Whatappno traas Jo baka taklif to rehvani in Gujarati Magazine by Jaydeep Pandya books and stories PDF | વોટસએપનો ત્રાસ જો બકા તકલીફ તો રહેવાની જ

Featured Books
Categories
Share

વોટસએપનો ત્રાસ જો બકા તકલીફ તો રહેવાની જ

વોટસએપનો ત્રાસ જો બકા તકલીફ તો રહેવાની જ

- જયદીપ પંડયા

બાળકોથી માંડી વડીલો સૌ કોઈ આજકાલ સ્માર્ટફોનના જાણે વ્યસની થઈ ગયા છે. શરૂઆતે નવી નવી એપનો ક્રેઝ હતો. પણ હવે તીનપત્તી, રમી, કેન્ડી ક્રેશ જેવી અનેકવિધ રમતો અને સોશિયલ મીડિયામાં ફેસબૂક અને ખાસ તો વોટસએપ જેવી પસંદગીની એપ્સનું લોકોને ઘેલું લાગ્યું છે. જોકે અતિની કોઈ ગતિ હોતી નથી. એવું જ કંઈક સોશિયલ એપ્સનું થયું છે. ફેસબૂક અને વોટસએપથી મોટાભાગનો વર્ગ કંગાળી ગયો છે. ત્રાસદાયક લાગવા માંડયા છે એ હકીકત છે. વિવેકપૂર્ણ ઉપયોગ કોઈપણ ટેકનોલોજી કે શોધથી ક્રાંતિ સર્જી શકે. જોકે આપણે ત્યાં પોઝિટિવ કરતા નેગેટિવ ઉપયોગ અને અનહદ વપરાશથી હવે ખૂબ સારી શોધ ગણાતી વોટસએપ માથાના દુ:ખાવા સમાન બનવા જઈ રહી છે.

પાર વિનાના ખાલીપીલી થતા અનહદ મસેજે, સતત અપલોડ થતા ફોટોગ્રાફસ, કલીપ્સ અને તદન વાહિયાત-ખોટા સમાચારોને ક્રાંતિકારી શોધને બદનામ કરી નાખી છે. એના કારણે હવે એપ્સથી દૂર થવા માગતા લોકો પણ અનિવાર્ય અનિષ્ટની જેમ મોહમાંથી છૂટી શકતા નથી. છુટવા માંગવા છતા આ ચુંગલમાંથી છુટકારો મળતો નથી. આના કારણે જ નવી બીમારીઓ શરીરમાં ઘર કરવા લાગી છે.

જયાંથી જે મેસેજ આવે તે સંદેશાને 'જા બિલાડી મોભામોભ'ની ફોરવર્ડ કરવામાં આવે છે. પછી એમાં સાચું ખોટું, સારાં નરસાંનું ભાન, સેન્ડર રાખતો જ નથી. અફવાનું બજાર સતત હોટ રહે છે. આ મેસેન્જર ટેકનોલોજી મારફતે ધાર્મિક ટિપ્પણીઓ, રાજકીય અખાડાની ટિપ્પણીઓ થઈ રહી છે. પરંતુ તેમાની કેટલીક વિગતો તેના વપરાશકર્તાને ગંભીર નુકશાની પહોંચાડી શકે છે અને પહોંચાડયાના ઘણા કિસ્સા પણ સામે આવ્યા છે. ઝડપથી મેસેજ પહોંચાડી દેવાની લ્હાયમાં ખરાઈ કર્યા વગર સમાચારો ફોરવર્ડ કરવામાં આવે છે પરિણામે કેટલાક સામાજિક તત્વો તેમના ઈરાદામાં પાર ઉતરે છે. અફવાઓ લાખો લોકોસુધી પલવારમાં પહોંચી જાય છે. જેનાથી દેશ, સમાજને મોટું નુકશાન થાય છે. કયારેક તો ઝઘડાનું કારણ પણ બને છે. અરે...ઘણાને ખબર નહીં હોય કે ખરાઈ કર્યા વગર મેસેજ ફોરવર્ડ કરવા એ પણ ગુનાને પાત્ર છે. ખોટા મેસેજ વહેતા કરવા બદલ કલમ 66 (એ) અનુસાર ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

ટેકનોલોજીના દૂર ઉપયોગે હમણા હમણા ઘણાને સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા હતા. તો ઘણાને ત્યાં આઈ.ટી.ની રેડ પણ પડાવી. પોલીસની ઉંઘ પણ ઉડાડી દીધી છે. ગુજરાતી ફિલ્મનો હિરો નરેશ કનોડિયાથી બોલીવૂડ કલાકાર દિલીપકુમાર સુધીના નામ, અનામી કલાકારોને વારંવાર સ્વર્ગમાં મોકલી દીધા હતા. અભિનેતાઓએ પોતે હજી હૈયાત છે તેવા ખુલ્લાસ કરતા વીડિયો આ માધ્યમમાં જ ફરતા કરવા પડયા હતા. દિલીપકુમાર માટે ખુદ સાયરાબાનુએ સ્પષ્ટતા કરવી પડી કે દિલીપ સાહેબ હજુ જીવે છે.

આવી અફવામાં પત્રકારો પણ આવી જાય છે. આગળ પાછળ જાણ્યા વગર ધંધે લાગે છે. ઉતરની ઘટના દક્ષિણમાં ફીટ કરી દેવામાં કેટલાક લોકો માહિર હોય છે. થોડા સમય પહેલા અમરેલી પાસે એક અકસ્માતમાં 4પ લોકોના મૃત્યુના ફોટા વહેતા થતા પોલીસ સ્ટેશને ફોન રણકવા લાગ્યા હતા. આ સમાચારની ખરાઈ કરતા પોલીસ અને પત્રકારોમાં દોડધામ મચી હતી. વાસ્તવમાં ભારતમાં અન્ય કોઈ ભાગમાં આ ઘટના બની હતી.

અફવા બજારે રાજકોટની કેટલીક હોટેલને ભીંસમાં લીધી હોવાનું વારંવાર બન્યું છે. નવરા લોકો ગમે તે હોટલનું નામ જોડી સેકસ રેકેટ પકડાયાના સમાચાર વોટસએપમાં વહેતા કરી મુકે છે. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર અગ્રણી જેવલર્સમાં 10 કરોડ રૂપિયાની લૂંટ થયાના સમાચારો પણ તસવીર સાથે ફરતા થયા હતા. જેવલર્સની બહાર ભીડ ખરેખર ઈન્ટરવ્યુની હતી. પ્રેમલા-પ્રેમલીના ફોટા તો વારંવાર વોટસએપમાં ફરતા હોય છે. રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર રાત્રીના ફાયરિંગ થયાના સામાચાર આવ્યા હતા. ફોટોગ્રાફર ત્યાં પહોંચ્યા તો ત્યાં બાઈકના સાયલેન્સરમાંથી થયેલા મીસ ફાયરનો હતો. આવા અનેક ખોટા સમાચાર વોટસઅપની પેદાશથી ફરતા થયા હતા.

બનાવટી સંદેશાથી સમાન્ય માણસો તો ભરોસો કરી બેસે અને બીજાને ફોરવર્ડ પણ કરે. પરંતુ પત્રકારમિત્રોએ ય પ્રથમ ખરાઈ કરી આગળ ફોરવર્ડ કરવા જોઈએ. હવે વોટસએપમાં આવતા સમાચારોએ વિશ્વનિયતા ગુમાવી દીધી છે. એવું પણ નથી કે બધુ ખોટુ જ અને નકામું હોય છે. પણ ઘણું બધુ ઉપયોગી નીવડી રહયું છે. વોટસએપમાં શેર -શાયરી, સાહિત્યના ય કેટલાય ગ્રુપો ચાલે છે. એ ખરેખર ઉમદા કાર્ય થઈ રહયું છે. કેટલાક મ્યુઝિક અને સીંગીગ ગ્રુપ પણ પોતાના ગાયેલા ગીતોની વોઈસ કિલપ આપ લે કરીને આડકતરી રીતે સંગીતનું શિક્ષણ મેળવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય પણ ગ્રુપમાં મળે છે. આવા અનેક પ્રકારે ઉપયોગી છે. પણ સારા ઉપયોગ કરતા ખોટો ઉપયોગ ઝાઝો થાય છે. ત્યારે વોટસએપ પર પ્રસિધ્ધ થયેલી પેલી બકા વાળી કેમ્પેઈન યાદ આવ્યા વિના રહેતી નથી. બકા, એટલી તકલીફ તો રહેવાની જ.

..............