વિજયનું તત્વજ્ઞાન
વિજય ચુપ હતો. પરિણામના દિવસે એને રડમસ ઘરે આવેલો જોતાં કૈલાશબા સમજી ગયા.
'આ લે, મોં ગળ્યુ કર બેટા' રસોડામાંથી તેઓ એક વાટકીમાં ગોળ લઇ આવ્યા હતા તે તેમણે વિજય સામે ધર્યો.
'પણ બા, મારો હરીફ સફળ થયો છે હું નહીં .....'
'….પરંતુ હારીને પણ તારા એ હરીફને વિજયની ખુશાલી કોણે આપી? હારીને પણ તેં જીતની ખુશી બીજાને આપી છે. અજાણતામાં ભલે હોય પણ તેં તારી ખુશી ત્યાગીને તે ખુશી અન્યને આપી છે . બસ, એ જ વાત હવે સમજપૂર્વક દિલથી સ્વીકાર કરી દે, તારી ખુશી અનેકગણી વધશે. ત્યાગીને ભોગવવાની ખુશી.' કૈલાશબા બોલ્યા અને હસતા હસતા ગોળની વાટકી એમણે વિજયની સામે ધરી.
' .................'
...અને આ તત્વજ્ઞાન સમજાતાં જ વિજયે વાટકીમાંથી ગોળની ગાંગડી લઇ કૈલાશબાના મોંમાં મુકી અને પોતાના મોંમાં પણ .... પછી ...
તરત જ વિજયી હરીફને એણે ફોન કર્યો, ' દિલી અભિનદન દોસ્ત'.
ત્યાગનો આટલો અદભુત આનંદ વિજયે આ પહેલા ક્યારેય માણ્યો જ ન હતો .
----- ગુણવંત વૈદ્ય
16072013