જાગૃતિ.આર.વકીલ.
દીકરી દેવો ભવ
“દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,
દીકરી હોય તો ગર્ભમાંથી પાછી જાય.”
દીકરી પ્રત્યે આવો અન્યાય કરતો સમાજ પોતે પણ નથી જાણતો કે પોતે કઈ દિશા તરફ જઈ રહ્યો છે.લોકજાગૃતિ અને સામાજિક જાગૃતિઓના અનેક કાર્યક્રમો જયારે આજે હાથ ધરવામાં આવી રહ્યા છે,ત્યારે સહુથી ટોચ પર જરૂરી કાર્યક્રમ હોય તો તે છે:”ભૃણહત્યા રોકી બેટી બચાવો.” કેમકે પૃથ્વી પર માનવજાતિનું અસ્તિત્વ ટકાવનાર ‘સમાજ’ હશે અને એ સમમાજ બનાવનાર ,સૃષ્ટિને આગળ ચલાવનાર,વંશને આગળ વધારનાર અને એ વંશના અંશને પૃથ્વી પર અવતરણ કરાવનાર નારીજાતિ જ નહિ હોય તો?તો શું થશે આ દુનિયાનું? નારીજાતિ વગરની સૃષ્ટિ જ કેમ કલ્પી શકાય???
‘નેશનલ કમીશન ઓફ વીમેન’ના ચેર પર્સન શ્રી ગિરજા વ્યાસે વર્તમાનમાં છોકરા-છોકરીના અસામાન રેશિય અંગે આ જ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે આ અંગેની લોકજાગૃતિ સહુથી જરૂરી બની ગઈ છે.જેનું કારણ દીકરીની ભૃણહત્યાની સમસ્યા આજે સામાજિક શિરદર્દ બની ગઈ છે,ત્યારે સરકારનો ગર્ભમાં રહેલ જતી પરીક્ષણ પરના પ્રતિબંધનો કાયદો ખારેકાહ્ર પ્રશંસનીય છે.પણ.....જો એનો કડકાઈથી અમલ થાય તો જ....બાકી તો પૈસા કમાવાની લાલચે આવા કામ કરતા ડોક્ટર્સ આખરે તો સમાજનું અને તે સાથે પોતાની જ ભાવી પેઢીનું અહિત કરી રહ્યા છે.
‘ઘર ઘર પાડો સાદ,
દીકરી દીકરો એક સમાન.’
સ્ત્રીની મહતાથી આજે કોઈ અજાણ નથી.પુત્ર હોય કે પુત્રી તેને અવતરવા માટે તો સ્ત્રીની કોખની જ જરૂર પડશે ને? તેથી ભ્રુણ હત્યા રોકવા જાગૃતિનું કામ મહિલા સંસ્થાઓ સારી રીતે કરી શકે, ઉપરાંત શાળાના અભ્યાસક્રમમાં પણ આ વિષય સમાવેશ કરી શકાય.નાનપણથી જ બાળકને સમજાવી શકાય.વિજ્ઞાનની પ્રત્યેક શોધ માનવને તારી પણ શકે અને મારી પણ શકે છે.અલબત્ત,તેનો ઉપયોગ અને અર્થઘટન માનવજાતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ,.પુત્ર કે પુત્રી એ કુદરતની દેન છે...એમ માની સ્વીકારી લેવું જોઈએ.
કહેવાય છે કે પુત્ર કુળનો વંશ છે તો પુત્રી કુળનો અંશ છે.પુત્ર અલ્પ છે-પુત્રી વિકલ્પ છે,પુત્ર જ્ઞાન-પુત્રી વિજ્ઞાન,પુત્ર મિત-પુત્રી ગીત છે,પુત્ર સંસ્કાર- પુત્રી સંસ્કૃતિ છે,પુત્ર દવા તો પુત્રી દુવા છે,પુત્ર આન તો પુત્રી શાન છે,પુત્ર ભેટ તો પુત્રી ભાવ છે,પુત્ર વીર તો પુત્રી હીર છે,પુત્ર હાથ તો પત્રી હામ છે,પુત્ર યાચના તો પુત્રી પ્રાર્થના છે,પુત્ર અરજ તો પુત્રી ફરજ છે,પુત્ર કરમ છે તો પુત્રી ધરમ છે,પુત્ર શબ્દ તો પુત્રી સૂર છે,પુત્ર કલશોર છે તો પુત્રી કલરવ છે,પુત્ર તરસ તો પુત્રી તૃપ્તિ છે,પુત્ર હાથ તો પુત્રી હૈયું છે,પુત્ર સુખ તો પુત્રી સંતોષ છે,પુત્ર મેઘ છે તો પુત્રી મેઘધનુષ છે,પુત્ર પતંગ છે તો પુત્રી પતંગિયું છે,પુત્ર વીજ તો પુત્રી વાદળ છે,પુત્ર માન તો પુત્રી સ્વમાન છે.પુત્ર આશા તો પુત્રી આરાધના છે.....પુત્ર કુટુંબનો સ્વભાવ છે તો પુત્રી કુટુંબનું સ્વરૂપ છે,પુત્ર શસ્ત્ર છે તો પુત્રી શાસ્ત્ર છે...પુત્ર એ પુત્ર છે પણ...પુત્રી??પુત્રી એ તો પુત્રી જ છે.....
પરિવારમાં પુત્રીનું અવતરણ એટલે પિતાના દિલમાં દયાનું ઝરણું ફૂટવું,દિલમાં કરુણાનું સ્થાપન થવું,જીદ,અહંકાર ગર્વનું ખંડન થવું.દીકરી નામની દેવીનું આગમન એટલે દિલમાં દીવાનું સ્થાપન થવું.વીસ-પચીસ વર્ષ માતાપિતાને રમાડતી,રમતી,નાચતી,હસતી,ગતિ,સહુનો આત્મા બની ગયેલી દીકરી જયારે ઠરેલ બની પોતાન ઘરને અળગું કરી,પિયુના ઘરને પોતાનું બનાવવા જાય છે,ત્યારે અરણ્યના તપસ્વી કણ્વ જેવા વૈરાગી ઋષિ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તો પામર સંસારના પિતાનું શું ગજું??! એ જ બતાવે છે કે દીકરી એ પિતાના જીવતરનું બળ છે.
ત્યારે કવિશ્રી મનસુખલાલ ઝવેરીના શબ્દો યાદ આવે:
“પિયરે ઉડતી જાણે નિર્ભ્રાંત વન પંખીણી,
સાસરે જતી જાણે ગરવી કુલહંસીણી.”
વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે પુરુષ કરતા સ્ત્રીમાં સહનશક્તિ વધુ હોય છે.તો વિવિધ ક્ષેત્રે પોતાની નામના કરનાર આ નારીઓએ વિશ્વના ઇતિહાસમાં પોતાની ક્ષમ્ત પુરવાર કરી જ છે ને?પુરાણોમાં ગાર્ગી જેવી વિદુષી,ઇતિહાસમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને આજના યુગમાં પોલીસ ક્ષેત્રે શ્રી કિરણ બેદી ,સામાજિકક્ષેત્રે - નીતા અંબાણી,રાજકીય ક્ષેત્રે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ -શ્રી પ્રતિભા પટેલ,રમતમાં- સાનિયા મિર્ઝા કે સીના નેહવાલ,ફેશન ક્ષેત્રે રીતુકુમાર અને અનામિકા ખાનન, વિશ્વફલક પર પરિવાર નિયોજનનો વિચાર પ્રથમ વાર આપનાર-મહિલા માર્ગરેટ સેંગર,આધુનિક નર્સિંગ સિસ્ટમના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટીંગેલ,ભારતની આઝાદીના પ્રથમ લડવૈયા-મેડમ કામા,તો આંતર રાષ્ટ્રીય સ્તરે જાણીતા સંગઠન સેવાના સંસ્થાપક-ઇલાબહેન ભટ્ટ .....યાદી બનાવવા બેસીએ તો કેટલીય લાંબી બને....કેટકેટલી નારી શક્તિને સલામ કરીશું? આ સહુ નારીઓએ પુરવાર કરી જ બતાવ્યું છે એક નારીશક્તિ ઝીન્દાબાદ હતી,છે અને રહેશે જ.!! તો પછી આવી શક્તિની ભ્રૂણમાં જ હત્યા કરી,દુનિયામાં આવ્યા પહેલા જ,વિદાય કરી દેવા જેવો અણગમો શા માટે?
એટલે જ કદાચ નારી માટે કહેવાયું હશે :
હમ ભક્તિ મેં મીરાં ,શક્તિ મેં ભવાની,
કર્મ ક્ષેત્રે કલ્યાણી,રણક્ષેત્ર મેં રણચંડી !!!
નારી જો મોરચે ચડે તો તેની શક્તિનું મૂલ્યાંકન કોઈ ન કરી શકે.અમદાવાદની કાપડની મિલમાં થતો અન્યાયનો વિરોધ કરનાર નારી શક્તિનો વિજય ૮ માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય એ મહિલા સશક્તિકારણ નું ઉતમ ઉદાહરણ છે તો વ્રુક્ષો બચાવવા ઈ.સ.૧૯૭૦ માં ગઢવાલના અંતરિયાળ ગામ ‘રેની’માં “ચિપકો આંદોલન” કરનાર મહિલાઓએ એ જમાનામાં કે જયારે મહિલાઓ ઘરની બહાર પણ ન નીકળતી તે સમયમાં ઝાડને ચીપકી હજારો વ્રુક્ષોને બચાવી ઉતમ પર્યાવરણ પ્રેમી સાથે નારીશાક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું જ છે.એટલે જ કદાચ આવું કહેવાયું છે:.સ્ત્રી અબળા છે એટલે કે અ-બળા ---જેના બળની તોલે કોઈ ન આવે!! તે એવા અર્થમાં છે.
એકવીસમી સદીની સંસ્કૃતિ ભારતીય નારી સંસ્કૃતિની નદી છે.પુરાણોમાં પણ કેટલીક સંસ્કૃતિ સ્ત્રી પ્રધાન હતી.જ્યાં બાળકના નામ પાછળ પિતાને બદલે માતાનું નામ લગાવવામાં આવતું.આજે વરસો પછી સરકારે ફરી આ વાતને સમર્થન આપતો ચુકાદો આપ્યો છે – આજે શાળામાં દાખલ થતા બાળકના નામ પાછળ માતાના નામ લખવાની મંજુરી આપી છે.જે નારી શક્તિની પહેચાન બની છે.કોઈ પણ સ્ત્રી બહેન.પુત્રી,પુત્રવધુ,ગૃહિણી,માતા બની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની સાથે શ્રેષ્ઠ કુશન વૈજ્ઞાનિક,સંનિષ્ઠ શિક્ષણકર,આદર્શ ગૃહિણી,પાયલોટ,અવકાશયાત્રી,મેનેજર,સાહસિક ઉદ્યોગપતિ બની દરેક ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવી ની:સંકોચ સફળ થઇ શકે છે.
વિવિધ સાહિત્યકારો અને ધર્મગુરુઓ પણ દીકરી/નારીનું મહત્વ ખુબ ઉચું આકે છે.. સ્વામી વિવેકાનંદે કહ્યું છે:” એ જ દેશ ઉન્નતિ પામી શકે છે જ્યાં સ્ત્રીઓને દરજ્જો આપવામાં આવે અને તેના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.”પંડિત નહેરુએ પણ કહ્યું છે કે નારીનું શિક્ષણ એટલે આખા પરિવારનું શિક્ષણ છે.
.જાણીતા સાહિત્ય્કાર ડો.સુરેશ દલાલ કહે છે “માતા વગરની દીકરી અને દીકરી વગરનો બાપ સુખી ન હોઈ શકે.દીકરી વગર પરિવારમાં ઝાકળની ભીનાશ નથી ટકતી!” તો જાણીતા હાસ્યકાર શાહબુદીન રાઠોડના મતે:”જે પરિવારને પોતાની પુત્રી માટે લાગણી હોય તેને જ પારકા ઘરની દીકરી માટે લાગણી હોય છે.જે પરિવારમાં દીકરી અને વહુમાં ફરક ન જણાતો હોય તે જ ઉતમ પરિવાર છે.”તો જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુના મતે :”માં એ મમતાની મૂર્તિ,પિતા વાત્સલ્યમૂર્તિ છે પણ...દીકરી તો દયાની મૂર્તિ છે.”એથી વધીને પૂજ્ય બાપુ તો કહે છે કે “જુવાન દીકરી વૃદ્ધ બાપની માં બની જાય છે અને માં જેમ બાળકને આગ્રહ કરી જમાડે,સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવે છે.એટલે જ દીકરીવાળો બાપ ક્યારેય પણ ‘નમાયો’ નથી હોતો”
શ્રી ખલીલ જીબ્રાનેનું આ અવતરણ દીકરી દેવો ભવનું મહત્વ સમજાવે છે. “જેને ઘર દીકરી ન હોય તેમને દત્તક લેવી જોઈએ,એટલા માટે કે કાળનું રહસ્ય અને તેનો અર્થ સમજવાની કુંચી નાનકડી બાલિકાઓના હૈયામાં સંતાડેલી હોય છે.” અંતમાં......
અંતમાં સહુના મનમાં ‘બેટી બચાવ’ સ્પંદન જાગે ને સહુ સમજે કે,
“દીકરી નથી સાપનો ભારો,
એ તો છે તુલસીક્યારો,
એ તો છે વહાલનો દરિયો,
ને ...
દિલનો દીવો....
એને વધાવો
હૈયાના હેતથી અને ઉરના ઉમંગથી....”
જાગૃતિ.આર.વકીલ.
ભુજ (કચ્છ )
Jrv7896@gmail.com