સ્વદેશી અપનાવો દેશ બચાવો
એ દિવસ હતો 23મી માર્ચ 1931...ભારતવર્ષ પર ગોરી સરકારની હકૂમત ચાલતી હતી. અંગ્રેજોની ગોરી સરકારએ એ દિવસે ત્રણ નવયુવાનો ને ફાંસી પર લટકાવી દીધા હતા. પરંતુ તેમનો ગુન્હો શું હતો.? એટલો જ કે તેઓએ સોંડર્સ નામના અંગ્રેજ પોલિસ ઓફિસરની હત્યા કરી હતી.? કે પછી ભારતીય અસેમ્બલીમાં જબરદસ્ત બોમ્બ ધડાકા કરેલા.? નહીં, નહીં, આ બધા ગુનાહો તો ફક્ત બહાના હતા, અસલી કારણ તો એ હતું કે સ્વતંત્રતા પામવા માંગતા આ નવયુવાનો આઝાદીની લડાઈમાં ખૂબ નાની વયે કૂદી પડ્યા હતા અને એટલુ જ નહીં તે દેશના બીજા નવયુવાનોને પણ આમ કરવા પ્રેરિત કરી રહ્યા હતા. જો આમ જ ચાલતું રહ્યું હોત તો અંગ્રેજોને ભારતવર્ષની ભૂમિ વહેલી તકે છોડવાની ફરજ પડી હોત. આવું ન થવા દેવા માટે અંગ્રેજ સરકાર વહેલી તકે આવા ક્રાંતિકારીઓને પકડી પકડીને ફાંસીએ લટકાવી દેવા માંગતી હતી.
એ ત્રણ યુવાનો હતા શહિદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુ જે ૨૩ વર્ષની નાની એવી વયે શહીદી પામ્યા. તેઓએ સોંડર્સને એટલા માટે ઠાર માર્યો કેમકે સૌંડર્સએ લાલાજીને લાઠી વડે ખૂબ માર માર્યો હતો અને એ ઘા લાલાજી માટે જીવલેણ સાબિત થયેલો. અસેમ્બલીમાં બોમ્બ ધડાકા કરવાનું કારણ ફક્ત એટલુ હતું કે બહેરી અંગ્રેજ સરકાર ભારતના નવયુવાનોની વાત સાંભળે અને વહેલી તકે ભારતવર્ષની ભૂમિ છોડીને ચાલ્યા જાય. આખરે એ બોમ્બ વિસ્ફોટ કોઈ માટે જીવલેણ તો નહતો રહ્યો. જોકે ક્રાંતિકારીઓ ધારત તો કોઈનો જીવ લઈ શક્યા હોત પરંતુ તેઓ એવું કઈ કરવા માંગતા ન હતા. આખરે ૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ ત્રણે શહીદોને ફાંસી થઈ તેમના પાર્થિવ દેહો પર કોઈ સ્મારક ન બને અને બીજા નવયુવાનો તેમનામાંથી પ્રેરણા લઈ ક્રાંતિકારી ન બને એટલા માટે ગોરા ઓફિસરોએ શહીદોના દેહના ધારદાર હથિયારો વડે ટુકડા ટુકડા કરી નાખ્યા અને પછી એ ટુકડાઓને નદીમાં ફેંકી દીધા. પરંતુ એનાથી કોઈ ફેર ના પડ્યો, શહીદોની શહીદીની વાત ભારતવર્ષના બચ્ચે-બચ્ચા સુધી પહોંચી, તેઓ પણ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના માર્ગે ચાલી પડ્યા, દેશમાં લાખો ભગતસિંહ જનમ્યા અને તેઓની લડતના પરિણામે દેશને ૧૯૪૭ની સાલમાં આઝાદી મળી.
અંગ્રેજોને ભારતભૂમિ છોડવાનો ખૂબ વસવસો હતો. ભારત એ બ્રિટિશરાજનું તાજ હતું. પુષ્કળ પ્રમાણમાં કુદરતી અને કૃત્રિમ સંપતિ ધરાવતા એ દેશમાંથી વધારે સમય માટે લાભ લેવાનું તેઓ માટે હવે શક્ય રહ્યું નહીં. પરંતુ તેઓએ દ્રઢ નિર્ધાર કર્યો કે ફરી વખત પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પરંતુ કોઈ પણ રીતે અમે ફરી ભારતભૂમિનું શોષણ કરીશું અને ત્યાંથી શક્ય એટલુ ધન મેળવીશું. પ્રત્યક્ષ રીતે ભારતવર્ષ પર રાજ કરવું હવે અશક્ય હતું અને પરોક્ષ રીતે પણ આ વાત ૧૯૯૧ની સાલ સુધી શક્ય બની નહિ. અંતે ૧૯૯૧ની સાલમાં તત્કાલિન નાણામંત્રી ડૉ.મનમોહનસિંહની વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓએ અંગ્રેજો માટે પરોક્ષ શાસનના દ્વાર ખોલી આપ્યા. અહી એક સવાલ થશે કે આ પરોક્ષ શાસન શું છે.? અંગ્રેજો તેમાં કઈ રીતે સફળ થયા.? શું બ્રિટિશરો જ ફક્ત ૧૯૯૧ની સાલ બાદ પરોક્ષ શાસન કરવા ભારત આવ્યા કે અન્ય દેશો પણ એ માટે ઉપસ્થિત થયા.? શું હજુ પણ ભારતવર્ષના લોકો પર આ પરોક્ષ શાસન ચાલે છે.? આ બધા પ્રશ્નોનાં જવાબ આગળ મળવાના જ છે.
૧૯૯૧ની સાલમાં એવું શું બન્યું કે ભારતનો રૂપિયો જે એ વખતે એક ડોલર બરાબર ૧૮ રૂપિયા હતો તે તાજેતરમાં ૬૦ રૂપિયા થઈ ગયો અને હજુ પણ પોતાનું સ્તર ગુમાવતો જ જાય છે. ખરેખર વાત એવી છે કે એ વખતે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની માસિયારી બહેનો જેવી બીજી ૪૮૦૦ વિદેશી કંપનીઓનું ભારત આગમન થયું, એ જ જૂના મુદ્દા સાથે..વ્યાપાર કરવા માટે.! અત્યારે એમાંની મોટાભાગની કંપનીઓથી સૌ કોઈ જાણીતું છે. છતાં અમુક નામોનો અહી ઉલ્લેખ કરું છુ. તેમાં છે કોકાકોલા, પેપ્સિકોલા, આઇબીએમ, રહેવા દો લિસ્ટ ઘણું લાંબુ છે લેખ ની લંબાઈ પણ વધી જશે.!
વિદેશી કંપનીઓનું ભારત આગમન દેશની અન્ય કંપનીઓ માટે પ્રાણઘાતક સાબિત થયું. ઊંચી ક્વાલિટી અને વ્યાજબી દામના ભ્રામક પ્રચારથી તેઓએ ભારતીય જનમાનસ પર એવી છાપ ઉપસાવી કે ભારતીય માનુષ ઓછા દામની ભારતીય કંપનીઓની વસ્તુઓ ખરીદવામાં છોછ અનુભવતો થયો અને ઊંચા દામ ચૂકવી વિદેશી કંપનીઓને લાભ આપતો થયો. આ જ કારણસર દેશી રૂપિયો કોઈ પણ વિદેશી હુંડિયામણ સામે પોતાનું સ્તર ગુમાવી બેઠો. બસ થઈ ગયું પરોક્ષ શાસન શરૂ.!
અત્યારે પરિસ્થિતી એવી ઊભી થઈ છે કે ભારતીય નાગરિક ગર્વ સાથે ઊંચા દામ ચૂકવીને વિદેશી વસ્તુઓ ખરીદે છે અને દરેક ખરીદીના પરિણામ સ્વરૂપ રૂપિયાનું સ્તર કોઈપણ વિદેશી હુંડિયામણ સામે નીચું ને નીચું જતું જાય છે. પેપ્સિકોલા કે કોકાકોલા નું એક ઉદાહરણ અહી રજૂ કરું છુ. આ બંને કંપનીઓ ૧૯૯૧માં ફક્ત ૧૦ કરોડના રોકાણ સાથે ભારત આવેલી. જ્યારે આજે બંને કંપનીઓ રૂપિયા ૭૦૦૦ કરોડ કંપનીદીઠ વાર્ષિક નફો કરે છે. તેઓનું વાર્ષિક ટર્નઓવર ૭૦૦ કરોડ બોટલ્સ છે. પરંતુ તેઓ શેનું વેચાણ કરે છે.? કોલ્ડડ્રિંક નામે વેચતા ઝેરનું તેઓ વેચાણ કરે છે. આ ઝેર (કે જેઓ તેને લહેર કહે છે એ લહેર નહીં પરંતુ જહેર છે.!) કે જેમાં ૨૧ પ્રકારના રસાયણો સહિતનું કાર્બોનેટેડ પાણી છે. કાર્બોનેટેડ પાણીથી તો સૌ કોઈ વાકેફ હશે, એવું પાણી કે જેમાં દબાણપૂર્વક કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉમેરવામાં આવે છે. આ ૨૧ પ્રકારના ઝેર સહિતનું કાર્બોનેટેડ પાણી કે જેમાં એક ટકા પણ પોષકતત્વો નથી એને ખરીદવા માટે આપણે દસ થી પંદર રૂપિયા ચૂકવવા તૈયાર હોઈએ છીએ અને ગર્વથી પીએ છીએ. આ ૨૧ પ્રકારના ઝેર સહિતનું કાર્બોનેટેડ પાણી કે જેની પડતર કિમત બધા કરવેરા લાગુ પડતાં પણ ૭૦ પૈસા છે એને ખરીદવા માટે આપણે દસ થી પંદર રૂપિયા ચૂકવવા તૈયાર હોઈએ છીએ અને ગર્વથી પીએ છીએ. આ જ કારણ છે કે રૂપિયાનું સ્તર ઉતરતું જાય છે, આ જ કારણ છે કે દેશમાં કોઈપણ સરકાર મોંઘવારી કે ફુગાવા પર કાબૂ નથી મેળવી શકતી.
પરોક્ષ શાસનના હાલ ૨૫ વર્ષ પૂરા થશે એટલે કે સિલ્વર જયુબિલી.! જો પરોક્ષ શાસનને ખતમ કરવું હોય તો શક્ય છે. પ્રત્યક્ષ શાસનને ખતમ કરવા ક્રાંતિકારીઓને જીવનું બલિદાન આપવું પડ્યુ હતું પરંતુ આપણને એવું કઈ નથી કરવાનું. ફક્ત વિદેશી વસ્તુનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરી રૂપિયાનું સ્તર ઊંચું લાવવાનું છે. કંપનીઓ વિશે માહિતી આપણને કોઈ પણ માધ્યમ દ્વારા મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ, કપડાં કે વાહનો આ ત્રણે એવી કેટેગરી છે જેમાં વધુમા વધુ લોકો વિદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે, તેઓ માને છે કે વિદેશી વસ્તુઓ સારી ક્વાલિટી ધરાવતી હોય છે પરંતુ એ સદંતર ખોટી વાત છે. ભારતીય બનાવટની દેશી વસ્તુઓની ખરીદી ઓછા દામે થઈ શકે જે સારી કવાલિટી પણ ધરાવતી હોય અને ભારતીય અર્થતંત્ર માટે પણ ફાયદાકારક બની શકે છે. ઉપર જણાવેલ પેપ્સિકોલા કે કોકાકોલા પર સરકાર પ્રતિબંધ મૂકે કે ના મૂકે પરંતુ આપણે તેનો ઉપયોગ અટકાવીએ. તે એવી વસ્તુઓ છે કે જેનાથી આપણા અને રાષ્ટ્ર બંનેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના બદલે ફળોના રસ જેમકે શેરડીનો રસ, નારિયેળ પાણી વગેરે પીવાનો આગ્રહ રાખીએ કે જેથી દેશ નો રૂપિયો દેશમા રહે અને દેશના ખેડૂતોને લાભ મળી રહે. તો ચાલો આજથી જ સંકલ્પ લઈએ કે વિદેશી વસ્તુઓનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીશું અને દેશી ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ વધારીશું.
-વિહિત રાજેન્દ્ર ભટ્ટ