Smile Please... in Gujarati Short Stories by Triku Makwana books and stories PDF | સ્માઈલ પ્લીઝ ...

Featured Books
Categories
Share

સ્માઈલ પ્લીઝ ...

સ્માઈલ પ્લીઝ ....

સતત ત્રણ રાતોથી તે ઊંઘ્યો ન હતો, ઊંઘ તેનાથી જોજનો દુર ભાગી ગઈ હતી. કોઈપણ નોટીસ પીરીઅડ આપ્યા વગર અચાનક જ ત્રણ દિવસ પહેલા તેના મેનેજરે તેને નોકરી પરથી છુટ્ટો કરવામાં આવ્યો હતો. H R ડીપાર્ટમેંટ, એકાઉંટ વિભાગ વગેરે લાગતા વળગતા વિભાગોમાંથી તેનો બધો જ હિસાબ કરી દેવામાં આવ્યો હતો. જો કે તે જાણતો હતો કે આ વર્ષે કંપની પાસે નવા ઓર્ડર નથી અને જુના જે ઓર્ડર હતા તે પણ પુરતા પ્રમાણમાં નહોતા. એટલે કંપની મેન પાવર ઓછો કરવાની છે તેવી ચણ ભણ તો ઘણા સમયથી સંભળાતી હતી. પણ આ બધું આટલું જલ્દી બનશે અને આમાં તેનો પણ ભોગ લેવાશે તે બાબતે તે અજાણ હતો. વળી તેની ઉમર પણ પ્રમાણમાં વધારે હતી એટલે નવી ભરતી કરવામાં આવેલ યુવાનો જેવી ચપળતા તે દાખવી શકતો નહોતો. પણ જયારે તે યુવાન હતો ત્યારે મેનેજરના કહેવાથી જ બીજી કંપનીમાં સારી તકો મળતી હતી છતાં તે તકો તેણે જતી કરી હતી. અને તે વખતે મેનેજર પણ પણ તેની કંપની પ્રત્યેની વફાદારીના ગાણા અવાર નવાર કંપનીના માલિક પાસે ગયા કરતા, અને માલિક પણ જયારે બધાની સામે તેની પીઠ થાબડતા ત્યારે તેને ખુબ ગર્વની લાગણી થતી. પણ ત્રણ દિવસ પહેલા આ બધું જ ભુલાઈ જવાયું. અને મેનેજરે તેને પાણીચું પકડાવી દીધું.

હજુ છોકરો છોકરી ભણતા હતા, ગામડે માં બીમાર હતી અને પોતે સૌ ભાઈમાં નાનો હોવાથી માંના ખાધા ખોરાકી તથા દવા દારૂના પૈસા પણ પોતાને જ મોકલવા પડતા. તેને ધંધાનો કોઈ અનુભવ ન હતો. અને ભાઈ બહેન સહુ સારી સ્થિતિમાં હતા પણ તેમાંથી કોઈ પણ તેની મદદ કરે તેવું નહોતું. પત્ની પણ ગરીબ ઘરની હતી એટલે તે બાજુ પણ કોઈ આશા રાખી શકાય તેમ નહોતું, ઉલટું ઘણીવાર સાળાને પોતે મદદ કરી હતી. અને મોઘવારી એટલી હતી કે ૨૦ વર્ષની નોકરીમાં કશી પણ બચત થઇ નહોતી.

ઘરનું કરીયાણું, દૂધ, નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓ, લાઈટ બીલ વગેરે બાકી હતું. કંપનીમાંથી તો માત્ર એક પગાર જ આપવામાં આવ્યો હતો. PF વગેરે પગારમાંથી કાપવામાં નહોતું આવતું, અને વધારામાં છોકરાને બાઈક પણ લઇ આપી હતી. જો કે તેની ઈચ્છા તો છોકરાને બાઈક અપાવવાની નહોતી પણ પત્ની ગળગળી થઇ ગઈ હતી. કહેતી હતી કે તેના બધાજ દોસ્તો પાસે બાઈક છે તો જો લઇ આપો તો સારું. તે પીગળી ગયો હતો અને લોનથી બાઈક લઇ આપી હતી. ત્યારે માં દીકરાનો ચહેરો ખુશીથી છલકાઈ ઉઠ્યો હતો.

તે મનમાંને મનમાં મુંજાતો હતો, તેણે હજુ સુધી ઘરમાં કોઈને વાત કરી નહોતી. ત્રણ દિવસ ટીફીન લઈને ઓફીસના સમયે ઘેરથી નીકળતો, છાપામાં વાંચીને જ્યાં વેકેન્સી હોય ત્યાં બધેજ ફરી વળતો. પણ તેની આધેડ અવસ્થાને કારણે કોઈ નોકરી આપવા તૈયાર નહોતું. વળી આજે તેના પુત્રનો જન્મ દિવસ હતો, બધા તેની દોડાદોડીમાં પડ્યા હતા, અને આજે તેને ઓફિસમાંથી રજા લેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે તેને તો આમેય રજા હતી. આજે ઉદાસી જરા વધારે લાગતી હતી. તેની પત્નીનું ધ્યાન તે તરફ ગયું એટલે પૂછ્યું કે શું થયું છે? મોઢું પડી કેમ કયું છે? તે મ્લાન વદને બોલ્યો, કશું થયું નથી. જરા તબિયત બરાબર નથી એટલે. ભલે પત્નીએ કહ્યું કેક કપાય જાય પછી આપણે દવા લેવા જઈશું.

છોકરાના જન્મ દિવસની બધી તૈયારીઓ પૂરી થઇ ગઈ, ઓરડાને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો, સરસ મજાની કેક લઇ લાવવામાં આવી હતી, કોલ્ડ્રીન્કસ, નાસ્તો, વગેરે ટેબલ પર મૂકી દેવામાં આવ્યા હતા. છોકરાના મિત્રોથી આખો રૂમ ભરાઈ ગયો હતો, ત્યાં રહેલ બધાજ આનંદિત હતા, છોકરાએ કેક કાપી સાથેજ "હેપ્પી બર્થ ડે ટૂ ઉમંગ " ના ઉદગારો ચારે બાજુથી પડઘાય રહ્યા અને છોકરાએ કેક કાપી. અને મમ્મીને કેકનો એક ટુકડો આપ્યો. ત્યાર બાદ પોતાને કેકનો ટુકડો આપ્યો ત્યારે ફોટો ગ્રાફર ફોટો ખેંચવા કેમેરાની સ્વીચ દબાવતા કહ્યું ......અંકલ સ્માઈલ ...પ્લીઝ...તેણે હસવા માટે ખુબ પ્રયત્ન કરો..પણ તેનાથી સ્માઈલ કરવાનું શક્ય ન બન્યું.....અને તે ધ્રુસકે ને ધ્રુસકે ને રડી પડ્યો. શું થયું? શું થયું ? કરતુ આખું ટોળું તેની તરફ ધસી ગયું.