વાળ
વેલ મિત્રો આજના ટોપિકનું ટાઈટલ સાંભળીને તમને બધાને વાંચવાની ઈચ્છા થશે એ વાત નક્કી છે. કારણકે અત્યારે સ્ત્રી, પુરુષ,ટીનેજર, યુવાન કે આધેડ હાઉસ-વાઈફ થી મોડેલ સુધી તમામ પોતાના વાળ બાબતે સજાગ અને ચિંતિત છે. વાળ એ ઈમેજ બતાવવાનો અનિવાર્ય ભાગ છે. વિવિધ અભ્યાસ દર્શાવે છે કે વાળ ખરતા હોય તેવા લોકો પોતાના દેખાવ તરફે અસંતોષી હોય છે. વાળ ખરવાનો સંબંધ એક રીતે અન્ય કરતા ઉમરમાં મોટા દેખાઈ જવાના ડર સાથે પણ છે.
અભ્યાસ અને સર્વે મુજબ વાળ ખરવાની સમસ્યા બાબતે સ્ત્રીઓ પુરુષો ની સરખામણી માં વધુ નકારાત્મક ભાવ ધરાવતી થઇ જાય છે. અને આ સમસ્યા ને પહોચી વાળવામાં તે પુરુષો કરતા ઊણી ઉતરે છે.
વાળ નહિ હોવા કે એ બાબત ફક્ત અનાકર્ષકતા પુરતી સીમિત નથી, પણ તે ઘણી વાર પશ્ચાતાપ, ત્યાગ, ભૂલો કે દુઃખ ની નિશાની પણ હોય છે. મતલબ કે માનસિક સ્થિતિ સાથે વાળને સીધો સબંધ છે. જેમકે આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે સાધુ સંતો ભૌતિકતા તેમજ કામેચ્છાના ત્યાગ દર્શાવવા માટે મુંડન કરાવે છે. ભારતમાં કોઈ સબંધી મૃત્યુ પામે તો શોક દર્શાવવા માટે પણ માથેથી વાળ ઉતારવામાં આવે છે. પ્રખ્યાત ડરમેટોલોજીસ્ટ ડો.અક્ષય બત્રાના મત મુજબ સ્વસ્થ વાળ આત્મ-વિશ્વાસ બક્ષે છે.જયારે ખરતા વાળ લઘુતા ગ્રંથીનો અનુભવ કરાવે છે. વાળ, તેને લગતી માન્યતાઓ, સમસ્યાઓ, કારણો તેમજ ઉકેલ વિશેના ડો.બત્રા ના સૂચનો વિષે આપણે આજે વાત કરીશું.
વાળ આપણા જનીનોથી જ આપણે મળી જાય છે. આપણા સમગ્ર જીવન દરમિયાન તેનો વિકાસ ચાલુ જ રહે છે.વાળના જીવન માટે ખોરાક અને પોષણ ની જરૂર રહે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંથી તાલકા અને ત્વચા હેઠળ ની રક્તવાહિનીમાંથી વહેતા લોહી માંથી તેમને જરૂરી પોષણ મળે છે. વાળ ત્રણ તબક્કામાં વિકસે છે. એનાજન, કેટાજન અને ટેલોજન.
એનાજન દરમિયાન વાળ દર મહીને અડધા ઇંચ જેવા વધે છે. આ તબક્કો ૩ થી ૭ વર્ષનો હોય છે. કેટાજન દરમિયાન વિકાસ અટકી જાય છે. આ તબક્કો એકાદ અઠવાડિયા સુધી ચાલે છે. ટેલોજન એ વાળ ખરવાનો તબક્કો છે. અને ટેલોજન બાદ ફરી એનાજન ની શરૂઆત થાય છે. વાળ ની અંદર રહેલા રંજક દ્રવ્યો મુજબ વાળ નો રંગ કાળો, છીંકણી કે સોનેરી હોતો હોય છે. જયારે વાળમાંથી મેલાનીન કે રંજકદ્રવ્ય છીનવાઈ જાય ત્યારે તે સફેદ બની જાય છે.
વાળ મુખ્યત્વે મૃત પ્રોટીનના બનેલા હોય છે. સખત રેસા પ્રકારનું આ પ્રોટીન કેરાટીનના નામે જાણીતું છે. વાળ બે ભાગ માં વહેચાયલા હોય છે મૂળ અને શાફ્ટ. શાફ્ટ એટલે તાલકાની ત્વચામાંથી અંકુરિત થતો ભાગ.વાળના મૂળ ત્વચાની અંદર હોય છે. કોથળી જેવું બંધારણ ધરાવતી કોશિકાઓ તેની આસપાસ હોય છે. વાળ નો પાયો બલ્બ આકારનો છે.
વાળના શાફ્ટના પણ ત્રણ ભાગ હોય છે. મૂળ ત્વચા કે ક્યુટીકલ, મજ્જા કે મિડલ, અને કવચ કે કોર્ટેક્સ. ક્યુટીકલ એ બહારનો ભાગ છે. જે અંદરના સ્તરનું રક્ષણ કરે છે. સ્વસ્થ ત્વચા વાળને ચમકદાર દેખાવ આપે છે. મજ્જા એ લાંબા કોષોનો બનેલો અંદર નો ભાગ છે. જયારે કવચ એ વચ્ચે નો ભાગ છે. તે વાળને રંગ આપનારા મેલેનીન અને કેરેટીન નું ઘર મનાય છે. વાળ ની કોશિકાઓ સીબમ તેલ ધરાવે છે. જે વાળને ચમક અને સુંવાળપ આપે છે. વાળ ને લગતા અન્ય કેટલાક તથ્યો પણ રસપ્રદ છે. લેટ્સ હેવ લુક.
વાળ શરીરમાં સૌથી ઝડપથી વિકાસ પામતા કોષ છે.
વાળ ની છેડે ના ફાંટા નો કોઈ ઈલાજ નથી. તેને કાપવા જ પડે છે.
વાળ ની લટ એટલી સરેરાશ એટલી તોમજબુત હોય જ કે ૧૦૦ ગ્રામ જેટલું વજન ઊંચકી શકે. પેલા વાળ થી ટ્રક ખેંચતી વીરાંગનાઓ નો હિસાબ તો પાછો જુદો કરવો પડે.
હવે અદેખાઈ આવે એવી વાત કે સ્ત્રીઓ ની સાપેક્ષે પુરુષોના વાળ ઝડપથી ઉગે છે.
વાળ શિયાળા કરતા ઉનાળામાં ઝડપથી ઉગે છે. એટલે હવે ગરમી ગરમી એવી બુમો પાડવાનું મન થાય ત્યારે વિચારી લેવાનું કે વાળ વધી રહ્યા છે ભાઈ એટલે થોડું સારું ફિલ થશે.
પ્રૌઢ વ્યક્તિઓ માં વાળ ઉગવાની ક્રિયા ધીમી પડી જાય છે. વળી દિવસ કરતા રાત્રી ના વાળ વધવાનું પ્રમાણ ગણું ઓછું થઇ જાય છે.
બાળક જન્મે તે પહેલા જ વાળની કોશિકાઓની સંખ્યા નક્કી થઇ જાય છે જેમાં ઉમર જતા ઘટાડો થાય છે પણ વધારો ક્યારેય થતો નથી. એટલે પેલી જાહેરાતોમાં આવે છે કે ફલાણા શેમ્પુ કે તેલ વાપરવાથી અચાનક તમારા મોડેલ જેવા વાળ થઇ જશે એ વાત માનવાને કોઈ કારણ નથી.
જયારે વાળ ભીના હોય ત્યારે તેની લંબાઈ ૩૦ % જેટલી વધી જાય છે. પણ જયારે તે સુકાઈ જાય ત્યારે ફરી મૂળ સ્થિતિમાં આવી જાય છે.
હવે એક મજાનું તારણ માણસ જીવન ના સરેરાશ ૫ મહિના જેટલો સમય હજામત પાછળ ગાળે છે.
વેલ બેક ટુ હેર ફાઈલ. વાળ એ સુંદર દેખાવના કવચ કરતાં વિશેષ છે, તે જૈવિક ક્રિયાઓના હોસ્ટ તરીકે કાર્ય કરે છે.
તે તાલકાને રક્ષણ પૂરું પાડે છે.
વાળ ગરમીમાં ઠંડક અને ઠંડીમાં હુંફ પૂરી પાડે છે.
તે સનબર્નથી પણ બચાવે છે.પાંપણ અને નાકના વાળ આંખ અને નાકમાં કચરો જતો અટકાવે છે.
હવે એલર્ટ થઇ જજો આપણે વાળ ને લગતી સમસ્યાઓ વિષે ચર્ચા કરીશું. એક સામાન્ય સમસ્યા છે પુરુષો માં બાલ્ડનેસ કે ટાલીયાપણું. જેને એન્ડ્રોજીનેટિક એલીપ્સીયા કહે છે. જે એના નામ પ્રમાણે જ આનુવાંશિક બીમારી છે. જેના લક્ષણો ૧૫ થી ૩૦ વર્ષ દરમિયાન ધીરે ધીરે દેખાવ લાગે છે. જેમાં વાળની ઘનતા ઓછી થવા લાગે છે. જો આગોતરું નિદાન અને ઉપચાર કરાવવામાં આવે તો કહે છે કે સમસ્યા ને હળવી બનાવી શકાય.
હવે પ્રશ્ન એ છે કે કુટુંબ માં પિતા કે કોઈ નજીક ના કાકા કે મામા ને ટાલ હોય તો તેના સંતાન ને આવશે કે કેમ એ કેમ જાણવું ? તેના માટે જીનેટિક ટેસ્ટ કરાવી શકાય જેથી જાણી શકાય કે ટાલ વારસા માં છે કે કેમ. વિડીઓ માઈક્રોસ્કોપીની મદદથી ટાલ પડવાની પ્રક્રિયા કયા ચરણમાં છે તે જાણી શકાય. ઉપરાંત કયા વિસ્તારના વાળ પહેલા ખરશે એ પણ આગાહી કરી શકાય. જેથી ઉપચાર કરવામાં સરળતા રહે. જો કે એક વખત ખરી પડેલા વાળ માટે ખાસ કઈ કરી શકાતું નથી. માત્ર સમસ્યા ને વધુ વકરતી અટકાવી કે ઠેલી શકાય.
આ જ સમસ્યા સ્ત્રીઓમાં પણ જોવા મળતી હોય છે. જેના મુખ્ય કારણો હોર્મોન્સ ની અનિયમિતતા, અંડાશય ની ગાંઠ કે મેનોપોઝ હોતા હોય છે. ૪૦ થી ૫૦ વર્ષની ઉમર દરમિયાન આ સમસ્યા જોવા મળતી હોય છે.
વાળ ખરવા માટે આ સિવાયના અન્ય જવાબદાર કારણોમાં છે માથામાં થયેલી ઈજા, ખોડો,અનીમીયા કે કોઈ ગંભીર બીમારીની સારવાર માટે વપરાતા કેમિકલ્સ કે દવાઓ. ક્યારેક વાળ ખરવું સિગ્નલ પણ હોઈ શકે શરીરમાં રહેલી કોઈ સમસ્યાનું સિગ્નલ. સમસ્યાના કારણો મુજબ એલોપથી કે હોમીઓપેથી કે પછી આયુર્વેદિક સારવાર અવેલેબલ હોતી હોય છે પણ કોઈ જાણકાર કે નિષ્ણાત પાસે કરાવવું હિતાવહ છે નહિ કે માર્કેટ માં ફરતી લોભામણી જાહેરાતો ને સાચી માની જાતે ડહાપણ કરવું.
હવે વાળ ને લગતી કેટલીક ટીપ્સ પર નજર ફેરવીએ.
ધુમ્રપાન કે મદ્યપાન વાળ ખરવા માટે જવાબદાર છે. તો એની માત્રા ઘટાડવી.
લાલ માંસના સેવન થી વાળ ખરવા કે તાલીયાપણાની સમસ્યા ને વેગ મળે છે. જેથી તેનો ત્યાગ કરવો.
ખોરાક માં પ્રોટીનની માત્રા વધારવી. સોયાબીન,દૂધ,કઠોળ,શીંગદાણા વગેરેમાંથી સારી માત્રામાં પ્રોટીન મળી રહે છે. ઉપરાંત ફ્લાવર, ચોખાની ઠુંલીં કે સોયાબીનમાં રહેલું બાયોટીન નામનું વિટામીન વાળના વિકાસ માટે જાણીતું છે. જેથી તેમનો આહારમાં સમાવેશ કરવો.
લીલી ચા તેમજ શણના બીજ પણ વાળ ઉતારવાનું પ્રમાણ ઘટાડે છે.
સતત પાણી પિતા રહો.તે શરીર અને વાળ બંને માટે લાભદાયક છે.
તણાવની વાળ પર સીધી અસર પડે છે. જેથી યોગ પણ વાળના સ્વાસ્થ્ય માટે લાભદાયી નીવડે છે.
હવે વાળ ને લગતી માન્યતાઓ પર નજર ફેરવીએ.આપણે માન્યતાના માણસો છીએ. પરંપરાગત રીતે ચાલતી આવતી વિચારસરણીને અપનાવવા વાળા. માન્યતના કોચલા થી બહાર આવીને લોજીકલ વિચારી જોવામાં મજા પડે છે. ટ્રાય કરી જોજો.... પરંપરામાં જે અપનાવવા જેવું છે તેને તો હમેશા વેલકમ કહીશું પણ ક્યાંક માન્યતા તથ્યહીન જણાય તો એને મુકવા જેટલી ખેલદિલી પણ બતાવીએ.
૧.દરરોજ વાળ ધોવાથી પુનઃ વિકાસ ને અસર પડે. ના એવું નથી. હળવા શેમ્પુ થી વાળ ધોવાથી કોઈ નુકસાન નહિ થાય. વાળ સ્વચ્છ રહેશે અને તેને પોષણ પણ મળશે.
૨. એક સફેદ વાળ ને તોડવાથી બીજા અનેક સફેદ વાળ ફૂટી નીકળે છે. એ બાબત જરાય સાચી નથી. આવું કરવાથી કોઈ ફાયદો પણ થતો નથી.
૩.વાળમાં સતત તેલ નાખવાથી વાળ મજબુત અને લાંબા થાય છે. તેલ થી વાળનું બંધારણ સુધરે છે એ વાત સાચી. તેલ નાખવાથી કંડીશનિંગ થાય છે. પણ તેનાથી વાળ ના વિકાસ ને કોઈ ફાયદો થતો નથી.
૪.મુંડન કરાવવાથી વાળ ઝડપથી વધે છે. આપણે ધાર્મિક કારણોસર મુંડન કરાવીએ એ અલગ વસ્તુ છે બાકી આવું કરવાથી તે મજબુત બનશે કે ઝડપથી વધશે એ માન્યતા ભૂલ ભરેલી છે.
૫.નખ ને એકબીજા સાથે ઘસવાથી વાળ ખરતા અટકે છે. એવી માન્યતાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. એટલે એના પાછળ વધુ સમય બગાડવા કરતા સમસ્યા ની સારવાર કરાવી લેવી હિતાવહ છે.
હજુ વધુ અને ડીટેઈલમાં માહિતી મેળવવા ડો. બત્રાની વાળ પરની બુક વાંચી શકો.
તો આ હતું આપણું આજનું વાળ નું વિજ્ઞાન. આશા રાખું કે રીડર બિરાદરોને ક્યાંક મદદરૂપ થશે.