e-lutaruo...!!! in Gujarati Magazine by Ajay Upadhyay books and stories PDF | ઈ-લુટારાઓ ...!!!

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ઈ-લુટારાઓ ...!!!

‘ તમે દેશની ટોચની કંપનીમાં ઊંચા પગારે નોકરી માટે સિલેક્ટ થયા છો ‘ સોફ્ટવેર ફર્મમાં નોકરી કરતી અમદાવાદની ૨૩ વર્ષની એ યુવતીના મોબાઈલ પર એક મેસેજ જબક્યો . એણે બહુ ધ્યાન નાં આપ્યું પણ ઘરે પહોચતા જ એની માતાએ કહ્યું કે એના બીજા મોબાઈલ નમ્બર પર બે વાર કોઈનો બેંગલોરથી નોકરીની ઓફર માટે ફોન આવેલો . એણે કુતુહલવશ સામો ફોન કર્યો . ફોન ઉપાડનારે એને અમદાવાદની એક ટોચની કંપનીમાં ઈન્ટરવ્યું માટે તમે સિલેક્ટ થયા છો એમ જણાવી બીજાને લાઈન પાસ કરી . પોતાની ઓળખાણ ભારતની બેસ્ટ રીક્રુટમેન્ટ ફર્મના ટોપ ઓફિસર તરીકે આપીને પેલાએ નવી જોબ માટે અભિનંદન આપવાની સાથે સાથે વાતો વાતોમાં ઈન્ટરવ્યુંના ફોર્મમાં ભરવા જરૂર છે એમ કહીને યુવતીની બેંક ડીટેલ , પાન નંબર , માતા-પિતાનું નામ વગેરે વિગતો પૂછીને કોલ લેટર મળશે એમ કહી ફોન મૂકી દીધો . લગભગ ૩૦ જ મીનીટમાં એ યુવતીના મોબાઈલ પર બેંકનો મેસેજ આવ્યો કે તમારા ખાતામાંથી ૫૩૦૦૦ રૂપિયાનું ઓનલાઈન પરચેઝનું બીલ પે થયું છે . એ ચમકી , બેંકમાં ફોન કર્યા પણ ત્યાં સુધીમાં ઓનલાઈન ગઠિયાઓએ એમનું કામ પતાવી દીધેલું અંતે પોલીસ ફરિયાદરૂપી આશ્વાશન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ એની પાસે બચ્યો નહિ .

દુનિયા દિવસે દિવસે ટેકનીકલી અને વિજાણું ઝડપે આગળ વધતી જાય છે . ઘોડા લઈને બહારવટીયે નીકળતા ડાકુઓનું સ્થાન ઈન્ટરનેટના જમાનામાં આવા ઓનલાઈન ડાકુઓએ લઇ લીધું છે . રોજ રોજ અખબારો અને ટીવીમાં નીતનવીન પ્રકારના ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વાચવા મળે છે . એટલી શાતીર અને પધ્ધતિસરની સીસ્ટમ આ છેતરબાઝો ગોઠવે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ માછલી તો એમની જાળમાં ફસાઈ જ જાય . બેઝીકલી ઓનલાઈન ફ્રોડને અટકાવવું થોડે ઘણે અંશે મુશ્કેલ છે , હા ઘણા કિસ્સાઓમાં ગુનેગારો પકડાય છે એ હકીકત છે પણ આ એક એવી બનાવટી દુનિયા છે કે જ્યાં હર રોજ નવી નવી જાળો ફેકાતી રહે છે અને નવી નવી માછલીઓ પકડાતી રહે છે . દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે એ ઉક્તિ અહી બરાબર ફીટ બેસે છે . શરત એ છે કે માછલી કેટલી નબળી છે અથવા તો જાળ કેટલી મજબુત છે .

જે લોકોને બેંક એકાઉન્ટ હશે એ લોકોને ખબર હશે કે એમના ઇમેલમાં વારંવાર જે તે બેંક તરફથી મેસેજ આવતા હશે કે અમે અમારા ગ્રાહકોને ક્યારેય ઇમેલ કરીને કોઈ માહિતી મંગાવતા નથી અથવા તો હોમ પેજની લીંક મોકલીને પાસવર્ડ બદલવાની વિનંતી નથી કરતા . આપણામાંથી મોટાભાગના આ ઇમેલને સમજી શકે છે પણ અમુક એવા પણ છે કે જે આવો જ કોઈ પાસવર્ડ બદલવાનો બેંકના નામે મળેલા ઇમેલ પર તરત અમલ કરીને આપેલી લીંક ખોલીને કામ પૂરું કરે છે . છેતરપીંડી અહી છે કેમકે એ જે પેજ ખોલે છે એ અદ્દલ અસલ બેંકના હોમપેજ જેવું જ હોય છે પહેલી નજરે ખબર પણ નાં પડે કે આ ફેક પેજ છે જેવું તમે ત્યાં માહિતી ભરો કે બદલો એ સાથે જ ફેક પેજ બનાવનાર ફ્રોડર પાસે તમારી બેંક એકાઉન્ટ ડીટેલ પહોચી જાય છે અને તમે બીજી વાર બેંક સ્ટેટમેન્ટ જુવો ત્યાં સુધીમાં તમારા એકાઉન્ટમાંથી યથાયોગ્ય રકમ હળવા પગલે દુર દુરના દેશમાં કોઈ ડમી એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે .

બેંકના નામે થતા ફ્રોડનું આ તો એક સર્વસામાન્ય ઉદાહરણ આપ્યું . આજે જમાનો પ્લાસ્ટિકમનીનો છે . હવે લોકો વોલેટમાં રૂપિયા ઓછા અને ક્રેડીટ કે ડેબીટ કાર્ડ વધુ રાખતા થયા છે કારણ કે પૈસા સાચવવા કે ઉપાડવાની પળોજણમાં પડવાનો સમય નથી કોઈ પાસે પણ એ જ પ્લાસ્ટિક મનીના ફ્રોડ સૌથી વધુ થાય છે . આજકાલ દરેક જગ્યાએ ક્રેડીટ કે ડેબીટ કાર્ડ સ્વીકાર્ય છે . હોટેલમાં ચેક ઇન થાવ ને ક્રેડીટ કાર્ડ સ્વૈપ કરીને જેવા રૂમમાં આવો કે એક ફોન આવે કે તમારા ક્રેડીટ કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ છે પ્લીઝ ડીટેલ ફરી આપો . મોટાભાગના કિસ્સામાં આ ડીટેલ કા તો સ્ટોર કરીને પછીથી છેતરપીંડીમાં ઉપયોગમાં લેવાય છે અથવા તો ફ્રોડની ખબર પડતા જેવી તમે હોટેલ ને ફરિયાદ કરો તો એ હાથ ઊંચા કરી ને કહી દેશે કે અમે કોલ નથી કર્યો અને ઘણા કિસ્સામાં એમને ફોન નથી જ કર્યો હોતો પણ તમારી ડીટેલ પરથી આ ભેજાબાજો આવા કોલ કરી નાખે છે . રેસ્ટોરન્ટના બીલ ફોલ્ડરમાં મોટા ઉપાડે કાર્ડ મુકતા પહેલા જોઈ લેજો કે કે ક્યાંક કાઉન્ટર પર કાર્ડ ડુપ્લીકેટીંગ મશીન તો નથી ને ? બધી જ રેસ્ટોરન્ટમાં નહિ પણ ઘણા કિસ્સાઓમાં કાર્ડનું ક્લોનીંગ થતું હોવાનું જોવા મળેલ છે .

ઓનલાઈન શોપિંગનો મહિમા વધતો જાય છે . લોકોને ઘરે બેઠા દુનિયાભરની શ્રેષ્ઠ ચીજો માઉસના એક ક્લિક પર મળતી થઇ છે અને વધુ ને વધુ લોકો ઓનલાઈન શોપિંગ કરતા થયા છે તો આવી ગીરદીનો છેતરબાઝો ફાયદો નાં ઉઠાવે તો જ નવાઈ ? ઘણી વાર તમે સર્ફિંગ કરતા હોવ ત્યારે પેનલમાં કે બોટમ પર અથવા તો સ્ક્રીન વચ્ચે લબુક ઝબુક થતી કોઈ શોપિંગ સાઈટની જાહેરાત આવતી રહે છે . વારંવાર માથે મરાતી આ સ્લાઈડમાં કોઈ વસ્તુની લોભામણી જાહેરાત તમને આકર્ષતી રહે છે ને ઘણા એને ક્લિક કરી પણ બેસે છે . ૧૦૦માંથી ૩૦ કિસ્સામાં આમાંથી મોટાભાગની ક્લિક તમને એક ક્લોન પેજ પર લઇ જાય છે . અદ્દલ અસલ શોપિંગ સાઈટ જેવા જ પેજ પર જો ભૂલે ચુકે તમે લલચાઈને શોપિંગ પ્રક્રિયા પૂરી કરો તો બની શકે કે તમારી કાર્ડ ડીટેલને આધારે ટૂંક સમયમાં જ તમારા નામે કોઈએ ખરીદેલી વસ્તુઓનું બીલ ચૂકવવાનું આવી શકે છે .

મોટાભાગના ઓનલાઈન ફ્રોડમાં ઇમેલનો ઉપયોગ વધુ થાય છે . વારંવાર તમારા ઇમેલમાં હોએક્ષ મેલ આવતા જ રહે છે . તમને લાખો પાઉન્ડની લોટરી લાગી છે કે પછી કોકા કોલા કે પેપ્સી જેવી કંપનીમાં જોબ માટે તમે સિલેક્ટ થયા છો એવી માહિતી સાથેના ઇમેલમાં તમારી બેંક ડીટેલ પુછાતી રહે છે . સમજદાર કે ઈન્ટરનેટ જગતથી પરિચિત લોકો તો આનાથી દુર રહે જ છે પણ ભારત ના અંતરિયાળ કે ગામડામાં વસતા લોકો કે ગરીબ એશિયન દેશોના ઇમેલ યુંઝ્ર્સો કઈ એટલા બુદ્ધિવાન નથી હોતા કે એમને આવી છેતરપીંડી વિષે ચોક્કસ માહિતી નથી હોતી .બસ આ જ તો છે આ લોકોના ઇઝી ટાર્ગેટ . આપણે ઘણી વાર એકદમ સુશિક્ષિત લોકો પણ આના ભોગ બન્યા હોય એવા સમાચારો વાચતા રહીએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે કે આ કેમ ભોળવાઈ ગયા હશે પણ અસલમાં આ ભેજાબાજો એટલી બધી સોલીડ રીતે અને તમે માની જ લો એ ભાષામાં કે વિગતો સાથેના મેલ મોકલે કે ભલભલા એમાં ફસાઈ શકે છે . એક વાર તમે આપેલા ફોન નમ્બર પર કે ઇમેલ પર સમ્પર્ક કર્યો એટલે આ શાતીર દિમાગોની આટીઘુટીમાં ફસાવાના ચાન્સીસ વધતા જાય છે . ઘેર બેઠા જોબ મેળવો એવી ઓફરો સાથેના ઇમેલમાં તમારે કોઈ સાઈટ પર મેમ્બર બની ને ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા મેમ્બર ફી ભરવાની હોય છે . થોડા દિવસો અષ્ટમ પષ્ટમ જોબ ઓફરો પણ આવે પણ પછી બધું છું , ઇવન જ્યાં તમે મેમ્બર થાય હો એ પેજ પણ મેઈન્ટેનન્સના બહાના નીચે બંધ આવે ત્યારે તમને છેતરાયાની ખબર પડે અને એમ વિચારી ને પડતું મુકો કે ૫૦૦ - ૧૦૦૦માં આપણું કાઈ તૂટી નથી ગયું પણ વિચારો કે આવા કેટલા લોકોના ૫૦૦-૧૦૦૦ ભેગા કરો તો આકડો ક્યાં પહોચે ?

વિશ્વમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે . ભારત જેવા એશિયન દેશોમાં એક થી વધુ નમ્બર રાખવા ફેશન થતી જાય છે .એ જ રીતે વિશ્વમાં સ્માર્ટ ફોનની સંખ્યા વધતી જાય છે . દર ત્રીજા હાથમાં એક સ્માર્ટ ફોન રમતો જોવા મળે છે . મોટાભાગના સ્માર્ટ ફોન યુઝર્સ બેન્કિંગથી લઇને ઘણી બધી આર્થિક કે સોશિયલ બાબતો ફોન થ્રુ જ કરતા થઇ ગયા છે ત્યારે લેખની શરૂઆતમાં લખ્યા એવા બનાવો વધુ બની રહ્યા છે . લોટરી લાગી , નોકરી મળી કે કોઈ ગીફ્ટ મળી છે એવા મેસેજોથી લોકોને છેતરવાનું આમ બનતું જાય છે . આ ઉપરાંત ઘોસ્ટ મિસ કોલ નામનું એક નવું તુત પણ ચાલુ જ છે . વિદેશના કોઈ નમ્બર પરથી અથવા કોઈ પ્રાઈવેટ નમ્બર પરથી તમને વારંવાર મિસ કોલ કરવામાં આવે છે ને જેવો તમે કોલ બેક કરો તો તમારા ફોન બેલેન્સ માં ઘટાડો અથવા તો પૂરું ને પૂરું મોબાઈલ બેલેન્સ ટ્રાન્સફર થવાના બનાવો વધતા જાય છે . મોટાભાગે આ ઘોસ્ટ મિસ કોલ નાઈજીરિયા જેવા કે યુરોપના નાના દેશોમાંથી થતા હોય છે . VOIP ની મદદથી કોલ કરનારનો નમ્બર ટ્રેસ કરવો મુશ્કેલ એટલા માટે બને છે કે એ તમારાથી લાખો કિલોમીટર દુર કોઈ અજાણ્યા ટાપુ કે દેશ માં કોમ્પ્યુટર પર બેઠો બેઠો આ લીલા કરતો હોય છે .

ફેસબુક , ટ્વીટર જેવી લોકપ્રિય સોશિયલ સાઈટોના તમારા ઈનબોક્ષમાં કોઈ ખુબસુરત યુવતી મેસેજ મુકે છે કે મને તમારામાં રસ છે આપણે સારા મિત્રો બની શકીશું એવું મને લાગે છે , હું ફલાણા દેશની અમુક લાખો ડોલરની આસામી છું ને એવું બધું વાચી ને ઘણાના ડોળા ચાકળ વાકળ થાય છે ને જેવા પેલી એ મેસેજમાં આપેલા ઇમેલ પર જવાબ મોકલો કે છેતરબાઝોની બીજી ટીમ હરકતમાં આવી જાય છે અને પછી એ જ યેન કેન પ્રકારે તમારા બેંક એકાઉન્ટ કે કાર્ડ્સની વિગતો મેળવવી જ એમનું આખરી કામ હોય છે . હસીનાથી શરુ થયેલી આ સફર તમારા પૈસાને પગ આવવા સાથે જ પૂરી થાય છે . હવે તો જીમેલ , યાહુ કે ફેસબુકમાં વિડીઓ કે ફોન કોલની પણ સગવડ છે . કોઈ હસીનાનો અચાનક તમારા પર ફોન આવે છે અને એ તમને તમારા નામ થી જ બોલાવીને ધીરે ધીરે મીઠી મીઠી વાતોમાં ફસાવતી જાય છે ત્યાં સુધી કે જ્યાં સુધી તમે એની કોઈ લોભામણી ઓફર કે સાથના બદલામાં તમારી બેંક કે આર્થિક માહિતીઓ આપી દયો ત્યાં સુધી . એક વાર માહિતી મળી ગઈ કે પત્યું પછી બીજી વાર કોલ આવવો હરામ . જો ફેસબુકથી ફોન થયો હોય તો પ્રોફાઈલ પણ ડીલીટેડ જોવા મળશે .

મોટાભાગે તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય , ક્રેડીટ કાર્ડ એપ્લાય કર્યું હોય , કોઈ ઇવેન્ટમાં ઇમેલ કે મોબાઈલ નમ્બર નાખ્યો હોય એવી બધી જગ્યાએથી તમારા ને તમારા જેવા બીજા લોકોના ડેટાનું વેચાણ કરવાનો ધીકતો ધંધો વિશ્વભર માં ચાલી રહ્યો છે . આવા જ ડેટાને આધારે કોઈ કોલ સેન્ટરમાંથી તમને બીજા ક્રેડીટ કાર્ડ માટે કે કોઈ ટુર પેકેજ માટે કે પછી કોઈ ઇનામ જીત્યાના સમાચારો આવી પડે છે . પહેલી નજરે તો તમે ય વિશ્વાસ નાં જ કરો પણ મફતનું મેળવવાની લાલચમાં જો એની ચલ્બાઝીમાં આવી જાવ તો ગયા કામથી . હવે તો લેન્ડલાઈન પર પણ આવા ફોનોની સંખ્યા વધતી જાય છે . બેંકમાંથી મળેલા ડેટાને આધારે કોલ કરનાર બેંકના નામે જ વાત કરે એટલે વિશ્વાસ બેસી જ જાય . લેન્ડલાઈન પર મોટે ભાગે બપોરે જ આવા કોલ્સ આવે છે કેમકે એ વખતે ઘરમાં મહિલા સભ્ય જ હોય છે અને એમની પાસેથી માહિતી કઢાવવાની શક્યતા વધુ રહે છે . મોબાઈલ પર પણ મોટાભાગે આવી છેતરપીંડી એસએમએસ થી વધુ થાય છે જો મેસેજ મોકલનારને પ્રત્યુતર મળતો રહે તો એ ધીરે ધીરે મેસેજથી કોલ તરફ પ્રયાણ કરે છે અને મોબાઈલ યુઝર્સમાંથી મોટાભાગના એટલા ચાલક કે ચતુર નથી હોતા જેથી આસાનીથી વાતોમાં આવીને ક્યાં તો બેંક ડીટેલ અથવા તો છેતરબાઝોએ સુચવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા સુધી ગફલતો કરી બેસે છે .

કરવું શું તો ? છેતરપીંડી કરનારાઓ દિવસે દિવસે નવી નવી યુક્તિઓ અજમાવતા રહે છે . એનાથી બચવા થોડું ધ્યાનમાં રાખવું જરૂરી છે . ક્યારેય પર તમારા ઇમેલમાં કોઈ બેંક તરફથી લોગીન કે પાસવર્ડ બદલવાનું કહેવામાં આવે કે જરૂરી માહિતી મંગાવવામાં આવે તો જે તે બેંક નો સમ્પર્ક કરવો નહિ કે તરત જ ઇમેલના જવાબમાં માહિતી મોકલવી કે આપેલી લીંક ઓપન કરીને લોગીન થવું . બેંકો કયારેય ઇમેલથી એમના ગ્રાહકો પાસે આવી માહિતી મંગાવતી નથી જ એ ધ્યાન રાખવું . ક્રેડીટ કાર્ડના ક્લોનથી બચવા રેસ્ટોરન્ટમાં બીલ કાઉન્ટર પર જાતે જઈને ચૂકવવાનો આગ્રહ રાખવો . બધી જગ્યાએ ફ્રોડ નથી હોતું પણ કાર્ડ ક્લોન થવાની શક્યતા તો રહેલી જ છે . ઓનલાઈન શોપિંગ વખતે શોપિંગ સાઈટનો બરાબર અભ્યાસ કરવો .સસ્તું આપે છે એની લાલચમાં નહિ પણ એ જ વસ્તુ બીજી સાઈટો પર શું ભાવે છે એ ચેક કરવું જો આસમાન જમીનનો ફેર હોય તો તમે જે સાઈટ પર શોપિંગ કરવા માંગતા હો એના ફોન નમ્બર પર ફોન કરીને ખાતરી કરી લેવી . કોઈ ટેલીકોલરનો ફોન આવે ને તમને કોઈ ગીફ્ટની બદલામાં કોઈ કાર્ડ કે હોલીડે પેકેજ લેવાની વાત કરે તો ઉતાવળે હા નાં પાડી દેવી . બને ત્યાં સુધી એને લેખિતમાં ઇમેલ પર ઓફર મોકલવાનું કહેવું તમે જોજો ૧૦૦% એ લોકો ઇમેલ કરવાની નાં જ પાડશે . એટલું યાદ રાખવું કે લેપટોપ , મોબાઈલ કે કોઈ બીજી વસ્તુ કોઈ મફત નથી આપતું .હમેશ બેંક એકાઉન્ટ કે ક્રેડીટ કાર્ડ બિલ્સ ચેક કરતા રહો અને જેવી કોઈ ખોટા વહેવારો નજરે પડે તો બેંકમાં ફરિયાદ કરો . બેંક આનું વળતર આપવા બંધાયેલી છે .ક્યારેય પણ ઇન્ટરનેશનલ નમ્બર પરથી આવેલા મિસ કોલને કોલ બેક નાં કરો .ખાસ કરીને પ્રીપેડ કાર્ડ વાપરતા હોવ તો આ વસ્તુ વધુ જોખમી છે . મહત્વનું છે કે કોઈ લાલચમાં આવ્યા વગર બને એટલી વધુ પૂછપરછ કે તપાસ કરવી જરૂરી છે બાકી દિવસે ને દિવસે આવી ઓનલાઈન ઠગાઈઓની નવી ને નવી તરકીબો આવતી જ રહેવાની એટલે બહેતર છે કે આવી બાબતોમાં એક ચોક્કસ વલણ અને નીતિ અપનાવવી જેથી ક્યારેક મોટું આર્થિક નુકશાન નાં થાય .

નોર્ટન રીપોર્ટ ,મુજબ ભારતમાં આવા ઓનલાઈન ફ્રોડ ને લીધે રૂપિયા ગુમાવવાનો રેશિયો માથાદીઠ ૧૦૦૦૦ રૂપિયા છે અને જુલાઈ ૨૦૧૩ સુધીમાં ભારતના લોકોએ આવી રીતે ગુમાવેલા રૂપિયાનો ટોટલ હતો ૪૦૦ કરોડ