Mari Kuhu in Gujarati Short Stories by Sameera Patrawala books and stories PDF | મારી કુહુ

Featured Books
Categories
Share

મારી કુહુ

મારી કુહુ

‘એ છોકરાંવ મારી કુહુ કયાં છે? દેખાતી નથી વેલ્લા પોરની નીકળી ‘તી.’ સવારે મંદિરેથી પાછા ફરતા ખોડંગાતા પગે ભારે શરીરનું વજન જીલી હળુ હળુ ચાલે આવતા બાએ ફળિયામાં રમતા છોકરાઓને પુછ્યુ.

ચિન્યો બોલ્યો, ‘ના બા મેં તો નથ જોઈ’

ટીન્યો બોલ્યો, ‘ઘરમાં જ કુદતી હશે બા તમને દેખાણી નય હોય.’

‘ના રે ના બા….ઈ તો હશે કોઈ ડાળે તમારી કાળોતરી ટહુકા કરતી હશે….’ કીકાને તો મજા પડી.

‘ના રે બા, કોઈ વાંદરાની હારે કુદકા મારતી હશે.’ ચિન્યો બોલ્યો.

‘મુંવાવ મારો ઠઠ્ઠો ઉડાડો છો…’બાને બધાની વાતથી ગુસ્સો આવી ગયો. ‘અને તું તો રે’વા જ દે કીકલા. છોકરાંવ તમે ક્યો જોઈ ક્યાં છે મારી કુહુ?’ બાએ કુંભા તરફ વળતાં કહ્યું.

‘આમ ક્યાં આમ વીંયાયેલી કૂતરી જેવા મોઢા કરીને ઉભો છો? આ રોયાંવે પાછું કાંય કર્યુ નથી ને મારી કુહુને?’

મનની બળતરા છેવટે જીભે ચડી જ ગઈ…. ‘અમે ક્યાં કાંય કરવાના તારી કુહુને બા…. તારી કુહુ જ આફતનું પડિકું છે. અમને કોઈ દી’ ચેન લેવા જ ક્યાં દે છે? અમારી હારે બહુ બાધે છે…. અને તું એનું ઉપરાણું લઈને આવી જાય છે. હશે ક્યાંક… આવી જાશે કાળોતરી પાછી.’ જીગો કીકા સામે જોઈ કંઈ કહેવા જતો હતો પણ કીકાએ મોટી આંખો કરી એને બોલતા વાર્યો.

‘એય મુઆ, મારી કુહુનું તો કાંય કે’તો નઈ. આફતનું પડિકું નઈ તમારા જેવા નાલાયકોને ક્યાંય પોગી રે મારી કુહુ…મુઆ ભણતો નથી તો કાંય કામ કરી લેતો હોય …..તારી કરતાં નાની છે…બેન છે તારી…. મારી કુહુ હારે રઈનેય કાંય નો શીખ્યો તું તો… ધોળિયા હારે કાળિયો રે તો વાન નો આવે પણ સાન તો આવે કે નઈ!. …પણ તારે તો મુઆ ક્યાં કાંઈ શીખવું જ છે? હરાયા ઢોર ની જેમ રઝળપાટ કરવી છે બસ…અને તારી માંયે ક્યાં શીખવા દે …કુવામાં હોય તો અવેડામાં આવેને?’

આટલું સાંભળતા તો બારીમાંથી ડોકિયું કરી ને બા ના બરાડા સાંભળી રેવતી ફળિયામાં દોડી આવી. બાની વાતથી તાવમાં આવતા જ બોલી… ‘હા બાપા અમે તો કે’દી હારા લાગ્યા તમને બા ?!!!…તમારી કુહુ શિવાય કોઈ હારું કે? મારા આટ આટલા દૂધ જેવા દીકરાઓ તમારે મન ધૂળધાણી અને બસ ઈ તમારી કાળોતરી કુહુ આગળ બધાંય હેઠા. કાળોતરી સાલી….જન્મી ને મા- બાપ ને જ ગળચી ગઈ અને હવે મારા છોકરાંવનેય આડું લાકડું બની છે છપ્પરપગી..’ રેવતીનાં હાથ હવામાં ઉછળતાં હતા અને શબ્દો બાને વધુ ને વધુ ગરમ કરી રહ્યા હતા.

બા અને રેવતીને છત્રીસનો આંકડો તો પહેલેથી જ હતો. રેવતી પણ પહેલેથી જ જીભની જરા છૂટી એટલે બાને ન ગમતી , બાએ એને થોડા વખતમાં જ સામે ફળિયે ઘર આપીને ‘ઘો ઉતારી’ હતી. અને એની આદતોથી તો એનો વર કિશન પણ હેરાન હતો પણ એ કાઇં બોલી ન શક્તો. આ બાજુ બાની આગળ પણ કોઈનું કાંઈ જ ન ચાલતું. બા આ ઉંમરે પણ જરા પગની તકલીફને બાદ કરતાં કડેધડે હતાં.


હા રે…ખબરદાર જો મારી કુહુને કાંય કીધું છે. મુઈ ડૂબી મર ઢાંકણીમાં પાણી લઈને …કુહુનાં બાપે તમારા હાટુ શું નથી કર્યું ..આ ખેતી વાડીયું …ઘરનાં ઘર અને આજે આ મહારાણી થઈને ફરો છો તો એના બાપની મહેનતે છો. એના બાપે જ આપણી ભાયાતુંની જમીન કોરટમાંથી છોડાવી તંયે આજ આ સુખનો રોટલો ખાવ છો. ઈ તો તમારી કાળી નજરું અને મારા નસીબ બે ડગલા પાછળ કે મારો કાનકુંવર જેવો છોકરો અક્સ્માતે મર્યો અને એની પદમણી બાય પણ આને જનમ આપતા જ દેવધામ પોંચી ગઈ …..પણ જોજે મારી કુહુ પર કાળી નજર કરી છે તો…એનો બાપ ઘણું મુકતો ગ્યો છે એના હાટુ. મનેય મારું પેટ ભારે નથી… ગોળ તો અંધારેય મીઠો ને અજવાળેય ….પણ તને હું ખબર પડે. …તું એક્લી પડી રે તારા જટિયાની જાળિયુંમાં …હજી આ ડોશીનાં હાજા ગગડ્યા નથી કે મારી કુહુ આડે આવે છે. એના આવતાં તો એના કાકાંવનાંયે ભાગ ઉઘડી ગ્યા, કેવા ઉંચા આવ્યા. પણ તને ઈ બધી નો ખબર પડે.. આવડે નઈ ઘેંશ ને રાંધવા બેઠે ભેંસ…જા તારા કીકલાને હંભાળ ..કડવો લીમડો એવા કડવા બીજ, લાખ કર્યે મીઠો તો નો જ થાય.’

રેવતી કાંઈ બોલે એ પહેલા જ બાએ ફળિયામાંથી સામેનાં દરવાજા ભણી ચાલતી પકડી. રેવતી સમસમી ગઈ હતી અને કીકાને બાવડે થી જાલતી અંદર લઈ ગઈ. બાજુમાં કુંભોયે ઉભો હતો બા એને ભેગા ઘરે લઈ ગયા. ‘હાલ તો કુંભા , કે જોઈ મારી કુહુ ક્યાં છે?’

‘કુહુ તો તમે મંદિરે ગ્યા ઈ ભેગી જ ઉઠીને ક્યાંક જાતી રહી….’

‘તે એણે કોઈથી કાંય વાત નો’તી કરી?’

‘ના બા…કુહુ તો આજે બવ ગરમ લાગતી’તી’

‘કયાં ગઈ હશે? ઘર આખામાં ક્યાંય નથી.’

‘આ સૂરજ માથે ચડતો જાય છે ક્યાં ગઈ હશે? આમ તો પાંચને ભારે પડે એવી છે પણ કળજુગ છે બાપા! મારા નાનુની અમાનત છે. હાલ્ય કુંભા, એને ગોતી આવીએ..એક કરતાં બે ભલા..’

કુંભો કહિયાગરો કંથ બની બાની સાથે થયો. બાનો ખોડંગાતો પગ બહુ ઝડપ ન પકડી શક્યો. અને કુંભાની અક્કડ ચાલ થોડી વારે જ ઢીલી પડી.

‘હે પણ શું કામ ગરમ હતી ઈ નો ખબર પડી કુંભલા?’ બા એ ભારે પગે ખોડંગાતા ચાલવાનું ચાલુ જ રાખ્યું.

‘ના મને નથી ખબર પણ જીગો રમતો’તો આજે બધા ભેગો એને પૂછું?’

‘જા ને… જીગાને પૂછ તો ખરા કે કયાં ગઈ છે? તે’દિ આમ દેખાણી નો’તી ને ઓલી કશલીની ડેલીએથી હાંહલું પક્ડ્યાવી’તી. મારી બેટી એમ તો ભડની દીકરી છે પાછી! કોઈથી બીવે એવી નથી પણ મારો તો જીવ તાળવે ચોંટી ગ્યો છે…..ક્યાંક આઘે નો નીકળી જાય ગમે એમ તોયે હજી તો કાચી માટીની છે.’

બાની વાતો ચાલતી હતી ત્યાં જીગો સામે જ આવ્યો. ‘બા કુહુ ક્યાં છે?’

‘એલા ઈ તો તને પૂછવું’તું કે ક્યાં છે.?’ કુંભો , જીગો, ટેણી અને ગીતલી કુહુનાં ખાસ હતાં.

‘એલા કાલે રમવા નો’તી આવી તમારી ભેગું?’

‘ના બા હું તો બે દિથી મામાને ઘરે હતો. આજે રમવા આવ્યો’તો ને કુહુને જોઈ નય તો થ્યું કુહુનું પૂછી લઉં.’

‘હાલ તો જોઈ ટેણીને ખબર હોય તો, રવિવાર છે તો બેનપણીયું ના અલગ પોગરામ હોય.’

પછી તો બાનાં ખોડગાતાં વરઘોડામાં જીગોયે ભળ્યો.

ટેણીનાં ઘરે ગયાં તો ટેણી દોડતી એની માને બોલાવી લાવી. બાએ ટેણીને લાંબા સાદે પૂછ્યું ‘ એલી કુહુ આવી છે કે?’

‘ના બા.’

‘તને ખબર છે ક્યાં છે? કાંય કે’તી તી?’

‘ ના બા, પણ બે દિથી કાંય રમવામાં મન નો’તું અમારી ભેગી આવતી અને પછી વેલ્લા જાતી રે’તી. ગીતલીનેય કાંય કીધું નથી.’

આટલામાં તો બાજુથી ગીતલીયે એની બહેન સાથે ડોકાણી. બધાંયે ભેગા મળીને બાને પોતે જે જાણતાં હતાં એ બતાવ્યું.હવે સરઘસમાં ગીતલી અને ટેણીય જોડાયાં. બધા વહીવટી અધિકારીઓની જેમ કામે લાગ્યા હતાં.

‘એલા મંદિરનાં વડલે જોઈએ.’ કુંભો બોલ્યો.

‘કશલીની ડેલીએ જોઈએ..’ ટેણી બોલી.

‘હાલો બધાં કાકાને ખેતરે, ક્યાંય નહીં હોય તો ન્યાં તો હશે જ.. ખેતરે એનો અડ્ડો છે…’

એમ કરતાં કરતાં આ બધી જગ્યાઓ તપાસતાં સરઘસ ખેતરે ગયું. બંન્ને કાકાઓ પણ હવે મુંજાણાં. ખેતરે એક ઝાડ નીચે ખાડો કરીને બધાંય રમતાં. કુહુ એકવાર એવી રિંસાયેલી કે બધાને કહ્યા વગર આ ખાડામાં સંતાઈ ગયેલી. બધાની આખા દિવસની મહેનતે ત્યાં જ મળેલી. સવારનું ફુગ્ગા જેવું મોં હજુ પણ એમનું એમ જ રહ્યું હતું. ત્યારપછી તો આ ખાડો એનો અડ્ડો બની ગયેલો. પણ આજે એ ત્યાં પણ નહોતી.

‘ હાલો આપણે નદીએ થઈ આવીએ.’ બંન્ને કાકા પણ ભળ્યા હવે. બધા પોતપોતાની રીતે નદી આગળ પહોંચ્યા. ભરબપોરે નદી જગારા મારી રહી હતી અને આસપાસનાં ઝાડનો છાંયો પણ તપતો લાગતો હતો. નદીની પાસે એક મોટું વડનું ઝાડ હતું અને ફરતે ઓટલા જેવું બન્યું હતું ત્યાંથી ઉપર ચડી છોકરાંવ ધુબાકા મારી નદીમાં મજા માણતાં હતા. અત્યારે એકલદોકલ છોકરાંવ રમી રહ્યાં હતા પણ એ લોકોએ પણ કુહુને અહીં જોઈ નહોતી.

‘હવે?!!’ બધાંય અજાણતાં જ ઓટલે લાઈનસર ઉભા થઈ ગયાં હતાં. ત્યાં જ નદીની પેલે પારથી ભીખાને બોરનો ટોપલો લઈને આવતાં જોતો.

ભીખોય આખી વાત જાણવાં ઉભો રહી જ ગયો. કુહુ ભીખાની કાયમની ઘરાક હતી. એમાંય ક્યારેક વડલે ચડી હોય તો ઉપરથી ટોપલામાંથી એકાદ મુઠ્ઠી સરકાવીને પોતાની ટિખળટોળીમાં વ્હેંચી પણ દેતી. ભીખાને તો કોઈ કહેતું ત્યારે જ ખબર પડતી. પછી એયને ભીખો પાછળ ભાગતો અને આગળ કુહુ . પણ આજે તો એય ચિંતામાં પડ્યો.

બપોર આખી શોધખોળ કરીને છોકરાંવ પણ ખાવા ઘરે ગયાં. મોટા બધાં પોતપોતાની બુધ્ધિ લગાડવા લાગ્યા. કોઈ વળી પોલીસ ફરિયાદ પણ કરી આવ્યું. બાને કોઈ રીતે ચેન પડતું ન્હોતું. અત્યાર સુધી જોર બતાવતાં બા હવે આંસું સારતાં હતાં. અત્યાર સુધી તમાશો જોતાં બહાર ઉભેલા રેવતી અને કીકો પણ હવે ઘરમાં જઈ જમી પરવારી ઘોરાતા હતાં.

સાંજ પડવા આવી હતી, એવામાં ટીન્યો એની મા સાથે હાજર થયો. બંન્ને ચિંતામાં હતાં. ‘એલા તને કાંઈ ખબર નથી?’ એની મા બોલી.

ટીન્યાએ હવે મૌન તોડ્યું. ‘અમે બધા કાલે ભેગા લગ્ગા રમતાં’તા. ત્યારેવાત વાતમાં ઈ લોકોને કાંય વાંધો પડયો’ તો.’

‘કોને વાંધો પડ્યો’તો?’ બા ઉભા થઈ ગયાં.

‘બા કાલે એણે કીકા અને ભોપા હારે લગ્ગામાં૨૦ રુપિયાની શરત લગાડી’તી.’

અમે બધાય હતાં પણ કીકલાએ કે’વાની ના પાડી’તી. બાને હવે થોડો જીવ આવ્યો.

‘હા રે…માડી, પછી?!’ બાનાં ભવાં ઉપર ચડ્યાં, મોઢું અચરજ સાથે વધુ ખુલ્યું અને જમણો હાથ ફટાક્થી ખાડાવાળી દાઢી પર ચોંટયો , ડાબો હાથ કમર પર રાખી બાએ શરીર ટેકવ્યું.બધા ટિન્યાને સાંભળવા લાગ્યા.

‘ઈ તો જીતી ગઈ’તી પણ કીકલો હાર્યો તો રોજની જેમ બાધ્યો એની હારે.’

‘આને પગમાં ભમેડો છે. મુંઆ બાધે પણ ભેગા જ રમે. હમજે નઈ …ને આપણને કે’તી જાય ગમે એમ મારો કાકાનો જાયો ભાય છે. મુંઆ ભાયુ પણ હું કામનાં નખ્ખોદિયા ..હો હો ક્યારે હમજે આ છોડી?’

‘બા ઈ કેતી’તી કે તમારે માટે બોલતો પોપટ લાવવો છે એને, જનમદિવસની ભેટમાં. કેટલાય દિવસથી ઈ આમ ગલ્લામાંપૈસા ભેગા કરતી’તી.’

‘હાય રે માડી…..આ છોડી…’ બાએ ટપ્પાક કરતાં કપાળે હાથ માર્યો.

‘ હાચું….આ છોડી કાંય નો હમજે. મને કાલે કે’તી તી કે બા આવતી કાલે તારો જનમ દિવસ છે તો કેક લાવજે અને ગરમાગરમ લાપશી રાંઘજે. નિશાળે જાય છે તો નિતનવું શીખીને આવે છે.’

‘હાલ જોઈ ! હવે એને સીધી કરું …મારા લાડે માથે ચડી છે.’

બા વાતો કરતાં કરતાં કમરે હાથ દઈ ઉભા હતા ફરી સાડલા નો પાલવ ખેંચતા ચાલતી પક્ડી. કુંભાની સાથે જીગોય ફોજદારી અદામાં ચાલ્યો…

સાંજ પડી ગઈ હતી. બા તો કનુ પંખીવાળાને ત્યાંય જઈ આવ્યા. ક્નુએ કહી દીધું કે કુહુ તો કાલ સાંજનાં જ બોલતો પોપટ લઈ ગઈ હતી આજે પૈસા આપવાની હતી. સૌ આખા ગામે ફરી વળ્યા. પણ કુહનો ક્યાંય પતો ન લાગે. બા હવે ખરા ખિજાયા હતા. ‘લખણખોટી! આવે એટલે એના ટાંટિયા ખોખરાં કરુ.’

હવે બા એ રેવતીનાં ઘરનાં દરવાજા ધણધણાવવા લાગ્યા. આજે તો કિશન પણ જોરમાં આવી ગયો હતો. બા સાથે ઘરમાં ઘુસતાં જ એક ચમાટ મારીને પૂછ્યું , ‘કીકલા ..બોલ જોઈ ક્યાં છે કુહુ?’

હવે કીકો પણ ગભરાયો. રડતાં રડતાં માની આડશમાં ભરાયો. રેવતીએ ભવાં ચડાવ્યાં એટલે કિશન ઢીલો પડી બાની પડખે ઉભો. બાએ કિશનને છણકો કર્યો’ ડૂબી મર, બાયડી આગળ બકરું બની જાય છે….હાલ એય મુંવા બોલ જોઈ ક્યાં છે કુહુ?’

કીકાને માર ખાતો જોઈ હવે ચિન્યો ડરીને બોલ્યો. ‘આ કીકલાને કાલે કુહુએ બહુ માર્યો‘તો એણે એની સાથે ગશ કરીને શરતનાં પૈસા ન્હોતા દીધા એટલે. પછી કીકલો કહેતો’તો કે આજે કુહુનો મામલો જ ખતમ કરી નાંખું….’

અને આજે એને કુવા પાસે બાકીનાં પૈસા સંતાડ્યા છે એવું કહીને ત્યાં બોલાવી હતી. ‘વેલ્લી સવારે સાયકલ ઉપર જાતાં જાતાં ઈ કેતો’તો કે ઈ કુહુને કુવામાં ધક્કો મારી દેશે…’

હવે કીકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. અને બધાંય ભેગા મળીને એને મારવા લીધો. હવે રેવતી પણ એનાં પર ખીજાયેલી હતી. ‘રખેને મુંવા…ઈ કાળીને મારીને હાથ કાળા કર્યા..ધબાક…ધબાક…’

કીકાને મારતાં મારતાં ગાળો ભાડતાં બધાં કુવા આગળ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો કુહુની કાચની ફૂટેલી બંગડી અને ફાટેલાં ફરાકનાં થોડાં લીરા પડ્યાં હતાં. એની નાની પૈસાની થેલી પણ એમ જ હતી.

હવે કુવામાં શોધખોળ કરવાં માણસની શોધ થઈ. એકાદ અંદર પડ્યો પણ કંઈ કળી પણ ન શક્યો. ગાઢ અંધારાના પ્રભાવમાં કંઈ કરવું મુશ્કેલ હતું. બધાં સવારે અજવાળામાં મિંદડી નાંખશું એમ બોલીને ઘરે વળ્યા. બાને તો જાણે જીવ જ ન્હોતો. એક સન્નાટો છવાઈ ગયો. અંધારામાં ફળિયામાં પીળી બત્તીઓ ટમટમવા લાગી. અને બાની પાસે બંન્ને કાકાઓ બેઠીને કુહને ગોતવામાં પોતાની નિષ્ફળતાનાં રોણાં રોતાં બેઠા હતા. રેવતી પસ્તાતી હતી. સાથે કીકલો પણ માફી માંગતો હતો. ‘મેં તો એને ધક્કો ન્હોતો માર્યો…મારે એને હાચેને મારવી ન્હોતી…ઈ તો બથોડા લેતી’તી એમાં એનો પગ લપસ્યો. મને એની રાડ જ હંભળાઈ, એટલે બીકનાં માર્યો ભાગી ગ્યો. મને એમ કે ઈ’તો આવી જાશે.’

ફરી એકવાર સોપો પડી ગયો અને આપસમાં ગુસપુસ ચાલતી જ હતી કે અચાનક્થી આઘેથી ઓળખીતા અવાજો આવવા લાગ્યા. કુંભો હાંફતો હાંફતો દોડીને આવી બોલ્યો… ‘બા … કુહુ આવી ગઈ’….બાની નજર ફરવા લાગી…બધાંયની નજરો ઝાંપા ઉપર ચોંટી. વેર-વિખેર ભૂખરા વાળ, નાનક્ડી કાંઠી ..કાળોવાન..કાનમાં કડી અને ચણા જેવા નાક પર પાતળા તારની ચાંદીની નથડી , હાથમાં પ્લાસ્ટિક્નાંપાટલા, કાચની થોડી રંગબેરંગી બંગડી અને ચહેરા પર તીખી પણ વ્હાલી લાગે એવી ખુમારી , ફાટેલું ફરાક, ફરાક્ની જીણી ફુલવાળી ડિઝાઈનમાં પડેલા ગારાનાં અને માટીનાં ધબ્બા, પગમાં ગારા વાળા જોડા … અને હાથમાં કાળજીથી વિંટાળીને રાખેલો કોથળો…એમાંય કાંક હલે..બા ને શક થયો..

‘હાય મારી છોડી ..’ કરતાં બા એને વળગી પડ્યા અને હાથપગ હલાવીને એના જીવતાં હોવાની ખાતરી કરવા લાગ્યા.

‘રે નવરી… ક્યાં ગુડાઈ’તી ??!!!મારો જીવ લઈ લઈશ તું તો…’

‘આ પાછું શું લઈ આવી.’ કરતાંક બા એવા ધસ્યા કે કુહુ ડરી જ ગઈ…

રેવતી મોકો જોતા જ બોલી… ‘લ્યો જોવો આ તમારી કાળી કેવા હાલે પાછી આવી…’

નાનાએ ડોળા કાઢતાં જ રેવતી મૂંગી થઈ.

‘બા હું તો જંગલ ગઈ’તી ….જો તારી હાટું શું લાવી જનમદિવસે’ …કુહુનાં ડાબલી જેવાં મોંમાંથી વાચા ફૂટી. અને આવું કહેતા જ કુહુએ કોથળો ખોલીને એક નાનકડી ઢેલ કાઢી. ‘બા હવે આવુ નઈ કરું…’ કુહુએ કાન પકડતા જ ઢેલ બાને હાથમાં આપી. ઘડીભરમાં તો બાની સાથે બધાંયનો ગુસ્સો ઓગળ્યો અને બા હર્ષાશ્રુ સાથે મેલી-ઘેલી કુહને વળગી પડ્યા..

કીકો તો જોઈ જ રહ્યો,બા ધુંવાપુંવા કીકા સામે જોઈને કંઈ બોલવા જાય એ પહેલા જ કુહુ બોલી પડી. ‘ના બા જાવા દે ..ભાય છે મારો….જો કીકા તારા હાટુયે કાંય લાવી.’ એમ કરીને કુહુ એ ફરાકનાં ખિસ્સામાંથી નાનક્ડી થેલી કાઢી એમાંથી એક નાનુ સાપનું બચ્ચું કાઢ્યું અને કીકો તો જે ભાગતો જાય અને કુહુ એની પાછળ બોલતી જાય… ‘કીકલા….છોડીશ નય તને લખણખોટા……મારી બાનો પોપટ ભગાડી દીધો…સાલા મને ધક્કો માર્યો…..’ બા હાથમાં ઢેલ જાલી હસતાં રહ્યા અને રેવતી ખસિયાણી પડી…બા એની સામે એક મર્મનજર નાંખી બોલી ઉઠયા…’ ‘મારી કુહુ તો મારી કુહુ જ છે…’

- સમીરા પત્રાવાલા