Samay Samayni Vaat Chhe in Gujarati Magazine by Parul H Khakhar books and stories PDF | સમય સમયની વાત છે

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

સમય સમયની વાત છે

સમય સમયની વાત છે…

શું હોય છે આ સમય ?
કપડા, ચપ્પલ, બંગડીનાં માપ ફરી જવા તે?

બાળગીતોને બદલે આઇટેમ સોન્ગ્સ ગમવા લાગવા તે?

અરીસા સામે જરા વધારે સમય પસાર થવો તે?

ચાલમાં રવાની આવવી તે?સપનાઓની દિશા બદલાવી તે?

કે પરીકથાના રાજકુમારને રીયલલાઇફમાં શોધવા લાગવું તે?
કાળા વાળ સફેદ થવાની ઘટના? ચામડી પરની કરચલીઓ ? આંખનો અંધાપો? કે હાથનું ધ્રુજવું?
હ્રદયનાં ધબકારા વધ-ઘટ થવા લાગે, ધમનીઓમાં લોહી જામવા લાગે, દાંત નબળા પડે, હાડકાં બરડ થાય, કમરનાં મણકાં જવાબ દેવા લાગે, સ્નાયુને થાક લાગે,હાર્ટમાં પેસમેકર મૂકાય, જ્ઞાનતંતુઓ કટાવા લાગે અને ત્યારે સફાળા જાગી જવાય કે ઓહ ! કેટલો બધો સમય ચાલ્યો ગયો !
હાથ પરની લાલચટ્ટાક મહેંદીનો રંગ ઉતરતો જાય અને આપણે હથેળીમાં શોધ્યા કરીએ કે શું ચાલ્યું ગયું? રાત્રે મીણબત્તી પેટાવીને સુઇ ગયા હોઇએ અને સવારે મીણનાં જરાતરા અવશેષો સિવાય કશું ન મળે ત્યારે વિચાર આવે કે પ્રકાશ ક્યાં ગયો? મીણ ક્યાં ગયું? વાટ ક્યાં ગઇ ? પણ જવાબ કંઇ જ ન મળે. ઇયરપ્લગ ભરાવીને ફેવરીટ પ્લેલીસ્ટ ચાલુ કરીને કારની પાછળની સીટ પર બેસી જઇએ અને ક્યાંક પહોંચી પણ જઇએ.પછી યાદ આવે કે અરે…ક્યા ક્યા ગીતો વાગ્યા? ક્યા ક્યા ગામ પસાર થયા? રસ્તા પર કેવા વૃક્ષો હતા? માઇલસ્ટોન ક્યાં ગયા?કશું જ યાદ નથી હોતું અને આમ જ કોઇ ખલેલ વગર ચુપચાપ સમય પસાર થતો રહે છે.

મોબાઇલમાં રોજ તારીખ-વાર બદલાયા કરે, દિવાલો પર કુદરતી દ્રશ્યો વાળું કેલેન્ડર ઝુલ્યા કરે અને સમય પસાર થતો રહે અને આપણે સાવ બેફિકર ! પરંતુ પેલું દેશી તારીખિયું યાદ છે? રોજ વારે ડટ્ટામાંથી એક પન્નું ફાડવાનો રોમાંચ કંઇક અલગ હતો. . રોજ સવાર પડે અને નવો દિવસ, નવો વેશ અને નવી બાજી શરુ થાય. સમય નામનો બાજીગર રોજ નવી બિસાત બીછાવે અને આપણે સ્વરક્ષણ કરતાં કરતાં તેની કૂકરી મારતા જવાનું! પેલી પંક્તિઓ યાદ આવે..‘
ઉમ્ર કે ખેલ મે એક તરફા હૈ યે રસ્સકસ્સી,
ઇક સિરા મુજકો દિયા હોતા તો એક બાત થી,
મુજસે તગડા ભી હૈ ઔર સામને આતા ભી નહી.’

સમયના પ્રવાહમાં બધું જ દટ્ટણ-પટ્ટણ થઇને વહી જાય.ક્યારેક એ પૂર થઇને આવે તો ક્યારેક દુષ્કાળ થઇને ! ક્યારેક લીલાલહેર કરાવે અને ક્યારેક મૂળસોતું ઘણુંબધું ઉખેડીને લઇ જાય.આ સમય નામનો પીંજારો સતત કાંત્યા કરે. ૨૪*૭ એ થાકે જ નહી. એકએક ક્ષણ પીંજાતી જાય અને આપણે જોયા કરવાનું અને ત્યારે કવયિત્રી રીના માણેકની કાવ્યપંક્તિ યાદ આવે,

‘ બે તરફ બે છોર દઇને મોકલી દીધાં

વાંસડો ને દોર દઇને મોકલી દીધાં’

પણ સાલ્લુ બેલેન્સ કેમ કરવું એ શીખવી દીધું હોત તો કામ સરળ થઇ ગયું હોત. ખૈર.. આપણી ચોઇસને અતિક્રમીને પોતાનું ધાર્યુ કરે એનું નામ જ સમય. આમ તો કેવો સરળ , કાનામાત્ર વગરનો શબ્દ! અને તો ય કેટલાયે વળાંકો ધરાવે ! દુનિયાની તમામ આંટીઘૂંટીઓ આ શબ્દ સાથે જોડાયેલી મળી આવશે.
હજું તો કાલ સવારે જેનાં ડાયપર બદલાવ્યા હોય એ આવીને કહે’ મોમ , મને એક છોકરી પસંદ આવી છે’ ત્યારે થાય કે અરે….આવડો મોટો થઇ ગયો મારો દિકરો !પછી હળવેકથી કબાટ ખોલીને પેલું ૨૫ વરસ જુનું પાનેતર કાઢીને જોઇ લઇએ, હાથ ફેરવીએ, ગાલે અડાડીએ અને પાછું મૂકી દઇએ અને મનોમન આવનારી પુત્રવધૂનાં ઘરચોળાની કલ્પના કરવા લાગીએ ત્યારે પેલો સમય નામનો ખેલંદો મરક મરક હસ્યા કરે !
ક્યારેક ધરમૂળથી ચોકડી મૂકી દીધેલ સંબંધ વિશે વિચારીએ, ડાયરીના વાળી દીધેલ ગુલાબી પન્ના પર નજર કરીએ અને આપણી જ બાલિશતા પર હસી પડીએ.ક્યારેક એમ પણ થાય કે આ પન્નું ફરી ગુલાબી ન થાય? ત્યારે પેલું પીળુ પન્નું ખડખડાટ હસીને આપણી મજાક ઉડાવતું રહે અને અપણે નિઃસહાય થઇને ડાયરી બંધ કરી દેવાની.
કેટલાં ઉછીના પાછીના કરીને મકાન બનાવ્યુ હોય, આપણા જ હાથે કુંભ મૂકાયો હોય, સારામા સારું મુહર્ત જોઇ ગૃહપ્રવેશ કરાયો હોય,જેને જીવની જેમ સજાવ્યું હોય,જેની સામે કલાકો સુધી મુગ્ધતાથી જોયા કર્યુ હોય, હજારો વખત આંગણામા ઉભા રહીને નેમપ્લેટ પર નજર નાખીને એક ઠંડક અનુભવી હોય કે..’આ મારું ઘર’ ! એ જ ઘર જોતજોતામાં જુનું થવા લાગે. છતમાં ભેજ આવે, દિવાલોના પોપડાં ખરવા લાગે, દરવાજાનાં હેન્ડલ તુટવા લાગે, ગટરો ભરાઇ જાય, લાદી ઝાંખી થવા લાગે અને પડોશી આવી ને કહે ..’આ ઘર હવે રીનોવેશન માંગે છે.’ ત્યારે ચોંકી જઇએ કે અરે…હજું તો હમણાં જ બનાવ્યું હતું ! પણ વીતી ગયેલા ૨૦-૨૨ વર્ષો આપણને દેખાતા નથી પણ પેલો અદ્રશ્ય જાદુગર એની કરામત બતાવતો રહે.
કહેવાય છે કે..‘
સમય સમય બલવાન હૈ નહી મનુષ્ય બલવાન,
કાબે અર્જુન લૂંટીયો વહી ધનુષ વહી બાન.’

યેસ…સમય કોઇને છોડતો નથી. જડ ચેતન બધું જ એના ભરડામાં ભીંસાઇને ખતમ થતું રહે છે. ઉત્પતિ-સ્થિતિ-લયનું ચકડોળ ચાલ્યા જ કરે છે. અર્જુન હોય કે કૃષ્ણ, રામ હોય કે દશરથ, કર્ણ હોય કે કુંતી, બુદ્ધ હોય કે મહાવીર, અશોક હોય કે સિકંદર બધા જ કાળનાં ખપ્પરમાં હોમાતા રહે.આ વિરાટ રંગમંચ પર બધા એ પોતાની અદાકારી બતાવીને ચાલ્યા જવાનું છે.ફરી પરદો પડશે, ફરી પરદો ખુલશે, ફરી નવો વેશ અને ફરી નવો મંચ ! કઠપૂતળી જેવા આપણે દોરની મર્યાદામાં રહીને નાચ્યા કરવાનું. કેવું અજીબ નહી?

સૂરજનું ઉગવું, સાંજનું ખિલવું,ફુલનું મહેંકવું, પાનનું ખરવું,ઘડીયાલનાં કાંટાનું ગોળ ગોળ ફરવું,અવરગ્લાસની કમનીય કમર જેવી ગોળાઇમાંથી રેતનું સરકવું,નેઇલકલરનું બોટલમાં જ સૂકાવું, દિવાલોનાં… પરદાઓનાં ..બેડશીટના કલરોનું ઝાંખા પડવું, મનગમતા વસ્ત્રોનાં ફીટીંગ્સનું ફરી જવું, હેરકલરનું ઉતરી જવું, સ્કૂટીની એવરેજનું ઘટવું,મોબાઇલનાં ચાર્જીંગનું ઉતરવું આ બધું જ નરી આંખે જોઇ શકાય છે,છતાં એની પાછળનાં રહસ્યો અણઉકેલ્યા રહી જાય છે. કૌન ચિત્રકાર હૈ યે ?? આખરે છે કોણ આ? જે સમય નામે ઓળખાય છે !જેને હાથ-પગ-કાન-નાક-ત્વચા કશું જ નથી છતા કોઇ અજગરની માફક શાંતિથી બધું જ ગરક કરી જાય છે એના પેટમાં.કટકે કટકે બધું જ સ્વાહા થઇ જાય છે. અને આ બધું એટલી ધીમી ગતીથી થાય છે કે હજું સમજવા મથીએ, પકડવા મથીએ ત્યાં તો છટકી જાય છે અને આપણે બસ..જોતા રહીએ..નિઃસહાય !

સમયની દાદાગીરી આપણે નાછૂટકે સ્વીકારવી જ પડે છે. અને એમાં કોઇ ઓપ્શન નથી મળતાં. વળી આ પરીક્ષા એવી કે ચાહે પાસ થાઓ યા ફેઇલ પણ પરીક્ષા તો આપવાની જ. પરીક્ષાથી દૂર ભાગી નથી શકાતું. સમય નામની પરીક્ષાનું લાંબુલચક પેપર જોઇને ચક્કર આવી જાય, મોઢામાં સોસ પડવા મંડે, હાથપગમાં ખાલી ચડવા લાગે , માથું ભમવા લાગે, પૃથ્વી રાસ રમવા લાગે તો પણ પરીક્ષા આપવી ફરજિયાત છે. પેલો અર્જુન જે પોતાને જાતને મોટો શૂરવીર સમજતો હતો તે પણ હજારો યોદ્ધાની હાજરીમાં , રણમેદાનની વચ્ચોવચ ‘

સીદન્તિ મમ ગાત્રાણિ, મુખમ્ ચ પરિશુષ્યતિ. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે’ કહીને અમસ્તો બેસી પડ્યો હશે? જો અર્જુન જેવો મહાયોદ્ધો પણ સમયની સામે હારીને બેસી પડ્યો તો આપણે તો કઇ વાડીનાં મૂળા?

ખૈર…આ સરળ લાગતા સમય નામના જાદૂગરની કોઇ ચોક્કસ વ્યાખ્યા તો ન આપી શકાય પણ એક ગીત મને યાદ આવે છે ‘વક્ત’ ફિલ્મનું

‘વક્ત સે દિન ઔર રાત, વક્ત સે કલ ઔર આજ,

વક્ત કી હર શય ગુલામ વક્ત કા હર શય પે રાજ.

વક્ત કી ગર્દીશ સે હૈ ચાંદ તારો કા નિલામ

વક્ત કી ઠોકર મે હૈ ક્યા હુકુમત ક્યા સમાજ.

વક્ત કી પાબંદ હૈ આતીજાતી રોનકે

વક્ત હૈ ફુલો કી સેજ વક્ત હૈ કાંતો કા તાજ.

આદમી કો ચાહિયે વક્ત સે ડરકર રહે

કૌન જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ’

કેવી સરસ વાત કરી છે? સમયની બધી જ વિશેષતાઓ આ ગીતમાં સમાવી લેવામાં આવી છે. તો મિત્રો..સમયને માન આપીને હું પણ અહીંયા અટકું. આપના અભિપ્રાયો આવકાર્ય છે.

—પારુલ ખખ્ખર