Dost Mane Maf Karis Ne ? - Chapter - 1 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દોસ્ત મને માફ કરીશને ? (પ્રકરણ-1)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

દોસ્ત મને માફ કરીશને ? (પ્રકરણ-1)

દોસ્ત, મને માફ કરીશ ને ?

.....પ્રકરણ..1

(અનિકેત આવ્યો છે.)

લેખક : નીલમ દોશી

Email :

દોસ્ત, મને માફ કરીશ ને ?

( કલાગુર્જરી મુંબઇ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા બેસ્ટ બુક એવોર્ડ ઓફ વરસ 2014 )

આનું નામ નવલકથા..

માનવજીવનની સર્વોચ્ચતા અને અને અધમતા વિશે જગતનો ઇતિહાસ ભર્યો પડયો છે. માનવહ્રદયની બે સર્વોચ્ચ વિભાવનાઓ ..એક પ્રેમની અને બીજી ધિક્કારની ..મુઠીભર હ્રદયમાં ધબકતી આ બે લાગણીઓએ છેક આદમ અને ઇવથી માંડીને જગતભરની પ્રજાઓના હજારો સંબંધોના ઉત્તમ અને અધમાધમ , પાવિત્ર્ય અને પૈશાચિકતા , પયંગબરી અને રાક્ષસી બધા જ પ્રકારો પ્રગટાવ્યા છે. જયભિખ્ખુ તેથી જ કહે છે,

“ આદમી છે દેવ , શેતાનનો ચેલો “ આ મુઠ્ઠીભર હ્રદયમાં પ્રેમ પ્રગટે છે ત્યારે મનુષ્યનું ઇશ્વરીપણું પ્રગટે છે. અને ધિક્કાર પ્રગટે છે ત્યારે સ્વનાશ અને સર્વનાશની બધી જ રિતરસમો પ્રગટ થાય છે. આશ્ર્સ્વર્યની વાત કેવી છે કે પ્રેમની સર્વોચ્ચ લાગણીના શિખર પર પણ વેર અને ધિક્કાર બિરાજે છે.. તો વેરના સર્વોચ્ચ શિખરે પ્રેમ બિરાજે છે. આપણા મહાકાવ્યો..રામાયણ અને મહાભારત એના જવલંત ઉદાહરણો છે.

પ્રેમ ઇશ્વર સમો અવ્યાખ્યેય છે. માનવહ્રદયને અને જીવનને અજવાળતો પ્રેમ શબ્દાતીત અને અર્થાતીત છે. પ્રેમ જાગે છે ત્યારે જીવનના મધુર અને પવિત્ર અર્થો પ્રગટે છે..પણ એ જ પ્રેમ જયારે અધિકાર માગે છે ત્યારે એ એનું સત્વ ગુમાવે છે.

પ્રેમ અને નફરતની બંને વિભાવનાનું “દોસ્ત, મને માફ કરીશ ને ? “ નવલકથામાં નીલમબેને ઉકૃષ્ટ અને ભાવવાહી શૈલીમાં આલેખન કર્યું છે. લોકસત્તા, જનસત્તાની રવિવારીય પૂર્તિ “ મહેફિલ”માં તેના આરંભથી અંત સુધી પ્રત્યક્ષ થવાનું બન્યું. તે સમયે સાપ્તાહિક એડીટોરીલ કાર્યમાં તેના સત્વ સુધી પૂર્ણતયા ન પહોંચી શકાય તે સ્વાભાવિક છે. પરંતુ આ નવલકથા વિશે લખવાનું આવ્યું ત્યારે ફરી એકવાર આખી નવલકથા ભાવક તથા અવલોકનકાર તરીકે અભ્યાસદ્રષ્ટિથી વાંચી ગયો. આ અનુભવ ઉમદા અને નવો નીકળ્યો. સમગર નવલકથ અને ગે જે તારણો નીકળ્યા તેની નોંધ પણ કરતો ગયો. ત્યારે ફરીથી આ સંવેદનરસી નવલકથામાંથી ઋજુલ પ્રતિભાવો અને તેની બળકટતા પ્રગટ થતા ગયા તે પણ અનુભવાયું..

નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ..ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. પ્રેમની પવિત્રતા શિશુવયમાં પ્રગટે તેની નિર્મળતા અલૌકિક હોય છે.

નવલકથાનો ઉઘાડ નિસર્ગ અને ઇતિના નિર્મળ વ્યક્તિત્વ સાથે થાય છે. નાનપણમાં ઉછરેલો પ્રેમ કિશોરવય સહજ મસ્તી, તોફાનની નિર્દોષતામાં વિકસતો જાય છે. ઇતિના આરંગેત્રમ વખતે અનિકેતે ઇતિને એક મ્યુઝીકલ ઘડીયાળ ભેટ આપ્યું..

“ આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર , સમયથી પર હશે એવા કોઇ શબ્દો વિના જ... “

અનિકેતની બહેન અમેરિકામાં હતી. તેણે તેના કુટુંબને અમેરિકા બોલાવી લીધું. અનિકેતની વિદાયના એ પ્રસંગે ઇતિ અને અનિકેતના પ્રબળ ભાવવાહી પ્રસંગનું કરૂણમંગલ સ્થિતિનું હ્રદયસ્પર્શી વર્ણન વાર્તાના પ્રવાહને વેગ આપે છે. એ

કાવ્યમય ક્ષણો ભાવકને અચૂક ભીંજવી રહે છે.

કાળનું ચક્ર ફરે છે. અને ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અનિકેતને કહેતી રહે છે..જેમાં દરેક વખતે અનિકેત હાજર છે.અરૂપ..એક પુરૂષ એ સહન નથી કરી શકતો..ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે.પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી. ઇતિને અનિકેતથી દૂર કરવાના પેંતરા કરતો અરૂપ હકીકતે અસુરક્ષાની ભાવનાથી પીડાય છે. અરૂપના પ્રેમભર્યા હ્રદયમાં અનિકેત માટે નફરત, ધિક્કાર, વેરની આગ ભભૂકે છે. અને આ આગ માનવીને સારાસારનું ભાન ન ભૂલાવે તો જ નવાઇ.. અનિકેત મરી જાય છે..એ વાત પણ અરૂપ ઇતિથે છૂપાવે છે.મૃત્યુને આંગણે ઉભેલા અનિકેતને અંતિમ ક્ષણોએ પણ ઇતિ મળી ન શકે એ માટે મથતો રહે છે.

અનિકેત હવે આ દુનિયામાં નથી..એ સમાચાર ઇતિને મળતા તે આઘાતથી મૂઢ બને છે. પણ એ આઘાત કંઇ ફકત અનિકેતના મૃત્યુનો નથી. એ આઘાત અરૂપે તેની સાથે કરેલા આવા વર્તનનો.. અરૂપના આ હીન કક્ષાના સ્વરૂપનો પરિચય સરળ ઇતિના ચિતત્તંત્રને આંચકો આપી ગયું. ઇતિ કોઇ પણ સંવેદન રહિત, જડ બની ગઇ.. ઇતિની આ સંગદિલ સ્થિતિથી હચમચી ગયેલા અરૂપના હૈયામાં પસ્તાવાનું પાવક ઝરણું પ્રગટયું. તે રાત દિવસ રડીને ઇતિની માફી માગતો રહ્યો. શબવત બની ગયેલી ઇતિ સમક્ષ પોતાના પાપનો..પોતાની ભૂલોનો એકરાર દિલની પૂરી સચ્ચાઇથી કરતો રહ્યો..માફી કે સજા માગતો રહ્યો.પરંતુ હવે મૂઢ બની ગયેલી ઇતિ એ સમજી શકે..સાંભળી શકે એવી ચેતના ગુમાવી બેઠી હતી. અરૂપ પ્રેમનો સાચો અર્થ પામ્યો હતો. પણ કયા ભોગે ?

એવા સમયે અરૂપનો મિત્ર, અંકુર, તેની પત્ની વૈશાલી અને તેના બે નાનકડાં બાળકો..પરમ, પરિનિ તેમને ઘેર આવે છે. નિસંતાન ઇતિના હ્રદયમાં એ બંને બાળકો કેવી રીતે વાત્સલ્યનું ઝરણું ફરીથી વહેતું કરે છે..મૂરઝાઇ ગયેલી ઇતિમાં કેવી રીતે નવજીવનનો સંચાર થાય છે. અરૂપનો સ્નેહ કઇ ઉંચાઇએ પહોંચે છે..એનું હ્રદયસ્પર્શી આલેખન , મનને રણઝણાવી રહે છે. અરૂપ મનોમન પોતાના દોસ્ત અનિકેતની માફી માગતો રહે છે. અને અંતમાં ઇતિ અને અરૂપ કેવી રીતે બે બાળકોને અનાથાશ્રમમાંથી દત્તક લાવે છે..એ પ્રસંગોનું ભાવવાહી ચિત્રણ સહ્દયી ભાવકોની આંખો અવશ્ય ભીંજવી જશે. અંતે આકાશના તારામાં જાણે અનિકેતને નીરખી રહ્યો હોય તેમ અરૂપ તારો બની ગયેલા દોસ્તની મનોમન માફી માગતા બોલી ઉઠે છે..

“ દોસ્ત, મને માફ કરીશ ને ? “ શીર્ષકના આ શબ્દો સાથે નવલકથા પૂરી થાય છે.

અરૂપ… નામ પ્રમાણે જ રૂપ, અરૂપભરી લાગણીઓ અનુભવી. ઇતિનો ગુનેગાર થયો. પરંતુ ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. પ્રેમના ફરિશ્તા સમા ઇતિ અને અનિકેતનું પાત્રાલેખન સંવેદનાની નિર્મળતા સાથે જે રીતે આલેખાયેલું છે તે સર્જકચિત્તની અનાયાસ શક્તિનું સ્વયંભૂ નિર્વહણ કેવું હોય તેનો સતત ભાવાનુભવ કરાવે છે. સમય નિરવધિ છે. ( ભવભૂતિ કહે છે.. કાલો હ્યયં નિરવધિ વિપુલા ચ પૃથિવિ ) કાળ યુગોથી અપ્રતિમ વિજેતા રહ્યો છે. એણે સર્જેલી ક્ષણોના પરિતાપ વેઠવા જ રહ્યા. ઇતિ, અનિકેત અને અરૂપ કાળના હાથના રમકડાં.. કાળ મહાન છે એની પ્રતીતિ નવલકથામાં સતત થતી રહે છે.

નવલકથામાં પાત્રોના અતીત અને વર્તમાનનું ખૂબ સરસ ગૂંફન થયું છે. પ્રસંગાનુરૂપ વાર્તાના કલાત્મક આયામ નિખરતા રહે છે. પાત્રાલેખનમાં એક સર્જક તરીકે જે ધીરતા, પ્રસંગોના આકલનમાંથી તેમના જે મનોભાવો, લાગણીઓ, અને મથામણ પ્રગટવા જોઇએ તે તે કૌશલ લેખિકાની કલમમાંથી સંગોપાંગ ઉતર્યા છે. પ્રકૃતિના મનોરમ વર્ણનો પાત્રોની ભાવ સૃષ્ટિને પ્રગટ કરે છે. ભાષા કે વિદ્વતાની કોઇ ભભક નહીં.. ઓછા પાત્રોની અંતરંગ જીવનની લીલાના આવર્તનો બહું સરળ અને સહજ રીતે નિર્માતા રહ્યા છે. પ્રેમ, અહંકાર અને ધિક્કારની લડાઇમાં પ્રેમનો વિજયધ્વજ ફરકાવતી આ કથાનો આનંદ સાત્વિક આનંદ છે. કાલના ફલક પર માનવી પ્રેમથી જ જીવી શકે અને જીતી શકે..

આજના કોર્પોરેટ યુગમાં સમાજ, માણસો, સંબંધો વગેરે સંકુલ અને સંકીર્ણતામાં ઉઝરડાઇ રહ્યા છે તેવે સમયે માનવહ્રદયની ઉદાત્તતા , ઉત્કૃષ્ટતા વ્યવહાર જગતની ભીડમાં પણ પ્રગટી શકે છે. જીવનની કવિતાનું મધુર અને પવિત્ર ગાન ગૂંજી શકે છે તે તરફ આ નવલકથા નિર્દેશ કરે છે. નવલકથાનું કથા વસ્તુ અને ઘટના તત્વ મજબૂત છે. સાચી સંવેદનશીલતાથી ખળભળતી આ નવલકથા સંઘેડાઉતાર બની છે.દરેક પ્રકરણની કાવ્યાત્મકતા પણ સ્પર્શ્ય બની રહે છે. નવલકથાનું સમગ્રતયા પોત કસબના તાણાવાણા સાથે સુધડ રીતે વણાયું છે. જીવન પ્રેમ અને ધિક્કાર..બંનેને સ્પર્શે છે ત્યારે કેવા કરૂણમંગલ ચડાવ ઉતાર વેઠવા પડે છે…. જીવન કેવું આજાર બની જાય છે તેની કરૂણગાથા આ નવલકથામાં સુપેરે પારગામી બની રહે છે.

સર્જનકલાની એક ખૂબી નોંધવાનું પણ મન થાય છે. કરૂણતા આલેખતી જગતની ઉત્તમ કૃતિઓ વાંચીને ભાવક છેવટે આનંદ અને પરિતોષ પામે છે. પીડા શેષમાં આનંદ મૂકતી જાય તે પણ સર્જનલીલાનો કેવો ગૂઢ ચમત્કાર..!

આથી જ આ કૃતિ વાંચ્યા, સમજયા અને માણ્યા પછીનો મારો હર્ષોદગાર આ છે..

“ આનું નામ નવલકથા “

અ.સૌ. નીલમબેનને અંત:કરણની શુભેચ્છાઓ, શુભાશિષો, અને આવી અનન્ય કૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાને જીવાડવાના સર્વે પ્રયાસો થતા રહે એવી શુભ કામના.. આ પ્રતિભાવનો નીલમબેન આભાર ન માને તેવી વિનંતિ છે .

દેવહુમા “(
રણછોડભાઇ પંચાલ )

( સંપાદક ..જનસત્તા..લોકસત્તા )

તારીખ 18/2/ 2011

આવકાર

નીલમબહેન દોશીની પ્રથમ નવલકથા “ દોસ્ત મને માફ કરીશને” પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એમને આવકાર અને અભિનંદન આપું છું.

નીલમબહેને બાળનાટક, નવલિકા, લઘુકથા જેવાં સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. એમના બાળનાટ્યસંગ્રહ.. “ગમતાના ગુલાલ “ ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાધીનગર, દ્વારા તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટે દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું છે. એમણે ડાયરીના સ્વરૂપમાં લખેલું પુસ્તક “ દીકરી, મારી દોસ્ત” વાંચકોનો પ્રેમ મેળવી ચૂક્યું છે. એનો અંગ્રેજીમાં..” ડોટર માય ફ્રેંડ “ નામે અનુવાદ પણ પ્રકાશિત થયો છે. “ કવિતા તેમનો પ્રથમ પ્રેમ છે. તેઓ વિવિધ સામયિકો અને અખબરોમાં નિયમિત રીતે કટાર લખીને માણસના જીવનમાં બનતી નાની નાની વાતો અને માનવસંબંધો પર ઉજાસ પાડે છે. તેઓ પોતાની સર્જનપ્રક્રિયા માટે માને છે: “ ભીતરમાં જે કાંઈ સંઘરાયેલું છે તે અનાયાસે શબ્દરૂપે બહાર આવતું હશે. મારા લખાણમાં સંવેદના ચોક્કસ હોય જ. જે લખું તે ફીલ કરીને દિલથી જ લખું છું.”

નીલમબહેન છેલ્લા પાંચેક વરસથી સાહિત્યસર્જન પરત્વે વિશેષ સક્રિય થયાં છે. તેઓ કહે છે: “મારું શમણું મોટા સાહિત્યકાર થવાનું નથી. મારું સાચું શમણું તો છે અનાથ બાળકો માટે કામ કરવાનું.” સાહિત્યના સેવનથી વિકસેલી સંવેદનશીલતા અને જીવન પ્રત્યેની સમજ એમને સમાજસેવાનાં કામ તરફ ખેંચી જાય એમાં નવાઈ નથી.

પોરબંદરમાં જન્મેલાં નીલમ દોશીએ એમનું લખેલું પોતાના નામે છપાવવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓ પોતાની રચનાઓ અન્ય સગાંવહાલાંઓનાં નામે છપાવતાં હતાં. એની શરૂઆત મોટી બહેનના લગ્નપ્રસંગે એમને કશીક અદ્વિતીય ભેટ આપવાના ઉત્સાહમાંથી થઈ હતી. એ ભેટ રૂપે એમણે એમની એક કવિતા બહેનના નામે છપાવી. ત્યાર પછી અન્ય સગાંવહાલાં પણ એમના નામે કોઈ ને કોઈ રચના છપાવવાનો આગ્રહ રાખવા માંડ્યાં. એક વાર નીલમબહેનની એક વાર્તા એમના પોતાના નામે છપાઈ ત્યારે કેટલાંક સગાંવહાલાં નારાજ થઈ ઊઠ્યાં હતાં એવું નીલમબહેન રમૂજપૂર્વક યાદ કરે છે.

તેઓ છેલ્લાં દસેક વર્ષોથી ગુજરાતની બહાર વસે છે. નિજાનંદ માટે પ્રવાસ કરવો ગમે છે. બંને સંતાનો અમેરિકામાં સ્થિર થયાં હોવાથી ભારત અને અમેરિકાની વચ્ચે એમની આવન જાવન ચાલતી રહે છે. એ કારણે એમને વિવિધ સ્થળો અને જુદા જુદા પ્રકારના લોકોનો પરિચય થતો રહ્યો છે. નીલમબહેનને માણસો ગમે છે. માણસ પર અવિશ્વાસ કરવા કરતા વિશ્વાસ મૂકીને કદીક છેતરાવું પડે તો તે પણ તેઓ વધારે પસંદ કરે છે. સંબંધો એમને મન બહુમૂલ્ય મૂડી છે. લાગણીનું મહત્ત્વ એટલું બધું કે જાણે એમનું મન લાગણીનાં એક ટીપાંને મેગ્નિફાય કરીને સાગર જેવડું કરી નાખતું હોય એવું નજીકના મિત્રોનું નિરીક્ષણ છે. તેઓ જીવન પ્રત્યે ભરપૂર સકારાત્મક અભિગમ ધરાવે છે.

આ બધું જ એક વ્યક્તિને સર્જક બનવા માટે ઘણું બધું ભાથું પૂરું પાડે છે. સંવેદનશીલ મન, બીજા લોકો તરફ સમભાવ, સંબંધોમાં ઊંડી શ્રદ્ધા, ચિત્તને સદા ઊર્ધ્વગામી રાખવાની ખેવના વગરે ગુણો એમના વ્યક્તિત્વને પ્રગટાવે છે. નીલમબહેનની પ્રથમ નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશને’ના વિષયવસ્તુ, એનાં પાત્રોમાં દેખાતી સંવેદનશીલતા, જીવન પ્રત્યેની સમજ, સંબંધોની નવી ભૂમિકાની ખોજ જેવી વિવિધતાનાં મૂળ એના સર્જકના ચિત્તમાં જ પડેલાં જોઈ શકાશે.

આ પ્રથમ નવલકથા સાથે ગુજરાતી નવલકથાના પ્રવાહમાં પ્રવેશ કરી રહેલાં નીલમબહેનને હું શુભેચ્છા સાથે આવકાર આપતાં આનંદ અનુભવું છું.

-વીનેશ અંતાણી

કંઇક કહેવું છે....

શબ્દોના સથવારે એકલતાને અકાંતમાં પરિણમવાની મથામણ એટલે મારી આ શબ્દયાત્રા.... પતિ તેના કામમાં અતિ વ્યસ્ત અને બાળકો સાત સાગર પાર...ત્યારે હમેશની જેમ મારા never failing friends પુસ્તકોનો સથવારો જ રહ્યો.પહેલી વાર જયારે ડી.બી. ગોલ્ડમાંથી બાર હપ્તાની લઘુનવલ લખવાનું આમંત્રણ આવ્યું ત્યારે શું કહેવું તે ખબર નહોતી પડી. નવલકથા...અને હું ?

આજ સુધી અનેક નવલકથાઓ વાંચી છે. અશ્વિની ભટ્ટ, દર્શક,ક.મા. મુનશીથી માંડીને રઘુવીર ચૌધરી, વીનેશ અંતાણી..આ બધા મારા પ્રિય લેખકો..એમની નવલકથાઓ એક વાર નહીં અનેક વાર વાંચી છે.અને ત્યારે હમેશા મારા મનમાં પ્રશ્ન અચૂક ઉઠતો કે બાપ રે..! આટલું બધું કેમ લખી શકાતું હશે ? મારો પ્રથમ પ્રેમ તો કાવ્ય જ..પરંતુ છંદની ગાડીપકડી શકાઇ નહીં. કદાચ એ માટે જરૂરી ધીરજનો મારામાં અભાવ. અતિશય ઉતાવળિયૉ સ્વભાવ.. તેથી છંદની ગાડી છૂટી ગઇ અને પધ્યને બદલે ગધ્યના કુછંદે ચડી ગઇ.

નવલિકાઓ, નાટકો, લલિત નિબંધો લખાતા હતા..છપાતા હતા..કયારેક ઇનામ પણ મળતા હતા...અછાંદસ કાવ્યો પણ કયારેક સાવ અચાનક ઉતરી આવતા. પણ નવલકથાઅનું તો સપનું યે નહોતું આવતું.

પણ જયારે સામેથી આમંત્રણ આવ્યું ત્યારે હિંમત કરી શરૂ કર્યું. અને મને પોતાને પણ ખબર ન પડી કે બાર પ્રકરણ કયારે કેમ લખાઇ ગયા.

એ લઘુનવલ “ખંડિત મૂર્તિ “ છપાણી..ઘણાં વાચકોએ સરસ પ્રતિભાવ આપ્યા...ઉત્સાહ વધ્યો.

અને એ જ મૂડમાં “ દોસ્ત, મને માફ કરીશને ? “ના ચાર હપ્તા લઇને શુક્રવારે જનસત્તામાં મળવા ગઇ. કેમકે જનસત્તા પ્રેસ ઘરની સામે જ હતું. તરુણભાઇએ કહ્યું..તમે મૂકી જાવ..અમારા દેવહુમા સાહેબ વાંચશે ને એમને પસંદ આવશે તો છાપીશું.

મારા આશ્ર્વર્ય વચ્ચે બીજે જ દિવસે શનિવારે જનસતામાંથી ફોન આવ્યો કે દેવહુમા સાહેબે કહ્યું છે કે આ નવલકથા તો છોડાય જ નહીં...પહેલા પ્રકરણથી જ તેમને સ્પર્શી ગઇ. અને તે જ રવિવારથી છપાવાનું ચાલું થયું. હું તો મનમાં ગભરાઇ કે મેં તો ચાર જ પ્રકરણ લખ્યા છે..આગળ શું કરીશ એ તો વિચાર્યું પણ નથી. આટલું જલદી છપાવાનું ચાલું થઇ જશે એવી તો કલ્પના કયાં હતી ?

પરંતુ પછી તો લખ્યે જ છૂટકો હતો ને ?

જનસત્તાના તંત્રી તરુણભાઇ અને દેવહુમા સાહેબના સુંદર પ્રતિભાવ મારો ઉત્સાહ વધારતા રહ્યાં.

છવીસ રવિવાર સુધી ચાલેલ આ વાર્તાનો સુંદર પ્રતિભાવ બીજા પણ અનેક મિત્રો તરફથી મળતો રહ્યો. ઇતિ, અરૂપ અને અનિકેતમાં હું ખોવાતી રહી.

બે નાટયસંગ્રહ, દીકરી મારી દોસ્ત ડાયરી સ્વરૂપ, લઘુકથા સંગ્રહ, બે નવલિકા સંગ્રહ અને હવે આ નવલકથા.. ઉપરાંત બીજા બે પુસ્તકો પણ લાઇનમાં તૈયાર છે.

હજુ એક નવલકથા અધૂરી છે..કદાચ એ છેલ્લી જ હશે. “ઝિલમિલ “ નામ લખાયા પહેલા જ નક્કી છે..એની પાછળનું કારણ તો એ લખાશે ત્યારે જ....

પ્રબોધભાઇ જોશીએ સમય કાઢીને આખી નવલકથા વાંચી અને ગમી છે એવો પ્રતિભાવ આપ્યો ત્યારે ખરેખર આનંદ થયો. કેમકે એમના શબ્દોમાં મને પૂરી શ્રધ્ધા છે. કહેવા ખાતર એ મને ન જ કહે એ વિશ્વાસ છે.

હંમેશની માફક તરૂબેન કજારિયા પાસેથી મારો લાગો લેવાનું કેમ ચૂકાય ?

અનેક મિત્રોના સાથ, સહકાર વિના તો આ શબ્દયાત્રા આગળ ચાલી જ ન શકે ને ? પણ મિત્રોનો કંઇ આભાર થોડો હોય ? અને એ બધાની મૈત્રી કોઇ નામની મોહતાજ રહી નથી.

જનસત્તાના તંત્રી તરુણભાઇ દત્તાણી, રણછોડભાઇ પંચાલ ( “દેવહુમા”) હર્ષદભાઇ પંડયાના પ્રોત્સાહન બદલ આભારી છું.

ડિવાઇન પ્રકાશનના અમૃતભાઇ ચૌધરીના ત્વરિત સાથ , સહકાર બદલ ખાસ આભાર માનું છું.

મારા પરિવાર હરીશ, પૂજા, હાર્દિક, જીતેન ,ગતિ..અને નાનકી જિયા બધાનો હૂંફાળૉ સાથ મારી શબ્દયાત્રાનું ચાલકબળ છે.

અર્પણ..

દોસ્ત, મને માફ કરીશ ને ? એવું જેને કદી કહેવું નથી પડયું એવા દોસ્ત અને જીવનસાથી હરીશને..

દોસ્ત, મને માફ કરીશને ?

.....પ્રકરણ..1

અનિકેત આવ્યો છે.

“ ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની

કયાંક બહુ વરસાદ જેવું લાગે છે. “

ઇતિ હતી જ એવી. ઉડતાં પતંગિયા કે ચંચળ હરિણી જેવી. આ ક્ષણે તે ઘરના બગીચામાં એક સસલાની પાછળ દોડી રહી હતી. આગળ ચંચળ સસલું અને તેની પાછળ અતિ ચંચળ ઇતિ..અંતે થાકીને પરસેવે રેબઝેબ બની ઇતિ બગીચાના હીંચકા પર બેસી ગઇ. તુરત પેલું સસલું પણ ઇતિના પગ પાસે લપાઇ ગયું. બે ચાર મિનિટ પછી અચાનક ઇતિ પર હેત ઉભરાઇ આવ્યું હોય તેમ ઠેકડો મારીને ઇતિના ખોળામાં ચડી ગયું. ઇતિ તેને સ્નેહથી પંપાળી રહી.

ઇતિની સવારની શરૂઆત હમેશા કંઇક આ રીતે જ થાય.

પંખીઓ ચાંચમાં કોમળ તેજકિરણો ચૂગીને બગીચામાં ઠાલવવાનું શરૂ કરે, પ્રભાતને ભાવભીનું નોતરું આપી કલબલ કરી મૂકે... અને એ ઝાકળભીના નોતરાને માન આપી જાસૂદના ફૂલ જેવી સવાર પંખીના ટહુકે ટહુકે ઉઘડવાની શરૂઆત કરે ત્યાં ઇતિ બગીચામાં આવી જ પહોંચી હોય. આવીને સૌ પ્રથમ કામ તુલસીકયારે દીવો કરી, પાણી રેડી ભાવથી વંદન કરવાનું. અને પછી બગીચાના દરેક ફૂલ પાસે જઇ તેમના વ્યક્તિગત ખબર અંતર પૂછવાનું શરૂ થાય. પ્રભાતના પ્રથમ કિરણોને હાથે અનાવરણ પામતી કળીઓ તો જાણે ઇતિના, મુખ્ય મહેમાનના આગમનની પ્રતીક્ષામાં જ હોય તેમ ઇતિના પગલાની સાથે જ ખીલી ઉઠે. આમ તો આ હમેશનું દ્રશ્ય...રોજિંદી ઘટના. પરંતુ આ બધું જાણે પહેલીવાર જોતી હોય તેમ ઇતિની આંખોમાં નર્યું વિસ્મય છલકી રહે. ઇતિનો હાથ ઉઘડતી કળી પર મૃદુતાથી પ્રસરી રહે. તેના સ્નેહસ્પર્શથી કળીઓ વધારે હસી ઉઠતી કે પછી કળીઓની ખુશ્બુથી ઇતિ વધારે પ્રસન્ન થઇ ઉઠતી..એ કહેવું મુશ્કેલ હતું. આ થોડી ક્ષણોમાં ઇતિ જાણે આખ્ખા ચોવીસ કલાકનું ભાથું ભરી લેતી. ઝાંખા અંધકાર અને ઝાંખા ઉજાસનું અદભૂત સામંજસ્ય રચાતું. અને ઇતિના ચહેરા પર એક દિવ્ય આભા પ્રસરતી.

ઇતિ બધા ફૂલોની ખબરઅંતર પૂછી લે ત્યાં તો ધોળા ધોળા રૂના ઢગલા જેવું એક નાનકડું સસલું દોડીને ઇતિને મળવા આવી પહોંચતું. અને પછી શરૂ થતી ઇતિ અને સસલાની જુગલબન્દી. બંનેની એક બીજાની પાછળ દોડ શરૂ થાય. ઇતિ તેને થોડું પંપાળે..કશુંક ખવડાવે પછી જ તે ત્યાંથી વિદાય લે.

આ નવો બંગલો બન્યાને બે વરસ થયાં હતાં. શહેરથી દૂર હોવાને લીધે આસપાસ બહું વસ્તી નહોતી. આ સસલું ન જાણે કયાંથી અહીં આવી ચડતું. શરૂઆતમાં એકાદ બે વાર ડરતું ડરતું આવેલ પણ પછી તો ઇતિનું પાક્કું દોસ્ત બની ગયેલું. ઇતિને તો અહીંનું એકાંત બહું વહાલું લાગતું. સરસ મજાનો બગીચો, વાયરા સંગે સદા ડોલતો રહેતો આસોપાલવ, ભરઉનાળે મહોરી ઉઠતો લાલચટક ગુલમહોર, પીળોઘમરક ગરમાળૉ, કે લીલીપીળી લીંબોડીથી લચી પડતો લીમડો..અને બીજા પણ નાના મોટા અનેક વૃક્ષો, તેની શાખે શાખે ટહુકતાં પંખીઓ. નાનકડી ચકલી સુધ્ધાંનો સાદ ઇતિ સાંભળી શકે. બધા પંખીઓની રોજ સવાર સાંજ ઇતિ હાજરી લેતી. ઉગમણે ઓવારેથી નાચતી આવતી ઉષારાણીનું રૂમઝૂમ આગમન થાય અને સાથે સાથે ઇતિના પગ પણ જાણે થિરકી ઉઠે..જોકે

‘ સારા ઘરની સ્ત્રીઓથી નચાય નહીં. ‘

અરૂપની એ વાત સાથે સહમત તો ઇતિથી નહોતું થવાતું. પરંતુ વિરોધ કરતાં તો તે શીખી જ કયાં હતી ? તેથી ઉષારાણી સાથે ઇતિ નાચતી તો નહીં પરંતુ હીંચકાને એક અદભૂત લયથી ઠેસ જરૂર લાગી જતી. હીંચકાની ગતિ સાથે ઇતિરાણીના મનની ગતિ પણ ચાલુ રહેતી. હીંચકા પર મૂકાવેલ નાની નાની ઘૂઘરીઓ રણઝણીને તેમાં તાલ પૂરાવતી રહેતી.

બગીચામાં બે ચાર મોરલાં તેની ઢેલરાણી સાથે આવવાનું કદી ચૂકે નહીં. કયારેક મુડ આવી જાય તો નર્તન પણ કરી રહે. સતત ચહેકતો રહેતો પોપટ અને કાળી પણ કામણગારી મેના તો ઇતિના આ બગીચાના નિત્યના રહેવાસી. કાબરની કલબલ તો અહીં સદાબહાર. પોતાની પીળી ચાંચથી કશુંક સતત વીણતી જાય અને આમતેમ જોતી જાય. નાનકડી ચકલીઓનો તો પાર નહીં. ઝાડે ઝાડે ફરતી જાય અને ચીં ચીં થી બગીચો ગજવતી જાય. ભોળિયા, ગભરું પારેવાઓને પણ ઇતિનો બિલકુલ ડર ન લાગે. એક નાનકડી ખિસકોલી અહીં ઇતિ સાથે રોજ રમવા આવે. ઇતિ તેને જોઇને નાના બાળકની ચંચળતાથી ગાઇ ઉઠે..

’તું અહીંયા રમવા આવ,..મજાની ખિસકોલી....

તું દોડ તને દઉં દાવ...મજાની ખિસકોલી.. “

ઇતિ તેની સામે એક મીઠું હાસ્ય વેરે એટલે ન્યાલ થઇ ગઇ હોય તેમ દોડીને તે બાજુમાં ઉભેલ ગુલમહોરના ઝાડ પર ચડી જાય. ગુલમહોર પોતાની ડાળીઓ ઝૂકાવી જલદી જલદી તેને પોતાના લાલ પાલવમાં સમાવી લે.

આવી સંગીતમય સવારને ઇતિ મનભરીને માણી લે ત્યાં અરૂપનો ઉઠવાનો અવાજ આવે અને ઇતિ બધાને જલદી જલદી આવજો કહી અંદર દોડે. અરૂપનું કામ બધું વ્યવસ્થિત. ઇતિ વિના તેને એક ક્ષણ પણ ચાલે નહીં. ઇતિની આ પ્રભાતચર્યા અરૂપના મતે તો એક પાગલપન જ હતી. પરંતુ ઇતિ હતી જ એવી. બધા જેવી છતાં બધાથી અલગ..અને એ અલગતાનો અરૂપ દીવાનો હતો. ઇતિની સરળતા, મુગ્ધતા તેને ઘણીવાર સમજાતી નહીં પરંતુ આકર્ષી જરૂર રહેતી. ત્રીસ વરસની ઇતિમાં સોળ વરસની ચંચળતા, મુગ્ધતા હજુ અકબંધ હતી. નાની નાની વાતમાં તે ખિલખિલાટ હસી ઉઠતી. અને કયારેક કોઇ વાત ન ગમે તો એક મૌન ઓઢીને રહી જતી. પરંતુ ત્યારે તેની મોટી, વિશાળ, પાણીદાર આંખોમાં કોઇ અકલ ઉદાસી તરવરી રહેતી. જોકે અતિ સરળ ઇતિ વધારે વાર ઉદાસ ન રહી શકતી.

હા, કયારેક કોઇ સાંજે હજુ અરૂપ આવ્યો ન હોય અને તે એકલી બગીચામાં હીંચકા પર બેઠી હોય ,પંખીઓ આવીને ઇતિ સાથે થોડી ગુફતગૂ કરી પોતાના બચ્ચાની સંભાળમાં ગૂંથાયા હોય, વૃક્ષને પાંદડે પાંદડે દીવાઓ ઝિલમિલાતા હોય તે સમયે કોઇની યાદ આવીને ઇતિની આંખોને ઝરૂખે જરૂર બેસી જતી પણ જાણ્યે અજાણ્યે ઇતિથી તેની અવગણના જ થતી રહેતી. કયારેક કોઇ પ્રાર્થનાના સૂર તેના મોંમાંથી સરી રહેતા. અને સમૂહમાં સાંધ્યઆરતી થતી રહેતી. વૃક્ષો, પંખીઓ, વહેતો વાયરો કે બીડાતા સૂર્યમુખી, મહેકતો મોગરો, ખરતો પારિજાત કે હીંચકાને વળગીને ખીલતી રાતરાણી સૌ તેમાં પોતાનો સાદ પૂરાવતા રહેતા..અને ઇતિની એકલતાના સાથીદાર બની તે ક્ષણોને મીઠા એકાંતમાં પલટાવી નાખતા. બગીચાનો આ રણકતો હીંચકો ઇતિનું અતિ પ્રિય સ્થળ..ઇતિ મોટે ભાગે ત્યાં જ બેસેલી જોવા મળે. ઘણીવાર ભરબપોરે પણ મધુમાલતીની વિશાળ ઘટા નીચે તે હાથમાં કોઇ પુસ્તક લઇ બેસી હોય. સવાર અને સાંજ તો ઇતિની હાજરી અચૂકપણે ત્યાં હોય જ.

આવી સુંદર સવાર માણ્યા બાદ ઇતિની બપોર થોડી અકળાવનાર બની રહેતી. આવડા વિશાળ બંગલામાં એકલાં એકલાં શું કરવું તે ઇતિને કયારેય સમજાતું નહીં. બપોરે ઉંઘવાની તેને આદત નહોતી. કોઇ કલબમાં કે કોઇ કીટ્ટી પાર્ટીમાં જવાનું તેને કયારેય ગમ્યું નહોતું. વાંચી વાંચીને તે કેટલું વાંચે ? સવાર અને સાંજ તો બગીચા અને હીંચકાને સથવારે સરસ મજાની પસાર થઇ જતી. પરંતુ બપોરનો સમય કયારેય જલદી ખૂટતો નહીં.

આજે પણ એવી જ, ધીમી ગતિના સમાચાર જેવી એક બપોર હતી. રોજની જેમ જ સૂર્ય પોતાના તેજ કિરણોથી વૃક્ષોને હંફાવી રહ્યો હતો. ઇતિ ઘરની અંદરના હીંચકા પર બેસી રીમોટની સ્વીચો આમતેમ ફેરવી રહી હતી. ઇતિની અકળામણ પારખી લેવા છતાં ઘડિયાળનો કાંટો જલદી ફરવાનું નામ નહોતો લેતો. સંધ્યારાણીના આગમનને હજુ વાર હતી. શું કરવું તે ઇતિને સમજાતું નહોતું. અરૂપને કહેશે તો અરૂપ તુરત કહેશે,

‘ અરે, ગાડી છે, ડ્રાઇવર છે, શહેરમાં આટલી કલબો છે, સંસ્થાઓ છે..જયાં મન થાય ત્યાં જતી હો તો..’

પરંતુ ઇતિને એવું કશું ગમતું જ નહોતું. અને પોતાને જે ગમતું હતું તે અરૂપને નહોતું ગમતું. અને અરૂપને ન ગમે તે ઇતિ કેમ કરે ?

કંટાળેલી ઇતિ ટીવી.ની સ્વીચ બંધ કરવા જતી હતી ત્યાં ફોન રણકયો. થોડા કંટાળાથી ઇતિએ ફોન ઉંચકયો.આ બળબળતી બપોરે વળી કોણે તેને યાદ કરી ?

ત્યાં ફોનમાંથી મમ્મીનો અવાજ રેલાયો

’ ઇતિ બેટા, કેમ છો ? ‘

ઇતિ તુરત લીલીછમ્મ..

મમ્મીના “ કેમ છો ? ” નો ઇતિ કોઇ જવાબ આપે તે પહેલાં જ........

’ બેટા, અનિકેત આવ્યો છે. અને તને બહું યાદ કરે છે. બને તો એકવાર તુરત આવી જા....’

અને વાત આગળ ચાલે, કે ઇતિ કશું પૂછે તે પહેલાં ફોન કપાઇ ગયો.

“અનિકેત ? “

ઇતિની આંગળીઓ તુરત અધીરતાથી ફોનના ડાયલ પર ફરી રહી. પણ....ફોન રિસાઇ ગયો હોય તેમ ફરીથી લાગ્યો જ નહીં. વારંવારના પ્રયત્નો નિષ્ફળ જવાથી ઇતિ ધૂંધવાઇને આંખ બંધ કરીને બેઠી રહી.

જેને પસાર થઇ ગયેલી ક્ષણો માનીને બેઠી હતી..એ ક્ષણો અંદર આટલી હદે....

કોઇ પંખીની જેમ પાંખો ફફડાવતી યાદો......કયાંકથી એક સાદ...અને ઇતિનું જીવન એક ઝાટકે દસ વરસ પાછળ ઠેલાઇ ગયું. સ્મૃતિઓનું ઘેઘૂર વન આજે યે આટલું લીલુછમ્મ હતું ? અને પોતાને પેલા કસ્તુરી મૃગની માફક તેની જાણ પણ નહોતી ? અસ્તિત્વમાં રાતરાણી, પારિજાત કે મોગરાની સઘળી સુગંધ એકસામટી કયાંથી ઉતરી આવી ? કોઇ ઝાકળભીની ગંધ મનના પટારામાં સચવાઇને પડી હતી ? અને આજે..એક સાદે...! સમયની કઇ છીપમાં આ સંબંધ સચવાઇને અકબંધ પડયો હતો ? બળબળતી આ બપોરે વરસાદ વિના મેઘધનુષી રંગો કયા આકાશમાં ઉગી નીકળ્યા ?

મુગ્ધાવસ્થાના મોંસૂઝણામાં ફૂટેલ કૂંપળો ઘેઘૂર વૃક્ષ બનીને અંદર કોઇ ખૂણામાં સચવાયેલ હતી ? કેટલાક સંબંધોની સુવાસ, કુમાશ, મુગ્ધતા અને રોમાંચ કાળના સ્પર્શથી પણ વણબોટાયેલ રહેતા હોય છે ? અને તે અજ્ઞાત હતી..આ બધાથી.. ? મનની સામે કરેલ કિલ્લેબંદી એક કાંગરો ખરતાં જ....

ઇતિના મનની ક્ષિતિજે તેજના ટશિયા ફૂટી નીકળ્યા.

ફોનમાંથી રેલાતા મમ્મીના શબ્દો તેના મનમાં પડઘાતા રહ્યા. ‘ અનિકેત તને યાદ કરે છે..’

“અનિકેત “ હ્રદયના અજ્ઞાત ખૂણામાં થીજી ગયેલ એક નામ..! એ ઉચ્ચાર સાથે જ અસ્તિત્વમાં પીઠીવરણું પ્રભાત ઉઘડી રહ્યું. ચહેરા પર ઉષાની લાલાશ...એક ઉજાસ....! અને એ ઉજાસમાં ઉઘડયા કદી ન વિસરાયેલ એ સદાબહાર દ્રશ્યો....

“ સાત વરસની ઇતિ આ વરસે તેની બહેનપણીઓની જેમ પ્રથમ વાર ગૌરીવ્રત રહી હતી. વ્રત હોવાથી આજુબાજુની તેના જેવડી બધી છોકરીઓ સાથે મળીને રોજ સાંજે કંઇક નવી નવી રમતો રમ્યા કરતી. આજે આભાની મમ્મી પોતાની દીકરીની સાથે બધી છોકરીઓને ગીત ગવડાવતા હતા અને એકશન શીખવાડતા હતા.છોકરીઓ ઉમંગે છલકતી નાચતી હતી.

‘હો મારા આંગણામાં... નાચે મોર...

કે મોરને પૂછે ઢેલ..

કે ઢેલને પૂછે મોર..

કોણ આવ્યો તો ચોર ? “

થોડે દૂર ચૂપચાપ ઉભેલ અનિકેતને જોઇ ઇતિને જાણે ચાનક ચડી હતી..તેણે મસ્તીથી લલકાર્યું હતું

’અનિકેત આવ્યો ‘તો ચોર..’

બધી છોકરીઓએ તેને હસીને ઝિલી લીધું હતું. અને તેમના મુકત,ચંચળ હાસ્યથી વાતાવરણ ગૂંજી રહ્યું.

અનિકેત રિસાઇ ગયો હતો. આમ પણ આ પાંચ દિવસથી તે થોડો એકલો પડી ગયો હતો. તે પણ ઇતિ જેવડો જ હતો. પરંતુ પોતે છોકરો હતો અને છોકરાથી આ વ્રત ન કરાય..! એમ બધાં કહેતાં હતાં.

‘ કેમ ન કરાય ? ‘ એવા તેના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેની અને ઇતિની મમ્મી કેટલું હસતા હતા ! અનિકેત ગુસ્સે થઇને ત્યાંથી દોડી ગયો હતો. પોતે છોકરી હોત તો..? એવો વિચાર પણ તેના બાળમનમાં ...

અનિકેત દોડી ગયો હતો...દોડી ગયો હતો..જાણે એકની એક ટેપ બંધ આંખો સામે રીવાઇન્ડ થઇ રહી હતી. કયાં ? કેમ ? ઇતિ પરસેવે રેબઝેબ....! બંધ આંખોમાં દેખાતા આ પ્રશ્નો કોઇ જોઇ તો નથી જતું ને ?અનાયાસે ઇતિની પાંપણો જોશથી બીડાઇ ગઇ.

પણ એ દિવસો હવે કયાં ?હવે એવો કોઇ ડર રાખવાની જરૂર જ નથી. હવે તો ખુલ્લી આંખમાં દેખાતી વાતો...પ્રશ્નો પણ કોઇ કયાં જોઇ શકે છે ?

અને ફ્રેમમાં બીજું દ્રશ્ય “ હાજિર હૂં.. “ કરતાં દોડીને પોતાની હાજરી પૂરાવવા ગોઠવાઇ ગયું.

વ્રતને બીજે દિવસે બધી છોકરીઓની સાથે ઇતિ પણ મહેન્દી મૂકાવતી હતી. ચંચળ, નિર્દોષ બાલિકાઓના કિલકિલાટથી વાતાવરણ પ્રસન્નતાથી છલકતું હતું. બધી છોકરીઓ પોતાના હાથમાં મૂકાતી મહેંદી જોવાને બદલે બીજાનો હાથ જોવામાં જ મશગૂલ હતી. બીજાના હાથમાં કેવી ડીઝાઇન મૂકાય છે તે જોવામાં તેમને વધારે રસ હતો. અનિકેત પણ હમેશની માફક તે ટોળીમાં હાજર તો હતો. પરંતુ તે એક જ છોકરો હોવાથી એકલો પડી ગયો હતો. અને પોતે કંઇક બોલે એટલે આ તોફાની ટોળી તેની મસ્તી કરવામાં જરાયે પાછળ પડે તેમ નહોતી જ. અને ઇતિ તો એમાં સૌથી પહેલા જ હોય. તે જાણતો હોવાથી તે ચૂપચાપ એક તરફ બેસીને જોઇ રહ્યો હતો. આ પાંચ દિવસ જલદી પૂરા થાય તો સારું. હમણાં પોતાનો કોઇ ભાવ પણ નથી પૂછતું.

‘અનિકેત, તારે મહેંદી મૂકવી છે ? ‘

’ હું કંઇ છોકરી નથી...એવા નખરા અમે ન કરીએ...’

જોકે નાનકડા અનિકેતને મન તો બહુ થતું હતું. પોતાના હાથ પણ મહેંદીથી લાલ બનીને કેવા સરસ લાગે...! પરંતુ સાથે સાથે તે એ પણ જાણતો હતો કે જો પોતે ભૂલથી પણ હા પાડી તો આ છોકરીઓ તેની મજાક કરવામાં કશું બાકી નહીં જ રાખે. અને તેથી ઠાવકા થઇને ના પાડવામાં જ પોતાની ભલાઇ છે. તે સમજતો અનિકેત થોડો ઉદાસ બની ગયો.

ઇતિના હાથની મહેંદી મૂકાઇ ગઇ. અને તે દોડીને અનિકેતને બતાવવા આવી. અનિકેતનો ઉદાસ ચહેરો ઇતિને ન જ ગમે.

’અનિ, જો તો મારી મહેંદી..કેવી મૂકાણી છે. ! ‘

ઇતિએ પોતાના નાનકડા હાથ આગળ કર્યા.

ઇતિના હાથ આ ક્ષણે પણ લંબાયા. તેની આંખ ખૂલી ગઇ. પોતાના કોરાકટ્ટ હાથ સામે ક્ષણવાર તાકી રહી. પણ...હાથમાં મહેંદી ય નહોતી અને સામે અનિકેત પણ કયાં હતો ? તેની નજર આસપાસ ફરી વળી..ના, અનિકેત કયાંય નહોતો જ. તેણે ફરીથી આંખો બંધ કરી.

શું કરતો હશે અનિકેત અત્યારે ? ઇતિના મનમાં પ્રશ્ન જાગ્યો. પણ તેનો જવાબ વિચારે તે પહેલાં પેલી ટેપ આગળ ચાલી.

‘ નાનકડો અનિકેત પૂરી ગંભીરતાથી મહેંદી જોઇ રહ્યો હતો. જરા મોં બગાડી તેણે કહ્યું હતું.

’ ઠીક છે. કંઇ એવી બધી સરસ નથી. મને તો લાગે છે કે તારા કરતાં આસ્થાની મહેંદી વધારે સારી મૂકાણી છે. ‘

ઇતિને ચીડવવાનો એક પણ મોકો અનિકેત ન જ છોડે.

ઇતિએ મોં બગાડયું.

‘જા, તને તો કંઇ પૂછવું જ ન જોઇએ..’

’ કેમ સાચી વાત કહી એટલે ન ગમીને ? હું તો જે સાચું લાગે તે જ કહું. ‘

મોં ગંભીર રાખી અનિકેતે કહ્યું.

ઇતિ હવે તેને કેમ છોડે ?

તેણે મહેંદીવાળો હાથ અનિકેતના ગાલે અડાડયો.

અનિકેતે ઇતિનો હાથ પકડી લીધો અને મહેંદી લીપાઇ રહી. તેનો હાથ પણ મહેંદીથી ખરડાયો. અને ઇતિના હાથની ડીઝાઇન લીપાઇ ગઇ.

ઇતિ ગુસ્સે થઇને અનિકેતને મારવા દોડી. પણ અનિકેત એમ કયાં હાથમાં આવે તેમ હતો ?

ત્યારે કે આજે પણ..?

આટલા વરસોથી કયાં હાથમાં આવતો હતો ? આજે પણ કયાં પકડાયો હતો ? હમેશની માફક આજેય છટકી ગયો હતો. જોકે બહારથી ભલે છટકી શકયો હતો. બાકી ઇતિના મનમાંથી કયાં, કેમ છટકી શકે ?

ઇતિની અંદરથી નહોતો છટકી શકયો તેની જાણ શું પોતાને છેક આજે થઇ ?

કેટકેટલા દ્રશ્યો નજર સમક્ષ ઉઘડતાં હતાં. ! એક પછી એક..જાણે અતીતના દ્રશ્યોનો સ્લાઇડ શો ચાલુ થયો હતો.

ચાર દિવસોથી છોકરીઓનો કલબલાટ ચાલુ હતો. હવે આજે વ્રતનો છેલ્લો દિવસ હતો. ઇતિને મંદિરે પૂજા કરવા જવાનું હતું.તેની મમ્મી...નીતાબહેનને આગલા દિવસથી થોડું તાવ જેવું હતું. છતાં તેણે ઇતિને તૈયાર કરી. સરસ મજાના મરુન કલરના ચણિયા ચોળી, માથા ઉપર ટીપકીવાળી,ચમકતી ઓઢણી, હાથમાં મેંચીંગ બંગડીઓનો ઝૂડો, પગમાં ખનકતા ઝાંઝર, બે ભમરની વચ્ચે ઝગમગ બિંદી, માથાથી કપાળ સુધી લટકતો નાનકડો ટીકો, ગળામાં શોભી ઉઠતો મરુન નેકલેસ, કાનમાં લટકતાં ઝૂમ્મર અને હાથમાં પૂજાની થાળી....

નાનકડી ઇતિ આખી ઝળહળ ઝળહળ...

દીકરીને શણગારી તો ખરી..પણ હવે ઇતિની મમ્મીને તાવ સાથે ઠંડી ચડી હતી. ઇતિ સાથે જવું કેમ ? ઘરમાં બીજુ કોઇ નહોતું જે તેની સાથે જઇ શકે.

ત્યાં અનિકેતના મમ્મી... સુલભાબહેન, હવે કેમ છે ? એમ પૂછવા આવ્યા. નીતાબહેનની હાલત જોઇ બધું સમજી ગયા. તેમણે તુરત ઇતિની મમ્મીને કહ્યું,

’તમે ચિંતા ન કરો...હું ઇતિને લઇને મંદિરે જાઉં છું. તમારી પૂજામાં કોઇ ચોક્ક્સ વિધિ કરાવવાનો હોય તો મને કહો..મને કદાચ કંઇ ખબર ન પડે.’

પોતે પંજાબી હોવાથી ગુજરાતીના રીતિરિવાજની પોતાને ખાસ ખબર ન હોવાથી કોઇ ભૂલ થાય તો ? એમ વિચારી સુલભાબહેન ઇતિની મમ્મીને પૂછી રહ્યા.

‘ના, રે સુલભાબહેન, ત્યાં મંદિરે ગોર મહારાજ હશે જ. એ કહે તેમ કરવાનું છે. મારાથી તો જવાય તેમ લાગતું નથી. અને તેના પપ્પા.....’

વચ્ચે જ સુલભાબહેન બોલ્યા,

‘ તમે શાંતિથી આરામ કરો. ઇતિ મારી પણ દીકરી જ છે ને ? એ બહાને અમે મા દીકરો પણ મંદિરે દર્શન કરી આવીશું. ‘

અને સુલભાબહેન નાનકડા ઇતિ અને અનિકેતને સાથે લઇ મંદિરે ચાલ્યા.

રોજની ચંચળ ઇતિ આજે શાંત હતી. અનિકેત ઇતિની મસ્તી કરવાનું ચૂકયો નહોતો.

’ ઇતિ, આજે તું તારી પેલી ઢીંગલી છે ને... ..તેના જેવી લાગે છે.

ઇતિએ અનિકેત સામે જોયું. પરંતુ કશું બોલી નહીં. અનિકેતને ચાનક ચડી. તેણે ઇતિને વધારે ચીડવી.

‘ સાડી પહેરી છે તેમાં રોફ મારે છે ! કંઇ બોલતી કેમ નથી..? ’

‘મારી સાડી ઢીલી થઇ ગઇ છે. મારાથી સરખું ચલાતું નથી. ‘

એક હાથે સાડી પકડી ધીમે ધીમે ચાલતી ઇતિ રડમસ અવાજે બોલી ઉઠી.

અનિકેત ખડખડાટ હસી પડયો. ઇતિ મોઢુ ફૂલાવી ચાલતી રહી. સુલભાબહેન પુત્રને ખીજાયા અને ઇતિને પ્રેમથી કહ્યું,’ બેટા, હમણાં મંદિરે પહોંચી તને સરખી કરી આપું હૉં. ‘

ઇતિએ અનિકેત સામે જોઇ જીભડો કાઢયો. અનિકેતે ઇતિ સામે હાથ ઉગામ્યો. જવાબમાં ઇતિએ પોતાને અંગૂઠો બતાવ્યો. અને પછી હમેશની માફક બંને ખડખડાટ હસી પડયા.

આ ક્ષણે પણ ઇતિનો અંગૂઠો બંધ આંખે અનાયાસે ઉંચો થઇ ગયો. જાણે અનિકેતને ડીંગો બતાવી રહી. મોઢા પર એક સુરખિ છવાઇ, એક મંદ મુસ્કાન, બંધ આંખોમાં એક પ્રતિબિંબ..અને...

ગોર મહારાજ એકી સાથે કેટલીયે છોકરીઓને પૂજા કરાવતા હતા. ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી. અનિકેત અને તેની મમ્મી બાજુમાં ઉભા હતા. સાત વરસનો અનિકેત રસપૂર્વક..કૂતુહલથી બધું નીરખી રહ્યો હતો.

નાનકડી ઇતિ પરમ શ્રધ્ધાથી ગોર મહારાજ કહે તે મુજબ નાગરવેલના લીલાછમ્મ પાન પાથરી તેમાં એક પછી એક વસ્તુ ગોઠવતી જતી હતી. તો ઘડીકમાં એક હાથે ઓઢણીનો છેડો સરખી કરતી જતી હતી. જવારાને નાગલા વીંટાળ્યા..કંકુ ચોખાથી વધાવ્યા. અંતે મહારાજે આરતી કરાવી.

દીવાના પ્રકાશમાં નાનકડી કુમારિકાઓના અદીઠ ઓરતા ઝગમગી ઉઠયા. ઇતિની આંખો ચમકી રહી. નિર્દોષ બાલિકાઓના ચહેરા પર એક આભા છવાઇ ગઇ હતી. પરમ આસ્થાથી ઇતિ આંખો બંધ કરી શંકર ભગવાનને વન્દી રહી હતી. અનિકેત કશું સમજયા વિના તેની સામે જોઇ રહ્યો હતો. તેનાથી પણ અનાયાસે હાથ જોડાઇ ગયા હતા.

આરતી પૂરી થતાં ઇતિ પૂરી શ્રધ્ધાથી અને ગંભીરતાથી સૌ છોકરીઓ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી રહી હતી. પગમાં રૂમઝૂમ ઝાંઝર ખનકી રહ્યા હતા.

જાણે એક નાનકડી દુલ્હન ચોરીના ચાર ફેરા ફરી રહી હતી. સુલભાબહેને અનિકેતને પણ ભગવાનને પગે લાગવાનું કહ્યું. બંને બાળકોને સાથે પગે લાગતા જોઇ સુલભાબહેને પણ આંખો બંધ કરી.. તેમની બંધ આંખોમાં ભવિષ્યનું કોઇ શમણુ ઉભરી આવ્યું હતું કે શું ?

તેમણે ઇતિને માથે વહાલથી હાથે ફેરવ્યો. ઇતિ આંખો ખોલી આન્ટી સામે જોઇ રહી.

આજે આ ક્ષણે પણ ઇતિ આન્ટીને અને તેમની બંધ આંખોમાં શમાયેલ શમણાંને જોઇ શકતી હતી.. અને આજે તો ઓળખી પણ શકતી હતી.

આજે આ સમજનું ભાન અચાનક આવવાથી ઇતિની આંખો ખૂલી ગઇ..ન સમજાતી અનેક વાતો..ન સમજાતા અનેક દ્રશ્યો આજે કેમ....?

એક વ્યાકુળતા....અને ઇતિએ ગભરાઇને ફરીથી જોશથી આંખો બંધ કરી.

દર્શન કરીને સુલભાબહેન બંને બાળકોને લઇને મંદિરની બેન્ચ પર બેઠા હતા. કેટલાયે બાળકો મંદિરના કમ્પાઉન્ડમાં રમતાં હતાં. અનિકેતે પણ પ્રસ્તાવ મૂકયો,

’ ઇતિ, ચાલ, તું મને પકડવા આવ. તે દિવસનો તારો દાવ દેવાનો બાકી છે. યાદ છે ને ? ‘

’ના, હોં.. સાડી પહેરીને મારાથી ન દૉડાય. અને એટલે હું તો હારી જ જાઉં ને ? ‘

સાત વરસની ઇતિ તેના જેવડા જ અનિકેતને કહી રહી હતી. અનિકેત વારંવાર પોતાનો દાવ આપવાનું કહી રહ્યો હતો.પરંતુ પોતે સાડી પહેરેલ હોવાથી દોડી શકે તેમ નહોતી. તેથી બોલી ઉઠી.

’ ના, હોં..આજે નહીં..’

બેંચ પર બેઠા બેઠા પગ હલાવતાં..ઝાંઝર રણકાવતાં ઇતિ બોલી ઉઠી હતી. અનિકેત ઇતિના ઝાંઝરનો રણકાર સાંભળી રહ્યો હતો. ઇતિના પગ અજાણતા આ ક્ષણે હલી ઉઠ્યા. પણ..ઝાંઝર કયાં હતાં તે રણકે ?

ઇતિની આંખો ફરીથી ખૂલી ગઇ. વર્તમાન અને અતીત આમ ભેળસેળ કેમ થતા હતા ?

ઇતિ અભાનપણે ઊભી થઇ અને બે ડગલાં ચાલી..કદાચ હવે ઝાંઝર રણકશે.....! પણ...પણ ખાલી પગ થૉડા રણકવાના હતા ?

અને અરૂપને તો ઝાંઝર ગામડિયા જેવા લાગતા હતા..!

અરૂપ...! આ નામ જીવનમાં કયાંથી..કયારે આવી ગયું ?