મોજીલી દિવાળી
અનુક્રમણિકા
૧. ધનતેરસ
૨. કાળીચૌદશ
૩. દિવાળી
૪. બેસતું વર્ષ
પ્રસ્તાવના
દિવાળી નો તહેવાર આવે તેની આસપાસ પણ ઘણા તહેવારો આવતા હોય છે અને છેલ્લે જાણે છ બોલ માં છ રન કરવાના હોય એવીરીતે દિવાળી નો તહેવાર આવતો હોય છે દરેક તહેવાર અને તેની સાથે જોડાયેલા વહેવારનું એક આગવું મહત્વ હોય છે. સામાન્ય રીતે તહેવાર ને આપણે ખુબ જ ગંભીરતાથી લેતા હોઈએ છીએ પણ અહી તમને લોકો ને તહેવારોમાં પણ કેવી રીતે હાસ્ય છુપાયેલું છે તે વાંચવા તથા માણવા મળશે તો આ ઈ-બુકમાં આપણે જાણીશું અને માણીશું આ તહેવારો ઉજવવાની સ્ટાઈલ એકદમ અલગ રીતે .
૧. ધનતેરસ
સૌથી પહેલા ધનતેરસ આવતી હોય છે જેમાં લોકો લક્ષ્મીની પૂજા કરતા હોય છે પણ આ તહેવાર લક્ષ્મી પૂજા કરતા વધારે આ બાબત નાં યંત્ર અને લોકેટ વેચવા વાળા માટે વધારે મહત્વનો થઇ ગયેલો હોય છે. એ લોકો તમને બરફીલા પ્રદેશોમાં પણ એ.સી વેચી જાય એવા હોય છે. મોટાભાગે એવા લોકો કે જે પોતે એક્ટિંગ કેરિયર માં બેકાર બેઠા હોય છે પણ તમને આ યંત્ર પેહરવાથી રોજગારી મળી જશે અને તમારી દિવાળી સુધરી જશે એવું સમજાવે એટલે તરત જ આપણા લાલચી મનમાં વગર દિવાળીએ પણ ફટાકડા ફૂટવા લાગે છે પછી આવે છે દિવાળી સેલ વાળા કે જયા દિવાળી ધમાકા કરીને ૫૦ % ડિસ્કાઉન્ટ લખ્યું હોય એટલે આપણી નજર ત્યાંથી ખસતી નથી અને આ સેલ ની જાહેરાતો જોડે જોડે ધનતેરસ નાં દિવસે દરેક આઈસ્ક્રીમ કંપનીઓ મફતનાં ટીફીન અને એરટાઈટ કન્ટેનર આપવાની વાતો કરે છે જે આપણ ને આઈસ્ક્રીમ કરતા પણ ગળ્યા લાગે છે. લાઈનો માં ઉભા રહીને આપણે આઈસ્ક્રીમની ખરીદી કરીએ છે જેને ધનતેરસ નાં તહેવાર જોડે કોઈ લેવા દેવા નથી અને કોઈ શાસ્ત્રમાં એવું લખેલું નથી કે ધનતેરસનાં દિવસે તમારે આઈસ્ક્રીમ ખાવો ફરજીયાત છે, શાસ્ત્રો માં એવું પણ ક્યાય લખ્યું નથી કે ધનતેરસ નાં દિવસે ગાડી છોડાવી પડે પણ જે લોકો ગાડી નાં છોડાઈ શકે એ લોકો બાઈક ને જ ગાડી કહીને ખરીદી લેતા હોય છે અને આવા ગાડી છોડાયેલા લોકોનાં કારણે આપણે બારેમાસ આપણું ધન ખર્ચીને બળતા પેટ્રોલમાં ટ્રાફિકમાં ઉભા રહેવું પડતું હોય છે . આવું બધું પત્યા પછી મૂળ મુદે આપણે ધન ની પૂજા અર્ચના કરીએ છીએ. પહેલાનાં સિક્કા પૂજવા યોગ્ય હોય છે પણ જ્યારથી પાંચ અને દસની નોટો આવી એ પેહલે થી જ ફાટી જવા આવી હોય છે તેમ છતાં આપણે એની પૂજા કરીએ છીએ ભાવનગરમાં તો વર્ષો થી કોથળીમાં ટુકડા પેક કરીને પાંચની નોટ તરીકે ચલણમાં છે અને એ લોકો એ કોથળી પર જ કંકુ-ચાંદલા કરી દેતા હોય છે. આમ ને આમ આપણી ધનતેરસ પૂરી થાય છે.
૨. કાળીચૌદશ
બીજા દિવસ આવે છે કાળીચૌદશ જેમાં સૌથી પેહલા તો લોકો ફેસબુક પર કુંડાળા સમાન પોસ્ટ માં કે ફોટા માં તમને ટેગ કરીને જતા રહ્યા હોય છે આવા ગુડમોર્નિગ અને ગુડનાઇટ નાં ફોટા માંથી ટેગ થતા તમને રસ્તા પર મુકેલું વડુ પણ બચાવી શકતું નથી એના માટે તમારે જાતે જ બ્લોક રૂપી વડુ દરેક ચાર રસ્તે એટલે કે દરેક પોસ્ટ પર મુકવું પડે છે, વખત જતા મને લાગે છે કે ફેસબુક પર પણ તાંત્રિકો
ની જાહેરાત કૈક આવી રીતે આવશે
જુના અને જાણીતા ફેસબુક તાંત્રીક કાલે
સ્મશાનમા એન.એ , એન.ઓ.સી , ટાઇટલ ક્લીયર જગ્યામા
તંત્ર સાધના માટે બેસવાના છે
તો ટેગ વાગવુ , લાઇક ના મળવુ , ધારી વ્યકતીની કોમેન્ટ ના આવવી
કવિતાઓમાં પ્રાસ ના બેસવો , ફ્રેંડ રીકવેસ્ટ પેન્ડીગ પડી રહેવી ,
વગેરે તમામ સમસ્યાઓના સમાધાન માટે તમારૂં નામ આજે જ બુક કરાવો
અમારુ કરેલુ કોઇ તોડી આપે તો રૂપીયા પરત
૧૫૧% કામ ની ગેરન્ટી, મહીલાઓ માટે ખાસ મોબાઇલ ફોન બુકીગ ની સુવીધા
૨૪ કલાક મા તમારા બેન્ક બેલેન્સ નુ નિરાકરણ લાવી આપવામા આવશે.
મોટા ભાગનાં તાંત્રિકો આ દિવસે પૂજા અર્ચના કરવા માટે સ્મશાનમાં ધામા નાખે છે. સ્મશાનમાં માણસોની એટલી સંખ્યા વધી જાય છે કે ત્યાં રહેલા ભૂતો કાળીચૌદશે આપણે ચાર રસ્તે મુકેલા વડા ખાઈને ઉજવે છે. કહેવાય છે કે કકળાટ વાળા કુંડાળામાં તમારો પગ પડે તો આખું વર્ષ કકળાટ રહે છે, મોટા ભાગનાં પતિઓ આવા કુંડાળામાં બેસીને પરણ્યા હશે જેથી આખી જીદગી એમને કકળાટ રહ્યા કરે છે. કાળીચૌદશ માં લોકો નજરનાં લાગે એના માટે કાળી મેશ આંખમાં આંજે છે જો આ જ રિવાજ વેસ્ટઇન્ડીઝ માં હોત તો એ લોકો કોલ્ડક્રીમ લગાવીને નજર લાગવાથી પોતાનો બચાવ કરતા હોત. બારેમાસ “અમારૂં કરેલું કોઈ તોડી આપે” એવી જાહેરાત કરતા તાંત્રિકો માટે આ ફેસ્ટીવલ તોડ કરવાનો સોરી અમારું કરેલું કોઈ તોડી આપે એવી જાહેરાત કરવાનો સુનહરો અવસર છે. બીરબલ બાબા જે ખુરશીમાં બેસી રહે છે અને લોકો ને પાણીપુરી ખાવાથી કૃપા થશે એવી સલાહ આપે છે એ લોકો ખાસ પેકેજ પણ આવા ફેસ્ટીવલમાં ઓફર કરતા હોય છે. તાંત્રિકો પણ જો આવી પૂજા કરાવો તો સામે ખોપડી વાળી પૂજા-અર્ચના ફ્રીની સ્કીમો કાઢતા હોય છે. છેવટે કાળી ચૌદશ એ એવો તેહવાર છે કે તમે ગમ્મે તે પ્રયત્ન કરો ગમ્મે તે સેલિબ્રેશન કરો આ તહેવાર તમારા આગામી વર્ષ માટે નો કઇક કકળાટ મુકતો જાય છે.
૩. દિવાળી
પછી આવે છે આપણો મુખ્ય તહેવાર દિવાળી, જેમાં આપણે ચોપડા પૂજન કરીએ છીએ. ખરેખર તો હવે મોટા ભાગે લેપટોપ પૂજન થતું હોય છે કેમકે બધા કાળા ધોળા ચોપડા, લેપટોપ કે કોમ્પ્યુટર માં હોય છે એ પણ પાયરેટેડ સોફ્ટવેર દ્રારા નિભાવતા હોય છે. તો પણ આપણે શ્રધ્ધા પૂર્વક એની પૂજા કરીએ છીએ પછી ફટાકડા ફોડીએ છે. ફટાકડા ફોડતા પહેલા બોલીવુડનાં મોટા સેલિબ્રિટી આપણને ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખવું એ સમજાયું હોય છે. અમે પણ તમને એક સમજણ આપી દઈએ યાદ રાખો જો તમે મોટા ધડાકા વાળા ફટાકડા ફોડતા હો તો ફટાકડા ફોડતી વખતે પેન્ટ ની અંદર ચડ્ડી નો કલર ‘’પીળો’’ રાખવો હિતાવહ છે . ઘણા ફટાકડા લેખકો જેવા હોય છે જે સમયસર ફૂટતા નથી તમે જાતે જઈને લાત મારો ત્યારે ફૂટે છે આવા ફટાકડા થી તો ખાસ સંભાળવું, ફટાકડા ફોડવાનાં ઉદ્દેશથી મોટાભાગનાં લોકો એ દારૂબંધી હોવાથી ફક્ત દારૂની કાચની બોટલો રોકેટ ફોડવા સંઘરી રાખી હોય છે જે આ તહેવારે સખત કામમાં આવે છે. યાદ રાખો દારૂ ની બોટલ માં ફોડેલાં રોકેટ નું આડું અવળું જવાનો ચાન્સ સાદી બોટલ કરતા ઓછો છે. દિવાળી માં બીજી સૌથી મોટી જફા હોય તો એ હોય છે કે સરસ મજા ની રંગોળી થયા પછી તેને બેસતા વર્ષ સુધી કઈ રીતે સાચવવી? જેથી બેસતા વર્ષે ઘરે આવનાર મહેમાનો ને તમારું ટેલેન્ટ તથા રંગ તથા દિવાઓ પાછળ તમે ખર્ચેલા રૂપિયા બતાવી શકાય, રંગોળી સાચવવા માટે કોઈ ઈન્સ્યોરન્સ કંપની પણ ઇન્સ્યોરન્સ નથી આપતી એ તમારે જાતે જ સાચવવી પડે છે અને આખો દિવસ સાચવ્યા બાદ તમારો પોતાનો પગ જ એ રંગોળી પર પડે છે.
૪. બેસતું વર્ષ
નવા વર્ષની આ શરૂઆત છે. ખબર નહી હજુ આગલી રાત્રે મોડે સુધી ફટાકડા ફોડીને સુતા હોઈએ ત્યાંજ બીજા દિવસની સવાર પડી જાય છે. સવારે વહેલું ઉઠવું જ પડે છે જો મોડા ઉઠો તો આખું વર્ષ મોડા પડશો એવું કેહવાય છે અને તમારે સવારે વહેલાં ના પણ ઉઠવું હોય તો સબરસ વેચનારા અને તોરણ વેચનારા બુમો પાડીને તમને વેહલા ઉઠાડીજ મુકે છે. પછી શરૂ થાય છે એકબીજાનાં ઘરે મળવા જવાનો પ્રોગ્રામ. ખરેખર તો આ મળવા જવાનું એટલે રાખવામાં આવ્યું હશે કે કોના ઘરે દિવાળીમાં શું સાફ સફાઈ થઇ છે એનું ઇનસ્પેકશન જેવું કઈક હશે. પછી એકબીજા નાં ઘરે જઈને આશીર્વાદ મેળવવાના. નાના હતા ત્યારે આવા જ આશીર્વાદ એ આખા વર્ષ ની કમાણીનું મુખ્ય સાધન હતું, મોટા ભાગના લોકોના ઘરે મઠીયા અને ઘૂઘરા જ બનાયેલા હોય તોય એકબીજા ને સારું લાગે એવી રીતે ખાવું પડે અને વખાણ કરવા પડે, દૂધની મીઠાઈ તમારી આગળ મુકે તો એવું કહેવું પડે કે બહુ જ સરસ છે અને બીજા ઘરે જઈએ અને એ દૂધ સિવાય ની મીઠાઈ તમારી આગળ મુકે તો કહેવું પડે કે દૂધ ની મીઠાઈ તો લવાતી હશે આજકાલ તો કેટલી ભેળસેળ છે, આવી રીતે વાત ચાલુ રાખવી પડે જ્યાં સુધી જેના ઘરે ગયા હોય એ ખિસ્સામાં હાથ નાખી આપણને આશીર્વાદ (રૂપિયા) નાં આપે ત્યાં સુધી. ભલે ગમે તેટલા રૂપિયા આપે આટલા બધા તો કાઈ હોતા હશે બસ આશીર્વાદ આપો એવું બોલતા બોલતા રૂપિયા ખિસ્સામાં મૂકી ને ઘરે પાછું આવતું રહેવાનું હોય છે અને આવાજ આશીર્વાદ માત્રૂભારતી નાં સર્વે વાચકો ને મળતા રહે એવી શુભેચ્છા સહ ‘’ સૌને નુતન વર્ષા અભિનંદન અને સાલમુબારક . ‘’
લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .