જયશ્રી ભટ્ટ દેસાઈ
31, મનીપુર ગ્રીન્સ બંગલોઝ,
મનીપુર બસસ્ટેન્ડ પાસે, સંસ્કારધામ સામે,
બોપલ-ઘુમા રોડ, પોસ્ટ-ગરોડિયા,
અમદાવાદ-382 115.
+91 98250 76303
dineshdesai303@gmail.com
પરિચયઃ- જયશ્રી ભટ્ટ દેસાઈ
0000000000000000000000000000000000000000000000000000
નવલકથાકાર-વાર્તાકાર અને કવયિત્રી જયશ્રી ભટ્ટ દેસાઈનો જન્મ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે તા. 8મી મે, 1969ના રોજ થયો. અહીં જ તેઓએ શાળા-કોલેજનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ સુરતમાં રહીને તેઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેથ્સ્-ફિઝિક્સ સાથે સને 1991માં એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો. સને 1994માં લગ્ન થયા બાદ તેઓ અમદાવાદ આવ્યાં. અહીં તેઓએ સને 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ્.ની પદવી પ્રાપ્ત કરી. વાચન-લેખન-અભ્યાસનો શોખ તેઓને શિક્ષણક્ષેત્રે લઈ આવ્યો, એમ આ શોખ થકી જ તેઓ નવલકથા, ટૂંકી વાર્તાઓ અને કવિતાના સર્જનકર્મ તરફ વળ્યા.
તેઓની પ્રથમ લઘુનવલકથા અગનપિપાસા સને 2009માં દિવ્યભાસ્કરની ડી.બી.ગોલ્ડ – સુરત આવૃત્તિમાં ધારાવાહીકરુપે પ્રગટ થઈ ત્યારે વાચકોએ એ કૃતિને ઉત્સાહભેર વધાવી લીધી હતી. આ લઘુનવલકથા સને 2015માં જ જાણીતી ગુજરાતી પ્રકાશનસંસ્થા રન્નાદે પ્રકાશન તરફથી પુસ્તકસ્વરુપે પ્રગટ થઈ છે. શ્વાસની પાનખર તેમની બીજી નવલકથા છે, જે ટૂંક સમયમાં પુસ્તકસ્વરુપે પ્રગટ થઈ રહી છે.
તેમની કેટલીક ટૂંકી વાર્તાઓ જુદા જુદા સામયિકોમાં પ્રગટ થતી રહી છે. તેમની કથાઓ મુખ્યત્વે સામ્પ્રત સમાજના કથાનકને તાકે છે. તેમની કથાઓ મહિલાપ્રધાન સવિશેષ હોય છે. મહિલાઓના માનવમનની સંકુલ અને નિભ્રાંત વિભાવનાઓ અને સંવેદનાઓને તેઓ પોતાની કથામાં રસપૂર્વક પ્રસ્તુત કરતા રહ્યાં છે. આમ તેમની કથાઓ મુખ્યત્વે સામ્પ્રત સમાજના કથાનકને તાકે છે. તેઓ માનવમનની સંકુલતા અને સમ્ભ્રાન્ત અવસ્થાને મનોવૈજ્ઞાનિક ઢબે કલમ દ્વારા વ્યક્ત કરે છે. તેઓની રજૂઆતની શૈલી સરળ, રસાળ, ચોટદાર અને ભાવવાહી હોવાથી સાધારણ વાચકથી લઈને વિશેષ સજ્જતા ધરાવતા વાચકને પણ સમાન રીતે તેમની કથા પરિતોષ-આનંદ આપે છે. તેઓની કથનશૈલી ધ્યાનાર્હ છે. તેઓની કથાઓનું કેન્દ્રબિન્દુ સમાજ હોય છે. તેઓની રચનારીતિમાં પાત્રના, માનવમનની સંકુલતાનું બારીક નિરીક્ષણ મળી આવે છે, જે વાચકમનને સ્પર્શે છે.
સને 1988-89થી, પહેલાં વલસાડ અને ત્યાર બાદ અમદાવાદમાં તેઓએ સફળતાપૂર્વક સાયન્સ વિદ્યાશાખામાં કૉચિંગ આપીને ભણવામાં સામાન્ય વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા બનાવ્યા. શિક્ષણક્ષેત્રની 27 વર્ષ ઉપરાંતની ઝળહળતી કારકિર્દી દરમિયાન કેટલાક સમય માટે તેઓએ અમદાવાદની બે પ્રતિષ્ઠિત શાળા (1) ધી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ, ધીકાંટા, અને (2) ધી એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ, મેમનગરમાં શિક્ષણકાર્ય કર્યું. હાલ તેઓ (3) લક્ષ્મણ જ્ઞાનપીઠ (સંસ્કારધામ) માધ્યમિક શાળામાં સેવાઓ આપી રહ્યાં છે. તેઓ વર્ષોથી તકવંચિત અને નબળા વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા બનાવવાના આશયથી નિઃશુલ્ક ધોરણે કૉચિંગકાર્ય પણ કરતાં આવ્યાં છે.
હરીશ વટાવવાળા
જાણીતા સાહિત્યકાર-વિવેચક, વડોદરા.
ટૂંકી વાર્તા
શીર્ષકઃ- “વારસો” / જયશ્રી ભટ્ટ દેસાઈ
00000000000000000000000000000000000000000000000000000000000000
ચાર-પાંચ વર્ષની પારુ આજે સાવ અચાનક રિયાની આંખો સામે તાદૃશ્ય થઈ ગઈ. આજે તો પારુ પચાસ વર્ષની ઉંમરે પહોંચવા આવી, છતા એવીને એવી જ છે. જરાય નથી બદલાઈ.
રિયા એનાથી ચાર વર્ષ નાની. રિયાને થયું કે મોટી બહેન સહેજ પણ બદલાઈ નથી. એ વખતે તેણે મારા હાથમાંથી ઢિંગલી છીનવી લીધી હતી અને આજે..?
જિંદગી ચાલ્યા કરે છે અને રિયાને પોતાના જ બે તકિયા કલામ “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.” મનોમન પડઘાવા લાગ્યા. કદાચ આ તકિયા કલામનો વારસો રિયાને પોતાની મા મંદા બા પાસેથી જ તો મળ્યો હતો. એનું જ પરિણામ તો એ વેઠી રહી હતી. બસ, રિયાની નજર સામે બધું સિનેમાના દ્રશ્યોની જેમ ફરવા લાગ્યું.
નામ મુદ્રિકા, પણ ઘરમાં સૌ માને મંદા બા કહીને માનથી બોલાવતા. મંદા બાએ જ કહેલું કે પોતે પરણીને સાસરે આવ્યાં ત્યારે તો અમદાવાદની પોળના મેડીબંધ મકાનમાં આણું કરેલું. ઘર મોટું એમ ઝવેરી પરિવાર પણ મોટો. આખા ઘરના કામમાંથી કશું વિચારવાની તો ફુરસદ જ ન મળે. જો કે મુકેશ ઝવેરી બધું સમજતા. એટલે જ એક દિવસ તેમણે વડીલો સહિત પરિવારમાં જાણ કરી કે મારી કંપની તરફથી લોન-સહાય ઉપર નારણપુરામાં નાનકડો બંગલો મળી રહ્યો છે.
મુદ્રિકા અને મુકેશે આ રીતે નવા બંગલામાં ગૃહસ્થજીવનનો આરંભ કર્યો હતો. મા-બાપ આ બંગલાને શુકનિયાળ માનતા. અહીં રહેવા આવ્યાના પહેલા જ વર્ષે પારુલનો જન્મ. જો કે એ જમાનામાં પણ દીકરીના જન્મના સમાચાર મળતા જ કેટલાક સોગિયા લોકો મોંઢું મચકોડતા. પરંતુ મુકેશ અને મુદ્રિકાને મન તો દીકરો હોય કે દીકરી, સંતાન સૌ એક સમાન. પહેલી દીકરીના ઉછેરમાં ધ્યાન આપી શકાય એ વાસ્તે જ કદાચ બીજા સંતાન વચ્ચે ચાર વર્ષનો ગાળો રાખ્યો હશે, એવું રિયા માનતી. રિયાના જન્મ વખતે પારુલ ચાર વર્ષની. ઘરમાં બધા એને પારુ કહીને જ બોલાવે.
મા-બાપ માટે તો બેઉ સંતાન જાણે એમની બે-બે આંખો. આમ છતા રિયા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સમજતી પણ ગઈ કે મા-બાપનું ત્રાજવું પારુ તરફ થોડું વધારે નમતું રહે છે. પારુ મોટા ભાગે છોકરાઓ જેવા જ કપડાં પહેરવાનું પસંદ કરે અને મા-બાપ એને એમ કરવા પણ દેતા. કદાચ એમ કરીને મા-બાપ પોતાને દીકરો નહીં હોવાનો રંજ થોડો વખત માટે દૂર કરી શકતા હોય.
માંડ એક વર્ષની હતી ત્યારે પણ રિયાને બધું બરાબર યાદ છે કે ચાર વર્ષ મોટી બહેન પોતાને રમાડવા કે સાચવવાના બદલે પોતાના હાથમાંથી રમકડું ઝૂંટવી લઈને ક્યાંય ભાગી જતી, પોતાને રડતી મૂકીને. પારુ આજે પણ આવી જ છે. રિયાના હાથમાંથી કશું પણ ઝૂંટવી લે અને તેને રડતી મૂકી દે. કદાચ સાડા ચાર દસકામાં કશું જ બદલાયું નથી.
રિયાને પોતે સાત વર્ષની હતી ત્યારની એ દિવાળી યાદ આવી ગઈ. જ્યારે મંદા બાએ રિયાને સમજાવીને પટાવી હતી કે “બેટા, તું તો નાની છું, પણ સમજદાર છે અને પારુ મોટી છે તો પણ તોફાની છે. આ વખતે પપ્પાને બોનસ મળવાનું નથી અને ઘરમાં ખેંચ છે તો એકલા પારુનાં જ નવાં કપડાં લઈશું અને પારુના નવાનક્કોર ડ્રેસ એમ જ પડી રહ્યાં છે, એમાંથી તું કોઈ પણ પસંદ કરી લેજે. પછી વખત આવ્યે તને નવો ડ્રેસ અપાવી દઈશું. ચલાવી લઈશ ને...રિયા? મારી વહાલી દીકરી મારું કહ્યું તો માનશે જ ને.”
અને, રિયાનો જવાબ હોય કે “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.”
રિયાને થયું કે જો હું આવી વસ્તુઓની યાદી બનાવું તો પાર ન આવે. પારુનાં ઉતરેલાં કપડાં, પારુનું પર્સ, પારુનું સ્કૂલ-દફતર, પારુની ડાયરી, પારુની હેર-પિન, પારુનાં શૂઝ અને સેન્ડલ, પારુનાં શોક્સ, પારુની મેક-અપ કિટ અને વળી પારુની સાઈકલ...
રિયા મનોમન બોલી ઊઠી, “ઓહ માય ગોડ, પારુની સાઈકલ... શિટ્ટ... એની ભંગાર સાઈકલે તો મને ચાર વાર અકસ્માત કરાવ્યો.”
રિયાએ મા-બાપ સમક્ષ નવી જ સાઈકલ લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રિયાએ કહ્યું પણ ખરું અને જીદ પણ કરી કે “હવે તો તે નવમા ધોરણમાં આવી ગઈ છે. સાઈકલ લઈને જ સ્કૂલે જવું છે. પારુની જૂની અને ઠાઠિયું થઈ ગયેલી સાઈકલ નથી વાપરવી.” પરંતુ ફરી એક વાર મંદા બાએ લાગણીના વહેણમાં રિયાને વહાવી જ લીધી
મંદા બાએ રિયાને કહ્યું હતું કે “બેટા, તું તો સમજદાર છે. તું કંઈ પારુ જેવી તોફાની ઓછી છું. તને મા-બાપની લાગણી થાય છે ને. તો પછી ખોટી જીદ નહીં કરવાની. પારુ તારી મોટી બહેન છે, એની દેખાદેખી કે અદેખાઈ તારે નહીં કરવાની. મોટાનું માન રાખવાનું અને અત્યારે તારા પપ્પા પાસે એવા પૈસા બચ્યા નથી કે તને નવી સાઈકલ અપાવી શકીએ.”
આ વખતે પણ રિયાનો જવાબ હોય કે “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.”
રિયાને હરહંમેશ સવાલ થયો કે મા-બાપને મારે માટે કોઈ ચીજ કે વસ્તુ ખરીદવાની આવે ત્યારે જ પ્રોબ્લેમ કેમ થાય છે. પારુને કંઈ પણ ખરીદીને આપવાનું હોય ત્યારે પપ્પાને કે મમ્મીને નાણાંભીડ કેમ નથી થતી?
દુનિયાની નજરમાં અને સમાજમાં કે પાસ-પડોશમાં પણ મુદ્રિકા અને મુકેશ એક આદર્શ કપલ ગણાતા. એમની બેઉ દીકરીઓ પારુલ અને રિયાને પણ એ જ માન મળતું. જો કે ઘરના કોઈક ખુણે રિયા અંધકારની આડશમાં આંસુ સારી લેતી, એ કોઈની નજરે ચઢતું નહીં.
રિયાને ઘણી વાર સવાલ થાય કે શું હું મારા મા-બાપની વહાલી દીકરી નથી? શું મારા મા-બાપ મારા પોતાનાં નથી? શું હું સાવકી દીકરી છું? શા માટે મારા પ્રત્યે આવું ઓરમાયું વર્તન રાખવામાં આવે છે? શા માટે દર વખતે મારે જ ચલાવી લેવાનું? શા માટે દર વખતે મારે જ કહેવાનું કે “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.”
હદ તો ત્યારે થઈ કે પારુને બારમા ધોરણમાં સાવ ઓછા ટકા આવ્યા હતા અને તેણે એન્જિનિયરિંગ લાઈનમાં એડમિશનની જીદ પકડી હતી. પોઈન્ટ ઉપર માર્ક્સ હોવાથી પારુને કોઈ કાળે પ્રવેશ મળે એમ નહોતો. આમ છતા પપ્પાએ રૂપિયા દોઢ લાખ ખર્ચીને પારુને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવ્યું હતું.
રિયાને પોતાની સાથે કેમ ભેદભાવ કરવામાં આવે છે એની ખબર પડતી નહોતી પરંતુ ભેદભાવ થઈ રહ્યો છે એવી તો ખબર પડતી જ હતી. હવે વારો રિયાનો આવ્યો હતો. તેણે તો પોતે નવમા ધોરણમાં હતી ત્યારથી જ મમ્મી-પપ્પાને કહી દીધું હતું કે “હું તો મેડિકલ લાઈનમાં જ જવાની છું અને હું તો ડોક્ટર જ બનવાની છું.”
રિયા જ્યારે બારમા ધોરણમાં આવી ત્યારથી તેણે તનતોડ મહેનત કરી હતી. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તે ગુજરાત બોર્ડના ટોપ ટેન સ્ટુડન્ટ્સમાં હતી. તેની ડોક્ટરી લાઈનમાં જવાની રાહ તો આસાન જ હતી. પરંતુ પપ્પાને છુપો ભય એ હતો કે મેડિકલ લાઈનમાં દીકરીને ભણાવવામાં ભારે ખર્ચ થશે અને હજુ તો બે દીકરીઓને પરણાવવાનો ખર્ચ પણ માથે જ છે ને.
મા-બાપે ભેગા મળીને રિયાને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું કે “ના, રિયા. તારે મેડિકલ લાઈનમાં જવાનું નથી. બહુ બહુ તો ફાર્મસી કે બી.એસસી.માં તારે ગ્રેજ્યુએટ થવું હોય તો અમારી તૈયારી છે. બાકી તો...”
એ દિવસે રિયા આખો દિવસ રડી હતી. રડી રડીને આંખો સુજી ગઈ હતી. રાતે ઊંઘ પણ આવી નહોતી. પડખાં ફેરવી ફેરવીને રાત પસાર કરી હતી. બીજા દિવસે રિયાએ પોતાનો એ જ જૂનો તકિયા કલામ કહેવો પડેલો કે “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.”
રિયા કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે પારુનું ભણવાનું તો ક્યારનું ય પુરું થઈ ગયું હતું. તેને કોલેજમાં કેમ્પસ ઈન્ટરવ્યુમાં ઓછા ટકાના કારણોસર નોકરી ઓફર થઈ નહોતી. આથી તે ઘરે જ રહેતી. પપ્પા રિટાયર્ડ થયા હતા અને થોડી ઘણી મૂડીના વ્યાજમાં ઘરનું ગાડું ગબડતું હતું. પારુના લગ્નની વાતો ચાલતી હતી. જુદા જુદા છોકરાપક્ષના પરિવારો પારુને જોવા માટે આવતા.
લગ્નોત્સુક યુવાન ઘરમાં આવે અને રિયા હાજર હોય તો તેને જ કન્યા તરીકે પસંદ કરી લે. પછી જો કે તેમને ભુલ સમજાય કે રિયા તો નાની દીકરી છે. અહીં પારુનો સહેજ શ્યામ વર્ણ પણ કારણભૂત રહેતો. કેમ કે પારુ તેની નાની બહેન રિયા કરતા થોડી ભીને વાન ખરી. જ્યારે રિયા તો જાણે રૂપસુંદરી.
વાત પામી ગયેલા પપ્પાએ મમ્મી સાથે મસલત કરીને એક વાર તો રિયાને હસતા હસતા કહ્યું પણ ખરું કે “બેટા, રિયા. તું જ્યારે ઘરમાં હોય છે ત્યારે પારુને જોવા આવનારા યુવકો તને જ પસંદ કરી બેસે છે અને બિચારી પારુનું કશું ગોઠવાતું નથી. આથી એક કામ કરજે, હવે કોઈ વર પક્ષવાળા પારુને જોવા આવવાના હોય ત્યારે તું બંગલાના ઉપરના માળે જ રહેજે અથવા થોડી વાર માટે ક્યાંક બહાર આંટો મારી આવજે...”
રિયા તો પપ્પાની આ વાત સાંભળીને રીતસરની ડઘાઈ જ ગઈ હતી. તેને પોતાની જિંદગીનું આ સૌથી મોટું અપમાન જ લાગેલું. તેને પોતાના રુપ અને દેખાવ ઉપર જ ભારોભાર નફરત ઉપજી આવી હતી. તેને પોતાની જાત ઉપર કદાચ જિંદગીમાં પહેલી વાર ગુસ્સો આવ્યો હતો. રિયા રડવા માગતી હતી અને રડી શકી નહોતી. જીવનની આથી મોટી વળી બીજી કઈ વિડંબના હોઈ શકે?
એક વાર મસ્તીખોર જીજાજીએ તો પારુની હાજરીમાં જ કહ્યું પણ હતું કે “હું પારુને જોવા માટે પહેલીવાર તમારા ઘરે આવ્યો ત્યારે તું ઘરે જ નહોતી. નહીં તો કદાચ મેં તને જ પસંદ કરી લીધી હોત...”
આ સાંભળીને પારુને ગુસ્સો પણ આવ્યો હતો અને તેણે પોતાના પતિને મીઠો ઠપકો પણ આપ્યો હતો કે “શું પરિમલ, તમેય તે... જરાય શરમાતા નથી. બહુ સારા નથી લાગતા હોં. હવે તો છોકરો બાવીસ વર્ષનો થવા આવ્યો ને છોકરાની પરણવાની ઉંમરે આવું બોલતા શરમ નથી આવતી...”
રિયાને ડોક્ટર થવું હતું પણ ન થઈ શકી, એનો રંજ તો એને આજે છેંતાળીસ વર્ષની ઉંમરે પણ છે જ. અલબત્ત રિયાએ ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરતાની સાથે જ કેમ્પસ ઈન્ટરવ્યુમાં સરકારી નોકરી મળી ગઈ હતી, એથી તે આજે પણ પગભર તો હતી જ. ઘરમાં જ્યારે રિયાની લગ્નની વાતો ચાલતી ત્યારે એકવાર મમ્મી-પપ્પા સમક્ષ પોતાના ભાવિ પતિની પસંદગી વિશે પણ રિયાએ વાત કરી હતી કે “ભલે હું તો ડોક્ટર ન બની શકી, પરંતુ હું પરણીશ તો કોઈક ડોક્ટરને જ. હા, હું પતિ તરીકે કોઈ ડોક્ટર યુવાનને પસંદ કરવા માગું છું...”
પરંતુ હાય રે કિસ્મત. અહીં પણ રિયાએ એ જ તકિયા કલામ ઉચ્ચારવો પડેલો કે “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.” કેમ કે રિયાને રિયાલિટીનો ખ્યાલ આવતા વાર ન લાગી કે ડોક્ટર યુવાન હંમેશા ડોક્ટર થયેલી યુવતીને જ જીવનસાથી તરીકે પસંદ કરતા હોય છે. સમાજમાં પણ ડોક્ટર યુવાન મળે એવી ખોજ મમ્મી-પપ્પા કરે તો પણ કઈ રીતે કરે?
રિયા માટે મુરતિયો જોવામાં ને જોવામાં સમય વીતતો ચાલ્યો હતો અને રિયા હવે પચ્ચીસ વર્ષની થવા આવી હતી. હવે તો સમાજમાંથી પણ સ્યુટેબલ બોય મળવો સહેજ મુશ્કેલ હતો. રિયાનો ઝવેરી પરિવાર ચુસ્ત અને મરજાદી વૈષ્ણવ પરિવાર. જો કે તેમની અટક પરથી કોઈકને તેઓ જૈન હોય એવી પણ વિચારણા થાય. એ તો જો કે આડ વાત. પરંતુ હકીકત એ બની કે વૈષ્ણવ સિવાય હવે પરનાતના મુરતિયા પણ ઝવેરી પરિવારે રિયા માટે જોવાના શરુ કર્યા. બસ, એમાં જ રિયાનાં વેપારી પરિવારના યુવાન પરેશ પટેલ સાથે લગ્ન ગોઠવાયાં.
મમ્મી-પપ્પાએ તો પટેલ પરિવારને લગ્ન પહેલા જ ચોખ્ખું પરખાવી દીધેલું કે “જુઓ, વેવાઈ. અમે પટેલ પરિવારના રીત-રિવાજો પ્રમાણે કોઈ કરિયાવર કે દહેજ નહીં આપી શકીએ. અમે તો બસ, વૈષ્ણવ પરિવારના અમારા સમાજના નીતિ-નિયમો અનુસાર શક્તિ પ્રમાણે વ્યવહાર કરીશું. બાકી તો કંકુ ને કન્યા. પછી તમારી જેવી મરજી.”
રિયાને હજુ પણ નવાઈ લાગે છે કે પરેશ પટેલ અને તેનાં મમ્મી-પપ્પા મારી સાથે લગ્ન કરાવવા રાજી કેમનાં થઈ ગયાં હતાં? કેમ કે પટેલ પરિવારમાં તો લાખો રૂપિયાનો દાયજો અને વળી સો-સો તોલા તો સોનું અને ચાંદી અને વળી બીજો કારભાર તો ખરો જ. જો કે રહેતા રહેતા રિયાને એ પણ સમજાઈ ગયું હતું કે પટેલ પરિવાર માટે સરકારી નોકરી કરતી પુત્રવધૂ અને તેનો સરકારી આંકડાનો પગાર કોઈ દહેજથી કમ નહોતાં. વેપારી પતિ પરેશના નફાની પોલ પણ લગ્ન પછી ખુલી જ ગઈ ગતી. પરંતુ હવે રિયા માટે પડ્યું પાનું નિભાવી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
મુકેશ ઝવેરીના અચાનક મૃત્યુથી મંદા બા હવે એકલાં પડી ગયાં હતાં. મસમોટા બંગલામાં તેમને એકલું એકલું લાગતું. જો કે મંદા બાને તો બેઉ દીકરી શહેરમાં જ પરણી હોવાથી ટેકો રહેતો. જ્યારે મન થાય ત્યારે વારવાફરતી બેઉ દીકરીને મળવા બોલાવી લેતા. પછી તો બેઉ બહેનો પારુ અને રિયાએ જાણે કે એક ટાઈમ ટેબલ જ બનાવી દીધું કે એક દિવસ મોટી બહેન માને મળવા આવી જાય અને બીજા દિવસે નાની બહેન મા પાસે આવી જાય. આમ વારાફરતી બેઉ દીકરી મંદા બાનું ધ્યાન રાખવા જાય.
રિયાને સંતાનમાં એક જ દીકરી અને તે પણ દસમા અને બારમાના કેરિઅર-પોઈન્ટ ઉપર. આથી રિયાનું છેલ્લા ત્રણેક વર્ષમાં મંદા બા પાસે જવાનું અનિયમિત રહ્યું. પારુએ કહેલું કે કશો વાંધો નહીં, તે અને તેનો દીકરો પલ્લવ વારાફરતી મંદા બા પાસે જાય જ છે. પારુને પણ એક જ દીકરો. પલ્લવ પણ પચ્ચીસ-છવ્વીસ વર્ષનો થવા આવ્યો હતો.
અચાનક એક દિવસ રિયાને સમાચાર મળ્યા કે મંદા બા સિરિયસ છે અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તાત્કાલિક પહોંચો. રિયા પોતાની સરકારી નોકરીમાં અર્ધી રજા મૂકીને હોસ્પિટલ દોડી ગઈ ત્યારે તો મંદા બાએ દેહ મૂકી દીધો હતો. રિયાએ દબાવી રાખેલું ડુસકું નીકળી જ ગયું.
મંદા બાની મરણોત્તર ક્રિયાઓ પાર પાડવામાં આવી. બરાબર પંદર દિવસ વીતી ગયા અને એક દિવસ અચાનક પલ્લવ રિયાના ઘરે આવ્યો અને કેટલાક ઝેરોક્સ કાગળિયા આપી ગયો. “રિયા માસી, આ મંદા બાની વસિયતની કોપી છે. બા બંગલો મારા નામે કરીને ગયા છે.”
રિયાને તો કાપો તોય લોહી ન નીકળે એવી ડઘાઈ ગઈ. તેને થયું કે આ બધું શું થઈ રહ્યું છે? માએ તો કોઈ દિવસ વસિયતની વાત જ કરી નથી. માએ તો શું, પપ્પાએ પણ વસિયત બનાવી નહોતી. સીધી લીટીના વારસદાર તરીકે પપ્પાના અવસાન બાદ બંગલો અને તમામ મિલકત મંદા બાની ગણાય અને મંદા બાના અવસાન પછી સીધા વારસદાર તરીકે આ મિલકત ઉપર બે દીકરીનો સરખો લાગ-ભાગ ગણાય. તો પછી આ છે શું?
પરેશ પટેલે એક વાર જે કહેલું એ પણ રિયાને યાદ આવી ગયું, “તારી માએ કોઈ વસિયત કે કાગળિયા કર્યા છે કે નહીં? આમ તો બંગલાનો ભાગ તમને બે બહેનોને જ હોય, પરંતુ... આ તો ન કરે નારાયણ ને. કારણ કે આજની બજાર કિંમત જોતા નારણપુરામાં આ સાતસો વારના પ્લોટમાં આવેલા પાંચસો વાર બાંધકામવાળા બંગલાની કિંમત પાંચ કરોડ તો ખરી જ.”
ભલે મા-બાપના બંગલાનો વારસો કે વારસાઈ હક્ક તો ન મળ્યો, પણ માએ આપેલો “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.” તકિયા કલામનો વારસો હજુ રિયા પાસે જ હતો.
આ વખતે રિયાના ગળે ડૂમો ભરાઈ આવ્યો. એના ગળામાં ડુસકું જાણે ફસાઈ ગયું હતું. એ રડવા ને ચિત્કારવા માગતી હતી, પરંતુ તે એમ ન કરી શકી. જિંદગીના સાડા ચાર દસકા વીતી ગયા. રિયાને થયું કે મોટી બહેન સહેજ પણ બદલાઈ નથી અને કદાચ પોતે પણ સહેજેય નથી બદલાઈ સહન કરવાની બાબતમાં.
00000000000000000000000000000000000000000000000000000000000000
સમાપ્ત