અન્ન એ જીવન છે એનાથી બળ, બુધ્ધિ, તેજ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. આજનો મોજમજ કરતો માનવી ફકત ઉપવાસ કરે ત્યારે જ અન્નની કદર કરે છે, એવા માનવીઓનો વિચાર કર્યો છે જેનાં નસીબમાં રોજ ઉપવાસ લખ્યા છે? મંગળ અને ચંદ્ર પર જનારો માણસ માણસની ભુખ ભાંગી શકયો નથી અન્ન બગાડ ફકત પૈસાનો જ વ્યય નથી કરતો પણ અન્નનું અપમાન કરી પાપ પણ વહોરી લેતો હોય છે.
આપણા સમાજમાં બહું મોટો વિરોધાભાસ છે, એકબાજુ ધનિક વ્યકિત પોતાની સ્વાદેન્દ્રિય પોષવાં જાતજાતની વાનગી પાછળ પૈસા વેડફે છે તો ગરીબ વ્યકિત બે ટંકનું ભોજન મેળવી શકતો નથી. આજકાલ અનાજ શાકભાજીનાં ભાવ આકાશે પહોચ્યાં છે. ભગવાનનાં ભંડારામાં તીર્થસ્થાનો પર ભંયકર અન્ન બગાડ થાય છે, દુખની વાત એ છે એની સામે કોઇ પગલાં પણ લેવામાં આવતા નથી. વધુ પડતું લોકો વિજળી અને પાણીનાં યોગ્ય ઉપયોગ પ્રત્યે સભાન છે. ઠેર ઠેર એની માટે સુવાકયો તેમજ બેનર્સ જોવાં મળે છે, પરંતુ શું તમે અન્ન બગાડ વિશે કયારેય વિચાર કર્યો છે ? જે અન્નનાં દાણાં માટે ખેડુત આત્મ હત્યા માટે તૈયાર થઇ જાય છે, જે અન્નનાં દાણાં માટે માનવી સ્વમાન છોડીને ભીખ માંગે છે. આપણે વગર વિચાર કર્યે ર્ફેંકી દેતા અચકાતાં નથી.
આપણે ત્યાં અન્નને દેવ માનવામાં આવે છે. ભારતના અસંખ્ય ઘરોમાં દરરોજ પહેલાં ભોજન પ્રભુને ધરાવાય છે. ધરાવેલું ભોજન બાકીના ભોજનમાં મેળવી દઈને પછી તે પ્રસાદ તરીકે પીરસાય છે. આપણી દૈનિક પૂજામાં પણ આપણે ભગવાનને નૈવૈદ્ય ધરાવીએ છીએ. આપણે શા માટે એમ કરીએ છીએ ભગવાનને ધરાવેલું અન્ન સ્વાભાવિક રીતે જ શુદ્ધ અને ઉત્તમ હોય છે. આપણે રોજ જમતાં પહેલાં થાળી ફરતે પાણીનો છંટકાવ કરી ભોજન શુદ્ધિ કરીએ છીએ તો પછી જમ્યાં પછી આપણો દ્રષ્ટિકોણ બદલાય જવાનું કારણ શું?
દિવસે બનાવેલી રસોઇ રાતે અને રાતે બનાવેલી રસોઇ દિવસે ન ખાનારાઓ એ કયારેય બઝારનો ખોરાક ખાતીવખતે આ વિચાર કર્યો હશે ખરો ચલો ? એ વાત છોડો ઘરનાં ખર્ચ કરતી વ્યકિતને પુછો તો ખરાં કેટલાં પાપડ શેકવાં પડે છે પૈસો કમાવવાં... જે ખોરાક આપણે ફેંકી દઇએ છીએ એને બનતાં કેટલોક સમય લાગે છે ? સૌ પ્રથમ તો ચોકકસ ઋતુમાં જ ચોકકસ પાક લેવાંમાં આવે છે. એની માટે ખેડુત કેટલીય તજવીજ કરે છે. ઉતમ બિયારણ, વાવણી, જોઇતા પ્રમાણમાં પાણી , કીટકનાશક દવા, લણણી અને પછી વિક્રેતા પાસે અનાજરુપે જાય છે. વિક્રેતા પાસેથી અનાજ સહેલાઇથી નથી મળતું એની માટે અથાગ શ્રમ કરવો પડે છે. પુરા દિવસની ભાગદોડ. દસ કલાક આપ્તજનોથી દુર રહેવું પડે છે. કેટલીયે મથામથ પછી એક મહીને આવતાં પગારમાંથી વિક્રેતા પાસેથી અનાજ મેળવી શકીયે છીએ.. વળી એને સાફસુફ કરવામાં આવે મરી મસાલા નાખવામાં આવે ત્યારે આરોગવાં લાયક થાય. અને એને ફેંકતાં આપણે અચકાતાં જ નથી.
આજનો ભણેલો ગણેલો સુશીલ અને સંસ્કારી સમાજવર્ગ કેટલીક એટીકેટ્સ પાળે છે. જાહેર જગ્યામાં કચરો ફેંકતો નથી જોઇતી જગ્યામાં મોબાઇલ સાયલંટ રાખે છે. ખંડ માથી બહાર જતી વખતે વિજળી બંધ કરવાં તાકીદ કરે છે. કયાંય પણ વણ જોઇતાં વહેતાં નળને જાતે જ બંધ કરી દે છે. આ જ વર્ગ અન્ન માટે કેમ જાગૃત નથી? આપણે અત્યાર સુધી પ્લાસ્ટીક કાચ લોખંડ જેવી ધાતુ અને કાગળ જેવી વસ્તુનું જ રીસાઇકલ કરવાનું શીખ્યાં છીએ પણ કચરાપેટીમાં ફેકાતા અન્ન માટે કંઇ જ નથી કરી શકયાં. પૃથ્વી પર ઉપયોગમાં નહીં લેવાયેલું અન્ન ફેંકી દેવાય ત્યારે તે સડે છે અને મિથેન વાયુ નું ઉત્સર્જન થાય છે. જો વિશ્ર્વભરનાં દેશોમાં બગાડનું પ્રમાણ ઘટે તો પૃથ્વીનાં વાતાવરણને મોટી મદદ મળી શકે છે.
આપણે જેને અન્ન બગાડ કહીયે છીએ તે હકીકતમા ગરીબો તેમ જ પશુપક્ષી માટે સમસ્યા છે. મોલ, સિનેમાઘર, લારીવાળા, પિકનીક, હોટેલ, કેન્ટિન, બાગબગીચામાં, કુટુંબ મેળાવડામાં, તહેવારમાં, લગ્ન, મરણ જેવાં સમારંભોમાં પુષ્કળ પ્રમાણમાં અન્ન બગાડ થાય છે. લોકો પોતાની ઉજાણીમા એટલાં વ્યસ્ત થઇ જાય છે કે ના પુછો વાત. લોકો પોતાના લગ્ન પ્રસંગ અલગ અને યાદગાર બનાવાં ઘણા પ્રયત્ન કરે છે. આજકાલ તો નવી નવી થીમ શરુ કરવામાં આવે છે. બુફે પધ્ધતી એ તો અન્ન બગાડમાં વધારો કર્યો છે. મહેમાનો પણ ખુબ જ ટાપટીપ કરીને આવતાં હોય છે, પણ જમતી વખતે પુરો વિવેક ભુલીને બેફામપણે થાળી ભરી દે છે બધા પ્રકારની વ્યવસ્થા કરવામા યજમાન અન્ન બગાડ માટે કેમ કોઇ બંદોબસ્ત નથી કરતો ? સમારંભોમાં મોટાભાગનો ખર્ચ જમણવારમાં જ થાય છે થાળીદીઠ પૈસા પણ વધારે હોય છે. બે જણાં એક જ થાળીમાં જમે તો યજમાનને ઘણી જ રાહત મળે છે. પિકનીકમા લોકો એક થાળીમા જમતાં જ હોય છે. ધણીવાર એવું બને છે કે મહેમાન પેટ ભરાય ગયાના બહાને થાળી ભરેલી જ ફેંકી દે છે અને આઇસ્ક્રીમની બે ત્રણ પ્લેટ ઓહીયા કરી જાય છે આવુ ન કરવુ જોઇએ. જો એકવાર આવાં સમારંભોમાં થાળીમાં વધેલાં અન્ન માટે યોગ્ય ગોઠવણી કરવામાં આવે તો ચોકકસ સમાજમાં એનું અનુકરણ થવાનું જ. હોટેલમાં પણ ઓર્ડર કરેલી વાનગી પડતી મુકવામા આવે છે અને પાર્સલ લેતા નાનમ અનુભવે છે.
ભારત જ નહીં વિશ્ર્વનાં કોઇપણ દેશમાં અન્ન બગાડને રોકવાના બે જ ઉાપાય છે. એક વ્યકિગત સમજદારી અને રીસાઇકલ થતાં કચરાને અલગ જગ્યામા એકત્રિત કરવો. આજથી એક નિણય લો. જોઇતા પ્રમાણમાં જ રાંધો ઘરનાં સભ્યોની આદત રુચી પ્રમાણે જ ગૃહીણીએ રસોઇ બનાવવી જોઇએ. જેથી દેખીતી રીતે જ ખોરાકનો વ્યય થતાં બચી જશે . ભુખ પ્રમાણે જ થાળી પીરસો છતાંય જો ખોરાક વધી જ જાય તો જરુરીયાતમંદ વ્યકિતને આપવાની ગોઠવણ કરવી જોઇએ. જરુરીયાતમંદ વ્યકિતને પણ એઠું ન આપવું એઠું કુતરાને નીરી દેવુ. જરુરીયાતમંદ વ્યકિતને વધેલું પણ ખાવાલાયક ખોરાક આપવો. જો નજર ફેરવશો તો એવી વ્યકિત જરુર મળી જશે. કચરો લેવા આવતાં ભાઇ મંદિર ની બહાર બેસતા ભાઇ બહેનો વગેરે. કાચો ખોરાક યોગ્ય પ્રમાણમા રાંધવો અને રાંધેલો ખોરાક યોગ્ય સમયનાં અંતરે ઉકાળવો જેથી લાંબા સમય સુધી ખાવા લાયક રહે. રાધેલો ખોરાક યોગ્ય રીતે ઢાંકવો જોઇએ. જરુર પડે એવા ખોરાકને નીચા ઉષ્ણતામાને રાખવાની વ્યવસ્થા રાખવી જોઇએ. વેસ્ટમાથી બેસ્ટ વાનગી બનાવવી જોઇએ, જેમા વિવિધતા મળશે સાથે સાથે ખોરાક પણ ઠેકાણે પડી જશે. આ જ ટેવ બાળકોમાં પાડવાથી ભવિષ્યની સમસ્યાનો ઉકેલ મળી જશે. વર્ષભરની અનાજની વ્યવસ્થામા સાવચેતી રાખવી જોઇએ જેથી તેમાં જીવાત ન પડે. જીવાત પડેલું અનાજ ફેંકીન દેતા કીડીયારુ પુરી દેવું જોઇએ, કબુતરને ચણ સ્વરુપે પણ નાખી શકાય. નરમ પડેલાં શાકભાજી ગાયને આપી શકાય બગડેલાં ખોરાકનો કચરારુપે જ નિકાલ કરવો યોગ્ય રહેશે . વધેલાં અન્નનું કચરારુપે નિકાલ કરીને અપમાન કરવાં કરતાં કોઇની ભુખ મટાડવામાં આવે તો જ ઉચિત ઉપયોગ કર્યો કહેવાય. મદિરમાં દુધનો લોટો ચડાવવાં કરતાં એ લોટો મદિર બહાર બેસતાં બાળકને આપવાથી વધારે પુણ્ય કમાય શકશો. જો દેરેક દરેક માનવી જાગૃત થાય તો અડધી પ્રજા ભુખમરાંથી બચી જશે. તો શું મિત્રો તમે રાહ જઇ રહયા છો કે વિજળી અને પાણીની જાહેરાતની જેમ સરકાર અન્ન બગાડની જાહેરાત પ્રસારણ કરે પછી જ આચરણમાં મુકીશું ?