બેરોજગારી. દુનિયાદારી. મહેનત. મહાનતા.
કાતિલ શિયાળો હતો. સવારના દસ વાગેલા. હું મેક-ડી માંથી બર્ગર ખાઈને બહાર આવ્યો. બહાર બેંચ પર રાખેલા ‘રોનાલ્ડ મેકડોનાલ્ડ’ના સ્ટેચ્યુ પાસે હું બેંચ પર બેસી ગયો. એકલતા કોરી ખાતી હતી. થતું હતું- મારી આજુબાજુ દેખાતા બધા માણસો માંથી હું સૌથી ફ્લોપ માણસ છું. અમદાવાદમાં આવ્યો ત્યારે બેગમાં કપડા સાથે ઠુંસી-ઠુંસીને સપના ભરેલા. એન્જીનીયર બન્યાની હવા હતી મને! કોઈએ ભાવ ના પૂછ્યો. હતું કે બક્ષી જેવો મોટો લેખક બની જઈશ! અહી આવીને ખબર પડી કે બનીશ જરૂર...પણ હજુ હું ગલુડિયું છું! ક્યારેક થતું મોટો બીઝનેસ કરીશ. બોગસ સપના! એકલતા. બેરોજગારી. બેકારી. ખાલી ખિસ્સું. મેક-ડીનું ૨૫ રૂપિયાનું બર્ગર સાંજ પાડી દેતું હતું. આજે સાંજથી કોલ-સેન્ટર! બીજું શું? બેરોજગાર યુવાનોને સવારે માથા પર પાંચ કિલો મુક્યો હોય એવું લાગે. બપોરે ગળામાં ડૂમો ભરાઈ જાય. જયારે સાંજની ઠંડી હવા લાગે, કોઈ દોસ્ત મળે જે બેરોજગાર હોય ત્યારે નિરાંત થાય. આખો દિવસ ફોનના કોન્ટેક્ટ લીસ્ટમાંથી કોલ થતા રહે. ‘હા. તું તારું રીસ્યુમ મને મેઈલ કર. હું કઈંક કરું છું’ આવું બધા કહે, પણ કોઈનો રિપ્લે ના આવે! બોઘા જેવા કોઈ સગાનો ફોન આવે. ‘શું કરે છે બેટા?’ હું કહું કે જોબ કરું છું. ‘ઓહ ગુડ. કેટલી સેલેરી છે?’
મારું માથું ભમી જતું જયારે કોઈ પગાર પૂછે. પગાર પૂછનારો સૌથી મોટો પાપી છે. ખોટું બોલવું પડતું. જોબ વગર પગાર કહેતો! એમાં હું આદર્શવાદી. જેક નહી લગાવું. ગમે તે ભોગે! મારા કોન્ટેક્ટ કરીશ, પણ કોઈની જોબ વચ્ચે પગ નહી ઘુસેડું. મેં કોઈ રાજકારણીને કહ્યું નહી. સાલાઓની નમાલી વાતો મને ગમતી નહી.
ચોમાસામાં બેરોજગારી સારી. વરસાદમાં આંસુ દેખાય નહી. શિયાળો તો ભૂખ પણ વધુ લગાડતો. આંસુ બહાર દેખાતા. હું ત્યાં બેંચ પર બેઠો-બેઠો ‘રોનાલ્ડ મેકડોનાલ્ડ’ના સિમેન્ટના ખભા પર માથું મુકીને રડી પડ્યો. મારી સામે બ્લર દેખાતી દુનિયા ગમતી ન હતી. યુવાન થઈને રડવું? ચાલે જ નહી. બસ તે દિવસ છેલ્લો હતો જયારે હું ભાંગી પડેલો. થોડી વાતો કહેવી છે. તમે બેરોજગાર હોય તો દિલ દઈને સાંભળજો:
આજે એ મેક-ડી વાળી ઘટનાને વરસ નીકળી ગયું છે. જોબ છે. થોડી સમજ આવી છે. પહેલા તો રડવાનું બંધ કરો. ફિનિક્સ પક્ષીની જેમ રાખ માંથી ઉભા થવા સિવાય કોઈ રસ્તો જ નથી. ભાગ્યને ટોઇલેટમાં જઈને ફ્લશ કરી દો. બેકારીનું ભાગ્ય પણ બેકાર હોય છે. બે સનાતન સત્યો યાદ રાખીલો. એક- અમુક આકસ્મિક ઘટનાને બાદ કરતા અત્યારે, આ સમયે આપણે જેવા છીએ, જ્યાં છીએ, એ બધું જ આપણા ભૂતકાળ માં કરેલા કામ-કર્મો-મહેનતને લીધે જ છે. બીજું- માણસ જે રીતે પોતાની ‘આજ’ જીવે છે, એજ રીતે પોતાની આખી જીંદગી પસાર કરી દેવાનો છે.
સો...નો એક્સક્યુઝ પ્લીઝ. નિષ્ફળતાના બહાનાં નહિ હોય. બહાનાં હશે એ માણસ બાદશાહ નહી બની શકે. બેરોજગારીના દિવસોનો ફાયદો ઉઠાવો. જે વિષયમાં નબળા હો એનું વાંચો. ઈન્ટરવ્યું ફિક્સ ના હોય તો પણ તૈયારી કરો. નવરા ના બેસો. નવરા બેસશો તો માથું ફરી જશે વેવલા વિચારોથી. નબળો વિચાર પણ નહી કરવાનો. જોબ બધાને મળી જ જશે. ટાઈમ લાગશે, પરંતુ આપણી નબળાઈને લીધે જોબ ના મળે એમાં બીજા લોકો શું કરે? નબળાઈનું ખૂન કરી નાખો. કાળા દિવસો જ વધુ શીખવે છે માણસોને. કાળા દિવસો માત્ર કાળી મહેનતથી જ દુર થાય છે. કાળી મહેનત જ રૂપિયા કમાવાના રસ્તા બતાવે છે. કમાયેલા રૂપિયા જ મીઠી ઊંઘ આપે છે. મીઠી ઊંઘ જ જીવવાની સાર્થકતા છે.
એક બીજી વાત. તમારી નિષ્ફળતાની વાતોમાં કોઈને રસ નથી. એ બંધ કરો. ગમતું કામ દિલ લગાવીને કરો તો સફળતા મળશે જ. પોતાના ફિલ્ડમાં જોબ ના હોય તો બીજું કોઈ કામ થોડા ટાઈમ માટે લઇ લો. તમને મારે ફીલોસોફીનો એક મોટો ડોઝ આપવો છે. બેરોજગાર રહીને પાર્ટ ટાઈમમાં એક વરસમાં મેં નવલકથા લખી નાખેલી. નવલકથાના એન્ડ તરફ રૂમી નામનો એ ફુટબોલર પોતાની મહાનતાનું કારણ કહે છે:
હું તમને મહાનતાનો એક રસ્તો બતાવું છું. તમે સપનાઓ જુઓ. મોટા સપનાઓ જુઓ. પછી બસ મુઠી વાળીને તે સપનાઓ પાછળ ભાગવાનું ચાલુ કરી દો. તમે નિષ્ફળ થશો. રડવા લાગશો. પડી જશો. કંટાળી જશો. આ હકીકત છે, અને હું તમને બીજી એક કડવી હકીકત કહું છું- તમે અંધકારમાં ફસાઈ ગયા છો, અને ઈચ્છો છો કે તમને કોઈ આંગળી પકડીને લઇ જાય? ના. કોઈને પડી નથી તમે કેટલા ગાંડા છો, ભાંગી ગયા છો, તમને દુઃખ છે. ના. કોઈને તમારા દુઃખને માટે પોતાની સારી-સારી ક્ષણોને બગાડવાનો શોખ નથી. એટલે હવે પડ્યા પછી તમારા પ્રોબ્લેમ સંભળાવવાનું બંધ કરો. એક પણ એક્સક્યુઝ નહી. અંધારામાં ઉભેલા માણસ હંમેશા મજબુરી ભરી વાતો કરે છે, અને બહાના બતાવ્યા કરે છે. હું કહું છું- છોડો એ વાતો. ઉભા થાવ. મેં જોયું છે- કુતરાઓને પણ જયારે ખરજવું થાય, મરવા પડ્યા હોય, તો પણ છેલ્લા શ્વાસ સુધી, બહાર લબડતી જીભ સુકાય જાય ત્યા સુધી, આંખો બંધ થાય ત્યા સુધી દોડતા રહે છે. તમને કેમ બહાના કાઢીને બેસી ગયા છો? હું છાતી ઠોકીને કહું છું દોસ્ત...જ્યારે લાઈફ તમને કિક મારે છે, તમે રડવા લાગો છો, અને તમે પડી જાવ છો ત્યારે દુનિયાનો કોઈ પણ માણસ રેફરી બનીને તમારા માટે પરિસ્થિતિને રેડ-કાર્ડ બતાવવા નહિ આવે. તમને સાંત્વના દેવા બીજા ખેલાડીઓ આવશે, પરંતુ તમારે જાતે જ આંસુ લુંછીને રમતમાં ઉભું થવું પડશે.
મહાનતા જેવું કઈ હોતું જ નથી, અને જો હોય તો લોહી વાળા હાથે આંસુ લુંછીને મેદાનમાં ઉભા થનારો મહાન બંને છે. ઉભા થઈને દુઃખાવો સહન કરીને દોડનારો મહાન બંને છે. દોડીને પોતાના લક્ષ્ય તરફ, ગોલ મારવા માટે પોતાના હાડકા ખરી જાય ત્યા સુધીની હિંમત લઈને ભાગનારા મહાન બંને છે. પોતાના શરીરમાં થતા દુખાવાની ફરિયાદ કર્યા વિના ફરી-ફરીને ઉભા થનારા મહાન બંને છે. જો એ મહાનતાના ગોલ-પોસ્ટ સુધી પહોચવું હોય તો વારંવાર દોડવું પડે છે. અને આ બધું છતાં તમે એ ગોલ મારી શકતા નથી.સફળતાની એક ક્ષણ માટે હજારો વાર નિષ્ફળ થવું પડે છે. નિષ્ફળ થઈને મેદાન બહાર ગયા પછી દિમાગની નસોને કસી-કસીને શીખવવું પડે છે. છાતીમાં નવો લાવા શોધવો પડે છે. ફરીવાર વધુ જુસ્સા-જનુન અને નવી સમજ સાથે મેદાનમાં ઉતરવું પડે છે. ફરીથી દોડવું પડે છે. એકપણ ફરિયાદ વિના. બધીજ બાહોશી સાથે. બધા દાવ-પેચ લગાવીને. જરૂર પડે તો રસ્તામાં આવનારને ધક્કો મારીને. છેવટે એ ગોલ-પોસ્ટ સુધી પહોંચવાનું જક્કીપણું જીતી જાય છે. અને એ ગોલ થઇ જાય છે. પછી જીવન નામના મેદાનમાં ટી-શર્ટ કાઢીને નાચવાનું મન થાય છે! રાડો નાખી-નાખીને પોતાની સફળતા દુનિયાને- પ્રેક્ષકોને કહેવાનું મન થાય છે. લોકો તમને ઉત્સાહ-પ્રેમ-જુસ્સો આપે છે. એ સમયે એક પણ આંસુ, દુઃખતું શરીર, તૂટેલા હાડકા ...કોઈ દુઃખાવો મહેસુસ થતો જ નથી. સ્થિર માણસ નહી, હંમેશા દોડનારો જીતી જાય છે. મહાન બંને છે.
હું ફરી કહું છું. એ એક ક્ષણ માટે હજારો વાર હારવું પડે છે. મંજુર છે? હજારો એવી જ નિષ્ફળતા ભોગવવી પડશે. હારવું પડશે. મંજુર છે? એક સમયે તમારી પીઠ પર હાથ મુકનારા, તમને સલામ કરનારા જરૂર દેખાશે. કોઈ નહી તો તમારું હૃદય જરૂર તમને ખુશ કરી દેશે.