NO WELL: Chapter-9 in Gujarati Moral Stories by Darshan Nasit books and stories PDF | NO WELL: Chapter-9

Featured Books
Categories
Share

NO WELL: Chapter-9

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ -૯)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે રાકેશ હિમતલાલ પાસેથી રાજકીય સહાય માંગે છે અને શ્યામની કોલેજ અને જીંદગીમાં ઝરીનનો પ્રવેશ થાય છે અને હવે આગળ...

પ્રકરણ- ૯

છેલ્લા પંદર દિવસથી શ્યામને સવારે કોઈ ઉઠાડે તે પહેલા તેની આંખોના પોપચાં પર સળવળાટ થતો. આંખો મીંચીને પથારીમાં પડખા ફેરવ્યા કરતો અને અંતે ઊઠી જતો. ઘેરી ઉંઘ ભરેલી લાલ આંખો, મોડી રાત સુધી ફક્ત ખુબસુરતીના આબેહુબ જીવંત પુતળા સમાન ઝરીનના વિચારમાં ખોવાયેલો હોય તે સૂચવતી હતી. રાતે સપનાની દુનિયામાં અને દિવસે પણ નજરની સામે ફક્ત તેનો જ ચહેરો આવતો હતો.

તે જેવો નાસ્તો પૂરો કરીને પાણી પીવા ગયો કે સંજનાએ બોલાવવા માટે સાદ પાડ્યો. બાર વર્ષથી જવાનો સાદ પાડવાની ઘટના બંને માટે કોમન હતી પણ શ્યામે તેને જવાબ આપ્યો હોય તે કદાચ બીજી અથવા ત્રીજી વખત હતી. જીવનમાં ઝરીનના પુન:આગમન થયા પછી શ્યામને સંજના સાથે વાત કરવાની ઈચ્છા ઓછી થવા લાગી હતી.

‘આટલી ઊતાવળની પણ જરૂર નથી. આમેય થોડીવાર રાહ જોવા ઉભા રહેવું પડશે.’

‘કેમ?’ બંને રામજીમંદિર પાસે ઉભા રહીને વાતે વળગ્યા.

‘ઝરીન માટે...’ અધુરૂ વાક્ય પૂરું થાય તે પહેલા શ્યામે ઝરીનને સામેથી આવતી જોઈને ઉભરાતી પોતાની આંતરિક ખુશીને દબાવવા માટે બનતા પ્રયત્નો કર્યા. આગળના દિવસે પહેરેલા વ્હાઈટ ડ્રેસ કરતા આજે તે બ્લુ અનારકલી ડ્રેસમાં જોરદાર સ્વર્ગથી ભૂલી પડેલી અપ્સરા જ લાગતી હતી, ભલેને પછી શ્યામ ગંધર્વથી ઓછો પડતો ન હોય!

પવનની સાથે તેના રેશમના તાર સમાન વાળ દુપટ્ટાની હવામાં લહેરાવાની દિશા સાથે ચાલતા હતા. દરેક પગલીની રાહ જોતો શ્યામ ઊભો રહી ગયો. થોડી પળો માટે તો તે નીચું જોઇને ચાલતી રહી. તેના નાજુક મલકાટે શ્યામને ક્ષણભર બેકાબુ બનાવી દીધો.

‘હાઈ, ગૂડ મોર્નિંગ.’ તેણે હાથ લંબાવ્યો. સંજનાએ મો બગાડ્યું. ઝરીને સંજના તરફ ધ્યાન આપ્યા વગર શુભ સવાર પાઠવીને શ્યામનો દિવસ સુધારી દીધો.

સવારની શુભ શરૂઆત સ્કુલ, કોલેજ કે નોકરીમાં જતા વ્યક્તિઓ, વારંવાર ઊડીઊડીને ફરી પાણીના ટાંકા પર બેસતા કબુતર અને પોપટના ટોળા, ગાયોના ઘણનું નીકળવું જેવા નયનરમ્ય દ્રશ્યથી થઈ. ત્રણેય બસ સ્ટેશનમાં બસની રાહમાં ઉભા રહીને હાઇસ્કુલ તરફ જતી સફેદ ડ્રેસમાં છોકરીઓ જોતા હતા. ત્રણેયનું ધ્યાન તોડતા ધારી રોડ પરથી કાંગસા-અમરેલી બસ આવતી જોઇને મુસાફરોની સાથે બસના દરવાજાને ઘેરી વળવા દોડ્યા. સંજનાએ તેની દરરોજની પ્રેક્ટીસ હોય તેમ બંનેને પાછળ મૂકી ટોળાને ભેદીને બસમાં ચડી ગઈ. સંજના બેસવાની જગ્યા શોધવા આગળની સીટ પાસે પહોચી ગઈ અને પેલા બંને પાછળ તરફ જગ્યા ન મળતા ત્રણેય પોતપોતાની સ્થિતિ પર ઉભા રહ્યા.

‘ઝરીન, ઊભા રહેવામાં કઇ પ્રોબ્લેમ તો નથી ને?’ શ્યામે ઝરીન સાથે વાત શરુ કરવા માટે તેની કાળજી લેતો હોય તેમ સવાલ કર્યો.

‘ના,’ તેણે શરમાઈને ખુબસુરત ચહેરો ફેરવી નાખ્યો.

સંજના આગળથી તેમની વચ્ચે થતી વાત ધ્યાનથી સાંભળતી હોય તે રીતે પાછળ તરફ ઘુવડની માફક મોટી આંખો ફાડીને ટગરટગર જોતી હતી સાથોસાથ આજુબાજુમાં ઊભેલી અભણ અને રૂઢીચુસ્ત પબ્લિક પણ... તેમના વિચારો મુજબ શું સાથે ઉભેલા છોકરા-છોકરી વચ્ચે પ્રેમસબંધ હોય એવું જરૂરી હોય છે?

શ્યામના પંદર દિવસના અવલોકનનું તારણ એ હતું કે ઝરીન દેખાવ કરતા વધુ માનસિક રીતે દેખાવડી(બ્યુટી વિથ બ્રેઈન) હતી. બધા વિચારોને એવી રીતે રજુ કરતી કે સામેવાળી વ્યક્તિને ખોટું પણ ના લાગે અને શાંતિથી સંપૂર્ણ વાત સમજાવી દે. તેના ગુલાબી હોઠમાંથી બહાર આવતા બુંદરૂપી શબ્દે-શબ્દનું આચમન કરવા શ્યામ હમેશા તૈયાર હતો. પગના તળિયાથી લઈને તેની આંખની બરાબર સામે આવતા રેશમીવાળની સંમોહકતા નિહાળતો રહેતો.

‘શું થયું છે ઝરીન?’ તેના રેશમીવાળ બસની ગતિના લીધે બારીમાંથી આવતા પવન સાથે તાલ મિલાવીને નૃત્ય કરતા અને વાળની લટો વચ્ચેની જગ્યામાંથી ઝરીન કોઈ વાતને લઈને દુખી હોય તેવું લાગતા શ્યામે પૂછ્યું.

તે કોઇપણ વ્યક્તિને ચહેરા પરથી જ કહી શકતો કે તેનો અત્યારે મૂડ કેવો છે, તે શું અને શેના માટે વિચારે છે અને શક્ય હોય તો તેને મદદ કરવામાં પણ જોડાઈ જતો.

‘કઇ નહિ. તને નહિ સમજાય.’ ઝરીન કોઈ વાત છુપાવવા માગતી હતી. કોણ જાણે ઝરીન સાથે એવો કયો સંબંધ બની ગયો હતો આ પંદર દિવસમાં? દરેક પ્રકારના વ્યક્તિની આંખ બોલી પણ શકે છે અને સમજી પણ ...

‘કોના વિચાર કરે છે?’ તેની પ્રેમમાં પડેલી આંખોમાં એકરાર કરવા માટેનો ગભરાટ દેખાતા પૂછ્યું.

‘તારા’ તેની પાસેથી આવો જવાબ સાંભળીને ચોકીને મનોમન ખુશ થવા લાગ્યો. તે શ્યામ તરફ જોતી રહી અને પેલો તેના તરફ... તેની પાસેથી આવો જવાબ સાંભળવાના આનંદની સાથે બીજો પ્રશ્ન ઉભો જ હતો કે શું એ ખરેખર પ્રેમ કરે છે કે ફક્ત બોલવા ખાતર બોલી દીધું.

બંને એકબીજાને તરસતી નજરે જોઈ રહ્યા હતા કે દેવરાજીયા ગામનું પાદર આવતા બસ ઉભી રહી. તેમની જમણી તરફ ત્રણની સીટ ખાલી થયેલી જોઇને જેવા સંજનાને બોલાવીએ એ પહેલા સંજનાએ ઝડપથી આવી પહોચી હતી. સંજના, ઝરીન અને શ્યામ એમ બારી તરફથી ક્રમમાં બેસી ગયા.

સંજનાની સાથે રહેતા લોકોના કહેવા મુજબ, ઉમરના પ્રમાણમાં થોડી નાદાન હતી. તે પોતાના આનંદ અને ઈચ્છા થાય તે જ કામ કરતી. તેમાય તેની ઉમરના લોકોના સાથના લીધે તેને તેમ કરવામાં મદદ મળી જતી ત્યારે તો શેરી આખી માથે લઇને ફરવા લાગતી.

ડ્રાઈવરે બસને ૪૦ કિમી પ્રતિકલાકની ઝડપે ફરીવાર ગતી આપી. સંજના અને ઝરીન બંને સવારના વાતાવરણને નિહાળવા બારીની બહાર ખેતરોમાં લહેરાતા પાક જોતા હતા. શ્યામ ઝરીનને નિહાળતો રહ્યો. પવનના લીધે તેના વાળ ચહેરા પર આવીને હોઠ અને નાક પર આવીને સ્થિર થયા. પેલીએ આ બાબતને ધ્યાનમાં ના લીધી પણ શ્યામે તેની કોમળતા સ્પર્શ કરવા વણમાગી મદદ કરી આપી.

દિલની અંદરથી સુસવાટા સાથે તેજ અવાજ આવતો હતો કે ઝરીનને દિલમાં રહેલી વાત બોલી દે તેના માટે પણ શ્યામ ખચકાતો હતો અને મનોમંથન કરવામાં વ્યસ્ત થઇ જાય ત્યાં જ સંજનાએ તાજેતરમાં બનેલા ઘટનાને રજૂ કરવાનું શરૂ કર્યું.

‘ઝરીન, આજે રાતે અમારા ઘરની સામે રહેતા રમેશકાકાએ આત્મહત્યા કરી.’

‘કેમ?’ ઝરીનની સાથે બાજુમાં ઉભેલી બે સ્ત્રીઓ પણ વાતમાં રસ લઈને ગામની પંચાત કરવા કારણ જાણવા આતુર હોય તેમ જોવા લાગી.

‘તેની પાછળના કારણો પણ અંતે તો સમાજમાં પોતાની પ્રતિષ્ઠાના હતા. હંમેશા માટે મદદરૂપ થતા રમેશકાકાને તેના સંતાનોના કારણે હંમેશા દુઃખ ભોગવવું પડ્યું હતું,’ સંજનાની એક વાક્યની વાતે બંનેને હળવો ધક્કો લગાવી દીધો.

‘કેમ શું થયું?’ ઝરીને પૂછ્યું.

‘પેલી પૂર્વીએ બે દિવસ પહેલા સાવ બીજી જ્ઞાતિના છોકરા સાથે લવમેરેજ કર્યા અને તેનો દીકરો અંકિત તેમની સાથે એક વર્ષથી છૂટો પડી ગયો હોવા છતા થોડાથોડા દિવસે નવીનવી માથાકૂટ લઈને ઘરે પહોચી ગયો હોય.’

‘દીકરા અલગ થાય એ વાત હવે સમજી શકાય છે. પણ પેલી પૂર્વીવાળું કઈ બરાબર ન સમજાયું.’

‘પૂર્વીએ બારમું ધોરણ ભણી લીધા પછી આગળ ભણવાનું છોડીને શેરીના છોકરાઓને ટ્યુશન કરાવતી. અચાનક તેની મુલાકાત બીજી જ્ઞાતિના છોકરા સાથે વધતી ગઈ અને અંતે મુલાકાત પ્રેમ સુધી પહોચી ગઈ.’

‘પ્રેમ આંધળો હોય છે એ વાત અહીં સાબિત થઇ એમને?’

‘કોણ જાણે છે કે પ્રેમ ફક્ત આંધળો જ હોય છે? એ બહેરો પણ હોય અને કદાચ મૂંગો પણ...’ શ્યામે પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી શકતો હોવાનું કારણ બતાવતા કહ્યું.

‘હા, જયારે પૂર્વી ઘર છોડીને ભાગી ગઈ ત્યારે તપાસ કરાવવાથી તે મળી તો ગઈ પણ જયારે તેણે અંતિમ નિર્ણય લઇ લીધો કે તે હવે પેલા સાથે જ રહેશે ત્યારે રમેશકાકા અંદરથી ભાંગી પડ્યા. તેણે આવી આશા પણ નહોતી રાખી કે આવું થશે. રમેશકાકા બંને તરફથી હવે નિરાધાર થઇ ગયા. તે પૂર્વીના આવા પગલાના લીધે આત્મહત્યાનો રસ્તો અપનાવા સિવાય બીજો રસ્તો વિચારી ન શક્યા..’ સંજનાએ વાતને રજૂ કરવાની શરૂ રાખી.

સંજનાની વાતે શ્યામને અંદરથી હચમચાવી દીધો. તે ખચકાટ સાથે વિચારવા લાગ્યો કે ક્યાંક તેમના પ્રણય પુષ્પો ખીલવાના કારણે બન્નેના ઘર સાથે સબંધો કરમાય ના જાય એટલે પોતે પોતાના તરફની લાગણીઓની વહેતી ધારા અટકાવી દે એમાં જ ભલાઈ છે. શ્યામે ઝરીનને પ્રેમ બાબતે વાત કરવા વિચારી હતી તે બંધ રાખી.

‘તો શું પૂર્વીને તેના પ્રેમનો નષ્ટ કરવો જોઈતો હતો?’

‘જો શક્ય હોત, જો તેણે આ સંબંધને પહેલેથી વિકસવા ન દીધો હોત અથવા રમેશકાકાએ પેલા છોકરાને સ્વીકારી લીધો હોત,’ સંજનાની પાસેથી વાત સાંભળવાની સાથોસાથ ઝરીને તેની ટેવ અનુસાર હાથમાંની ડાયમંડ રીંગને ફેરવવાની શરૂ રાખી. બસમાં પાછળની સીટ પર પણ આંતરજ્ઞાતિય પ્રેમલગ્નના મુદ્દા પર વાત શરૂ જ હતી.

શ્યામનું નિયમિત અખબારનું વાંચન સૂચવતું હતું કે સમાજ આંતરજ્ઞાતીય લગ્નને સ્વીકૃતિ આપી શાંતિ અને પ્રેમનું વાતાવરણ સ્થાપિત કરવાને બદલે મારધાડ, ખૂનખરાબા કે પછી લાંબા સમયો સુધી સંબંધો તોડી નાખવા જેવી બાબત પર વધુ મહત્વ આપતો જાય છે.

બસ તેની ગતિથી આગળ વધતી હતી સાથોસાથ આવતો બસનો કર્કશ અવાજ, અંદરોઅંદર ચાલતી વાતચીતનો અને બસના સ્પીકરોમાં વાગતા બે દાયકા પહેલાના શાંત પ્રેમગીતોથી લઈને યુવાનોના મોબાઈલના ઢંગધડા વગરના મોડર્ન ગીતોની વચ્ચે કોમળ ગુલાબની પાંખડી વચ્ચેથી પવન પસાર થઈને કંઈ અવાજ આવ્યો હોય તેટલા ધીમા અવાજથી ઝરીને ‘શ્યામ’ આટલું બોલીને વાત કરવા શ્યામ તરફ નમી. સંજનાએ વાત પૂરી કરીને બારીની બહારના હરિયાળા ખેતરોનું પુનઃનિરીક્ષણ શરૂ કર્યું.

‘કેમ ચુપ છે?’ ઝરીને પૂછ્યું.

‘બસ, એક સવાલ વિચારું છુ. પૂર્વી માટે... સમાજને આંતરજ્ઞાતીય લગ્ન શા માટે મંજૂર નહિ હોય?’ શ્યામે કહ્યું.

‘ના, સમાજને તે મંજુર છે પણ ઘણા લાંબા સમય બાદ જેમકે વર્ષો પહેલાના ચાર વર્ણની આજે હજારો જ્ઞાતિઓ બની ગઈ છે. આપણા દેશમાં આવા લગ્ન સરકારી ધોરણે મંજુર છે. સમાજમાં લોકોના માટે તો સળગતો પ્રશ્ન સ્વીકારવો થોડો વધુ કઠીન છે. જો ઉંચી ગણાતી જ્ઞાતિનો કોઈ વ્યક્તિના કોઈ કારણસર પોતાનામાથી લગ્ન કરવા તૈયાર ના હોય ત્યારે નાછુટકે વ્યક્તિ નીચી ગણાતી જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન કરે છે. જો કોઈ ઉચા હોદા પરનો વ્યક્તિ ગમે તે જ્ઞાતિનો હોય, પણ તેના હોદાના લીધે એવા સમયે બધું યોગ્ય ગણાવા લાગે છે.’

‘હા, આ પ્રશ્નનો કઈક તો જવાબ હશેને?’

‘છે, જયારે ભારતમાં બધા ધર્મના વ્યક્તિ રહે છે તેમ કહી ભારતને બિનસાંપ્રદાયિક દેશ વિચારવાના બદલે દરેક દેશવાસી દેશને ભારતીયોનું ભારત સમજશે ત્યારે પ્રશ્ન આપોઆપ હલ થશે.’

ઝરીનના કોમળ ચહેરા તરફથી તેની પ્રેમતરસી નજર હટવા નહોતી માગતી પણ અમરેલી પહોચી જતા એ નજરનો પણ ધ્યાનભંગ કરવો પડ્યો.

શહેરનું પ્રાચીન અને પ્રખ્યાત શિવમંદિરની સામે બસ ઉભી રહી. કંડકટરે સ્ટેશન દોરી ખેચીને ઘંટડી વગાડીને બુમ પાડી. ‘નાગનાથ સ્ટેશન’ સવારે મુખ્યત્વે કોલેજિયનોના ઉતરી જવાના લીધે મોટા ભાગની બસ ત્યાં જ ખાલી થઇ જતી.

બસમાંથી ઉતર્યા બાદ બસ મુખ્ય બસ સ્ટેન્ડ પૂર્વ તરફ જતી રહી. ત્રણેય ઉતર દિશામાં ચાલવા લાગ્યા પણ શ્યામ રસ્તા પર ચાલતો હોવા છતાં વિચારોથી બસમાં જ રહી ગયો. બસમાં મુસાફરી કરતા નાના હસતા રડતા બાળકોથી વૃધ્ધો સુધી, અભણ લોકોથી લઈને શિક્ષિત વર્ગના લોકો, બધા ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને સુખદુઃખની વાતો કરતા અને સાથે નવા સંબંધોના તાતણા બાંધતા. તેઓની વચ્ચે કોઈ ખાસ પ્રકારના સંબંધો ન હોય, ફક્ત સ્મિતના સંબંધો, વાતોના સંબંધો વિકસતા જોઇને અંદરથી ગર્વ થતો. ક્યારેક તો એવો વિચાર આવતો કે જો લોકો વચ્ચેના સંબંધોના સમીકરણોને સંતુલન કરવા હોય તો ધર્મના કે જાતિના શબ્દો ન વપરાવા જોઈએ પણ એ શબ્દો પણ તેમની જીંદગીમાં ઘણો ભાગ ભજવે છે. આ વિચારોમાં પણ તેને સાચી જિંદગીની માફક ‘તો’ અને ‘પણ’ જેવા શબ્દો નડતા હતા.

શું રાકેશ ફૈઝલની સામે કોમી ખેલ રમશે કે પછી ફૈઝલ પણ ઉમેદવાર તરીકે કઈ નવું રાજકારણ રમશે?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com