Manavi-nu Jivangeet-1 in Gujarati Magazine by Jitesh Donga books and stories PDF | માનવીનું જીવનગીત–1

Featured Books
Categories
Share

માનવીનું જીવનગીત–1

માનવીનું જીવનગીત – 1

જમીન પર શ્વાસ લેતા દરેક માણસની અંદર એક નાનકડો ખાલીપો હોય છે. એ નાનકડી જગ્યામાં દરેક માણસને એકવાર એક સવાલ જન્મતો હોય છે: આ વિશ્વમાં મારો રોલ શું? આપણી આંખો સામે જે ભવ્ય ભવાઈ ચાલી રહી છે તેમાં સૌ કોઈ પોતાનો ખેલ ભજવીને આંખો બંધ કરીને જમીનમાં ચાલ્યું જાય છે, સૌ કોઈ પોતપોતાના અંદાજ મુજબ જીવી લેતું હોય છે. છતાં સૌ કોઈને એક સવાલ છેલ્લા શ્વાસ સુધી પજવ્યા કરતો હોય છે કે- મારો ખેલ ખરેખર મારો છે? હું આ અજાણ્યા વિશ્વ સામે જે ખેલ ખેલી રહ્યો છું તે માટે જ હું ઘડાયો છું? જે ગતિથી સમય ભાગી રહ્યો છે તે રીતે હું મારી આ ભવાઈ તાળીઓ ઉઘરાવી શકશે? અને જવાબમાં આપણું હૃદય ચુપ બેસી રહેતું હોય છે.

મને પર્સનલી એવું લાગ્યા કરતુ હોય છે કે વિશ્વના મોટા ભાગના માણસોને પોતાનો જીવવાનો અર્થ ખબર નથી હોતી. જયારે સવારે ઉઠીને માણસ સામે આખી શહેરની ભીડ ઉભી હોય ત્યારે તે બાઘો બની ગયો હોય છે. સૌ કોઈને જોઇને એ પણ ભાગવા લાગતો હોય છે. આખા દિવસની કમાણીનો અર્થ સાંજની રોટલી પુરતો મર્યાદિત બની જતો હોય છે. કમાણી નાની મોટી હોય શકે પરંતુ રોટલીની સાઈઝ લગભગ સરખી રહે છે.

પરંતુ એ રોટીથી ઉઠીને પણ અહી અર્થ હોય છે. વિશ્વની જીવતી કે જીવી ગયેલી દરેક મહાનતાના જીવનને જોઇને એક જવાબ મળે છે: આંખો-દિમાગ-હૃદય ખુલ્લા રાખીને આસપાસની દુનિયાને નીરખતા રહો. હજારો અનુભવો ભેગા કરી લો. જો સંવેદના જીવતી હશે તો એકવાર, કોઈ એક સમયે અંદર એક સ્પાર્ક થશે. રોજીંદી જીંદગીમાં કોઈ એક કામ, એક અનુભવ એવો થશે કે જે તમારા અંદરના માણસને ખુશી આપતો જશે. એ કામને પ્રોફેશન બનાવી દો. એ કામને દિલો-દિમાગમાં એવું સ્વરૂપ આપો કે એ કામ જ તમારા જીવનની ઓળખાણ અને અર્થ બની જાય. જે રીતે આઇન્સ્ટાઇન, ગાંધી, જોબ્સ, ટેરેસા કે સચિન જીવ્યા કે જીવી ગયા. તમારી ભવાઈમાં તમારું કામ જ તમને મહાનતા આપી દે. અર્થ આપી દે. ખેલ પૂરો થયા પછી થોડા વરસ યાદ રહે તેવું પાત્ર બનાવી દે.

પરંતુ વિશ્વમાં બીજા પણ પાત્રો છે. જે પોતાના અંદર રહેલા સ્પાર્કને જાણી શક્યા નથી. જે રીતે ગામડે મારા ખેડૂત પપ્પા જીવી રહ્યા છે. જીવી ગયા છે. જીવવું પડ્યું છે. કરોડો માણસો છે જેના જીવનને કોઈ ટેગ લાગી નથી પરંતુ જીવી નાખવામાં આવ્યું છે, અને એ પણ નબળું નથી. જંગલમાં જીવતું એક કુટુંબ કે શહેરમાં બુટ પોલીશ કરીને ભૂખ મટાડતા એક બાપ-બેટા કોઈ ફોગટ નથી. મેં કહ્યું તેમ દોસ્ત... રોટલીની સાઈઝ સરખી જ છે. હું તો એ પણ બિલીવ કરું છું કે- જો કોઈ માણસ એક ક્ષણ પુરતો સાચો પ્રેમ કરી શક્યો હોય તો પણ તેની ભવાઈ સાર્થક છે. રસ્તે રખડીને ભજન ગાતો ફકીર કે શહેરમાં રીક્ષા ચલાવીને પોટલી પીઈને સુઈ જતો રીક્ષાવાળો નબળા જીવન નથી, નથી અને નથી જ. આ વિશ્વમાં કાદવમાં જન્મ લેતું ભૂંડ કે પછી આકાશે ઉડતું સફેદ પરીંદુ પણ પોતાનો રોલ ભજવી રહ્યા છે. જે શક્તિ આ વિશ્વને ચલાવી રહી છે એ બરાબર જોખી-જોખીને જીવન આપી ચુકી છે. માનવજાતનો બાપ કહેવાતો ઈશ્વર-અલ્લાહ-ગોડ જે રીતે આપણા જીવનને રંગો આપી ચુક્યો છે તે ભવ્ય છે. આપણે તો બસ આ રંગોને જીવી જાણવાના છે.

પરંતુ કોઈ એકલી ક્ષણે માણસની અંતરાત્મા નિ:સાસો નાખી દેતી હોય છે કે- જે રીતે હું આ જીવવાની ભવાઈ ભજવી રહ્યો છું તે સત્ય છે? મારો જીવવાનો અંદાજ યોગ્ય છે? હું આ દુનિયામાં કઈ ઉખાડી શકવાનો છું?

એક મસ્ત વાત કહું? હમણાં જ મારી એક જૂની ડાયરીમાં મને જવાબ મળી ગયો હતો. વાંચો:

“ડીયર ...ધાર કે તને જીવતા-જીવતા કોઈ એક પળે અહેસાસ થાય કે તું અહી એમ જ ખાલી-ખોટા શ્વાસ લઈને શું કરી રહ્યો છે, તને એમ થાય કે રોજે સવારથી સાંજ સુધી તું જે ખેલ ભજવી રહ્યો છે તેથી તારા અંતરાત્માને કે પછી દેખાતી દુનિયાને કઈ ફર્ક પડે છે...તો એક ક્ષણ ઉભો રહી જજે. તારા શ્વાસોને અનુભવવાનો પ્રયત્ન કરજે. આંખો મીંચીને પોતાને ગમતી વ્યક્તિને યાદ કરજે. તે ક્યારેય કોઈને દિલ ફાડીને પ્રેમ કર્યો છે? બસ તારી ભવાઈ સાર્થક છે. તે ક્યારેય રસ્તે પડી ગયેલા માણસને ઉભો કર્યો છે? તે ક્યારેય કોઈ રડતા, હારી ગયેલા માણસને છાતી સાથે લગાવીને ટાઈટ હગ આપ્યું છે? બસ તારી ભવાઈ સાર્થક છે. તે ક્યારેય બસ આ રંગીન દુનિયાને પોતાના અંદાજમાં મસ્તીથી માણી છે...તો એ જીવેલી ક્ષણ સાર્થક છે. અને જો હાથમાં કશું જ ન હોય...ટાઈમપાસ જ થઇ રહ્યો હોય...પણ છતાં અંતરાત્મા કોઈ નિસાસા નાખ્યા વિના શાંત પડ્યો હોય તો પણ એ વહી ગયેલી પળ સાર્થક છે.”

આ દરેલ ભાગી જતી પળ આપણા હાથમાં નથી. સમય સંજોગો કે શ્વાસ આપણા હાથમાં નથી, તો પછી શું છે છેલ્લો જવાબ?

એ છેલ્લો જવાબ છે: જીવનગીત.

આખી જિંદગીના દરેક સવાલનો એ જવાબ છે કે આ જિંદગીને ચાલતા જાઓ, ગાતા જાઓ અને તેમાં મગ્ન થઈને માણતા જાઓ. તમારી પાસે કોઈ ક્લુ નથી કે ક્યાં સમયે અહી આ પૃથ્વી પરથી એક્ઝીટ લાગી જાય અને તમે કોઈ ખૂણા પરના સ્મશાનમાં એક સાંજે બળી રહ્યા હો. તમારી પાછળ કોઈ રડી રહ્યું હોય અને એવું પણ બની શકે કે કોઈને તમારા જવાનો અફસોસ ન હોય. એવું પણ થઇ શકે કે તમે બે દિવસમાં ભુલાઈ જાઓ અથવા આવતા બસો વરસ સુધી યાદ રહી જાઓ. મર્ફી નો નિયમ છે: what is gonna happen will happen! જે થવાનું છે તે થઈને રહેશે.

એટલે આપણે બસ આ જિંદગીનું ગીત ગાતા રહેવાનું છે. ખુશ રહેવાનું છે. અને યાદ રાખવાનું છે કે તમે જે કઈ પણ છો, જે કઈ પણ તમારી ફરિયાદ છે કે જે કઈ પણ પરિસ્થિતિ છે એ બધું જ તમારી ચોઈસ છે.

તમારી ચોઈસ જ છેલ્લો અને આખરી જવાબ છે આ જીવનગીત નો!

વધુ આવતા લેખમાં.