અંતિમ પ્રકરણ ૨૯
‘...અને’
ઑફ ધી રેકર્ડ
‘...અને આજનો યશસ્વી વર્તમાન આવતીકાલનો યાદગાર ભૂતકાળ બની જાય છે. ‘...અને’ ઑફ ધી રેકર્ડ પુસ્તક એ આજ સુધીનાં વિબોધ અને તેની આસપાસની વ્યક્તિનાં ભૂતકાળની યશસ્વી યાદોની વાર્તા છે.
‘...અને’ ઑફ ધી રેકર્ડ પુસ્તક એટલે દરેક સત્યના સારથીની અને ન્યાયના તરફીની કથા. એ માત્ર વિબોધ જોષીની નહીં પરંતુ સમગ્ર માનવજાતનાં દિલમાં રહેલી લાગણી અને દિમાગમાં રહેલી લાલચની ઘર્ષણકથા છે.
મારા-તમારા-આપણા જીવનમાં ઘણુંબધું એવું હોય છે જે ઑફ ધી રેકર્ડ હોય છે. જે સમાજમાં ક્યારેય જાહેર થયેલું, માધ્યમોમાં પ્રકાશિત પામેલું, સંબંધો કે શબ્દોમાં અભિવ્યક્ત કરાયેલું કે રજૂ કરવામાં આવ્યું નથી હોતું. ટૂંકમાં દરેકની એક ઓફ ધી રેકર્ડ નાની-મોટી સ્ટોરી હોય છે. ઑફ ધી રેકર્ડ માણસ એ સ્ટોરી જીવતો હોય છે. આજે આ દુનિયામાં ઘણા માણસો, ઈશ્વરો અને સંબંધો સાથે કહાનીઓ ઑફ ધી રેકર્ડ જીવંત છે. મે લખેલું પુસ્તક એવી જ એક ઑફ ધી રેકર્ડ જીવંત ચાલતી માણસ, સંબંધ અને કહાનીની ઓન રેકર્ડ અભિવ્યક્તિ છે. જેમાં મે પુરાવા કે સાબિતી કરતાં સામાજિક સંદેશ પર ભાર મૂક્યો છે.’
સત્યાએ પોતાના એક હાથમાં ‘...અને’ ઑફ ધી રેકર્ડ પુસ્તક ઊંચું કરી બતાવતા કહ્યું, ‘આ પુસ્તક લખવાની શરૂઆત વિબોધના મળવાથી થઈ અને પુસ્તક પ્રકાશિત કરી આપ સમક્ષ રજૂ કરવાનો વિચાર વિબોધનાં છૂટવાથી આવ્યો. વિબોધની વાત કરું તો..
એ પત્રકારત્વની વિશાળ લાઈનનો માણસ અને હું સાહિત્યની નાની અમથી કેડીની સ્ત્રી. હંમેશા વ્યવસાયનાં સામાજિક તફાવત અને વિચારોનાં કુદરતી અનુરાગનાં કારણે અમારા બંને વચ્ચે ઝગડો થતો. અને નાના-મોટા ઝગડાઓ થતાં હોવા છતાં અમે ક્યારેય એકબીજાથી જુદા પડી શક્યા ન હતા. કેમ કે, એકમેકને મળ્યા પહેલાના મત અને મન એક જ હતા. ક્યારેક દ્રષ્ટિકોણ બદલાયો ખરો પણ તેની પાછળ શું જવાબદાર હતું એ આ પુસ્તકમાં મે લખ્યું છે.
એ હિંદુત્વ કે સાંપ્રદાયિક ધારાનો માણસ ન હતો. અંદરથી અલગ અને બહારથી અલગ. તેના સ્ટાન્ડર્ડ બદલાતા પણ સ્ટેન્ડ ઓલવેયસ ક્લિયર રહેતું. અને આથી જ એ સત્યની હંમેશા તરફદારી કરી શકતો. ક્યારેક કોઈક વિચાર, વ્યક્તિ કે વસ્તુને વખાણવી તો ક્યારેક એ જ વખાણેલા વિચાર, વ્યક્તિ કે વસ્તુને વખોડી કાઢવા. વિબોધ ખુદની પણ ટીકા કરી શકતો અને બીજાની ભૂલોને નાસમજી ગણી માફ કરી શકતો. મને ક્યારેક લાગે છે કે, એ પત્રકારત્વ નહીં પણ પોલિટિક્સમાં વધુ ચાલતો, નામ કમાતો અને વધુ સારા કાર્યો અને સમાજસેવા કરી શકતો.
આજે પત્રકારત્વ જગતનું સ્તર બગડયું છે. એ અફસોસ અને નિરાશા સાથે મારે કહેવું પડે છે. પત્રકારત્વ અને હવે તો સાથોસાથ સાહિત્ય પણ.. ગ્લેમર, સ્ટેટસ, ફેઈમ અને મોનેટરી ગેઈન્સથી જોડાયેલી દુનિયા. વિબોધના શબ્દોમાં કહું તો અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ જવાય.
ધર્મ અને વિજ્ઞાનની જોડેજોડે પત્રકારત્વ થકી આ દેશ-દુનિયા ચાલે છે. ક્ષણે ક્ષણે નવમ નવમનું જગત છે જર્નાલિઝમ. આ બધા વિશે આ પુસ્તકમાં ઘણું લખી નાખ્યું છે.
ખૈર, વિબોધ માટે લખવું મારુ સ્વપ્ન હતું. વિબોધ વિશે ઘણી માન્યતા લોકોના મગજમાં ઘર કરી ગઈ છે. એ સમયે આ પુસ્તક વિબોધના ઑફ ધી રેકર્ડ અસ્તિત્વ અને વ્યક્તિત્વને ઉજાગર કરવામાં સફળ થશે એવો મે વિશ્વાસ સેવ્યો છે. કોઈ પૂછે વિબોધ એટલે?
સત્ય જેટલો સખત.
ન્યાય જેટલો અચળ.
આત્મા જેટલો અણનમ.
પંચમહાભૂત જેટલો આવશ્યક.’
સત્યાના વિચાર પર તાળીઓ પડી. ત્રીજી કતારમાં કોર્નર સીટ પર બેઠેલો એક વ્યક્તિ ઊભો થઈ બોલ્યો, ‘યે.. બાત..’
સત્યાને તે અવાજ જાણીતો લાગ્યો. તેણે દાદને નજરઅંદાજ કરી આગળ કહ્યું,
‘કોઈ પૂછે વિબોધ કેવો હતો?
તો હું કહીશ..
વિબોધ આવો હતો,
વિબોધ તેવો હતો.
વિબોધ તો કેવો હતો!
સાવ ટૂંકુને ટચ કહું?
વિબોધ મૃગજળ જેવો હતો, છે અને રહેશે.’
‘દોબારા.. દોબારા..’ સત્યા પરિચિત અવાજની દિશા તરફ નજર કરે ત્યાં સુધીમાં ફરીથી ત્રીજી કતારમાં કોર્નર સીટ પર બેઠેલો વ્યક્તિ ઊભો થઈ દોબારા દોબારા બોલીને બેસી ગયો હતો.
‘વિબોધ આ દુનિયામાં નથી એ માનવા હજુ પણ મારુ મનોમસ્તિષ્ક તૈયાર નથી. આજથી વર્ષો પહેલા જ્યારે હું અને વિબોધ ફેસબુકમાં દોસ્ત બન્યા હતા, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતા ત્યારે જિંદગીમાં પહેલી અને છેલ્લી વખત એકવાર ડેઈટ પર ભૂતનાથ નામની જગ્યા પર ગયા હતા. એ સમયે વિબોધે દિલખોલીને બહુ બધી વાતો કરી હતી. પોતાના વિશે, પત્રકારત્વની, સાહિત્યની, રાજકારણની વગેરે.. વગેરે.. મે એમાની કેટલીક વાતો ડાયરીમાં ટપકાવી લીધેલી અને પછી વિબોધ માટે કવિતા લખેલી. જે કવિતા હું વિબોધને આજ દિન સુધી સંભળાવી ન શકી.’ સત્યાએ કમનસીબી સાથે અફસોસ વ્યક્ત કર્યો. પોડિયમ પર ‘...અને’ ઑફ ધી રેકર્ડ પુસ્તક ટેકાવી સત્યા ગમગીન સ્વરે બોલી, ‘આજ વિબોધ નથી પણ વિબોધની યાદમાં, વિબોધ માટે, વિબોધ વતી આપ સૌ માટે આ અછાંદસ કવિતા.’
‘ઈર્શાદ..’ ત્રીજી કતારમાં કોર્નર સીટ પર બેઠેલી વ્યક્તિ બોલી હતી.
સત્યાએ વિબોધ માટે વર્ષો પહેલા લખેલી કવિતા વાંચવાનું શરૂ કર્યું.
‘...અને
શરીર પરથી વાળ ધોળા થઈ
ખરી જશે જ્યારે મારી બુદ્ધિ નાઠી હશે.
ત્યારે પણ કેટલીક યાદો મારા મનમાં વસંતની જેમ રહેશે.
ટોચ પર પહોચી
અસ્પૃશ્ય થઈ જવાની સાપસીડીની રમત..
આ એગ્લો ઈન્ડિયનો જેવી ભાષા,
ડાયાસ્પોરા જેવા માલિકો..
કાયમ એક્સલુસિવ જોઈતાની પુખ્ત થતી વાસનાઓ.
મર્દાઈનાં કેફમાં
બદન વરસાદી વાદળું બની
પરસેવો વરસાવે
તો પણ
સમર્પણ અને નિજાનંદ વચ્ચેનું ગડમથલ વિશ્વ...
થેમ્સના જલરાશિની જેમ થીજી ગયેલી
વિચારધારામાંથી બહાર નીકળી
કલમ અને કેમરાનો ઘોડેસ્વાર બની
જિંદગીની ગહનતમ ગહરાઈઓમાં
ડૂબતાં સુરજ જેવા સત્યનાં સૂર્યોદય માટે જાનવરો નથી રહેતા એવા જંગલી સમાજમાં સર્જનની નવી યંત્રણા સહન કરી,
કાવતરા, ષડયંત્રો, વ્યુહો વચ્ચે
વૃતાંતનું ઉદગમ સ્થાન
છાતી કે માથું
નથી.
આંખો છે.
દિવસે સુજ્ઞ
રાતે પ્રાજ્ઞ
કલમ સામુરાઈની તલવાર બનાવી
હમ્મુરાબીનાં ઓબેલીસ્કથી અશોકનાં શિલાલેખ પર
શાર્દૂલવિક્રીડિત અને મંદાક્રાંતા રચાવી જોઈ.
તખલુસ્સો લટકાવી દેવાથી
મહાન થવાતું નથી. સ્વયંમનું નામ પણ
અદ્રશ્ય હોય જ્યાં
ડેડલાઇન બાષ્પ બની
સમયનાં ખોળામાં
ગાયબ થઈ જાય
એ
પહેલા જ હેડલાઇન બની ચમકવું.
ક્રિયાઓનો વિસ્ફોટ,
અનુભવોનો ચાર્ટ,
બનાવોનો ગ્રાફ.. બ્રે‘કિંગ’
ઉપભોક્તાને આવતીકાલની આતુરતા
ન થાય તો?
આવતી કાલ ગઈ કાલમાં
ઓગળી જવાની.
મહોરાઓની ચાલ,
પલડાઓની ઊંચ-નીચ
આગાહીઓ
ધારણાઓની દીર્ધદ્રષ્ટિતા
યશ, ધન, સત્તા અને પદ.
યથાર્થવાદનો ડોઝ
અને..
...અને?
એક પ્રમાણિક પત્રકાર
આખા પ્રેસને ખતમ કરી મૂકે છે.’
સત્યાએ કવિતા પૂર્ણ કરી. તાળીઓનો પ્રચંડ ગળગળાટ થયો. એ જ સમયે ઉપસ્થિત જનસમૂહમાંથી આગળથી ત્રીજી કતારમાં કોર્નર સીટમાં બેઠેલો એક વ્યક્તિ ફરીવાર ઊભો થયો અને મોટા અવાજે બોલ્યો,
‘એક પ્રમાણિક પત્રકાર આખા પ્રેસને ખતમ કરી મૂકે છે.
અથવા?
અથવા ખુદ ખતમ થઈ જાય છે.’
લાંબો, ઊંચો. કદાવર. વધેલી દાઢી-મૂંછ. બોલકી આંખો. વિખરાયેલા વાળ. આંછા ગુલાબી કલરના ઝભ્ભા અને ઉપર કાળા કલરની બંડીમાં સજ્જ તિક્ષ્ણ નજરે આત્મવિશ્વાસથી છલોછલ ઊભેલો વ્યક્તિ. બધા જ લોકો તે વ્યક્તિને જોઈ આંચકા સાથે અચંબિત થઈ ગયા. તેની બાજુમાં બેઠેલા સરદારજીએ ઊભા થઈ તેને નીચે બેસાડવા પ્રત્યન કર્યા ત્યાં સુધીમાં વિબોધ જોષીનાં નામનાં પડઘા માઈક વિના હૉલની હર દિશામાંથી પડવા લાગ્યા. આગળની રોવમાંથી એક માણસ ઊઠીને બોલ્યો, ‘વિબોધની સાથે આ મહમદ છે!’
‘ઓ.. ના. જી. ના. મેરા નામ મહમદ નહીં મનીંદર સિંગ હૈ. મુસલમાન નહીં શીખ હું મૈ.’
એક પછી એક લોકો પોતાના સ્થાનેથી ઊભા થઈને જોવા લાગ્યા. સત્યા, કૌશર અને ઈલાક્ષી સ્ટેજ પરથી પાંપણ જબકાવ્યા વિના જોઈ રહ્યા. વિબોધ નામનાં ઉદગાર એક પછી એક લોકોના મુખેથી નીકળતા ગયા. હેમુગઢવી ઓડિટોરિયમમાં અચાનક લાઇટ જતી રહી. અંધારામાં થોડાસમય માટે અંધાધૂંધી સર્જાઈ ગઈ. ફરી લાઇટ આવતાં અજવાળું થયું. ત્રીજી કતારમાં કોર્નરની બંને સીટ ખાલી હતી. અને..
સમાપ્ત