Karl Marx- A brief Biography in Gujarati Motivational Stories by Harsh Pandya books and stories PDF | Karl Marx- A brief Biography

Featured Books
Categories
Share

Karl Marx- A brief Biography

કાર્લ માર્ક્સ

પરિચય:

સમાજવાદના વિચારોનો પહેલીવાર ખ્યાલ દુનિયા સમક્ષ મુકનાર કાર્લ માર્ક્સનો જન્મ ૫ મે, ૧૮૧૮ ના રોજ રહાઈન નામથી ઓળખાતા પૃશિયા (જર્મન) રાજ્યના ટ્રાયર નામના ગામમાં થયો હતો. કાર્લના પિતા હાઈનરીશ(Spelling: Heinrich) માર્ક્સ ઈ.સ.૧૮૧૪ સુધી ત્યાં કાયદાવિદ્દ હતા, પરંતુ ઈ.સ. ૧૮૧૫ માં વોટરલૂના જગવિખ્યાત યુદ્ધમાં નેપોલિયન બોનાપાર્ટનો પરાજય થવાને લીધે ત્યાંના વિસ્તાર પર પૃશિયન સરકારે પગદંડો જમાવ્યો. એ સરકાર ખ્રિસ્તી ધર્મ અને ચર્ચ સાથે જોડાયેલી હોવાને લીધે હાઈનરીશ માર્ક્સની કારકિર્દી જોખમમાં આવી પડી કેમકે સરકારે સરકારી કચેરીઓમાં નોન-ક્રિશ્ચિયન લોકોની નોકરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હાલાંકી, સુપ્રીમ કોર્ટના પ્રમુખે હાઈનરીશ માર્કસની નિયુક્તિ ચાલુ રહેવા દેવાની ઘણી દલીલો કરી હતી પરંતુ સરકારે સ્પષ્ટ જણાવી દીધું કે માર્ક્સે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો પડશે. આ બનાવને ચલતે હાઈનરીશ માર્ક્સે પત્ની અને બાળકો સાથે ખ્રિસ્તી ધર્મનો પ્રોટેસ્ટંટ સંપ્રદાય અપનાવી લીધો.

જીવનના પ્રથમ ૧૨ વર્ષ સુધી કાર્લનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ થયું. નાનપણથી જ મુક્ત અને બિન-ધાર્મિક વિચારસરણીવાળો માહોલ કાર્લને આગળ જતા સમાજને સમજવા માટે વધુ ઉપયોગી થવાનો હતો. પિતા હાઈનરીશ માર્ક્સની ઈચ્છા એવી હતી કે ફિલોસોફી અને સાહિત્ય જેવા કાર્લની પસંદગીના વિષયોને બદલે વધુ પ્રેક્ટીકલ અનુભવ મળે એવું ક્ષેત્ર હોવાને લીધે કાર્લે કાયદાના વિષયો ભણવા જોઈએ. સત્તર વર્ષની ઉંમરે કાર્લે ટ્રાયર જીમ્નેશીયમમાંથી ગ્રેજ્યુએટ થઈને પોતાના ગમતા વિષયો ભણવા માટે બોન્ન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં કંગાળ પ્રદર્શન અને પોએટ ક્લબ નામની બળવાખોર વિચારો ધરાવતા લોકો દ્વારા ચાલતી ક્લબમાં ઉધામાખોર પ્રવૃત્તિઓને લીધે કાર્લ કાયદાનું જ્ઞાન વધુ ગંભીરતાથી અને બહેતર શૈક્ષણિક વાતાવરણમાં લઇ શકે એ માટે એના પિતાએ એનો બર્લિન યુનિવર્સિટીમાં દાખલો કરાવ્યો. ઈ.સ. ૧૮૩૬ માં ઉનાળા અને પાનખર ગાળવા ટ્રાયર આવેલા કાર્લને હવે જીવનની ગંભીરતા સમજાઈ રહી હતી. એનું વેવિશાળ એને નાનપણથી ઓળખતી જેન્ની વોન વેસ્ટફેલન સાથે થયું હતું. એક શ્રીમંત ભદ્ર વર્ગથી સંબંધ ધરાવતી જેન્નીએ કાર્લના પ્રેમ માટે થઈને પોતાનું એક રઈસ છોકરા સાથેનું સગપણ તોડી નાંખ્યું હતું.ઈ.સ. ૧૮૩૬ માં વેવિશાળ પછી સાત વર્ષે જેન્નીએ કાર્લ સાથે ૧૯ જુન, ૧૮૪૩ માં પ્રોટેસ્ટંટ સંપ્રદાયના રીવાજ મુજબ ક્રુઝનાક ચર્ચમાં લગ્ન કરી લીધા. એ બેયના લગ્ન વખતે સમાજમાં ખાસ્સો વિવાદ જન્મ્યો હતો કેમકે કાર્લ અને જેન્ની જુદા જુદા વર્ગથી આવતા હતા અને તેમ છતાંય કાર્લ-જેની પરણ્યા હતા. ૧૮૩૬ માં બર્લિનથી મેટ્રીક્યુલેશન મેળવીને ટ્રાયર આવી ગયેલા કાર્લને એ વખતે ય ફિલોસોફી આકર્ષતી હતી. કાયદો અને ફિલોસોફીનું સંયોજન વધુ સારી રીતે કાયદાને સમજાવી શકશે એવું કાર્લને લાગતું હતું.‘ફિલોસોફી વગર કશું જ સિદ્ધ થઇ શકતું નથી.’ એવું કાર્લે નોંધ્યું છે. એ વખતે યુરોપિયન સમાજમાં ચર્ચિત ચિંતક જી.ડબ્લ્યુ.એફ. હેગેલમાં કાર્લને રસ પડ્યો. સ્પ્રી નદીના કિનારે આવેલા સ્ટ્રાલાઉ ગામમાં રહેતા રહેતા કાર્લે હેગેલના વિચારો પર ચર્ચા કરતાં વિદ્યાર્થીઓના ગૃપમાં ભળવાનું શરૂ કર્યું. ‘ડોક્ટર્સ ક્લબ’ તરીકે ઓળખાતા આ ગૃપની મદદથી ‘યંગ હેગેલિયન્સ’ તરીકે ઓળખાતા અને હેગેલના વિચારો પર ચર્ચાઓ કરતાં અને ડાબેરી વિચારધારા રાખતા બળવાખોર ગૃપમાં રસ લેવાનું શરૂ કર્યું. ઇ.સ. ૧૮૩૭ સુધીમાં કાર્લે લખવાનું શરૂ કરી દીધું હતું જેમાં ફિકશન -નોન ફિકશન, ‘સ્કોર્પિયન એન્ડ ફેલિક્સ’ નામની લઘુનવલ,આઉલાનેમ નામનું નાટક અને થોડી પ્રેમ કવિતાઓ જે કાર્લે પત્ની જેની ને ઉદ્દેશીને લખી હતી. એ સમય દરમિયાન પોતાનો ડોકટરલ થીસિસ પણ લખવાનું શરૂ હતું જેનું ટાઇટલ ‘The Difference Between the Democritean and Epicurean Philosophy of Nature’ હતું. ઇ.સ. ૧૯૪૧ માં પોતાનો થીસિસ પૂરો કરીને કાર્લે બર્લિન યુનિવર્સિટીમાં રજૂ કર્યો. આ પ્રકારનું કામ રૂઢિવાદી પ્રોફેસરોને જચ્યું નહીં, એટલે કાર્લે વધુ મુક્ત એવી જેના યુનિવર્સિટીમાં પોતાનો થીસિસ રજૂ કર્યો, જેના પરિણામે યુનિવર્સિટીએ કાર્લને એપ્રિલ ૧૮૪૧ માં પી.એચ.ડી.ની પદવી આપી. એવું લાગતું હતું કે કાર્લ હવે શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક બનશે, પરંતુ એના યંગ હેગેલિયન ગૃપની પ્રવૃત્તિઓ પર સરકારનું ધ્યાન તો હતું જ. આખરે, પ્રેશર વધતાં ઇ.સ.૧૮૪૨ માં કાર્લને કલૌન (Spelling: Cologne) રહેવા આવી જ્વું પડ્યું જ્યાં એમણે રેહેનિશ ઝેઇતુંગ(રહાઇનલેન્ડ ન્યૂઝ) નામનું ક્રાંતિકારી અખબાર કાઢવાનું શરૂ કર્યું. જેમાં સરકારના રવૈયાની ધજ્જિયા ઉડાડવાનું શરૂ કરતાં પૃશિયન સરકારે એના પર પણ ઝાર નિકોલસ પહેલા ના આદેશથી પ્રતિબંધ મૂકી દીધો. ઇ.સ. ૧૮૪૩ માં કાર્લ ફરીથી કો-એડિટર બન્યા. આ વખતે ડાબેરી વિચારધારાની અસર વાળું ‘જર્મન ફ્રેંચ એન્નાલ્સ’નામનું જર્નલ બહાર પાડવામાં આવ્યું જેના ડબલ ફિગરમાં અંકો એટલા માટે પ્રકાશિત ન થયા કેમકે એને સ્મગલિંગ દ્વારા જર્મની પહોંચાડવામાં મુશ્કેલીઓ પડતી હતી.(સરકારે એની આયાત થયેલી નકલો જપ્ત કરી દીધી હતી.) ઓક્ટોબર, ૧૮૪૩ માં માર્ક્સ એ પત્ની સાથે પેરિસ સ્થળાંતર કર્યું. એ પેપરમાં માર્ક્સના બે નિબંધો આવ્યા. "" અને "On the Jewish Question.૨૮ ઓગસ્ટ, ૧૮૪૪ એ માર્ક્સ ની ઓળખાણ એના જેવા જ બીજા બળવાખોર ફ્રેડ્રિક એંગેલ્સ સાથે થઈ. આ મુલાકાત જીવનભરની દોસ્તીમાં પરિણમી. એંગેલ્સે કાર્લને પોતાનો તાજેતરમાં પ્રકાશિત થયેલો અને “The Condition of the Working Class in England in 1844”શીર્ષક ધરાવતો નિબંધ બતાવ્યો અને સમજવ્યું કે આ જે કામદાર વર્ગ છે, એ ક્રાંતિ લાવવા માટે બહુ મોટી ભૂમિકા ભજવશે. પેરિસ ખાતેના વસવાટ દરમિયાન કાર્લ ફ્રાંસના ઇતિહાસ, રાજકીય અર્થતંત્રો અને ફ્રેંચ સમાજવાદ પર ઊંડાણથી અધ્યયન કરવા લાગ્યા હતા. આ એજ અભ્યાસ હતો જે એમના ગ્રંથોના નિર્માણના પાયામાં ભાગ ભજવવાનો હતો. આ દરમિયાન સમયની મારામારીની વચ્ચે પણ કાર્લના મગજમાં માર્ક્સિઝમ નો ઘાટ ઘડાવા લાગ્યો હતો. આ તરફ રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું હતું જેથી ડાબેરી વિચારધારાવાળા રાજકીય લોકો ને જવાબ આપવા, પોતાના ક્રાંતિકારી જર્નલનું સંપાદન વગેરે માં કાર્લને સમય મળવામાં મુશ્કેલીઓ પડતી. પણ, માર્ક્સિઝમ તરીકે ઓળખાતી નવી જ આર્થિક વિભાવના(થીયરી) રજૂ કરવામાં ઘણીબધી માહિતીની જરૂર હતી. જે માટેનું કામ કાર્લે શરૂ કરી જ દીધું હતું. એપ્રિલ, ૧૮૪૪ થી ઓગસ્ટ ૧૮૪૪ સુધીના સમયગાળામાં લખાયેલો નિબંધ ‘‘Economic and Philosophical Manuscripts of 1844’’ આ બધી જ માહિતીઓ દ્વારા બન્યો હતો, જે આગળ જતાં આખા એક માર્ક્સવાદ નું જનક બનવાનો હતો.

આ બધાની વચ્ચે માર્ક્સે કંટાળીને બ્રસેલ્સ જવાનું નક્કી કર્યું. ફેબ્રુઆરી, ૧૮૪૫. ત્યાં પણ કાર્લને તત્કાલિન રાજકારણ પર ટિપ્પણીઓ ન કરવાની સૂચના અપાઈ ચૂકી હતી. એટલે મિત્ર ફ્રેડરીકના આવતાંની સાથે બંનેએ ‘’ જર્મન આઇડીયોલોજી ’’ નામની કટાક્ષથી ભરપૂર એવી ઐતિહાસિક ભૌતિકવાદ પરની કૃતિનું સર્જન કર્યું. કાયમ સરકારી સેન્સરશીપ સામે કાર્લ માર્ક્સ બાંયો ચડાવતા રહ્યા છે. એ પછી માર્ક્સ અને ફ્રેડરીકે “ ધ પોવર્ટી ઓફ ફિલોસોફી ” બહાર પાડી જેમાં એ પ્રકારની વાત હતી કે જો કામદાર વર્ગને કોઈ ચોક્કસ અંગત લાભ સાથે સમૂહમાં વર્તવાનું કહેવામા આવે તો એ પોતપોતાના અંગત આર્થિક કે ભૌતિક લાભાલાભ ના સંદર્ભે વર્તશે. આ જ વસ્તુને સમગ્ર સમૂહના સંદર્ભે લાગુ પાડી શકાય તો એ સમાજમાં ચોક્કસ ક્રાંતિ કે ફેરફાર લાવવાનું કારણ બની શકે. આ હતી કાર્લ માર્ક્સની વૈજ્ઞાનિક સમાજવાદી વિચારસરણી, જેનો ઉપયોગ આગળ પ્રકાશિત થનારા બહુચર્ચિત સર્જનમાં થવાનો હતો. એ સર્જન એટ્લે ‘‘ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. ’’ શૈક્ષણિક દ્રષ્ટિએ જોવા જઈએ તો માર્ક્સના વિચારોએ આજના આધુનિક સમાજવિદ્યાને જન્મ આપ્યો.સામાજિક વિજ્ઞાનના ‘પ્રથમ ઉત્તમ વિવેચક’ તરીકે ઓળખાતા માર્ક્સે અનેક પ્રકારના સામાજિક વિજ્ઞાન પરના વિવેચનોનો અભ્યાસ કર્યો હતો.

અંગત જીવન:

કાર્લ માર્ક્સને પત્ની જેની થકી કુલ સાત બાળકો થયા હતા.પરંતુ સતત રઝળપાટને લીધે એક જ દીકરી જીવિત રહેવા પામી હતી. દીકરીઓના પહેલા નામ પત્ની જેની પરથી રાખવામા આવ્યા હતા. [1]

કાર્લે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો (સામ્યવાદી જાહેરનામા)માં ફ્રાન્સની મહાન ક્રાંતિ અને તે પછી ઇ.સ. ૧૮૩૦ અને ઇ.સ. ૧૮૪૮ ના વર્ષોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના મૂળમા રહેલા ખ્યાલોની ચર્ચા કરી છે અને નોંધ્યું છે કે એમાં તે સમયે પ્રચલિત થયેલા સ્વતંત્રતા,સમાનતા અને ભ્રાતૃભાવની લોકતંત્રયુક્ત ઘોષણાઓ સાથે આમવર્ગને કોઈ લેવાદેવા નથી. જાહેરનામાના આખરી શબ્દો છે: “સમગ્ર દુનિયાના કામદારો એકત્ર થાઓ. તમારે તમારી જંજીરો સિવાય બીજું કશું ગુમાવવાનું નથી અને આખી દુનિયા સર કરવાની છે. ”[2]

દરમિયાનમાં માર્ક્સ અને એંગલેસ લંડન રહેવા આવી ગયા. ઇ.સ. ૧૮૬૪ ની સાલમાં માર્ક્સે ત્યાં અલગ અલગ સમુદાયના દળોની પરિષદ ભરી. જેમથી કેટલાક યુરોપના પરરાજયોની અસર નીચેના દેશોના રાષ્ટ્ર્ભક્તો અને સમાજવાદીઓ હતા, જે તાત્કાલિક આઝાદી મેળવી લેવાના મતના હતા;એમને સમજવાદના વિચારોમાં ઝાઝો રસ નહોતો. બીજી બાજુ એવા પણ લોકો હતા જેમને તાત્કાલિક લડત શરૂ કરવી હતી.આ પરિષદમાં બાકુનીન નામના બીજા પ્રભાવશાળી નેતાઅને એના અનુયાયીઓ પણ આવ્યા હતા,જે કંગાળ મજૂરવર્ગ, અસંતુષ્ટો અને બુદ્ધિજીવીઓના વર્ગોમાંથી આવ્યા હતા. પરિષદને અંતે ‘આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ’ની સ્થાપના કરવામાં આવી અને માર્ક્સ દ્વારા ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી વિદ્રોહ ન થાય ત્યાં સુધી ધીમી ગતિએ મજૂરવર્ગનું સંગઠન બનાવતા જવું. [3]

ઇ.સ. ૧૮૬૭. જર્મન ભાષામાં કાર્લ માર્ક્સનું બીજું સર્જન પ્રગટ થયું જે સમાજવાદના ખ્યાલોને સમજવા માટે એક પ્રમાણભૂત ગ્રંથની ગરજ સારે છે. ‘કેપિટલ’ (Spelling: Das Kapital). ઔદ્યોગિક ક્રાંતિના પ્રતાપે ઉત્પન્ન થયેલી સામાજિક અસમાનતા અને વર્ગ વિગ્રહ અંગેના ખ્યાલો એમાં લંબાણથી અને તર્કશુદ્ધ રીતે સમજાવવામાં આવી છે. પહેલાનો સમાજવાદ અંગેનો ખ્યાલ થોડો અસ્પષ્ટ હતો. પરંતુ આ ગ્રંથમાં એને અસરકારક રીતે સમજાવવામાં આવ્યો હોવાથી માર્ક્સના આ સમાજવાદને ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ કહેવામા આવ્યો. [4]

ઇ.સ. ૧૮૭૧ ની સાલમાં ‘પેરિસ કોમ્યુન’ની ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલી યુરોપિય સરકારો મજૂર ચળવળો પ્રત્યે વધુ કડક બની. નવાઈની વાત તો એ હતી કે ઈંગ્લેન્ડ કે જ્યાં માર્ક્સે પોતાનો ‘કેપિટલ’ગ્રંથ લખ્યો હતો;ત્યાં જ સમાજવાદી વિચારોની અસર નહોતી. ત્યાં આગળ વિશિષ્ટ પ્રકારના સમાજવાદના પ્રતિનિધિઓ દ્વારા ‘ફેબિયન સોસાયટી’બનેલી હતી. આ સમાજવાદીઓમાં પ્રસિદ્ધ જ્યોર્જ બર્નાર્ડ શો પણ સમાવિષ્ટ હતા. ઇ.સ. ૧૮૮૩ના રોજ કાર્લ માર્ક્સનું મૃત્યુ થયું. એક જુદા જ પ્રકારની વિચારધારા જન્માવીને સમગ્ર વિશ્વના ઇતિહાસ પર એના આ બે સર્જનો કાયમ માટે છાપ છોડી જવાના હતા.

ઇ.સ. ૧૮૮૯ ની સાલમાં બીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ સ્થાપવાનો પ્રયત્ન થયો. પહેલો આંતર રાષ્ટ્રીય મજૂર સંઘ વિવિધ કારણોસર નામશેષ થઈ જવા પામ્યો. પરંતુ,બીજા સંઘનું મરણ એ રીતે થયું કે એમાં ભાગ લેનારા કેટલાકે આ સંઘનો ઉપયોગ પોતાની પ્રગતિમાં કર્યો,કેટલાકપોતપોતાના દેશમાં ઉચ્ચ હોદ્દા પામ્યા અને જેમનું આ લોકો પ્રતિનિધિત્વ કરતાં હતા એકરોડો લોકોને આ જ લોકોએ પરિસ્થિતીને ભરોસે તરછોડી દીધા. તેમ છતાંય, આ લોકો પોતાને માર્ક્સના અનુયાયી ગણતા હતા.ઇ.સ. ૧૯૧૪ માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું ત્યારે આ બધા જ કહેવાતા સમાજવાદીઓ ઝનૂની રાષ્ટ્રવાદી બની ગયા અને જે કેટલાકે યુદ્ધનો વિરોધ કર્યો એમને ભારે સંકટો વેઠવા પડ્યા.

આખરે, ઇ.સ. ૧૯૧૯ મા વ્લાદિમીર લેનિને રશિયાના મોસ્કોમાં નવો આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ સ્થાપ્યો, જે આમ તો ત્રીજો સંઘ હતો. આ સંઘમાં જે સામ્યવાદી હોય એ જોડાઈ શકતા હતા. મજાની વાત તો એ છે કે બેય સંઘ માર્ક્સના સિદ્ધાંતોનો પોતાની રીતે અર્થ ઘટાવે છે અને બેય પોતાને માર્ક્સવાદી ગણાવે છે.[5]

માર્ક્સવાદ:

ધ્યેય: બધા જ જમીન, કારખાનાં, ખાણો અને બીજા ઉત્પાદનના સાધનો, બેન્ક અને એવી બીજી સંસ્થાઓ તેમજ રેલવે જેવા વહેંચણીના સાધનોને રાજ્યના અંકુશ નીચે મૂકવા. આનો આશય એ છે કે,વ્યક્તિઓને પોતાના અંગત લાભ માટે આ સાધનો,સંસ્થાઓ તથા બીજાઓની મજૂરીનો ઉપયોગ ન કરવા દેવો. આજે એમના ઘણાખરા ખાનગી માલીકીની નીચે આવે છે જેને પરિણામે અમુક લોકો તવંગર બને છે અને બહુજન સમાજને એકંદરે નુકસાન જ થાય છે. જાણ સમુદાય તો ગરીબનો ગરીબ જ રહે છે. એ જ રીતે,ઉત્પાદકો પીએન અંદરોઅંદરની ગળાકાપ હરીફાઈમાં પોતાનું નુકસાન કરી બેસે છે. એને બદલે સમજપૂર્વકની વ્યવસ્થા અને વહેંચણીની વિચારપૂર્વકની યોજના કરવામાં આવે તો બગાડ અને નકામી હરીફાઈ ટાળી શકાય અને દુનિયામાં પ્રવર્તતી વર્ગીય અસમાનતા ટાળી શકાય. એટલા માટે ઉત્પાદન (એટલે કે પ્રોડકશન),વહેંચણી (ડિસ્ટ્રિબ્યુશન) અને અન્ય મહત્વની પ્રવૃત્તિઓ (આવશ્યક સેવાઓ,ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે) મોટે ભાગે સમાજના અથવા તો રાજ્યના નિયંત્રણ નીચે હોવી જોઈએ.[6]

સમાજવાદીઓના બે વિભાગ પડી શકાય: ૧. ધીમે ધીમે પરિવર્તન લાવવા અને વિકાસ કરવા ચાહતો પક્ષ. ૨. ક્રાંતિના માર્ગે જ પરિવર્તન લાવવા ચાહતો પક્ષ.યુરોપમાં માર્ક્સવાદીઓના બે પક્ષ છે. એક તરફ રશિયાના સામ્યવાદીઓ છે અને બીજી બાજુ જર્મની,ઑસ્ટ્રીયા અને અન્ય દેશોના જૂની પેઢીના ‘સામાજિક લોકશાહીવાદીઓ’ છે. રશિયન ક્રાંતિમાં સામ્યવાદને મળેલી સફળતાને પગલે સામ્યવાદી મત આજે પ્રગતિ કરી રહ્યો છે. જગતના મૂડીવાદના મુખ્ય શત્રુ તરીકે સામ્યવાદ પોતાનું સ્થાન જમાવી ચૂક્યો છે. (લખ્યા તા. ૧૬-૦૨-૧૯૩૩) [7]

માર્ક્સવાદની ફિલસૂફી:

માર્ક્સે જોયું કે છેક આરંભકાળથી માણસને પોતાનું જીવન ટકાવવાને માટે સંઘર્ષ કરવો પડતો. ખોરાક અને જીવનનિર્વાહ માટે એણે શ્રમ કરવો પડતો. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ એની આ બધું કરવાની રીતો બદલાતી ગઈ. એટલું જ નહિઁ, એ રીતે વધુ વિકસિત થતી ગઈ. ઇતિહાસના કોઈ પણયુગની ઉત્પાદન પદ્ધતિ તે સમયના લોકોએ કરેલા વિકાસની કક્ષાને અનુરૂપ હોય છે. આ કાર્ય દરમિયાનમાં માણસ માણસ વચ્ચે ટ્રાન્ઝેક્શનલ રીલેશનશિપ્સ (વિનિમય,ખરીદ-વેચાણ જેવા સંબંધો) ઊભા થતાં હોય છે જે થયેલા પ્રોડકશનને અનુરૂપ હોય છે. આ સંબંધો દ્વારા સમગ્ર રાજ્યની અર્થવ્યવસ્થા ઊભી થાય છે અને એના પરિણામે લોકોના વિચારો,કાયદાઓ અને રાજકારણમાં પણ ફેરફાર થાય છે.

‘મનુષ્ય સમાજનો ભૂતકાલીન તેમજ સાંપ્રત(રિસેંટ) ઇતિહાસ એ વર્ગ-વર્ગ વચ્ચેના વિગ્રહોનો જ ઇતિહાસ છે.’લખનાર માર્ક્સે અસંખ્ય ઉદાહરણોથી એ સાબિત કરવાની કોશિશ કરી છે કે જ્યાં સુધી સમાજમાં બે ભિન્ન વર્ગો છે ત્યાં સુધી સ્રોતો પોતાના હાથમાં રાખનાર વર્ગ બીજા વર્ગનું શોષણ કર્યા કરશે. જ્યાં સુધી સમગ્ર સમાજ વર્ગ રહિત ન બને ત્યાં સુધી વિગ્રહો-સંઘર્ષો ચાલ્યા કરશે. એટ્લે એક અર્થમાં માર્ક્સે દર્શાવ્યું કે આ વિકાસની પ્રક્રિયા પણ છે. જો કે,કાર્લ માર્ક્સે ક્યારેય વર્ગ વિગ્રહની તરફેણ નહોતી કરી. એણે એ દર્શાવ્યું કે વર્ગ વર્ગ વચ્ચેની આ ભિન્નતા પ્રાચીનકાળથી ચાલી જ આવે છે. [8]

માર્ક્સવાદનોસૌથી મહાન પુરસ્કર્તા વ્લદિમીર લેનીન થઈ ગયો. એણે દર્શાવ્યું કે

“માર્ક્સના સિદ્ધાંતને પરિપૂર્ણ અથવા કશા દોષ કે ખામી વિનાનો અમે નથી માનતા. ઊલટું અમારો તો એવો વિશ્વાસ છે કે એ સિદ્ધાંત તો કેવળ એવા શાસ્ત્રના પાયારૂપ છે જેને, સમાજવાદીઓ જો જીવનથી પાછળ પડી જવા ન ચાહતા હોય તો તેમણે દરેક દિશામાં વિકસાવવું જોઈએ. અમારું તો એવું માનવું છે કે,માર્ક્સના સિદ્ધાંતનો સ્વતંત્રપણે અભ્યાસ હાથ ધરવો એ રશિયાના સમાજવાદીઓ માટે ખાસ કરીને આવશ્યક છે;કેમકે, એ સિદ્ધાંત તો આપણને કેવળ દિશાસૂચન અને અંગુલિનિર્દેશ કરે એવા સામાન્ય ખ્યાલો આપે છે. એ ખ્યાલો અથવા વિચારો ઈંગ્લેન્ડ કરતાં ફ્રાંસમાં જુદી રીતે અને ફ્રાંસ કરતાં જર્મનીમાં જુદી રીતે તથા જર્મની કરતાં રશિયામાં જુદી રીતે લાગુ પાડી શકાય. ”[9]

કાર્લ માર્ક્સના અન્ય લખાણો: [10]

સત્ય સર્વ-સામાન્ય છે, એ માત્ર મારી જ માલિકીનું છે એવું નથી. એ બધાનું છે. એ મને ધારણ કરે છે. હું એને ધારણ કરતો નથી. મારી મિલકત તો મારીકલાનું સ્વરૂપ છે જે મારી આદ્યાત્મિક ઓળખ છે(My property is the form, which is my spiritual identity).તમે પ્રકૃતિમાં રહેલા ગુલાબની સુગંધ બીજા ફૂલ જેવી નથી હોતી એ સ્વીકારો છો પરંતુ જે સૌથી વધુ બળવાન છે એવા ચૈતન્યની વિવિધતા એક જ પ્રકારની હોય છે એવું માનો છો?[11]

તમે અમને તમારો વિશ્વાસ કરવાનું કહો છો અને પછી કાયદાના બળ દ્વારા એનો ઘાત કરો છો. તમે તમારી સંસ્થાઓ પર આટલોવિશ્વાસ કરી શકો છો કેમકે તમને લાગે છે કે એ સંસ્થાઓ એક નબળા માણસને સંત બનાવી દેવા સક્ષમ છે અને એના માટે અશક્યમાંથી શક્ય બનાવી દેશે. તમે કોઈ ત્રાહિત વ્યક્તિના અભિપ્રાયથી એટલું ડરો છો કે તમે પ્રેસને ય ત્રાહિત વ્યક્તિ તરીકે ગણી લીધુંછે.[12]

સેન્સરશીપનો મૂળભૂત ઈલાજ એનો નાશ છે કેમકે એ સંસ્થા પોતે જ ખરાબ છે. અને સંસ્થાઓ લોકો કરતાં વધુ શક્તિશાળી હોય છે. [13]

માણસ પ્રકૃતિથી જ સર્વગુણસંપન્ન સંપૂર્ણ નથી હોતો. વ્યક્તિગત રીતે અને સમૂહમાં પણ નહીં. એનાથી શું તારવી શકાય?આપણા માનનીય સ્પીકરશ્રી ની દલીલો ય સંપુર્ણ નથી, સરકારો ય સંપૂર્ણનથી હોતી, વિધાનસભાઓ ય સંપૂર્ણ નથી, પ્રેસની સ્વતંત્રતા ય સંપૂર્ણ નથી, માણસના અસ્તિત્વના દરેકેદરેક ગોળાર્ધમાં સંપૂર્ણતા નથી. જો એ ગોળાર્ધો સંપૂર્ણ ન હોવાને કારણે અસ્તિત્વ ધરાવી શકવા માટે ના-કાબિલ હોય તો એ તમામ ગોળાર્ધોને અસ્તિત્વ ધરાવવાનો ય હક નથી. એ રીતે તો પછી માણસને ય જીવવાનો હક નથી. [14]

માણસનું શરીર નાશવંત છે. એટલે બિમારીઓ રોકી નહીં શકાય. કોઈ માણસ કેમ બિમારી વખતે જ ડોકટર પાસે જાય છે અને સાજો હોય છે ત્યારે નથી જતો?કેમકે માત્ર બિમારી જ નહીં,ડોક્ટર પણ ઇવિલ(નકારાત્મકતા) છે. [15]

શું સમાજવાદને સમયના મહત્વના સવાલ તરીકે એટલા માટે ગણવામાં નથી આવતો કેમકે એ ડ્રોઈંગ રૂમ માટે સુસંગત નથી, કે પછી એ ગંદુ-ખરડાયેલું લીનન પહેરે છે અને ગુલાબજળ જેવું સુગંધિત નથી?[16]

References

  • ,
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૩૬, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૩૬, ૬૩૭, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૩૭, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૩૭-૬૪૧, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૪૨, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૪૩, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૪૪-૬૪૭, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • જગતના ઇતિહાસનું રેખાદર્શન, જવાહરલાલ નહેરુ-અનુવાદ મણિભાઈ ભ. દેસાઇ, પૃષ્ઠ-૬૪૯, આવૃત્તિ-બીજી, ઓગસ્ટ, ૧૯૫૬
  • Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975
  • Comments on Latest Prussian Censorship Instruction, Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975, Pg-112
  • Comments on Latest Prussian Censorship Instruction, Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975, Pg-122
  • Comments on Latest Prussian Censorship Instruction, Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975, Pg-131
  • Debates on Freedom of the Press, Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975, Pg-153
  • Debates on Freedom of the Press, Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975, Pg-163
  • Communism and The Augsburg, Collected works of Marx and Engels, Vol.1-1835-43, Progress Publishers, Moscow, 1975, Pg-215