Chaurahanu cafe barista in Gujarati Short Stories by Maneesh Christian books and stories PDF | ચૌરાહાનું કેફે બરીસ્તા

Featured Books
Categories
Share

ચૌરાહાનું કેફે બરીસ્તા

શહેરનો આ ચાર રસ્તો મે મહિનાની બપોરમાં જાણે ઉકળતો હતો. ગાડીઓનું ઘણ હોકારા-દેકારા કરતુ કાબરચીતરા ખરબચડા અજગર જેવું આગળ સરકી રહ્યું હતું. દરેકને આગળ નીકળી જવાની લ્હાય હતી. જાણે હમણાં લાવારસ ફાટી પડશે અને અજગરને ભરખી જશે.

આ જ ચૌરાહા ઉપર બાર મીલીમીટર જાડા કાચની પાર તમે કેફે બરીસ્તામાં પેસો એટલે દુનિયા અલગ જ હતી. ૧૭ ડીગ્રી ટેમ્પરેચર બતાવતા બે એરકંડીશનર ધરવતા એ સ્ટારબક કેફેમાં શીતળતા ઠાસો-ઠાસ ભરેલી હતી. ચાર ખૂણે લગાવેલા નાના સ્પીકરમાંથી કેની જી નું બ્રેથલેસ સેક્ષોફોન ઉપરથી રૂમમાં રેડાઈ રહ્યું હતું. કોફી કલરના શેડ્સ ધરાવતી દીવાલ જાણે કોફીની મહેકથી લીપેલી હોય તેમ આખી રેસ્ટોરા બ્ર્યુ કોફી અને એક્ષ્પ્રેસોની સુવાસથી તરબતર થઇ રહી હતી. એક પારદર્શક દિવાલના પડદાની બંને બાજુની પ્રત્યક્ષ દુનિયા ભારો-ભાર વિવિધતાથી ભરેલી હતી. પણ બંને બાજુ એક સામ્યતા હતી. અને તે હતો કોલાહલ.

એક યુવતી, બ્લેક ટાઈટ જીન્સ અને યલો સ્લીવલેસ ટોપ, ગાળામાં સુવાળો નાયલોનનો પચરંગી રૂમાલ લપેટેલો હતો. ભારો-ભાર ઠંડકમાં પણ તેની અંદર ઉકળાટ હતો. અંદરથી દેખાતા પેલા મૂંગા અજગરને એ તાકી રહી હતી. બાહ્ય જગત જાણે તેને અદમ્ય શાંતિથી ભરેલું લાગતું હતું. કપાળ ઉપર તિલક બની ચોટી ગયેલી કરચલી અને ઝીણી થયેલી આંખો તે અજંપાની દુનિયા પોતાની અંદર લઈને બેઠી હતી તેની ચાડી પોકારી રહ્યા હતા. થોડી વારે ફક્ત ટેબલ પર પડેલા કપમાંથી કોફીનો એક ઘૂંટડો તેની પાતળી ગરદનમાંથી પસાર થતો દેખાય. બસ, આટલું જ હલન-ચલન, પાછી સ્થિતિપ્રજ્ઞતા.

તેની બાજુમાં થઇ પસાર થતા વેઈટરને કારણે તે થોડી સજાગ થઇ. તેણે બાજુમાં પડેલા તેના નેપકિનમાં લોહી ચાટતું અને ડોકિયા કરતુ ચાકુ તેણે સરખું મુક્યું અને પાછું બહાર તાકવા લાગી. જોકે વેઈટરે તેની બાજુ જોયું પણ નોહ્તું.

“અડધો કલાક થયો, ક્યાં છે તું?” તે સ્વાગત બબડી અને કોફીનો એક ઘૂંટડો ભર્યો.

અચાનક તેની આંખો ચમકી અને તે થોડી ટટ્ટાર થઇ. તે જેની રાહ જોઈ રહી હતી તે વ્યક્તિ કેફેની સામે રિક્ષામાંથી ઉતરી ભાડું ચૂકવી રહી હતી. તે વ્યકિત પણ એક યુવતી જ હતી. બંને એ કાચની આર-પાર એકબીજાને જોયા. કેફેમાની યુવતીએ એક પ્લાસ્ટિક સ્માઈલ ફેંકી પણ તે યુવતી અંદર આવવા માટે ચાલવા લાગી. તે અંદર આવી યુવતીની સામે બેસી ગઈ. દીપાના લગ્ન પછી આ ચૌરહાનું કેફે બરીસ્તા જ તેમનું એકમાત્ર મિલનસ્થાન રહ્યું હતું. એટલે બધું એમનું જાણે મોઢે કરેલું હોય એમ યંત્રવત થતું.

“તરંગી, તું આ દુનિયાની હોય એવું નથી લાગતું મને.” તે પોતાની હેન્ડબેગમાંથી વેટ ટીસ્યુ કાઢી પોતાનો ચહેરો સાફ કરવા લાગી. “અત્યારે જ થોડો કયામતનો સમય હતો. આપણે સાંજે પણ મળી શક્ય હોત.”

“દીપા, જો તે સાંજે મળવાની જીદ પકડી હોત તો કદાચ આપણે મળ્યા જ ના હોત. અને આ પણ કદાચ આપણી છેલ્લી મુલાકાત હશે.” તરંગીએ નીચું ઘાલી જવાબ આપી દિધો.

દીપા થોડીવાર માટે તો સ્તબ્ધ થઇ ગઈ. પણ મક્કમતા જાળવી પૂછ્યું “ તું પેલા ડોસા જોડે પરણવાતો નથી જઈ રહી ને?” દીપાએ તેના બંને હાથ ટેબલ ઉપર પછાડ્યા. “જો મને તારી આ પ્રેમ-કહાણીમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. અને તે તેના માટે જ મને આ ગરમીમાં દોડાવી હોય તો પ્લીઝ આપણે જવું જોઈએ.”

તરંગીએ જાણે દીપાના ગુસ્સાને ગણકાર્યો જ નહિ અને વેઈટરને ઈશારો કરો. બીજી જ મીનીટે વેઈટર હાજર. તરંગીએ પોતાનો સ્કાર્ફ સંભાળતા દીપા માટે કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો.

જેવો વેઈટર ફર્યો કે તરત જ તરંગી એ તેનો સ્કાર્ફ ટેબલ ઉપર મુક્યો. દીપા જાણે કોઈ જાદુનો પટારો ખુલવાનો હોય તેમ સ્કાર્ફ સામે તાકી રહી.

“તો શું એનું?” દીપાએ સ્કાર્ફ વિષે પ્રશ્ન કર્યો.

તરંગીએ ધીમેથી સ્કાર્ફનો એક પડ ઉકેલી અંદર સુતેલું લોહી વાળું ચપ્પુ દીપાને બતાવ્યું. દીપાએ જેવું તે જોઈ લીધું એવી ખાતરી કે તરત જ તરંગીએ સ્કાફ સંકેલ્યો અને પાછો પોતાની બેઠક પાસે મુક્યો. તરંગીએ જયારે દીપા સામે જોયું ત્યારે દીપા સદમામાં ચોટી ગઈ હતી.

“આ શું હતું?” દીપનો અવાજ સુકો થઇ ગયો. તેની જીભ જાણે મરવા પડી હોય તેમ ઉપડવામાં કષ્ટ પડવા લાગ્યું. ટેબલ ઉપરનો ગ્લાસ લઇ બધું પાણી તે એક શ્વાસે પી ગઈ. “મને કહે બચ્ચા શું થયું? તે ડોસાને તે મારી નાખ્યો કે શું? કમ ઓન, તરુ, આપણે ચાહીએ છે એક બીજાને, તું મારા ઉપર ભરોસો કરી શકે છે.” પાણી જેમ અંદર વહ્યું તેવી જ રીતે શબ્દો બહાર ઢોળાયા.

“એકબીજાને ચાહીએ છે એટલે જ તું અહી છું.” બહાર તાકતા જ તેણે જવાબ વળ્યો. “તું એક માત્ર છું જેને મારા જીવનના બનાવો મારે કહેવા હોય છે. તું તારા પતિને કે બીજા કોઈને કહીશ કે નહિ તેની મને ચિંતા નથી. નથી રહેવાતું, મારે તને કહેવું જ પડે છે.”

તરંગીના આ નવા અવતારથી દીપા સ્તબ્ધ હતી. જો કે, દીપા તેને છેલ્લા દસ વરસથી જાણે છે. તેના મુજબ તરંગી એટલે બિન્દાસ્ત બહાદુર અને વિદ્રોહી સ્વભાવની છોકરી. જબરદસ્તીથી તો તેને સાચા નિયમો પણ પળાવી ના શકાય. તેના તુંડમિજાજી સ્વભાવે તેને દોસ્ત-વિહોણી રાખેલી હતી. બંને દોસ્ત નહિ પણ ભૂતકાળની લવર હતી જે દીપાના લગ્ન બાદ દોસ્ત બની હતી. દીપા જાણતી હતી કે તરંગી માટે લગ્ન કરી અને નોર્મલ લાઈફ જીવવી અઘરી હતી. તે ફરી પ્રેમમાં પડવાની જ હતી. કારણ કે તેને હમેશા કોઈ જોઈતું જ હતું. અને તે જેને પ્રેમ કરતી તેના જીવનની આસપાસ જ તેની પ્રદક્ષીણા કાર્ય કરતી. ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ.

પણ આ વખતે તરંગી જે ૬૨ વર્ષના એક્ષ-આર્મીમેન મી.બ્રીજમોહનમાં લપેટાઈ હતી તે દીપાને પસંદ નોહ્તું. જો કે ઉંમર એકલું જ કારણ નોહ્તું ના ગમવાનું. પણ બ્રિજમોહન તેના દીકરા-પુત્રવધુ-પૌત્ર સાથે રહેનાર વિધુર હતા. બંને બંધ-દિમાગ હતા, ઉકળવા માટે તેમને તાપની જરૂર નોહતી રહેતી. બનેનો સ્વભાવ વિદ્રોહી હતો. બંનેના એક –બીજા ઉપર માલિકીભાવની તો જાણે હરીફાઈ રહેતી. આ બધું તરંગી સાથેની છેલ્લી થોડી મુલાકાતોમાં દીપા એ અનુભવેલું હતું. ઘણીવાર દીપાએ તરંગીને ચેતવી હતી કે આ સબંધ કોઈ મુશ્કેલી લાવશે જ. અને આજે મુશ્કેલી સામે હતી. શું હતી? એ આગળ જોઈએ.

“ફોર ગોડ શેક, તરુ, તારી ફિલોસોફી જાય ભાડમાં મને કે તે શું કર્યું છે?” દીપા ઉકળી ઉઠી.

તેણે અદાથી દીપાની આંખોમાં જોયું અને એક હળવી સ્માઈલ સાથે કહ્યું “મેં ખૂન કર્યું.”

તેનો અવાજ કેની જીના સેક્ષોફોન જેટલો સુંવાળો અને શેકેલી કોફી જેવો કડક હતો.

“તે આ જે વસ્તુ મને બતાવી તેનો મતલબ એ જ થાય છે મેડમ. પણ તે શું કામ એને માર્યો?” દીપાનો આવાજ આવેશથી શરુ થઇ રુદનમાં તરડાઇ ગયો. પણ તેને જગ્યા વિષે સભાનતા હતી તેથી તેણે અવાજ બહુ ઉંચો ના કર્યો.

“તેને !!?” તરંગીએ ત્વરિત દીપા સામે જોયું. “તું કોઈ વાત કરે છે ઇડીયટ?”

“ઓહ! હત્યા તું કરે અને ઇડીયટ હું?” દીપાએ આગળ નમીને તરંગીના ટોપનો કોલર પકડ્યો. “હું તારા ઘરડા લવર બોયની વાત કરું છું જીનીયસ લેડી.”

“તે જીવે છે અને અત્યારે શહેરમાં નથી.” તેણે દીપાનો હાથ પોતાના કોલારથી છોડાવતા ઠંડકથી જવાબ આપ્યો.

“તો પછી કોણ અને કેમ? તું એક કામ કર, આ છરી લે અને ચલ મારી સાથે પોલીસ સ્ટેશન. તું કન્ફેશ કરી લે. આપણે શહેરનો બેસ્ટ વકીલ રોકીશું તારા માટે.” દીપા તેનું કાંડું પકડી ઉઠવાની કોશિશ કરી.

તરંગીએ તેનો બીજો હાથ દીપની પકડ ઉપર મુક્યો “અહી બેસ જાન. જયારે મને મારા કૃત્યથી કોઈ પસ્તાવો જ નથી, તો મારે શા માટે કન્ફેશન કરવું?”

દીપા ખુરશીમાં ફસડાઈ પડી. તેની બંને હથેળીમાં ચહેરો સંતાડી અને બંધ અવાજે રડવા લાગી.

“વેઈટર આવે છે.” તરંગી હળવેથી બબડી અને કાચની બહાર જોવા લાગી. દીપાએ સાંભળ્યું એટલે તરત જ પોતાનો ચહેરો બહારની બાજુ ફેરવી લીધો જેથી વેઈટર તેનું રડવું પામી ના જાય.

વેઈટરે આવી પોતાની ટ્રેમાંથી કોલ્ડ કોફી, સુગર પાઉચ અને ટીસ્યુ પેપર ટેબલની મધ્યમાં ઉતર્યા. કદાચ તેણે ત્યાંની અરજકતા મહેસૂસ કરી પણ આવા ઉચ્ચ દરજ્જાના કેફેમાં તેમને ગ્રાહકની ગુપ્તતા અને એકાંત જાળવી રાખવાની તાલીમ આપવામાં આવતી હશે કે જેના માટે ગ્રાહકો ત્યાં આવીને ત્યાંના ખાદ્ય પદાર્થોની તગડી કીમત ચુકવતા હોય છે.

જેવો વેઈટર ગયો કે તરત જ તરંગી ઉભી થઇ સામે દીપની પાસે જઈને બેઠી. તેણે પોતાનો હાથ દીપાના ખભાની ફરતે મૂકયો. દીપા જાણે રાહ જ જોતી હતી. તે ફરી અને પોતનો ચહેરો તરંગીની ગરદનમાં ખૂંપાવી દીધો અને તીવ્રતાથી પણ અવાજ વિના રડવા લાગી.

“તને ખબર છે ને હું તને કેટલી ચાહું છું?” દીપાએ તેની ગરદનમાં જ પૂછ્યું.

“હા ખબર છે.” તરંગી તેના બરડા ઉપર હાથ ફેરવી રહી હતી.

“તો તું મને કેમ શાંતિથી જીવવા નથી દેતી?” દીપાએ પ્રશ્ન કર્યો અને ડુસકા ભર્યે રાખ્યા. આ વખતે તરંગી ચુપ રહી. કારણ કે તે જાણતી હતી કે તેના સ્વછંદી સ્વભાવે ઘણા બધાને દુભવ્યા છે. તે હમેશા પોતાના જ રસ્તે ચાલતી. ભલે પછી એ રસ્તો ઝાહાન્નુંમનો હોય કે જન્નતનો. અને આ વખતે ખરે-ખર તે ઝાહાન્નુંમના રસ્તે ચાલી પડી હતી.

“તેની પુત્રવધુ.” તે બબડી.

દીપા ઝટકો મારી માથું ઊંચક્યું. “ફરી બોલ?”

તરંગીએ ફક્ત હકારમાં તેનું માથું હલાવ્યું.

“તું પાગલ થઇ ગઈ છું? તારું દિમાગ જગ્યા ઉપર છે?” દીપા ઉભી થઇ ગઈ. પણ જેવું તેને ભાન થયું કે તેનો અવાજ ઊંચકાયો છે અને આજુ-બાજુ વાળાનું ધ્યાન ગયું છે કે તરત જ તે બેસી ગઈ અને ફરી પૂછ્યું “તે શા માટે?”

“એટલે જ મેં તને બોલાવી કે “કેમ તે”. તરંગી ઉભી થઇ પછી પોતાની જગ્યા ઉપર જઈ બેસી ગઈ. તેની ઠંડી થઇ રહેલી કોફીનો ઘૂંટડો ભર્યો.

“બેસી જા સુગર, અને તારી કોફી પી.” તે એક પ્રોફેશનલ કિલરની જેમ વર્તી રહી હતી જે દીપાને ખીજવી રહ્યું હતું. પણ તેને જાણવું હતું એટલે તે શાંતિથી બેસી ગઈ અને તરંગીને તાકવા લાગી.

તરંગીએ કોફીનો ઘૂંટડો ભરી દીપા બાજુ નજર ફેંકી. દીપા તેની નજર સમજી ગઈ અને કોફીનો ઘૂંટો ભરવા લાગી. તે કદાચ દીપા તેની સાથે થોડો વધુ સમય રહે – કદાચ છેલ્લી વાર – તેથી રહસ્ય છતું કરવામાં વાર લગાડી રહી હતી.

“વોકિંગ ગાર્ડન, જ્યાં પહેલી વાર તે મળ્યા હતા.” તરંગી એ બહાર જોતા-જોતા પોતાની વાર્તા શરુ કરી. દીપા એ કોફીનો મગ મૂકી તેને સાંભળવાનું શરુ કર્યું.

“તેમણે મને સમજાવ્યું કે ચાલ્યા બાદ સ્ટ્રેચીંગ કેમ કરવું અને કેવી રીતે કરવું જયારે હું ખોટી રીતે કરી રહી હતી. મારી પોઝીશન સીધી કરવા તે મારી બાહો અને જાંગોને સ્પર્શ્યા હતા. મને સ્ત્રી સહજ સંકોચ થયો અને વિચાર્યું કે આ પણ બીજા ડોસાઓ જેવો હશે જે બેટા-બેટા કરી છોકરીઓની પાછળ લાળ દદળાવતા હશે. જયારે હું નોર્મલ પોઝીશન ઉપર આવી ત્યારે તો તેમણે તેમનું જોગીંગ શરુ કરી દીધું હતું અને મારી સામે નજર કર્યા વગર જ દુર નીકળી ગયા. મારી અંદરની નારી અપમાનિત થઇ ગઈ હતી.” તે અટકીને આછું હસી. “કેવું નહિ? જો પુરુષ લાળ પાડે તો ય ના ગમે અને ના પાડે તો ય અપમાન લાગે.”

દીપા કોઈપણ હાવભાવ વિનાના ચહેરે તરંગીને તાકી રહી હતી. તેને આ સ્ત્રી-પુરુષની સાયકોલોજી સમજવામાં કોઈ રસ નોહ્તો. તરંગીએ કોઈ પ્રતિભાવ ના જોયો એટલે આગળ ચલાવ્યું.

“બીજા દિવસથી મેં તેમનું ધ્યાન મારી તરફ લાવવાના પ્રયત્નો ચાલુ કર્યા. પણ તે હવે જાણે મને ઓળખતા પણ નોહતા. બરાબર પાંચમાં દિવસે મેં ધીરજ ખોઈ નાખી અને પહોચી સીધી તેમની સામે જ્યાં તે મેડીટેશનમાં બેઠા હતા. જયારે તેમણે આંખો ખોલી અને મને જોઈ ત્યારે મેં ઉત્સાહની આશા રાખી હતી પણ ફરી મેં પછડાટ ખાધો. મારી અંદરની સ્ત્રી આજે પહેલી વાર લડવા અને ભીખ માંગવા બંને મૂડમાં હતી. તેમણે ફક્ત બે જ શબ્દો ઉચ્ચાર્યા “શું થયું? મેં કહ્યું કઈ નહિ.” તરંગી તેની લવ-સ્ટોરીની ચરમસીમા ઉપર પહોચવાની તૈયારીમાં જ હતી અને દીપાએ તેનો હાથ દાબ્યો. વેઈટર આવી રહ્યો હતો.

“હા?” તરંગી અકળાઈ.

“મેડમ આપને બીજું કાઈ ઓર્ડર કરવાની ઈચ્છા ખરી?” વેઈટરે એકદમ પ્રોફેશનલ રીતે પૂછ્યું.

“મારે કઈ જોઈશું તો હું બોલાવી લઈશ. જા.” તરંગી તેની લવસ્ટોરીના આ કામચાલવું ખલનાયકને ઉદ્ધ્દ્તાઈ થી જવાબ આપ્યો. વેઈટર આભાર વ્યક્ત કરી હસતા ચહેરે જાણે કઈ થયું જ નથી તેમ ચાલ્યો ગયો.

“હવે બોલ આગળ.” દીપાએ વાત જાણવાની તેની સ્ત્રૈણ તીવ્રતા બતાવી અને તરંગીને આ તીવ્રતાથી સંતોષ થયો. તેઓ જાણે કોઈ કાલ્પનિક વાર્તાની વાત કરી રહ્યા હોય તેમ નોર્મલ થઇ રહ્યા હતા.

“આમ અમે મળ્યા,પછી મળતા રહ્યા અને પાર્કની બહાર પણ અમારી મુલાકાતો વધતી ચાલી. તે ખુબ જ સંભાળ રાખનાર હતા. તેમની હાજરીમાં તમને ચોક્કસ નિશ્ચિંત રહી શકો. તેમની આટલી ઉંમર છતાં તે બેડમાં પણ સંપૂર્ણ હતા. આખરે તો તે એક આર્મી-મેન હતા. હું તેમના પ્રેમમાં ખુબ જ ઊંડાણ સુધી પડી ગઈ હતી. તેમની સાથે વિતાવવા મળતા સમયથી હું ખુબ સંતુષ્ટ હતી. હું તેમની સાથે વધુ ને વધુ સમય વિતાવવા માંગતી હતી. તે વિધુર હતા અને તેમના દીકરા સાથે રહેતા હતા એટલે મેં તેમને કહ્યું કે ખરું કે આપણે ક્યાંક બીજે જઈ સાથે રહીએ. તે હમેશા સભ્યતાથી ના પાડી દેતા. “ચાન્સ મારી લેવો” એમની ફિતરત જ નોહતી. હું એમને છેક સુધી ઓળખતી હતી એટલે છેક સુધી ચાહતી હતી.” તે થોડી વાર અટકી, તેનો મગ ઉઠાવી કોફીની એક ચૂસકી લીધી.

અચાનક તેના ચહેરાની રેખાઓ તંગ થઇ. તેની આંખોના ખૂણા પલાળ્યા. દીપાએ આ બદલાવ જોયો.

“એક દિવસ તે મારી પાસે આવ્યા. લગભગ અડધી કલાક એક પણ શબ્દ બોલ્યા વગર મારી પાસે બેસી રહ્યા. મને હમેશા તેમના અધિપત્યમાં રહેવાનું ગમતું, અને ઝગડવાનું જો કોઈ કારણ ના હોય તો એ જ પહેલા બોલે એની રાહ જોતી. એટલે હું તેમની શબ્દ-શરૂઆતની રાહ જોતી બેઠી. પણ ત્યાતો શબ્દની જગ્યા એ આંખમાંથી આંસુ પડ્યું.” તરંગીના આવજે તૂટવાની શરૂઆત કરી. તેની પણ આંખમાંથી ફોરા પડ્યા.

થોડીવાર દીપા સામે તાકી રહ્યા બાદ તેણે પોતાના ગાલ ઉપર હથેળીનું વાઈપર ફેરવ્યું. “તેમણે કહ્યું મને કે તેમની પુત્રવધુ નુપૂરના લીધે તેમણે દુખ પહોચ્યું છે. તે તેમના દીકરાને તેનાથી દુર કરવા માંગતી હતી.” થોડું ધીમા આવજે તેણે કારણ કહ્યું. “એટલે મેં એને દુનિયાથી દુર કરી દીધી.” સુકી ઠંડકથી તેણે વાત કરી. તેના હોઠનો ખૂણો કટાક્ષમાં ખેંચાયો.

દીપાએ ઉભી થઇ તરંગીને એક ચોટદાર લપડાક લગાવી દીધો. આજુ-બાજુના ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિઓ ડઘાઈ અને આ બંને છોકરીઓ બાજુ ફરી. પણ આ બંને છોકરીઓને તેમની દરકાર જ નોહતી. તરંગીએ તો ઝાપટનું પણ કોઈ પ્રતિભાવના આપ્યો. તેના ફરી ગયેલા મોને તેણે સીધું કરી અસ્ત-વ્યસ્ત થયેલી લટોને ઠેકાણે પાડી અને કાચની બહાર જોવા લાગી.

“સાલી ગરજમતલબી, તને અંદાજ છે તેણે નાનું બાળક છે.” દીપા પહોળી આંખોએ તેને તાકી રહી. તરંગી હજુ પણ ચુપચાપ બેસી રહી હતી. તેણે કોઈ જ પ્રતિભાવ ના આપ્યો.

થોડીક ક્ષણો પછી તેણે સ્કાર્ફ લીધો અને ચપ્પા સાથે પોતાના પર્સમાં મુક્યો. તેણે વેઈટરને અવાજ આપ્યો. તેણે વેઈટરને એક હાજર રૂપિયાની નોટ આપી. “ આમાંથી બીલ ચૂકવી દે અને બાકીના તું રાખજે”. દીપા હજુ ઉભી જ રહી હતી અને આ નફફટ છોકરીને તાકી રહી હતી.

“બધાને બીજાના પ્રેમની જ ચિંતા છે, મારો પ્રેમ તો કોઈને દેખાતો જ નથી.” તે બબડતી રહી અને કેફેની બહાર ચાલી પડી. દીપા આ પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ નોહતી. તે પોતાની ખુરશીમાં ફસડાઈ પડી અને કાચની બહાર વાળી દુનિયામાં તેની તરંગીની રિક્ષા માટે હાથ બતાવતી તાકી રહી. તરંગીએ દીપા બાજુ ફક્ત એક નજર નાખી અને રિક્ષામા બેસી ગઈ. દીપા કેફેમાં બેઠા-બેઠા પોતાની અંદરના ઘોંઘાટ સાથે તેની તરંગીને બહારની દુનિયાના ઘોંઘાટમાં ખોવાતી જોઈ રહી......