અક્ષયપાત્ર છે મારા હાથમાં.
આમતો એ સારા ઘરના દેખાતા હતા, કપડાં પણ ઠીકઠાક જ હતાં. તો પછી આ એમની જીભે જે હતું તે શું હતું? કોકવાર ટ્રેનમાં આમજ અમસ્તા મળી જતાં. રોજ એ મશીની લાઈફની જેમ સવારની એ ટ્રેનમાં હું બોરીવલી થી ચર્ચગેટ જતો. અને ક્યારેક એ અંધેરીથી તો ક્યારેક મુંબઈ સેન્ટ્રલથી ચઢતાં. તો વળી ક્યારેક માત્ર બે સ્ટેશન પૂરતું ગ્રાંટ રોડથી ચઢે અને મરીનલાઈન્સ પર ઉતરી પણ જાય. હાથમાં એક જૂનો થેલો હોય અને શરીર પર ચૂંથાયેલો સાડલો. પાંસઠ સિત્તેરની આસ-પાસ ઉંમર હશે એમની. એક જ વારની નજરથી ખ્યાલ આવી જાય કે જિંદગીમાં ક્યારેય એમણે આવું કરવું પડ્યું નહી હોય, તો પછી હમણાં? આ ઉંમરે? પહેલાં તો ક્યારેક ક્યારેક જ દેખાઈ જતાં હતાં. કોકવાર બાજુના ડબ્બામાં તો વળી કોકવાર અમારા ડબ્બામાં આવી ચઢે. બસ આમ જ અમસ્તા અને પછી ટ્રેન ચાલુ થાય એટલે એકાદ બે વાક્ય એમની ઘરડી જીભ પર આવે. કોઈને સ્પષ્ટ સમજાય પણ નહી એવી રીતે એ બોલતાં. મને થયું કે કદાચ એમને ખુલીને બોલતા શરમ આવતી હશે ! હમણાં હમણાં એમના આંટાફેરા વધી ગયા હતા.
'કેન્સર, કેન્સરની દવા માટે પૈસા આપો ને!' એ ફરી ફરીને બોલ્યે જતાં હતાં અને અમે લોકો બસ એમના પર એક અછડતી નજર નાખી, ફરી અમારી વાતમાં પરોવાઈ જતાં. તો કોક વળી ફરી હાથમાં પકડેલી ચોપડી કે છાપામાં નજર ખોસી લેતું. પણ આજે હું એમને વચમાંજ પૂછી બેઠો. 'માસી, તમે આમ કોને માટે આ રીતે?' તદ્દન અમસ્તાં જ, મને લગીરેય ઈચ્છા નહોતી એમની રામ કહાણી જાણવામાં. ટ્રેનમાં આમેય ઘણાં સંબંધો અમસ્તાજ બંધાઈ જતા હોય છે. ગઈ કાલ સુધી અજનબી હોય તે લોકો રોજ એક બીજાના ચહેરા જોઈ જોઈને ઓળખીતાં થઈ જતા હોય છે. બસ એજ રીતે મેં પણ તે દિવસે સહજ ભાવથી પૂછ્યું. 'તમારે આમ કોને માટે આટલી હાડમારી કરવી પડે છે ?' અને મારા વાક્યથી કેન્સરની દવા વાળું એમનું વાક્ય અધુરૂં રહી ગયું. એ મારી તરફ ફર્યા, થોડો કંટાળો હતો એમના ચહેરા પર. કદાચ એમને થયું હશે કે આ છોકરો કંઈ આપશે તો નહીં જ ઉપરથી મારો સમય બગાડશે. પણ છતાં એમણે પળવાર માટે અટકી મારી સામે જોયે રાખ્યું. અમારી નજર મળી ન મળી અને એ ફરી બોલ્યા. જાણે મને જ સંભળાવતા હોય તે રીતે થોડો અવાજ મોટો કરતાં. 'કેન્સર, કેન્સરની દવા માટે પૈસા આપો ને !' કોઈએ પાછળથી ભણાવીને મોકલ્યા હોય તે રીતે એ ટ્રેનમાં એકનું એક વાક્ય બોલ્યે જતાં હતાં. મેં એમને પૂછ્યું એટલે મારી સાથે વાત કરવી હશે ? કે પછી આજે એમણે ક્યાંક જવાનું હશે ? ખબર નહીં પણ આજે એ ચર્ચગેટ સુધી આવ્યા. બાકી આમતો એ આ પહેલાં ક્યારેય ચર્ચગેટ સુધી આવતા નહોતા. વચમાં જ કોઈક સ્ટેશને ઉતરી જતા હોય છે.
ચર્ચગેટ પર ઉતરી કેવી રીતે હું એમની પાછળ પાછળ ગયો એ તો મને પણ નથી ખબર પણ કદાચ મારે એમને ફરીવાર પૂછવું હતું. એ ઉભા રહી ગયા. અચાનક મારી તરફ ફરી બોલ્યા. ' બન મસ્કા ખવડાવશે મને ? એક બન મસ્કાથી મારે બપોર સુધી તો આરામથી ચાલી રહેશે.' દસ રૂપિયા ? માત્ર દસ રૂપિયાનો જ તો સવાલ હતો. મારૂં એમાં કંઈ ઝાઝુ નુકસાન થવાનું નહોતું. પણ છતાં મારા મનમાં એક વિચાર ચોક્ક્સ આવી ગયો. 'આ બાઈ માથે તો નહી પડી જાય ને ? આજે એકવાર ખવરાવી દઉં પછી રોજ રોજ આવવા માંડશે તો ?' સહજ વિચાર હતો આ. એમાં કંઈ ખોટું પણ નહોતું. આપણને દરેક ને કોઈ ભિખારી પ્રત્યે થોડી સહાનૂભુતિ દેખાડતા પહેલાં આવો વિચાર આવી જ જતો હોય છે. પણ ના મને લાગે છે એ ભિખારી નહોતા. આવો શબ્દ એમના માટે મારે નહોતો વાપરવો જોઈતો.
'ચાલો આપણે બન્ને ખાઈએ' મેં કહ્યું. મનમાં એક ગડમથલ ચાલ્યા કરતી હતી. હું શું કામ આમની સાથે આ રીતે વર્તી રહ્યો છું ? મારી ઓફિસનો સમય થઈ ગયો છે. મારે મોડું થશે. પણ ખબર નહી મનની બધી દલીલો સામે મન પોતે જ પાછું ફરી દલીલ કરતું અને મારા મોઢે એ જે બોલવા માંગતું હોય તે જ બોલાવી દેતું હતું. અમે બન્ને સ્ટેશનની બહાર રેંકડી નાખી ઉભેલા બન મસ્કાવાળા પાસે ગયા. એમણે નરમ પાઉં માંગ્યો કદાચ મોઢામાં ચોકઠું હશે એટલે. મેં બન પાઉં લીધો. 'સરસ આવે છે આ પણ' મેં બન પાઉં એમના તરફ બતાડતાં કહ્યું પણ એ કંઈ ન બોલ્યા. બસ પાઉંનો એક બટકો મોઢામાં ચાવવા માંડ્યા અને પેલાને થોડું વધારે જામ લગાવી આપવાનો ઈશારો કરવા માંડ્યા. 'ચ્હા પીશો ?' મેં પૂછ્યું. 'વાંધો નહી પી લઈએ.' એ એવી રીતે બોલ્યા જાણે અમે રોજ અહીં નાસ્તો કરવા આવતા હોય. પાઉંની સાથે અમે બન્નેએ ચ્હા પણ લીધી. પણ આ શું ? 'ના પૈસા નહી આપતો રહેવા દે. હું આપું છું.' એ બોલ્યા. 'પણ મેં તો ?' હું કહેવા જતો હતો પણ અટકી ગયો. 'ભીખ આપવાના આશયથીજ ખવરાવ્યું હતું એમજ ને ?' 'હા પણ,' મને એમની પૈસા આપવાની વાતથી એટલું અચરજ થયું હતું કે મારાથી આગળ કંઈ બોલાયું નહી.
લાખ મારા આગ્રહ છતાં એમણે મને પૈસા ન જ આપવા દીધા. મને આ આધેડ ઉંમરની બાઈમાં વધુ રસ પડ્યો. હમણાં એક તરફ એ આ નાસ્તાના પૈસા આપવાની વાત કરે છે અને બીજી તરફ ટ્રેનમાં આંટાફેરા કરીને લોકો પાસે પૈસા માંગે છે. શું મજબુરી હશે એમની? 'ચાલ ત્યારે હું જાઉં?' એમણે નિખાલસ ભાવે મને પૂછ્યું જાણે કોઈ નજીકનું સગાવ્હાલું તમને પૂછી રહ્યું હોય. એક અજીબ અલગારી ભાવ હતો એમના મોઢા પર. 'ના ના. એમ કેવી રીતે જઈ શકો? તમે મારી વાતનો જવાબ નહી આપ્યો.' 'કઈ વાત?' 'એજ કે તમે આ બધુ કોના માટે, શું મજબુરી છે તમારી કે તમારે આમ આ રીતે ટ્રેનમાં ફરી ફરી ને?' મેં ફરી પૂછ્યું. 'તારે ઓફિસ નથી જવાનું? તને મોડું થતું હશે, ચાલ ઓફિસે પહોંચ.' એમણે એ રીતે કહ્યું જાણે અમે વર્ષોથી ઓળખતા હોય અને એમને આવું કહેવાનો હક્ક હોય. 'હા, ઓફિસ તો જવાનું જ હોય ને પણ તમે મને વાત નહી કરો તો ઓફિસમાં મારૂં મન નહીં લાગે.' 'આવ બેસ.' એણે એના ગંદા હાથે મારો હાથ પકડ્યો અને મને ખેંચી ગયા ચર્ચગેટ સ્ટેશન ના બે અને ત્રણ નંબરના પ્લેટફોર્મની વચ્ચે મૂકેલા બાકડાં તરફ. પળવાર માટે મને એમણે ગંદા હાથે પકડેલો મારો હાથ ન ગમ્યો પણ હું કંઈ બોલી ન શક્યો.
સફેદ કંતાઈ ગયેલી બ્લાઉઝ અને ગુલાબી જૂનો સાડલો, જે કદાચ ત્રણેક દિવસથી ધોવાયે નહી નાખ્યો હોય. મોઢા પર ઉંમરને કારણે કરચલીઓ આવી ગયેલી અને માથા પરના સફેદ આછા વાળમાં તેલ નાખી નાની અંબોડીમાં બાંધેલા. આવતા જતાં લોકો મને કંઈ અજીબ નજરે જોઈ જતા હતાં. ઓફિસના સાફ કપડાં પહેરેલો હું આ ભિખારણ જેવી દેખાતી બાઈ સાથે બેસીને વાત કરતો હતો તે વાત એમને હજમ નહોતી થઈ રહી. અવગણના, કંટાળો અને તુચ્છકાર નો ભાવ જન્મતો હતો કદાચ એ બધા ને મારા માટે. પણ એ લોકોની નજર કરતા હમણાં મને આ મારી સામે બેઠેલી સ્ત્રીને જાણવાની, સમજવાની ઈચ્છા વધારે હતી.
'કહો ને મને પ્લીઝ.' બન મસ્કા સાથે ખાવાને કારણે મારામાં એટલી હિમ્મત તો આવી જ ગઈ હતી કે મેં ફરી ફરીને એક સવાલ પકડી રાખ્યો. 'અક્ષય માટે.' એ બોલ્યા. 'અક્ષય માટે, એટલે ?' 'મારો અક્ષય છે ને ? એ ને કેન્સર હતું. આંતરડાની એક નળીમાં ખબર નહી કઈ રીતે ચાંદુ પડી ગયું. ડૉક્ટરને દેખાડ્યું તો પહેલાં તો એમણે કહ્યું કે ખાવાનાનું ઝેર લાગ્યું છે. પેલું શું કહે છે એને ? હા, ફુડ પોઈશનિંગ. દવા આપું છું, એક અઠવાડિયામાં સારૂં થઈ જશે. પણ અક્ષયને તો એક અઠવાડિયામાં સારૂં થવાની જગ્યાએ ઉલ્ટીઓ વધવા માંડી. એટલે મોટી હોસ્પિટલમાં ગયા. ત્યાં બધા રીપોર્ટ્સ કઢાવ્યા. તો ડૉક્ટર અક્ષયના પેટનો એક ફોટો મને બતાડતાં કહે એના પેટમાં નાનું આંતરડું ખરૂં ને એમાં ચાંદુ પડ્યું છે. મને ડોબી ને શું ખબર પડે કે ચાંદુ એટલે શું ? મેં પૂછ્યું હા, તો ડ્રેસીંગ કરી આપો ને, એટલે મારો નાનકો સાજો થઈ જાય. ડૉક્ટર કહે માજી આ ચાંદુ ડ્રેસીંગ કરવાથી સારૂં નહી થાય. મારો હારો ડૉક્ટર મને માજી કહે બોલ.' મારાથી હસી પડાયું.
'અક્ષય તો ત્યારે પંદર જ વર્ષનો. એના બાપા તો કે'વારના અમને એકલા મૂકીને ચાલી ગયેલા. અક્ષયનું ઑપરેશન કરવું પડે તેમ હતું. પણ હું બાઈ માણસ બોરીવલીની પ્રાથમિક સ્કૂલમાં નોકરી કરૂ, હું ક્યાંથી લાવું એટલા બધા પૈસા. ડૉક્ટરે તો કહી દીધું માજી સિત્તેર હજાર થશે. આવતી કાલે અડધાં રૂપિયા જમા કરાવી દો એટલે અક્ષયનું શનિવારે ઑપરેશન કરાવી નાખીએ. મારા પગ નીચેથી જાણે ભોંય જતી રહી. મેં ફરી ડૉક્ટરને કહ્યું પણ સાહેબ તમે ખાલી ડ્રેસીંગ કરવાના સિત્તેર હજાર માંગે તે હું ક્યાંથી લાવી આપું ? ત્યારે ડૉક્ટર મુઓ કહે કે, માજી આ ડ્રેસીંગ કરી આપવાવાળું ચાંદુ નથી. તમારા અક્ષયને આંતરડાંનું કેન્સર થયું છે. હેં કેન્સર ? મારી તો આંખો ફાટી ગઈ. મારા આવડા અમથા નાનકાને વળી કેન્સર ? ડૉક્ટર કહે કે, માજી કેન્સરને અને ઉંમરને કોઈ સંબંધ નથી એ ગમે તેને ગમે ત્યારે થઈ શકે. હું તો દોડી સ્કૂલમાં મોટા સાહેબને કહ્યું, સાહેબ મારા નાનકાનું ઑપરેશન કરાવવાનું છે. પૈસા આપો. ના નો પાડી એમણે, ઉપરથી આખી સ્કૂલમાં નોટીસ પણ ફેરવી કે બધા પોતાથી બનતી મદદ જરૂર કરો. એવું લખી ને. અક્ષયના રીપોર્ટ કઢાવવામાં ને કઢાવવામાં મારા સાત હજાર રૂપિયાતો ખર્ચાઈ પણ ગએલા. એના જન્મથી લઈ ને એ મોટો થયો ત્યાં લગી થોડાં થોડાં કરીને બચાવેલા પૈસામાંથી ખાલી હવે નવ હજાર રૂપિયા જ મારી પાસે બચેલાં. ને મારે જરૂર તો હતી બીજા એકસઠ હજારની. મારી સ્કૂલમાંથી બીજા અગિયાર હજાર મળ્યા. એ બધા લોકો પણ બિચારા મારા જેવાં જ હતા ક્યાંથી વધારે પૈસા આપી શકે. પણ સાહેબે કોકને વાત કરી ને મને લોન અપાવી દીધી. નાનકાનું ઑપરેશન થઈ ગયું.' હાશ ચાલો છોકરો બચી ગયો. મને થયું. મારે કોઈ લાગતું વળગતું નહોતું આ અક્ષય સાથે કે એની મા સાથે છતાં મારા મનમાં આવો વિચાર આવી ગયો.
'તો પછી હવે એની દવા માટે આ બધું તમારે કરવું પડે છે કે પછી ફરી કેન્સર ડીટેક્ટ થયું ?' મેં પૂછ્યું. પણ જાણે મારા સવાલથી એમની ચાલી રહેલી વાતને કોઈજ ફર્ક નહોતો પડી રહ્યો. એ બોલ્યે જતા હતાં. 'અક્ષયનું ઑપરેશન થઈ ગયું બાર દિવસ પછી અમે ઘરે પણ આવી ગયા. ઑપરેશન પછી એ સાજો થવા માંડેલો પણ બે જ મહિનામાં ફરી એક ચાંદુ ઉભરાયું. સાજો થઈ રહેલો મારો અક્ષય ફરી નંખાઈ ગયો. હું નોકરી પર જઈ નહોતી શકતી. એનું માથું ખોળામાં લઈ ઘરમાં બેસી રહેતી. પહેલાં જ ઑપરેશનમાં લોન લેવી પડી હતી હવે બીજા પૈસા હું ક્યાંથી લાવું ? નોકરીના મારા પગારમાંથી એની દવા અને લોનના હપ્તા પૂરા થતાં નહોતાં તે લોનવાળા પણ હપ્તાના પૈસા લેવા ઘરે ધક્કા ખાવા માંડ્યા. એ ચાંદાને કારણે એને ખુબ તાવ ચઢવા માંડ્યો અને એનું શરીર રોજ ને રોજ કંતાતું જતું હતું. ગમે તેમ તોય હું તો મા ખરી ને ? તે દોડી બોરીવલી સ્ટેશન તરફ. જે ટ્રેન સામે દેખાઈ તેમાં ચઢી ગઈ અને લોકોને કહેવા માંડી, મારા નાનકાને માટે પૈસા આપો ભાઈ તમારી મહેરબાની થાશે. પણ લોકો દયા ખાવાની જગ્યા એ થૂ થૂ વધારે કરતા. એક દિવસ આમ જ પૈસા માંગતા માંગતા હું આ ચર્ચગેટ લગી આવી ગઈ, મને ભાન જ ન પડ્યું કે અક્ષય ઘરે મારી રાહ જોતો હશે. પણ તે દિવસે ભાઈ મારી પાસે અક્ષયને ઈન્જેક્શન અપાવવા જેટલાં રૂપિયા ભેગા થઈ ગયા હતા એટલે હું ખુશ થઈ ગઈ. પણ મારો હારો ટી.સી. મલાડ સ્ટેશન લગી પહોંચી, ત્યાં તો એ ભટકાઈ પડ્યો. મારી પાસેથી રૂપિયા આંચકી લીધા. હું રડતી આંખે ઘરે પહોંચી. તો ત્યાં મારો નાનકો, ઓહ, મારા અક્ષયને હવે જરાય તાવ નહોતો, શરીર એકદમ ટાઢું થઈ ગયું હતું. એને પેટમાં પણ દુખતું નહોતું. મને એમ કે ઘણાં દા'ડે દિકરાને આરામ મળ્યો છે એને સૂવા દઉં, પણ સાંજ થઈ ગઈ તોય નાનકો તો ઉઠ્યો જ નહી. મેં એને જગાડવાની કોશિશ કરી જોઈ પણ ભાઈ, મારો અક્ષય જીવતો હોય તો ઉઠે ને!' તે પછી અક્ષય લાંબુ જીવી નહી શક્યો. અરેરે આ શું થઈ ગયું એમનું છેલ્લું વાક્ય સાંભળતા મારી અંદર કંઈ કૂચડો વળી ગયો હોય તેમ લાગ્યું.
'મારો નાનકો, મારો અક્ષય ચાલી ગયો. પહેલાં એના બાપ અમને એકલાં મૂકી ને ચાલવા માંડ્યા અને હવે અક્ષય. હું એકલી થઈ ગઈ. રડું પણ તો કોની સામે ? એટલે મેં મારી જાતે જ મારી આંખો લૂંછી નાખી. આજે સત્તાવીસ વર્ષ થઈ ગયા, હું અક્ષયને આ રીતે જીવતો રાખું છું. હું તો હવે એકલી બાઈ મારે પૈસાની શું જરૂર અને હોય પણ તો કેટલાં ? એટલાં તો મારી સ્કૂલની નોકરીના પેન્શન માંથી મળી જ રહે છે. પણ બસ, નવરાશના સમયે આવી કોઈ ટ્રેનમાં ચઢી જાઉં છું અને જે કોઈ જે કંઈ જરા તરા આપે તે લઈ લઉં છું. મહિને દા'ડે જે રકમ ભેગી થાય તેમાં એટલી જ બીજી રકમ મારા પેન્શન માંથી ઉમેરી અક્ષય જેવા કોઈ ગરીબ છોકરાને કેન્સરના ઈલાજમાં જરૂર હોય તો આપી આવું છું. આ રીતે મારો અક્ષય જીવતો હોવાનો મને સંતોષ મળી રહે છે. એકલી બાઈ માણસ ઘરે બેસીને પણ શું કરૂં ? ઉંમર એટલી થઈ ગઈ છે કે નોકરી તો કોઈ હવે આપવાનું નથી. તો મેં મારો રસ્તો કરી લીધો બીજું શું ? બાકી ભીખ માંગવી આજે કોને ગમે છે ? પણ દીકરા ભીખ જ્યારે પોતાને માટે માંગતા હોય ને ત્યારે એ ભીખની શરમ હોય ! અને આમેય મારે હવે કોના માટે મારી ઈજ્જત સાચવવાની છે કે લોકો શું કહેશે નો વિચાર કરૂં ? ચાલ્યા કરે છે. વર્ષે દિવસે ચાર પાંચ અક્ષય પણ કેન્સરને હરાવી જીવી જાય તો મને એમ થાય કે મારો નાનકો જીવી ગયો. અરે, જો વાતમાં ને વાતમાં તારે ઓફિસ જવાનું આજે મોડું થઈ ગયું ને ?' પણ ખબર નહી કેમ હું કાંડા ઘડિયાળમાં ટાઈમ જોવાની જગ્યાએ એ ઓરતને ભેટી પડ્યો. એના ગંદા હાથ કે ચિંથરેહાલ સાડલા પર મને હમણાં સૂગ નહોતી ચઢી રહી. કદાચ મારી આંખ એ બધું જોઈ શકે એટલી કોરી જ રહેવા નહોતી પામી.