‘એક્સપાયરી ડેઇટ’
એક્સ્પાયર !!
કેટલો કોમ્પેક્ટ શબ્દ છે નહી? કેટલાય અર્થો ઠાંસીને ભર્યા છે એમાં ! ડીક્ષ્નરી જણાવે કે…એક્સ્પાયર એટલે મુદત પૂરી થવી, મૃત્યુ થવું કે અંત આવવો..ધેટ્સ ઓલ !!
દરેકને સમજાતો હોય છે આનો અર્થ.. ઉમ્રનાં કોઇ ના કોઇ પડાવે ,બધા જ આયામો સહિત ..!કોઇને બચપણમાં, કોઇને યુવાનીમા, કોઇને મધ્યવયે તો કોઇને અંતકાળે ! વેલ…આવા બધાં શબ્દો કંઇ ડીક્ષ્નરીનાં મોહતાજ નથી હોતા ! જીંદગી બહુ મોટો શબ્દકોશ છે દોસ્ત…એ પોતાના કાળચક્રની હદમાં રહી બધાં જ શબ્દોનાં અર્થ ઉદાહરણ સહિત સમજાવતી હોય છે પણ સાલ્લુ…આપણી બાઘાઇ આપણને નડી જતી હોય છે.
એક વાર દ્વારકાની ગોમતીમાં સ્નાન કરતી વખતે હાથમાંથી કિંમતી લક્કી સરી ગઇ.પાણીમાં વહી ગઇ…આંખમાં પાણી આવી ગયા..મૂડ ચાલ્યો ગયો..જમવાનું ન ભાવ્યુ.અને ત્યારે સ્વજને કહ્યું ‘ડીયર.દુખી નહી થવાનું..એ લક્કીની તારી સાથેની મુદત પૂરી થઇ ગઇ છે.આજે એની એક્સ્પાયરી ડેઇટ હતી, હવે જ્યારે ભરતી ઓસરી જશે..બાળકો રેતીમાં રમતાં હશે ત્યારે કોઇને મળી આવશે..અને ફરી એની યાત્રા શરુ થશે ! બસ…તારી સાથે રહી ત્યાં સુધી તારા હાથ પર શોભતી રહી ..તને આનંદ આપતી રહી..તારા પૈસા વસૂલ !!ઇટ્સ એક્સ્પાયર નાઉ ! ભૂલી જા એને અને આ સમય એન્જોય કર..વારંવાર કંઇ દ્વારકા નહી આવી શકાય :)
અને અંદર ઝળહળ થયું કશુંક ..હાં સાચ્ચે જ કંઇ ચાલી ગયેલી ચીજ પાછળ વલવલાટ કર્યે થોડી પાછી આવશે ? રોજ સવારે પોપટની જેમ ગીતાપાઠ કરતાં રહીએ છીએ…‘
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति
शुभाशुभपरित्यागी भक्तिमान्य स मे प्रियः’
અર્થાત્‘
જેને હર્ષ નથી થતો, જેને શોક નથી થતો, જેને રાગ નથી થતો જેને દ્વેષ નથી થતો તથા જેણે શુભ અને અશુભ વચ્ચે ભેદ નથી રાખ્યો તે મારો પ્રિય ભક્ત છે’
આવું બોલી જવું અલગ વાત છે અને હાડોહાડ સત્ય જીવી જવું અલગ વાત છે.આપણે તો માટીના પૂતળા !ઘડીમાં હસી પડીએ તો ઘડીમા રડવા બેસીએ.કંઇક પામીને ખુશખુશાલ થઇએ અને કંઇક ગુમાવીને ઉદાસ થઇએ.ખૈર…તો આપણે વાત કરવી છે એક્સપાયર થયેલી અથવા મુદત પુરી થયેલી બાબતોની.
હાં મુદતો પૂરી થતી હોય છે ત્રણ પ્રકારે.
આ દરેકનાં સમીકરણો અલગ હોય છે, એની અસરો અલગ હોય છે અને એનાં જવાબો પણ અલગ હોય છે!
(૧)વસ્તુની વસ્તુ સાથેની
ટી.વી. સલામત હોય અને રીમોટ બગડી જાય ! ફોન ચાલતો હોય પણ ચાર્જર બગડી જાય ! પૂંઠા નવા ચડાવી શકાય પણ પુસ્તકનાં પન્નાઓ જર્જરીત થઇ જાય ! સાડીની ચમક યથાવત રહે ને બ્લાઉઝ ઝાંખુ થઇ જાય ! બોલપેન સારી હોય અને રીફીલ ખલાસ થાય.અને આ બધું આપણને સાહજીક લાગે..લાગે છે ને? કારણ કે એક વસ્તુની બીજી વસ્તુ સાથેની મુદત પૂરી થઇ ગઇ છે અને એમાં આપણે કે આપણાં સંવેદનો ક્યાંય નથી હોતા.બે વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હતી, એકબીજા સાથેની આયુષ્યમર્યાદા પુરી થવાથી એક ચાલ્યું ગયું અને એની જગ્યા પર નવું આવી ગયું. વાત ખતમ
(૨)વ્યક્તિની વસ્તુ સાથેની
આવું જ કંઇક વ્યક્તિનું વસ્તુ સાથેનું પણ એક આયુષ્ય હોય છે. પણ આમાં વ્યક્તિના સંવેદનો કોઇ ચોક્કસ વસ્તુ સાથે જોડાયેલા હોય છે જેમ કે ખૂબ ગમતી, કોઇને પહેરવા આપેલી માળા ખોવાઇ જાય ! દરવાજામાં હાથ દબાઇ જાય અને એંગેજમેન્ટ રીંગનાં હીરા ખરી પડે ! બહુ જ ગમતી અને અપ્રાપ્ય હોય એવી ગઝલોની સીડી પર સ્ક્રેચીઝ પડી જાય ! ફોરીન ટૂરનાં ફોટાઓનું એકમાત્ર ફોલ્ડર ડીલીટ થઇ જાય ! આવું તો કંઇક સરકી જતુ હોય છે હાથમાંથી એવે વખતે પ્રથમ આઘાત…પછી વિષાદ અને એ પછી જ્ઞાન આવતુ હોય છે કે હશે…જે થયું તે ! આંસૂ સારવાથી કંઇ પાછુ તો નહી આવે !!અને આપણે જાતને સંભાળી લઇએ છીએ. ચાલો ફરીથી નવી ખરીદી કરીશું. નવા સ્વપ્નો અને નવી સવાર.કંઇ વસ્તુના જવાથી જિંદગી તો અટકી નથી પડી ને? નવી વસ્તુઓ સાથે ફરી સંવેદનોના તાર જોડાઇ જાય છે અને પેલી જૂની વસ્તુ કાળક્રમે ભૂલાતી જાય છે. અને કિસ્સો ત્યાં જ ખતમ થાય છે.
પણ યાર…જ્યારે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કશુંક એક્સ્પાયર થાય ને…ત્યારે સાલ્લો દાખલો બહું અઘરો થઇ જાય છે !
(૩)વ્યક્તિની વ્યક્તિ સાથેની
નાનપણમાં પેન્સીલની અણી બટકી જતી ત્યારે ફરી છોલવામાં બહુ રોમાંચ આવતો..પછી મોટા થયા અને સાંભળવા લાગ્યા ‘નામ એનો નાશ’ અને સ્વીકારવા પણ લાગ્યા…લેકીન..કિન્તુ..પરંતુ..હકિકતે કંઇક બટકે છે..તૂટે છે..ત્યારે છોલાઇ જવાય છે પણ રોમાંચ નથી થતો !!માણસ જ્યારે માણસથી દૂર થાય છે ત્યારે બન્ને વચ્ચેના સંબંધો એક્સપાયર થાય છે.લાગણીઓ એક્સપાયર થાય છે.અને સાથે સાથે ઘણું બધું નાશ પામે છે અને ત્યારે સ્થિતપ્રજ્ઞ નથી રહી શકાતું.
હાથમાંથી સરકી જતો હાથ ! ફોનમાં બંધ થયેલા મેસેજ ! મોઢું જોયાની ક્ષણોને લાગતો કાટ ! એડ્રેસ બદલાઇ જવા! ગીફ્ટનાં કુરીયર પરત આવવા ! જેનાં વગર સવાર ન પડતી હોય એનું હવે સાંજની ખૌફનાક તન્હાઇનું કારણ બની જવું ! એકસાથે ગવાયેલા ગીતોનાં સૂરો વિખેરાઇ જવા ! ફ્રીઝમાં પડી રહેલી કપાયા વગરની કેકનું સૂકાઇ જવું ! એશટ્રેનું સીગરેટનાં ઠૂંઠાથી છલકાઇ જવું !પ્લેલીસ્ટમાં સતત ગમગીન ગઝલોનું રીપીટ થવું ! ખુલ્લીફટાક બારીઓમાંથી સતત બે આંખોનું ડોકાયા કરવું !
કોનાં જીવનમાં નથી બનતું આવું ?? ક્યારે દોસ્ત, ક્યારેક સગા-સંબંધી, ક્યારેક પ્રેમી તો ક્યારેક જીવનસાથી…સરકી જાય છે . ચાલ્યું જાય છે ઋણાનુબંધ પૂરા કરીને !કોઇ અચાનક તો કોઇ રફ્તા રફ્તા. જો કે દુખની માત્રા તો સરખી જ રહે છે .ક્યાંક ને ક્યાંક….દરેક આહત્ થયેલું હોય જ છે. થોડાં આંસૂ..ઉઝરડાં..દર્દ..ફરિયાદની મૌસમ આવે અને..પછી ધીમે ધીમે ડહોળાયેલા જળ શાંત થાય ! માત્ર નિયતિને દોષ ન દેતાં નક્કર સમજણ આવતી જાય કે હાં…અનેક પ્રયત્નો પછી પણ હું સંબધોની એક્સ્પાયરી ડેઇટ રોકી ન શકું ! વળી…જેને શરું કરવાનું કે રોકી શકવાનું સામર્થ્ય મારામાં નથી તો પછી એનાં પર દુખી થવાનું યોગ્ય નથી જ નથી.
અને આવી જ એક ઘટના થોડા સમય પહેલા ઇન્ટરનેટ જગતમાં બની. ‘ઓરકુટ’ નામની એક સોશિયલ સાઇટ બંધ થઇ.એક આખો કિસ્સો ખતમ થયો. સમયનો એક ટુકડો જાણે હવામાં ઓગળી ગયો. આમ જુઓ તો ઇન્ટરનેટ એટલે આભાસી જગત અને આમ જુઓ તો સાવ સાચુકલા લોકોનો સમુહ. ‘ઓરકુટ’ પર અનેક લોકો મિત્રો બન્યા, સુખ દુઃખ શેર કર્યા,ચર્ચાઓ કરી, વાદ-વિવાદો કર્યા, દાવા-દલિલો કરતાં,હસતાં-રડતાં, રિસાતાં-મનાતાં અને તો યે સાથે રહેતા પરિવાર થઇને. પરંતુ ફેસબૂકનાં આગમને ‘ઓરકુટ’ના વળતા પાણી થયા. સંચાલકો સમજી ગયા કે ઇટ્સ ઓવર નાઉ ! ‘ઓરકુટ’ની મુદત પુરી થવા આવી છે. અને પછી તો એકસાથે લાખો પ્રોફાઇલ, ફોટોઝ, વીડીયો, સ્ક્રેપબૂક, કોમ્યુનીટી બધું જ એક ક્લીકથી ખતમ થયું જાણે એક આખું હર્યુ ભર્યુ શહેર વિરાન થયું જાણે બધું જ દ્ટ્ટણ પટ્ટણ થઇ ગયું !મોહેંજો -દરો ના અવશેષો તો ક્યારેક પણ મળી આવે અહીંયા તો એ પણ શક્ય ના રહ્યું !
ખૈર…જગતમાં દરેક બાબતની મુદતો પુરી થાય છે.દરેક સાથેના ઋણાનુબંધનો એક સમય હોય છે.જ્યાં સુધી સાથે રહ્યાં એ ક્ષણોની સુગંધ સાચવી રાખવાની બસ..! કોઇ જ ડાઘ કે ડંખ રાખ્યા વગર પણ લોકોને અને ઘટનાઓને ભૂલી શકાય છે યાદ પણ રાખી શકાય છે. ત્રીજા પુરુષ એકવચન બનીને મુદત પૂરી થયાની બાબતને વધાવી લેવાની….બહુ બહાદૂર હો તો ઉજવી લેવાની ! અને આમ પણ બીજું ઘણું છે જીવનમાં યાર…સીખ લે….
—પારુલ ખખ્ખર