NO WELL: Chapter-7 in Gujarati Moral Stories by Darshan Nasit books and stories PDF | NO WELL: Chapter-7

Featured Books
Categories
Share

NO WELL: Chapter-7

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ - ૭)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે શ્યામ કોઈ વકતૃત્વ સ્પર્ધામાં જોયેલી છોકરીને એકતરફી લાઈક કરવા લાગે છે, અને હવે આગળ...

૨ વર્ષ બાદ...

(જયારે શ્યામ કોલેજના પહેલા અને રાકેશ કોલેજના છેલ્લા વર્ષમાં હોઈ ત્યારે)

પ્રકરણ -૭

‘મેં આઈ કમ ઇન સર?’ આટલો અવાજ સાંભળતા પ્રોફેસર રમેશભાઈ ગુપ્તાના કોમર્સના વિષયો પર અને વ્યવહારિક, નાણાકીય સમીકરણો પરથી બધાની સાથે શ્યામનું પણ ધ્યાન અચાનક ક્લાસરૂમના દરવાજા તરફ ખેંચાઈ ગયું. તેનો કોમળ અવાજ દેખાવમાં એવી રીતે ભળતો હતો જે રીતે સોનામાં સુગંધ ભળતી હોય.

‘યસ,યુ કેન.’ ગુપ્તાજીએ કુદરતની નવરાશની પળોમાં તૈયાર કરેલી કૃતિને અંદર આવવા માટેની મંજુરી આપી.

ક્લાસમાં આવતાની સાથે ક્લાસરૂમની ઠંડક ગરમીમાં ફેરવાઈ ગઈ, છોકરીઓમાં તેના દેખાવની અદેખાઈથી તો છોકરાઓમાં સારી છોકરી નજર સામે આવવાથી. તેણે તેની કાતિલ નજરને આખા શરૂઆતના દિવસોમાં ખીચોખીચ ભરાયેલા ક્લાસરૂમમાં ફેરવી તો છેલ્લી લાઈનમાં ફક્ત એક જગ્યા ખાલી હતી.

તે ત્યાં આવીને બેઠી કે સંજનાએ હાથ લંબાવીને આવકારતા કહ્યું, ‘હાઈ, આઈ એમ સંજના.’

શ્યામની બાજુમાં સંજના અને તેની બાજુની સીટ પર પેલી સંજના સાથે હાઈ બોલીને બેસી ગઈ. તેને જોઇને એવું લાગતું હતું કે શ્યામે તેને ક્યાંક જોયેલી છે. તેના સીટ પર બેસતાની સાથે સંજના વચ્ચે નડવા લાગી. શ્યામને તે સમયે ફક્ત તેના હાથમાં રહેલી ડાયમંડ રીંગ અને બ્રેસલેટ દેખાતું હતું.

દિવસ દરમ્યાન શ્યામે તેને જોવા માટે ખુબ પ્રયત્નો કર્યા અને તે પ્રયત્નોમાં ઘણીવાર એકતરફી સફળતા મળી. વચ્ચે ક્યારેક સામેની તરફથી હળવી સ્માઈલ પણ મળી જતી. અંતે વિદ્યાર્થીઓનો ફેવરીટ સમય આવી ગયો. ક્લાસમાં પહેલી નજરે માયા લગાવી દેનારી બાબાપુરની બેસ્ટ સ્પીકરના આગમનને કુદરતનો ચમત્કાર ગણવો કે તેના તરફના પ્રેમનો સાક્ષાત્કાર?

‘હાશ, હવે છુટ્ટા.’ સંજનાએ તેની સ્કૂલની બધી જાળવી રાખેલી આદતો બાલમંદિરથી કોલેજમાં આવ્યા છતાં નહોતી છોડી.

‘સંજના તમારે કઇ તરફ જવાનું છે?’ પેલી અડધા પીરીયડમાં આવેલી એવી શરમાળ છોકરીએ સંજનાને પૂછ્યું.

શ્યામ, સંજના અને પેલી ત્રણેય કોલેજના દરવાજાની બહાર નીકળ્યા કે તરત સંજનાએ જવાબ આપ્યો,‘ચલાલા.’

‘મારે પણ એ તરફ આવવાનું છે.’ તેની આ વાત સાંભળીને શ્યામના મનમાં અવનવા વિચાર આવવાનું શરુ થયું, તેના મનમાં એક સવાલ આવતો હતો કે તે દિવસે બાબાપુરની હોય તેમ લાગતું હતું તો પછી તેણે ચલાલા આવવાનું કેમ કહ્યું?

આખો દિવસ કોલેજમાં સાથે રહ્યા છતાં પણ શ્યામને હજુ સુધી તે તેની સામે શરમાઈને હસતી હસીનાનું નામ ખબર ના પડ્યું.

અમરેલીની પ્રખ્યાત જગ્યામાંની એક, રાજકમલના બસ સ્ટેશન પર બધા કોલેજીયનો ઊભા હતા. અમરેલીના મુખ્ય બસ સ્ટેશન તરફથી પશ્ચિમ દિશામાં આવતી ‘અમરેલી-ધારી’ બસ દેખાઈ. બસમાં ઊભા ન રહેવું પડે તે હેતુથી લોકો બસ નજીક દોડી ગયા. બસનો દરવાજો ખુલતાની સાથે સંજના ઝડપથી ઘુસી ગઈ અને પછી થોડી ધક્કામુક્કી કરી શ્યામ અને પેલી બેસ્ટ સ્પીકર.

‘શ્યામ, અહી આવી જા.’ સંજનાએ પહેલી લાઈનમાં બેગ મુકીને ત્રણ સીટ રોકીને બંનેને બોલાવ્યા.

‘સાઇડ પ્લીઝ, સાઇડ પ્લીઝ...’ કરતો શ્યામ અને પેલી બંને સંજનાની નજીક પહોચ્યા. સંજનાએ બંનેની વચ્ચે બેસી જઈને તેઓને એકબીજાથી દૂર રાખવાના ઘણા પ્રયત્નો કર્યા.

‘સંજના, આ શ્યામ આટલો શાંત કેમ છે?’ પેલીએ સંજનાને કાનમાં ધીરેથી કહેવાનો પ્રયત્ન કર્યો પણ એ થોડું વધારે મોટા અવાજથી બોલી.

‘ના, કઇ શાંત નથી એ તો હજી તું નવી છે એટલે એને ઓળખતી નથી. બાકી આને ઓળખે એ જ ઓળખે.’ સંજનાએ ખાસ કરીને શ્યામને સંભળાવવા માટે પેલી હસીના કરતા થોડા વધારે અવાજમાં બોલી. શ્યામે સંજના તરફ મોટી આંખ બતાવી પણ સંજનાએ તેની મસ્તી કરવાનું બંધ ના કર્યું.

શ્યામને પેલી સાથે વાત કરવાની ઘણી ઇચ્છા હતી પણ તેની સાથે વાત કરવા માટે કોઈ બહાનું ગોતવું પડે તેમ લાગતું હતું અને બહાનું થોડીવારમાં મળી ગયું.

બગસરા તરફ જવાનો બાયપાસ અલગ પડ્યો કે પાંચ મિનીટ પછી બાબાપુરનું પાટિયું આવ્યું. તેણે બારીમાંથી તે રસ્તા તરફ નજર નાખી જાણે એવું લાગતું હતું કે તે બાબાપુરની સાથે ઘણા ગહન સંબંધથી જોડાયેલી હોય. શ્યામે તરત પૂછ્યું ‘કેમ, કઇ રીલેશન છે બાબાપુરની સાથે?’

‘હા, પણ તને આવું કઇ રીતે લાગ્યું?’ તે શ્યામને ઓળખતી ના હોય અને પહેલી મુલાકાત હોય તે રીતે તેની સામે જોતા પૂછ્યું.

‘આજથી બે વર્ષ પહેલા મેં અહી એક વ્યક્તિને આપણો દેશ હજુ ગુલામ છે.’ એવા ટોપિક પર વક્રતૃત્વ સ્પર્ધામાં બોલતા સાંભળી ત્યારે મને તેને મળવાની ઇચ્છા થયેલી પણ એ ઇચ્છા પૂરી ના થઈ.’ શ્યામને એ વાતની તો ખબર હતી કે તે છોકરી બીજી કોઈ નહી પણ તેની સામે જ બેઠી હતી. છતાંય સવારથી સાથે હોવા છતાં નામથી અજાણ પેલીનું નામ જાણવા અને સંબંધ બનાવવા વાતને અલગ રીતે રજુ કરી.

‘હાઈ, હું ઝરીન અને તું જે છોકરી વિષે વાત કરે છે એ હું જ છું. તે સમયે હું બાબાપુરમાં રહેતી હતી,’ ઝરીને પોતાનો પરિચય આપ્યો.

‘રહેતી હતી, મતલબ?’ બાબાપુરમાં રહેતી હતી અને હવે ક્યાં રહેતી હશે? ચંચળ મનમાં પાછા વિચારો વધારે પડતા આવે અને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવાનું શરુ કરે એ પહેલા શ્યામના પ્રશ્નનો જવાબ મળી ગયો.

‘અત્યારે હું ચલાલા બિલાલમામાની સાથે રહું છું.’

‘સંજના અને હું બંને મહાદેવપરામાં ચોરાવાળી શેરીમાં રહીએ છીએ.’

પરિચયની વાતો-વાતોમાં માળીલાનું ફાટક પણ ચાલ્યું ગયું અને થોડીવારમાં ચલાલાના એલાર્મ જેવી બોન મિલ આવી. મુસાફરોએ નાક આડે રૂમાલ કે હાથ રાખ્યા પણ કોલેજીયાઓએ તો આવી વાસની ટેવ પાડવાની હતી, કેમકે દરરોજના અપડાઉન કરવાનુ હતું.

ઝરીન ચોરા સુધી સાથે ચાલી અને ઘર તરફ વળ્યા અને તે સીધી આગળ વધી. શ્યામ અને ઝરીન વચ્ચે મલકાઈને થતી વાત જોઇને સંજનાના ચહેરા પરની અદેખાઈની રેખાઓ તણાતી હોય તેવું સ્પષ્ટ વર્તાતું હતું.

ઝરીનના ગયા પછી સંજના પણ કશુ બોલ્યા વગર મો બગાડી ઘરે ચાલી ગઈ અને શ્યામ તેના ઘર તરફ...

₪ ₪ ₪

સાંજના સાડા છ વાગ્યે શ્યામ અગાસી પર બેઠોબેઠો મોટો થઈ ગયા હોવાની લાગણી અનુભવવાની સાથે બાળપણની યાદોને વાગોળવા લાગ્યો. સ્કુલેથી ઘરે પહોચીને બેગનો ઘા કરવાનો, મમ્મીની નાસ્તા માટે બુમાબુમ કરી નાખવા છતાં કોઈ પ્રકારનો પ્રત્યુતર ના આપવો. એક વસ્તુ માટે બીજી વસ્તુની તોડફોડ કરીને માર ખાવાનો, હવે સાવ ઓછું થઈ ગયું હતું. રડતા રડતા પરાણે સ્કૂલે ન જવા માટેની જીદ એવી તો ક્યાં ગાયબ ખોવાઇ ગઈ કે ગોતી મહામુશ્કેલીએ પણ મળે તેમ નથી.

શેરીના ખૂણા રામજી મંદિરે નાના છોકરાઓ ઝાલર વગાડવા માટે વહેલા આવીને ઉભા રહી ગયા હતા. પાછળની તરફના રસ્તેથી ખેડૂતો બળદગાડા લઈને ઘરે વળતા હતા. આકાશમાં પંખીઓનો શોરબકોર હતો. શ્યામ-સંજનાના ઘરની વચ્ચે આવેલા જયંતીકાકાના ઘરે દનૈયાઓ દૂધ લેવા આવી પહોચ્યા હતા અને પેલી પૂર્વીના ટ્યુશનમાંથી મુક્ત થયેલા આઝાદ ભારતના એક કલાક માટેના ગુલામ વિદ્યાર્થીઓ. પૂર્વીના ઘરની ડાબી તરફ શ્યામની ટીખળટોળકીએ પાંચમાં ધોરણ સુધી દરેક શિયાળામાં કુતરા માટે એક ઉપર બીજી લાકડી, ઈંટ, કોથળા, સિમેન્ટની કોથળીમાંથી ઘર બનાવતા હતા તે ખૂણો ખાલી પડ્યો હતો. જે જોઇને તેને ગલુંડીયાઓને નવડાવીને તડકામાં સુકાવવાનું, તેના ખોરાક માટે શીરો બનાવડાવીને ખવડાવવાનો, રમાડવાનો જે આનંદ થતો તે આનંદ આજે શોધવાનો પ્રયત્ન કર્યો પણ અંતે ભીતરમાંથી જોરદાર નિ:સાસો નાખીને એટલું જ વિચારી શક્યો કે બાળપણની મજા કઇક અલગ હતી.

‘ધડામ...’ સંજના પોતાના ઘરે આવી હોય તે રીતે જોરથી દરવાજો પછાડ્યો.

‘શ્યામ ક્યાં?’

‘કેમ, કઇ કામ હતું?’ મમ્મીએ પૂછ્યું.

‘ના, મારે તો શ્યામનું જ કામ છે,’ સંજનાએ કહ્યું.

‘હું ઉપર છું.’ શ્યામે મમ્મી અને સંજના વચ્ચેના પ્રશ્નાર્થ ચિહ્નોવાળા સંવાદોને જવાબ આપતાની સાથે ટ્યુશન કરાવતી પૂર્વીને નાના છોકરાને ખીજાઈને મારતા જોઈને તે છ વરસના બાળક પર દયા આવી કે બિચારાને રમવાની ઉમરે ભણતરનો બોજ ઉપાડવા માટે ટ્યુશન અને સ્કૂલે પરાણે જઈને શિક્ષકોના હાથે મેથીપાક ખાવા તૈયાર રહેવાનું.

‘શ્યામ, અત્યારે કેમ અગાસી ઉપર આવીને બેસી ગયો? કંઈ બીજું કામકાજ નથી કરવાનું?’ સંજના પોતાના ઘરેથી બધાને હેરાન કરી હવે બીજાને હેરાન કરવા આવી ગઈ. જો તે શાંત બની જાય તો પછી વિશ્વમાંથી અશાંતિ નામનો શબ્દ નીકળી જાય.

‘બસ, એમ જ. અહીં બેસવાની કઇક અલગ જ મજા છે.’ શ્યામે જવાબ આપ્યો.

‘ગમમાં પડી ગયો હોય તેમ અહી કેમ મુકામ માંડીને બેઠો છે?’

‘બોલ શુ કામ હતું?’ શ્યામે સીધુ તેની પાસે આવવા માટેનું કારણ પર આવવાનું વિચાર્યું.

‘અંદર શુ હશે?’ સંજનાના હાથમાં રહેલો સ્ટીલનો ડબ્બો નાસ્તાથી ભરેલો જણાતો હતો.

બંને માટે આ ઘટના હવે સામાન્ય બની ગઈ હતી. તે કઇ પણ નવી વાનગી બનાવતા શીખે અને નવો અખતરો કરે તે વાનગી ચાખવાનો ખતરો હમેશા શ્યામને ઉઠાવવો પડતો. ઘણીવાર એની બનાવેલી વાનગી એટલી સ્વાદિષ્ટ હોય કે એ આંગળી ચાટતો રહી જાય તો ક્યારેક ડબ્બાનો ઘા કરવાની ઈચ્છા થઇ જતી પણ સંજનાની મહેનત અને પોતાના પ્રત્યેના લગાવના કારણે એ તેમ ના કરી શકતો.

‘શુ હું તે અડી શકું?’ શ્યામે પૂછ્યું.

‘હા, પણ ખોલવાનો નથી. ઓકે?’

શ્યામેં હા પાડવા મુંડી હલાવીને ડબ્બાને હાથ લગાવ્યો. ડબ્બો ઠંડો હતો અને આગળના દિવસે થયેલી વાત પર વિચારીને અનુમાન લગાવ્યું.

‘ચોકલેટ.’

‘તને કેમ ખબર?’

‘ગઈ કાલે તું જ તો વાત કરતી હતી ઘરે જઈને ચોકલેટ બનાવવાની છે.’

તેને નાસ્તાનો ડબ્બો ખોલતા સંજનાએ કહ્યું, ’આજે તો ટેસ્ટ કરીને આવી છું. સરખી જ બની છે.’

ડબ્બો ખોલતા કથ્થાઈ કલરના કોકો પાવડરના બે પડની વચ્ચે એકદમ સફેદ ટોપરાનું છીણ રાખીને બનાવેલી ચોકલેટ જોઇને મોમાં પાણીના ફુવારા છુટવા લાગ્યા.

‘દેખાવમાં તો સારી લાગે છે પણ ખાવાલાયક છે?’

‘હા.’ તો ઠીક બોલીને ચોકલેટ લેવા જાય એ પહેલા તેણે શ્યામના મોમાં એક પધરાવી પણ દીધી. ચોકલેટ મોમાં નાખીને તેને વખાણવા માટે પણ ચુપ કરી દીધો.

સંજનાની દરેક વાનગીઓ તેના સ્વભાવ અનુસાર હોય છે. જેમ કે, આજે તેની ચોકલેટ તેના જેવી મીઠી હતી તો ક્યારેક મસાલેદાર મેગી જેવી અને ચટપટી ભેળ જેવી તો ક્યારેક ખાટા-તીખા પાણીવાળી પાણીપૂરી જેવી...

‘બીજી ખાઇશ?’ તેનો સવાલ ધમકીભર્યો લાગતો હતો.

‘હા, મસ્ત બનાવી છે.’ આટલું સાંભળતાની સાથે તેણે ચોકલેટનો ડબ્બો શ્યામના હાથમાં પકડાવ્યો કે ઉપરાઉપર પાંચ ચોકલેટ ખાઈ ગયો. સંજના તેના તરફ જોતી રહી. શ્યામને ખુશ થતો જોઇને તે હમેશા ખુશ રહેતી જાણે શ્યામનો સાથ હોય ત્યારે દુ:ખ શબ્દ તેના માટે બન્યો જ ના હોય.

‘સંજના, ઝડપ કર. હું બહાર જાઉં છું. ઘરનું ધ્યાન રાખજે.’ સવીતામાસીએ સંજનાને ઘરે બોલાવવા બૂમ પાડી. બાળપણથી હંમેશા સાથે રહેતી સંજના તેના ઘરે ચાલી ગઈ. શ્યામના વર્તમાનમાં કોલેજ જીવનમાં પ્રવેશેલી ઝરીનના વિચારોમાં ખોવાઈ ગયો.

શું રાકેશે બે વર્ષ દરમિયાન બનાવેલા કોન્ટ્ક્સ તેને જી.એસ. બનાવવામાં મદદરૂપ થશે કે પછી સાવ અણધારી પરિસ્થિતિઓ સામે આવીને ઉભી રહેશે?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com