હજી તો પચાસ વરસ પુરા થયા નહોતા અને કવિતાએ અહી વૃધ્ધાશ્રમમા આવી જવુ પડયુ હતુ. કવિતાને એક રુમ ફાળવવામાં આવેલો. રુમ નંબર બસો બે. સામાન નીચે મુકી પોતે પણ નીચે ફસડાઇ પડી. પોતે કરેલા કાવાદાવા, પળેપળે કરેલી માનસીની ઇચ્છાની હત્યા બદ્દલ પશ્રાતાપ થતો હતો. આજે છતે દીકરે ઘર વગરની થઇ હતી. જે દીકરાને પ્રેમ કયો જીદ પુરી કરી એણે બદલામા પોતાને જ બેઘર કરી હતી. પતિ પણ ઘરના ઝઘડા જોતા જોતા સ્વર્ગે ગયો હતો. અહીં બે બે માળની ચાર સુંદર કોતરણીવાળી ઇમારત હતી, બેમા પુરુષો રહેતા હતા અને બેમા સ્ત્રીઓ. નીચે કાર્યાલય હતુ. બાજુમાં મોટા ગુંબજનું રાધાકૃષ્ણનુ મંદીર હતું. મેદાનમા જાતજાતના વૃક્ષો વાવીને હરીયાળી ઉભી કરી હતી. વૃક્ષો પર પંખીના માળા પણ હતાં. અંદર ચબુતરો હતો, એમા કાગડા, ચકલી, કબુતર તો કયારેક પોપટ પણ આવતા હતા. વાતાવરણમા હળવું કલરવ તો રહેતું જ, જે આશ્રમમાં આહ્લાદકતા ઉભુ કરતુ હતુ. પાછળના ભાગમાં ગાયની ગમાણ હતી. વડીલોને બેસવા સિમેંટની બેઠક પણ હતી. તે ઉપરાંત મેદાનમા ઘણી જગ્યા બચતી જયાં વડીલો ખુલ્લા આકાશ નીચે બેસી પ્રભુસ્મરણ કરતા.
જીંદગીભર રોંફ મારતી કવિતા નીંચા મોએ બેઠી હતી. વૃધ્ધાશ્રમમા સાઇઠથી નેવુ વરસના વડીલો રહેતા હતા. પોતે સૌથી નાની વયની હતી. બહુ જ અકળામણ અનુભવતી હતી. ખુબ શાંત અને રમણીય વાતાવરણ હતુ. અહી આવનારાનાં મનનાં ઉદ્વેગ, ચિંતા અકળામણ દુર થઇ જતા થોડા વખતમાં જ પોતાના ઘર જેવુ લાગવા માંડે. કવિતાને અહી છ મહીના થયા હતા, પરંતુ મનમાં ભુતકાળ સતાવતો હતો. કવિતાએ તો પુત્ર પ્રણયના લગ્ન ખુબ જ મહાલ્યા હતા, ઝાઝો બધો ઠઠારો કરીને તૈયાર થઇ હતી, વાજતે ગાજતે જાન ઘરે આવીને કવિતાએ દીકરો વહુ પોંખ્યાં. અહી કવિતાને સાસુ બનવાનો લ્હાવો લેવો હતો. પરંતુ પ્રણયની વહુને જુદા ઘરમાં રહેવુ હતુ. કવિતા પોતાની વહુને આદેશ પણ કરતી સામે વહુ પણ વિફરતી અને ઘરમાં રમખાણ મચી જતી. વખત જતા કવિતા વહુ પાસેથી સંતાનની માંગણી કરી તો ચોખ્ખુ સંભળાવી દીઘુ, “આ મારો ને પ્રણયનો અંગત મામલો છે!!!” કવિતા તો ડઘાઇ ગઇ, જેમ તેમ દીકરા વહુ સાથે બે વરસ કાઢયા. મા નો લાડકો પ્રણય પણ મા નો દુશ્મન બની ચુકયો હતો કંટાળીને પ્રણયે કવિતાને વૃધ્ધાશ્રમમાં મુકી દીધી અને કવિતા કંઇ જ કરી શકી નહોતી.
ચહેરા પરની અસ્વસ્થતા જોઇ બાજુમા રહેતા એક વૃધ્ધ બહેન બોલ્યા, “બેટા કયાં સુધી દુ:ખી રહીશ? ખબર છે ભુલવુ મુશ્કેલ છે પરંતુ દુખી રહેવાથી તારુ વર્તમાન નહી બદલાય.” સાથે રહેલા બીજા બહેન બોલ્યા, “માનસી દીકરી છ મહીનાથી રજા ઉપર છે જો એ તને મળે તો તો તુ સમુળગી બદલાય જાય તારુ બધુ દુ:ખ ભુલી જઇશ અહી એટલી ઓતપ્રોત થઇ જઇશ કે સગો દીકરો ઘરે લઇ જવા આવે તો ય તુ ના પાડી દઇશ.”
માનસી વૃધ્ધાશ્રમમા ખુબ જ સેવા આપતી, બહુ જલ્દી તે બધા વડીલોની માનીતી થઇ ગઇ હતી, અહી બધાનું ખુબ જ ધ્યાન રાખતી, માન આપતી, વડીલોને ભાવતા ભોજનની વ્યવસ્થા કરતી, વિવિધ સ્થળે જાત્રાએ લઇ જતી, માંદે સાજે ખડે પગે ચાકરી કરતી, સાંજના ભજનનાં કાર્યક્રમનુ આયોજન કરતી, કયારેય કોઇની ફરીયાદ ના આવે એની કાળજી રાખતી, અને ફરીયાદ આવે તો પણ યોગ્ય નિકાલ લાવતી. વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી પણ માનસીથી સંતુષ્ટ હતા એના આગમનથી અહીનાં સદસ્યો એકબીજા સાથે પ્રેમભાવથી રહેતા હતા
કવિતાએ થોડુ સ્મિત આપ્યુ અને વિચારમાં ગરકાવ થઇ ગઇ. કવિતાની દેરાણીનું નામ માનસી જ હતું. બન્ને સગી દેરાણી જેઠાણી. કવિતાને પુત્ર પ્રણય અને માનસીને પુત્રી સોનાલી. બન્ને વચ્ચે બે વરસનો તફાવત. માનસી પરણીને સાસરે આવી ત્યારથી જ કવિતાનો રોફ સહેતી હતી. જયારે માનસીને છોકરી આવી ત્યારે કવિતાએ કંઇ જ બાકી રાખ્યુ નહોતું, “હાય.......હાય લ્યો છોકરી જ આવી..!!!! મે તો કીધુ જ હતુ ને એની માને સાત સાત છોકરી છે તો માનસીને છોકરી જ આવે ને.” માનસીનું મન રોઇ ઉઠયુ પણ પોતાની પુત્રીનાં આગમન પર રોવા નહોતી માંગતી. હર વખતની જેમ આ વખતે પણ મૌન રહેવાનું મુનાસિબ માન્યુ. પરણીને ઘરમાં આવી ત્યારથી દરેક પરિસ્થિતિ સંભાળી લીધી હતી. રસોઈમાં કંઇ સારુ બનાવ્યું હોય તો કવિતા પોતે જ શ્રેય લઇ લેતી. આખરે પોતે માનસીને સાસરીયાની રીતભાતથી પરીચીત કરી હતી. મીંઠુ મરચુ ઓછુ વધુ થયુ તો વાંક માનસી નો જ....... મનગમતી સાડી છુટથી માગીને પહેરી લેતી. એક સાડી તો ફાટી પણ ગઇ તો તરત બોલી માનસી તારી સાડી હતી જ ખરાબ કવૉલીટીની!!!! માનસીને થયુ ખરાબ કવૉલીટીની હતી તો માંગી શું કામ પહેરવા ? સાસુ સસરા સામે ભુલ કાઢે જ, પછી બોલે હશે એમા શું હું શિખવાડી દઇશ...... શરુઆતમા તો માનસી ભાગી પડી હતી, પરંતુ પતિની નજરોમાં નિર્દોષ હતી જ. એટલે બધુ સહેવા તૈયાર હતી, ઘરમાં કોઇ પ્રસંગ હોય તો સાસુ સાથે વાતચીત કરીને નિર્ણય લઇ લેતી પછી માનસીને કામનાં ઓર્ડર છોડવાં માંડે, ઉપરથી કહે મે બધુ નકકી કર્યુ, મે બધુ સંભાળ્યુ છે. માનસીને ગર્ભાવસ્થામા પણ આરામ મળ્યો નહોતો. આ અવસ્થામા હરે ફરે તો તો બહું સારુ કહીને પોતે આરામ કરી લેતી. કંઇ સારુ ખાવાનું મન થાય તો કહી દે આ ન ખવાય આ સ્થિતિમાં. માનસી પિયરે જતી તો પોતે પણ પિયર જવા તૈયાર જ હોય. અને જાય તો વારંવાર ફોન કરીને બોલાવીને જ જંપે.
માનસીની પુત્રી સોનલીની પહેલી વષગાંઠ હતી. સાંજના કેક કટ કરવાનો સમય વહી ચુકયો પરંતુ માનસીનો પતિ આવ્યો જ નહી. આખરે કવિતાનો પતિ શોધખોળ કરવા નિકળી પડયો, થોડીવારમાં ખબર પડી કે રસ્તામાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. માનસી પર તો આફત તુટી પડી. સમાચાર સાંભળીને હૈયાફાટ રુદન કરવા માંડી. કવિતાએ શાંત કરતા મેણુ માર્યુ, “મને તો સોનાલી જ ખરાબ પગલાની લાગે છે એ જ ભરખી ગઇ છે એનાં બાપને.” માનસી રોઇ રોઇને અડધી થઇ ગઇ હતી કવિતાને કંઇ જ કહેવા સક્ષમ નહોતી. સમય જતા હાલત થોડીક સુધરી પરતુ માનસિક રીતે ખુબજ વ્યથિત હતી. ઘરે છ બહેનો કુંવારી હતી એટલે પાછા પિયર જવુ પોસાય એમ હતુ જ નહી.
હવે માનસી પર અત્યાચાર વધતા જતા હતા. સોનાલી અને કવિતાના છોકરા પ્રણયનાં ઉછેરમાં ખુબ જ ભેદભાવ રખાતો હતો. પ્રણય જે માંગે તે બધું જ હાજર થતુ પરંતુ સોનાલીને વધ્યુ ઘટ્યુ જ મળતું, ખાવાપિવામા પણ ખુબ જ તફાવત રહતો હતો. સોનાલીને સરકારી શાળામા મુકવામા આવી અને પ્રણયને ખાનગી શાળામા. બન્ને ભાઇ બહેન સાથે મળીને અભ્યાસ કરે નહી કે સંપીને રમે નહી એની કવિતા ખુબ જ તકેદારી રાખતી. વાતવાતમા કવિતા એમ જ કહેતી છોકરીએ વળી ભણીને શુ કરવુ છે આખરે તો બીજાના ઘરે જવાનુ છેને. છોકરીએ જીભના ચટાકા ન રખાય પારકે ઘરે આવા નખરા મોંઘા પડે . ધીરે ધીરે મોટી થતી સોનાલીને સમજમાં આવતુ હતુ કે મમ્મીની હાલત ખુબજ ખરાબ છે, પોતે શાળાએથી આવીને મમ્મીને મદદ કરતી. પ્રણય અને સોનાલી મોટા થઇ ગયા હતા. પ્રણય તો કોલેજમાં પ્રવેશી ચુકયો હતો. કવિતાનાં લાડથી તે ખુબ જ જીદ્દી અને ઉછાંછળો થઇ ગયો હતો. કવિતા ખુબ જ પોરસાતી હતી અને પ્રણયનાં બેફામ વખાણ કરતી હતી. સોનાલીએ દસ પાસ કર્યુ ત્યાર પછી કવિતાએ આગળ ભણવાની ચોખ્ખી ના પાડી દીધી. હંમેશા શાંત રહેતી માનસીએ આ વખતે થોડી હીમ્મત દર્શાવી અને કીધુ, “મારી સોનાલીને ભણવુ છે એ ભણશે.” કવિતાએ કહી દીધુ કે એનો બાપ ડાબલો નથી ડાટી ગયો કે પાછળ ખર્ચા કરુ. નાછુટકે સોનાલીએ ઘરમા બેસી રહેવુ પડયુ.
બપોરનાં જમવાનો સમય થયોને કવિતા ભુતકાળમાથી બહાર આવી હંમેશ મુજબ ખચકાટ સાથે લોકો વચ્ચે જમવા બેસી પોતાને ખુબ જ નિરાધાર સમજતી હતી જમીને પાછી ઓરડામાં ચાલી ગઇ વળી પાછી વિચારોમા ખોવાઇ ગઇ.
સાસુ સસરા ગુજરી ગયા હતા. કવિતાએ હવે ઘરનો પુરેપુરો તાબો લઇ લીધો હતો. પથારીવશ પતિને પુત્રના લગ્ન માણવાની ઇચ્છા હતી. તો કવિતા પણ દીકરો પરણાવવા આતુર થઇ હતી. એને હવે સાસુ બનવાના કોડ જાગ્યા હતા. સાસુ બનવાની બાજી ખેલવાં પણ તૈયાર હતી. માનસીને તો સંભળાવતી, “ હુ દીકરો પોખીશ રુમઝુમ વહુ આવશે હું સાસુ બનીશ મારા ઘરમાં બાળકોનો કલબલાટ થશે મારો પરિવાર વધશે મારો દીકરો મારો કુળદીપક....... તુ શુ કરીશ? સોનાલી પરણી જશે પછી થઇ જઇશ એકલી અટુલી ના કોઇ આગળ પાછળ” માનસીનું ગળુ ભરાઇ આવ્યુ પણ જાતને સંભાળી લેતા બોલી, “ભાભી હું કન્યાદાન કરીશ.” માનસી કવિતાની વાતથી ખુબજ ભયભીત થઇ ઉઠી પોતે સાચે જ એકલી અટુલી થઇ જવાની હતી. કલ્પના માત્રથી ધ્રુજી ઉઠી. રાતભર ઉંઘ ન આવી. તકીયો રોઇરોઇને ભીનો કરી નાખ્યો. કવિતાએ પ્રણય માટે છોકરી જોવાનુ ચાલુ કરી દીધુ હતુ, અને અહીં માનસીને પણ સોનાલી માટે ચિંતા થતી હતી. પ્રણયેતો કોલેજમા સાથે ભણતી છોકરી સાથે પરણવાનું નકકી કરી નાખેલું. પુત્રઘેલી કવિતા પણ રુપાળી ભણેલી પુત્રની પસંદ પર વારિ ઉઠી અને લગ્નની તારીખ પણ નકકી કરવામાં વ્યસ્ત થઇ ગઇ. પણ પછી લોકલાજે પહેલા સોનાલીના લગ્ન થવા જોઇએ, એટલે સર્વસંમતિથી ભાઇબહેનના લગ્ન એક જ માડંવે કરવા નકકી કર્યુ સોનાલીનું સાસરુ બાજુના શહેરમા જ હતુ. માનસીએ ભારે હૈયે એકલે હાથે કન્યાદાન કયુ અને વિદાયવેળાએ તો ભાંગી જ પડી. આ દુનિયામાં પોતે એકલી પડી ગઇ અને ઘરમાં એકલી રહેવાના ખ્યાલથી તો પાણી પાણી થઇ ગઇ.
નવી આવેલી વહુ સામે પણ કવિતા માનસીનુ અપમાન કરવાનુ ચુકતી નહી. માનસીના સ્વમાનને ખુબજ ઠેંસ પહોંચતી પણ સોનાલીને યાદ કરીને રોયા કરતી. સાત દીવસે સોનાલી પિયર આવી પોતાની માને વધુ દુર્બળ લાગી, આંખો લાલ લાલ અને સોજેલી હતી. પોતે ઘરની પરિસ્થિતિથી વાકેફ તો હતી જ પણ જયારે નોંધ્યુ કે પ્રણયની પત્નિ પણ છણકા કરીને પોતાની મા સાથે વાત કરતી હતી, ત્યારે સમસમી ઉઠી તરત જ એક નિર્ણય લઇ લીધો. સાસરે વળતી વખતે સોનલી મા ને સાથે હંમેશ માટે લઇ ગઇ. માનસીએ ઘણી આનાકાની કરી પણ સોનાલી ન જ માની. મનમા તો માનસી ખુશ થઇ ગઇ કે હાશ...... છુટી દોજખમાથી પણ દીકરીના ઘરે પોતે શોભશે નહી એ વિચારે નાં પાડી. કવિતાએ ના પાડી માનસીને જવા કારણ કે એ જાય તો ઘરનું કામ કોણ કરે? માનસી ખચકાટ સાથે સોનાલીનાં સાસરે ચાલી ગઇ, બસ ત્યાર પછી માનસીનાં કોઇજ ખબર મળ્યા નહોતા.
સાંજના ચાર વાગ્યા અને પ્રાંગણમાં કોલાહલ થઇ ઉઠયો. કવિતાને નવાઇ લાગી કારણ કે હંમેશા અહી શાંતિ જ પથરાયેલી રહેતી. ફકત પંખીનો કલરવ સંભળાતો. કવિતાએ બારીમાથી બહાર જોયુ લગભગ બધા જ વડીલોનીચે ભેગા થયેલા હતા. પરંતુ પોતે નીચે ન ગઇ એ હંમેશા રુમમા જ ભરાય રહેતી. સાથે રહેતા લોકોએ ઘણો આગ્રહ કરેલો શરુ શરુમાં પરંતુ માની જ નહી, અને એકલી જ રહેતી ભજન સંગીતમા પણ જાય નહી પ્રાંગણમાં કદાચ એકાદ બે વખત જ ગઇ હશે એ પણ ત્યારે જયારે કોઇ જ ન હોય.
આજે માનસીએ ફરીથી વૃધ્ધાશ્રમમા સેવા આપવાનુ ચાલુ કરેલુ. પુરા છ મહીના પછી તે અહી ફરી આવી હતી એટલે એને જોઇને સહુ વડીલો ખુશ થઇ ઉઠયા હતા, અને આનંદમાં આવીને એનુ સ્વાગત કરેલુ. માનસીને પણ ઘણુ સારુ લાગ્યુ હતુ. પોતાના પ્રત્યે આટલો પ્રેમ જોઇ એની આંખો છલકાય ઉઠી એણે બધાને પ્રણામ કર્યા. એક બહેન આવ્યા અને કહયુ, “બેટા રુમ નંબર બસો બેમા એક બેનને છ મહીના થઇ ગયા છતા દુ:ખી-દુ:ખી થઇ ફરે છે તુ તારી જાદુઇ છડી ફેરવી દેને એના ઉપર.” માનસીએ હસીને હા પાડી અને કાર્યાલયમાં મદદ કરવા ગઇ.
માનસીએ ચા પીધી પછી એક મોટો ચોપડો ઉઘાડયો. આ ચોપડામા અહી આવેલાં નવા સદસ્યની નોંધણી કરવામાં આવતી. માનસી નવા આવેલા સદસ્ય માટે હંમેશા ચાનો કપ, નાસ્તો, તાજા ફુલોનો ગુલદસ્તો અને કૃષ્ણ ભગવાનની મુર્તિ લઇ જતી. ચોપડામા નામ ઠેકાણુ રુમ નંબર કંઇ જ લખ્યુ નહોતુ. સહકાર્યકર્તાને પુછયુ તો ખબર પડી કે હવેથી નામની યાદી કમ્પયુટરમા જોવા મળશે, એટલે વસ્તુ લઇને માનસી સીધી રુમ નંબર બસોબેમા ચાલી ગઇ.
દરવાજો ખુલ્લો જ હતો એટલે અંદર દાખલ થઇ અને દંગ થઇને જોવા જ લાગી. બન્ને એકબીજાને જોતા રહયા, એકબીજાની ઓળખાણ પણ પડી ગઇ હતી. માનસી કવિતાને જોઇને ફફડી ઉઠી, એને એમ થયુ કે હમઁણા કવિતા પોતાને ખખડાવી નાખશે એ ડરે નજર નીચી કરી ઉભી રહી ગઇ. પણ એના કાને ડુસકુ સંભળાયુ એટલે નજર ઉંચી કરી કવિતાને રોતા જોઇ!!!!! માનસીને ઘણું જ આશ્ર્ચર્ય થયુ. જીંદગીમાં પહેલીવાર કવિતાને આટલી નિ:સહાય જોઇ હતી. કવિતાને સાંત્વના આપી ચુપ કરી, પાણી આપ્યુ. કવિતા બોલી, “માફ કર મને માનસી મે તને બહુ જ હેરાન કરી, તુ બેઘર થઇ જઇશ એમ કહયુ પરંતુ હાલત તો મારી ખરાબ થઇ. માનસી પણ કવિતાનો સંતાપ ન સહી શકી અને રોવા લાગી. માનસી ઇચ્છે તો તેનુ અપમાન કરી શકતી હતી. પરંતુ એની ફરજ હતી લોકોને પ્રેમ કરવો, લોકોને ખુશ રાખવા વળી, એના સ્વભાવમાં જ કયા હતુ કોઇને દુભાવાનુ. થોડીવારે બન્ન્ શાત થયા માનસીએ કવિતાને અહી આવવાનુ કારણ પુછયુ, તો રોતા રોતા કવિતાએ આપવિતી કહી. માનસી બહુ જ દુ:ખી થઇ. કવિતા બોલી, “તારે અહી મારા કારણે જ આવવું પડયું હશે ને જમાઇ કંઇ જીંદગીભર થોડા સાચવી શકે મારા કારણે જ તારા આવા હાલ થયાને? અને ફરી એની આંખો ભીની થઇ ગઇ. માનસી બોલી ઉઠી, “ના ભાભી ના એમ નથી તમે આમ દુ:ખી ના થાવ.” અને કહયુ કે પરંતુ બહુ જલ્દી જ સોનાલીનાં ઘરમાં ભળી ગઇ હતી. સોનાલીનો પતિ પ્રેમાળ છે. સાસુ સસરા પણ મને જોઇતુ માન આપે છે. પરંતુ છતાયે મને ઓશિયાળુ લાગતું હતું આખરે સોનાલીના પતિએ એક રસ્તો શોધી લીધો. એની ઓળખાણથી આ વૃધ્ધાશ્રમમાં કાર્યકર્તાની જરુર હોવાથી મને સેવા આપવા જણાવ્યુ, હવે દીવસભર અહીં સેવા આપુ છુ, અને રાત પડે સોનાલીનાં ઘરે ચાલી જાવ છુ, મને હવે બે બે પરિવાર મળ્યા છે. હું હવે જીંદગી માણતી થઇ ગઇ છુ. કવિતા બોલી, “કન્યાદાનથી તે પુણ્ય કમાઇને એક નહી પણ બે બે પરિવાર પામ્યા છે. જમાઇના રુપમા દીકરો પામ્યો છે દીકરો” માનસીએ બીજા સમાચાર આપ્યા કે સોનાલીની ગર્ભાવસ્થાને કારણે પોતે છ મહીના રજા ઉપર ઉતરી ગઇ હતી. પોતે એક મીઠડી પરી જેવી છોકરીની નાની બની છે. છોકરા તરફથી તરછોડાયેલી કવિતાએ કન્યા જન્મ પર બહુ જ ખુશ થઇ અને આશિર્વાદ આપ્યા. પોતે સાવ એકલી થઇ ગઇ હતી એટલે રોવા માડી માનસી બોલી, “ભાભી જે થયુ તે થયુ, બધુ જ ભુલી જાવ, તમે મોટા છો તમે જે કયુ એ બદ્દલ મને કોઇ જ દુખ નથી અને હા તમે પરિવાર વગરનાં નથી બીજા પરિવાર સાથે સંબંધ જોડાયો છે, ચલો નવેસરથી આપણે સાથે રહીને જીંદગી માણીયે, એક વખત તમે મારુ ઘરમાં સ્વાગત કયુ હતુ ને આજે હુ તમારુ સ્વાગત કરુ છુ.”
.
.