Tana-Vana in Gujarati Short Stories by Vipul Rathod books and stories PDF | તાણાંવાણાં

Featured Books
Categories
Share

તાણાંવાણાં

તાણાંવાણાં

-વિપુલ રાઠોડ

આજે ચોથો દિવસ હતો. ઘરમાં કરિયાણું ખલાસ થઈ ગયું હોવાનું જણાવ્યું હોવા છતાં દિકરાએ હજી સુધી કંઈ વ્યવસ્થા કરી નહોતી. શાંતિબેન વાસણ ઉટકતા ઉટકતા ભયંકર અશાંતિમાં ઘેરાઈ ગયા હતાં. ખખડતા ઠામડા તેમના મનમાં મચેલા ઉત્પાતની સાક્ષી પુરાવતા હતાં. હાથ મુકે તે પોતાનું થઈ જાય એવા દિવસો ભોગવી ચુકેલા શાંતિબેનને હવે મજૂરીએ જતાં પોતાના દિકરાને પેટભરીને જમાડવા માટે અધકચરું ખાઈ લેવું પડે છે. મોટાભાગે મહિનાનાં છેલ્લા દિવસોમાં શાંતિબેન આવા ફરજિયાત એકટાણાં કરતાં. પણ આજે કદાચ તેમને એકટાણું ભોજન પણ નસીબ નથી થવાનું. બપોરે આવીને રઘવાટમાં જમી ગયેલો દિકરો ભારે ઉતાવળમાં હતો. કદાચ એને કામ વધુ હશે એવું જાણીને શાંતિબેને આજે તેને કરિયાણું યાદ અપાવ્યું નહીં. પોતે ભુખ્યા રહીને દિકરાને જમાડી તો દીધો પણ હવે સાંજે જો એ યાદ કરીને કંઈ લાવશે નહીં તો રાત્રે પણ શાંતિબેનને પેટે પાટા જ બાંધવાના છે. વાસણ માંજવામાં પાણી સાથે તેમનાં આંખનું પાણી પણ ભળતું હતું. તેમનો કાબૂ નહોતો આજે તેમની આંખ ઉપર. જો કે તેમને દૂ:ખ એ નહોતું કે આજે પણ ભૂખ્યા રહેવું પડશે. તેમને પીડા હતી સર્વસ્વ ગુમાવી દીધા પછી આવા દિવસો જોવાનો વખત આવ્યો તેની...

................................................

એક સાધારણ નોકરી કરતો યુવાન ઉમંગ આજે સવારથી ઉત્સાહમાં છે. છેલ્લા કેટલાંક સમયથી તે પૈસા બચાવી રહ્યો હતો અને હવે તેની પાસે 1600 રૂપિયા એકઠા થઈ ગયા. તેનાં માતા-પિતા હવે હયાત નથી અને પોતાની એકની એક બહેન માટે કોલેજનાં ચોપડા આજે તે લઈ આવશે અને જન્મદિવસે જ બહેનને આપશે એટલે તે ખુબ જ ખુશ થઈ જશે એવું વિચારીને તેનો ઉમંગ મ્હાતો ન હતો. પોતાની બહેન અભ્યાસમાં હોનહાર છે અને જો સારું ભણીગણી લેશે તો તેના માટે ભવિષ્યમાં સારો મુરતિયો મળી શકશે એવી આશાએ ઉમંગ બહેનનાં શિક્ષણની શક્ય તેટલી તકેદારી રાખતો. જો કે તેના આ ઉત્સાહ ઉપર ઓચિંતા પાણી ફરી વળ્યું. તેનો સુખ - દૂ:ખનો સાથી કહેવાય એવો મિત્ર ઓચિંતા ત્રાટક્યો. તેને અચાનક રૂપિયાની તાતી જરૂર ઉભી થઈ હતી. ઉમંગ તેની આજીજી સામે પોતાની બહેનનાં પુસ્તકનો વિચાર કરી ન શક્યો. વળી, ઉમંગને એ પણ ખબર હતી કે પોતે ધારશે તો 1600 રૂપિયા ઉછીના-પાછીના કરીને પણ પુસ્તકની વ્યવસ્થા કરી લેશે પણ તેના મિત્રને બીજેથી કોઈ જ વ્યવસ્થા થવાની નથી. આમ નાછૂટકે ઉમંગે પોતાના બધા રૂપિયા તેના ભેરુંને આપીને ભાઈબંધી નીભાવી લીધી...

................................................

વિદ્યાએ આજે પોતાનો પૈસા બચાવવાનો ગલ્લો તોડી નાખ્યો. બેઠા-બેઠા પાંચ, દસ, પચાસ અને સોની નોટો ગણીને તેણે હિસાબ કર્યો તો છેલ્લા આઠ મહિનામાં તે પોતાના ખિસ્સાખર્ચીમાંથી 1400 રૂપિયા બચાવી શકી હતી. જેની સાથે તે પ્રણય સંબંધ બાંધી ચુકી હતી એ ગરીબડા યુવાનને આટલી બચતનાં રૂપિયા આપીને તે મદદરૂપ થવા માગતી હતી. તેણે પૈસા ગણી, જાળવીને પોતાના પર્સમાં મુક્યા. વળી, છેલ્લા ઘણાં દિવસોથી પૈસાનાં અભાવનાં વાંકે જ બન્ને મળ્યા નહોતા એટલે વિદ્યા આજે તેને મળવાનું હોવાના વિચાર માત્રથી પણ ખુશ હતી. આજે ઘરમાંથી તે થોડી વહેલી બહાર નીકળી ગઈ અને બસ પકડીને હંમેશા બન્ને જ્યા મળતાં હતાં તે ગાર્ડન જવા નીકળી ગઈ. ગાર્ડનની નજીકનાં બસસ્ટોપ ઉપર ઉતરીને તે પગપાળા ગાર્ડન પહોંચી અને પોતાના વ્હાલાની વાટમાં બેઠી હતી. જો કે ઓચિંતા તેનું ધ્યાન પોતાના હાથ ઉપર ગયું. ચાલતા-ચાલતા વિચારમાં તેણે પોતાનું પર્સ ક્યારે ખોઈ નાખ્યું તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. તે સફાળા ઉભી થઈ બસસ્ટેન્ડ સુધીનાં રસ્તે દોડી ગઈ. પણ તેને ક્યાય પોતાનું પાકિટ ન મળ્યું. પોતાના ખર્ચમાંથી કરકસર કરીકરીને એકઠા કરેલા રૂપિયા સાવ એળે ગયાની ભાવનાથી તે વ્યાકુળ બની અને પર્સ પાછું મળી જાય તો ઘરે એક દીવો કરવાની માનતા પણ માની. જો કે આજે તેના નસીબમાં એ રૂપિયા ગુમાવવાનું જ લખ્યું હતું. તે હાંફળી-ફાંફળી રસ્તે પર્સ શોધતી રહી પણ ન મળ્યું તે ન જ મળ્યુ...

....................................................

રતન આજે ખુબ જ ખુશ હતો. પોતે ખરીદેલી વસ્તુને તે સરસમજાનું ગિફ્ટ પાર્સલ કરીને લાવ્યો હતો. સામાન્ય રીતે તે જ્યાં પોતાની પ્રેમિકાને મળવા આવતો એ જગ્યાએ પોતે જ્યારે પહોંચતો ત્યારે ત્યાં તેનું પ્રિયપાત્ર તેની રાહ જોતું જોવા મળતું પણ આજે કંઈક અલગ પ્રકારનો દિવસ ઉગેલો. જન્મ દિવસે જ તે મોડી પડી અને લગભગ વીસેક મિનિટથી પોતે ત્યાં હતો અને હજી સુધી તેની રાહનો અંત આવ્યો ન હતો. તે મનમાં વિચારતો હતો કે આવું કોઈ દિવસ બન્યું નથી. કશુંક અજૂગતું બન્યું હોવાની આશંકાથી તેના મનમાં ધીમેધીમે ઉચાટ થવા લાગેલો. જો કે જ્યાં સુધી તે આવે નહીં ત્યાં સુધી અન્ય કોઈ છૂટકો પણ ન હતો. વળી, આજે તેના માટે લાવેલી ભેટ પણ આપવાની હતી. આ સરપ્રાઈઝ થકી તેને ખુશ કરવાની તાલાવેલીમાં એ દૂર-દૂર સુધી નજર કરતો, રાહ જોતો હતો કે હંમણા એ આવશે... હંમણા એ આવશે...

..........................................................

વિદ્યા હવે પોતાનું પર્સ શોધતી-શોધતી ગાર્ડનની નજીક આવી ગઈ અને તેણે હાર પણ માની લીધી હતી કે હવે તેને પોતાના પૈસા પાછા મળશે નહીં. ઉદાસ ચહેરે તે ગાર્ડનમાં અંદર પ્રવેશી. ઘણાં દિવસો બાદ તે આજે એને મળવા આવી હતી જેની સાથે સાત ફેરા લેવાનો કોલ તેણે આપેલો. આટલું જ નહીં પોતાનાં જન્મ દિવસે જ તેના ચહેરા પરનું નૂર પણ ગાયબ હતું. ધીમે પગલે તે એ બેન્ચ તરફ આગળ વધી જ્યા તેઓ કાયમ બેસતાં. બાકડે બેઠેલા રતનનાં ચહેરા ઉપર આજે અનેરી રોનક હતી. તેના હાથમાં ચળકતા કાગળમાં વિટાળેલું મોટું બોક્સ જોયા પછી જ વિદ્યાને ફરીથી યાદ આવ્યું કે આજે તો તેનો જન્મ દિવસ છે અને રતન નક્કી ક્યાકથી ઉછીના લાવીને પોતાના માટે ભેંટ લાવ્યો હશે તેવું વિચારી લીધું. જો કે પોતાને આ ગિફ્ટ જોવાનાં ઉત્સાહ કરતાં પર્સ ગુમાવ્યાનો વસવસો વધું હતો. કારણ કે તેણે બચાવેલા પૈસા આપીને તે રતનને મહિનાની આખરમાં થોડી મદદરૂપ થવા માગતી હતી. જે હવે પોતે કરી શકશે નહીં એવું વિચારીને વિદ્યા વધું બેચેની અનુભવતી હતી. તે બેન્ચ પાસે આવીને પરાણે થોડું હસી...

'કેમ આજે લેઈટ? તારા ચહેરા ઉપરનું સ્મિત પણ બનાવટી લાગે છે !' રતનનાં સવાલથી વિદ્યા પોતાનાં ચહેરા ઉપર કૃત્રિમ ભાવો લાવીને કહે છે 'અરે આજે ઘેરથી નીકળવામાં જ મોડું થઈ ગયું. સોરી. ' પોતાનું પર્સ ખોવાઈ ગયાનું રતનને કહીને ખોટું તેનું પણ ટેન્શન વધારવાના વિચાર સાથે વિદ્યા એ વાત જ ખાઈ ગઈ.

'હેપી બર્થ ડે, આલે તારા માટે પહેલીવાર હું ગિફ્ટ લાવ્યો, તને ખુબ જ ગમશે પણ હા, અહીં નહીં ઘેર જઈને જ ખોલજે. અત્યારે આપણે કંઈક વાતો કરીએ. કેટલા દિવસે મળ્યા છીએ...' રતન પોતે લાવેલું પેકેટ વિદ્યાને આપતાં થોડો ફુલાયો, વિદ્યાએ 'પણ આમાં શું છે?' કહીને ગિફ્ટ વિશે જાણવા ઉતાવળ દેખાડી. જો કે રતને તેને ઘેર જઈને જ સરપ્રાઈઝ ખોલવા કહ્યું. થોડીવાર આ રકઝક ચાલ્યા બાદ બન્ને પ્રેમાલાપમાં ડૂબી ગયા. આશરે એકાદ કલાકની મુલાકાત બાદ વિદ્યા ફટાફટ ઘેર પહોંચી અને રતન પણ પોતાના કામે જતો રહ્યો. ઘેર પહોંચીને વિદ્યા ફટાફટ પેકેટ ખોલીને જુએ છે અને રાજીનાં રેડ થઈ ગઈ. રતન તેના માટે અભ્યાસનાં પુસ્તકોનો આખો સેટ લઈ આવ્યો હતો. વિદ્યાને એ ઘડીએ જ પૈસા ખોવાયાનો અફસોસ જાણે ભૂલાઈ ગયો અને પુસ્તકોનાં પાના ફેરવવામાં પડી ગઈ. વિદ્યાનો દિવસ આ પુસ્તકોમાં ક્યારે પુરો થઈ ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. સાંજની રસોઈ કરવામાં પણ તે મોડી થઈ ગઈ. એટલે ચોપડા જલ્દીથી મુકીને તે કામે વળગી ગઈ. જો કે તેને એટલી રાહત પણ રહી કે આજે ફરી એકવાર તેનો ભાઈ મોડો પડ્યો. એટલે રસોઈમાં થયેલું મોડું સરભર થઈ ગયું. ભાઈને પોતાના જન્મ દિવસે કંઈક નવીન અને ગરમ રસોઈ પીરસવાનો હરખ પણ મનમાં હતો.

વિદ્યા રસોડામાં વ્યસ્ત હતી તે દરમિયાન જ તેનો ભાઈ આવીને ઓરડામાં ખુરશીએ ગોઠવાયો. તેનો ચહેરો થોડો મુરજાયેલો હતો. બહેને તેના આગમન સાથે બીજા કામ પડતા મુકીને પાણીનો ગ્લાસ ધર્યો અને ભાઈનાં થાકેલા ચહેરાને જોઈને આંખોનાં ઈશારાથી પુછી લીધું કે શું થયું?

ઉમંગે ધીમા સૂરમાં કહ્યું 'કંઈ ખાસ નથી. આજે તારા જન્મદિવસે તને ભેટ આપવી હતી. તેના માટેની જોગવાઈ પણ આજના દિવસમાં જ બે વાર મારી પાસે થઈ ગયેલી. પણ...'

'પણ શું?' વિદ્યાને પોતાની ભેટ કરતાં ભાઈનાં પૈસા પણ ક્યાક ગૂમ થયા નથી ને? એવી ચિંતાની ફાળ પડી.

'અરે ચિંતાની વાત નથી. મારી પાસે 1600 જેટલા રૂપિયાની બચત હતી. આજે એમાંથી તારા માટે પુસ્તક લાવવા હતાં પણ હું એ લાવું તે પહેલા જ રતન આવી ગયો. તેની દયામણી માગણી સામે મારાથી રહેવાયું નહીં અને મે એ રૂપિયા તેને આપી દીધા.' ઉમંગ વધુ આગળ વાત કરવાં જતો હતો અને વિદ્યાએ વચ્ચે કહ્યું 'કંઈ જ વાંધો નહીં ભાઈ.' વિદ્યા મનમાં સમજી ગઈ કે તેના ભાઈએ આપેલા રૂપિયાથી રતન તેના માટે પુસ્તકો લાવ્યો હશે.

ઉમંગે આગળ વાત કરતાં કહ્યુ, 'આ તો ઠીક, ખરી તો બપોર પછી થઈ. હું એક કામથી બહાર નીકળેલો અને હેંગિંગ ગાર્ડન પાસેથી મને એક પૈસા ભરેલું પાકિટ મળ્યું. કોઈ લેડિઝનું હોવું જોઈએ. પણ તેમાં કોઈ નામપતો મળ્યો નહીં. એટલે આખરે મેં મનમાં વિચાર્યુ કે આ પૈસાથી અત્યારે તારા પુસ્તકો લઈ લેવા. પણ... કદાચ તને ભેટ આપવાનું જ આજે મારા નસીબમાં નહોતું. મારું કામ આટોપીને હું શાંતિમાનાં ઘર બાજુંથી નીકળ્યો. પણ તેમનાં ઓરડાને આંકડીયો મારેલો. એટલે પછી હું ત્યાંથી રવાના થયો પણ રસ્તામાં એક કરિયાણાની દુકાને હું એમને જોઈ ગયો. તેમને ઘર સુધી પહોંચાડવા હું ત્યાં ઉભો રહ્યો ત્યારે મને દુકાનદાર સાથે એમની વાત સંભળાઈ ગઈ. બીચારા ઉધારીમાં કરિયાણું લેવા આજીજી કરતાં હતાં. રતન કદાચ એટલે જ સવારે પૈસા લઈ ગયો હશે પણ ઘેર નહીં ગયો હોય રૂપિયા આપવા. એટલે મે પછી એ મળેલા 1400 રૂપિયાથી એમને કરિયાણું લઈ આપ્યું '

વિદ્યાને શંકા પડી કે ભાઈને તેનું જ પર્સ મળ્યું હોવું જોઈએ. એટલે તરત જ પુછ્યું 'બહું સારું કર્યુ ભાઈ. પણ... પેલું પર્સ ક્યા?' વિદ્યા પોતાનું જ પર્સ પાછું ઘરે આવ્યું કે નહીં તેની ખાતરી કરવી હતી.

'અરે એ પર્સ તો હું પછી રતનનાં ઘેર જ ભૂલી ગયો. કરિયાણું લઈ આપ્યા પછી ત્યાં ચા પીવા ગયો હતો. ત્યારે કદાચ ત્યાં રહી ગયું. જો કે મને અફસોસ એ વાતનો છે કે તારા પુસ્તક ન લાવી શક્યો.'

'અરે ભઈલા... તારી ગિફ્ટ કદાચ મને આજે મળવાની જ હતી. મારી એક બહેનપણીએ આજે મને પુસ્તકો જ આપ્યા !' વિદ્યા પોતાનો રતન સાથેનો સંબંધ છુપાવતાં મનોમન ખુશ થતી હતી.

બીજીબાજુ રતન પોતાના ઘેર ગયો ત્યારે તેના બા જમવામાં તેની વાટ જોતા હતાં. રતનને પલંગ ઉપર પડેલા પર્સને જોઈને લાગ્યું કે આ પર્સ તો વિદ્યાનું હોય એવું જ છે. કદાચ તે ઘેર આવી હશે બાને મળવા માટે તેવું મનોમન વિચારતા થાળી ઉપર જમવા બેઠો ત્યારે તેને યાદ આવ્યું કે બાએ કરિયાણું લાવવા રૂપિયા માગેલા. પોતે જમતા-જમતા વધુ રૂપિયાની વ્યવસ્થા વિશે વિચારતો હતો. ત્યારે જ બાએ તેને સામેથી જણાવ્યું કે ઉમંગે આવીને ઘરનું કરિયાણું ખરીદી આપ્યું. રતન પોતાના મિત્રનાં અહેસાન તળે વધું થોડો દબાયો હોવાનું અનુભવવા લાગ્યો.

..............................................