Pavitra Prem in Gujarati Love Stories by Vipul Rathod books and stories PDF | પવિત્ર પ્રેમ

Featured Books
Categories
Share

પવિત્ર પ્રેમ

પવિત્ર પ્રેમ

-વિપુલ રાઠોડ

ઢળતી સાંજે રોજની માફક અલી રોડનો ધમધમાટ ચરમસીમાએ હતો. કોઈને એકબીજાની સામે નજર મીલાવીને જોવાનો પણ સમય નથી. વાહનોનાં ઘૂઘવાટ, હોર્નનાં ઘોંઘાટ અને પોતપોતાની ધૂનમાં ચાલી જતી માનવઆકૃતિઓ, બધું જ જાણે યંત્રવત હોય તેમ ચાલતું હતું. આ બધા વચ્ચે રોનક નિત્યક્રમ મુજબ દૂર્ગાદેવી મંદિર પાસે રીક્ષા કે ટેક્સી પકડવા માટે ઉભો છે. બ્લ્યુ બ્રાન્ડેડ જીન્સ અને ફન્કી ટી-શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં ખભ્ભે કોલેજીયન બેગ લટકાવીને ઉભેલા આ યુવાનની રોનક જ કંઈક ઓર લાગતી હતી. ભલે રસ્તે પસાર થનારા લોકોને કોઈની સામે જોવાની પણ ફુરસદ ન હતી પણ રોનક ઉપર જેની નજર પડતી એ ઘડીભર માટે ચોંટી જતી. રોનકને ગ્રાન્ટરોડ સ્ટેશને પહોંચવું હતું પણ તે વાહન મળવાની વાટ કરતાં બીજી કશીક રાહમાં હતો. તેના મનમાં છેલ્લા કેટલાક દિવસોથી એક એવો સળવળાટ શરૂ થયો છે જે તેણે અગાઉ ક્યારેય અનુભવ્યો ન હતો.

વિદુષીને કોઈ પુરુષ જુએ અને પછી તેના ઉપરથી નજર હટાવી શકે તો તેનું રૂપ લાજે. કામણકારી પ્રચીન પ્રતિમા જેવી દેખાવડી અને ઉપર આધુનિકતાનો શ્રૃંગાર. સ્કીનફીટ જીન્સ-ટોપ, ગોગલ્સ, ટોપ સાથે મેચિંગ પર્સ અને હાઈહીલ સેન્ડલ. આટલું ઓછું હોય તેમ હાઈલાઈટ કરેલા ખુલ્લા વાળ. તેને જોતા જ એક માદકતા માહોલમાં પ્રસરી જાય. અલી રોડ ઉપર સાંજે નીકળતી વખતે તેના ઉપર ઠહેરી જતી નજરો હવે વિદુષી માટે સામાન્ય બની ગયું હતું. જો કે આ બધા વચ્ચે તેને એક નજરની રાહ રહેતી. એ નજર તેના ઉપર થોડીવાર ટકી જાય એટલે વિદુષીને પોતાનાં સૌંદર્યની પૂર્ણ તૃપ્તિનો અહેસાસ થતો. આજે વિદુષી થોડી મોડી પડી હતી અને દૂર્ગાદેવી મંદિર તરફ અન્ય લોકોની નજરથી બેફિકર ઉતાવળા પગલે ચાલતી પહોંચી. આજે તેને એવી શંકા હતી કે રોજ ત્યાં જોવા મળતો યુવાન આજે કદાચ પોતે મોડી છે એટલે નીકળી ગયો હશે. પણ તેની આ ધારણા ખોટી પડી.

રોનક એક પછી એક કેટલીય રીક્ષા અને ટેક્સી જતી કરી ચુકેલો અને તેને લાગતું હતું કે આજે કદાચ તે જેની રાહ જુએ છે એ નહીં આવે. જો કે તેની આ શંકા પણ ખોટી પડી. હમણાંથી રોજ મળતી એ યુવતી તેની નજીક પહોંચતા જ રોનક હૃદયનો એકાદ ધબકાર ચુકી ગયો. તેની જાણે આખો માર્ગ ખાલીખમ થઈ ગયો અને એકમાત્ર એ સુંદરી જ તેના નયનપટલમાં છવાઈ ગઈ. તેને જોતા વેંત રોનકના હોઠ અનાયસે સ્મિત મુદ્રા ધારણ કરી લેતા હતાં અને આજે પણ એવું જ થયું.

વિદુષીને પોતાની ધારણા ખોટી પડી અને સામે એ જાણીતો હેન્ડસમ હસતો ચહેરો જોવા મળતાં મનોમન હસવું આવી ગયું. તેને ખ્યાલ આવી ગયો હતો કે આજે પોતે મોડી છે પણ એ યુવક ખાસ તેની જ રાહ જોઈને મંદિર પાસે ઉભો હોવો જોઈએ.

રોનકનાં રોમરોમમાં આજે કોઈ અનેરો ઉત્સાહ છવાઈ ગયો. જે યુવતી રોજ સાધારણ હળવું સ્મિત આપી જતી એ આજે કોઈ કારણોસર થોડી વધુ હંસી ગઈ. પોતે થોડો શરમાઈ પણ ગયો. તેને લાગ્યું કે પોતે એ યુવતીની જ વાટ જોતો હોવાનું તે સમજી ગઈ. જો કે આજે મળેલા રીસ્પોન્સથી રોનકમાં થોડી હિંમતનો સંચાર થયો. તે યુવતી નજીક આવતાં જ આજે તે પોતાની જાતને રોકી ન શક્યો અને મુખમાંથી શબ્દો સરી પડ્યા...

'હાઈ... આઈ એમ રોનક, આપણે રોજ અહીં ક્રોસ થઈએ છીએ. આઈ થીંક આપ પણ ગ્રાન્ટરોડ સ્ટેશન જ જતાં હશો. સો... કેન વી શેર ટેક્સી ટુગેધર?' રોનકે એક શ્વાસે કહેલી વાત પછી એ યુવતી હકારાત્મક ભાવ સાથે બોલવાનું શરૂ કરે છે.

'ઓહ ... આઈ નો. માયસેલ્ફ વિદુષી. શ્યોર વી કેન મૂવ ટૂગેધર.' વિદુષીને જાણે પોતાની ઈચ્છા સામે ચાલીને પુર્ણ થવા આવી હોય તેવું લાગ્યું. સામે રોનકને મનમાં કેટલીક અનિશ્ચિતતાઓનાં ભાવ હતાં એ દફન થઈ ગયા. બન્ને ત્યાંથી સાથે ગ્રાન્ટરોડ સ્ટેશન સુધી એક ટેક્સીમાં ગયા અને પછી ટ્રેનમાં પણ સાથે જ રવાના થયા. બન્ને વચ્ચે આ પહેલી મુલાકાતમાં ફોનનંબરની આપ-લે અને ઔપચારિક વાતો થઈ અને રોજ સાંજે મંદિરે મળીને સાથે જ પોતપોતાના ઘેર જવાનું નક્કી કરવામાં આવ્યું.

હવે રોજ બન્ને એકબીજાને કોલ કરીને જ દૂર્ગા મંદિર નજીક મળતા જેથી કોઈને રાહ ન જોવી પડે. બન્ને વચ્ચેનો આ પરિચય ધીમેધીમે ગાઢ મિત્રતામાં ફેરવાઈ રહ્યો હતો. હવે રજાનાં દિવસે બન્ને ડેટિંગ કરતાં. સાથે હરવું-ફરવું, ફિલ્મ જોવી અને રાત્રે કલાકો સુધી ફોન ઉપર વાતો કરવી તેમની આદત બની ગઈ. જો કે આમા એક અસમાન્ય વાત એ પણ હતી કે બન્નેએ ક્યારેય એકબીજાનાં પરિવાર કે બીજી કોઈ જ અંગત વાતો કરી ન હતી. બન્ને વચ્ચેની આત્મીયતા જેટલી ગાઢ દેખાવા લાગી હતી તે જોતા એવું જ થવું જોઈતું હતું કે એકબીજાની રજેરજની વાતો બન્નેને ખ્યાલ હોય. પણ કદાચ એકબીજાને મનપસંદ પાત્ર મળી ગયાનાં રોમાંચમાં એ વાતો ગૌણ બની ગઈ હતી. બન્ને એકબીજાનાં અંગત પાસાઓથી અપરિચિત હતાં પણ લાગણીઓ જાણે જન્મોજન્મની ચીરપરિચિત હોય તેમ વહેતી.

છ-આઠ માસ સુધી બન્ને વચ્ચે આ ક્રમ ચાલ્યો. વિદુષી અને રોનક બન્ને એટલા આકર્ષક હતાં કે તેને જોઈને કોઈપણ વિજાતીય પાત્ર ખેંચાઈને તેને ભોગવવાની ઈચ્છા કરી બેસે. બન્ને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતાં પણ હજી સુધી એકબીજા તરફથી આ દિશામાં આગળ વધવાનો કોઈ ઈશારો કે અણસાર જોવા મળતો ન હતો. બન્ને અલૌકિક કહી શકાય તેવા સુખની અનુભૂતિ કરતાં એકબીજા સાથે પણ શરીરની ભૂખનું ત્યાં જાણે કોઈ જ અસ્તિત્વ નહોતું. વળી બન્નેને એકબીજાની આ પાવન ભાવના જ વધુને વધુ ખેંચાણ કરાવતી હતી.

ઘણાં લાંબા સમયથી ચાલી આવતી આ મિત્રતા હવે પ્રેમમાં આકાર પામી ગઈ હતી પણ હજી સુધી તેનો પારસ્પરિક સ્વીકાર થયો ન હતો. આખરે રોનકે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું નક્કી કર્યુ. આજે તેણે વિદુષીને ફોન કરીને દુર્ગામંદિરમાં અંદર બોલાવી. આજ સુધી તેઓ રોજ મંદિર બહાર મળતા પણ અંદર ક્યારેય પગ મુક્યો ન હતો. આજે પહેલીવાર બન્ને અંદર મળ્યા. દેવીનાં દર્શન પછી બન્ને મંદિરના ચોગાનમાં બાકડે બેઠા. રોનકને પહેલીવાર વિદુષી સાથે વાત કરવામાં જે અસમંજસ અને અસહજતા અનુભવાઈ હતી તેવો અનુભવ આજે ફરી થતો હતો. જો કે આજે તેણે પોતાનું હૃદય ઠાલવી નાખવાનો મક્કમ નિર્ધાર કરેલો તેણે વિદુષીને આંખમાં આંખ પરોવીને ખુબ જ શાંતસૂરમાં કહ્યું,

'વિદુષી... આ દોસ્તી... કદાચ મારા તરફથી તારા માટેનો પ્રેમ પરિણયમાં ન પરીણમી શકે ? મને ખ્યાલ નથી કે તારા મનમાં કેવી ભાવના હશે. પણ મે તારા પાસેથી જે હૂંફ અનુભવી છે એ મને તારા પ્રેમ જેવી લાગે છે. હું કદાચ ખોટો હોઈ શકું પણ તું મને ફ્રેન્કલી કહીશ તો ગમશે. આઈ વોન્ટ ટુ મેરી યુ'

વિદુષી બે ઘડી કંઈક ઘેરા વિચારમાં સપડાઈ ગઈ. તેનાં મુખમાંથી સરી પડવાની તૈયારીમાં હતી એ 'હા' તેણે માંડ કરીને અટકાવી. તે કંઈ બોલે તે પહેલા જ રોનક ફરી બોલ્યો.

'તારી હાં હશે તો હું આજે જ આ મંદિરમા મારી બંધ કિતાબ તારા સામે ખોલી નાખીશ. મારા વિશે હજી ઘણું મારે તને કહેવાનું બાકી છે.' રોનક આગળ કંઈ બોલે તે પહેલા જ વિદુષીએ તેને અટકાવ્યો અને કહ્યું,

'રોનક... તારી કોઈપણ વાત હું જાણું એ પહેલા મારે તને એક ખુલાસો આપવો પડે તેમ છે. આઈ નો કે, યુ રીયલી લવ મી. તારા પ્રેમમાં એક અદભૂત પવિત્રતા છે. મેં લોકોની નજરમાં ભૂખ જોઈ છે. તું મારી આટલો નજીક હોવા છતાં ક્યારેય તારામાં એ વાસના પ્રગટી નથી. તારી ઈચ્છા મારી સાથે જીવન કાઢવાની છે તો મારાથી કંઈ જ છુપાવી શકાય નહીં. આવો પાપી પ્રેમ મારે કરવો નથી. આઈ એમ અ કોલગર્લ'. આટલું બોલીને વિદુષીની આંખ સહેજ ભીની થઈ ગઈ. તેને ડુસકુ ભરાઈ ગયું, ગળગળી થઈ ગઈ. જો કે તેનાં આશ્ચર્યનો પણ પાર ન રહ્યો. આ સાંભળ્યા પછી રોનક તેના પ્રત્યે ઘૃણાભરી નજરે જોશે અને હતપ્રભ બનશે તેવી તેની ભીતિ ખોટી પડી. રોનકે શાંતચીતે તેને પોતાના ગળે વળગાળી, પોતાના ખભ્ભે વિદુષીનું માથું ટેકવ્યું અને વાળમાં હાથ ફેરવતા કહ્યું,

'મને આ જાણીને આંચકો નથી લાગ્યો એ વિચાર તને આવે તે પહેલા જ હું તને કહીશ કે તે મનમાં દબાવી રાખેલી આ વાત મારા માટે જરાય આઘાત પમાડે તેવી નથી. તું પુરુષોને સંતોષ આપવાનું કામ કરે છે તો મારો વ્યવસાય પણ સ્ત્રીઓને સુખ આપવાનો છે.' હવે રોનકનીં આંખ પણ ભીની થવા લાગી. વિદુષી તેને વધુ કસીને ભેટી ગઈ. થોડીવાર બન્ને એકબીજાને વળગી રહ્યા અને પછી બન્ને આંખો લૂછતાં હાથ પકડીને ઉભા થયા. મંદિરની બહાર નીકળતાં નીકળતા રોનકે પુછ્યું 'મારી સાથે લગ્ન કરીશ?' વિદુષીએ હસતા ચહેરે રોનકનાં હાથમાં પોતાના તીક્ષ્ણ નખ ભરાવતાં કહ્યું 'તને કોઈ શંકા છે?'

........................................................................