narkarohan in Gujarati Short Stories by Bhupendrasinh Raol books and stories PDF | નર્કારોહણ

Featured Books
Categories
Share

નર્કારોહણ

નરકારોહણ

કટાક્ષ કથા

ભૂપેન્દ્રસિંહ રાઓલ

નરકારોહણ એટલે

ભૂપેન્દ્રસિંહ રાઓલ દ્વારા લખાયેલ એક કટાક્ષ કથા માત્ર છે.

Copyright

ભૂપેન્દ્રસિંહ રાઓલ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

“આ પુસ્તક દ્વારા કોઈને આર્થ્િાક હાનિ કે ધાર્મિક-સામાજિક લાગણી દુભાવવાનો કે કોઈની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાનો ઈરાદો નથી. આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યાવસાયિક તથા બિનવ્યાવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડિજિટલ)/ઓડિયો-વિઝ્‌યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.”

અર્પણ

વડીલ મિત્રો જેમણે મને નવું વિચારતાં શીખવ્યું છે તેવા શ્રી રશ્મિકાંત દેસાઈ, શ્રી સુબોધ શાહ, ડૉ શ્રી દિનેશ પટેલ તથા ડૉ શ્રી અમૃત હઝારી સર્વને સાદર સમર્પિત.

પ્રસ્તાવના

પ્યારા વાચક મિત્રો,

પહેલું તો શરૂમાં જ કહી દઉં કે આ એક કટાક્ષ કથા માત્ર છે. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો એમાં લેશમાત્ર હેતુ છે નહિ. બીજું આખી કથા વાંચ્યા પછી ખ્યાલ આવશે કે આ પુસ્તકનું નામ નરકારોહણ પણ કટાક્ષમાં જ લખાયેલું છે, એટલે નરકારોહણ ટાયટલ વાંચી એકદમ ઉત્તેજિત થઈ જવું નહિ.

મૂળ તો મેં નરકારોહણ નામની દસેક ભાગની સિરીઝ મારા બ્લોગમાં ૨૦૧૦માં લખીને મૂકી હતી. તે સમયે નેટ પર વાંચતા મિત્રોમાં આ સિરીઝ ખૂબ લોકપ્રિય પણ થયેલી. મૂળ આ પુસ્તકની થીમ કઈ રીતે ઉદભવી અને આ સિરીઝ લખવાનું મન કઈ રીતે થયું તે કહું. હું એકવાર મારી ફીજીયોથેરાપિસ્ટ ને ત્યાં ઊંભો હતો મારી પછીની મુલાકાતનો દિવસ નક્કી કરવા. ત્યાં એક યુવાન ટીલાટપકાં વાળો પણ ઊંભો હતો. રીસેપ્શન પર બેઠેલી છોકરીએ મને પૂછ્‌યું કે કયા દિવસની એપોઈન્ટમેન્ટ આપું સંડે કે મન્ડેની? મેં હસતાં હસતાં કહ્યું સન્ડે હો યા મંડે રોજ ખાઓ અંડે. હું ખાલી મજાકમાં જ બોલ્યો હતો. પણ પેલાં કપાળમાં ટીલાટપકાં કરેલા ભાઈ બોલ્યાં તમારાં જેવાને લીધે અમને શાકભાજી સસ્તાં મળે છે. એમના કહેવામાં ઈંડા ખાવા અને ખાનાર પ્રત્યે એમનો જબરો તિરસ્કાર જણાઈ આવતો હતો. મેં એમની સાથે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. એમના કહેવા મુજબ માંસાહારીઓ બધા નરકમાં જવાના.

મને પછી વિચાર આવ્યો કે માંસાહારીઓ બધા નરકમાં જવાના હોય તો ભારતમાં પ્રાચીન સમયમાં લગભગ બધા માંસાહારી જ હતા. આપણા પુરાણ પાત્રો પણ માંસાહારી હતા. વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ પણ હરણનાં શિકાર કરતા અને ભોજન રૂપે આરોગતા એવું સ્પષ્ટ લખેલું જ છે. માંસાહાર નોર્મલ હતો એવા તો અનેક પુરાવા વેદોમાં, પુરાણોમાં, મહાભારતમાં, મનુસ્મૃતિમાં અને બીજા ગ્રંથોમાં છે. એટલે મને વિચાર આવ્યો કે માંસાહારી એવા પુરાણ પાત્રોની મુલાકાત કહેવાતા નરકમાં લઈએ અને એમના ઈન્ટરવ્યું લઈએ અને એને એક કટાક્ષ કથાનું રૂપ આપી એક નવા સંદર્ભમાં કશું લખીએ. મૂળ તો રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા મહાન પુરૂષો સ્વર્ગ-નર્‌ક વગેરેના મોહતાજ હોતા નથી. આવા પુરૂષો જ્યાં ઊંભા હોય ત્યાં સ્વર્ગ રચાઈ જતું હતું હોય છે. અરે નરકમાં ઊંભા હોય તો ત્યાંથી નરક દૂર ભાગી જાય અને સ્વર્ગ રચાઈ જાય.

એટલે પ્રસ્તાવનામાં વધુ કશું લખ્યા વગર તમામ નેટ ઉપર વાંચતા મિત્રોનો ખુબ આભાર માની મને નરકમાં સાથ આપનાર વડીલ મિત્ર રશ્મિકાંત દેસાઈનો આભાર માની વિરમું છું.

ભૂપેન્દ્રસિંહ રાઓલ

સ્ક્રેન્ટન, પેન્સિલ્વેનિયા. યુ.એસ.એ.

ઈ-દ્બટ્ઠૈઙ્મ :- હ્વજિૈહર૧૧જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઁર્રહી :- +૧ ૭૩૨ ૪૦૬ ૬૯૩૭

દિવસ પહેલો

નરક તરફ પ્રયાણ.

ફ્રોઈડ કહેતો કે દિવસે અતૃપ્ત રહેલી ઈચ્છાઓ માનવી સપનામાં પૂરી કરતો હોય છે. જો કોઈ એવું કહે કે એમને સપના આવતા નથી તો ખોટી વાત છે. હા એવું બને કે એમને સપના યાદ ના રહેતા હોય. ફક્ત વહેલી સવારે જાગતા પહેલા આવેલું છેલ્લું સ્વપ્ન જ યાદ રહેતું હોય છે. એ પહેલા જોએલા સ્વપ્નો લગભગ યાદ રહેતા નથી. રાત્રે તમે સ્વપ્નો જોતા હો ત્યારે તમારી આંખો અંદર ઝડપથી ફરતી હોય છે ભલે બહાર આંખોના પોપચાં બંધ હોય. આને રેપીડ આઈ મુવમેન્ટ કહેવાય છે. ટૂંકમાં એને રેમ કહે છે.

એક ફેમસ કથાકાર બાપુ એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલેલા કે એમને સ્વપ્ના આવતા જ નથી. પણ એ ખોટું છે, એમને યાદ રહેતા નહિ હોય. સ્વપ્ના આવે તે ખોટું જરાય નથી, આવતા જ હોય છે. અમારા મિત્ર રશ્મિકાંત દેસાઈ સાહેબે અમને એકવાર પ્રેમાળ શબ્દોમાં લખેલું કે નરકમાં જવાના છો, આવું ને આવું લખ્યા કરશો તો.

એકવાર હું મારા કંધશુલ એટલે ખભાના દુખાવા માટે થેરાપીસ્ટ પાસે ગયેલો. ત્યાં બેઠેલી રીસેપ્નીષ્ટ નૈયા મને પૂછે કે ક્યારની અપોઈન્ટમંટ આપું ? સંડે કે મન્ડેની ? ત્યારે મેં મજાકમાં કહ્યું કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે. તો બાજુમાં એક યુવાન ટીલા ટપકા કરેલા ભાઈ બોલ્યા કે તમારા જેવાને લીધે અમને શાકભાજી સસ્તા મળે છે. મને પુચ્છ્‌યું પણ નહિ કે હું ઈંડા ખાઉ છું કે નહિ. મેં કહ્યું એનું પુણ્‌ય અમને મળશે. તો કહે માંસાહારીઓ બધા નરકમાં જવાના. મેં એમની સાથે દલીલો કરવાનું મુનાસિબ માન્યું નહિ. મૂરખો સાથે શું દલીલો કરવાની?

ઘણા બધા મિત્રોનું માનવું છે કે હું નરકમાં જવાનો છું. મને પણ એવું લાગે છે. જોકે મારૂં સ્વાગત કરવા દેસાઈ સાહેબે મારા પહેલા ત્યાં પહોચી જવાનું વચન આપેલું છે. મેં પણ એમને જણાવેલ કે ત્યાં ઘણા બધા મહાનુભવો હાજર હશે, એમાંથી કોના કોના ઈન્ટરવ્યું લેવા છે તે લિસ્ટ બનાવી રાખશો. બસ આવી વાતોમાં એક રાતે હું પણ ઊંંઘમાં નરકમાં પહોચી ગયો. દેસાઈ સાહેબે એમની તતૂડી વગાડી અમારૂં તડાકાભેર સ્વાગત કર્યું. હું શોધતો હતો પેલાં મોટા તાવડા જેમાં પાપીઓને શેકતા હોય લાખો વર્ષ લગી.

‘મારો કયા તાવડા માં નંબર છે?’ મેં પૂછ્‌યું.

‘અહીં તો કોઈ તાવડા મને દેખાતા નથી, પણ બધા મહાનુભવો અહીં ફરે છે ચાલો તમને બતાવું,’ દેસાઈ સાહેબ બોલ્યા.

અમે તો ફરતા ફરતા પહોંચી ગયા શ્રી રામજી પાસે. સીતા મૈયા બાજુમાં જ બેઠાં હતા. મને નવાઈ લાગી. આ લોકો અહીં કેમ બેઠાં હશે? આ લોકો તો સ્વર્ગમાં હોવા જોઈને?

દેસાઈ સાહેબ વગર મૂછે મુછોમાં હસતા હતા. મને કહે પગે લાગો અને પૂછવા માંડો. પછી ચાન્સ નહિ મળે. હું તતૂડીમાં ઉતારવા માડું છું.

સીતાજી ખૂબ રૂપાળાં, અદ્દલ દીપિકા ચીખલીયા જેવા. અને રામજી પણ ખૂબ હૅન્ડસમ લાગે અદ્દલ અરૂણ ગોવિલ જેવા. પહેલા તો ચકરાઈ ગયેલો આ અરૂણ ગોવિલ અને દીપીકાજી જ હશે. આમ તો ડભોઈમાં એકવાર દીપીકાજીની સભા હતી ત્યારે ખૂબ નજીકથી મંચ ઉપર એક બાજુ ઉભા ઉભા એમનો ભાષણ કરતો વીડીઓ ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. ત્યારે હું એમની સુંદરતા જોઈને મોહિત થઈને એક ટસ એમને જોયા કરતો હતો. સ્ત્રીઓની સીકસ્થ સેન્સ સારી હોય છે, એ ભાખી ગયેલા કે આ મોહન સતત સામે જોયા કરે છે ઘાયલ થઈ ગયો લાગે છે. મને પણ એમની આંખોના ભાવ સમજાઈ ગયેલા. પછી પ્રયત્નપૂર્વક બીજે જોયા કરતો હતો.

અમે તો જઈને નમી પડયા, બંનેને વંદન કરી બાજુમાં ઉભા રહ્યા. રામજી તો અંતર્યામી સામેથી જ કહે, ‘આવી ગયા એમ ને? સ્વાગત છે, તમે તો સીતાજીનો પક્ષ લઈ ને અમારી સામે પણ ખૂબ બાણ(શબ્દોના) છોડયા છે ને કઈ?’

‘હા ભગવન! અમને જરા એમાં અન્યાય જેવું લાગેલું માટે બધું લખતા હતા.’

‘સાચી વાત છે તમારી એમાં અમને કોઈ દ્વેષ નથી તમારા તરફ, અમે ભૂલો કરેલી જ અમે પણ માનવ જ હતા, માણસ માત્ર ભૂલને પાત્ર.’

‘પણ ભગવાન આવું કેમ કરેલું? ત્યાગ અને અગ્નિ પરીક્ષા મને નહિ ગમેલું માટે મેં વિરોધમાં બહુ લખેલું.’

‘સાચી વાત છે વત્સ, પણ એ જમાના પ્રમાણે અમે બધું કર્યું હશે, પણ અમે સમાજ ઉપર નવો દાખલો બેસાડી શક્યા હોત એવું બધું ના કરીને પણ અમે ચાન્સ ગુમાવ્યો.’

‘ભગવન, એમાં ભારતના પુરૂષ વર્ગે આપનો દાખલો લીધો અને હજુ સુધી ભારતની નારીઓને અગ્નિપરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાગ પણ થાય છે. અમારા એક લેખિકા વર્ષા અડાલજા કાયમ બુમો પાડતા હોય છે કે આ સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા ક્યારે બંધ થશે?’

‘હા વત્સ મને જાણીને ખૂબ દુખ થાય છે, હજુ પણ નારીઓને ધરતીમાં સમાઈ જવું પડે છે.’

‘ભગવન, આપે સરયુમાં કેમ જળસમાધિ લીધી હતી?’

‘વત્સ શેની જળ સમાધિ? અરે ભાઈ સીતાજી ધરતીમાં સમાઈ ગયા, અમે એમને ખૂબ અન્યાય કરેલો એમનું દુખ અને વિરહ અમે સહન કરી ના શક્યા માટે અમે પાણીમાં સમાઈ ગયા. અને જલદી અહીં ભેંગા થઈ ગયા.’

ભગવાન રામ ઈમોશનલ થઈ ગયેલા. આંખોમાં પાણી દેખાવા લાગ્યું. એટલે અમે સીતાજી તરફ વળી ગયા.

‘જય હો મૈયા! આપ અયોધ્યા પાછાં કેમ ના ગયા? ભગવાને માફી તો માંગેલી પછી?’

‘વત્સ હું પણ માનવી હતી, મારે પણ ફીલિંગ્સ હોય, મારે પણ સ્વમાન હોય કે નહિ?’

‘સાચી વાત મૈયા, એટલે આપે ભગવનને માફ ના કર્યા.’

‘હાસ્તો વળી, ના જ કરૂંને? મન ફાવે તેમ સ્ત્રીઓ સાથે વર્તન કરે તે મારા જેવી કેમ સાંખી લે? અને હું સમાજ પર દાખલો બેસાડવા માગતી હતી કે આવી રીતે વારંવાર ભૂલો કરતા પુરૂષોને માફ ના કરશો.’

‘પણ મૈયા સમાજ તો કશું શીખ્યો જ નથી.’

‘વત્સ ક્યાંથી શીખે? ખોટા અર્થ ઘટન થતા હોય ત્યાં? જુઓ ધરતીમાં ખૂબ એનર્જી ભેગી થાય ત્યારેજ ધરતી ફાટે, એમ મારા કહેવાથી ધરતી ના ફાટે.

‘મૈયા આપે ખુદને જ સજા કરી દીધી? સુસાઈડ કરી લીધું એમજ ને ?’

‘વત્સ એક તરફ આખો સમાજ હોય અને એક તરફ એક સ્ત્રી હોય તો શું કરે? ખુદને જ સજા કરે, જે મેં કર્યું હતું. અને વત્સ ધરતીમાં સમાઈ જવાના બે અર્થઘટન થાય, આત્મહત્યા અને ભૂગર્ભમાં જતું રહેવું મતલબ સાવ નિષ્ક્રિય થઈ જવું.

‘તો મૈયા આપની પડખે કોઈ જ ના હતું?’

‘વત્સ હતું એક માનવી, ૠષિ વશિષ્ટના વિદુષી પત્ની અરૂંધતી દેવીએ પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં પગ નહિ મુકું.’

‘મૈયા એ પણ સ્ત્રી હતા અને એકલાં એટલે એમની તતૂડી કોણ સાંભળે.’

સીતા મૈયાના મુખ પર વિષાદ છલકાઈ આવ્યો. એટલે અમે ભગવન સામે મુખ ફેરવ્યું.

‘ભગવન આપ લોગન નરકમાં કેમ?’

‘વત્સ ૧૪ વર્ષ વનમાં શું ખાઈએ? અને આમેય અમે હતા ક્ષત્રિય શિકાર હરણના કરતા એટલે પહેલા તો અમે સ્વર્ગમાં હતા, પણ હમણાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે માટે અહીં ટ્રાન્સ્ફર થઈ છે થોડા વખતથી.’

‘ભગવન પણ સીતા મૈયા કેમ અહીં?’

‘વત્સ આમ તો સ્ત્રીઓ પ્લાન્ટ ગેધરિંગ કરતી અને પુરૂષો શિકાર એટલે મિશ્રાહારી હોવાથી મૈયા પણ મિશ્રાહારી એટલે માંસ અને સલાડ ખાઈ લેતા અને વસ્ત્રો એમને સોનેરી ટપકા વાળા હરણના ચર્મના ખૂબ ગમતા એ પાપ.’

અમે બંને ને સંયુક્ત સવાલ કર્યો,

‘હવે ભારતમાં સ્ત્રીઓનું મૂલ્ય વધી રહ્યું છે, છતાં જોઈએ તેવું નહિ, તો ઉપાય શું?’પબંને સાથે બોલ્યા કે

‘વત્સ પુરૂષોને ખાસ રસ એમાં ના હોય પણ સ્ત્રીઓ એ જ એમનું મૂલ્ય સમજવું પડશે, અને પુરૂષોનાં કાન પકડી એ મૂલ્ય સમજાવવું પડશે.’

‘ભગવન બીજો કોઈ સંદેશ?’

‘વત્સ આ બાપુઓએ ખાસ તો મોરારીદાસે મારી કથા હવે બંધ કરી દેવી જોઈએ, હવે સમાજ, પરિસ્થિતિ બધું ચેઈન્જ થઈ ગયું છે, હવે એની જરૂર નથી. છતાં રોટલા રળવા હોય અને બીજું કશું ના આવડતું હોય તો નવા પરીક્ષેપ માં કથાઓ કરવી જોઈએ. કે ભાઈ સ્ત્રીઓ વસ્તુઓ નથી. એમનું મૂલ્ય સમજો. મેં ભૂલ કરી હતી તેવી હવે ના કરશો.’

‘પણ ભગવાન, આ લોકો તો કહે છે ’રામ કથા જગ મંગલ કરની’ (શ્રી ગુણવંત શાહ ઉવાચ) એટલે હજારો વર્ષ થયા પણ બંધ કરતા નથી.’

‘વત્સ, હજારો વર્ષથી મારી કથાઓ ચાલે છે, છતાં જગની વાત છોડો ભારતનું કોઈ મંગલ થયું હોય તેવું દેખાય છે ખરૂં? સેંકડો વર્ષ લાગી દેશ ગુલામ રહ્યો છે. ઈન્ડોનેશિયામાં પણ રામાયણ ભજવાતી હતી, હવે મોટાભાગનું ઈન્ડોનેશિયા આજે શું છે? સાવ ગરીબડું, પછાત, કંગાળ છે. હું તો મારા અણઘડ સૈનિકો લઈને સેતુ બાંધીને લંકા જીતી લાવેલો. તમે આજે એક મગતરા જેવા દેશોનું પણ કશું કરી શકો છો? ખરેખર રાવણ સામે તો હું મગતરૂં હતો, પણ મારામાં હામ હતી. મારા સૈનિકોમાં એક હિંમત હતી. અને અમે જીતી ગયા. મારી પાસેથી આ શીખવાનું મૂકીને ના શીખવાનું શીખ્યા.’

‘ભગવાન આપની વાત સાચી છે, આપનો આક્રોશ સાચો છે.’

કહી અમે તો શરમના માર્યા કશું બોલી ના શક્યા. મિત્રો સવાલો તો ખૂબ હતા અને બીજા મહાનુભવો ને પણ મળવાનું હતું. અને હવે તો અહીં જ રહેવાનું હતું. જ્યારે મન થાય ત્યારે સવાલો પૂછી શકીએ તેમ હતું. એટલે અમે બંનેને પાયે લાગી ત્યાંથી આગળ વધ્યા.

દિવસ બીજો

અમે અને દેસાઈ સાહેબ ચાલતાં ચાલતાં આગળ વધ્યાં. ત્યાં સુંદર બગીચામાં માથે મોરપંખ બાંધેલા ભગવાન શ્રી ક્રુષ્ણ બેઠેલા જોયા સુંદર રમણીય નારીઓ વચ્ચે. હું તો ઝટ દઈને દોડયો આ તો મારા ખાસ.

મેં કહ્યું, ‘ભગવાન આપ પણ અહીં?’

‘અમારી વૈકુંઠમાંથી અહિ બદલી થઈ ગયી છે, ખબર નહીં હમણાં શું ટ્રેન્ડ આવ્યો છે કે ઘણા બધાંની અહિ ટ્રાન્સ્ફર થઈ ગઈ છે.’

‘તો ભગવાન આપ અહીંથી ભારતમાં (કુરૂક્ષેત્ર) પધારો છો? મને તો એમ હતું કે આપ સ્વર્ગમાંથી આવતા હશો.’

‘ના વત્સ, હું અહીં નરકમાં ફરૂં કે ત્યાં ફરૂં શું ફેર પડે છે? હવે લગભગ બધે સરખું જ વાતાવરણ થઈ ગયું છે.’

‘ભગવાન સાવ એવું ના બોલો મેરા ભારત તો મહાન છે, સોને કિ ચીડિયાં છે.’

‘વત્સ હતું ત્યારે હતું અત્યારે નથી, જુઓ અમે તો ક્ષણમાં આતતાયીને હણી નાખતા હતા, તમને એક કસાબ હરાવી જાય છે, અમારા વારસદારો શું આવા હોય?’

‘પણ ભગવાન શું કરીએ! નેતાઓ એવાં છે કે દેશને નરક બનાવી દીધો છે, પ્રજા શું કરે બચારી?’

‘સાવ ખોટી વાત છે વત્સ! પ્રજા જ દેશને મહાન અને સ્વર્ગ બનાવી શકે અને પ્રજા જ દેશને પામર અને નરક બનાવી શકે. આ નેતાઓ ઉપરથી ટપકે છે?

‘ના ભગવાન એ તો પ્રજા જ ચૂંટે છે, પ્રજામાંથી જ આવે છે.’

‘વત્સ, હવે સમજાયું? કૂવામાં હોય તો હવાડામાં આવે.’

‘સમજાયું ભગવાન વાંક બધો જનતાનો જ છે.’

‘વત્સ, ભારતમાં બીજાને દોષ દેવાની બહુ બૂરી આદત પડી ગઈ છે.’

‘ભગવાન દવે સાહેબ એવું ક્યાંયથી શોધી લાવેલા હતાં કે રાધાજી તો આપના મામી હતા, એમને કામવાસના એ સતાવ્યાં તો આપ બાળકમાંથી રાતોરાત પુખ્ત થઈ ગયા અને રાસલીલાઓ તથા કામલીલા કરી.’

‘અરે વત્સ, તમારા કોઈ મહારાજશ્રી ને એમની કોઈ યુવાન મામી ગમી ગઈ હશે, એટલે મારા નામે ચડાવી દીધું લાગે છે.’

‘એટલે, સમજ્યો નહીં ભગવાન.’

‘અરે નાદાન, એમની યુવાન મામીને ભોગવવી હશે, પેલી માનતી નહી હોય, નીતિમત્તાની વાતો કરતી હશે, એટલે મારી આવી વાતો કરી હશે કે ભગવાન પણ આવું કરતા હતાં. પછી પેલીને પટાવી લીધી હશે.’

‘પણ ભગવાન, આપ અહીં નરકમાં કેમ? આપ તો માખણ ખાતાં હતાં.’

‘કેમ ભૂલી ગયાં? રાજસૂય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ અમે ઉઠાવેલી એમાં સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે હરણનાં માંસનો આહાર કરેલો એ પતરાળીઓ અમે ઊંચકેલી એના માટે અહીં આવી ગયા.’

‘અને ભગવાન મહાભારતના યુદ્ધના લીધે પણ લોકો માને છે કે આપે ખોટું કરાવેલું.’

‘વત્સ, ભલે લોકો માને ખોટું પણ સ્ત્રીને ભરી સભામાં નગ્ન કરે તેવી સડેલી વ્યવસ્થાનો નાશ જરૂરી હતો, એના માટે થઈ ને જૈનોએ પણ મને એમના નરકમાં નાખેલો જ છે.’

‘પણ ભગવાન એમના એક તીર્થંકર નેમિનાથ તો આપના કાકાના દીકરા ભાઈ હતા, તો એમણે પણ લાગવગ ના કરી?’

‘ના એમાં લાગવગ ના ચાલે, કદાચ એમણે પણ સજેસ્ટ કર્યું હોય કે બહુ ફાટ્‌યો છે નાખો નરકમાં, જુઓ ભાઈ જેવો મિત્ર નહીં ને ભાઈ જેવો કોઈ દુશ્મન પણ નહીં.’

‘હા ભગવાન એ વાત સાચી, પાંડવો પણ કૌરવોના ભાઈઓ જ હતાં ને?’

‘વત્સ, હવે તમે અહીં જ રહેવાના છો જ્યારે ઈચ્છા થાય ત્યારે મળી શકો છો, હવે હું જરા મારી સુર સાધના કરી લઉં.

ભગવાન હવે વાંસળી વગાડવા લાગ્યા. એમની શાસ્ત્રીય મધુર ધુન શરૂ થઈ તો લોકો ડોલવા લાગ્યા. અમે ત્યાંથી આગળ વધ્યા. જ્યારે જ્યારે હું પૂછું કે આપ લોક નરકમાં કેમ? ત્યારે દેસાઈ સાહેબ મૂંછમા હસે. મને તેનું રહસ્ય સમજાય નહીં. મને તો આ નરકમાં કોઈ પાપી માણસો ને શેકવાનાં તવા વગેરે દેખાયું નહીં. બચપણમાં મેં નરકમાં શી યાતનાઓ વેઠવી પડે તેના ફોટા જોયેલા. એ વખતે હું ડરી જ ગયેલો. કે કદી પાપ ના કરવું. પણ પછી સમજ પડી ગયેલી કે આ તો તમારી અંદર રહેલા ડરનો ઉપયોગ કરીને રોટલા શેકવાનો ધંધો ચાલે છે. આમેય ભયની વૃત્તિ દરેકમાં મૂકેલી જ હોય છે કુદરતે. હિંસક પશુ પ્રાણીઓથી ના ડરો અને ભાગો નહીં તો એ લોકો તમને મારી નાખે. અને ડરી ને ભાગી જાવ તો બચી જવાય. એ બહાને સર્વાઈવ થઈ જવાય.

સમયથી પહેલાં કુદરત તમને મારી નાખવા નથી ઈચ્છતી માટે આવી ડર અને ભય જેવી ભાવનાઓ મૂકેલી છે. છતા કાયમ ભાગ્યા કરો તો પણ ના ચાલે. કાયમ ડર્યા કરો તો પણ ના ચાલે. ઊંલટાનું લોકો ડરાવી ડરાવીને મારી નાખે. માટે અભયની ભાવના પણ મૂકી. સર્વાઈવ થવા મજબૂત પણ બનવું પડે. માટે સાહસ મૂક્યું. કપરી પરિસ્થિતિમાં લડવાનું બળ આપ્યું. માટે ઉપનિષદો એ અભયના વચનો વદ્યાં અને ભગવાન મહાવીરે પ્રથમ સૂત્ર અભયનું આપ્યું. માણસ એકબીજાને મદદ કરે છે. કેમ? એકબીજાને મદદ કરી ને કોઈ ઉપકાર કરતો નથી. એક બીજા ને બચાવીને કોઈ ઉપકાર કરતો નથી. આ તો બંનેનો સહીયારો પ્રયાસ છે સર્વાઈવ થવાનો. આ બધું સમજવા જેવું છે. વાઘ અને સિંહ સામે આવે અને તમે ભાગી જાવ તો ડરપોક ના કહેવાઓ. એ કુદરતી છે. પણ મુઠ્‌ઠીભર અંગ્રેજોના ગુલામ રહેવું તે કાયરતા છે. કાયમ બહાદુરીના બણગાં ફૂંકીને હજાર વર્ષ ગુલામ રહેવું તે નરી કાયરતા જ છે. ગાંધીજી પાકા વાણિયા હતા, બુધ્ધિશાળી હતા. એમને ખબર હતી કે આ કાયર પ્રજા લડીને આ લોકોને ભગાડી નહીં શકે. માટે મારવાનો નહીં માર ખાવાનો કૉન્સેપ્ટ લઈ આવ્યા. મારી મારી ને કેટલા ને મારશો? કરોડો છીએ. થાકીને ભાગી ગયા.

બસ હવે તો અહિ નરકમાં જ રહેવાનું છે. અહીં તો બહુ બધા મહાનુભવો છે. બધાને મળીશું અને વાતો કરતાં રહીશું.

દિવસ ત્રીજો

ત્રીજો દિવસ થયો આજે નરકમાં આવ્યે. દેસાઈ સાહેબ લિસ્ટ લઈને બેઠાં હતાં. મારા પહેલાં આવીને બધું ચેક કરીને બેઠેલા. કોના ઈન્ટર્વ્યૂ લેવાના, કોઈ રહી ના જાય એ માટે લિસ્ટ બનાવેલું.

‘ચાલો આજે દુનિયાના સૌ પ્રથમ રેશનલ માણસને મેળવી દઉં, દેસાઈ સાહેબ બોલ્યા.

‘એ કોણ? રેશનલીઝમ તો હમણાં ચાલુ થયું છે.’

‘ચાલો તો ખરા! એ માણસ સૌ પ્રથમ હતો જેણે ઈશ્વરભાઈમાં માનવાનું બંધ કરેલું.’

અમે તો ચાલ્યા. ત્યાં તો દૂર દૂરથી “બુદ્ધમ શરણમ ગચ્છામિ”નો નારો મધુર અવાજમાં સંભળાવા લાગ્યો. એક ઝાડ નીચે ભગવાન બુદ્ધ બેઠેલા જોયા એમની જગપ્રસિદ્ધ મુદ્રામાં. બાજુમાં દલાઈ લામા પણ જોયા.

મેં કહ્યું, ‘દેસાઈ સાહેબ, આ લામા હજુ જીવતાં છે ને અહીં શું કરે છે?’

‘અરે! એતો ત્યાં સૂતાં હોય ત્યારે અહીં આંટો મારી જાય છે, એ બહાને ચેક થઈ જાય ભવિષ્યમાં અહીં જ આવવાનું છે.’

‘એવું કેમ? એ તો બહુ મોટા ધાર્મિક ગુરૂ છે, એમને અહીં શું કામ આવવું પડે?”

‘જુઓ, પૃથ્વી પર હમણાં કોઈ પ્રેસિડન્ટ નવા આવ્યા છે, એમનો હુકમ છે કે જે કોઈ માંસાહારી હોય તે બધાને નરકમાં મોકલી આપવા.’

‘કોણ? પ્રેસિડન્ટ સ્વામીની વાત કરો છો? હવે સમજ્યો, આ દલાઈ લામા અહીં કેમ આંટા મારે છે, અમેરિકા જાય ત્યારે સદાય હસતા નિર્દોષ દેખાતા આ ડોસા આરામથી દરિયાઈ વાનગી ખાતાં હોય છે.’

અમે તો ભગવાન બુદ્ધની પાસે જઈ વંદન કરી ને બેઠાં. આ બધા ભગવાન મૂળ અંતર્યામી એટલે અગાઉથી જાણી જાય કે આપણે શું કામ આવ્યા છીએ. મારો પહેલો સવાલ હંમેશની જેમ,

‘ભગવાન આપ પણ અહીં?’

‘વત્સ, મૂળ અમે નાસ્તિક એટલે આના સિવાય બીજે ક્યાં જગ્યા હોય?’ વળી અમારાંથી પણ એક ભૂલ થઈ ગયેલી.’

‘ભૂલ? અને તે પણ ભગવાન આપનાથી?’

‘વત્સ, એકવાર એક અમારો ભિક્ષુ ભિક્ષા પાત્રમાં માંસનો એક ટુકડો લઈને આવ્યો, અને પૂછે કે કોઈ ભિક્ષામાં માંસ આપે તો શું કરવું? ફેંકી દેવું કે ખાઈ લેવું? અમે વિચાર્યું કે ભિક્ષાનું અપમાન ના થાય. અને ના પાડીશ તો આ લોકોના મનમાં ચોઈસ ઘૂસી જશે. માટે અમે હા પાડી કે ભિક્ષામાં આપે તો ખાઈ લેવું. એમાં અમારી ભૂલ આમતો નથી, પણ ભિક્ષુઓએ અવળો અર્થ લઈ લીધો.

‘ભગવાન જરા વધુ ફોડ પાડો.’

‘વત્સ, લોકો એમના મનમાં જે ચાલતું હોય તેવી રીતે જ સમજતા હોય છે. એમની જ દીધે રાખતા હોય છે અને મન ફાવતા અર્થ કરી લેતા હોય છે. એટલે મારા આદેશનો અવળો અર્થ લઈને મારા ભિક્ષુઓએ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. એ માટે ભક્તોને અગાઉથી જ કહી દે કે આજે આનું માંસ ભિક્ષામાં આપજો. અરે ઘણા તો પોતે જે પક્ષી ખાવું હોય તે વેચાતું લઈ ને ભક્તોના ઘરે મોકલી આપે, એટલે પેલો એને ભોજનમાં પરિવર્ત્િાત કરી ભિક્ષામાં આપે.’

‘ભગવાન, સાચી વાત છે. લોકો મનગમતાં અર્થ કરી લેતા હોય છે. બાકી આપ તો કરૂણાના અવતાર છો આપ આવી હિંસામાં ના માનો.’

‘વત્સ, બીજો દાખલો આપું હું પોતે ઈશ્વરનો ઈનકાર કરી ચૂકેલો, છતાં મને માનનારા મને જ ઈશ્વર બનાવી બેઠાં છે.’

‘સાચી વાત ભગવાન, માટે તો આપ જગતના પ્રથમ રેશનલ ગણાવ, પણ આપના ભક્તો નહિ.’

‘વત્સ, વિરોધાભાસ જુઓ મેં દુનિયાને અહિંસાનાં ખયાલ આપ્યા, પણ મને માનવાવાળા દેશો જેવા કે ચીન અને જાપાન અને બીજા ઘણા બધા કોઈ જીવ જંતુ, પશુ પક્ષી કે સરીસર્પ ખાવા માટે બાકી રાખતાં નથી. સજીવો ઉપર સૌથી વધુ જુલમ, હિંસા, ક્રુરતા આ લોકો જ કરે છે.’

‘સાચી વાત છે ભગવાન, સાપ, દેડકા, ઉંદરથી માંડીને કૂતરાં સુદ્ધાં ખાઈ જાય છે, હવે આમાં આપની કરૂણા તો હવાઈ જ ગયી છે.’

‘વત્સ, એક વાર સભા પૂરી થઈ એટલે અમે કહ્યું કે હવે સૌ પોતાનું નિત્ય કર્મ કરો, મારો આશય હતો કે ધ્યાન કરો, પણ સભામાં આવેલો ચોર ચોરી કરવા ગયો, વૈશ્યા એના ગ્રાહકો જોડે ગઈ, લૂંટારો લૂંટ કરવા ગયો. બધા કહે ભગવાને કહ્યું છે. બોલો જગતનું આવું છે ભાઈ.’

‘ભગવાન એક સવાલ કે આપે જ્ઞાન મેળવવા ઘર, સુંદર પત્ની અને કુટુંબ છોડી દીધું એ જ્ઞાન ઘરમાં રહી ને ના મેળવી શકાય તેવું હતું? આ હિંદુઓના તો દરેક ૠષિ મુનિઓ પરણેલાં અને બાળ બચ્ચાંવાળા હતાં.’

‘વત્સ, તમારી વાત સાચી છે. ઘરમાં રહીને પણ મેળવી શક્યા હોત. તમારા જેવો સવાલ અમે જ્ઞાન મેળવીને પ્રથમ વાર પાછાં આવ્યા ત્યારે યશોધરાએ પણ કરેલો. ત્યારે અમે ડિપ્લોમેટીક જવાબ આપેલો કે મેળવી શક્યા હોત પણ એ વખતે લાગતું હતું કે સંસારમાં રહીને જ્ઞાન નહિ મળે માટે ભાગી ગયેલા. મૂળ અમે રાજકુંવર હતા, અમે કદી જીવનની વિષમતાઓ જોયેલી નહિ. પહેલીવાર જોઈને ગભરાઈ ગયેલા, ડીપ્રેશનમાં આવી ગયેલા માટે સંસાર અસાર છે સમજી ભાગી ગયેલા, પણ એ ખોટું હતું તે સમજ્યા ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.’

મૂળ કરૂણાના અવતાર ગણાતા ભગવાન બુદ્ધની આંખોમાં આટલું બોલતા બોલતા આંસુ તગતગવા લાગ્યા એટલે હું દલાઈ લામાજી તરફ વળી ગયો. એ એમનું સદાયનું લાક્ષણિક ખી ખી કરતું હાસ્ય કરતા મારી સામે જોઈ રહેલાં.

મેં એમને નમસ્કાર કરીને પૂછવાનું ચાલુ કર્યું, ‘લામાજી આપ ખાલી આંટો મારવા આવ્યા લાગો છો?’

‘હા ભાઈ, આમેય હવે ત્યાં પ્રેસિડન્ટ સ્વામી જ ભગવાન છે, પ્રગટ બ્રહ્મ છે માટે એમના આદેશ મુજબ અમારે અહીં જ વાસ કરવાનો છે. માટે જરા જોવા આવી જાઉં છું. એ બહાને અમારા ભગવાન જોડે મુલાકાત પણ થઈ જાય છે.’

‘આપ પણ મોટાભાગે અમેરિકામાં ફરતા હોવ છો, ત્યારે સીફૂડ ઝાપટતાં હો છો, એ ખોટું ના કહેવાય?’

‘ભાઈલા, એ વાંક આમનો છે,’ લામાજીએ ભગવાન બુદ્ધ તરફ ઈશારો કર્યો. ‘તેઓશ્રીએ મહાવીર સ્વામિની જેમ કડક થઈને સ્પષ્ટ ના પાડવી જોઈતી હતી.’

‘લામાજી આપની વાત સાચી છે, પણ હવે તો અમેરિકા અને ભારત સુધ્ધા માને છે કે તિબેટ આપનું નથી. ધર્મગુરૂઓનાં હાથમાં રાજકારણ અને દેશની ધુરા સોંપી ના દેવાય.’

‘ભાઈ, હવે એવું છે કે આખી દુનિયા જાણે છે કે તિબેટ અમારૂં જ છે, પણ ચીન હવે સુપર પાવર બનવા જઈ રહ્યું છે એને કોણ કહે?’

‘લામાજી ખોટું ના લગાડતા પણ કુદરતનો નિયમ છે કે સર્વાઈવલ એટ ધ ફીટેસ્ટ, કુદરત માટે બધા સરખાં જ છે કોઈ વિશેષ નથી.’

લામાજી પાસે કોઈ જવાબ નહિ હોય તે નિરૂત્તર થઈ ગયા.

હું અને દેસાઈ સાહેબ આગળ વધ્યા. મેં દેસાઈ સાહેબને પૂછ્‌યું કે હવે કોને મળીશું?

દેસાઈ સાહેબે પ્રેમભરી સ્પષ્ટ સૂચના આપી કે મને દેસાઈ સાહેબ ના કહેશો. ખાલી રશ્મિકાંત કહેજો. મારે પણ રશ્મિ નામ સાથે સારૂં લેણું છે. મારા વડોદરા નિવાસ દરમ્યાન ખાસ મિત્ર વડોદરાના વન ઑફ ધ બેસ્ટ ફોટોગ્રાફર રશ્મિન શાહ મારા ખાસ મિત્ર હતા. આજે પણ છે જ. એમનો સ્ટુડીઓ પાણીગેટ બહાર વામા સ્ક્વેરમાં છે. મેં રશ્મિકાંતને કહ્યું કે આ મારા મિત્ર રશ્મિન શાહની નાની દીકરી આકાશમાં જ્યારે પણ કોઈ પ્લેન જુએ કે તરત એના પપ્પાને કહેશે પાપા ચાલોને એક વાર તો રાઓલજી અંકલ પાસે અમેરિકા લઈ જાઓ. જ્યારે જ્યારે રશ્મિનભાઈ મને ફોન ઉપર આ વાત કરે ત્યારે મને કથાકાર બાપુ યાદ આવી જાય. પેલી દીકરી તો ચાઈલ્ડ જ છે, બાપુ પણ?

ચાલો વિમાનમાં કથા કરવા જઈએ. જો કે દરેક પુખ્ત માણસમાં પણ એક બાળક ક્યાંક તો એના અવચેતનમાં છુપાઈ ને બેઠેલું તો હોય જ છે. મારા, તમારા અને બધામાં. એટલામાં ભગવાન શ્રી રામ ફરતાં ફરતાં અમારી નજીક આવી ગયા. અમે પણ સાઈડવોકમાં એમની સાથે થઈ ગયા. હવે તો ભગવાન અમને સારી રીતે ઓળખી ગયા છે.

મને કહે, ‘અમારૂં નામ સૌથી વધારે વટાવી ખાનાર હમણાં તમારા ન્યુ જર્સીમાં છે કેમ?’

‘હા ભગવાન એડીશનમાં કોઈ મહોત્સવના નામે કથા આપની ચાલી રહી છે. બહુ મોટા મોટા સાક્ષરો પણ પધાર્યા છે.’

‘વત્સ, આ સાક્ષરોને કોઈ કામ ધંધો છે નહિ? વાક્ચાતુર્ય પણ બહુ અસર કરતું હોય છે.’

‘કેમ ભગવાન એવું બોલવું પડયું? હમણાં તો એ બહુ ફેમસ મોટી હસ્તી બની ગયા છે, લોકો એમને વૈશ્વિક ઘટના કહે છે.’

‘વત્સ, સાંભળ્યું છે કે એ કોઈ પર્વો યોજે છે?’

‘હા! ભગવાન, અસ્મિતાપર્વ, સંસ્કૃતપર્વ, હમણાં સદભાવનાપર્વ યોજાઈ ગયું.’

‘વત્સ, મને બધી ખબર છે. આ સદભાવના પર્વ ક્યાં યોજેલું?’

‘ભગવાન, મહુવામાં એમના બધા પર્વો ત્યાં કોઈ સ્કૂલમાં યોજાય છે.’

‘વત્સ, મહુવામાં સદભાવના પર્વની શી જરૂર? ત્યાં કેટલા લોકો સાંભળવા આવે? ૧૦૦૦ કે ૨૦૦૦? એટલાં પણ કદાચ નહિ આવતા હોય, અને સાક્ષરો પણ એના એજ કાયમ આવતા હોય.’

‘તો ભગવાન સદભાવના પર્વની ક્યાં જરૂર છે વધારે?’

‘અરે વત્સ! એની જરૂર છે જ્યાં સદભાવના ના રહી હોય તેવા વિસ્તારોમાં, જ્યાં કોમી કે બીજા કોઈ તોફાનો થતા હોય ત્યાં?’ મહુવાની સ્કૂલના પટાંગણમાં નહિ.’

‘ભગવાન, આપ એવા કેટલા વિસ્તારો જાણો છો કે જ્યાં આની જરૂર હોય?’

‘વત્સ, એક તો ખાસ ગોધરા અને અમદાવાદમાં, એમાંય કાલુપુર, દરિયાપુર, ડબગરવાડ ,શાહપુર અને જુહાપુરા, નરોડા પાટીયા અને ગુલબર્ગ સોસાયટી. વડોદરામાં ખાસ તો મચ્છીપીઠવાડી, મોગલ રેસ્ટોરેન્ટ, બેસ્ટ બેકરી. ગોંડલ એરિયામાં જ્યાં દરબારો અને પટેલો કાયમ રાજકારણના લીધે લડી મરે છે. પોરબંદરમાં જ્યાં મેર અને ખારવા વચ્ચે સિવિલ વોર જેવું ચાલ્યા કરે છે. આ બધી જગ્યાએ જ્યાં લોકો વચ્ચે સદભાવના રહી જ નથી ત્યાં આવા પર્વો યોજતાં હોય તો સારૂં. પણ આ હોશિયાર એવે ઠેકાણે કદી દેખાતો પણ નથી. અને મૂરખો એમને વૈશ્વિક ઘટના તરીકે ઓળખાવે છે ત્યારે જ્યાં વૈશ્વિક ઘટના થાય છે ત્યાં સદભાવના પર્વ યોજવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બૈરૂત, ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં કેમ નથી જતો?’

‘ભગવાન, મારાથી ના બોલાય લોકો નારાજ થઈ જાય છે, માર્દવભાઈ તો લડવા આવે છે. એમને સપના ના આવે એમાં તમારે શું? એ ધંધો કરે કથાનો અને કરોડો કમાય તો તમારે શું? તમને કોઈ એક રૂપિયો એ બોલવાનો આપવાનું છે? આવું કહી ને રોજ ઠપકો આપે છે. એટલે તો અહીં સાવ નજીક એડીશનમાં જ કથા ચાલે છતાં હું જતો નથી ભગવાન લોકો મને માર મારે તો? આ ઉંમરે હાડકા પાછાં સંધાય નહિ.’

‘વત્સ, સાચી વાત છે તમારી, તમારો ભય સાચો છે, પેલાં અમેરિકન પંકજ ત્રિવેદીનું આવાજ ધર્માંધ લોકોએ ખૂન કરી નાખેલું. એમણે પોતે આ કહેવાતા ધાર્મિક પરિવારને એક કરોડનું દાન આપેલું તેવું કહેવાય છે, છતાં મારી નાખતા જરાપણ શરમ આવી નહિ.’

‘ભગવાન, એમાં પણ એમના એક ભક્ત કહે કે દાદા કે દીદી કોઈનું ખૂન ના કરાવે પણ એમના કોઈ ભક્ત ને ખુન્નસ ચડી જાય ને મારી નાખે એમાં દાદા અને દીદી નો શું વાંક?’

‘વત્સ, સાચવજો હવે સાચી વાતો કહેવા જતાં જાનનું જોખમ હોય છે, અને આ ધાર્મિક લોકોનો કદી વિશ્વાસ ના રાખતા. એમના જેટલા ભયાવહ તો વાઘ અને સિંહ પણ નથી.’

‘ભગવાન, અમે પણ તમારા રઘુકુલના છીએ એમ ડરી જઈએ તેવા નથી.’

‘વત્સ, અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે તમને કશું ના થાય.’

ચાલો અમને તો ભગવાન રામજીના શુભ વચનોનો સાથ મળી ગયો છે. રશ્મિકાંત દેસાઈ અને હું કાલે પાછાં કોનું દિમાગ ચાટીશું એની ચિંતામાં પડયા હતા. જો કે રશ્મિભાઈ પાસે લાંબું લિસ્ટ છે એટલે જે વહેલો તે પહેલો. ફરતા ફરતા જે હાથ ચડી જાય તેનું દિમાગ ચાટી લેવાનું. ભાઈ અહીં નરકમાં ખૂબ ઠંડક છે. કોઈ શેકવાના તવા કે શૂળી કે કરવત કે કશું સજા કરે યાતનાઓ કરે તેવું દેખાતું નથી. પણ આ બધા સારા માણસો અહીં ફક્ત માંસાહારને લીધે અહીં તગેડી મૂકવામાં આવે તે મને પ્રૅસિડેન્ટ સ્વામી અને વૈદ્ય સ્વામીની જ્યાદતી લાગી. પણ હમણાં કશું બોલાય તેમ નથી. પ્રગટ બ્રહ્મ છે ભાઈ!!!!!

દિવસ ચોથો

આજે નરકમાં ચોથો દિવસ હતો. હું અને રશ્મિભાઈ નરકમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરૂષ દેખાયો. રશ્મિભાઈ કહે જુઓ આ તો ઈન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા! અમે કોઈ ને ઝૂકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહીં પણ જાળવી રાખ્યો છે.

અમે કહ્યું, ‘જય હો દેવાધિદેવ, ભગવાન અમે થોડા દિવસથી અહીં નરકમાં આવ્યા છીએ; અને અહીં રહેતા મહાનુભવોનાં ઈન્ટર્વ્યૂ લઈએ છીએ. આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’

‘વત્સ, ૠગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીનથી ભરપૂર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’

‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારૂં. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’

‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વગેરે અમારૂં પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દૂબળા રહી ને બળવાન રાક્ષસોને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ ભેગો કરી દઈએ.’

‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઈન્દ્રાસન કાયમ ડોલી ઊંઠતું અહીં પૃથ્વીલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ મોકલી રોકી દેતા.’

‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઊંંચકવાની ત્રેવડ ના હોય તે મારા ઈન્દ્રાસનને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’

‘તો પછી પ્રભુ લોકો આવા ડિંગ કેમ મારતા હશે?’

‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપથી ઈન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આ તો મહાન તપસ્વી છે.’

‘અને પ્રભો, આપને ત્યાંથી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’

‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આ તો એનો પોતાનો વણ સંતોષાયેલો કામરસ એના ગુપ્ત ચિત્તમાં(સબ કોન્શ્યસ) રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઈલ્યુઝન જેવું, માનસિક બીમારી.’

‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાની ઉમર ૧૬ વર્ષ થી વધે જ નહિ એવું સાંભળ્યું છે.’

‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગમાં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’

‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’

‘વત્સ, આ બુઢ્‌ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરૂં? વત્સ સેક્સને દબાવો એટલે આવું થાય.’

‘ભગવાન, સાંભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જેની ઈચ્છા કરો તે હાજર થઈ જાય.’

‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણિ છે જે લોકો; તેમને જ આવી બધી કલ્પનાઓ સૂજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા માટે, અને ખાસ ઓક્સિજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યાંથી ટપકે?’

‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણિ થઈ ચૂક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્‌ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલાં બધા આલસ્ય શિરોમણિ છે.’

‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષોથી શિક્ષણ જ એવું મળ્યું છે.’

‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ૠષિએ હાડકાં આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’

‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કૅલ્શિયમ હોય. કોઈ હાડકું ધાતુ જેટલું મજબૂત હોઈ શકે ખરૂં? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકાં તો કૅલ્શિયમ વગરના સાવ જ નબળાં હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરૂં? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકાં તો સાવ નબળાં હોય. આ તો તપની બકવાસ વાતનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ ભારતીયો નબળાં પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાં તમારા ગુજરાતીઓ તો ખાસ.’

‘ભગવાન, એમાં અમારા ધર્મગુરૂઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયે કરીશું.’

‘વત્સ, અમે તો આખી જીંદગી લડયા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછાં ઓર મજબૂત થઈ ને ફરી લડયા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણની? અમે તો યુદ્ધ જીતવા બધું કરી છૂટતા. કૂડ, કપટ બધું વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એ જ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’

હવે ખાસ કશું પૂછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચૂક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો”. હાડકાની કે લાકડાની તલવારથી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઈન્દ્ર પાસેથી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ”, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈને આ સૂત્ર સૂજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજાને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરૂ થયું ભારતમાં, અને ભારત એમાં પાછળ પડયું. એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછાં ફરવાની કોઈ જોગવાઈ નેચરમાં, કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.

હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મિભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુમાં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ છદ્ભ-૫૬ જેવી માળાઓ લઈને ઊંભા છે. જોઈએ હવે શું થાય છે?

દિવસ પાંચમો

આજે નરકારોહણનો પાંચમો દિવસ હતો. રશ્મિભાઈ કહે, ‘આજે તો કોઈ દેખાતું નથી અહીં ઉપવનમાં ક્યારના આંટા મારીએ છીએ.’

અમે થોડા વધારે દૂર ગયા. તો એક ઝાડ નીચે બેત્રણ ભાઈઓ જેવા બેઠેલા. જરા નજીક ગયા તો એક જાડિયો ખુબ બળવાન લાગતો હતો. અહીં પેલી સ્ટ્રોન્ગેસ્ટ મેન ઈન વર્લ્ડની હરીફાઈના કોઈ સ્પર્ધક જેવો. બીજો એક સોહામણો મજબૂત ઉંચો ને એક સાવ ઢીલાં પોદળા જેવા ચહેરા વાળો હતો.

રશ્મિભાઈ કહે, ‘આ તો ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર લાગે છે.’

મેં કહ્યું, ‘નક્કી પેલો ઢીલાં પોદળા જેવો દેખાય છે તે જ આપણો અધર્મરાજા હોવો જોઈએ.’

રશ્મિભાઈ કહે, ‘એવું ના બોલો એ તો આખા હિન્દુસ્તાન માટે ધર્મરાજા છે.’

મેં કહ્યું, ‘જુઓ આજે આખો દેશ યુધિષ્ઠિર મેનીયાથી પીડાઈ રહ્યો છે. ઢીલાં પોદળા જેવું બની રહેવામાં ગર્વ અનુભવી રહ્યો છે. ધર્મરાજા કહેવડાવવાની લ્હાયમાં માર ખાધે જ જાય છે. આ માણસનું અનુકરણ કરવામાં દેશ પાયમાલ અને કાયર બની રહ્યો છે. નેતાઓને ધર્મરાજા બનવું છે. માટે ના તો કોઈ ગુનેગારને સજા કરી શકે છે. બસ અમે તો ક્ષમા આપવાવાળાં. શાંતિ રાખોના ગાણાં ગાયે જવાના. મને ઈતિહાસનાં આ પાત્ર ઉપર સખત નફરત.’

પણ આવ્યા છીએ તો બે બોલા મળી લઈએ.

અમને જોઈને ખુદ કાપુરૂષ ઉભા થઈ ગયા ને બોલ્યા, ‘આવો! ભગવાન શ્રી કૃષ્ણે અમને જણાવી દીધેલું કે તમે લોકો અમારી ખેંચવા આવ્યા છો.’

‘હું તો આપને ધર્મરાજા નહિ કહી શકું, જ્યાં જ્યાં ધર્મરાજા આપને માટે લખ્યું હોય છે ત્યાં ત્યાં આગળ “અ” લગાવીને જ વાચું છું.’

‘તમારી મરજી, અમને કોઈ વાંધો નથી. પણ એકલાં તમારા કહેવાથી ભારતના લોકો માનવાના નથી. કારણ દેશમાં મારા જેવાની બહુમતી છે.’

‘એક તો પહેલું એ કે મોટાભાઈનાં નાતે આપે નાના ભાઈઓને ખોટી રીતે વશમાં રાખ્યા અને કાયમ કદ પ્રમાણે વેતરતા રહ્યા.’

‘એ તો હજુ આજે પણ એવું જ ચાલે છે. મોટાભાઈઓ એમનું મહત્વ બતાવવા એવું જ કરે, તમારા અડવાણી કાયમ એવું જ કરે છે ને? નાના ભાઈઓ બલિદાનો આપવા માટે જ હોય છે.’

‘દ્રૌપદીના કેસમાં પણ આપ લુચ્ચાઈ રમી ગયા, અને વગર મહેનતે એ જમાનાની સુંદરતમ સ્ત્રી ઉપર હક જમાવી લીધો.’

‘જુઓ ભાઈ, એ જમાનામાં શ્રેષ્ઠતા સાબિત કર્યા વગર આવી સ્ત્રી મળે નહિ. જે અમારો એક અર્જુન જ કરી શકે તેમ હતો.’

‘પણ એમાં આપ રમત રમી ગયા, અર્જુનની મહેનત કૌશલ્ય અને ફાયદો બધાએ લીધો.’

‘જુઓ એ જમાનામાં બહુ પતિત્વનો રિવાજ હતો, અને અમે જાણતા હતા કે અમારા માતુશ્રી દરેક વસ્તુ સ્વાભાવિક બધા ભાઈઓ વહેંચીને ખાઓ એવું જ હંમેશા કહે છે. એનો અમે લાભ લઈ લીધો. માતાશ્રીને એવું કહ્યું જ નહિ કે સ્ત્રી લાવ્યા છીએ.’

‘એટલે સ્ત્રીને વસ્તુ સમજવી આસાન હતું કેમ?’

‘લગભગ એવું જ, અને માતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું પડે તેવું સમજાવી અર્જુનને આગળ બોલવા જ ના દીધો, અને અમારૂં કામ થઈ ગયું.’

‘આપને લોકો ધર્મરાજા કેમ કહેતા હશે તેની જ નવાઈ લાગે છે, એક પત્નીને જુગારમાં કઈ રીતે મૂકી શકો?’

‘જુઓ ભાઈ, એ જમાનામાં પત્નીને વસ્તુ સમજતા ને પથારીમાં રમવા રમકડું જોઈએ, બસ પૈસા ને મિલકત ખૂટ્‌યા તો એને મૂકી દીધી.’

મેં કહ્યું, ‘અધર્મરાજ હું તો આગળ કશા સવાલ કરવા માંગતો નથી. મને તો આપના ઉપર બહુ ગુસ્સો આવે છે. આપે એક તો ભાઈઓને ધર્મના નીતિનિયમોના નામે કશું કરવા દીધું નહિ. જ્યાં લડવાનું આવ્યું ત્યાં ભાઈઓને આગળ કર્યા. અને બાકીની જગ્યાએ આગળ રહીને માન ખાટ્‌યે જ રાખ્યું. પાંચમાંથી ફક્ત બે જ ભાઈ ભીમ અને અર્જુન જ શક્તિશાળી હતા. એમનો ખુબ ઉપયોગ કર્યો ને જરૂર પ્રમાણે ધર્મના નામે; નીતિના નામે કદ પ્રમાણે વેતરે રાખ્યા. જે કીલર આક્રમકતા જોઈએ સર્વાઈવલ થવા માટે તે તમારામાં હતી નહિ અને બે ભાઈઓમાં હતી તેને ઠંડી પાડતાં રહ્યા. બિનજરૂરી આજ્ઞાપાલન કરાવતા રહ્યા. એટલે જ આજે આખો દેશ આજ્ઞાપાલક બની ગયો છે.’

રશ્મિકાંત બોલ્યા, ‘નેતાઓ ઈચ્છે કે પ્રજા અમારી આજ્ઞાનું પાલન કરે. અને નીચેની કેડરના નેતાઓનો ભોગ લીધા કરે. આજ નેતાઓ પાછાં બીજાની આજ્ઞા પાળે, ખાસ તો અમેરિકાના નેતાઓ કે પ્રમુખની આજ્ઞા પાળવામાં ગર્વ અનુભવે. આપણી જ સરહદમાં વાડ કરવા ગયા ને ચીની ભાઈ નારાજ થયા તો બંધ કરી દીધું. હિન્દી ચીની ભાઈ ભાઈ, ભાઈ નારાજ ના થવો જોઈએ. પછી ભલે ઘરમાં આવીને મારી જાય. ઘણી વાર તો એવું લાગે કે દુર્યોધન તમારાથી સારો. નપુંસક તો ના લાગે. અને મહાભારતકારે પણ લખ્યું છે કે એક રાજા તરીકે દુર્યોધન શ્રેષ્ઠ રાજા હતો.’

મેં કહ્યું, ‘એક તો દ્રૌપદીને પણ જીભ ઉપર કાબુ રાખવા સમજાવી ના શક્યા. એક પોતાની પત્નીને ભરી સભામાં જ્યારે નાલાયકો નગ્ન કરી રહ્યા હોય ત્યારે નીચું ઘાલીને જોઈ રહ્યા હતા. ભીમ કે અર્જુન જેવાને પણ બકવાસ નીતિનિયમોની આડમાં ઉભા થવા ના દીધા. એટલે જ આજે જ્યારે કોઈ અફજલ કે કસાબ નામનું મચ્છર ભારત માતાના ચીર આખી દુનિયાની સભા વચ્ચે ખેંચીને નગ્ન કરી નાખે છે ત્યારે ધર્મરાજાઓ(નેતાઓ) નીચું મોં ઘાલી બેસી રહે છે. કૃષ્ણ ક્યારે આવે તેની રાહ જોવામાં ભારત માતાને નગ્ન થતી અટકાવવાનું એક પગલું જાતે ભરતા નથી. કાયમ અમેરિકા સામે લાચાર નજરે જોઈ રહે છે. અમને મદદ કરો.’

અધર્મરાજ નીચું ઘાલી ને ટેવ પ્રમાણે સાંભળી રહ્યા હતા. ભીમ અને અર્જુન પણ મોટાભાઈ સામે નારાજગી ભરી નજરથી જોઈ રહ્યા હતા. પણ વર્ષો જૂની આદત શું બોલે? ઊંંઘમાં પણ આજ્ઞા પળાઈ જાય એટલી હદે ભારતીયોના મન કુંઠિત થઈ ગયેલા છે. ઢીલાં પોચા અને નબળા લોકોને આપણે ધર્મરાજ કહીને બિરદાવીએ તો લોકો તો એવા બનાવામાં ગૌરવ જ અનુભવે.

અમારે માતા કુંતીને મળવું હતું; પણ ક્યાંય દેખાયા નહિ. મારૂં મન જરા ધર્મરાજ સાથે વાતો કર્યા પછી ઉદ્દીગ્ન થઈ ગયું હતું. માતુશ્રી ક્યાંય દેખાય તો એમને પણ થોડા સવાલો કરી લઈએ. ખેર કાલે જોઈશું વિચારી અમે ભીમ અને અર્જુનને વિચારમાં મૂકીને ચાલતી પકડી.

રશ્મિભાઈ કહે, ‘તમે તો જબરૂં ભાષણ ઠોકી દીધું. મને તો બીક લાગતી હતી.

મેં પૂછયું કેમ? ‘તમે પણ ગુસ્સો ઉતાર્યો જ હતો ને?’

તો રશ્મિભાઈ કહે, ’આ ધર્મરાજને ખોટું લાગી જાય ને પેલાં ભીમને આજ્ઞા આપે કે માર આ લોકોને, પછાડી ને પટકી નાખ, તો ભીમ કાયમની ટેવ પ્રમાણે અચેતન રૂપે આજ્ઞા પાળી લે તો આપણે તો મરી જઈએ. આપણું મિશન અધૂરૂં રહે.’

મને પણ થયું કે વાત તો સાચી. એ વખતે ખ્યાલ ના રહ્યો. પણ હવે ઝડપ કરો ચાલો ભાગો. અમે તો ભાગ્યા. સાચી જ વાત છે ને આજે પણ ધર્મરાજાઓની આજ્ઞા પાળીને લોકો નથી તૂટી પડતાં? વિચારે જ ક્યાં છે?

મંદિર તોડો, મસ્જિદ તોડો, તોડો ગુરૂદ્વાર,

બંધના એલાનો આપો દેશ કરો ખુવાર.

દિવસ છઠ્‌ઠો

નરકમાંથી અમને એમ હતું કે જલદી ભાગી જઈશું, પણ ધરતી પરના મિત્રો હવે અમને અહીં જ રાખવા માંગતા હોય તેમ લાગે છે. પાછાં અહીં આવીને માથું ખાશે. અમે પણ રોજ મિત્રોને અહીંનો અહેવાલ મોકલીએ છીએ તો મિત્રોને પણ મજા પડી ગઈ છે. એટલે મારા બેટા કહે છે ત્યાં જ રહો ને નવા ઈન્ટર્વ્યુ લઈ અને અમને મોકલતાં રહો. અમને પણ કોઈ વાંધો નથી. અહીં નરક જેવું લાગતું પણ નથી. અહીં તો મોટા મોટા ફેમસ મહાનુભવો ભેગાં થયા છે. શીતલ જળનાં ફુવારાથી શોભતી વાટીકાઓ, કલ કલ કરતા ખળ ખળ વહેતા ઝરણાં, મજા છે અહીં તો. ત્યાં દૂર એક શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ માતુશ્રી જોયા.

રશ્મિભાઈ કહે, ‘આ તો માતા કુંતી! ચાલો એમની પણ મુલાકાત લઈને પૂછી લઈએ.’

અમે પાસે ગયા ને, પાયે લાગુ માતુશ્રી કહીને એમની પાસે બેસી ગયા.

‘આવો વત્સ, અમારા મોટા દીકરાની સારી ઝાટકણી કરી લીધી. હવે અમારો વારો લાગે છે કેમ?’

‘માતુશ્રી, મહત્વનો એક સવાલ એ છે કે આપે મંત્રોથી પુત્રો પ્રાપ્ત કર્યા તે ગળે ઊંતરતું નથી.’

‘વત્સ, સાચી વાત છે નર-નારીનાં સંસર્ગ વગર કોઈ સંતાન ના થાય.’

‘આપે, ટીનેજર હતા ને કુંવારા હતા અને ભૂલ કરેલી કોઈ સૂર્ય નામના પ્રતાપી નર પાસેથી પુત્ર પ્રાપ્ત કરેલો કેમ?’

‘વત્સ અમે તો મુગ્ધાવસ્થામાં હતા, પણ એ ભાઈની પણ ભૂલ તો ખરી ને કે અમને સાચો રાહ બતાવે.’

‘સાચી વાત છે, આજે અમેરિકામાં ટીનએજરની સંમતિને પણ કોર્ટ સંમતિ નથી માનતી, અને પુખ્ત માણસની ભૂલ સમજીને સજા કરે છે.’

‘આપે દરેક પુત્રો એવી રીતે જ પ્રાપ્ત કરેલા, કેમ?’

‘વત્સ! શું કરીએ, આ ફેમિલીમાં નપુંસકતાનો શ્રાપ હતો. પહેલા પણ આગલી પેઢીમાં વ્યાસજી આવીને પુત્રો આપી ગયેલા.’

‘માતુશ્રી આ મંત્રની વાતનું શું રહસ્ય હશે?’

‘વત્સ, જુઓ મંત્ર તો એક કોડવર્ડ જેવું જે તે માણસ હાજર થઈ જાય. બાકી એમ મંત્રોથી સંતાનો થઈ જતા હોય તો જોઈતું તું શું? પણ એક વસ્તુ હતી કે એમાં અમારી કોઈ સ્વચ્છંદતા જરાય ના હતી, એક મજબૂરી હતી સંતાનો પ્રાપ્ત કરવાની.’

‘પણ એમાં ભૂલ થઈ ગઈ હતી કે કર્ણનો જન્મ થઈ ગયો.’

‘વત્સ, એ વખતે અમને નાની ઉંમરના કારણે ભાન હતું નહિ, કુતુહલ વશ પણ હતા. સમાજનાં ડર અને નીતિનિયમના કારણે અમારે કર્ણને છોડી દેવો પડેલો.’

‘માતુશ્રી આજે પણ એવું જ છે હજુ ભારતની હાલત બહુ સુધરી નથી. પણ મેડિકલના જ્ઞાનને લીધે મુગ્ધાઓની ભૂલો ઢંકાઈ જાય છે. કર્ણને જન્મ આપતા પહેલા મૃત્યુને હવાલે કરી દેવામાં આવે છે. જેથી આખી જીંદગીની અવહેલાનાઓથી કર્ણો બચી જાય છે.’

‘વત્સ, હજુ આજે પણ સૂર્યો છે ભારતમાં?’ માતાએ સવાલ પૂછ્‌યો.

‘હા! માતુશ્રી આપના જમાનામાં એક સૂર્ય હશે. અહીં તો લાખો છે. સ્કૂલના શિક્ષકો, કૉલેજના ગુરૂઓ, ઓફીસના ઉપરી અધિકારીઓ, સંતો, સાધુઓ, ધાર્મિક ગુરૂજનો, નાના મોટા બિઝનેસનાં માલિકો કોઈ જગ્યા બાકી નથી. દરેક જગ્યાએ મુગ્ધાઓને એમની અવસ્થાનો ગેરલાભ લઈને કર્ણની ભેટ આપી દેવા માટે યુવાનોથી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા વૃદ્ધો સુધ્ધા ટાંપીને બેઠેલા છે. પછી આ કર્ણો જન્મતા પહેલા ઉકરડા ભેગાં થઈ જાય છે.’ મેં કહ્યું.

‘અમે પણ ખૂબ પસ્તાતા હતા, પણ કશું કરી શકતા નહોતા.’ માતા બોલ્યા.

‘પણ આપે એને ખૂબ અન્યાય કરેલો, છેક સુધી જાણતાં હોવા છતાં, અને બીજા પુત્રોને બચાવવા માટે પાછાં એને મળવા ગયેલ.’ મેં કહ્યું.

‘અમે પણ સામાન્ય સ્ત્રી હતા. ભલે લોકો જે કહે તે પણ અમારી દુન્યવી ભાવનાઓ યથાવત હતી. એ દુશ્મન દળમાં ભળેલો હતો. અમને અમારા બીજા પુત્રો જે અમારી સાથે વધારે રહેલા હોય તેમની પ્રત્યે માયા વધારે હોય તે સ્વાભાવિક છે.’ કુન્તા માતા બોલ્યા.

‘આ દ્રૌપદીને વસ્તુ હોય તેમ બધાને વહેંચી ખાવા માટે આપે સોંપી દીધી તે પણ આપણી ભૂલ નહોતી શું?’

‘હા એમાં અમે અણ જાણ હતા અને બોલાઈ ગયેલું તે આ લોકોએ પકડી લીધું. મૂળ બધા જેલસ થતા હશે તે અમારી વાત પકડી લીધી. અને અમને પણ થયું કે બધા ભાઈ લડી મરે એક સ્ત્રી માટે અને સંપ ના રહે એના કરતા છોને વહેંચીને ખાય. અર્જુનને તો બીજી મળી જશે પ્રેમ કરવાવાળી.’

‘માતુશ્રી ભારતમાં કોઈ દુઃખી વ્યક્તિને પૂછીએ કે કેમ દુઃખી છો? તો કહેશે માતા કુંતીએ પણ ભગવાન પાસે દુઃખ માંગેલું કે જેથી પ્રભુનું સ્મરણ રહે.’

‘વત્સ, અમે તો જન્મથી દુઃખી જ હતા. અમે શું દુઃખ માંગવાનાં હતા? કુંવારા માતા બન્યા, પુત્રને છોડવો પડયો, પતિ નપુંસક, બીજા પુરૂષોના સહારો લેવો પડે, કુટુંબીઓ પરેશાન કરે. એમાં વળી સ્ત્રી તરીકે ભારતમાં જન્મ, દુઃખ શોધવા થોડું જવું પડે?’ માતાની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

‘માતુશ્રી અમને પણ આપના પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી છે, પણ અમારૂં મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારૂં. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’ મેં જરા લાંબું ભાષણ ઠોક્યું.

‘વત્સ, સાચી વાત છે તમારી, આપણાં દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’

માતા કુંતીને છોડી અમે આગળ વધી ગયા. અમે એમને વધારે મહેણાં મારી દુઃખી કરવા નહોતા ઈચ્છતા. એ પોતે દુઃખનો પર્યાય હતા. પહેલી વાર અમે થોડા ઢીલા પડયા. કે પછી જગતની તમામ માતાઓ પ્રત્યેની કૂણી લાગણી હશે. ભગવાનને ક્યાં જોયો છે? અને માનીએ પણ ક્યાં છીએ? પણ માતા તો જોઈ છે. એક નહિ બે; બબ્બે માતાના પ્રેમ થકી પોરસાયેલા છીએ ત્યારે તો આજે ભગવાન સામે પણ બાથ ભીડી શકીએ છીએ.

દિવસ સાતમો

આજે નરકમાં સાતમો દિવસ હતો. એક પછી એક મહાનુભવોના ઈન્ટરવ્યૂ લેવાય રહ્યા હતા. એના અહેવાલ ધરતી ઉપર મોકલાઈ રહ્યા હતા. મિત્રોની ફરમાયશ વધતી જતી. આને મળો પેલાં ને મળો. હરતા ફરતા જે કોઈ ઝપટે ચડી જાય તેને પકડી લેતા. ત્યાં એક વૃદ્ધ સફેદ દાઢી વાળા લગભગ છ ફૂટયા પડછંદ વ્યક્તિને જોઈ. મેં રશ્મિભાઈને પૂછ્‌યું કે આ પેલાં મુકેશ ખન્ના જેવા વડીલ દેખાય તે કોણ છે? રશ્મિભાઈ કહે આ તો પેલાં ભીષ્મ પિતામહ છે. ચાલો ચાલો મળીયે એમને. અમે તો ગયા વૃદ્ધ વડીલને નમન કરવામાં શું વાંધો? ભીષ્મ પિતામહ અમને ઓળખી ગયા. લગભગ દરેકને ખબર પડી ગઈ છે કે અમે નવા સવા પત્રકાર, કોર્સ કર્યા વગરના અહીં ઘૂસણ મારી છે.

‘નમસ્કાર પિતામહ, આપ અહીં?’ મેં કહ્યું.

‘અરે વત્સ, અમે અનુશાસન પર્વ મહાભારતમાં છે તેમાં જણાવેલું યુધિષ્ઠિરને થોડું માંસાહાર વિષે એની યુ ટ્‌યૂબ ઉપર જાહેરાત થઈ ગઈ છે માટે અમારી પણ પ્રેસિડન્ટ સ્વામીએ અહીં બદલી કરી નાખી છે.’ પિતામહ બોલ્યા.

‘પિતામહ, સમજ ના પડી એમાં જરા વિગતથી કહેવાની કૃપા કરશો?’ મેં કહ્યું.

‘વત્સ, હવે ભારતમાં શાકાહારનો વાયરો ચાલ્યો છે. એટલે માંસાહારીઓ અમે પુરાણ પાત્રો માંસાહારી હતા એવું સાબિત કરવા અમારા બોલેલા વાક્યો શ્લોકોને યુ ટ્‌યૂબ ઉપર જણાવી ને માંસાહાર શ્રેષ્ઠ છે તેવું સાબિત કર્યા કરે છે.’

‘પિતામહ, હવે સમજ પડી. પણ આપે એવું શું કહેલું યુધિષ્ઠિર ને?’ મેં જિજ્ઞાસા દર્શાવી.

‘વત્સ, અમે બાણશય્‌યા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓ ને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહીં લોકોને મર્યા પછી હેરાન ના કરે.’

‘પિતામહ, એમ વાત છે. અહીં અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરૂષને શું ઉત્તર આપેલો?’

‘વત્સ, અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. માછલી આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઈ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઈ ગઈ છે.’ પિતામહે લાંબું ચલાવ્યું.

‘પિતામહ, આ શાકાહાર અને માંસાહાર વિષે કોણ શ્રેષ્ઠ એનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપની અનુભવ વાણી શું કહે છે?’ મેં સવાલ કર્યો.

‘વત્સ, કુદરતે સજીવોની આખી એક ફૂડ ચેનલ ઊંભી કરી છે. હર્બીવોરસ પ્રાણીઓ છે જેવાં કે ગાય, ભેંસ, બકરા ઘેંટા અને પાન્ડા જેવા રીંછ વનસ્પતિ ખાય. એમને સીધા ખાવા માટે કાર્નીવોરસ પ્રાણીઓ બનાવ્યા જેવા કે વાઘ સિંહ, પોલર રીંછ, ગરૂડ જેવા પક્ષીઓ જે ફક્ત માંસ જ ખાય. અને ઓમનીવોરસ એટલે બધું ઝાપટી જનારા સજીવો ફળફળાદિ, વનસ્પતિ અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ બધું એમનો ખોરાક. એમાં માણસો, રીંછ, વાંદરા બીજા અનેક આવી જાય. આમાં કોઈ હિંસા નથી કે કોઈ પાપ નથી. ઊંલટાનું વાઘ ઘાસ ખાય તો કુદરતનો ગુનેગાર બને. અને ગાય જો માંસ ખાય તો તે કુદરત ઉપર ક્રાઈમ કહેવાય. એમ માણસ પણ એકલી શાકભાજી કે એકલું માંસ ખાય તો ક્રાઈમ ઓન નેચર.’ પિતામહે નાનકડું ભાષણ આપ્યું.

‘પિતામહ, આ થિયરી હવે ઈવલૂશનરી સાયકોલોજીસ્ટો સમજાવે છે, પણ અહીં ભારતમાં કોઈ માને તેમ નથી. પણ આપે લગ્ન નહિ કરવાનું વચન કેમ આપ્યું અને પાળ્યું?’

‘વત્સ, શું કરવાનું? કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું તેમ અમે પણ બલિદાન આપેલું. હવે કોઈ દશરથ કે શાન્તનું પેદા ના થાજો ધરતી ઉપર એટલું પ્રભુ પાસે માંગીએ છીએ.’

‘પિતામહ, સાચી વાત છે. હજારો વર્ષથી ભારત આના લીધે દુઃખી થયા કર્યું છે, હવે ર્દ્ગ ર્દ્બિી દશરથ!! ર્દ્ગ ર્દ્બિી શાન્તનું! પણ પિતામહ, સ્ત્રીઓના કીડનેપીંગ કરેલા?’

‘વત્સ, અમારા ભાઈ માટે એવું કરવું પડેલું. એ જમાનામાં એ બધું સામાન્ય હતું.’

‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’

‘વત્સ, નો કૉમેન્ટ પ્લીઝ!’

‘પણ પિતામહ બીજા વારસદારોનું પણ એવું હતું શું?’

‘વત્સ, એમાં જૂઠ બોલી શકાય તેમ નથી, વ્યાસજીએ પુત્રદાન કરેલું અને કુંતીએ પણ એમ જ વારસદારો મેળવેલા. એમાં કોઈ પાપ ના ગણાય.’

‘પિતામહ, આપ દ્રૌપદીને સભામાં નગ્ન કરતી વખતે કેમ ના બોલ્યાં?’

‘વત્સ, અમે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, સ્વભાવથી નરમ થઈ ચૂક્યા હતા. અને નાગાની પાંચ શેરી ભારે, અમારે બોલવું જોઈતું હતું. બીજું અમારૂં કોઈ સાંભળે તેમ હતું પણ નહિ. અમે દુર્યોધનનું અન્ન પણ ખાધેલું.’

‘તો પછી આપ યુદ્ધમાં તો કૂદી કૂદીને લડતા હતા. ત્યારે કમજોરી ક્યાં ગઈ હતી? એક વિકર્ણ વિરોધ કરી સભા છોડી ગયો હતો. પણ આપ?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.

‘વત્સ, વિકર્ણ બહાદુર હતો. મૂળ એક વાત એ છે કે જ્યારે તમે કોઈના રોટલા ખાધા હોય તેના આધારિત રહ્યા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એની વિરૂદ્ધ બોલી શકતા નથી. એક અહેસાન, પેટમાં પડેલું અન્ન બોલવા દેતું નથી. અહેસાનનો ભાર સાચું દેખાતું હોવા છતાં બોલવા દેતો નથી. માટે બને ત્યાં સુધી સ્વનિર્ભર રહેવું જ સારૂં. ઈમર્જન્સી વગર કોઈનું અન્ન ખાવું નહિ.’

‘પિતામહ, આખી જીંદગી કામને દબાવ્યો તો એવું પણ બને કે અચેતન રૂપે સ્ત્રીને નગ્ન જોવાની ઈચ્છાએ બોલવા દીધા ના હોય.’

‘વત્સ, ગૂંચવી નાખ્યો તમે. મારે ફ્રોઈડની સલાહ લેવી પડશે. હાલ નો કૉમેન્ટ પ્લીઝ!

‘પિતામહ, ફ્રોઈડ તો બીજા ધર્મનો, એ કોઈ બીજા નરક કે સ્વર્ગમાં હશે. એવું કરો પેલાં ઓશો રજનીશ ક્યાંક ફરતા ફરતા આવી ચડે તો એમની પાસેથી ખુલાસો મળી જશે. એ બહુ મોટા મનોવૈજ્ઞાનીક હતા. અચેતન મનની દરેક કરામતના જાણકાર ખેલાડી હતા.’

‘વત્સ, પણ એ તો હાલ કયા ગ્રહની મુલાકાત કરતો હશે? લટારમારૂ અહીં આવશે તો ચોક્કસ પૂછી લઈશ.’

હવે વધારે પૂછી ને વડીલને શરમમાં નાખવાનો કોઈ હેતુ હતો નહિ. રશ્મિભાઈ અને મેં ત્યાંથી ચાલતી પકડી. રશ્મિભાઈ ને મે કહ્યું કે આ એક મહાભારતનું પાત્ર આખી જીંદગી એકલતાની અસીમ વેદના વેઠીને રહ્યું. એક કામી પિતાની અયોગ્ય માંગ ને સંતોષવા જતા એક તો મોત આવે નહિ ને ખુબ લાંબી જીંદગી જીવવી કેટલું અસહ્ય???

દિવસ આઠમો

દ્રૌપદી સાથે મુલાકાત

નરકમાં અમે મસ્તીથી ફરતાં હતાં. અહીં તો વાતાવરણ લગભગ સ્વર્ગ જેવું જ હતું. ગરૂડ પુરાણમાં વાંચેલું એવું અહિ કશું હતું નહિ. ગરૂડ પુરાણમાં કેવાં ભયાનક વર્ણન હતાં પાપોની સજા ભોગવવાનાં.

એવામાં અચાનક મને હવામાં વાદળી રંગના કમળ ફૂલની સુગંધ પ્રસરી રહી હોય એવો ભાસ થવા લાગ્યો.

મેં રશ્મિભાઈને પૂછ્‌યું, ‘આટલી સરસ મહેક ક્યાંથી આવતી હશે? આસપાસમાં કોઈ સુંદર સરોવરમાં બ્લ્યુ કમળ હોવા જોઈએ.’

રશ્મિભાઈ કહે, ‘ સરોવર તો નજીકમાં દેખાતું નથી, નક્કી આસપાસમાં યજ્ઞસેની હોવાં જોઈએ. એમનાં સિવાય કોઈના શરીરમાંથી આવી સુગંધ આવે નહિ.’

હું તો ખુશ થઈ ગયો કે નક્કી આજે પાંચાલીના દર્શન થઈ જવાના. તે સમયના મોસ્ટ બ્યુટીફૂલ વુમન એવાં કૃષ્ણા નજીકમાં જ ક્યાંક હશે. થોડા આગળ વધ્યા ત્યાં એક સુંદર પર્ણકુટિ આગળ ફૂલછોડને પાણી પિવડાવતાં એક જાજરમાન મહિલા જોયાં. જાણે અગ્નિકુંડમાંથી હાલ પ્રગટ થયાં હોય તેવાં તામૃવર્ણ ધરાવતાં, સામાન્ય માણસને તો નજીક જતાં ડર લાગે તેવાં પ્રતિભાશાળી. દેહમાંથી પ્રસરતી કમળની અદ્‌ભુત સુગંધ, કમળ જેવા લોચન અને ઘેરા વાદળી રંગના વાદળોના સમૂહ જેવા અદ્‌ભુત કેશ.

રશ્મિકાંતભાઈ કહે આ તો નિત્યયૌવની, યજ્ઞસેની, કૃષ્ણ સખી, પંચાલ રાજાની યુદ્ધકુંવરી દ્રૌપદી જ છે, ચાલો આજે એમનો પણ ઈન્ટર્વ્યૂ લઈ જ લઈએ. અમે તો પહોંચ્યા એમની પાસે પ્રણામ કરી રશ્મિભાઈએ અમારી ઓળખાણ આપી. જો કે તેઓને અમારી ખબર પડી ગયેલી હતી. કારણ અમે પાંડવ બ્રધર્સ અને માતા કુંતીને મળી ચૂક્યા હતાં.

‘મને થતું હતું કે આ લોકો મારો ઈન્ટરવ્યું લેવા કેમ હજુ આવ્યા નથી,’ દ્રૌપદી બોલ્યાં.

મેં કહ્યું, ‘આપનો ઈન્ટરવ્યું લીધાં વગર અમારૂં નરકારોહણ અધૂરૂં જ રહે.’

દ્રૌપદી હસી પડયાં. એમનાં હાસ્યમાં પણ એક કાતિલ ઠંડક હતી.

મને પોતાને બહુ ઔપચારિકતા દાખવવાનું ફાવતું નથી. એટલે સીધા સવાલો કરવા માડું છું.

‘પ્રથમ તો આપના અદ્‌ભુત સૌન્દર્યને પ્રણામ,’ મેં કહ્યું.

દ્રૌપદી હસીને બોલ્યાં, ‘પ્રણામ !, તમારા વેધક સવાલોના જવાબ સરખાં આપી શકીશ કે નહિ તે કહેવું મુશ્કેલ છે.’

મારૂં પ્રથમ પૂછવું એ છે કે, ‘આપે આપના સ્વયંવરમાં કર્ણને માછલીની આંખ વીંધવાની હરીફાઈમાં ભાગ લેવાની ના કેમ પાડી દીધેલી એ ભેદભાવ ના કહેવાય?’

દ્રૌપદી બોલ્યાં, ‘સ્વયંવરનો મતલબ જ એ કે મારે મારી ઈચ્છા મુજબ વર પસંદ કરવાનો હતો. એમાં કોણે ભાગ લેવો કોણે નાં લેવો તે મારી મરજી મુજબ જ હોય ને? હું હા પાડું તેને જ પિતાશ્રી એમાં ભાગ લેવાની મંજૂરી આપે. અને મને અર્જુન પ્રત્યે થોડો પહેલથી જ લગાવ હતો. એટલે મને ખબર હતી હરીફાઈમાં કર્ણ ભાગ લેશે તો અવશ્ય જીતી જશે. મારા સખા કૃષ્ણે પણ ઈશારો કરીને ચેતવી દીધેલી. અને મૂળ તો પાંડવો મૃત્યુ પામ્યા છે તેવી અફવા હતી એટલે આવી પાણીમાં પ્રતિબિંબ જોઈ માછલીની આંખ વીંધવાની સ્પર્ધા અર્જુનની શોધ માટે જ હતી કે અમને વિશ્વાસ હતો કે અર્જુન જીવતો હશે તો તે બહાર આવશે જ અને કર્ણ સિવાય બીજો કોઈ આ મત્સ્યવેધ કરવાની હિંમત કરશે તો તે ફક્ત ને ફક્ત અર્જુન જ હશે.’

મેં કહ્યું, ‘ઉત્તમ આઈડિયા, પણ માતા કુંતીએ અજાણતાં કહી દીધું વહેંચીને લઈ લો એમાં આ પાંચ ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લેવા સમજાયું નહિ.’

‘શરૂમાં તો મેં વિરોધ કરેલો,’ દ્રૌપદી બોલ્યાં.

વધુ ઉમેરતાં દ્રૌપદી બોલ્યાં, ‘આ માતાઓ અને પિતાઓ પણ સામાન્ય માનવી જ હોય છે. બધાં કાંઈ ભગવાન હોતા નથી. આપણે એમનું રીસ્પેક્ટ રાખીએ જન્મદાતા તરીકે તે અલગ વાત છે. પણ આ બધા એબ્સોલ્યુટ રાઈટ જ હોય તેવું માનવું વધું પડતું છે. શાન્તનું અને દશરથે ભીષ્મ અને રામનાં કેવાં બલિદાન લીધાં છે તે આપણે જાણીએ છીએ તેમ કુંતીએ અજાણતાં મારૂં બલિદાન લઈ લીધું હતું. માતાપિતા અને વડીલોની અયોગ્ય માગણીઓને નકારવાનું શીખવું પડશે. વડીલો અને પેઅરન્ટ ને એમના ગુણ દુર્ગુણ સાથે સ્વીકારી પ્રેમ કરીએ તે મહત્વનું છે. પણ તે સમયે માતાનાં વચનને બહાને સખા કૃષ્ણે અને ખુદ અર્જુને મને સમજાવી એટલે માની ગઈ અને પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધા.

મેં કહ્યું, ‘આખા બનાવ વિષે વધુ પ્રકાશ પડશો?’

‘મૂળે મને આમાં કોનો દોષ છે તે હજુ સમજાયું નથી. માનવજાત બહુગમન કરનારી છે તેમાં કાંઈ નવું નથી. અને માતાએ તેમના અજાણતાં બોલાયેલ બોલ પાળવા જ તેવો આગ્રહ રાખ્યો નહોતો, ઉલટાનો આવા લગ્ન ભૂતકાળમાં થયેલા છે કે નહિ તેના પુરાવા માંગેલા. ત્યારે યુધિષ્ઠિરે ગૌતમ વંશના જટિલા દેવીનો દાખલો આપેલો કે જેઓ સાત સપ્તર્ષ્િા સાથે પરણેલાં હતાં અને બીજો દાખલો હિરણ્‌યાક્ષની બહેના પ્રચેતીનો આપેલો જે દસ ભાઈઓ સાથે પરણેલી હતી.’ દ્રૌપદીએ લાંબું ચલાવ્યું.

હું બોલ્યો, ‘ હું તો મોટાભાઈ યુધિષ્ઠિર ઉપર આમાં કપટ રમવાનો આક્ષેપ કરીને આવ્યો છું, પણ આપે વાત સ્વીકારી લીધી એમાં ઊંંડે ઊંંડે પાંચ શ્રેષ્ઠ પુરૂષોને પામી લેવાની મનોદશા પણ વંચાય છે.’

‘દરેક સ્ત્રીમાં ખૂબ ઊંંડે ઊંંડે એક દ્રૌપદી વસતી હોય છે. મને મૉરલ વેલ્યુઝ ધરાવતો પતિ જોઈતો હતો, મને શારીરિક બલિષ્ઠ પતિ જોઈતો હતો, મને હિંમતવાન ધનુર્ધારી બાહુબલિ પતિ જોઈતો હતો, મને ખૂબ રૂપાળો અને બુદ્‌ધિશાળી પુરૂષ પણ પતિ તરીકે જોઈતો હતો, હવે આ બધું એકમાં તો હોય નહિ. એટલે કદાચ મેં આ જુદા જુદા ગુણ ધરાવતા પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધાં હોય એવું પણ બને.’ દ્રૌપદી આજે ખુલ્લા મને બોલી ઊંઠ્‌યાં.

‘પણ આ બધું આપ મેનેજ કઈ રીતે કરતાં?’ મેં જરા શરમ છોડી પૂછી લીધું.

‘અરે! એમાં કોઈ મોટી વાત નહોતી. પહેલું તો આમાં કોઈ વિલાસિતા નહોતી. એક આખું વર્ષ એક જ પતિ સાથે વિતાવતી તે સમયે બીજાનો વિચાર પણ નહિ કરવાનો. એટલે હું વર્ષ પૂરૂં થાય અને બીજા પતિ પાસે રહેવા જાઉં ત્યારે માનસિક રીતે વર્જિન બનીને જ જતી. આપણે હમેશાં કોઈની સાથે મનોમન કમ્પેરીજન કર્યા જ કરતા હોઈએ છીએ. અને એ કમ્પેરીજન અપેક્ષાઓ વધારી દેતી હોય છે અને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે જે સામે અને સાથે હોય તેની ખૂબીઓ દેખાતી નથી અને એના સહવાસનું સૌન્દર્ય ગુમાવી બેસતા હોઈએ છીએ.’ દ્રૌપદીએ કહ્યું.

મેં કહ્યું, ‘ આજ અઘરી વાત છે. જરા વધુ પ્રકાશ પાડશો અમારા વાચકો માટે?’

દ્રૌપદી બોલ્યાં, ‘દાખલા તરીકે જુઓ હું ભીમ સાથે એક વર્ષ વિતાવું અને પછી બીજા વર્ષે સહદેવ પાસે જાઉં અને બંને વચ્ચે સરખામણી કર્યા કરૂં તો સાવ નકામું. ભીમ બલિષ્ઠ અને આક્રમક મને શયનખંડમાં સૌથી વધુ સુખ આપે પણ સહદેવ બુદ્‌ધિશાળી અને પ્રેમાળ માનસિક રીતે સૌથી વધુ સુખ આપે. હવે બંનેની ક્વૉલિટી જ અલગ બંને સાથે સાહચર્યમાં મને અલગ અલગ સુખ મળે. હવે હું જ્યારે સહદેવ સાથે હોઉં ત્યારે ભીમને યાદ કર્યા કરૂં તો ભીમ તો પાસે હોવાનો નથી અને સહદેવને પણ ગુમાવું કે નહિ?’

‘હવે બરોબર સમજાયું. એટલે શાસ્ત્રોએ આપને નિત્ય કુંવારાની ઉપાધિ આપી છે તે બરોબર છે. વર્જિન એટલે શારીરિક નહિ પણ માનસિક વર્જિન. આજના પુરૂષો શારીરિક વર્જિન સ્ત્રીની અપેક્ષા રાખતા હોય છે ખરેખર સ્ત્રી શારીરિક વર્જિન હોય કે નાં હોય શું ફરક પડે છે? સ્ત્રી માનસિક વર્જિન હોવી જોઈએ જ્યારે આપણી પાસે આવે ત્યારે. માની ગયા બોસ સલામ આપને. અને એટલે જ આપને નિત્યયૌવના પણ કહ્યા છે.’ મેં કહ્યું.

હવે દ્રૌપદીનો વારો હતો તે બોલ્યાં, ‘બહુપતિત્વ ભારતમાં માન્ય હતું પણ ધીમે ધીમે લુપ્ત થતો રિવાજ હતો. તિબેટ આખું બહુપતિત્વ ધરાવતું હતું તો નેપાળમાં પણ એવા રિવાજ હતા. હજુ ઝારખંડમાં અમુક કોમોમાં એવા રિવાજ ચાલુ જ છે. બહુપતિત્વમાં પણ અલગ અલગ કુટુંબ કે વંશના પતિઓ હોય તેવું હોતું નથી પણ એક જ ઘરના ભાઈઓ જ બહુ પતિ તરીકે હોય છે. આ એક સામાજિક વ્યવસ્થા છે. પુરૂષને પોતાના જિનેટિક વંશ માટે ખૂબ પ્રેમભાવ હોય છે. ભત્રીજા કે ભત્રીજી પોતાના સંતાનો હોય તેવું જ લાગતું હોય છે.’

મેં કહ્યું, ‘સાચી વાત છે. મારે દીકરી નહોતી પણ મારી ભત્રીજીઓ મને મારી જ દીકરીઓ હોય તેમ જ લાગતું હતું, અને મારા ભત્રીજાઓ સામે કોઈ આંખ ઉઠાવે તો મારી નાખું એવું આજે પણ થાય છે.’

સીતાજીની જેમ દ્રૌપદી મારૂં પ્રિય પાત્ર હતાં. પાંચ પાંચ શ્રેષ્ઠ પતિઓ પડખે ઊંભા હોવા છતાં સ્ત્રીઓને વસ્તુ સમજવાની માનસિકતાએ એમણે ખૂબ અપમાન વેઠ્‌યાં હતાં. યુધિષ્ઠિરનું કૌરવો સાથે જૂગટું રમવું અને એમાં દ્રૌપદીને મૂકીને હારી જવું વગરે મને યાદ આવી રહ્યું હતું. મને તે પ્રસંગ દ્રૌપદી સાથે ચર્ચવો ગમતો નહોતો. મને તે વિષે સવાલો પૂછવાનું પણ ગમતું નહોતું. એ પ્રસંગ જાણે મારી આંખોમાં અશ્રૃ બનીને તગતગી રહ્યો હતો. હું પોતે જાણે તે ભારતના ઈતિહાસની સૌથી મોટી કલંકિત ઘટના દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતી સમગ્ર સભામાં અસહાય વિકર્ણ કે અસહાય વિદુર હોઉં તેવું અનુભવતો હતો. દ્રૌપદીની હાજરી જ અમને લાગણીશીલ બનાવી રહી હતી. અમે બધાં મૌન હતાં. શું બોલવું કશી ખબર પડતી નહોતી. સ્ત્રીઓની છઠ્‌ઠી ઈન્દ્‌રિય બહુ તેજ હોય છે.

મારી આંખોમાં અશ્રૃ જોઈ દ્રૌપદી બોલી ઊંઠ્‌યાં, ‘ હું સમજી શકું છું તમારી મનોવ્યથા. સ્ત્રીઓ પ્રત્યે વિશેષ સન્માન ધરાવતા વ્યક્તિઓ છો. પણ હું કહું તો તે સમય જ્યારે યુધિષ્ઠિર મને જુગારમાં મૂકીને હારી ગયા મારી જીંદગીનો સૌથી મોટો અપમાનિત દિવસ હતો એવું નહિ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ માટે સૌથી મોટો અપમાનિત દિવસ હતો. મારો મુખ્ય સવાલ સમગ્ર સભા માટે હતો કે યુધિષ્ઠિર પહેલા પોતાને હારી ગયા પછી મને જુગારમાં મૂકવાનો એમનો હક કઈ રીતે બને? વાસ્તવમાં ઉત્તર બધા જાણતા જ હતાં પણ કોઈને આપવો નહોતો. વિકર્ણ અને વિદુર અસહાય હતા. ભવિષ્યમાં ભીમ અને અર્જુન મહાવિનાશ વેરવાના હતા તે પણ મને ખબર હતી છતાં હાલ અસહાય હતા. સારૂં થયું મારા સખા કૃષ્ણ તે સમયે આસપાસમાં ક્યાંક વિરામ કરતા હશે અને એમનું જાસૂસી તંત્ર હમેશની જેમ સતર્ક કે કૃષ્ણને સમયસર જાણ થઈ ગઈ તે સત્વરે આવી પહોચ્યા. એમનો પ્રભાવ જ એવો હતો કે એમની હાજરી જ આવા કામ રોકવા સક્ષમ હતી. એમનું ઓઢાડેલું વસ્ત્ર ઉતારવાની હિંમત તે સમયે સમગ્ર ભારતવર્ષમાં કોઈની નહોતી. ગોવિંદ કોઈને વસ્ત્ર ઓઢાડે પછી એને કોઈ નિર્વસ્ત્ર કરી શકે ખરૂં? આખી સભાને પળમાં બાળી નાખવાનો પ્રચંડ ક્રોધ એમની આંખોમાં સળગતો જોઈ અંધ મહારાજ અને દેખતાં અંધ બનેલાં મહારાણી ગાંધારી ચેતી ગયા કે હવે કૌરવોનો વિનાશ નક્કી છે. એમણે ત્રણ વરદાન માંગવાનું કહ્યું. એમાં મારા પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવ્યા કે એમના સંતાનો દાસના સંતાનો તરીકે ઓળખાય નહિ. અને બીજા વરદાનમાં બધું ગુમાવેલું પાછું મેળવ્યું. ત્રીજા વરદાનનો લોભ મેં રાખ્યો નહિ. છતાં જુઓ કે જુગારની લત કેટલી ખરાબ હોય છે ? છેલ્લી ગેમમાં ૧૨ વર્ષનો વનવાસ અને એક વરસ ગુપ્તવાસ મળ્યો ત્યારે જ યુધિષ્ઠિર જંપ્યા..’

દ્રૌપદીએ ખાસું લાંબું વક્તવ્ય આપ્યું હતું. એમની આંખોમાં પણ ભીનાશ તગતગી રહી હતી. અમે તો કશું પૂછવાની હામ ગુમાવી બેઠાં હતાં. હવે તો તેઓ જાતે જે બોલે તે જ સાંભળવું હતું. અથવા રશ્મિભાઈ પૂછે તો બરોબર, અને તેઓ પણ સમજી ગયા હતા મારો મનોદશા.

એમણે પૂછ્‌યું કે આપે પણ દુર્યોધનને મહેણું મારેલું કે અંધના અંધ હોય એવું?

દ્રૌપદી બોલ્યાં, ‘એમાં ખોટું શું હતું? એક તો પિતા ખાલી આંખોથી અંધ હતા એવું તો હતું નહિ? પુત્રોને મોહવશ સાચું કહેવા બાબતે પણ અંધ હતા. ચાલો આંખો કામ કરતી નાં હોય અને અંધ હોય તેને તો માફ કરી શકાય પણ દેખતાં હોય અને અંધ હોય તે સૌથી મોટા ખતરનાક. સંતાનો માટે સૌથી પહેલો શિક્ષક માતા હોય છે, જ્યારે માતા જ અંધ હોય અને તે પણ દેખતી માતા જાણી જોઈને અંધ બને તેનાં સંતાનો દરેક બાબતે અંધ જ પાકે. પિતા અંધ હોય તો માતાએ તો આંખો વધું ખુલ્લી રાખવી પડે, નહિ તો પછી મહાભારત જ સર્જાય.

હું તરત બોલી ઊંઠ્‌યો, ‘તદ્દન સાચી વાત છે. આંધળાની લાકડી બનવાને બદલે જાતે જ દેખતાં અંધ બની ગાંધારી કૌરવોના વિનાશનું એકાદું કારણ અવશ્ય બન્યાં છે.’

‘ભણેલાં અભણ અને દેખતાં અંધ બંને ચક્ષુઅંધ અને રિઅલ અભણ કરતાં સમાજ માટે વધુ ખતરનાક અને નુકશાન કારક હોય છે,’ દ્રૌપદી બોલ્યાં.

અદ્‌વિતીય સૌન્દર્ય ધરાવતાં કૃષ્ણાને મારે હવે કશું પૂછવું નહોતું. હું તો વ્યથિત હૃદયે ત્યાંથી ભાગી છૂટવા માંગતો હતો. અમે કમલગંધાને પ્રણામ કરી વિદાય માંગી. એમણે પણ જ્યારે આવવાની ઈચ્છા થાય આવી ને વાર્તાલાપ કરવાની છૂટ આપી અમને વિદાય આપી.

હું મૌન હતો. હજુ મારી આંખો સમક્ષ ભીષ્મ અને દ્રોણ જેવા સભાજનોની સમક્ષ આક્રંદ અને આક્રોશ સાથે પ્રશ્નો પૂછતાં દ્રૌપદી તરી આવતાં હતાં. એમની હાજરીમાં મારી આંખોમાં અટકી રહેલી અશ્રૃધારા જરા દૂર જતાં હું રોકી શક્યો નહિ.

રશ્મિભાઈ મારા ખભે હાથ ફેરવતા મને માહિતી આપી રહ્યા હતાં. દ્રૌપદી આગલાં જન્મમાં ભગવાન આગળ ભૂલમાં પાંચ વાર પતિ માંગી ચૂક્યાં હતાં એવી વાર્તા છે. એમને યુધિષ્ઠિર દ્વારા પ્રતિવિન્ધ્ય, ભીમ દ્વારા સુતસોમા, અર્જુન દ્વારા સુતકર્મા, નકુલ દ્વારા સતાનિક અને સહદેવ દ્વારા શ્રૃતસેન એમ પાંચ પુત્રો હતા. નાના બાળકોને મારી નાખનારા તાલીબાનો ત્યારે પણ હતાં. કશું ચાલ્યું નહિ ત્યારે અશ્વસ્થામાંએ દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખેલા. છતાં એક માતાનું ઉમદા હૃદય ધરાવતાં દ્રૌપદીએ દ્રોણ પત્ની અને અશ્વસ્થામાંની માતા કૃપીનાં માતૃ હૃદયનો ખ્યાલ કરીને અર્જુન અને ભીમના હાથમાંથી અશ્વત્થામાને બચાવેલો. આ એમના હ્ય્દયની દયા અને પવિત્રતાની પરાકાષ્ઠા હતી.

દિવસ નવમો

હતો નરકારોહણનો આજે નવમો દિવસ. થોડા જટાઝૂંટ ધારી ૠષિઓને મળવાની ઈચ્છા હતી. કહેવાતા મહાન ૠષિઓએ પણ ખૂબ અન્યાય કરેલા હતા. એમનો ઊંધડો લેવો હતો. પ્રથમ તો આપણે આ લોકોને એટલાં બધા મહાન સમજી બેઠાં છીએ કે એમની ભૂલો નજરઅંદાજ થઈ જાય છે. અથવા બહાનાં કાઢીએ છીએ કે સમાજ સુધારા કે દાખલા બેસાડવા આવું કર્યું હશે. એવામાં નાની નાની કુટીરો જેવું એક સોસાયટી જેવું દેખાણું. અમને થયું કે નક્કી ૠષિઓ અહીં જ રહેતા હોવા જોઈએ. એક વટવૃક્ષ નીચે ગેટ ટુ ગેધરીંગની જેમ કેટલાક જટાધારી ફરતા હતા. અમે પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં વિશ્વામિત્ર, વસિષ્ઠ,પરશુરામ, દ્રોણ, યાજ્ઞવલ્ક્ય, કણ્‌વ જેવા અનેક ૠષિઓ ફરતા હતા. ખાસ તો આ ૠષિઓને કશું પૂછવું ના હતું, ફક્ત અમારો બળાપો કાઢવો હતો. પૂછવાનું ક્યાં હોય જ્યાં ખુલાસો મળે તેવો હોય ત્યાં ને?

અમે પહેલાં તો વચ્ચે જઈને ઊંભા રહ્યા અને નમસ્કાર કર્યા. લગભગ બધા ઓળખી ગયેલા કે આ લોકો એક નવા મીડિયા બ્લોગ મિડિયાવાળા છે. બધાને એમ કે એમના સમાચારો બ્લોગમાં લખીશું તો સારી પ્રસિદ્‌ધિ મળશે. અમે એક ફરફરિયું કાઢ્‌યું ખીસામાંથી. એમાં કોઈ દેવેશ મહેતાએ અમારા દિવ્યભાસ્કર ઓનલાઈનમાં છપાયેલા એક લેખના અનુસંધાનમાં મૂકેલા પ્રતિભાવનું અવતરણ હતું.

એમાં થોડા ૠગ્વેદ અને બીજા શાસ્ત્રોમાં ૠષિઓ માંસાહાર કરતા હતા તેના પુરાવા હતા. જેના લીધે પ્રેસિડન્ટ સ્વામીએ આ લોકોની અહીં બદલી કરી નાંખેલ. થોડા બીફ ઈટીંગ વિષે પણ હતા. કોઈ ૠષિને એમાં નવું ના લાગ્યું. બધાના મોઢા પર ‘ઈટ્‌સ ઓકે’ એવા ભાવ રમતાં હતા. અમને પણ થયું કે નકામું અહીં વાંચ્યું.

જો કે વસિષ્ઠ મુનિએ કહ્યું, ‘શાકાહારનું મહત્વ સમજતાં હોય તેવા કોઈ રેર થિયરી જેવા કોઈ મુનિએ શાકાહાર વિષેના શ્લોક રચેલા હતા. એ વખતે ખેતી એક નવી શરૂઆત હતી. એ પહેલા તો બધાજ માંસાહારી જ હતા. ખેતી શરૂ થયા પછી શાકાહારની અગત્યતા વધી હતી.’

મેં કહ્યું, ‘અમારા એક પૃથ્વી ઉપર લટાર મારવા આવેલા આધુનિક મુનિ ઓશો રજનીશ કહેતા હતા કે માણસ માણસને ખાય તે ચાલે પણ ગાયને તો ના જ ખવાય, કારણ પ્રેમના પહેલા પાઠ માણસ ગાય પાસેથી શીખ્યો છે.

ખેર અમે વિશ્વામિત્ર સામે જોઈને કહેવા માંડયું, “જ્યારે જ્યારે આપનું નામ સાંભળીયે ત્યારે કોઈ ત્રાસવાદીની યાદ આવી જાય છે. વિના વાંકે હરિશ્ચન્દ્ર અને તારામતીની એટલી બધી સતામણી કરી છે કે ના પૂછો વાત. મૃત્યુલોકમાં કોઈ સારી રીતે રાજ્ય ચલાવે તેમાં ઈન્દ્રને શેની બીક? અને એના માટે આપને લાઈસન્સ આપ્યું કે કડક પરીક્ષા લો? એક રાજાને ભિખારીની જેમ ભટકતો કરી નાખ્યો? આવી પરીક્ષાઓ લેવાનો આપને અધિકાર કોણે આપ્યો? એક તો મેનકાની કૂખે શકુન્તલાની ભેટ તો આપી પણ બંને જણા જવાબદારીમાંથી છટક્યા. અરે એને આજુબાજુ કણ્‌વનો આશ્રમ તો હતો, એમને નાની ફૂલ જેવી બાળકી સોંપી તો દેવી હતી? બંને જણા જંગલમાં હિંસક પ્રાણીઓનાં સહારે છોડીને ભાગી ગયા. પેલીને એની કારકિર્દીની પડી હતી, અને તમને તપ, મોક્ષની પડી હતી. એક નાની બાળકીને મોટી કરવી તે શું તપ નથી? એને સારૂં એજ્યુકેશન આપવું, સારા સંસ્કાર આપવા, સારો વર શોધી આપવો એ તો કોઈ મોક્ષની સાધના કરતા પણ અઘરૂં છે. એ તો સારૂં થયું કે આ કણ્‌વ મુનિ ખરા સમયે આવી ગયા, બાકી ભારતનું નામ આજે કશું જુદું જ હોત, ભારત તો ના જ હોત. તમારૂં શીખી ને આજે પણ મેનકાઓ અને વિશ્વામિત્રો નાના જન્મેલા બાળકોને રસ્તામાં ઉકરડામાં કે કચરાપેટીમાં છોડીને ભાગી જાય છે.”

રશ્મિભાઈ પણ ઉત્તેજિત હતા. એમને પણ પારાવાર ગુસ્સો આ કહેવાતા પૂજ્ય ૠષિઓ ઉપર હતો. ભ

એમણે પણ પહેલીવાર પોતાની વાણીનો સદુપયોગ કર્યો કે, “નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડુબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવતરાખોર વિશ્વામિત્રને જો ‘બ્રહ્મર્ષ્િા’ કહી શકાતાં હોય તો તે ‘બ્રહ્મ’ નો ભરમ મને મંજૂર નથી. ભૂલ સુધારવા જતી માતાને યુક્તિ પૂર્વક રોકીને નાના ભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ ‘ધર્મરાજ’ ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો.”

અમે વસિષ્ઠ મુનિને પૂછ્‌યું કે ‘આમને બ્રહ્મર્ષ્િા કેમ કહ્યા?’

‘અરે, સાચું કહું મૂળ ક્ષત્રિય અને માથાભારે માણસ એક બ્રહ્મર્ષ્િા કહી દીધું કે ત્રાસમાંથી છૂટ્‌યા.’ વસિષ્ઠ બોલ્યા.

વિશ્વામિત્ર પાસે કોઈ જવાબ ના હતો, અને અમારે જોઈતો પણ ના હતો. ત્ર

અમે પરશુરામ તરફ ફર્યા, “એક તો એક ક્ષત્રિય ને કારણે એકવીસ વાર બધા ક્ષત્રિયોનો સંહાર? અરે ક્ષત્રિયાણી ગર્ભવતી હોય તો એના ગર્ભમાં રહેલા નાના બાળ ક્ષત્રિયનો પણ સંહાર? પિતા જમદગ્નિ ખાલી ક્રોધિત નજરથી એમના મોટા દીકરાને બાળી શકતા હોય તો પેલાં સહસ્ત્રાર્જુનને કેમ નજરથી ભસ્મ કરી ના શક્યા? અરે માતાને મારવાની આજ્ઞા દીકરાઓને આપવી જ શું કામ પડે? એક ખાલી નજર ફેરવી હોત તો પણ સળગી જાત. ટેરરની કોઈ લીમીટ જ નહિ?”

અમે ઉદ્દીગ્ન થઈને બોલે જતા હતા. હવે દ્રોણનો વારો આવ્યો. “એક તો આશ્રમને બદલે મહેલના વૈભવી વાતાવરણને મહત્વ આપ્યું. ભલે એકલવ્યનો અંગૂઠો કાપ્યો પણ આજે જુઓ કહેવાતા શૂદ્રોને અમારા ગાંધીએ હરિનાં જન એમ નામ આપ્યું છે ને? એક શિષ્યને મહાન અને વિધ્યાવિશારદ જાહેર કરવા માટે એકનો અંગૂઠો માંગી લીધો. અને ભીષ્મની જેમ ચુપ રહ્યા દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે. પણ એ બાબતે અમે પણ માનીએ છીએ કે અન્ન ખાધું હોય તે બોલી નથી શકતા. આજે પણ અન્ન ખાઈને સાક્ષરો પણ બાપુની ચમચાગીરી કરવામાં પડી જ ગયા છે.”

ૠષિ પરંપરા મહાન છે. હવેની ગુરૂ પરંપરા ખરાબ થઈ ગઈ છે તેવું ઘણા મિત્રો માને છે.

હતા! ઘણા ૠષિઓ સારા હતા. ઘણાએ વિજ્ઞાનની શરૂઆત કરેલી. ચરક અને વાત્સ્યાયન જેવા વિજ્ઞાનીઓ પણ હતા. પણ ઊંંડા જઈ ને અભ્યાસ કરો તો બધા આદરને પાત્ર નહોતા.

બધા મુનિઓ નીચા મોઢે સાંભળી રહ્યા હતા. એક ખાલી કણ્‌વ પોરસાતા હતા કે એમણે બચાવેલી અને એક અનાથ મરવા માટે છોડી દેવાયેલી શકુન્તલાને એમણે દીકરી માની પાળી પોષી હતી. બધી જવાબદારીઓ નિભાવી હતી, અને એની કૂખે મહાન ભરતનો જન્મ થયેલો. જે સાવ નાનો બાળ હતો ને સિંહ ને કહેતો કે તારૂં મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે. એના નામ પરથી આજે પણ હિન્દુસ્તાન ભારત તરીકે ઓળખાય છે. આજે પણ આપણે “મેરા ભારત મહાન” ના નારા લગાવી શકીએ છીએ, એ આ કણ્‌વ ૠષિની પાસે દીકરીના બાપનું હૃદય હતું તેના કારણે!!!!

દિવસ દસમો

હવે અમારી ઈચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂસણખોરી કરવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઊંભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?

ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’

‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.

ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’

આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્‌શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’

નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊંભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરૂં ને?

મેં ચિત્રગુપ્તને પૂછ્‌યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ૠષિઓ સાથે ૠષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’

‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.

એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નરકનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?

અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડયા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે શું થયું?

‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહાવ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.

બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રૃ ટપકી પડયા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.

ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરૂં નરક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊંકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.

હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નરકની પીડાઓ તો અહીં હતી. આ જ તો નરક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?

ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઈન બોર્ડ બદલવાનું કામ મારૂં છે. સ્વર્ગની જગ્યાએ નરક અને નરકની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’

‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નરક કયું?’ મેં પુચ્છ્‌યું.

‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નરક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નરકની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નરકમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.

‘તો પછી આ મહાપુરૂષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.

‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.

અમે તો પાછાં અમારા જાણીતા નરકમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.

અરે, આ તો ‘આલ્ફાબેટધામ’ !!!

દિવસ અગિયારમો

નરકાવરોહણ (મ્ટ્ઠષ્ઠા ર્ૐદ્બી)

હવે નરકારોહણ તો લખી નાં શકાય કે નાં સ્વર્ગારોહણ લખી શકાય. ચિત્રગુપ્તે બધી પોલ બહાર પાડી દીધી હતી. લોકોનાં અચેતન મન જ સ્વર્ગ અને નરકનાં જનક છે. દરેકનાં નરક અને સ્વર્ગ જુદા જુદા છે. તિબેટમાં કાયમ પુષ્કળ ઠંડી પડે છે. તો એમના સ્વર્ગમાં ગરમ પાણીનાં ફુવારા અને જળાશયો છે. ભારતમાં ગરમી પડે તો અહીં શીતલ જળનાં જળાશયો છે. ભારતનાં સાધુઓ સેક્સને દબાવીને સાધના કરતા હોય છે માટે એમને સ્વર્ગમાં ફક્ત ૧૬ વર્ષ થી આગળ ઉંમર વધે જ નહિ તેવી સુંદર અપ્સરાઓનો સહવાસ જોઈએ છે.

એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્‌ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.

આ પહેલા જે ભિખારી જેવા કમજોર અને આળસુ લોકો હતા તેઓને સ્ત્રી મળતી નાં હતી. એ લોકો એ અમે તો તપસ્વી છીએ, અમે તો સ્વર્ગમાં સુંદર કન્યાઓ ભોગવવાના છીએ. બસ અને કમજોર લોકોએ જેમ લગ્નવ્યવસ્થા શોધી કાઢી તેના પૂર્વે આ આળસુ ભારતીય લોકોએ સ્વર્ગમાં અપ્સરાઓની કલ્પના કરી લીધી. સાથે સાથે આ આલસ્ય શિરોમણિ લોકોએ કલ્પવૃક્ષની રચના પણ કરી લીધી. જેથી ખાલી મનમાં વિચાર જ કરો ને વસ્તુ હાજર. કોઈ હાથ પગ હલાવવાના નહિ, નાં કોઈ મહેનત, નાં કોઈ મજૂરી, નાં કોઈ ઉદ્યમ. ખાલી ફક્ત વિચાર જ કરવાનો. બોલો આને શું કહેશો? કલ્પવૃક્ષ એટલે ભયંકર આળસુ લોકોનો કૉન્સેપ્ટ. આજે એજ થઈ રહ્યું છે. ભારતની મૂર્ખ પ્રજા કલ્પવૃક્ષ છે આ બાવાઓ માટે. જરા જેટલો ઈશારો અને વસ્તુ હાજર.

બાપજી કહેશે મારે વિમાનમાં રામાયણ ગાવી છે. કલ્પવૃક્ષ(મૂરખ ઘેટાં) હાજર. બાપજી કહેશે મારે હવે પાણીમાં કથા કરવી છે તો જહાજ હાજર કરી દેવાનું આ કલ્પવૃક્ષ. હવે જ્યારે કોઈ ને કામ કરવું જ નથી ત્યારે નવરો બેઠો નખ્ખોદ વાળે તેમ છોકરાં પેદા કરે જાય છે. કશું તો કામ જોઈએ ને? જે પ્રજા ખૂબ જ પ્રવૃત્તિશીલ છે ત્યાં બાળકો ઓછા પેદા થવાના. સમય જ ક્યાં છે? બે જૂનામાં જૂની સંસ્કૃતિઓ આલસ્ય શિરોમણિ હતી. ચીન અને ભારત, અને બંને જગ્યાએ ખૂબ વસ્તી વધી ગઈ. હવે ડરેગન તો કામે વળી ગયો છે, પણ ભારત?

અમુક લોકોના સ્વર્ગમાં તો સુંદર છોકરાઓ મળે છે અપ્સરાઓની જગ્યાએ. આ બધી આપણાં મનની અતૃપ્ત ઈચ્છાઓ જ છે. અચેતન મનની અતૃપ્ત વાસનાઓ. પહેલા મનોવૈજ્ઞાનિકો એને અનકોન્સયશ માઈન્ડ કહેતા હતા હવેના મનોવૈજ્ઞાનિકો એને સબકોન્સયશ માઈન્ડ કહે છે. એને ગુપ્ત ચિત્ત કે ચિત્રગુપ્ત કહી શકો. હિસાબમાં કોઈ ભૂલ જ નહિ. આ ધર્મગુરૂઓનો નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરવો જોઈએ, જો કેવો કાદવ નીકળે છે પછી. બૌદ્ધ લોકોના સ્વર્ગ અને નરક જુદા છે તેમ જૈન લોકોના પણ જુદા જુદા છે. મહાભારતનાં યુદ્ધના કારણે વળી જૈનો એ શ્રી કૃષ્ણને સાતમાં નરકમાં નાખી રાખ્યા છે. હવે હિંદુઓ જેને ભગવાન ગણે છે તે જૈનો માટે પાપીઓ છે. પાછો જેવો તેવો પાપ કર્તા નહિ છેક નીચે સાતમાં નરકમાં.

ત્યાં અમે બે ૠષિઓ અમને જોઈ ને છટકવા માંગતા હોય તેવું જોયું, પણ અમે એ લોકોને ઝડપી લીધા. આ તો ૠષિ પરાશર અને એમના દીકરા વ્યાસજી હતા. પરાશરને નદી પાર કરાવતી સુંદર માછીની કન્યા જોઈ ને કામાવેગ પીડવા લાગ્યો. એટલે બહાનું કાઢ્‌યું કે ઉપર તારાઓ અને નક્ષત્રો સુંદર રીતે ગોઠવાયા છે. આજે પુત્ર દાન કરીશ તો બહુ બુદ્‌ધિશાળી, જ્ઞાની પુત્ર પેદા થશે. એમ ફોસલાવી ને સ્પર્મદાન કરી દીધું. વાર્તાઓ ઊંભી કરવાનાં નિષ્ણાત આ ૠષિને પાછી જવાબદારી તો ગમે નહિ. કામ પૂરૂં કે ભાગી જવાનું ભારતનાં લોહીમાં મૂકતા ગયા. એ મત્સ્ય કન્યાની કુખે પુત્ર થયો તે વેદવ્યાસ. એમને તો શું પૂછીએ? પણ વ્યાસજી ને પૂછ્‌યું કે,

‘મહર્ષિ, આપે ખૂબ શાસ્ત્રો રચ્યા, લગભગ બધાં પુરાણો અને ઘણું બધું. શું બધું ગણપતિએ લખેલું?’ મેં પુચ્છ્‌યું.

‘ભાઈ, એમાં એવું છે કે એ વખતે લખવું શેમાં? એવું કોઈ જ્ઞાન હતું નહિ, કાગળ પણ હતા નહિ. એટલે ગણપતિ એટલે મોટા માથાવાળો મતલબ મોટા બ્રેન અને યાદ શક્તિવાળાને બધું કહ્યું, તેણે સ્મરણમાં રાખ્યું અને પેઢી દર પેઢી એકનું એક રટણ કરાવીને યાદ રાખ્યું. બાકી કોઈ માનવનાં માથે હાથીનું મસ્તક ચોટે નહિ.’ વ્યાસજીએ ઉત્તર આપ્યો.

‘પણ આપે કૃષ્ણનાં નામે ખૂબ ચડાવી દીધું કેમ?’

‘ભાઈ, બધું જ મારૂં લખેલું હતું, મહાભારત અને ગીતા પણ, પણ કૃષ્ણે કહ્યું એટલે ભગવાને કહ્યું કે એના ઉપર એક સ્ટેમ્પ વાગી ગયો. લોકો ઊંંધું ઘાલી ને માની લેવાનાં. ખલાસ ભગવાને કહ્યું છે, કોઈ શંકા જ નાં કરે.’

‘એમ કરીને આપે આપની ફિલસૂફી ને એક સ્ટાન્ડર્ડ રૂપ આપી દીધું. આપે નહિ પણ ભગવાને કહ્યું છે તેમ જ લોકો માને છે અને અંધ બનીને દોરવાય છે. આ તો બિઝનેસ પોલિસી કહેવાય.’

‘સાચી વાત છે. એમાં બધું જ મારૂં પણ નથી. કારણ કંઠસ્થ રાખેલું એમાં દરેક પોતાનું ઉમેરતા પણ જતા. બધા પુરાણો પણ મેં નથી રચ્યા, લોકોએ મારી જ પોલિસી વાપરી ને પછી મારા નામે ચડાવી દીધું છે.’

‘પણ, આપ લોકો છટકતા કેમ હતા?’ મેં હસતાં હસતાં પૂછ્‌યું.

‘ભાઈ, હવેના રિપોર્ટરોથી ખૂબ બીક લાગે છે. અવ નવા સવાલો કરીને ગૂંચવી નાખે છે. અને એમાં આપ લોકો બહુ માહેર છો. માટે અમે ભાગતા ફરતા હતા, પણ આજે ઝડપાઈ ગયા.’

‘તો આપ આકાશમાં ગોઠવાયેલા ગ્રહો ને લીધે જ્ઞાની બન્યા હતા?’

‘ના ભાઈ નાં, એના માટે મેં ખૂબ અભ્યાસ કરેલો. એમ તારાઓની ગોઠવણી અહીં કામ નાં લાગે. અભ્યાસ નાં કરો તો કશું કામનું નહિ. બાકી મેં અભ્યાસ ના કર્યો હોત તો હું પણ રામાયણ ગાતો ફરતો હોત.’ વ્યાસજી હસી પડયા.

‘આપે રચેલા અને બીજા શાસ્ત્રો માટે આપ શું કહો છો?’

‘જુઓ, સાચી વાત એ છે કે એ સમયે સ્થિતિ જુદી હતી. હવે જમાનો બદલાયો છે. એમાંથી સારૂં રાખીને બીજા બધા ને દરિયામાં ફેંકી ને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારૂં. અથવા તો ધર્મની જ જરૂર નથી. શાસ્ત્રોને ધર્મનું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એકની માલિકીનું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એકની માલિકીના નાં રાખવા જોઈએ. સારૂં હોય તે બધાનું અને ખોટું હોય તે ફેંકી દેવાનું.’ વ્યાસજીએ લાંબો ઉત્તર આપ્યો.

વ્યાસજીને ખાસ કશું પૂછવાનું યાદ આવતું નહોતું. હું અને રશ્મિભાઈ હવે છટકવાની વેતરણમાં હતા. હવે સમજાઈ ગયું હતું કે શરૂમાં જ્યારે હું સવાલ કરતો કે પ્રભુ આપણ અહીં? ભગવાન આપ પણ અહીં? અને બધા મોઘમમાં હસતા કેમ હતા. હું અહીં નરક સમજીને આવેલો પણ અહીં તો?

પ્રેસિડન્ટ સ્વામી ભલે એમના સ્વર્ગમાં રાચે. આવું તો પેલાં વિશ્વામિત્રે પણ કરેલું. ત્રિશંકુને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકાવી રાખ્યો હતો. બસ આજે પણ ભારતની પ્રજાને સાવ ત્રિશંકુ જ બનાવી દીધી છે, અધવચાળે લટકી રહેલી.

અમે ભગવાન રામજી, કૃષ્ણજી અને બીજા બધાને મળી ને કંઈક આડું અવળું પુછાઈ ગયું હોય તો ક્ષમા માંગી લીધી. બધા એ જ્યારે જરૂર પડે કોઈ સવાલ ઊંઠે તો બેધડક આવી ને પૂછી લેવાનું જણાવ્યું. ફક્ત એક વ્યક્તિને લઈને આ જગ્યા છોડવાનું મને મન થતું નહોતું. એમના સુંદરતમ પવિત્ર મુખારવિંદ અને એમના નયનમાંથી સદાયે વહેતું પ્રેમાળ હૃદય માણ્‌યાં કરવાનું મન થયા કરતું હતું. એમની રગે રગ અને રોમ રોમમાંથી પ્રેમ જ નીતરતો હતો, એવા સીતા મૈયાને છેલ્લો સવાલ કરી ને ઉત્તરની રાહ જોયા વગર અમે પ્રસ્થાન કર્યું કે,

‘હે, સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’