મ્યુઝીક – એક રિલેક્સેશન
હાર્દિક રાજા
આજના આ સમય માં દુનિયામાં દરેક ક્ષણે નવું નવું સંગીત રેલાય છે, તો ક્યાંક ઘોંઘાટ નું વાતાવરણ છે જેમકે ટ્રાફિક નો અવાજ, ટ્રેઈન નો અવાજ, ટેલીવિઝન નો અવાજ, આ બધા અવાજ માં ક્યાંય મધુરતા હોતી નથી. ત્યારે સંગીત એ સારી એવી રાહત આપે છે. જેના વિશે વૈજ્ઞાનિકો એ કહ્યું છે કે ,”સંગીત આપણા મગજ માં ઊંડે સુધી પ્રસરે છે જેનાથી માનવી નું મગજ, શરીર, હૃદય, બધું કુલ ડાઉન થઇ ને નોર્મલ સ્થિતિ માં આવી જાય છે. મધુર સંગીત થી માનવ મગજ ચિંતા મુક્ત થઇ જાય છે.” તેના વિશે ડેનિયલ લેવીટીન નામના વૈજ્ઞાનીકે “ધીસ ઇઝ યોર બ્રેઈન ઓન મ્યુઝીક” નામનું પુસ્તક પણ લખ્યું છે.
પરંતુ, તમારે વધારે ઊંડા ઉતરી વિચારવાની જરૂર નથી. બસ તમારે માત્ર એક કામ કરવાનું છે. તમે ક્યારેય ઇન્સ્ટ્રુમેન્ટલ ક્રિસમસ સોંગ સાંભળ્યું છે? જો સાંભળ્યું હશે તો તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું ?
જે લોકો એ ન સાંભળ્યું હોય તે જરૂર અનુભવ કરી લેજો.....આહલાદક છે.
જો ભગવાન ની શ્રેષ્ઠ રચના માનવી છે તો માનવી ની શ્રેષ્ઠ રચના સંગીત છે. સંગીત એ આપણી રચનાત્મક શક્તિ નું પ્રેરક બળ છે અને એક રચનાત્મક મગજ જ નવી શોધ કરવાની શક્તિ ધરાવે છે. તમે દરેક મહાન વ્યક્તિ ના જીવન માં ડોકિયું કરી લો, મહાન વૈજ્ઞાનિક અને સુપર બ્રેઈન કહેવાતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન થી માંડી ડૉ. અબ્દુલ કલામ સુધી ના તમામ મહાન વ્યક્તિઓ ના જીવન માં મધુર સંગીત નું ક્યાંક તો સ્થાન છે જ. દરેક સંસ્કૃતિ એ પછી સિંધુ ખીણ ની હોય કે લોથલ ની, કોઈ પણ સંસ્કૃતિ સંગીત ની રચનાકાર હતી. ગુપ્ત યુગ માં સમ્રાટ સમુદ્રગુપ્ત નામે એક મહાન રાજા હતાં, તે વખત માં સમ્રાટ સમુદ્રગુપ્તના વીણાવાદક તરીકે ના સિક્કાઓ ગુપ્ત સમ્રાટો ની સંગીત તરફની રુચિ દર્શાવે છે. વેદોમાં પણ સામવેદ ને સંગીત ની જનની કહેવામાં આવે છે. મુઘલ સામ્રાજ્ય ના રાજા અકબર ના દરબાર માં પણ નવ રત્નો હતાં તેમાનો એક તાનસેન પણ હતો. તો આવી રીતે, રાજા ઓ ને પણ સંગીત નો સારો એવો શોખ હતો. કોઈ ને વીણા વગાળવાનો શોખ હતો તો કોઈ પોતાના દરબાર માં સંગીત સમ્રાટ ને બેસાડતા. જયારે માનવી એ લખવા-વાંચવા ની શરૂઆત નહોતી કરી ત્યારે સંગીત ની શરૂઆત થઇ ચુકી હતી.એટલે કે, પ્રાગ્ ઐતિહાસિક યુગ થી સંગીત ની હાજરી છે.
પ્લેટો એ કહ્યું છે કે ,”સંગીત માત્ર હૃદય ને સ્પર્શતું નથી, તે મગજ ને રાહત આપે છે. જો સંગીત ન હોત તો દુનિયા અધૂરી હોત....” શ્રેષ્ઠ સંગીત હમેશા યાદ રહી જાય તેવું હોય છે, જેમ કે રવીન્દ્રનાથ ટાગોર ના દેશભક્તિ અને આધ્યાત્મિક ગીતો આજે પણ એક શ્રેષ્ઠ સંગીત ગણાય છે. આજે આપણી પાસે ઈન્ટરનેટ જેવો સ્ત્રોત છે. જે પહેલા ના સમય માં અકલ્પનીય હતું. ઈન્ટરનેટ પર તમે કોઈ પણ પ્રકારનું સંગીત શોધી અને સાંભળી શકો છો. તેમાં ઘણી બધી પ્રકારના રીલેક્શેસન માટે ના પણ મ્યુઝીક હોય છે. જેનાથી તમારું મન પ્રફુલ્લિત થઇ જાય છે અને તમે ચિંતામુક્ત અને હળવાફૂલ બની જાઓ છો. અત્યારે તો સારા એવા જે ફિલ્મ ના ગીત હોય તેનું પણ માત્ર સંગીત(ઇન્સ્ટ્રુમેન્ટલ..)માં રૂપાંતર કરી ઈન્ટરનેટ પર મુકવામાં આવે છે અને તે ગીતો સાંભળવા વાળો વર્ગ પણ ઘણો મોટો છે. અત્યારે તો મ્યુઝીક નું પણ વર્ગીકરણ કરી નાખવામાં આવ્યું છે જેમકે, ફોરવ્હીલર માં સાંભળવા માટે નું સંગીત અલગ હોય છે, તમને ઊંઘ ન આવતી હોય તો તેના માટે પણ સ્લીપિંગ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝીક ઈન્ટરનેટ પર મળી જાય છે. જે પૂરી રાત ચાલે તેટલું લાંબુ હોય છે. પણ ખુબજ સરસ હોય છે. તમને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે પણ અઢળક મ્યુઝીક મળી જાય છે. તો આજના જમાના માં સંગીત સાંભળવા માટે તમારે કોઈ પિયાનો, ગીટાર કે વાયોલીન ના ટ્યુશન લેવાની જરૂર નથી આપણી પાસે આ ઈન્ટરનેટ જેવો સ્ત્રોત છે જેમાં અસંખ્ય માત્રા માં ઘણી બધી પ્રકારનું સંગીત છે બસ, તમારે તમારું મનપસંદ સંગીત શોધી અને સાંભળવાનું છે.
તમે કોઈ પણ ધ્યાન કેન્દ્ર માં જશો કે પછી કોઈ પાર્ટી માં જશો, કોઈ પાછળ રખાયેલ શોક સભા માં જશો કે કોઈ ના લગ્ન માં જશો બધે જ સંગીત નો સહારો લેવાયો હશે. હમણાં એક પેપર માં એક આર્ટીકલ આવ્યો હતો કે મધ્ય પ્રદેશ માં એક ભાઈ એ “ સંગીત ની મદદ થી ઘઉં નો પાક બમણો લણ્યો”. રોપાઓ ને જો આપણે સંગીત સંભળાવીએ તો તે તેજી થી વધે છે. ફળ આપતા વૃક્ષો ને પણ જો આપણે સંગીત સંભળાવીએ તો તેના ફળો ની માત્રા વધી જાય છે અને તેની મીઠાસ માં પણ વધારો થાય છે. તો, આવો છે સંગીત નો પ્રભાવ. પ્રાણીઓ પણ સંગીત ના પ્રભાવ થી વધુ કામ કરે છે. સંગીત જેને પ્રિય હશે તે બહુ જ સરળતાથી હસી શકશે. કેમ કે સંગીત માં દુઃખદર્દ ભુલાવી દેવાનો ગુણ છે. જેઓ પોતાની નિષ્ફળતા ને હસી શકે છે, તે કદી નિરાશ થતા નથી. પરિણામે પોતાના લક્ષ્યાંક ને સિદ્ધ કરવા એઓ લાંબો સમય સુધી કામ કરતાં રહે છે અંતે તો સફળ તો એઓ થવાના જ. ચંદ્રકાંત બક્ષી કહેતા કે, “ મને એક ઓરડા માં અઢળક ચોપડા ઓ અને સંગીત સાંભળી શકુ તેવી વ્યવસ્થા કરી આપો તો હું ૨૦૦ વર્ષ જીવું.”
૨૧ મી સદીના મહાન વૈજ્ઞાનિક ડૉ.આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ પિયાનો અને વાયોલીન ના જાણકાર હતાં. તેઓ ને રીસર્ચ કરતાં જયારે પણ કાઈક રસ્તો ન મળતો ત્યારે તેઓ વાયોલીન વગાળતા અને જયારે ઉભા થતા ત્યારે કહેતા કે મને રસ્તો મળી ગયો...( આઈ હેવ ગોટ ઇટ...). એટલે તેઓ કહેતા કે ,”સંગીત માં એવું કાઈક છે જે મારી રચનાત્મક શક્તિ ને પ્રેરણા પૂરી પાળે છે.” આપણી પાસે ચોવીસ કલાક હોય છે તેમાં જે નવરાશ ની પળો મળી હોય તેમાં આ સૃષ્ટિ માં જે સારું રચાયું છે તેને માણવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંગીત સાંભળો, જે સારું લખાયું છે તે વાંચો, દરરોજ મહાન ચિત્રકારો દ્વારા દોરાયેલ ચિત્ર જુઓ. અને જિંદગી ને આનંદ અને ઉલ્લાસ થી મહેકાવી ઉઠો.
સંગીત એ જીવન નું આવશ્યક અંગ છે. તેને કોઈ સીમા નથી, સંગીત એ હવા જેવું છે. તેની વ્યાખ્યા નો કોઈ આકાર જ નથી, જ્યાં સુધી આપણે તેને સાંભળીએ નહિ ત્યાં સુધી... એક વાર સંગીત વગર ની આ દુનિયા ની કલ્પના કરી જુઓ. તમે બધું જ ખોઈ બેસશો. સંગીત એ જીવન છે. આ લેખ તો સંગીત માટે કશું જ ન કહી શકાય. પરંતુ સંગીત માં બધુ જ છે. તે તમારો દર્દ છુપાવી દે છે. તે તમને રીયાલીટી થી દુર લઇ જઈ એક અલગ અને આહલાદક અનુભવ કરાવે છે. “ તમે સંગીત નો સ્પર્શ નથી કરી શકતા, પરંતુ સંગીત તમને સ્પર્શી જાય છે....”
(I often think In music. I live my daydreams in music. – Albert Einstein.)
-હાર્દિક રાજા
Mo : - 95861 51261
Email: -