“સુજન તારે આ ફોર્મ ભરવાનું છે કે નહિ?”શાંતિલાલે ચા પીતા પીતા દીકરાને બુમ પાડી પૂછ્યું.
“પણ પપ્પા પ્રીત શું ખોટી છે? મને તો એ જ પસંદ છે.” સુજને સોફા પર બેસતા જવાબ આપ્યો.
“પ્રીત સારી જ છોકરી છે પણ બેટા નાત બહાર કરવું મને પસંદ નથી.”
“પપ્પા એ લોકો વૈષ્ણવ હોવા છતાં એમને વાંધો નથી તો આપણને તો શું કામ હોય?”
“રવિવારની સવારમાં પાછા ઝઘડી ના પડતા તમે બાપ-દીકરો” સીમા અંદરથી બોલતા બોલતા આવી.
“તું જ તારા દીકરાને સમજાવ સીમા આટલા મોટા દીકરાને હવે શું સમજાવાનો હોય.એને ખબર નથી કે સવર્ણો આપણી સાથે કોઈ વ્યહવાર રાખવા માંગતા જ નથી. અને જો તું બાંધીશ તો એ લોકો તને જમાઈ તરીકે માન પણ નહિ આપે.એક કામ કર સીમા તું જ એને વાત કર ને મારા ઓફીસના અનુભવની ત્યાં સુધી હું નહાઈને આવું.”
શાંતિલાલ ઉભા થઇ અંદર ગયા.
સીમાએ વાત માંડી.”બેટા તારા પપ્પાની ઓફિસમાં પાંચેક વરસ પહેલા એક ઓફિસર બદલી પામીને આવ્યા એને બધા કે.ડી તરીકે ઓળખતા હકીકતમાં કે.ડી એટલે કે.ડી.શાહ તારા પપ્પા અને એ બંને લગભગ સાથે જ નોકરીમાં જોડાયા હતા પણ પપ્પા અનામત ની જોગવાઈને કારણે બઢતી પામી મેનેજર બન્યા અને કે.ડી ઓફિસર હતા.એ આવ્યા ત્યારથી એ બે વચ્ચે કામની બાબતે થોડી ખેંચતાણ ચાલતી હતી.તેવામાં એકાએક તેઓ રજા ઉપર ઉતરી ગયા.તપાસ કરતા ક્લાર્ક દ્વારા જાણવા મળ્યું કે, તેઓ ક્યાંક બહારગામ જવાના હતા પણ હું શાંતિલાલ જોડે શું કામ રજા લેવા જઉં? એવું કે’તા હતા.એક અઠવાડિયું થવા છતાં તેમનો કોઈ રજા બાબતે રીપોર્ટ મોકલાવ્યો નહિ.તારા પપ્પાને એમ કે કાયદેસર નોટીસ મોકલવા કરતા એક વખત રૂબરૂ તપાસ કરાવી સારી. એટલે પેલા કલાર્કને એમણે ત્યાં મોકલ્યો કે, જા તું કે.ડીને ત્યાં જઈ ને તપાસ કરી આવ અને કે’જે કે સાહેબ ને નાછૂટકે નોટીસ મોકલાવી પડશે. બીજે દિવસે કલાર્કે આવીને કીધું કે સાહેબ એમના ઘેર તો એ હાજર નો’તા અને બાજુવાળા એ કીધું કે એ લોકો તો બહારગામ ગયા છે ....મેં નોતું કીધું એમણે જરાય એમ ના થ્યું કે ઓફિસમાં તો રજા માટે રિપોર્ટ આપવો જ પડે,…પછી એમણે નોટીસ મોકલાવી ...બે નોટીસનો કોઈ જવાબ ના મળ્યો એટલે ઓફિસમાંથી પાણીચું આપવામાં આવ્યું. થોડા દિવસ પછી એમની છોકરી ઓફિસમાં આવીને તારા પપ્પાને ઘણું બધું ના બોલવાનું બોલીને ગઈ કે, મારા પપ્પા તો બીમાર હતા એવું બધું .
પછી ખબર પડી કે બહાર ક્લાર્ક જે તેમના ઘેર મળવા ગયો’તો એને તારા પપ્પા અને આપણી જાત નીચી છે એના સંદર્ભે ઘણું બધું બોલી ને ગઈ હતી. એ પછી તારા પપ્પા થોડાક દિવસ સુનમુન રહેવા લાગ્યા.આ તો પેલો ક્લાર્ક ઘેર આવ્યો ત્યારે મને ખબર પડી નહિ તો તને ખબર છે ને કે તારા પપ્પા ઓફિસની ક્યાં કોઈ વાત ક્યારેય ઘરે કરે જ છે.
“હા મમ્મી એ વાત તો તારી સાચી ...એ મનેય છેલ્લા બે વરસ થી હું આટલું સારું કમાઉ છું તો પણ મને ક્યાં ક્યારેય મારી જોબ વિષે ક્યારેય પૂછે છે . ”સુજન મમ્મી નો હાથ પકડી ને બોલ્યો.
એટલે જ મેં સરકારી નોકરી આસાની થી મળતી હોવા છતાં પ્રાઇવેટમાં ઓફર સ્વીકારી,અને હા મમ્મી પણ સાચું કહું તો મને તો ક્યાંય ભણતર કે નોકરીમાં આવો કોઈ આછો બનાવ થયો હોય એવું પણ યાદ નથી અને આપણું આટલું આધુનિક ઘર,આધુનિક વિચારો પપ્પાનું સમાજમાં આટલું માન આ બધું પુરતું છે આપણા જીવન માટે. કોઈ એક બનાવ ને લઇને પપ્પા આટલા બધા મારા જીવનસાથી ની પસંદગી બાબતે ક્રૂર તો ના જ થઇ શકે.
“પણ સુજન તને તો ખબર જ છે એમનો સ્વભાવ એક વખત ‘ના’ થઈ એની ‘હા’ ન થાય” સીમાએ ઉભરો ઠાલવ્યો .
“મમ્મી હું તેના મમ્મી અને પપ્પા બંને ને ઓળખું છું બલ્કે એમ કહી શકું કે એ લોકો તો મને એમના ઘરનો સભ્ય જ ગણે છે.”
“મને ખબર છે આજે રવિવાર પણ એને જ નામ હશે પણ બેટા આ ફોર્મ તો ભરી કાઢને......પસંદગી ક્યાં તારે અત્યારે કરવાની છે?”
“સારું હવે પાછી ઈમોશનલ ના થઈશ મને ફોર્મ ભરી દઈશ… ઓકે” મમ્મીના ગાલે ટપલી મારી સુજન બોલ્યો.
ન્હાતા પહેલા પ્રીતને ફોન કરીને એણે કલાક પછી સાગર-મોલમાં મળવાનું નક્કી કરી લીધું, પછી ફટાફટ ફોર્મ ભરીને એના બેડરૂમમાં ઉપડ્યો.
સુજન મમ્મી-પપ્પાને બાય કહી અડધો કલાકમાં તો ઘરની બહાર નીકળી પડ્યો. સાગર-મોલ માં રવિવારને કારણે ઠીકઠીક ભીડ હતી. આસમાની ડ્રેસમાં શોભતી પ્રીત તેમની કાયમી નક્કી જગ્યા એ આવી ગયેલી જોઇને સુજન મનમાં મલકાયો. આંખ મીચકારી ઈશારો કરીને પછી પોતાની ગાડીને પાર્કિંગ બાજુ લઇ ગયો.
સાગર મોલ ના બહુ જાણીતા “શામે-કોફી” ના ટેબલ પર ભરબપોરે બંને સામસામે બેઠા, અને કોફી વિથ આઈસ-ક્રીમ નો ઓર્ડર આપ્યો. પ્રીતને તેના પપ્પાની ખબર પૂછી સવારની મમ્મી એ કીધેલી બધી વાત કરી.વાત જેમ પૂર્ણતા બાજુ ધકેલાતી જતી તેમ પ્રીત ના ચહેરા પર ની રેખાઓ તંગ બનતી ગઈ. એકદમ ચિલ્ડ કાફેમાં એના કપાળે પરસેવો પણ હાજરી પુરાવા આવી ગયેલો જોઈ સુજનના મુખ પર પણ અકળ ભાવ દેખાવા માંડયા.
“શું થયું પ્રીત મારી વાત સાંભળી તું કેમ ટેન્શનમાં આવી ગઈ ? હું ખાલી ફોર્મ ભરીને આવ્યો છું, એ પણ તેમનું માન રાખવા” ચિંતિત સુજને પ્રીતના હાથ પર હાથ મુકીને પૂછ્યું.
“એક કામ કર સુજન ચલ ઘેર જઈએ” આમ બોલતા જ પ્રીત ઉભી થઇ ગઈ .
સુજન તરત ઉભો થઇ બોલ્યો. “શું થયું આમ અચાનક તને ?”
કાઉન્ટર પર ફટાફટ પૈંસા ચૂકવી સુજન બહાર દોડ્યો અને પ્રીતનો હાથ પકડી ને પૂછ્યું. “અરે આમ અચાનક શું થયું કહે તો ખરી .”
“હવે મને બહુ પૂછીશ નહિ આપણે મારા ઘેર જઈને વાત કરીએ .” આમ બોલી પ્રીત કારમાં ગોઠવાઈ ગઈ .
આખે રસ્તે પ્રીત સુનમુન બની બેસી રહી, રવિવારના ટ્રાફિકમાં એક-બે વખત માંડ સુજન પ્રીતની સામું જોઈ શક્યો હતો...પ્રીત વિચારતી રહી કે છેલ્લા દોઢ વરસથી જે રીતે સુજન મારા ઘરનો ભાર પોતાના માથે લઈને ફરે છે અને તેને કારણે તો મારા પપ્પા આજે પક્ષઘાતના હુમલામાંથી લગભગ બહાર આવી ચુકેલા છે તે સુજન પર ગુસ્સો કરવાનું તો કોઈ કારણ જ નથી. પણ ઓફિસમાં જેમતેમ બોલવા વળી છોકરી હું જ છું, એવું જાણ્યા પછી સુજન ના રીએક્શન શું હશે તેની ચિંતા થઇ ગઈ,પણ હું તેમને તો મારા પપ્પાના બીમારી વિષે કહેવા ગઈ પણ પેલા ક્લાર્ક વર્માજી જે રીતે તેમના તરફથી ધમકી આપી ગયા હતા કે સાહેબ તમારા પર એટ્રોસીટી નો કેસ કરવાના છે એટલે જ મળવા ગઈ હતી પણ બે કલાક સુધી બેસાડી રાખીને વર્માજી એ કહી દીધું કે સાહેબ તમને આજે નહિ મળી શકે એટલે ગુસ્સો તો આવે જ ને......એકાએક કારના સ્પીડી ટર્નથી વિચારોમાંથી એ સફાળી જાગી ગઈ.
“આવ સુજન આવ” અંદર રસોડામાંથી જ મમ્મી એ બુમ પાડી . પપ્પાના ચહેરા પર પણ અમને બંને ને જોતા કૈક ચમક આવી હોય તેવું લાગ્યું.
લગભગ એક કલાક પ્રીત તેના પપ્પા અને સુજન વચ્ચે સવારથી ચાલેલો ઘટનાક્રમ વિષે ચર્ચા થઇ. એમાંથી સરળતાથી તારણ પણ બહાર આવી ગયા.
પ્રીતના ચહેરા પર ટાઢક દેખાતી હતી તે પ્રેમથી વિદાય લઇ એક નવા જ અહેસાસ સાથે ઘેર પહોંચ્યો.ઘેર પહોંચી સુજન સીધો પપ્પાના બેડરૂમમાં પહોંચ્યો.
પગ ઉપર પગ ચઢાવીને ધાર્મિક પુસ્તક વાંચતા શાંતિલાલ ના ચહેરા પર નામ પ્રમાણે શાંતિ છલકતી હતી. સુજનને અંદર આવતો જોઈ એ બોલ્યા “શું વાત છે આ પહેલો રવિવાર છે જેમાં તું આ ટાઇમે ઘેર ...?પેલી પ્રીતને ના પાડીને આવ્યો લાગે છે”
અણધાર્યા પ્રશ્ન થી ડઘાઈને સુજન બોલ્યો. “એ હું તમને બધી વાત કરું પણ પપ્પા પહેલા તમે મને એમ કહો કે તમારા ઓફીસના પેલા ક્લાર્ક વર્મા વિષે તમારો એકદમ એટલે એકદમ તટસ્થ અભિપ્રાય શું ?”
શાંતિલાલ પણ પ્રશ્નથી ડઘાઈ ગયા પણ તરત જ બોલ્યા “એક લીટીમાં કહું તો મહા ઘંટ અને લાલચુ- પણ મારો સ્વભાવ જાણતો હોવાથી તે એકદમ ચેતીને ચાલતો, અને પેલા કે.ડીના જવાથી તેને એનો પોર્ટફોલિયો વધારાના ચાર્જ તરીકે મળ્યો. એટલે ખુશ થઇ સીધી લીટી જેવો થઇ ગયો હતો.”
સુજન ની આંખોમાં એક વિચિત્ર લાગણી ઉભરી આવી પછી તે ધીરે રહીને બોલ્યો …”પપ્પા હું તમને નાનપણથી જાણું છું કે, તમારા પર નિષ્ઠાની બાબતે કોઈ આંગળી ના ચીંધી શકે. પણ પપ્પા સાચું કહું તો તમે જીંદગીમાં એક મોટી ભૂલ કરી બેઠા,અને એ પણ ફક્ત એ લાલચુ વર્મા ના કહેવાથી. વર્મા ઓફિસમાં વરસોથી ઉચાપત કરતો હતો જે કે.ડી શાહના જાણમાં હતું અને ખેડાથી બદલી થઇ ને આવતા તેણે જાણી જોઇને ઓફિસમાં કે.ડી અને તમારી વચ્ચે ઊંડી ખાઈનું નિર્માણ કર્યું હતું.”
“
એકદમ ધુંઆપુઆ થઈને શાંતિલાલ તાડૂક્યા. “આ શું વાત કરે છે તું શું બોલે છે તેનું ભાન છે તને .”સુજન શાંતિથી બોલ્યો “મમ્મી પાણી નો જગ લઇ આવ અને પપ્પા શાંતિ રાખો” .......વીસેક સેકન્ડ ની નિરવતા પછી એ ફરી બોલ્યો "પપ્પા તમને ખબર છે ખરી કે રજા પર ઉતર્યાના બીજા જ દિવસથી કેડી ને પેરાલીસીસ થયો તો અને એ ત્રણ વરસ સુંધી એજ સ્થિતિ માં રહ્યા?”
શાંતિલાલ બોલ્યા. “તું કોની વાત કરે છે ? એ કે.ડી તો વૈશ્નોદેવી બાજુ ફરવા ગયો હતો અને એ પણ એક મહિના માટે.”
“ના પપ્પા એ તમને મેસેજ જ ખોટા આપવામાં આવ્યા હતા ...!!! હકીકતે અચાનક મોટાભાઈની માંદગીની વાત જાણી રાતોરાત ખબર કાઢવા નીકળેલા એ કે.ડીને રસ્તામાં જ મેસીવ એટેક આવ્યો અને પેરેલીસીસ ના ભોગ બન્યા.....ત્રણ મહીને તો તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. પેલો વર્મા એ પછી બે વખત એમની ઘેર આવીને કહી ગયો કે તમે એટ્રોસીટીનો કેસ કરવા માંગો છો. એનાથી બચવું હોય તો રાજીનામું મોકલાવી દો. આમેય પથારીવશ કે.ડી તો કોઈ જવાબ આપવાની કે કામ કરી શકવાની તબિયત ધરાવતા જ ન હતા. અને એ વર્માએ તમને શું કીધું કે તમે પાણીચું પકડાવી દીધું.”
ત્યાં જ ડોરબેલ વાગી સીમાએ બારણું ખોલ્યું તો બહાર પ્રીત તેની મમ્મી અને વ્હીલચેરમાં બેઠેલા પપ્પા હતા.સુજન અને તેના પપ્પા પણ તરત બહાર આવ્યા
સુજન બોલ્યો “અરે અંકલ તમે અહી આવવાની તસ્દી કેમ લીધી”
ત્રુટક સ્વરે કે.ડી બોલ્યા “છોકરી વાળા એ માંગું નાખવા તો આવવું જ પડે ને.”
જિંદગીમાં જે કડવાશ સાથે જીવ્યા એ બધી જ બાબતો જાણે ઓગળીને આખા ઘરમાં મોગરાના ફૂલની જેમ મહેકી ઉઠી.