Shanti ni Palojan in Gujarati Comedy stories by Sneha Patel books and stories PDF | શાંતિની પળોજણ

Featured Books
Categories
Share

શાંતિની પળોજણ

શાંતિની પળોજણ:

અત્યાર સુધી મને એમ લાગતું હતું કે રેસ્ટોરંટમાં આજકાલના લવરમૂછિયાઓ જ ‘કલબલ કલબલ.. કરતા ઘોઘાટીયા હોય છે. આજુબાજુ થોડું શાંત વાતાવરણ અને સોફ્ટ મ્યુઝિક્ના ઘૂંટ જમવાની સાથે ગળે ઉતારવાની શોખીન એવી મને જો આવી જગ્યાએ જમવાનું આવે તો જાણે મોત જ આવીએ ગયું હોય એમ લાગે..જમતા જમતા આપણે મૃદુ સ્વરે વાતચીત કરવાના પ્રયત્નો કરીએ તો આપણી સામેવાળો જાણે બહેરો હોય એમ બાઘાની જેમ આપણું મોઢું તાકીને બેસી રહે..વળી આપણને પેલા લોકોની જેમ મોટેથી બૂમો પાડીપાડીને બોલવાની આદ્ત પણ નહીં..પરિણામે આપણી વાતો કોરાણે મૂકીને પેલા લોકોની લવારીઓ સાંભળવાની..પેંપેઍપેં..ચે ચે ચે…!!

હમણાં એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે શહેરથી થોડે દૂર શાંત નૈસર્ગિક વાતાવરણમાં એક નવી સાઉથઇન્ડિયન રેસ્ટોરંટ ખૂલી છે. વળી જમવાનું પણ ટેસ્ટી અને ખીસાને પરવડે એવું હતું…અને આપણે તો ખુશ. ફેમિલી સાથે શાંતિથી જમવાની મજા માણવા બરાબર અઠવાડિયાનો મધ્યનો દિવસ પસંદ કર્યો અને ૮.૩૦વાગ્યે પહોંચી ગયા. આખી હોટલ ખાલીખમ.. હૈયે ટાઢકનો રંગ લીંપાણો. હાશ..! બરાબર વચ્ચેનું એક ટેબલ પસંદ કર્યું. આખી હોટલના જાણે આપણે એકલા જ ગ્રાહક રાજા/રાણી…પ્રજા !!

ખુશીનો શ્વાસ ભરીને આખી હોટલ પર એક નજર નાંખી..વિહંગાવલોકન.. ઈનટીરીઅરમાં ટીપીકલ સાઉથ ઇન્ડિયનની છાંટવાલી સફેદ કલરની સુંદર ડિઝાઇન હતી..જે ચાલુ ક્યાંથી થાય છે અને એનો અંત ક્યાં આવે છે એ જ ખ્યાલ નહતો આવતો..જબરી પઝલ-ડિઝાઇન હતી..ત્યાંતો કાળી લુંગી અને પગમાં લાલ મોજાં સાથે કાળા બૂટ પહેરેલો વેઈટર મેનુકાર્ડ આપી ગયો..વાતાવરણમાં ધીમા સાદે પ્રસરી રહેલું અંગ્રેજી સોફ્ટ મ્યુઝિક મૂડ ખુશનુમા કરી ગયો.

કોફી કલરનું સરસ મજાનું મેનુ કાર્ડ ખોલીને જોયું તો મન પ્રફુલ્લિત થઈ ગયું..વાહ..અસ્સ્લ ઇન્ડીઅન ખાણીપીણીનો ખજાનો..રસમ..વડાઈ..પુરમ…કુરમ… અહીંઆનો પેપર ડોસા જ ખાવો છે..મજા આવી જશે..હજુ તો આ નશો મગજના ખૂણાને તરબતર કરે ના કરે ત્યાં તો ચારે’ક આધેડ વયના કપલે હોટલમાં શાનદાર એન્ટ્રી મારી..અહાહા..શું એમનો ઠ્સ્સો…રુઆબ.

‘એય ..આ ટેબલ પર કકડો મારીને થોડું ચકાચક કર..’ એક ગ્રે સફારીવાળા, કાળાભમ્મર વાળ ધરાવતા કાકાએ ..(કાળા ભમ્મરવાળ હોય એટલાબધા જુવાનીયા ના હોય એ તો હવે મારા બાર વર્ષના દીકરાને પણ ખબર છે…) ખુરશીને સ્ટાઇલથી પાછી ખેંચીને, કપાળ પર આવી ગયેલા વાળને ઝટકો આપીને પોતાની પત્નીને સલૂકાઇથી બેસાડ્યા અને બાજુની ખુરશીમાં પોતે બિરાજમાન થયા.. ત્યાં તો ઉભા રહેલા કપલમાંથી એક સ્ત્રી ‘ખુરશી એટીકેટ’વાળા જુવાન કાકાની બાજુમાં બિરાજ્યા અને આંખ લાલ કરી.. આવું જોઇને મને થોડી નવાઇ લાગી પણ બે પળમાં જ ગુત્થી સુલઝાઇ ગઈ.. કાકીની એ કાકાને ધમકીભરેલ નજરથી જોવાની રીત પરથી ખ્યાલ આવી ગયો કે એ એમના ધર્મપત્ની હતા..જુવાનઅંકલે એમના ‘મિત્રપત્ની’ને ખુરશીમાં બેસાડયા પણ પોતાના ‘ધર્મપત્ની’ને તો વિસારી જ બેઠેલા..આવી બન્યું આ જુવાન કાકાનું ઘરે પહોંચે એટલી જ વાર.. કાકાની જમણી બાજુમાં ગુલાબી સિલ્કના ડ્રેસમાં સજ્જ, હાથ-કાન-નાકમાં ઘરેણાંની હાલતી ચાલતી દુકાન સજાવેલી અને નવી નવેલી દુલ્હનની જેમ મહેંદીવાળા હાથ..’તૌબા હા નખરા ગૌરી કા..’ જેવા સન્ન્નારી સાથે મોટી ફાંદવાળા ને ચમકતી ટાલવાળા પતિદેવને પરાણે ઘસડીને લાવ્યા હોય એવા હાવભાવ સાથે બેઠા.ચોથું કપલ સીધું સાદું પણ થોડું થાકેલું હતું.કદાચ કામ પરથી થાકેલા પાકેલા સીધા આવીને અહીં જોઇન થઈ ગયા હશે..

એટલામાં મારો મસ મોટો પેપર ડોસા આવી ગયો…એને કઇ બાજુથી કેટલા અંશના ખૂણેથી કેમનો તોડવો એના વિચારોમાં અટવાઈ..ત્યાં તો વાતાવરણમાં ગરમી ફેલાવા લાગી.જાણે ઓઝોનના પડમાંથી છિદ્ર પાડીને શરીરને બાળી દેતી ગરમી. આ અવાજ ક્યાંથી ચાલુ થઈ ગયો..ને હુ ચમકી..આ શુ…આ અવાજ ક્યાંથી..આ તો પેલા બુઢ્ઢાપાર્ટીનો શોરગુલ..ચેંચેંચેં..પેંપેંપેં.. હે ભગવાન..આ તો ફરીથી એની એ જ અવાજોની દુનિયા… એમાં પણ આ તો વળી નકલી દાંતના ચોકઠાના તાલ પર ઘસાઈ ગયેલા પીન જેવા બેસૂરા અવાજો..કોઇની વાતો ચોરીછૂપીથી ના સંભળાય એ એટીકેટનું માન હવે કેવી રીતે જળવાય જ્યારે વાતો ખુદ જ છેક સાતમો સૂર પકડીને બેઠી હોય..!

થોડી વાતચીત-રસ પરાણે કાનમાં રેડાયા પછી ખ્યાલ આવ્યો કે એ એક કીટી પાર્ટીના મેમ્બરો હતાં, જે દર મહિને એકાદ વાર આવી રીતે કોઇ જગ્યાએ ભેગા થઈને સુખદુઃખના પોટલાની ગાંઠો ખોલતા ખોલતા દિલનો અને માથે આવી ચડેલ પ્રૌઢાવસ્થાનો અણગમતો ભાર ઉતારી બુઢાપો હસીખુશીથી વિતાવવાની એષણા રાખતા હતા.

હવે આ કાકાઓના-કાકીઓના નામ નથી જાણતા એટલે આપણે એમને અ, બ,ક, ડ એવા નામ આપી દઈએ..

કાળાબૂટ અને લાલમોજા ઉપર લુંગીના યુનિફોર્મવાળો વેઈટર એ ટેબલ પર પહોચ્યો..

‘સાહેબ કેવું પાણી લેશો..રેગ્યુલર કે મિનરલ.’

‘મિનરલ;

પેટાપ્રશ્ન..

‘નોર્મલ કે ઠંડું..?”

આ તો થોડો અવઢવનો..ઇજ્જતનો પ્રશ્ન..

નોર્મલ કહે તો પોતે બુઢ્ઢા થઈ ગયા છે એવું લાગે અને ઠંડુ પાણી પીવાની શરીર ઇજાજત નહોતું આપતું..શું કરવું…વચેટીયો માર્ગ કાઢ્યો..એક ઠંડી અને એક નોર્મલ બોટ્લ લાવ..’

‘ઓકે..’

બોટ્લ આવ્યા પછી ‘અ'(ખુરશી દાક્ષિણ્ય વાળા) કાકાએ બોટલ હાથમાં લીધી ને એકદમ ચમક્યા..અરે આ તો એક્દમ ગરમ પાણી..હેય વેઈટર..આવું પાણી તો કેમ પીવાય..એક કામ કર..આને થોડી વાર ફ્રીજમાં મૂક અને થોડી ઠંડી થાય એટલે લઇને આવ..’

બિચ્ચારો વેઈટર..આજુબાજુના બધાય ટેબલની નજર અને કાન એ પ્રૌઢટેબલ પર જ ખોડાયેલ હતી એટલે એ થોડો ઓઝપાઇ ગયો ને ફટાફટ એ બોટલ લઇને હાલતો થયો

‘બ'(મોટી ફાંદ અને ટાલના માલિક) કાકાએ ચશ્મા થોડા નાક પર સેરવ્યાં ને મેનુમાં નજર નાંખી..બધાંયની ચોઇસથી માહિતગાર હોય એમ ફટાફટ ઓર્ડર આપવા માંડયો…

‘દસ જણ…એટલે એક કામ કર..ચાર રવા મસાલા ઢોસા,,બે ઈડલી,,,બે મેંદુવડા.. અને એક પેપર મસાલા..લઈ આવ..’

એમની તાનાશાહીથી નારાજગીનું એક મોજું ટેબલ પર ફરી વળ્યું ..પાછો શોરબકોર વધી ગયો..

‘અરે..પણ મારે તો જૈન સાદો પેપર ઢોસો ખાવો છે..અને મારે ઉત્ત્તપા.મારે તો ભાજીપાઊં ખાવો છે….મારે પેલું જોઇશે..અને ‘બ’ કાકાના નાક પરના ચશ્મા સરકીને ગળા પર આવી ગયા.

છેલ્લે બધામાં થોડા ઠરેલ અને વિશાળ ભાવવાહી આંખો ધરાવનારા સમજુ લાગતા ‘ડ'(સીધા સાદા થાકેલા) કાકાએ બધાની મરજી પૂછીને ‘વન બાય વન’ બધાની પસંદગીનો ઓર્ડર આપીને વાત પતાવી..

‘અરે..તારો ઢોસો તો સાવ ઠંડો થઈ ગયો મમ્મી..ક્યાં ખોવાઈ ગઈ છું..’

મારા દીકરાએ મને જાણે કોઇ સપનામાંથી ઢંઢોળીને ઉઠાડી દીધી હોય એમ લાગ્યં..કોઇના ટેબલ પર આમ આંખ, કાન ચોંટાડીને પંચાત કરવાની મારી આ વૃતિ પર મને મનોમન થોડી શરમ આવી ગઈ..(જો કે આખી હોટલની આંખ..કાનના આકર્ષણ બિંદુમાં એ ટેબલ મધયવર્તી સ્થાન પર જ હતું..!!)

મગજને થોડું ‘ડાયવર્ટ’ કરીને પાછું અમારા પોતાના ટેબલ અને ડીશો પર સેટ કરીને ‘પારકી પંચાત પાપ…’વાળા ત્રણ ‘પ’ નો નિયમ યાદ કરીને ‘પોતાના’ ‘પ’ પર વધુ ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો.વચ્ચે વચ્ચે પરાણે પતિદેવ અને પુત્ર સાથે થૉડો સંવાદનો સેતુ રચવાનો વિફળ પ્રયત્ન પણ કરતી રહી..!!

ત્યાં તો ફરી એક અવાજનું મોજું જમણીબાજુના પ્રૌઢ ટૅબલ પર ફરી વળ્યું ને મારા હાથમાંથી કાંટો નીચે પડી ગયો..

‘અરે..મારો સંભાર જૈન લાવવાનો હતો ને..’

ખુરશી દાક્ષિણ્યવાળા જુવાનકાકાએ પણ એમના સૂરમાં સાથ પૂરોવીને વેઈટરને બરાબરનો ખખડાવતા હતા..( લાગતું હતું કે ઘરેથી દીકરા અને વહુ જોડેથી ઝગડીને આવ્યા હશે અને એનું ફ્રસ્ટેશનનો ભોગ પેલો વેઈટર બનતો હતો..) એ ફટાફટ સંભારનો બાઉલ ઉપાડીને ચાલતો થયો અને વળતી જ પળે જૈન સંભાર અને લટકામાં થોડી ઠંડી થઈ ચૂકેલી બોટલ પણ લેતો આવ્યો..રખે ને ક્યાંક એ વધારે ઠંડી થઈ જાય તો પાછું આ બુઢ્ઢાપારાયણ..આમે આજની સાંજ ખરાબ જ ઉગેલી હતી એના માટે..!!”

ઓર્ડર પ્રમાણે ખાવાનું પહોંચતl લગભગ ૧૦એક મિનિટ થઈ ગઈ..આખી હોટલ પોતાનું ખાવાનું ભૂલીને આ રસપ્રદ ટેબલ પર ટીકી ટીકીને મીટ માંડીને નિહાળી રહ્યું હતુ. એ બધાથી પોરસાતું..’સેન્ટર ઓફ અટ્રેકશન’ના મિજાજમાં રંગાયેલ જુવાન બુઢ્ઢાઓ એમની મસ્તીમાં મસ્ત..

ત્યાં તો ભાજીપાઊંની ડીશ આવી..’ડ’કપલના દેવીજીએ પાઊં ઉપાડયો તો નીચે ‘જન્નત’ લખેલું..એ જોઇને એમની ખેંચવાના પેંતરા સાથે ‘બ’કાકાએ એમને પૂછ્યું, ‘તમારા સરનું નામ ‘ઇશ્ક કી છાંવ’ હતું ને..અને ‘ડ’ દેવીજીનો પાઊં હાથમાં જ રહી ગયો..બધાંય એ વિચિત્ર વાક્ય પર ‘બ’કાકાને ડોળા ફાડીને નિહાળી રહ્યાં..અને ‘બ’કાકા અટ્ઠહાસ્ય કરીને બોલ્યા, ‘અરે, તમે પેલું ગીત નથી સાંભળ્યું..’જીનકે ‘સર’ હો ‘ઇશ્ક કી છાંવ, ‘પાઊ’ કે નીચે ‘જન્નત’ હોગી..’ એમની વાતનો મર્મ સમજતાં જ બધા એકસાથે હો..હો..હો કરીને હસી પડ્યાં..એમાં ને એમાં ‘ડ’ કાકાનો હાથ ટેબલ પરના ગ્લાસ પર અથડાયો અને બધું ય પાણી પેલા ભાજીપાઊંની ડીશમાં..અને બધાના હાસ્યને એક્દમ જ બ્રેક વાગી ગઈ..પળ વળતી જ પળે એ પાણી ઢોળાવાની પ્રક્રિયા પર ફરીથી બધા હાસ્યના હિલ્લોળે ચડ્યા.

હોટલમાં હાસ્યનું સુનામી આવી ગયું.

‘આજે તો તમારી મેરેજ એનીવર્સરી હોય એમ સજી ધજીને આવ્યા છો હોંકે દીપાલી બેન..”અ’કાકાએ વાતને અણધારો જ વળાંક આપી દીધો..અને મને એમ કે પત્યું..હમણાં દિપાલીબેનના પતિદેવ ફુલટોસ બોલ પર સિકસર મારી જ સમજો…

ત્યાં તો,

‘અરે..આજે નહી પણ પાંચ દિવસ પછી તો એમની બર્થ ડે આવે જ છે ને..કેમ દિપાલીબેન ખોટું કહ્યું કે..” ‘ડ’ કાકાએ ટાપસી પુરાવી..

અને પીન્ક સિલ્ક્ધારી દાદીમાના ગાલે શરમના રાતા શેરડા ફૂટી નીકળ્યાં..

અને હું આઘાતની મારી જમણેરી ટેબલ પરની બધીજ ક્રિયા-પ્રતિક્રિયાઓ જોઇને થોડી બ્લેન્ક થઈ ગઈ.

ત્યાં વળી નવો ટોપિક ખુલ્યો..

‘આવતી વખતની પાર્ટી આપણે બગીચામાં રાખીશું.. મેં જગ્યા નક્કી કરી દીધી છે..પણ આ વખતે થોડું જલ્કી હાં કે..આમ આખો મહિનો રાહ નહી જોઇએ..પંદર દિવસનો ગાળો હોય તો સારું રહે છે..’પીન્ક સિલ્કવાળા બેને પોતાનો મત રજૂ કર્યો.

પછી તો બગીચામાં કેટલા વાગે મળીશું..શું નાસ્તો બનાવીને લાવીશું..કેવી કેવી એક્ટીવીટી કરીશુંની ચર્ચાએ આખુંય વાતવરણ ઉત્તેજના અને શોરબકોરથી ભરી દીધું..આજુબાજુના બધાંય પરોક્ષ રીતે મનોમન એમના પ્રોગ્રામમાં ઇનવોલ્વ થતા ચાલ્યા હતાં..

ત્યાં તો પતિદેવે મને કહ્યું..થોડો ગરમ સાંભાર લઈશ કે..આ તો સાવ ઠ્ંડો થઈ ગયો છે..’

અને હું એક્દમ સાતમા આસમાનમાંથી મારા ટેબલ પર પટકાઇ… મારા ટેબલ પર પતિદેવની ડીસ ખાલી .દીકરો પણ ઓલમોસ્ટ જમી રહેલો..જ્યારે હું…હજુ તો અડધે પણ નહોતી પહોંચી..

મન મક્ક્મ કરીને એ કોલાહલ વચ્ચે મારો ઢોસો પૂરો કરવાનો નિર્ધાર કર્યો ત્યારે પેલું રસદાયક ટેબલ એમની વર્ષ પહેલાંની ગોવાની ટ્રીપની વાત કરી રહેલું ધ્યાનમાં ચડ્યું..પણ હવે માથું એના દુઃખાવાની ચરમસીમાએ પહોંચી ગયેલું..કાન કચકચથી આખેઆખા જાણે કે છલકાઇ ગયેલા..બાકીનો ઢોસો ડીશમાં જ રહેવા દઈ પાણીનો ગ્લાસ મોઢે માંડીને બે ધૂંટડા સાથે બધુંય એકઝાટકે ગળા નીચે ઉતારી દીધું. નવો ડેટા સ્ટોર કરવાની કોઇ જ મગજમાં કોઇ જ તાકાત નહોતી બચી એટલે પતિદેવને બીલ ચૂકવીને બહાર આવવાનુ કહીને છેલ્લી એક સરસરી નજર એ મસ્તરામ ટેબલ પર નાંખી. એક વાર એ વયસ્કોને જીવનને ખરા અર્થમાં માણી લેવાના અભિનંદન આપવાનું મન થયું ..પણ એ પ્રયાસોએ પરોક્ષ રીતે મારી સાંજનું સત્યાનાશ કરી નાંખેલુ એટલે મનની મનમાં જ રાખીને શાંતિદેવીએ ફરીથી એક વાર મને ધરાર ઠેંગો બતાવ્યાની લાગણી હૈયામાં ઢબૂરીને હોટલની બહાર નીકળી ગઈ.

– સ્નેહા પટેલ.