પ્રકરણ ૨૫
‘...અને’
ઑફ ધી રેકર્ડ
...અને સત્યાએ દોડીને વિબોધને પાછળની બાજુએથી બળજબરીપૂર્વક ભેટી રોકતા કહ્યું, ‘નહીં વિબોધ. નહીં.’
‘મને જવા દે.’ વિબોધે કઠોર સ્વરે કહ્યું, ‘રંગદર્શી નહીં વ્યવહારુ બન સત્યા.’
‘હું એક શરત પર તને જવા દઈશ.’
‘બોલી નાંખ તારી અંતિમ ઈચ્છા.’
‘અંતિમ ઈચ્છા નહીં વિબોધ ફરમાન.’
વિબોધે નિરાશાથી માથું નમાવી કહ્યું, ‘હુકમ.’
‘તું આ લડાઈ એકલો નહીં લડે. આપણે સાથે..’
વિબોધની નજર ક્ષણેક સત્યાના કળગળતા ચહેરા તરફ મંડાઈ. તે ફરીને પોતાનો વિચાર બદલતો સત્યા સાથે ઓરડામાં આવ્યો. ખુરશી ખસેડી ટેબલ પર હાથ ઝુકાવ્યા. સામેની બાજુ પર સત્યા અને મહમદ બેઠા.
‘સૌ પ્રથમ આપણે મારા બંગલા પર જઈશું. મેં પ્લાન બનાવ્યો હતો દાઉદ ખાનના માણસોની નજર કૌશર પર હશે. એટલે કૌશર સુધી જઈ આપણે દાઉદ સુધી આસાનીથી પહોંચી શકીશું.’
‘કૌશરનો સંપર્ક એટલે ફરી હુમલો થવાની સંભાવના.’
‘હા, પહેલાં કરતાં વધુ જાનલેવા કાતિલ હુમલો.’
‘પણ દાઉદ સુધી પહોચવાનો એ એકમાત્ર રસ્તો છે.’
‘તું એક કામ કર મહમદ.’ વિબોધે ઑફ ધી રેકર્ડ મિશનની ફાઇલ મહમદને સોંપી. ‘આ ફાઇલની તમામ નકલો આજ રાત સુધીમાં દેશની તમામ નાની-મોટી સરકારી-ખાનગી કચેરી. સંસ્થાઓ અને બીજી જરૂરી લાગતી જગ્યાઓએ ફેક્સ થઈ જવી જોઈએ.’
‘ત્યારબાદ?’
‘ત્યારબાદ તું આ દેશ છોડી દેશે અથવા તારી ઓળખાણ બદલાવી ગુમનામ થઈ જશે.’
‘જી સમજી ગયો.’
‘આજ પછી ક્યારેય મારો કે મારા લાગતા-વળગતાનો સંપર્ક નહીં સાધે. જો બધુ સામાન્ય થશે તો અમે તને સામેથી તું હશે ત્યાંથી શોધી તારો સંપર્ક કરીશું.’
મહમદ પોતાની જગ્યા પરથી ઊભો થઈ વિબોધને ગળે લાગ્યો.
‘તારા જેવા દોસ્ત મળવા અઘરા છે મહમદ. તને છોડવાની ઈચ્છા થતી નથી પણ..’
મહમદ ભાવુક થઈ પડ્યો. તેની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.
વિબોધે મહમદને ખુદાહાફીઝ કહી સત્યાનો હાથ પકડ્યો. ‘લેટ્સ ગો.’
સુદર્શન અખબારના ખુફિયા સ્થળેથી સત્યા અને વિબોધ કારમાં બેસી વિબોધ-કૌશરના બંગલે જવા નીકળી પડ્યા.
વિબોધે કાર પોતાના બંગલાથી થોડે દૂર ઊભી કરી દીધી. કારમાંથી સત્યા જોડે ઉતરી બંગલા તરફ ઝટપટ આવતા-આવતા સમગ્ર દિશાનું નિરીક્ષણ કરતાં બે રિવોલ્વર ચેક કરી. એક રિવોલ્વર સત્યાને આપી. દાઉદના માણસો કે કોઈ કાળું-ધોળું-પીળું ચકલું પણ બંગલાની આસપાસ ફરકતું ક્યાય દેખાઈ રહ્યું ન હતું.
બંગલાની ફરતે ઊંચા આસોપાલવનાં ઝાડ હતા. આગળ અનેક જાતનાં ફૂલછોડનો બગીચો ફુંવારાની ફરતે શોભતો હતો. વિબોધ અને સત્યા ઉઠવળા કદમે બંગલામાં પ્રવેશ્યા. ગેઈટ પર સિક્યુરિટી ગાર્ડ ન હતો! કંપાઉન્ડમાં માળી પણ ન દેખાયો! સુકાયેલા પાન અને ધૂળનો ઢગલો જોતા માલૂમ પડ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી બંગલાની આસપાસ સાફસફાઈ થઈ હતી નહીં.
હંમેશાની જેમ વિબોધના તેજ અને સતર્ક મન-મગજમાં અગાઉથી જ આવનારી ગડબડીનો અંદેશો વર્તાય ગયો.
તેણે સત્યાને ઈશારાથી સચેત કરી.
કંપાઉન્ડના મુખ્ય દ્વારમાંથી ઘરમાં જતાં વિબોધના હાથની તમામ આંગળીઓ રિવોલ્વર પર ગોઠવાઈ ગઈ. તેણે સત્યાને પોતાની પાછળ રાખી અણધાર્યા હુમલાથી બચાવવા ખુદ ઢાલની જેમ આગળ રહ્યો.
વિબોધે સાવચેતીથી દરવાજાને ધક્કો મારી બંદૂક તાકી. ડ્રોઈંગરૂમમાં કોઈ દેખાયું નહીં. બધી બારીઓ બંધ હતી. વિબોધની પાછળ સત્યા ડ્રોઈંગરૂમમાં પ્રવેશતા થોડા પગલાં આગળ ચાલ્યા અને અચાનક જ ડ્રોઈંગરૂમનો મુખ્ય દરવાજો બહારથી બંધ થઈ ગયો. અંધારું વધીને સારા પ્રમાણમાં છવાઈ ગયું.
સત્યા ગભરાતી વિબોધની નજીક આવી ગઈ.
વિબોધ અને સત્યાએ ચોતરફ નજર ફેરવી લીધી. ત્યાં જ અંદરની બાજુએથી પોતાની તરફ મંડાતા દબાતા પગલાંનો અવાજ ગૂંજ્યો. બ્લેક હેટ, શૂઝ અને લાંબો કોટ પહેરેલો મધ્યમ કદ અને ઊંચાઈ ધરાવતો વ્યક્તિ બહાર આવ્યો. લાંબા ગોળ ભરાવદાર ચહેરા પર કાળા ગોળ ગોગલ્સ ચશ્માં, જાડી મૂંછો. રાખોડી લચીલા હોઠ. સડી ગયેલા દાંત.
સત્યા અને વિબોધના આશ્ચર્યનો પાર ન રહ્યો. બંનેના મોં પર અકલ્પનીયતા અને આતંકની રેખાઓ તરી આવી.
‘દાઉદ ખાન!’
‘વેલકમ વિબોધ અને સત્યા. સ્વાગત છે.’
વિબોધ અને સત્યા ચૂપ રહ્યા.
‘દાદ આપવી પડે તમારા બંનેની હિંમતની. સામે ચાલીને મરવા આવ્યા. હા. હા. હા.’ દાઉદ ખાન ડ્રોઇંગરૂમમાં પ્રવેશી સોફા પર આરામથી બેસ્યો.
‘તારો અંદાજો ખોટો પડ્યો વિબોધ. તું સમજતો હતો કૌશર થકી તું મારા સુધી પહોંચી શકશે. મારા અડ્ડા સુધી. ના. રમત રમતા તને એકલાને જ આવડતી નથી. અને કોઈપણ ગેઈમ હોય એક નિયમ સર્વ સામાન્ય છે. તારા પછી મારો. વારા પછી વારો. આજ સુધી તે કલમની જોરે, બુદ્ધિનાં બળે અંધારી આલમમાં બહુ અરાજકતા અને આતંક મચાવી લીધો...’
‘બંધ કર તારી આ ફાલતુ ફિલસૂફી. જેમ કાગડાના ગળે કર્કશતા તેમ તારા મોઢે ગાળો જ શોભે.’ વિબોધે દાઉદને બોલતા રોક્યો.
કોટનાં ખિસ્સામાંથી જર્મન બનાવટની બંધૂક નિકાળી વિબોધ તરફ સીધી તાકતાં દાઉદ ગુસ્સાથી બોલ્યો, ‘વિબોધ ભૂલ નહીં તું કોની સામે ઊભો છે.’
વિબોધે દાઉદનાં ગુસ્સા સામે આક્રોશનાં ભાવમાં પૂછ્યું, ‘કૌશર ક્યાં છે?’
હસતાં-હસતાં દાઉદ ખાને બે તાલી પાડી. અંદરનાં રૂમમાંથી બે નકાબપોશ માણસો કૌશરને પકડી બહાર ખેંચી લાવ્યા. કૌશરનાં હાથ પાછળની તરફ બંધાયેલા હતા. વાળ વેરવિખેર હતા અને મોઢા પર ગમટેપ મારેલી હતી. તેની આંખ સોજીને લાલ થઈ ચૂકી હતી એના પોપચાંમાં અશક્તિ કે ઉજાગરાનું નહીં પરંતુ જીવનમાં આવી ચડેલી આફતોના તોફાનનું ઘેન હતું.
વિબોધ પોતાની જગ્યા પરથી કૌશર તરફ આગળ આવવા ગયો ત્યાં જ દાઉદ ખાને તેના પગ પાસે ધડામ.. ધડામ.. ગોળી ચલાવી. ‘જરા પણ હોશિયારી નહીં વિબોધ.’
દાઉદનાં માણસે વિબોધ અને સત્યાને જબરદસ્તીથી પકડીને બંને પાસેથી રિવોલ્વર ઝૂટવી લીધી.
‘વિબોધ તારી સાથે મારે કોઈ દુશ્મનાવટ નથી. તારા પર ફાયરિંગ મારા માણસોએ કર્યું પણ મેં નથી કરાવ્યું.’
‘તો કોણે કરાવ્યું છે?’
‘ઓહ. કમોન વિબોધ. કમઅકલ નાના બચ્ચાં જેવી વાતો નહીં કર. તારી પાસે જે ફાઈલ છે એ ફાઈલ માટેની મને ઘણાબધા પાસેથી સોપારી મળી છે. એ સિવાય મને તારાથી મતલબ નથી. જ્યારે કૌશરને તેં પોતાની બનાવી લીધી ત્યારે પણ ન હતો.’
‘ફાઈલમાં તારું પણ નામ છે.’
‘જેમ ફાઈલમાં તારું નામ હોવા છતાં તને પરવા નથી તેમ મને પણ પરવા નથી. દેશ-દુનિયાની કેટલીયે પોલીસચોકી, અદાલતો અને સંસદોમાં મારા નામની ફાઈલ ફરે છે. શું ફરક પડે છે? હા.. હા.. હા..’ દાઉદ રાક્ષસી હસ્યો. ‘તું જાણતો હશે મારે કૌશરના બદલામાં શું જોઈએ છે.’
‘કૌશર અને સત્યાને જવા દે. ફાઇલ તને મળી જશે.’
‘ઓકે, મને મંજૂર છે.’
વિબોધે દાઉદ ખાનની શરત સાથે અત્યંત નરમ અવાજે સહમતિ દર્શાવી.
‘નહીં વિબોધ તું આ શું કહી રહ્યો છે? આર યુ મેડ?’ સત્યાએ વિબોધને દાઉદની વાતમાં હામી ભરતા રોક્યો. સામેની બાજુએથી કૌશરએ પણ માથું હલાવતા-હલાવતા ના પાડી.
‘વિબોધ વધુ સમય ના બગાડીશ.’
‘ફાઈલ મારી કારમાં પડી છે.’ વિબોધે ઝભ્ભામાંથી ચાવી કાઢીને દાઉદનાં માણસ તરફ ફેંકી. ‘૩૬૯ નંબરની વ્હાઈટ કલર બી.એમ.ડબલ્યુ. કાર બંગલાની ડાબી તરફ અડધો કિલોમીટર જેટલી દૂર ઊભી છે. ફાઇલ ડ્રાઈવિંગ સીટ પર છે.’
‘ઓહ ગોડ.. વિબોધ તેં આ શું કર્યું?’
દાઉદ હસ્યો. વિબોધ મૌન રહી તેની સામે જોઈ રહ્યો.
કૌશરનાં મોઢેથી ગમટેપ દાઉદે ખેંચી લીધી. તેના હાથ ખોલી દેવામાં આવ્યા. એ ભાગીને સીધી વિબોધને જઈ ભેટી પડી. કૌશરના વિબોધને ભેટવાની સાથે જ સત્યાનાં પગ સત્યાને આપોઆપ વિબોધની થોડા દૂરનાં અંતરે લઈ ગયા. દાઉદને અકારણ આ ન ગમ્યું.
થોડીવારમાં દાઉદ ખાનના માણસો વિબોધની કારમાંથી ફાઇલ લઈ પરત આવી ગયા.
દાઉદે ફાઇલ હાથમાં લઈ ચકાસી.
‘સત્યા અને કૌશર જઈ શકે છે.’
સત્યાએ પૂછ્યું, ‘અને વિબોધ?’
‘જ્યાં સુધી મને ઓર્ડર ન મળે ત્યાં સુધી વિબોધ મારા કબજામાં રહેશે.’
‘નહીં. એ નામુમકિન છે.’ કૌશર કીધું.
‘હું ઈચ્છું તો આ ક્ષણે પળભરમાં એક જ ઝાટકે તમારા ત્રણેયની ગેમ ઓવર કરી શકું તેમ છું.’
‘તું એવું નહીં કરી શકે દાઉદ.’
વિબોધનાં મક્કમ બોલનો દાઉદે જવાબ આપ્યો. ‘રાઇટ. અનીતિનાં કામ પણ નીતિથી કરું છું હું વિબોધ. તારી એકલાની જ જાતને મહાન ન સમજતો. બહુ થઈ ગયો ડ્રામા. હવે તારી બંને રખાતોને કહે કે, હું ત્રણ ગણું ત્યાં સુધીમાં અહીંથી ભાગતી પકડે નહીં તો..’ દાઉદ રિવોલ્વર બતાવતાં, ‘આ ગનની ગોળીઓ તેમના નાજૂક બદનમાં ઉતારી દેતાં વાર નહીં લાગે.’
ક્ષણભર વિષાદમાં ડૂબી વિબોધે કૌશર અને સત્યાને કહ્યું, ‘દાઉદ કહે છે તેમ કરો. મારી ચિંતા ન કરો. લિવ ધીસ પ્લેઈસ.’
‘એક.’
‘બટ વિબોધ..’
‘ઈફ યુ વોન્ટ લાઈવ મી. આઈ વિલ લિવ યુ.’ વિબોધ ચિલ્લાયો.
‘બે.’
સત્યા અને કૌશર વિબોધની વાત અનિચ્છાએ માનવા મજબૂર બન્યા. વિબોધની કાર લઈ બંને જતાં રહ્યા અને..
ક્રમશ: