Mummy Pan Mari Nahi? in Gujarati Short Stories by Triku Makwana books and stories PDF | મમ્મી પણ મારી નહિ?

Featured Books
Categories
Share

મમ્મી પણ મારી નહિ?

મમ્મી પણ મારી નહિ?

ઉમંગ ધોરણ ૫ માં અને સ્નેહા ધોરણ ૩ માં મોરબીની ભારતી વિદ્યાલયમાં ભણતા હતા. ઉમંગનું તો બહારના શિક્ષક પાસે ટ્યુશન રાખવામાં આવ્યું હતું. પણ સ્નેહાનું કોઈ ટ્યુશન રાખવામાં આવ્યું નહોતું. તેણે મમ્મીને આ બાબતે પૂછ્યું તો કહ્યું કે જયારે તું ૫ માં ધોરણમાં આવશે ત્યારે તારું પણ ટ્યુશન રાખીશું. પણ સ્નેહાને ખબર હતી કે મમ્મી જુઠું બોલે છે, કારણ કે ઉમંગ જયારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે પણ તેનું ટ્યુશન તો ચાલુ જ હતું. વળી તેને તો નાની ઉમરમાં મમ્મીને રસોઈમાં પણ મદદ કરવાની, અને તે અને ઉમંગ પરિક્ષા માટે વાંચતા હોય અને ભાઈને તરસ લાગે તો પાણી આપવા પોતાને જ ઉભું થવું પડતું, ત્યારે તેને લાગી આવતું. તે મમ્મીને ફરિયાદ કરતી તો કોઈ જવાબ મળતો નહિ. અને પપ્પા ઓફિસેથી આવે ત્યારે પણ જો મમ્મી નવરી ન હોય તો તેણે જ પાણી આપવાનું, અને ભાઈ તો આરામથી ટી વી જોતો હોય.

આજ સવારથી જ ઘરમાં ખુશનુમા માહોલ હતો, ઉમંગ અને સ્નેહાનું આજે વાર્ષિક પરિક્ષાનુ રીઝલ્ટ હતું. ગયા વર્ષે ઉમંગને ૭૮ ટકા અને સ્નેહાને ૬૩ ટકા આવેલ હતા. ત્યારે પપ્પાએ વચન આપેલ કે જો હવેની વાર્ષિક પરિક્ષામા ઉમંગ ૮૦ ટકા લાવે તો તેને સાઇકલ અપાવશે. તેથી ઉમંગ વધારે ખુશ હતો. રીઝલ્ટ આવી ગયું. ભાઈ બહેન બંને હંસી મજાક કરતા ઘેર આવ્યા. પપ્પા આતુરતાથી તેમની રાહ જોઇને બેઠા હતા. મમ્મી પણ ખુબ આનંદિત હતી. પપ્પાએ સૌથી પહેલા ઉમંગની માર્કશીટ જોઈ, અને ઉમંગને ૮૨ ટકા આવેલ જોઈને તેઓ ખુશીથી ઉછળી પડ્યા. ઉભા થઈને ઉમંગને બાથમાં લીધો. મમ્મી તરફ જોઇને બોલ્યા જોયું મારો દીકરો ૮૨ ટકા લાવ્યો. મમ્મી પણ ખુશ થતા બોલી તમારા એકલાનો દીકરો નથી મારો પણ છે.

સ્નેહાને મનમાં ખુબ આનંદ થયો કે મારે ૯૩ ટકા આવ્યા છે , તો પપ્પા મને પણ કંઈક ગીફ્ટ આપશે. તે બોલી પપ્પા મારે ૯૩ ટકા આવ્યા, હું સ્કુલમાં પ્રથમ આવી, એમ ? પપ્પા બોલ્યા તેણે સ્નેહાનું માર્ક શીટ જોયું. સાચે જ તેમાં ૯૩ ટકા મળેલ હતા.

સારું પપ્પા બોલ્યા, ચોરી તો નહોતી કરીને?

સ્નેહા તો ડઘાઈ જ ગઈ. તેની આંખમાંથી આંસુ આવી ગયા, તે રડતી રડતી કિચન તરફ દોડી ગઈ. અને હીબકા ભરવા લાગી. તેના મનમાં ભૂતકાળ વલોવાવા લાગ્યો. દયા ફોઈને તે ખુબ વહાલી હતી. વાત વાતમાં દયા ફોઈથી કહેવાય ગયેલ કે તે જન્મી ત્યારે પપ્પાને ગમ્યું નહોતું. જયારે તેનો જન્મ તેના નાનીના શહેરમાં થયલ ત્યારે તેના પપ્પા છેક ત્રણ મહિના પછી તેને જોવા આવેલા. જયારે ભાઈનો જન્મ થયાની ખબર સાંભળી પપ્પા બીજે દિવસે જ મમ્મી પાસે પહોંચી ગયા હતા.

આજ સુધી ક્યારેય પપ્પાએ તેને રમાડી હોય કે તેની માટે કોઈ ચીજ વસ્તુ લાવ્યા હોય તેવું તેને યાદ નહોતું. પપ્પા તો ઠીક મમ્મી પણ મોટે ભાગે રસોઈ કરવા, ઘર કામ કરવા માટે પોતાની મદદ લેતી, ભાઈ તો તેનાથી મોટો હતો, પણ તેણે ક્યારેય ઘરકામમાં મદદ નહોતી કરી, અને હમેશા મારી ઉપર રૂબાબ જ જમાવતો. તેની દાદી અને નાની તથા કાકા- કાકી, મામા- મામી, માસી વગેરે તો તેને ખુબ વહાલ કરતા. મામા તો તે જે વસ્તુ માંગે તે લાવી આપતા. માસી, નાની મામા- મામી, કાકા- કાકીને તો તે ખુબ જ ગમતી તો પછી પપ્પા- મમ્મી તેને કેમ વહાલ કરતા નહિ હોય ?

અત્યારે પોતે રડતી રડતી કિચનમાં આવી છે, તે મમ્મી તો જાણે જ છે. તો પણ મમ્મી તો પપ્પા પાસે જ બેઠેલ છે. રૂમમાંથી હંસી - મજાકના અવાજો આવી રહ્યા હતા. તેના કુમળા મનમાં એક વિચાર અજંપો લાવી રહ્યો હતો, તેને ક્યારેક ક્યારેક લાગતું કે આ પપ્પા તેના નહિ હોય. પણ આજે એવું લાગી રહ્યું હતું કે આ મમ્મી પણ મારી નહિ હોય? મારી મમ્મી હોય તો અત્યારે મારી પાસે જરૂર આવે. તેની સખીઓની મમ્મીનો તેને કેટલું વહાલ કરતી. તે વિચારી રહી હતી કે તે દતક પુત્રી તો નહિ હોય ને?