધાની હાજરીમાં જાહેર કર્યું કે : ‘મને રાધેશ્યામની વાત ઠીક લાગે છે. એ આપણા બધાંથી વધારે જાણે છે. દરેકે પોતાની મરજી મુજબ મતદાન કરવું જોઈએ. કોઈની શેહશરમમાં આવીને કે કોઈનાથી ડરીને નહિ. હું તમને હાથ જોડીને કહું છું કે તમને યોગ્ય લાગે એ ઉમેદવારને મત આપજો. કોઈનાથી ડરવાની જરૂર નથી. મારાથી પણ નહિ.’
‘આવું બને જ નહિ. દાદભાઈ જેવો માણસ આવી ઢીલી વાત કરે જ નહિ. કાં તો મજાક કરતા હશે કાં તો કોઈ ચાલ ચાલતા હશે.’ ઉમેદવારો સહિત ઘણાં લોકોને એવું લાગ્યું.
પરંતુ, બધાની એ ધારણા ખોટી પડી. ચૂંટણીનો દિવસ આવી ગયો તો પણ દાદભાઈ શાંત જ રહ્યા. ધાકધમકી તો દૂર રહી પણ કોઈને મત આપવાની ભલામણ સરખી નહિ કરી.
માની લો કે રાધેશ્યામનું એક જ વેણ દાદભાઈણા કાળજે કોતરાઈ ગયું.
ગામલોકોને દાદભાઈ યોગ્ય લાગ્યા હોય કે પછી એમની બીક અને શરમ નડ્યાં હોય, ગમે તે કારણ કામ કરે ગયું હોય પણ એ સરપંચ તરીકે ચૂંટાઈ ગયા.
દાદભાઈએ સરપંચ તરીકેની ફરજ બજાવવાનું શરૂ કરી દીધું. દિવસો શાંતિથી પસાર થવા લાગ્યા.
આ બધું મંજૂર ન હોય એમ એક દિવસ કોઈએ રાધેશ્યામ જે ઓરડીમાં રહેતાં હતાં એ ઓરડીના ઉમરા પર કોઈએ કુહાડીના ઘા મારી દીધા. રાધેશ્યામનો મકાનમાલિક ગોબર તો એટલો બધો ડરી ગયો કે એણે રાધેશ્યામને હાથ જોડીને કહી દીધું : ‘માસ્તર, મારું ઘર અત્યારે જ ખાલી કરી દ્યો તો સારું. તમે તો બદલી કરાવીને બીજે જતા રહેશો પણ મારે તો આ ગામમાં જ રહેવાનું છે.’
‘વાંધો નહિ ગોબરભાઈ. હું તમને તકલીફમાં નહિ મુકાવા દઉં.’ કહીને રાધેશ્યામે એજ ઘડીએ ગોબરની ઓરડી ખાલી કરી દીધી અને પોતાનો સામાન રસ્તા પર મૂકી દીધો.
જોતજોતામાં ગામમાં આ વાત ફેલાઈ ગઈ. ગોબરના ઘરની આસપાસ લોકોના ટોળાં વળી ગયા. ‘દાદભાઈ બદલો લીધા વગર ન રહે.’ એવી ગૂચપૂચ પણ થવા લાગી.
દાદભાઈ પણ આવી પહોંચ્યા. ગામલોકોને થયું કે હવે નવાજૂની થશે. દાદભાઈએ આવીને પહેલું કામ ઓરડીના ઉમરા પરના ઘા જોવાનું કર્યું. અને એકદમ જ કાંઈક મનમાં આવ્યું હોય એમ ત્યાં ઊભેલા છોકરાઓને બોલ્યા: ‘કોઈએ મારા બદરુને જોયો છે?’
‘બદરુભાઈ ચોરે બેઠા છે.’ એકસાથે ત્રણચાર છોકરા બોલ્યા.
‘જાવ એને બોલાવીને આવો. મારું નામ દેજો.’ દાદભાઈએ છોકરાઓને દોડાવ્યા.
બદરુના હાથમાં કાયમ ડાંગ હોય પણ કાલે એના હાથમાં કુહાડી જોઈ હોવાનું એમને યાદ આવી ગયું હતું. આ કામ બદરુનું જ હોવું જોઈએ એમ એમનું મન કહેતું હતું.
એમની શંકા સાચી પડી. બદરુ આવ્યો અને દાદભાઈના એક જ ડારામાં એણે કબૂલાત કરી લીધી.
‘આવું કરવાનું કાંઈ કારણ?’ દાદભાઈએ પૂછ્યું.
‘બાપુ, આ માસ્તર તમારી હારે બહુ આડો હાલે છે એટલે એને સીધો કરવાની જરૂર છે.’
‘દીકરા, માસ્તર આડા નથી હાલતા. આપણે આડા હાલીએ છીએ. આપણને સીધા કરવાનું કામ આ માસ્તર કરે છે. એટલે એને આ ગામમાં હેમખેમ રહેવા દેવાની જરૂર છે. હવે આવી ભૂલ કરતો નહિ.’ દાદભાઈ બોલ્યા.
‘માસ્તર, ગોબર, મારા દીકરાએ ગુનો કર્યો છે. એના વતી હું માફી માંગુ છું. ફરી આવું નહી થાય એની ખાતરી આપું છું. છતાંય તમારે પોલીસમાં ફરિયાદ કરાવી હોય તો કરી શકો છો.’ દાદભાઈએ રાધેશ્યામ અને ગોબરને જે યોગ્ય લાગતું હોય એ કરવાની છૂટ આપી.
‘હું તો ઈચ્છું છું કે ગામમાં ભાઈચારો જળવાય. દાદભાઈ, હું એટલો નાદાન નથી કે તમારું પરિવર્તન સમજી ન શકું. આ બનાવ માટે પોલીસ ફરિયાદ કરવાની જરૂર મને લાગતી નથી.’ રાધેશ્યામ બોલ્યા.
‘દાદભાઈ આટલું બોલ્યા એમાં બધું આવી ગયું. મારે પણ ક્યાય ફરિયાદ કરાવી નથી.’ ગોબરે કહ્યું.
‘આ ગામમાં કોઈને પણ તકલીફ ન થાય એની જવાબદારી મારી છે. હું શોભાનો સરપંચ નથી. આડાને સીધા કરે એવા માણસની આ ગામને હજી જરૂર છે.’ એટલું કહીને દાદભાઈ રાધેશ્યામનો સામાન ફરીથી ઓરડીમાં મૂકવા લાગ્યા.
હાજર હતાં એટલા બધાય એ કામમાં જોડાઈ ગયા.