Vedna Samvedna in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | વેદના-સંવેદના

Featured Books
Categories
Share

વેદના-સંવેદના

વેદનાસંવેદના

(૧) “હૂંફ”

મેઘરાજાની તોફાની ઈનિંગ્સ બાદ ઉબડ-ખાબડ થઈ

ગયેલા રસ્તા પર ઓટૉરિક્ષા મંદગતિથી દોડી રહી હતી. પણ આસ્થાનું હ્રદય તીવ્રગતીએ ધડકી રહ્યું હતું. એના જીવનમાં અણધાર્યા આવેલા તોફાન અને ત્યારબાદના એના નિર્ણયને કારણે એની આંખોમાંથી અસ્ખલિત આસુંની ધારા વહ્યા કરતી હતી. જે ખોળામાં સૂતેલી ત્રણ વર્ષની પરીનું ફ્રોક ભીંજવી રહી હતી.

“બેટા,બે ભીંત કોઈનીયે ભેગી પડતી નથી અને જો કદાચ હું પહેલા જાઉં તો તારા પપ્પાનું શું થશે મને તો બસ એની જ ચિંતા થયા કરેછે.....” આસ્થાના મનોમસ્તિષ્કમાં આ શબ્દો વારંવાર અફળાયા કરતા હતા. ગળે ડૂમો બાઝી ગયો હતો અને દ્રષ્ટિ ધુંધળી પડી ગઈ હતી.એણે દયામણી નજરે બાજુમાં બેઠેલા એના પપ્પા ભગવાનલાલભાઈ તરફ જોયું. કોરીધાકોર આંખોએ શૂન્યમાં તાકતા ભગવાનલાલભાઈને

જોતાં જ આસ્થાના હ્રદયમાં કશુંક ચુંથાયું.

ભગવાનલાલ એટલે સાક્ષાત ભગવાન, પણ કમાણી પહેલેથી જ ઓછી તેમ છતાં સર્વગુણ સંપન્ન એવા ભાનુમતી બહેનના ઘરરખ્ખુ સ્વભાવને કારણે બે પાંદડે થઈ શક્યા હતા. એકની એક દીકરી આસ્થાના લગ્ન જ્ઞાતિના પ્રતિષ્ઠિત કુટુંબમાં કરાવીને તેઓ પ્રભુનો પાડ માની રહ્યા હતા. પણ....નાણાંકીય અસમતોલનના પરિણામે વેવાઈઓના ઘરમાં આમપણ એમનું માન ઓછું એટલે આવન-જાવનનો તો પ્રશ્ન જ નહોતો. અને આસ્થાને પણ પિયરે જવાની માંડ-માંડ રજા મળતી. નાનકડી પરી પણ પોતાના નાના-નાનીને મળવા માટે ઝંખતી. ભગવાનલાલભાઈને કાયમ એવું લાગતું કે, જો ભાનુમતિબહેનની વિદાય એમનાં પહેલા થઈ જશે તો તેઓ સ્મશાનેથી પણ પાછા નહીં ફરી શકે એમનું હ્રદય ત્યાં જ બંધ પડી જશે. પણ.....કુદરતને એ મંજૂર નહોતું. ભાનુમતિબહેનની વિદાયને આજે પંદર દિવસ થયા હોવા છતાં પણ એમના શ્વાસ હજી ચાલુ છે.પોતે સંપાદિત કરેલો વિશ્વાસ તૂટતા તેઓ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા.

“હું મજબૂર છું એટલે મેં આ નિર્ણય ...” મનોમંથન કરતાં કરતાં આસ્થાથી જોરથી રડી પડાયું. ભગવાનલાલ ભાઈની નજર આસ્થા પર પડી, એમના શરીરમાં કશોક સંચાર થયો. એમની આંખોમાં પણ આંસુ ધસી આવ્યા. ચશ્મા ઉતારી પોતાની આંખો લૂછી પછી હળવો ખોંખારો ખાઈને આસ્થાના માથા ઉપર હાથ ફેરવતાં તેઓ બોલ્યા, “ દીકરા, હશે જેવી ઉપરવાળાની મરજી! તું તારું મન શું કરવા ઉચ્ચક કરેછે? મને તારા નિર્ણયથી કોઈ તકલીફ નથી . કદાચ પ્રભુએ જ એવું વિચાર્યું હશે....તું જે કરે તે ખરું બાપલા...” આસ્થાના ખોળામાં સૂતેલી પરીને પોતાના ખોળામાં લેતાં જ તેઓ ધ્રુસ્કે‌‌-ધ્રુસ્કે રડી પડ્યા.

“બેન, હવે કઈ બાજુએ લેવાનું છે?”

“હં....અં....ડાબી....ડાબી....બાજુએ લઈ લ્યો ભાઈ.”

રિક્ષાએ ડાબી બાજુએ વળાંક લીધો ત્યાંતો સામે જ એક મોટું સાઈન બોર્ડ દેખાયું. સાઈન બોર્ડ વાંચતા ફરી પાછું આસ્થાનું હૈયું પળે પળે કપાવા લાગ્યું. એણે પોતાના હાથ વડે ભગવાનલાલ ભાઈનો હાથ દાબ્યો. બંનેની દ્રષ્ટિ મળી, બંને ની આંખો છલકાઈ ગઈ અને બંને વચ્ચે વાણીના વિરામ છતાં મૌન દ્વારા સંવાદિતા રચાઈ ગઈ.

“કાકા, એ હું લઈ લઉં છું. તમ તમારે શાંતિથી ઉતરી જાઓ.” રિક્ષાવાળાએ શિષ્ટાચાર દર્શાવ્યો. આસ્થાનું મન ફરી વિચારોના વમળમાં ફસાઈ ગયું.

“હવે કેટલા દી’ તારે આમ માવતરે પડ્યા પાથર્યા રહેવું છે ? કાલ ને કાલ તારો ટાંટિયો ઘરભેળો કરજે નહિંતર મારા જેવી ભૂંડી બીજી કોઇ નહિં હોય અને હાં.... હું ને તારા પપ્પાજી આવતીકાલે મુંબઈ જવાના છીએ છોટીના ઘરે, રોકાવા.... અરે! દીકરી ના ઘરે રોકાવા જતાં હોય ત્યારે એના માટે સત્તર વાના પણ બનાવવાના હોય ને એટલે સમજી ગઈ ને ??? કાલ ને કાલ.... નહિંતર...”

“પણ બા....મારી માં ને ગયે હજુ દિવસ જ શું થયા છે? મારા પપ્પાનું શું થશે? હું.... એ..મ..ને.. આ.. પ...પ... ણા...”

“ઓય ડોબી, અહિંયા મેં કોઈ સદાવ્રત ખોલીને રાખ્યું છે ? કાંઈ જ જરૂર નથી. એનું જે થવાનું હશે તે થાશે...”

“મને માફ કરી દેજે માં , તું તો મારી હાલતથી બરાબર વાકેફ હતી ને ? હું મારા પપ્પાને મારા ઘરે લઈ જવા અસમર્થ છું એટલે....”

“મમ્મા…મમ્મા...આ આપણે કયાં આવિયાં ?” પરીના અવાજે આસ્થાની તંદ્રા તોડી. “ તું સૂઈ જા દીકરા.” પરીનું માથું ખભા ઉપર ટેકાવતાં આસ્થા બોલી.

“બેન , કાકાને પે’લા ઓટલા પર બેસાડ્યા છે. બીજું કાંઈ મારા જેવું...”

“ હં.. અં..ન..ના...હાં...હાં...ભાઈ.....તમને વાંધો ન હોય તો અડધો-એક કલાક ઊભા રહેશો ?? હું આ રિક્ષામાં જ પાછી વળી આવીશ.”

“હોવે બેન હોવે..”

તમામ વિધિઓ પતાવીને બાદ ભગવાનલાલ ભાઈની છાતીએ બાઝીને અડધા કલાક સુધી રડયા બાદ લાલધૂમ આંખે આસ્થા રિક્ષામાં બેઠી. જયાં સુધી “સ્વજન વ્રૃધ્ધાશ્રમ”ની આછેરી ઝલક એની આંખોથી ઓઝલ ન થઈ ત્યાં સુધીતે એને જોતી જ રહી. કાળજાના કટકે કટકા થઈ ગયા હતા. બોઝિલ હ્રદયે તે ભૂતકાળ અને વર્તમાનને માપતી રહી. તેની આંખો સામે ભાનુમતિબહેન અને ભગવાનલાલભાઈના ચહેરાઓ વારાફરતી આવતા રહ્યા અને વિલાતા રહ્યા. પોતે લીધેલા કઠોર નિર્ણયને પગલે તે આખે રસ્તે પરી દ્વારા પૂછાયેલા નાના-નાની વિષેના સવાલો માટે પણ નિરૂત્તર જ રહી.

અંતે...... એની સફર પૂર્ણ થઈ. હળવા આંચકા સાથે ઓટૉ રિક્ષા ‘શાંતિસદન’ની બહાર ઊભી રહી.

“મ..મ્મા ..ઘર આવી ગયું ઉતરને... હં.. ચલ.. ઉતરને...” પરીએ ફાટી આંખે શૂન્યમાં તાકતી આસ્થાને અનેકવાર ઢંઢોળી , પણ.... પરિણામ શૂન્ય ..... તે આસ્થાના હ્રદય પર માથું રાખીને રડવા લાગી. પરંતુ...... આસ્થાનું હ્રદય તો માતાની હૂંફ ગુમાવવાના અને પોતે હોવા છતાં પોતાના પિતાને મમતામયી હૂંફ ન આપી શકવાના વસવસામાં નાનકડી પરીની હૂંફ છીનવીને કયારનું બંધ પડી ગયું હતું.

#######અસ્તુ###

(૨) અફસોસ

ફરી એકવાર આયુષીથી બારીની બહાર જોવાઈ ગયું. ફરી તેના હ્રદયમાં હળવી ટીસ ઊઠી.

“મારી આંખો સામે જ હત્યા થઈ અને... અને... હું કાંઈ જ.... કાંઈ જ... ન કરી શકી... અફસોસ !!!” આયુષી નું હૈયું ફાટફાટ થઈ રહ્યું હતું.

રસ્તોએ સાવ સૂમસામ તો નહોતો જ. રાહદારીઓ અને વાહનોની અવિરત અવર-જવર હોવા છતાં કોઈનામાં એ માણસાઈનો છાંટોએ જોવા ન મળ્યો. “આટલી બધી વ્યકિતઓ હોવા છતાં સૌ કોઈ ટોળે વળીને કે છૂટા-છવાયાં ઊભા રહીને જોઈ રહ્યા હતાં, પણ કોઈનાયે પેટનું પાણી સુંધ્ધાં હાલ્યું નહીં. જો હું આમ લાચાર ન હોત તો કદાચ.....” આયુષી ચોધાર આંસુએ રડી પડી. તે પોતાના નિર્જીવ પગને જોઈ રહી. પેરાપ્લેજીક રોગનો ભોગ બન્યા બાદ આજે જિંદગીમાં પહેલીવાર એને પોતાના પગ અને જેના સહારે એ હતી તે વ્હીલચેર તરફ ધ્રુણા ઉપજી.

તેને રહી રહીને એ વાતનો અફસોસ થયા કરતો હતો કે, બે કલાક પહેલા એની મમ્મીએ ફ્રિજનું ઠંડુ પાણી પાઈને જેના આત્માને તૃપ્ત કર્યો હતો એ જ વ્યકિત આમ હત્યારો બનીને એની સામે આવશે.

“મને તો કલ્પના જ નહોતી અને કલ્પના થઈ પણ કેમ શકે..?? કારણકે... તે વ્યકિતને જોઈને કોઈપણ એમ કહી જ ન શકે કે, તે હત્યારો હશે. દૂબળું પાતળું શરીર, ગામઠી પોશાક, લાચાર ચહેરો, નિર્લેપ આંખો અને ફાળિયા વડે બાંધેલા ભીંછરા વાળ...” આયુષીના હ્રદયમાં કશુંક ચુંથાઈ રહ્યું હતું.

અસંખ્ય લોકોની આંખે દેખ્યો હત્યાકાંડ હોવા છતાં એ હત્યારો પોતાનું કામ પાર પાડયાના સંતોષ અને ‘એ’ ધારદાર હથિયાર સાથે મુક્તપણે જઈ રહ્યો હતો તેમ છતાં કોઈ કરતાં કોઈએ એને રોકવાની સુંધ્ધાં તસ્દી લીધી નહોતી.

હળવા નિશ્વાસ બાદ રસ્તો ફરી પાછો એ જ ગતિએ પોતાની રફતાર પકડી રહયો હતો. રાહદારીઓ પણ કશું જ બન્યું નથીના અભિભાવ સાથે આમથી તેમ દોડી રહ્યા હતાં. સમય પણ પોતાની ગતિએ દોડ લગાવી રહ્યો હતો.

પરંતુ..... આ બધ્ધા વચ્ચે બે જીવ એવા હતા જેમના માટે સમય ત્યાં જ થંભી ગયો હતો .....

એ હતી ....ચૌદ વર્ષની માસૂમ આયુષી અને હત્યારાના વારથી નિર્જીવ બની ગયેલું એ......ઘટાદાર લીલુંછમ્મ વૃક્ષ......

####################અસ્તુ###################

આશા આશિષ શાહ,

ભુજ-કચ્છ.

૯૧૭૩૨૨૧૨૩૪