પ્રકરણ ૨૮
‘...અને’
ઑફ ધી રેકર્ડ
...અને ભૂતકાળની સ્મૃતિઓ, વર્તમાનનાં જીવંત અનુભવો અને ભવિષ્યની આશા-આકાંક્ષાઓની જળહળતી ઉજવણીનાં શુભ પ્રસંગે રાજકોટનાં હેમુગઢવી ઓડિટોરીયમની વિશાળ જનમેદનીને ઈલાક્ષીએ મંચ પરથી ઉપસ્થિત સૌ કોઈ મહેમાનોને સંબોધતા જણાવ્યુ,
‘સુદર્શન અખબાર આજે દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. એ અવસર નિમિત્તે હું એટલે કે ઈલાક્ષી સુદર્શન અખબારની તંત્રી અમારી પૂરી ટીમ વતી આપ સૌનું હદયપૂર્વક ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરું છું.
બૈઠે હી બેકાર તો અખબાર નિકાલો,
પૈસે કી હૈ દરકાર તો અખબાર નિકાલો.
શાયર મિરઝા હનીફની પંક્તિને પત્રકારીત્વ જગતની પાપાપગલીનું સૂત્ર સમજી આજથી એક દસક પૂર્વે સત્યા શર્મા અને વિબોધ જોષી દ્વારા સુદર્શન અખબારની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયથી આજ દિન સુધી સુદર્શન અખબારે પૈસા, પ્રતિષ્ઠા અને પુણ્ય નિરંતર કમાયા છે. સમાજનાં દરેક નાના-મોટા નાગરિકોનો વિશ્વાસ એ સુદર્શન અખબારની મહામૂલી મૂડી છે. અને એ મૂડીના વ્યાજ સ્વરૂપે સુદર્શન અખબારે સમાજનો અરીસો બની પત્રકારીત્વનો ધર્મ બજાવવામાં ક્યારેય પીછેહઠ કરી નથી.
મિત્રો, આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કેમ કે, આજે સુદર્શન અખબાર માત્ર દસકો પૂર્ણ કરી નથી રહ્યું પરંતુ એ સાથે સુદર્શન અખબારનો પાયો નાંખનાર સુદર્શન અખબારના ઓનર સત્યા શર્માનું પુસ્તક ‘...અને’ ઑફ ધી રેકર્ડનું વિમોચન પણ છે. એ માટે જોરદાર તાળીઓથી વધાવતા હું સત્યા મેડમને સ્ટેજ ઉપર પધારવા આમંત્રણ આપીશ. સાથોસાથ આપ બધા જાણો છો તેમ વિબોધ સરનાં ગયા બાદ તેમની પૂર્તિ માટે અખબાર સાથે જોડાયેલા કૌશર ખાન તથા અમારા આજનાં કાર્યક્રમનાં વિશેષ મહેમાન સિનિયર જર્નાલિસ્ટ જ્વલંતજીને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ.’
સત્યા શર્મા, કૌશર ખાન અને પત્રકાર જ્વલંતજી જનસમુહ સમક્ષ ઝૂકીને આગળ વધતાં લોકોનું અભિવાદન જીલતા ડાયસ પર બિરાજમાન થયા.
‘કાર્યક્રમનો આરંભ આપણે સૌ દીપ પ્રજ્વલિતથી કરીશું. ૐ......’ ઈલાક્ષીનો સુમધુર સ્વર હેમુ ગઢવી નાટ્યહૉલમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રોનાં કલાકારો, પત્રકારત્વ-સાહિત્ય-શિક્ષણ-રાજકારણ-પોલીસ-કાયદા-ટી.વી.-સિનેમા-ખેલ જગતનાં મહાનુભાવો અને પ્રતિષ્ઠિત સુજ્ઞ સમાજનાં લોકોના કાનને કર્ણપ્રિય બની રહ્યો.
‘દીપ પ્રાગટ્ય બાદ હું કૌશર ખાનને વિનંતી કરીશ કે તેઓ સુદર્શન અખબાર સંબંધિત પોતાના વિચારો વ્યક્ત કરે.’
કૌશર ડાયસ પરથી પોડિયમ સુધી ધીમે-ધીમે ચાલતાં-ચાલતાં ગઈ તે દરમિયાન તાળીઓનો ગુંજારવ થઈ ઉઠ્યો.
‘નમસ્તે. ગુડ ઈવનિંગ. હું કૌશર ખાન અહી ઉપસ્થિત તમામ મહેમાનોનું તહે દિલથી સ્વાગત કરું છું. વેલકમ ઓલ ઑફ યુ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સુદર્શન અખબારનો સુવર્ણકાળ એટલે કે ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. સત્યા શર્મા અને વિબોધ જોષી દ્વારા શરૂ કરેલું અખબાર આજે પ્રજાનો અવાજ અને સમાજનો આયનો બની રહ્યું છે એ માટે વિબોધ જોષીની અંગત હોવાના નાતે મને વિશેષ હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. આઈ એમ ફીલિંગ પ્રાઉડ.
હું આ પ્રસંગે સત્યા શર્માનો આભાર માનું છું. વિબોધના ગયા બાદ સત્યાએ મને અખબાર સાથે જોડીને વિબોધના વિચાર અને વ્યવસાય સાથે રહેવાની તક આપી મારી અલોનનેસને ઈરેઝ કરી તેમાં કલર્સ ફિલપ કર્યા. સુદર્શન અખબારમાં રહીને જોડે કામ કરતાં-કરતાં મને અને ઈલાક્ષીને ઘણીવાર સત્યાની મીઠી ઈર્ષા થાય છે. અમે બંને તેમના જેવા બનવા પ્રયત્ન કરીએ છીએ, પ્રયાસ ચાલુ છે.’ કૌશર પોડિયમ પકડીને ઊભી ઊભી ડાયસ પર બેઠેલી સત્યા સામે જોઈ દબાઈને હસી. તેની આંખમાં ભીનાશની રેખા ખેંચાઈ ગઈ હતી. થોડીવાર માટે શબ્દો ખૂટી પડ્યા. એ ઘણું બોલવા ઈચ્છતી હોય એવું ત્યાં ઉપસ્થિત સૌને જણાયું પણ જાણે વિચારોને શબ્દો સાથ આપતા ન હતા. એ થોડીવાર મૌન રહી બોલી, ‘અને વિબોધ. ખુશ નસીબ હૈ વોહ જીન્હે ઉસકા સાથ જીને કે લીયે મિલા. ઓલવેયસ મીસિંગ. તેના માટે હું અને એટલુ જ કહીશ,
હી લીવ્ડ બિફોર હિઝ ટાઇમ,
એન્ડ હી ડાઈ બિફોર હિઝ ટાઇમ.
શું નથી જોયું, જાણ્યું, અનુભવ્યુ એ માણસે? સત્યાએ તો પુસ્તક લખી નાખ્યું. વિબોધ માટે વધુ કહેવાનું ન હોય. આજે માત્ર શરીરથી વિબોધ સાથે નથી પણ વિબોધનાં શબ્દ, વિબોધનો અવાજ અને વિચાર સ્વરૂપે હજીયે મારા જહનમાં જસબતોમાં વિબોધ જીવે છે, જીવતો રહેશે. અસ્તુ.’
કૌશરએ પોતાનું વક્તવ્ય પૂરું કરી ડાયસ પાસેની ચેરમાં બેસીને પાણી પીધું. સત્યાએ ભાવુક થયેલી કૌશરની પીઠ પર હાથ ફેરવો. તાળીઓના ગણગણાટ વચ્ચે પોડિયમ પાસે ઈલાક્ષી આવી માઈક પકડી,
‘હવે હું કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ જ્વલંતજીને વિનંતી કરીશ કે, પત્રકારત્વ વિશેનાં તેમના વિચારો સાથે સત્યા શર્મા લિખિત પુસ્તક ‘…અને’ ઑફ ધી રેકર્ડ પુસ્તક અંગે જણાવે.’
જ્વલંતજીનાં નામની સાથે ઓડિટોરિયમમાં ઉપસ્થિત હાજર જનસમુહએ ઊભા થઈને તેમને વધાવી લીધા. ‘જેટલી તાળીઓ મંચ પરથી શ્રોતાઓનાં વક્તવ્ય બાદ નથી પડતી એટલી તાળીઓ જ્વલંતજીનાં વક્તવ્ય પહેલા પડી રહી છે.’ ઈલાક્ષીએ આનંદ દર્શાવતા રમૂજમાં થોડા સમય માટે ઉપસ્થિત સૌ કોઈને શાંતિ જાળવવા અપીલ કરી. જ્વલંતજીએ પોતાના લાક્ષણિક અલગ અંદાજ બોલવાનું શરૂ કર્યું.
‘ખૂબખૂબ આભાર દોસ્તો.
...અને વિબોધના વિચારોની સંગ્રહક વૃત્તિ આ પુસ્તકના નેપથ્યમાં પથરાયેલી પડી છે. સત્યાએ પુસ્તકનાં પાનાં પર વિબોધનાં વિચારો, અનુભવો નહીં પરંતુ શબ્દકાર અથવા તો શબ્દોની શિલ્પી બની વિબોધને કંડાર્યો છે એવું હું કલમ ઠોકીને કહી શકીશ.
પત્રકારો આજીવન સમાજ માટે લખતાં આવ્યા છે. સમાજનાં સારા લખી શકતા લોકોને આગળ લાવી એક માન અને દામ અપાવ્યા છે એવા સમયે કલમનાં ખરા કસબી પત્રકાર માટે સમાજમાંથી આજે કોઈએ લખ્યું એ પહેલો કિસ્સો છે. જે બીજા માટે લખે છે તેમના માટે સત્યાએ લખી સત્યાએ સાહિત્યનો રાજધર્મ પત્રકારત્વ માટે અદા કર્યો છે.’
એક તાળી, બે તાળી, ત્રણ.. ચાર.. અને એક પછી એક અનેક તાળીઓ એકસાથે પડી.
‘આજે સૌ મીડિયાનો સૂર સમાન છે. એક અખબાર વાંચો કે એક ન્યૂસ ચેનલ જુઓ એટલે બધા છાપા વાંચી કે ન્યૂસ ચેનલ્સ જોઈ લીધી હોય તેવું લાગે. એ સમયે સુદર્શન અખબાર બધાથી જુદું બની જણાય આવે છે, તરી આવે છે.
હું એવું માનું છું કે, અખબાર વાંચીને જો સમાજને આત્મવિશ્લેષણ કરવાની ખેવના ન થાય તો એ અખબાર ખામીયુક્ત છે એવું કહી શકાય. વર્ષો થયા શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર હું એકદિવસ માટે પ્રધાનમંત્રી બનું તો? અથવા મારા સ્વપ્નનું ભારત જેવા વિષય પર નિબંધ લેખન પૂછવામાં આવે છે. પણ જો તેમની જ્ગ્યાએ હું એકદિવસ માટે તંત્રી બનું તો? અથવા મારા સ્વપ્નનું અખબાર જેવા વિષય પર નિબંધ પૂછવામાં આવે તો? તો હું એવું માનુ છું કે, વિબોધ જોષી જેવા પત્રકારોની એક આખી ફૌજ આપણી પાસે હોય અને આપણે કોઈ મંત્રી, માફિયા, મહંત કે મૌલાની પેનચંપી કરવી ન પડે. આપણે ત્યાં શિયાળાની સવાર વિશે બહુ બધા લખે છે ક્યારેય કોઈ અખબાર વિનાની સવાર વિશે કેમ લખતું નથી?’
જ્વલંતજીનાં વિચારોને તાળીઓનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તેમના વ્યાખ્યાનનાં અંતિમ શબ્દો સુધી મળતો ગયો.
‘હોરેસ ગ્રીલીએ કહ્યું છે કે,
હે અખબાર! તારો જયજયકાર હો!
સ્વતંત્રતાનું રક્ષણ છે તું!
ન્યાય કાજે તલવાર છે તું!
સત્યનો સુરજ પ્રકાશ છે તું!
કલમની સરખામણી કાયમ તલવાર સાથે કરવામાં આવે છે પરંતુ હું એ સરખામણીને સ્વીકારીશ નહીં. કલમનાં ઉપયોગથી પ્રખ્યાત બની શકાય છે અને તલવાર કુખ્યાત બનાવે છે. બંનેની ધારમાં સમાન શક્તિ રહેલી છે એ ખરું પણ જ્યાં શબ્દો જ સર્વ સમસ્યાનું નિરાકરણ લાવી શકતા હોય ત્યાં શસ્ત્રનો ઉપયોગ શું કામ કરવો?
અને એટલે જ શાયર અકબર ઈલાહાબાદી કહ્યું છે કે,
ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો,
જબ તોપ મુકાબિલ હો, તો અખબાર નિકાલો.’
ઈલાક્ષીએ પોતાના વિચારો પ્રસ્તુત કરતાં આગળ જણાવ્યુ,
‘અને હવે હું સુદર્શન અખબારની માલકણ, કવિ, લેખક અને પત્રકાર આપ સૌની પ્રિય સત્યા શર્માને વિનંતી કરું છું કે તેઓ આપણા અખબાર, સાહિત્ય અને પત્રકારત્વની કારકિર્દી તથા પચ્ચીસથી વધુ કવિતાના પ્રકાશિત પુસ્તક બાદ આજે વિમોચન પામવા જઈ રહેલા સત્ય ઘટના આધારિત પુસ્તક ‘...અને’ ઑફ ધી રેકર્ડ વિશે અહી ઉપસ્થિત સૌ કોઈ લોકોને પોતાના અનુભવ જણાવે.’
સત્યાએ ડાયસ પરથી ઊભા થઈને પોડિયમ પાસે જઈ બંને હાથ ટેકાવ્યા. માઈકની દિશા તરફથી ઉપસ્થિત સૌ કોઈ ખીચોખીચ બેઠેલાઓ, ઉભેલાઓ તરફ નજર કરી. ક્ષણેક મૌન દાખવી શાંતિથી બોલવાનું શરૂ કર્યું અને..
ક્રમશ: